આહાર તથા નિદ્રા જેવી માનવ-પ્રાણીની આવશ્યક્તાઓ પ્રકૃતિની દેન છે. તેની સાથે સંકળાયેલા શારીરિક- અનુભવો આપોઆપ જ મળે છે. જ્યારે આધ્યાત્મિક તથા કળાસર્જન જેવી બાબતો માનવ સર્જિત હોવાથી તેના સૈન્દર્યાનુભવનું સ્થાન પ્રાથમિકતાનાં ક્રમે પાછળ જોવાં મળે છે. નશીલાં દ્રવ્યો લેનારાઓ તે છોડી શકતા નથી. પણ, તેને હાનીકારક માનનારાઓને એ સમજાતું નથી કે વ્યસનીઓને તેમાં કયો આનંદ મળે છે. નાસ્તિકો તથા આસ્તિકોને એક બીજાની માનસિકતા સમજાતી નથી, ક્યારેક તે અકળાવે છે અને, જો તેવાં લોકો શક્તિશાળી કે સત્તાધારી હોય તો તેઓ પોતપોતાની માન્યતાઓ બીજા પર ઠોકી બેસારવા કોઈ પણ માર્ગ અપનાવે છે. સદભાગ્યે, કળા ક્ષેત્રે રસ ધરાવનારાઓની સંખ્યા નાની હોવાથી તેમાં એવી ખંડન પ્રવૃત્તિ ખાસ જોવાં મળતી નથી.
મૌલિક છાપ અને યાંત્રિક પ્રતિકૃતિ (Michenical Reproduction) વચ્ચેનો ભેદ તો તેની ટેકનીકલ ખાસિયતો દ્વારા દર્શાવી તથા સમજાવી શકાય, પરંતુ કળારસિકોને મૌલિક છાપમાં જે આનંદ મળે છે તેનું રહસ્ય – શબ્દો દ્વારા કહેવું અને માર્યાદિત સમયમાં અનુભવવું મુશ્કેલ છે. એક એવી ગેરસમજ છાપ-કળાકારો સહિત ઘણા લોકો માં વ્યાપક છે કે ગુણવત્તાને આધારે પ્રતિકૃતિ કરતાં મૌલિક છાપ ચડિયાતી છે. હા, એ ખરું કે તે બંનેનાં સર્જનનાં હેતુ, સ્વરૂપ અને ખાસિયતો જુદાં છે. જળ, તૈલ કે એક્રીલીક ઈ. રંગો વડે બનાવાયેલ મૂળ ચિત્રનો આબેહુબ આભાસ કરાવી શકે તેવી પ્રતિકૃતિ સારી કહી શકાય. લિઓનાર્દો દા વિન્ચીનું સર્જન ‘મોનાલીઝા’ કદાચ વિશ્વમાં સૌથી પ્રખ્યાત ચિત્ર છે. પેરીસનાં લુવ્ર મ્યુઝીયમમાં રખાયેલ તે ચિત્ર ત્યાં જઈને જોનારને રોમાંચ જરૂર કરાવે છે. સ્વપ્નસિદ્ધિનો સંતોષ પણ આપે છે. પરંતુ પાંજરામાં પૂરાયેલ તથા બુલેટ-પ્રૂફ જાડા કાચ પાછળ ખૂબ ઝાંખા પ્રકાશમાં દૂરથી તેના દર્શન કરનારને ચિત્રની ખૂબીઓના પૂરો દશ્યાનુંભાવ મળતો જ નથી. જ્યારે અદ્યતન ટેકનોલોજીનાં સહયોગ વડે, તેની મૂળ માપે બનાવેલી આબેહૂબ જણાતી પ્રતિકૃતિ નજીવી કિંમતે ખરીદી શકાય. તેમ જ, મૂળ ચિત્રમાં પાંચસો વર્ષ દરમ્યાન પડેલી અસંખ્ય ઝીણી ઝીણી તિરાડો જેવી વિગતો પ્રતિકૃતિમાં નજીકથી જોઈ શકાય. વળી બન્ધૂકધારી ચોકીદારોનાં ભય વિના મોનાલીઝાના ગાલ પંપાળી શકાય અને, અમેરિકાવાસી બની ગયેલા વિશ્વવિખ્યાત કળાકાર માર્શલ દુશાં (Duchamp)એ કરેલું તેમ તેના મોં પર મૂછો પણ દોરી શકાય !
આવી ઊંચી ગુણવતા ધરાવતી પ્રતિકૃતિઓ દ્વારા જોઈ તથા માણી શકાતાં વિષય વસ્તુઓની પાસે મારી જેવા અનેક કળાકારોની છાપો ‘મૌલિક’ કહેવાતી હોવા છતાં વામણી પણ લાગે. પરંતુ ‘‘મૌલિક છાપ’માં અન્ય કૃતિનાં નહિ, તેના પોતાના વિષયવસ્તુઓ તથા છાપ બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલા સાધન સામગ્રીની લાક્ષણિકતાઓનો અનુભવ મળે છે. કોહિનૂર જેવાં મહામૂલા હીરાની ફોટોગ્રાફ દ્વારા બનેલી પ્રતિકૃતિ તથા એક મામુલી પણ સાચુકલો હીરો જોતાં થતાં અનુભવો ક્યારેય એકસમાન હોઈ શકે નહિ. પ્રતિકૃતિ ને ચિત્રનાં શબ્દો દ્વારા કરાયેલા વર્ણન સાથે પણ કદાચ સરખાવી શકાય.
