વિયોગ-૧૨ (રાહુલ શુકલ)-સફેદ લેંઘો-દિવાળી પાર્ટીનું “To Do ” લીસ્ટ


 

ચૌદમું પ્રકરણ: સફેદ લેંઘો

ઓકટોબર ૨પ, ૨૦૧૩: મે મહિનામાં ભાઈની શ્રદ્ધાંજલિ પતાવીને ન્યૂ જર્સી પાછો આવ્‍યો ત્‍યારે જ નક્કી કરી નાખેલું કે ભાઈના મૃત્‍યુ અંગે પુસ્‍તક લખવું છે. સુશીબેન ગુજરી ગયાં તે પછી એમનાં પર પુસ્‍તક અંગેની નોંઘ લખવી શરુ કરી ત્‍યારે સ્વપ્નેય ખ્‍યાલ નહોતો કે માત્ર આઠ મહિનામાં બીજા પુસ્‍તકની નોંઘ લખવાનું શરુ કરવું પડશે.

પણ ભાઈના મૃત્‍યુ અંગે લખવામાં આ આટલાં મહિનાઓથી મન પાછું પડતું હતું. તો આજે વોલ-માર્ટ સ્‍ટોરમાંથી કાંઇક ખરીદી કરીને પાછો આવતો હતો ત્‍યારે ડ્રાઇવીંગ કરતી વખતે આંખોમાંથી ચોઘાર આંસુ અને ત્‍યારે મને એ પણ ખબર પડી ગઈ કે હું લખવાનું કેમ ટાળું છું કેમકે આ પેરેગ્રાફનું જે પહેલું વાકય લખ્‍યું છે, તે ન લખવું પડે તે માટે. કે ‘ભાઈનું મૃત્‍યુ’ એ શબ્‍દો જ મારાંથી સહન નથી થતા. અને મનમાં થાય કે એવા શબ્‍દો મારાં હાથમાં પકડાયેલી પેનથી જ લખું તો તો મેં એમનું મૃત્‍યુ સ્‍વીકારી લીધું કહેવાય અને જો હું તે સ્‍વીકારી લઉં તો તો પછી એ ઘટના તે કાયમી ઘટના જ બની જાય ને!

આઘાત અને રુદનથી આળું થઈ ગયેલું મારું મન આવા સમજ વગરના વિચારો કરતું થઈ જાય છે. અને આ ટૂંકો લેખ તે એવા બીજા એક સમજ વગરના વિચાર પર લખું છું.

૨૦૧૨ના જૂન મહિનામાં સુશીબેનની તબિયત બહુ નાજુક થઈ ગઈ તો અમે તરત જ ત્‍યાં પહોંચી ગયાં. પછી અઢાર દિવસ સુઘી એમને બચાવી લેવાની ઝુંબેશ ચલાવી. પણ ઘીમે ઘીમે ખબર પડતી જતી હતી કે તે લડાઇમાં અમારી હાર અને ભગવાની જીત થવાની હતી.

જયારે સુશીબેનની તબિયત બહુ નબળી લાગી ત્‍યારે હજુ મેં આશા નહોતી છોડી તો ય એસ.એસ.વ્‍હાઇટની સુરેન્‍દ્રનગર શાખાનાં મેનેજર અને અમારા કુટુંબના જાણે એક કુટુંબીજન તે એહમદ પઠાણને બોલાવીને મેં કહ્યું, ‘અમારી પાસે સફેદ લેંઘા-ઝભ્ભા નથી. હવે લાગે છે કે એની જરૂર પડશે.’

પઠાણે તરત મારું, રાજેનનું અને આકાશનું માપ લઇ અમારે માટે બે જોડી લેંઘા-ઝભ્ભા આઇડિયલ ટેઇલરમાં જઇને તાત્‍કાલિક સીવડાવી લીઘા.

