શબ્દોનું ધોવાતું મૂલ્ય (પરભુભાઈ મિસ્ત્રી)


  શબ્દોનું ધોવાતું મૂલ્ય

સાક્ષાત્કાર, સત્સંગ, પ્રભાવ, યાત્રા, પ્રવાસ, મુસાફરી વગેરે  અનેક શબ્દોનો જીવનમા પહેલીવાર પરિચય થયો અને જે અર્થ સમજેલા તેના અર્થો આજે સમૂળગા બદલઈ ગયેલા લાગે છે. સાક્ષાત્કાર એટલે મહાન ભક્તોને ભગવાન રૂબરૂ, સદેહે આવીને દર્શન આપે તે. પ્રભાવશાળી એટલે સામેની વ્યક્તિને આંજી નાંખે, ચકિત – મોહિત કરી નાખે તેવું વ્યક્તિત્વ એવો સામાન્ય ખ્યાલ વર્ષો સુધી માનસપટ પર રહ્યો. યાત્રા એટલે જાત્રા. એમાં તો ધાર્મિક સ્થળો જ આવે. પ્રવાસ એટલે એટલે અઠવાડિયા-દસ દિવસનો ઐતિહસિક કે પ્રાકૃતિક જોવા લાયક સ્થળોની મુલાકાત લેવાનો કાર્યક્રમ. મુસાફરી લાંબી હોય; દૂર દૂરના સ્થળે પહોંચવાની. ચીનના શ્યેન ચાંગ અને મેગેસ્થનિસ જેવા જિજ્ઞાસુ મુસાફરો હિંદુસ્તાનમાં આવેલા અને અનેક વિટંબણા વેઠીને નાલંદા, તક્ષશિલા જેવી વિદ્યાપીઠોની મુલાકાત લઈ જ્ઞાન સંપાદન કરીને ગયેલા. દેશમાં પણ એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જતી વખતે અનેક નદી, નાળાં, ડુંગરા, રણપ્રદેશ કે કેડી વગરના બિહામણાં જંગલોમાંથી પસાર થવાનું રહેતું. મુસાફરી ભારે કષ્ટદાયક.  વિદ્યાપીઠની જગ્યાએ હવે વિશ્વવિદ્યાલય (યુનિવર્સીટી) શબ્દ વધારે છૂટથી વપરાતો થયો છે. ક્યારેક એવો પણ પ્રશ્ન મનમાં જાગે કે અમુક તમુક વિદ્યાસંસ્થાને વિશ્વ સાથે કે યુનિવર્સ જોડે શો સંબંધ? તે સંસ્થા માણસને યુનિવર્સ સાથે જોડવાનું કામ કામ ખરેખર કરે છે ખરી? જો તે વિશ્વ- યુનિવર્સ જોડે સંબંધ જોડતી ન હોય કે યુનિવર્સ સાથેનો સંબંધ સમજાવવાનું કામ કરતી ન હોય તો આટલું મોટું નામ શા માટે ધારણ કરતી હશે?

નિરાકાર ભગવાન સૃષ્ટિના નિયમો બદલીને દેહ ધારણ કરીને ભક્તને દર્શન આપે, જે લગભગ અશક્ય જ છે છતાં, એવો દાવો કરનારા દુનિયામાં હોય જ છે કે અમારા ગુરુ મહારાજને ભગવાને સાક્ષાત્ દર્શન આપેલાં! જીવ અને શિવનું મિલન એટલે પતિ પત્નીનું સ્નેહમિલન, એની તે વળી જાહેરાત કરવાની હોય? કોણ જોવા ગયું એ ગુપ્ત ક્ષણ? ખેર, એ વિવાદાસ્પદ વાતો જવા દઈએ, પણ આજે સાક્ષાત્કાર શબ્દ ઈન્ટર્વ્યુ માટે વપરાય છે! નેતાઓ પત્રકારોને સાક્ષાત્કાર માટે સંમતિ આપે છે, ઉદ્યોગગૃહો નોકરીવાંચ્છુઓને સાક્ષાત્કાર માટે બોલાવે છે! સાક્ષાત્કાર શબ્દનું અવમૂલ્યન થયું છે કે પછી એનો વાસ્તવિક અર્થ જ આટલો સીમિત  હશે?

