એક અજાણ્યા ગાંધીની આત્મકથા (નટવર ગાંધી)-પ્રકરણ-૪૪-હું સી.એફ.ઓ. થયો


હું સી.એફ.. થયો

વિલિયમ્સે જયારે સીએફઓની પોજીશન ઉપરથી રાજીનામું આપ્યું ત્યારે બેરી હજી મેયર હતો.  વિલિયમ્સને મેયર તરીકે ચૂંટાવાને અને પોતાની કેબીનેટની પસંદગી કરવાને  હજુ ચારેક મહિનાની વાર હતી.  ત્યાં સુધી ઇન્ટરીમ સીએફઓની નિમણુંક કરવાની હતી.  એ માટે જે થોડાં નામ બોલાતાં હતાં, તેમાં એક મારું નામ હતું.  વિલિયમ્સના એક અગત્યના ડેપ્યુટી તરીકે, અને ટેક્સ કમિશ્નર તરીકે મારી ખ્યાતિ વોશીન્ગટન બંધાઈ ગઈ હતી. પણ બેરી કોઈ કાળા માણસને જ સીએફઓ બનાવશે એની અમને બધાને ખબર હતી. વધુમાં એને નબળો સીએફઓ જોતો હતો.  બેરીએ મારા જ એક સાથી અને ડિસ્ટ્રિકનો કમ્પટ્રોલર જે વિલિયમ્સનો ડેપ્યુટી હતો તેને સી.એફ.ઓ. નીમ્યો. એ કાળો હતો. વાત વર્તનમાં ઢીલો એટલે બેરીને ફાવે તેમ હતો.  અમને બધાને રાહત થઈ કે આ નવા સીએફઓને અમે ઓળખીએ છીએ. વળી એ ઇન્ટરીમ છે. અમે બધા એમ જ માનતા હતા કે થોડા જ મહિના પછી થનારી મેયરની ચૂંટણીમાં વિલિયમ્સ જ ચુંટાશે. પછી એ પોતાનો સીએફઓ નીમશે.

વિલિયમ્સનું મેયર તરીકે ચૂંટાવું એ ડીસ્ટ્રીકના રાજકારણમાં એક અસાધારણ ઘટના હતી.  ડીસ્ટ્રીક અને બીજાં મોટાં શહેરોમાં અત્યાર સુધી જે કાળા મેયર ચૂંટાતા તે મોટે ભાગે 1960ના દાયકામાં અહીંની સિવિલ રાઈટ્સની ઝુંબેશના નેતાઓ હતા.  એ બધા પોલીટીશીયન, 50-60ની ઉમ્મરના. કૉલેજમાં બેચલર સુધી ભણેલા હોય તો યે ઘણું ઘણું.  કેટલાકે તો ભણવાનું છોડીને સિવિલ રાઈટ્સની ઝુંબેશમાં ઝંપલાવેલું.  વિલિયમ્સ એ બધા કરતાં ઉમ્મરમાં એકાદ દસકે નાના.  ભાગ્યે જ કોઈ એમને પોલીટીશીયન ગણે. સ્વભાવમાં શાંત, શરમાળ અને ઓછા બોલા. એમના માબાપે આખી જિંદગી પોસ્ટ ઑફિસમાં કામ કર્યું.  વિલિયમ્સ તો એમનો–અડોપ્ટેડ–સાવકો છોકરો હતો.  બાળપણમાં પોતાની અનાથ દશાથી છોકરો એટલો તો હેબતાઈ ગયો હશે કે એ ભાગ્યે જ કાંઈ બોલતો.  માબાપને થયું કે છોકરો કદાચ મૂંગો બહેરો છે.  ધીમે ધીમે એ બોલતો થયો. સાવકા માબાપે એની વ્યવસ્થિત સંભાળ લીધી, ભણાવ્યો. વિલિયમ્સ ભણવામાં હોશિયાર નીકળ્યા.  અમેરિકાના કાળા પોલીટીશીયન મેયરોમાંથી ભાગ્યે જ કોઈ વિલિયમ્સ જેટલું ભણેલું હશે.  અહીંની વિશ્વ વિખ્યાત યુનિવર્સિટીઓ–યેલ અને હાર્વડ–માંથી ડીગ્રીઓ મેળવી હતી.  એમાં ય હાર્વડમાંથી તો બે ડીગ્રીઓ લીધી–લો ડીગ્રી અને પબ્લિક અફેર્સની ડીગ્રી.