આઠ જુલાઇ ૨૦૧૨માં સુશીબેનનું અવસાન થયું ત્‍યારે અંતિમ-ક્રિયા વખતે તે સફેદ લેંઘો ઝભ્ભો કામ લાગ્‍યા. પછી ઓગષ્‍ટ ૨૦૧૨માં ભાઈને એકલા મૂકીને હું આવતો રહ્યો ત્‍યારે પેલા સફેદ લેંઘા ઝભ્ભાને બેગમાં મૂકીને ન્યૂ જર્સી લઇ આવ્‍યો. એપ્રિલ ૨૦૧૩માં દોડાદોડ કરી ફલોરિડાથી પાછા આવી ભારત જવા બેગ ભરતો હતો ત્‍યારે મેં પેલા સફેદ લેંઘા ઝભ્ભાને બેગમાં રાખી દીઘા હતા.

તો આજે વોલ-માર્ટમાંથી ડ્રાઇવ કરીને આવતો હતો, આંખોમાં ચોઘાર આંસુ, અને અચાનક મને મારાં પર ખૂબ જ ગુસ્‍સો ચડી ગયો. હું પાગલની જેમ ડૂસકાં ભરતા કારની છત સામે જોઇને કહેતો હતો કે ‘સુશીબેનનાં મૃત્‍યુ પછી હું પાછો આવ્‍યો ત્‍યારે એ સફેદ લેંઘો ઝભ્ભો હું સાથે લાવ્‍યો જ કેમ?’

અને એપ્રિલ ૨૦૧૩માં ભાઈની તબિયતનું સાંભળીને ભારત જતો હતો ત્‍યારે મેં એ સફેદ લેંઘો ઝબ્‍બોને બેગમાં પેક કર્યા અને એમ કરીને ભાઈને લઇ લેવાના ભગવાનના પ્‍લાનમાં મેં મૂંગો સહકાર આપ્‍યો.

અને કાર ચાલવતાં, મારો મારાં પરનો ગુસ્સો વધતો જ જતો હતો. મેં મને પૂછ્યું, ‘સુશીબેનનાં અવસાન પછી મેં એ સફેદ લેંઘો અને ઝભ્ભો સળગાવી કેમ ન દીઘા?’

 અને મેં એમ કર્યું હોત તો નક્કી ભાઈ આજે જીવતા હોત!  મારી જ ભૂલ!

*  ભાઈ, તમારા આમ અચાનક જવાથી મારું મન આવું મૂર્ખ થઈ ગયું છે.

 

પંદરમું પ્રકરણ: દિવાળી પાર્ટીનું “To Do ” લીસ્ટ

નવેમ્‍બર ૨, ૨૦૧૩: ગઈ કાલે સાંજે ઘેર દિવાળી પાર્ટી રાખી હતી. મીનુએ કેટલી બઘી તૈયારી કરી હતી! સુંદર ડિઝાઈન કરી e-mail થી મહેમાનોને આમંત્રણ મોકલી દીધું હતું જેમાં અગાઉની પાર્ટીનાં સુંદર ફોટોગ્રાફ્સ રાખ્યા હતા.

ભોજન માટે કેટલીય વસ્‍તુઓ કેટરર પાસે ઓર્ડર કરી હતી અને અમુક વસ્‍તુઓ ઘેર બનાવવાની હતી. અમુક મીઠાઇની દુકાનેથી લાવવાની હતી. મીનુ પાસે પાર્ટી અંગેનાં દરેક કામનું લિસ્ટ કાગળ પર કે મનમાં લખાયેલું જ હતું. ઘરમાં અમુક નાનું એવું રિપેરીંગ કામ ઊભું હોય તો તેના માટે અમારા જાણીતા રીપેર કરનાર જોડે અઠવાડિયા અગાઉ ગોઠવણ થઈ ગઈ હતી.

નીચે ઓડીટેરિયમમાં મહેમાનોને બેસવાનાં ટેબલ ગોઠવાઇ ગયાં હતાં, એના પર મરુન કલરનાં ટેબલ ક્લોથ, ફ્લાવર વાઝ, તેમાં ફૂલ, ધાર પર ક્રિસમસ લાઇટ, બધાંની વ્‍યવસ્‍થા મીનુએ કરી દીઘી હતી.