આના સંદર્ભે જરા આડવાત લાગે તેવી વાત કહેવી જરૂરી લાગે છે. ભારતીય મૂળના કળાકાર અનીશ કપૂરની ‘વાદળું’ –Cloude gate નામની 3-D ‘શિલ્પ’ કૃતિ શિકાગોમાં એક જાહે સ્થળે મૂકાઈ છે. શબ્દો દ્વારા કરાયેલું એનું વર્ણન વાંચવાથી તે શિલ્પ સાથે સંબંધિત ઘણી એવી માહિતી મળી શકશે જે તેની છબીઓ કે મૂળ કૃતિ જોવાથી પણ નહિ મળે. ઈન્ટરનેટ પર તે કૃતિની અનેક નિપુણ અનુભવી છબીકારો દ્વારા જુદાં જુદાં સમયે અને ઋતુઓમાં વિવિધ દૃષ્ટિબિન્દુઓથી લેવાયેલી છબીઓ જોતાં થતો અનુભવ પણ અનેરો છે. અન્યથા, તે માટે બારેય મહિના રોજ ૨૪ કલાક તેની નજીક રહેવું પડે. તેના વિડીયોમાં અનીશ કપૂરનાં વાર્તાલાપ દ્વારા કલાકારનો સીધો સંપર્ક કર્યાની લાગણી થાય છે. તેમ છતાં ત્યાં જઈને જાતે તે કૃતિ જોવાનો અનુભવ તો કોઈ પરિઓના દેશમાં પહોચાડી દે તેવો જ હશે. તેનાં પૂરા આનંદ માટે ઉપરોક્ત બધા જ માર્ગ અપનાવવા જોઈએ.
અનિશ કપૂરનું શિકાગો માં મુકાયેલ શિલ્પ “ક્લાઉડ ગેટ”
‘છાપ’ બનાવનારાઓ તો ‘મહીં પડ્યા હોવાથી મહાસુખ માણે’ અને ‘દેખણહારા’ પણ નથી જતા દાઝી, બલ્કે થઇ શકે છે રાજી. કળાનો આનંદ લેવા માટે લોકોએ મ્યુઝીયમ તથા કળાપ્રદર્શનોમાં દેખાડાતી, છાપો સહિત બધી મૂળ કૃતિઓ જોવાની તક લેતા રહેવી જોઈએ. કૃતિ કેવી રીતે બને છે તે જોવાનું પણ હવે ‘યુ-ટ્યૂબ’ જેવાં માધ્યમો દ્વારા અમુક અંશે શક્ય બન્યું છે. આને કારણે કૃતિની સપાટી પર અવ્યક્ત રહેતી ઘણી બાબતો જોઈ તથા સમજી શકાય છે. ઈન્ટરનેટ ક્યારેક, આજના સમયનો એક આશિર્વાદ સમો ચમત્કાર પણ બની રહે છે.
મા જ્યોતિભાઇએ મૌલિક છાપ અને પ્રતિકૃતિની કેટલીક લાક્ષણિકતાઓ સરળભાષામા સ રસ વર્ણવી
પણ તેમની આ વાત દરેકે બકેટલીસ્ટમા મુકવા જેવી
‘કળાનો આનંદ લેવા માટે લોકોએ મ્યુઝીયમ તથા કળાપ્રદર્શનોમાં દેખાડાતી, છાપો સહિત બધી મૂળ કૃતિઓ જોવાની તક લેતા રહેવી જોઈએ. કૃતિ કેવી રીતે બને છે તે જોવાનું પણ હવે ‘યુ-ટ્યૂબ’ જેવાં માધ્યમો દ્વારા અમુક અંશે શક્ય બન્યું છે. આને કારણે કૃતિની સપાટી પર અવ્યક્ત રહેતી ઘણી બાબતો જોઈ તથા સમજી શકાય છે. ઈન્ટરનેટ ક્યારેક, આજના સમયનો એક આશિર્વાદ સમો ચમત્કાર પણ બની રહે છે.
ધન્યવાદ
parexcellent
LikeLiked by 1 person
મા જ્યોતિભાઇએ મૌલિક છાપ અને પ્રતિકૃતિની કેટલીક લાક્ષણિકતાઓ સરળભાષામા સ રસ વર્ણવી
પણ તેમની આ વાત દરેકે બકેટલીસ્ટમા મુકવા જેવી
‘કળાનો આનંદ લેવા માટે લોકોએ મ્યુઝીયમ તથા કળાપ્રદર્શનોમાં દેખાડાતી, છાપો સહિત બધી મૂળ કૃતિઓ જોવાની તક લેતા રહેવી જોઈએ. કૃતિ કેવી રીતે બને છે તે જોવાનું પણ હવે ‘યુ-ટ્યૂબ’ જેવાં માધ્યમો દ્વારા અમુક અંશે શક્ય બન્યું છે. આને કારણે કૃતિની સપાટી પર અવ્યક્ત રહેતી ઘણી બાબતો જોઈ તથા સમજી શકાય છે. ઈન્ટરનેટ ક્યારેક, આજના સમયનો એક આશિર્વાદ સમો ચમત્કાર પણ બની રહે છે.
ધન્યવાદ
LikeLiked by 1 person