વિલિયમ્સે સિવિલ રાઈટ્સની ઝુંબેશમાં ભાગ નહીં લીધેલો.  બીજા પોલીટીશીયન કરતાં  સાવ જુદા.  એમની બોલચાલમાં પણ એ કાળા લોકોથી જુદા પડી જતા. એમનું હળવા મળવાનું પણ બહુધા ગોરા લોકો સાથે થતું.  એમનો ઉછેર, એમનું ઉચ્ચ કક્ષાની સ્કૂલનું શિક્ષણ, સિવિલ રાઈટ્સની ઝુંબેશમાં તેમનો અભાવ–આ બધાંને કારણે કાળા લોકોમાં વિલિયમ્સ લોકપ્રિય તો નહીં જ.  વધુમાં એમણે જે ટેક્સ ઑફિસમાંથી રીઅલ પ્રોપર્ટી ટેક્સેશનના ઘણા બધા કર્મચારીઓને એક સાથે રજા આપી હતી તે કારણે ડીસ્ટ્રીકની કાળી પ્રજામાં એમના પ્રત્યે તીવ્ર અણગમો, હોસ્ટીલીટી હતા.

એમની કેબિનેટમાં એમણે અગત્યની પોજીશીન ગોરાઓને આપી એ વાત કાળી પ્રજામાં અસહ્ય બની ગઈ.  કાળા લોકોની બહુમતિવાળા ડીસ્ટ્રીકમાં ધોળા લોકોને અગત્યના જોબ્સ મળે તે કેમ ચલાવાય?  આ શહેર કોનું છે?  ગોરાઓનું કે કાળાઓનું?  વિલિયમ્સ સામે એક ઝુંબેશ શરૂ થઈ.  શહેરની કાળી પ્રજામાં એમ પણ પ્રશ્ન ઊભો થયો કે Is Williams Black Enough? શહેરમાં હો હા થઈ ગઈ.  વિલિયમ્સના પોલીટીકલ સલાહકારોએ એમને કહ્યું કે આ ઈલેકશન તો પત્યું, પણ ચાર વરસ પછી જો ફરી વાર ચુંટાવું હોય તો બહુમતિ કાળી પ્રજાનો વિશ્વાસ અને લોકપ્રિયતા એને પ્રાપ્ત કરવા સિવાય કોઈ છૂટકો નથી.  કેબિનેટમાં અગત્યની પોજીશીનમાં કાળી વ્યક્તિ જ પસંદ કરવી જોઈએ.

જે ઇન્ટરીમ સીએફઓ હતો તેની જગ્યાએ હવે કોઈને પરમેનન્ટ નીમવાનો હતો. આવી અગત્યની જગ્યામાં કોઈ કાળી વ્યકિત જ પસંદ થવી જોઈએ એવી વાત વહેતી થઈ.  એ જ સમયે સ્ત્રીઓએ પણ વાત વહેતી મૂકી કે વિલિયમ્સે  હજી સુધી કોઈ સ્ત્રીને અગત્યની પોજીશન આપી નથી.  જ્યારે સીએફઓ તરીકે મારું નામ બોલાયું ત્યારે કહેવાયું કે ગાંધી તો ફોરેનર છે.  તમે ઘરના કાળા માણસો અને સ્ત્રીઓને મૂકીને આ બહારના માણસને આવા  અગત્યના હોદ્દા ઉપર મૂકો એ કેમ ચાલે?  જો કે એવું પણ કહેવાયું કે ડીસ્ટ્રીકનું નાણાંકીય તંત્રનું વ્યવસ્થિત સંચાલન થાય અને એ સમૃદ્ધ રહે એને માટે ગાંધી જેવા હોશિયાર માણસની જરૂર છે. આ બાબતમાં મેયરે કાળા-ગોરાનો નહીં, પણ આવડત અને એક્સપરટીસનો વિચાર કરવો જોઈએ.  કેટલાકે તો એમ માની જ લીધું કે વિલિયમ્સ ગાંધીને જ સીએફઓ તરીકે નીમશે.  આ ભ્રમમાં છાપાંમાં એવી હેડ લાઈન પણ આવી ગઈ!