સત્સંગ એટલે એવી સભા કે જ્યાં સત્ એટલે કે ઈશ્વરના જીવ પરના અગણિત ઉપકારો બદલ કૃતજ્ઞભાવે સ્તુતિગાન થતું હોય, દૈવી ગુણોના વર્ણન શ્રવણ દ્વારા એ ગુણો યત્કિંચિત્ જીવનમાં આત્મસાત કરવાના નમ્ર પ્રયાસો થતા હોય તેને સત્સંગ કહેવાય, પણ બજારમાં નીકળ્યા હોઈએ અને કોઈ મિત્ર રસ્તે મળી જાય અને અડધો કલાક ગપાટે ચડી જવાય તેને પણ લોકો સત્સંગ કર્યો એમ કહે ત્યારે કેવું લાગે? હદ તો ત્યારે થઈ કહેવાય કે કોઈ બદચલન પુરુષ રાત્રે ઘરે મોડો આવે કોની જોડે સત્સંગ કરવા ગયો હતો એમ પૂછવામાં આવે! બધા જ સંગને સત્સંગ થોડા કહેવાય? ખરો શબ્દ કયો, સત્સંગ કે સંત સંગ?

નદીઓમાં પૂર આવે અને અનેક ગામો તારાજ થઈ જાય, અખબારોમાં અહેવાલ આવે કે પૂરના કારણે પ્રભાવિત ગામો માટે રાહત કાર્યો શરૂ કરાયાં છે. અહીં પ્રભાવિત એટલે ખરાબ રીતે અસરગ્રસ્ત. અટલબિહારી વાજપેયીની વાક્છટા સંસદને પ્રભાવિત કરતી એમ કહેવાય ત્યારે એવું સમજાય કે એમની વાણી આકર્ષક, સંમોહિત કરનારી અને દિલ- દિમાગ પર છવાઈ જનારી રહેતી. ત્યારના વડાપ્રધાન ઈંદિરા ગાંધી પણ એમની વક્તૃત્વ શૈલીના વખાણ કરતા. સંવેદનશીલ અને જ્વલનશીલ શબ્દો વચ્ચે અર્થભેદ છે. હુલ્લડ થવાની શક્યતા હોય તેવા વિસ્તારોને સંવેદના સાથે શું લાગે વળગે? એવા વિસ્તારોને કે એવી વસતિને સ્ફોટક કે હાઈલી ઇંફ્લેબલ કહેવા વધારે ઉચિત ન ગણાય?

શું હાર હંમેશાં કારમી જ હોય? સન્માનજનક હાર હોઈ જ ન શકે? છેલ્લી ઘડી સુધી, છેલ્લી ઓવર અને છેલ્લા બોલ સુધી લડાયક સામનો કીધા પછી કોઈ ટીમ એક રનથી મેચ ગુમાવી દે તોય તે કારમો પરાજય પામી કહેવાય, અને માત્ર એક જ રનથી જીતી જનારી (હારતાં હારતાં માંડ બચી જનારી) ટીમે ભવ્ય વિજય મેળવ્યો એમ કેવી રીતે કહી શકાશે? ભવ્ય વિજય અને કારમા પરાજય વચ્ચે માત્ર એક જ રનનું અંતર!