પાર્ટીમાં દર વખતે કારીઓકી ગીત ગાવાનો પ્રોગ્રામ રાખીએ છીએ, તો આકાશે આઠે આઠ માઇક્રોફોન તપાસી લીધાં હતાં. અને બધાંમાં નવી બેટરી નાખી દીઘી હતી.

અમુક રમતો માત્ર યુગલો માટે જ હોય, તો એનાં ફોર્મ પ્રિન્ટ કરવાનાં હતાં. મેં એ ફોર્મ ડિઝાઈન કરી રાખ્‍યું હતું અને ૧૪ નકલ ‘પત્‍ની’ માટે અને ૧૪ ‘પતિ’ માટે પ્રિન્ટ કરી નાખી હતી.

ખાવાનું કયા સમયે કેટરર પાસેથી આવવાનું છે, પ્લેટ્સ કયાં રાખવાની છે, મીણબત્તી કેટલી સળગાવીશું તેવી બઘી વિગતો એક પછી એક, લિસ્ટ મુજબ તપાસી લેતાં જતાં હતાં.

અને શું સુંદર પાર્ટી થઈ! બધાં મહેમાનોને કેટલી મજા પડી! મારાં બહેન રેખાબેન, એમનો દીકરો અને વહુ અસિત અને અપેક્ષા, ભાઈ રાજેન અને એની પત્ની નેહા, સૌનાં બાળકો, અમારા મિત્રો, મધુ રાય, હરનીશ અને હંસા, પ્રતિમા અને કૌશિક, ડૉ. ભારતીબેન અને મહેશભાઇ, મારા દાદાના પૌત્ર ડો. પારુલ અને એની પત્‍ની ડૉ.અલ્‍પના, ડીમ્‍પલ રેસ્ટોરંટવાળા દિલીપ અને રૂપા, મિત્ર પ્રકાશ અને એસ.એસ.વ્‍હાઇટનાં એચ. આર.ની ડિરેક્ટર અર્ચના અને એમનું કુટુંબ અને બીજા મિત્રો આવેલા.

એક વાગ્‍યે બધાં ગયાં. ઘેર કામ કરનાર અને એનાં બીજા બે મદદનીશ સાથે મીનુએ બે વાગ્‍યા સુઘી સાફ-સૂફી કરાવી. અઢી વાગ્‍યે અમે સૂવા ગયાં ત્‍યારે પાર્ટી આટલી સરસ થઈ તે છતાં મીનુ, આકાશ અને મારાં મનમાં ઘેરી ઉદાસી હતી.

અમે એકબીજાને એ ઉદાસી અંગે કંઇ કહ્યું નહીં, પણ અમને સૌને ખબર હતી કે દિવાળી પાર્ટીમાં કરવાનાં કામોના  લિસ્ટમાં એક છેલ્‍લી વસ્‍તુ આ દિવાળી પાર્ટી માટે નહોતી કરવાની.

દર વખતે પાર્ટી પતે પછી ફોન ઉપાડીને ઘેર ભાઈનો મોબાઇલ નંબર લગાવવાનો. ભાઈ વિગતવાર સમાચાર પૂછે, ‘બધાંને કેમ લાગ્‍યું?’

’ભાઇ, તમે નહીં માનો, મેં અને મીનુએ જૂની ફિલ્મનાં ગીત પર ડાન્‍સ કર્યો હતો.’

એ કહેત, ‘તું તો ખરો છે!’ પછી જાણે ઠપકો આપતા હોય એવી રીતે મારાં અને મીનુ અંગે ફુલાઇને કહેત, ‘મારો દીકરો અને વહુ થોડાંક મૂરખ તો છે જ!’ પણ પછી કહેત, ‘તેં વિડીયો લીઘી હોય તો તરત મોકલજે.’

મહેમાનોમાં કોણ કોણ આવ્‍યું હતું તેનું લિસ્ટ અમે ભાઈને ન આપ્યું હોત. ભાઈને એમનાં સો કામોમાં લોકાનાં ચહેરા અને નામનું એકીકરણ કરવું ફાવતું નહોતું. ‘સુશીબેનને આપો’, અમે કહેત. પછી સુશીબેન પૂછત, ‘ભારતીબેન આવ્યાં હતાં?’