જો કે ડીસ્ટ્રીકનો સીએફઓ કોણ થઈ શકે તેની આખરી જવાબદારી તો કન્ટ્રોલ બોર્ડની હતી.  કન્ટ્રોલ બોર્ડના અધિકારીઓને એમ હતું કે હું તો વિલિયમ્સનો મિત્ર છું અને તેથી હું  મેયરથી ઈન્ડીપેન્ડટ રહી શકું ખરો?  કન્ટ્રોલ બોર્ડના ચેરમેનનો વિચાર એવો હતો કે એમને જેનામાં વિશ્વાસ હોય એવી વ્યકિત સીએફઓ થવી જોઈએ. એમણે વાલેરી હોલ્ટ નામની કાળી સ્ત્રીની સીએફઓ તરીકે પસંદ કરી.  એ ત્યાં કંટ્રોલ બોર્ડમાં જ કામ કરતી હતી. વધુમાં એણે ચેરમેન સાથે ભૂતકાળમાં કામ કર્યું હતું. આ બધાં કારણોસર મેયરે વાલેરી હોલ્ટની નિંમણૂક કરી, અને એનું નોમીનેશન કાઉન્સિલમાં કન્ફર્મેશન માટે મોકલ્યું.

જેવું વિલિયમ્સે જાહેર કર્યું કે એ વાલેરી હોલ્ટને સીએફઓ તરીકે નીમવાના છે કે તરત એ નોમીનેશન સામે છાપાંઓમાં અને કાઉન્સિલમાં એનો વિરોધ શરૂ થઇ ગયો.  વિરોધ કરનારાઓનું કહેવું હતું કે હોલ્ટ 1990-1994 દરમિયાન જ્યારે ડીસ્ટ્રીકની કન્ટ્રોલર હતી ત્યારે એણે નાણાંકીય બાબતમાં બેદરકારી રાખી હતી.  એણે કાઉન્સિલને ચોક્કસ અને સાચી માહિતી નહોતી આપી. એની આ બેદરકારી પણ શહેરને ફડચામાં લઈ જવામાં જવાબદાર હતી. આ કારણે કાઉન્સિલે હોલ્ટનું નોમીનેશન કન્ફર્મ ન કર્યું.  આ બધા વિરોધ છતાં કન્ટ્રોલ બોર્ડના આગ્રહને કારણે આખરે વાલેરી જ સીએફઓ થઇ.

જો કે વિલિયમ્સને ખબર હતી કે મારાં લાયકાત અને અનુભવ વધુ હતાં. એમણે મને કહ્યું પણ ખરું કે એમની ઈચ્છા ઘણી કે હું સી.એફ.ઓ. થાઉં, પણ એમની ઉપર પોલીટીકલ પ્રેશર એટલું બધું હતું કે એને કોઈ કાળા માણસ અને એમાંય કાળી સ્ત્રીને સીએફઓ તરીકે પસંદ કરવી પડશે. મને વિનંતી કરી કે હું આ બધું સમજુ અને ડીસ્ટ્રીક છોડીને બીજે કયાંય ન જાઉં. પરંતુ આ પ્રકારનો રંગભેદ મને કઠ્યો.  મેં તો નવો જોબ શોધવાનું શરુ કરી દીધું.  હું જ્યારે જોબ છોડવા જેવું કોઈ અગત્યનું પ્રોફેશનલ પગલું હું ભરું તે પહેલાં  કેટલાક સલાહકાર મિત્રોને મળું અને મારે શું કરવું જોઈએ એ બાબતની ચર્ચા કરું.