આપણે કોઈ પણ વ્યક્તિના નામની આગળ ખૂબ સ્વાભાવિકતાથી  ‘શ્રી‘ લખીએ છીએ, પણ દૂરદર્શન પર રામાયણ સિરિઅલ જેમણે જોઈ હશે તેમને યાદ હશે કે, જ્યારે જ્યારે રાવણનો કોઈ દૂત પ્રભુ રામચંદ્રજીનો ઉલ્લેખ કરતી વેળા ‘શ્રી રામ‘ બોલવા જાય કે તરત જ રાવણના પગ પર સળગતો અંગારો પડ્યો હોય કે પછી એકાએક વિંછીએ ડંખ માર્યો હોય તેમ ચિલ્લાઈને ગુસ્સામાં બોલી ઊઠે છે કે,” શત્રુકો  ‘શ્રી‘ મત કહો!” – આખરે એ શ્રી શબ્દમાં એવાં તે કયાં ગુણવાચક વિશેષણો છૂપાયેલાં છે કે રાવણથી પ્રભુ રામચંદ્રને અપાયેલું ‘શ્રી‘ કહીને અપાયેલું સન્માન સહન થઈ શકતું નથી? હકીકતમાં, આપણે જેમને અવતારી પુરુષ તરીકે પૂજીએ છીએ એ ઐતિહાસિક મહામાનવો રામ અને કૃષ્ણના નામની  આગળ ‘શ્રી‘ જેટલું શોભે છે તેટલું અન્ય કોઈના નામ આગળ નથી શોભતું. શ્રીસૂક્તનો પાઠ કરનારા ભાવિકજનોને તો ખબર હશે જ કે શ્રી એટલે માત્ર ધનલક્ષ્મી જ નહિં, પણ તમામ ઐશ્વર્ય, સૌંદર્ય, પરાક્રમ, કીર્તિ અને ગુણોનો ખજાનો. આપણે તો કોઈ પણ છગનલાલ, અમથાલાલ કે ફોગટલાલના નામ આગળ પણ ઉદારતાથી શ્રી વિશેષણ લગાડતા આવ્યા છીએ.

જગદ્ ગુરુ શબ્દને બહુ મોટી કીંમત છે. જીવનના દરેક તબક્કામાં, સંસારની તમામ બાબતોમાં આપણું માર્ગદર્શન કરવાની જેનામાં યોગ્યતા હોય તેને જગદ્ ગુરુની પદવી આપી શકાય. માત્ર અધ્યાત્મમાં માર્ગદર્શન કરનારને જગદ્ ગુરુ કહેવામાં ઉતાવળ કરેલી ગણાય. સંતાન તરીકે, મિત્ર તરીકે, વિદ્યાર્થી તરીકે, શિક્ષક તરીકે, માતા-પિતા તરીકે, જીવનસાથી તરીકે, ભાઈ તરીકે, શત્રુ તરીકે, પ્રેમી તરીકે, શાસક તરીકે, મુત્સદ્દી તરીકે, સલાહકાર તરીકે, અનુભવી માર્ગદર્શક તરીકે, સમાજચિંતક તરીકે, કુશળ અર્થશાસ્ત્રી તરીકે… ટૂંકમાં, જીવનના પ્રત્યેક ઓરડા અજવાળીને જેણે ઉચ્ચતમ આદર્શ ઊભા કરી સમસ્ત વિશ્વની પ્રજાને ઈહલોક અને પરલોકનું કલ્યાણ ચીંધનારો રસ્તો દેખાડયો હોય તેને જગદ્ ગુરુની પદવી આપી શકાય. વિશ્વની અબજોની વસતિ પૈકી  અમુક હજાર જીવોના આધ્યાત્મિક ગુરુને જગદ્ ગુરુ કેવી રીતે કહી શકાય?

