પ્રાર્થનાને પત્ર-૯ (શ્રી ભાગ્યેશ જહા)

પ્રિય પ્રાર્થના,

પ્રિય અનીશ.

હું ડાંગથી પરત આવી ગયો છું, હું થોડો મારામાં ઉમેરાયો છું. થોડો વગડાનો શ્વાસ, થોડી અજાણી વનસ્પતિની સુવાસ અને ભોળા ભોળા આદિવાસીઓની બોલતી અથવા મૌન તસ્વીરોથી છલોછલ આંખો.. મઝા આવી, પે’લી જૂની કવિતામાં આદિવાસી નૃત્ય પછી લખી હતી તેવી જ, પણ આ વેળા હું થોડો વધારે સાવધાન હતો, થોડો વધારે અંતર્મુખ હતો. તું જાણે છે તેમ પ્રજાસત્તાકદિનની પૂર્વસંધ્યાએ એક કાર્યક્રમ રજૂ કરવાનો હોય છે, મારા મનમાં એનો એક જબરદસ્ત ઉત્સાહ હોય છે, નોંકરીથી ઉપર જઈને કામ કરવાની મઝા આવે છે તેવો આ પ્રંસંગ હોય છે,પ્રસન્નતા પણ.

એક બીજા સ્તરે એક ઘટના બને છે, હું લગભગ દરેક શૉ માટે એક ગીત લખું છું અને ક્યારેય મારું નામ બોલવા દેતો નથી. મારે મારા આ મૌનને કોઇ નામ નથી આપવું પણ આ મનઘડતરની પ્રક્રિયામાં મને એક દિવ્ય મઝા આવે છે. આજે આવી જ એક વાત કરવી છે.

ડાંગના સામાજિક ‘નેરેટીવ્ઝ’માં એક કથા ચાલે છે. ગામોમાં. પહાડોના ઘાટો પર આ વાર્તા (વારતા) કહેવાય છે. વાત આમ છે. માનસિંહ રાજકુમાર છે, ડાંગના જંગલોમાં શિકાર કરવા નીકળે છે. એક રૂપ રૂપનો અંબાર હોય તેવી યુવતી તળાવ કિનારે ઉભી છે, સહેલીઓ સાથે છે, અને યુવાન રાજકુમાર ચાંદનીમાં ભળી જતી રાજકુમારીની સુંદરતાને મોહી પડે છે, પ્રેમની ઘોષણા કરે છે. રાજકુમારી સાળવા શરત મૂકે છે. સાળવા કહે છે,” મારી સાથે પરણવું હોય તો ત્રણ પ્રહરમાં એક સાત માળનો રાજમહેલ બનાવી આપે, દરેક માળ પર નવ ખંડ હોવા જોઇએ, દરેક ખંડને નવ બારીઓ હોવી જોઇએ. માનસિંહ શરત પ્રમાણે ભવ્ય રાજમહેલ બાંધી દે છે, સાળવા આશ્ચર્યચકિત થઈ જાય છે. જો કે સાળવા કહે છે, “હું પરણીશ પણ માત્ર શરીરથી જ, આત્માથી નહીં”. માનસિંહનું જીવન રહસ્યમય રીતે એકાકીપણાની છાયામાં ચાલું થાય છે. સાસું સાથેની મુલાકાત પછી માનસિંહ રાત્રે જુએ છે કે સાળવા રાત્રે બહાર ચાલી જાય છે, મૂલત: સાળવા પૃથ્વીનો જીવ નથી, તે અપ્સરા છે અને રાત્રે દેવોનો રથ આવે છે અને સાળવા ચાલી જાય છે. એક રાત્રે માનસિંહ રાત્રે આવેલા દેવરથને પાછળથી પકડીને રથની સાથે ઉડે છે, આકાશ પાર કરે છે, દ્વારકા પાસે કોઇ કેળના છોડમાં પગ ફસાઇ જતાં માનસિંહ પડી જાય છે. વાડીનો માલિક મૃદંગી માનસિંહને જણાવે છે, ‘ હમણાં સ્વર્ગની અપ્સરા સાળવા અહીં આવશે, હું એને રીઝવવા આ મૃદંગ વગાડું છું, આજે હું થાકેલો છું. તું ,મારો પરિવેશ સ્વીકારીને મૃદંગ વગાડજે  અને સાળવા નામની આ અપ્સરાને પ્રસન્ના કરજે.’  મૃદંગીનો વેશ ધારણ કરીને માનસિંહ સાળવાની પ્રતીક્ષા કરે છે, સાળવા આવે છે,મૃદંગ વાગે છે, એક અનોખો નાદોત્સવ સર્જાય છે. થપાટે થપાટે સાળવાના થડકાર અને ધબકારમાં એક નવી જાગૃતિ આવે છે. તે માનસિંહને વરે છે, જાહેર કરે છે એની અશરત સ્વીકારની ભાષા, અને તુરત જ માંસિંહ એનો મૃદંગીનો પરિવેશ હઠાવે છે, સાળવા ઓળખી જાય છે એના પતિને, અને પુન: સમર્પિત થઇ જાય છે. દેવોને માનસિંહ-સાળવાની ઇર્ષ્યા થાય છે. સાળવાને ત્રણા ખંડો વચ્ચે આવેલા કોઇ ટાપુ પર એક પોપટના શરીરમાં સાળવાના જીવને કેદ કરવામાં આવે છે. માનસિંહ મહાદેવની ઉપાસના કરે છે અને મહાદેવ માનસઇંહને સાળવાનું સરનામું આપે છે. પરંતુ અહીં મને મઝા આવે છે, એક આદિવાસી જીવનના નિરીક્ષક તરીકે મને અહીં એક ‘ટ્વીસ્ટ’ (વળાંક ) આપવાની મઝા આવે છે. વાર્તાઓમાં વહેતી આવી ભાગીરથીમાં એક ઝરણાની અદાથી ભળી જવાની મઝા પામવા  માટે હું અહીં મહાદેવના મુખેથી બે વાક્યો ઉમેરાવું છું. ” હે વત્સ, જા તને તારી પ્રિયતમા જે મૃદંગ થકી મળી છે એ મૃદંગ(ઢોલ)  યુગો સુધી બે પ્રિય પાત્રોના મિલન માટે સાક્ષી બની રહેશે. અને અનેક યુગો સુધી આદિવાસી પ્રજા તેના આ રાજાની તપશ્ચર્યાને યાદ કરીને આ મૃદંગ કે ઢોલમાંથી આનંદ પ્રમોદ મેળવી શકશે.” બસ,  બેટા જીવન સફળ થઈ ગયું, શિવના શબ્દમાં મેં મારો શબ્દ ભેળવ્યો, સર્જકતાની અણીદાર અનુભૂતિથી ઇતિકર્તવ્યતા અનુભવી. આ જ તો મઝા છે, ફકીરાઇની ! સાંસ્કૃતિક સચિવ તરીકે મળતી આ અલૌકિક અનુભૂતિનું એક નાનકડું અદૃશ્ય કંઠકડું પહેરી લીધું છે, મેં…