મારા આવા એક સલાહકાર હતા ટેડ બરો.  અમે બન્ને સાથે જીએઓમાં હતા.  બરોએ પ્રેસિડેન્ટ નિક્સનના એક મદદનીશ તરીકે વ્હાઈટ હાઉસમાં કામ કર્યું હતું.  સિક્યુરીટીજ ઍન્ડ એક્ષચેન્જ કમિશનમાં ચેરમેન બીલ કેસીના હાથ નીચે પણ કામ કર્યું હતું.  ફેડરલ ગવર્ન્મેન્ટમાં એમના કોન્ટેકસ જબરાં. અનેક રીપબ્લીકન સેનેટર અને કોંગ્રેસમેનને ઓળખે. બરોએ મને કહ્યું કે મારે ધીરજ રાખવી.  ડીસ્ટ્રીક ન છોડવું. ટેક્સ કમિશ્નર તરીકે મારી પ્રતિષ્ઠા બંધાઈ ગઈ છે.  ડીસ્ટ્રીક સીએફઓનું કામ એવું તો કોમ્પ્લેક્સ છે કે એમાં જેવા તેવાનું ગજું નહીં.  જાણે કે એ ભવિષ્ય ભાખતા હોય એમ કહે કે પોલિટીકલ કારણોસર ભલે હોલ્ટની નીમણૂક અત્યારે થઇ પણ એ કામ એ નહીં કરી શકે. વિલિયમ્સે છેવટે તારી આગળ આવવું પડશે. એને તારી આવડત અને એક્પરટીસની ખબર છે.

અને થયું પણ એવું જ!  જેવી હોલ્ટ સીએફઓ થઇ કે તુરત જ વિલિયમ્સે મહેનત અને કુશળતાથી જે સ્ટાફ ભેગો કર્યો હતો, તેમાંથી અગત્યના માણસો નીકળવા મંડ્યા.  સ્ટાફ મેનેજમેન્ટ માટે જે કૌશલ્ય અને ચાતુર્ય જોઈએ તે હોલ્ટ પાસે ન હતાં.  પણ હોલ્ટનો મોટામાં મોટો પ્રોબ્લેમ હતો “ક્લીન ઓડીટ”નો.  આગળ કહેવાયું છે  તેમ સીએફઓના જોબમાં સૌથી અગત્યની જવાબદારી દર વર્ષે ટાઇમસર ફેબ્રુઆરીની પહેલી તારીખ એન્યુઅલ રીપોર્ટ તૈયાર કરવાની અને ઓડીટર પાસેથી એ બાબતમાં “ક્લીન ઓડીટ”નું સર્ટીફીકેટ મેળવવાની હતી. એનો અર્થ એ થયો કે ઓડીટરના મત મુજબ ડીસ્ટ્રીકના ચોપડાઓ ચોખ્ખા છે અને એનો નાણાંકીય વ્યવહાર યોગ્ય રીતે થઈ રહ્યો છે.  ઓડીટર પાસેથી એ સર્ટીફીકેટ જો ન મળે તો તમારે ચાલતી પકડવી પડે.