યાત્રા એટલે તીર્થયાત્રા. ભારતીય સંસ્કૃતિના સંવર્ધનમાં તીર્યાત્રાએ મોટો ભાગ ભજવ્યો છે. સંસ્કૃતિના પ્રચાર પ્રસારનું એ જબરદસ્ત હથિયાર છે. અસલના વખતમાં સંસારના વળગણોથી મુક્ત થઈ, ભૌતિક જીવન વહેવારમાંથી નિર્માણ થતી વાસના અને વિકારોની મલીનતાને ધોવા માટે મનને શુદ્ધ અને પવિત્ર કરવાના આશયથી તીર્થયાત્રાઓ યોજાતી. ભગવાનનું નામ સંકીર્તન કરતો કરતો આખો સંઘ યાત્રાએ નીકળતો. સાંજ પડે એટલે જે ગામ કે વસતિ સમુદાય આવે ત્યાં રાતવાસો કરતો. રાત્રે લોકો તીર્થયાત્રીઓને મળવા જતા. સત્સંગ તો થતો જ, સાથે સાથે જીવનલક્ષી સમસ્યાઓના સમાધાનની જે કુંચી હાથ લાગી હોય તેની આપ- લે થતી. જુદા જુદા પ્રદેશના લોકોના રીત રિવાજ, રહેણી કરણી પરથી નવા અપનાવવા જેવા લાગે તેવા તત્વોનું આદાન પ્રદાન થતું અને જ્ઞાન અને સમજણનો વિસ્તાર થતો જતો. મહીનાઓ પછી જે તે તીર્થસ્થળે દેવ દર્શન કે સ્નાનનો લાભ લઈ જીવન કૃતાર્થ કરતા. પાછા આવે ત્યારે જીવનમાં કંઈક પામીને આવ્યાનો અને વિધાયક જીવનદૃષ્ટિ પ્રાપ્ત કર્યાનો આત્મસંતોષ ચહેરા પર છલકાતો.  દર બાર વર્ષે ભરાતા કુંભ મેળાની યાત્રા કરવાનું માહાત્મ્ય પણ એટલા માટે જ છે કે સંપૂર્ણ ભારતવર્ષમાંથી  લોકો યાત્રા માટે ઉમટતા, જુદા જુદા ક્ષેત્રોમાં થયેલા નવતર પ્રયોગો અને તેમાં મળેલી સિદ્ધિઓની ચકાસણી થતી. અવનવાં સંશોધનો રજૂ થતાં. સામાજિક, આર્થિક, શૈક્ષણિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક, રાજનૈતિક વગેરે બાબતોને લઈને જે વિધાયક પરિણામો જે તે ક્ષેત્રના વિદ્વાનોને પ્રાપ્ત થયાં હોય તેના પર વિશદ ચર્ચા મહીનાઓ સુધી એ પવિત્ર સ્થળો પર ચાલતી. સામાન્ય માણસો એ બધું ઊંડાણથી તો ન સમજી શકે, પણ એ શિબિરોમાં ચાલતી ચર્ચામાંના કેટલાક શબ્દો સાંભળે તો પણ તેનું જીવન ધન્ય થઈ જતું. લોકો એવા જીવન ઉપયોગી શિબિરોનો નિરાંતે  લાભ લઈ શકે એ માટે સંતાનોના વિવાહ કે ગૃહનિર્માણ જેવા તમામ  માંગલિક કાર્યો મુલતવી રાખવામાં આવતા.  જે વર્ષે સિંહ રાશિમાં ગુરુનું ભ્રમણ ચાલતું હોય તે ગોદાવરીના વરસમાં લગ્ન ન કરવાનો રિવાજ આ જ કારણે પડ્યો હતો એમ ‘તત્વમસિ‘ નવલકથામાં ધ્રુવ ભટ્ટે પણ નોંધ્યું છે. બાકી, ગોદાવરીના વરસમાં કોઈ શુભ કાર્ય ન થઈ શકે એ વાતમાં કોઈ માલ નથી. વધારે દક્ષિણા માંગીને બીજી કોઈ ફાલતુ વિધિથી નિવારણ કરેલું બતાવીને ગોર મહારાજો લગ્ન ન કરાવે તો બિચારા આખું વરસ ભૂખે મરે! મૂળ વાત, યાત્રા શબ્દ પાછળનું ગાંભીર્ય ચાલી ગયું. રેલવેના કંપાર્ટમેન્ટમાં લખ્યું હોય છે કે ‘યદિ દૂસરે યાત્રી ન ચાહેં તો કૃપયા રેડિયો બંદ કીજિએ!‘ નોકરી ધંધાર્થે રેલવેમાં રોજ મુસાફરી કરનારા પણ યાત્રીનું સન્માન પામે! મહાત્મા ગાંધીજીએ નમક સત્યાગ્રહ માટે ૧૯૩૦માં ‘ દાંડીકૂચ‘ કરી હતી, આપણે દાંડીયાત્રા કરવા નીકળ્યા છીએ!