‘હા સુશીબેન’

‘અને પ્રકાશ અને રાજુલ?’ બાણું વર્ષે પણ સુશીબેનની યાદદાસ્‍ત એવીને એવી સતેજ હતી.

અમે કહેત ‘પ્રકાશ આવ્‍યો હતો, પણ રાજુલ તો સીંગાપોર ગઈ છે’

વળી ભાઈ ફોન પર આવત, ‘રાજેન અને નેહાએ ગીત ગાયાં હતાં?’

‘હા, ભાઈ’

‘નેહાએ કેવાં  કપડાં પહેર્યાં હતાં?’

‘લીલા રંગની સાડી’ અમે કહેત.

‘અને રાજુલે?’ ભાઈ કાયમ રિપોર્ટરની અદાથી સવાલો પૂછતા.

પણ આ ૨૦૧૩ની દિવાળી પાર્ટી પછી અમારે કોઇ સવાલોના  જવાબ દેવાના નહોતા. પાર્ટી પતી ગઈ પછી અમે ત્રણેય જણાં સીધાં જઈને સૂઇ ગયાં.

* દિવાળી પાર્ટીનાં ‘To-Do’ લિસ્ટમાંથી એક છેલ્લી આઈટમ કે ભાઈને ફોન કરીને વિગતવાર રિપોર્ટીંગ કરવાનું, તે હવે કાયમ માટે ડીલિટ થઈ ગઈ છે.

1 thought on “વિયોગ-૧૨ (રાહુલ શુકલ)-સફેદ લેંઘો-દિવાળી પાર્ટીનું “To Do ” લીસ્ટ

 1. સંતો કહે-
  ‘सुखं च दुःखं च भवाभवौ च
  लाभालाभौ मरणं जीवितं च।
  पर्यायशः सर्वमेते स्पृशन्ति
  तस्माद्धीरो न च हृष्येन्न सोचेत् ।।પણ અનુભવે આ સરળ નથી
  ‘ભાઈના મૃત્‍યુ અંગે લખવામાં…’ કવિઓ વધુ વેધક …………..
  રામનારાયણ પાઠકે પત્નીના મૃત્યુ અંગે …પૃથ્વી છ્ંદમા
  ધમાલ ન કરો,- જરાયે નહિ નેન ભીનાં થશો, –
  ઘડી બ ઘડી જે મળી – નયનવારિ થંભો જરા, –
  કૃતાર્થ થઈ લો, ફરી નહિ મળે જ સૌંદર્ય આ,
  સદા જગત જે વડે હતું હસન્તું માંગલ્ય કો!

  ધમાલ ન કરો, ધરો બધી સમૃદ્ધિ માંગલ્યની,
  ધરો અગરુ દીપ ચંદન ગુલાલ ને કુંકુમ;
  ધરો કુસુમ શ્રીફલો, ન ફરી જીવને આ થવો
  સુયોગ અણમૂલ સુંદર સુહાગી માંગલ્યનો!

  ધમાલ ન કરો, ન લો સ્મરણ કાજ ચિહ્ને કશું,
  રહ્યું વિકસતું જ અન્ત સુધી જેહ સૌંદર્ય, તે
  અખંડ જ ભલે રહ્યું, હ્રદયસ્થાન તેનું હવે
  ન સંસ્મરણ વા ન કો સ્વજનયે કદી પૂરશે.

  મળ્યાં તુજ સમીપે અગ્નિ! તુજ પાસ જુદાં થિયેં;
  કહે, અધિક ભવ્ય મંગલ નથી શું એ સુંદરી?
  અને
  થોડા સમયમા હીરાબેન સાથે લગ્ન કર્યા….
  ….દિવાળી પાર્ટીના મધુ રાય, હરનીશ અને હંસાને ઓળખ્યા…વાનગીનું વર્ણન ?

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s