“ક્લીન ઓડીટ” ઓપિનિયન ન મળે તો વોલ સ્ટ્રીટમાં બોન્ડ ઇસ્યુ કરવા મુશ્કેલ.  વધુમાં ડીસ્ટ્રીક હજુ કન્ટ્રોલ બોર્ડના હાથ નીચે હતું. મેયર અને કાઉન્સિલ ખાલી નામના હતા.  એમના અગત્યના પાવર્સ અને જવાબદારી કંટ્રોલ બોર્ડ પાસે હતા.  જ્યાં સુધી ડીસ્ટ્રીકને લગોલગ ચાર વરસ સુધી  “ક્લીન ઓડીટ” ઓપિનિયન ન મળે ત્યાં સુધી એ કન્ટ્રોલ બોર્ડના હાથ નીચે જ રહે.  વાલેરી હોલ્ટ આ અગત્યની ટેસ્ટમાં પહેલે જ વરસે નિષ્ફળ નીવડી. 2000ની પહેલી ફેબ્રુઆરી આવી અને ગઈ પણ ડીસ્ટ્રીકનું ઓડીટ પૂરું ન થયું.  ઓડીટર પાસેથી “ક્લીન ઓડીટ” ઓપિનિયન ન મળ્યો. કાઉન્સિલમાં, છાપાંઓમાં, વોલ સ્ટ્રીટમાં બધે જ  ઊહાપોહ થઇ ગયો.  વિલિયમ્સ ચેતી ગયા.  એણે  હોલ્ટને ગડગડિયું આપ્યું. મને કહ્યું કે સીએફઓ તરીકે તારી નીમણૂક કરું છું.  આમ 2000ના મે મહિનામાં હું ડીસ્ટ્રીકનો સીએફઓ થયો.  વોલ સ્ટ્રીટ તેમ જ ડીસ્ટ્રીકમાં આ સમાચાર વધાવી લેવાયા.  દેશમાં પણ નોંધ પણ લેવાઈ. કોંગ્રેસમાં મારી સીએફઓ તરીકેની નીમણૂકને ખુબ વખાણવામાં આવી.  કોંગ્રેસની અપ્રોપ્રિએશન કમિટીએ એના રીપોર્ટમાં નોંધ્યું:  “The Committee is extremely pleased that a person of his caliber and standing has been appointed Chief Financial Officer.”

અત્યાર સુધી હું ટેક્સ કમિશ્નર હતો.  ત્યાં મારા હાથ નીચે 600 જેટલા લોકો કામ કરતા હતા.  પણ સીએફઓ તરીકે એકાએક મારો સ્ટાફ વધીને બમણો થઈ ગયો.  આગળ જણાવ્યું તેમ આ હોદ્દામાં મારા હાથ નીચે ટેક્સ ઑફિસ તો ખરી, પણ હવે કમ્પ્ટ્રોલર, ટ્રેજરર, બજેટ ડાયરેક્ટર, પે રોલ, રેકોર્ડર ઑફ ડીડસ, લોટરી વગેરે અનેક ડીપાર્ટમેન્ટ આવ્યા.  આખાય ડીસ્ટ્રીકનો સઘળો નાણાંકીય વ્યવહાર મારે સંભાળવાનો હતો. નાણાકીય ક્ષેત્રે કામ કરતા 1200 જેટલા બધા જ લોકો હવે મારા હાથ નીચે. સીએફઓ તરીકે મારે પહેલું તો એ જોવાનું હતું કે દર ફેબ્રુઆરીની પહેલી તારીખે ડીસ્ટ્રીકના એકાઉન્ટ્સ તૈયાર થઈ ગયા હોય, એનું ઓડીટ થઈ ગયું હોય, અને ઓડીટર પાસેથી “ક્લીન ઓડીટ” ઓપિનિયન મળી ગયો હોય.  એ જો ન મળે શું થાય એ માટે વાલેરી હોલ્ટનો દાખલો મારી આંખ સામે ખડો હતો.