યાત્રા શબ્દને પણ કેટકેટલાં વિશેષણો લાગવા માંડ્યાં?  પદયાત્રા પછી રથયાત્રા, સાઈકલયાત્રા, રેલયાત્રા, હવાઈયાત્રા, દરિયાઈયાત્રા, વિદેશયાત્રા, અવકાશયાત્રા …વગેરે. પણ, જીવનયાત્રા શબ્દ ધ્યાનાકર્ષક છે. જે લોકો બીજા માટે જાત ઘસીને ઉત્કૃષ્ટ, પ્રેરણાદાયી જીવન જીવી ગયા તેમની જિંદગીને ‘જીવનયાત્રા‘નું નામ આપવામાં આવે છે. એમ કંઈ મફતમાં બધાને યાત્રિક હોવાનો દરજ્જો ન મળે. વાત જ જ્યારે યાત્રા શબ્દની નીકળી છે ત્યારે આપણા ગુજરાત રાજ્યમાં છેલ્લા દસેક વરસથી ‘યાત્રા‘ શબ્દનો જાણે વરઘોડો નીકળી રહ્યો હોય એમ કહેવાનું મન થાય છે. વારંવારના અનુચિત ઉપયોગથી શબ્દો લિસ્સા બની જાય છે. એની ધાર બુઠ્ઠી થઈ જાય છે, એનો અર્થ ઝંખવાય છે. શબ્દ લજવાય છે. વિકાસયાત્રા, પ્રવેશયાત્રા, સદ્ ભાવનાયાત્રા, વિવેકાનંદયાત્રા, વિચારયાત્રા , વાચનયાત્રા, ચૂંટણીયાત્રા…. લાગે છે કે જીવનની તમામ ક્રિયા જોડે ‘યાત્રા‘ શબ્દ જોડાઈ જશે કે શું? ગૌરવભરેલા, અર્થપૂર્ણ શબ્દોનો કેવળ શૃંગાર તરીકે અથવા પ્રાસ બેસાડીને દુરૂપયોગ કરવાથી અંતે તો શબ્દોની શોભાયાત્રાને બદલે સ્મશાનયાત્રા જ નીકળે કે બીજું કાંઈ? શબ્દ એ બ્રહ્મ છે. બ્રહ્મશક્તિનો અનુચિત ઉપયોગ કરવાની લાલસા ટાળવી જોઈએ.

2 thoughts on “  શબ્દોનું ધોવાતું મૂલ્ય (પરભુભાઈ મિસ્ત્રી)

  1. મા શ્રી પરભુભાઇનો ‘શબ્દોનું ધોવાતું મૂલ્ય’ અભ્યાસપૂર્ણ લેખ માણ્યો. ‘બ્રહ્મશક્તિનો અનુચિત ઉપયોગ કરવાની લાલસા ટાળવી જોઈએ.’ વેદના સમજી શકાય છે.
    કાળ પ્રવાહમાં ઘણી વખત કેટલાક શબ્દોના અર્થ બદલતા રહે છે. જેમ કે પાખંડ, પાગલ… પાખંડનો અગાઉ ખૂબ સારો અર્થ હતો કે જેણે અખંડને પામી લીધું છે તે પાખંડ-પાગલ એટલે જેણે ગલ પ્રાપ્ત કરી તે પાગલ એ જ રીતે રૂખડ એ તો શબ્દ બ્રહ્મ છે ‘શબ્દ એ બ્રહ્મ છે. તેવો યાદ આવે શબ્દ ‘ રૂખડ’ કબીર સાહેબે પણ ગાયું હતું કે ‘કબીરા માયા રૂખડી, દોનો ફલ દેત’ જે નિરંતર અલખ-અલખ-અલખનો નાદ જપે તે રૂખડ. વરખડીને પણ રૂખડ કહેવાય છે, આપણે ત્યાં ગામડામાં શીતળા સાતમને દિવસે ચૂલા ટાઢા કરે ત્યારે એમાં વરખડી વાવે છે. તુલસીજી એને કપાસ કહે છે. ત્યારે સામાન્યજન કહે- ભાઇ, એને સમજ ન પડે, એ રૂખડિયો છે ! અમારુ પ્રિય ગાન…
    રૂખડ બાવા તું
    હળવો હળવો હાલ્ય જો
    એવા ગરવા ને માથે રે,
    રૂખડિયો ઝળુંબિયો….

    Like

પ્રતિભાવ