ડીસ્ટ્રીક પાસે જેમ આધુનિક ટેક્સ સીસ્ટમ નહોતી તેમ આધુનિક ફાઈનાન્સિયલ સીસ્ટમ પણ નહોતી.  નાણાંકીય વ્યવસ્થા એટલી તો ખરાબ હતી અને રેકોર્ડ્સ એવી કફોડી દશામાં રખાયા હતા કે “ક્લીન ઓડીટ”નો પ્રોબ્લેમ વરસે વરસનો હતો.  આ વરસે  “ક્લીન ઓડીટ” ઓપિનિયન મળ્યો એટલે એવી કોઈ ગેરન્ટી નહોતી કે આવતે વરસે પણ અમને  “ક્લીન ઓડીટ”નો ઓપિનિયન મળશે. મેં જે રીતે ટેક્સ ડીપાર્ટમેન્ટના કર્મચારીઓને ટ્રેનીંગ આપી અને નવી સીસ્ટમ ઇન્સ્ટોલ કરી તેવી જ રીતે ફાઈનાન્સના કર્મચારીઓને પણ ટ્રેનીંગ આપવાનું શરૂ કર્યું. નવી ફાઈનાન્સિયલ સિસ્ટમનો કોન્ટ્રેક વિલિયમ્સે આપેલો તેનું બરાબર ઈમ્પ્લીમેન્ટેશન કરવાનું હતું.  અત્યારે આ સીસ્ટમ અને ટ્રેનીંગ પછી “ક્લીન ઓડીટ” ઓપિનિયન મેળવવો રૂટીન થઈ ગયો છે.

દર વરસે આ “ક્લીન ઓડીટ” ઓપિનિયન મળ્યા પછી મારે સીએફઓ તરીકે ડીસ્ટ્રીકનું ડેલીગેશન લઈને વોલ સ્ટ્રીટમાં જવાનું.  ત્યાં બોન્ડ રેટિંગ એજન્સીઓને ડીસ્ટ્રીકના ફાઈનાન્સનું બ્રીફિંગ કરવાનું.  આ  ડેલીગેશનમાં મારો સીનિયર સ્ટાફ તો હોય જ, પણ સાથે સાથે મેયર અને એનો સીનિયર સ્ટાફ, કાઉન્સિલ ચેરમેન અને એનો સીનિયર સ્ટાફ એમ લગભગ પંદરેક માણસ હોય.  દર વર્ષે ડીસ્ટ્રીક એકાદ બિલીયન ડોલરના લોન્ગ ટર્મ બોન્ડ્સ અને 500 મીલીયન ડોલરના શોર્ટ ટર્મ બોન્ડ્સ ઇસ્યુ કરે તે ક્યાં વપરાશે, અને ડીસ્ટ્રીક કેવી રીતે વ્યાજ સાથે એ ચૂકવશે એ સમજાવાનું.  રેટિંગ એજન્સીઓ એ બધું ચકાસે, અનેક પ્રશ્નો પૂછે.  અને પછી રેટિંગ આપે.  કન્ટ્રોલ બોર્ડ આવ્યું ત્યારે અમારું રેટિંગ “જન્ક“ હતું.  એનો અર્થ એ કે બોન્ડ્સ વેચવા હોય તો ઈન્ટરેસ્ટ રેટ વધુ હોય અને વધારે વ્યાજ ભરવું પડે.

સીએફઓ તરીકે પહેલી વાર ડેલીગેશન લઈને હું વોલ સ્ટ્રીટ ગયો. આગલી રાતે અમે બધા હોટેલમાં પહોંચ્યા. ડિનર અને બ્રેકફાસ્ટમાં બધા સાથે. અમારા ફાઈનાન્સિયલ એડવાઈજર્સ પણ હાજર. મેયર અને ડીસ્ટ્રીકના બીજા ઓફિસિયલ્સને પ્રેજન્ટેશનની આંટીઘૂંટી સમજાવવાની જવાબદારી મારી. પ્રેજન્ટેશનમાં બધાની પિપુડી એક સરખી વાગવી જોઈએ.  મેયર અને કાઉન્સિલ ચેરમેનના પોલીટીકલ ડીફરન્સ ભલે હોય, પણ અહીં તો બધાએ એક જ સૂરમાં ડીસ્ટ્રીકનો કેસ રજૂ કરવાનો છે એ વાત મેં વારંવાર કહી.  એ બાબતમાં જો કોઈ આનાકાની કરશે તો એમાં ડીસ્ટ્રીકનું ખરાબ દેખાશે, અને ભવિષ્યના ડેલીગેશનમાંથી એમને બાકાત રખાશે એવી ધમકી પણ મેં વિવેક સાથે આપી.

સવારે હોટેલમાંથી સ્પેશ્યલ લીમોમાં અમારે રેટિંગ એજન્સીમાં સાથે જવાનું.  કોણ કઈ લીમોમાં બેસે એ હું નક્કી કરતો હતો ત્યાં કોઈ ગેરસમજમાં જે લીમોમાં મારે બેસવાનું હતું તે મારા વગર જ નીકળી ગઈ!  ન્યૂ યોર્કના રશ અવરમાં એ સમયે ટેક્સી ક્યાંથી મળે? હવે શું કરવું?  આ તો પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવું થયું. ડેલીગેશન એના નેતા વગર એજન્સીમાં પહોંચે તે યોગ્ય નહીં.  મારા વગર પ્રેજન્ટેશન શરૂ થાય એ મને માન્ય નહોતું.  મેં રેટિંગ એજન્સીમાં ટેલિફોન કર્યો અને મારી પરિસ્થિતિ સમજાવી. રેટિંગ એજન્સીની અધિકારી બહેન મને કહે કે મુંઝાશો નહીં.  ન્યૂ યોર્કનો સવારનો ટ્રાફિક એવો ખરાબ હોય છે કે ડેલીગેશન તમારા પહેલા આવે એવી શક્યતા ઓછી છે.  અને જો એ બધા તમારી પહેલા આવી પહોંચશે તો અમે સંભાળી લઈશું.  તમ તમારે જે કાંઈ ટેક્સી મળે તે લઈને આવો.

મેં દોડાદોડી કરીને માંડ માંડ ટેક્સી મેળવી.  હું હાંફળો ફાંફળો જયારે ટેક્સીમાંથી ઊતરતો હતો ત્યારે મેં જોયું તો અમારું ડેલીગેશન હજી લીમોમાંથી ઊતરતું હતું!

પ્રેજન્ટેશનની મેં શરૂઆત કરી. નવા સીએફઓ તરીકે મેં રેટિંગ એજન્સીના અધિકારીઓને બાહેંધરી આપી કે ડીસ્ટ્રીકની ફાઈનાસીયલ વ્યવસ્થા અને વ્યવહાર યોગ્ય રીતે જ થશે.  આ મારું સીએફઓ તરીકેનું વોલ સ્ટ્રીટમાં પહેલું પ્રેજન્ટેશન. એ પછી તો ચૌદ વરસની મારી ટર્મમાં મેં અનેક વાર વોલ સ્ટ્રીટમાં જઈને પ્રેજન્ટેશન્સ કર્યા છે.  ડીસ્ટ્રીકનું રેટિંગ જે “જન્ક” હતું તે મારી ટર્મ પૂરી થયે રેવન્યુ બોન્ડ્સ માટે તો AAA સુધી પહોંચ્યું! વોલ સ્ટ્રીટમાં જ્યાં ડીસ્ટ્રીકની આબરૂના કાંકરા થયેલા, ત્યાં અમારી પ્રતિષ્ઠા બંધાઈ.  જ્યાં એક જમાનામાં વ્યાજના દર બહુ વધુ ન હોય તો અમારા બોન્ડ્સને કોઈ અડતું નહોતું, ત્યાં ઓછા દરે પણ તે લેવાની પડાપડી થઈ.

1 thought on “એક અજાણ્યા ગાંધીની આત્મકથા (નટવર ગાંધી)-પ્રકરણ-૪૪-હું સી.એફ.ઓ. થયો

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s