વિચાર કર, 375 કિમીનો પ્રવાસ કરીને મારે એકાંકી સ્પર્ધાના ઉદઘાટનમાં બોલવાનુ6 આવ્યું ત્યારે મેં એટલે જ સાહજિકતાથી કહ્યું, ” હું ડાંગથી આવું છું, હું પહાડના એક ઘાટ પર ઉભો હતો ત્યારે એક આદિવાસી ઝાડ નીચીથી નીકળ્યો, અને મને લાગ્યું જાણે એક ઝાડ નીચેથી બીજું ઝાડ ચાલી નીકળ્યું. પ્રજાનો અને ભાષાના ‘ચાક્ષુષ યજ્ઞ’ સમા ગુજરાત સમાચાર આયોજિત એ એકાંકી સ્પર્ધામાં મારું બોલવું પણ આદિવાસીની ચાલ જેટલું નૈસર્ગિક બની રહ્યું, અને મને ફરી પે’લા અલૌકિક આનંદનો આહલેક સંભળાણો.. બસ.. આ જ તો જીવન છે, આપણી આસપાસથી અલૌકિકતા વીણી વીણીને અદ્રશ્ય વીણા વગાડ્યા કરવાની, એક મનગમતી વીણી ગુંથ્યા કરવાની…

આટલું જ કરવાનું છે, કરશોને …?

ભાગ્યેશ.

 

પ્રિય પ્રાર્થના,

પ્રિય અનીશ.

સમયની માર્ચના ભાગરુપે 2013નો માર્ચ આવી પહોંચ્યો છે. છે.પણ આપણે એક એવા સમયના મેદાનમાં છીએ જ્યાં અનેક દિશાઓમાંથી જુદી જુદી માર્ચ આવી રહી છે.  એક તરફ કામનું ભારણ મારી ઘડિયાળને કોઇ દિવ્ય તારણ સંભળાવી રહ્યું છે, તો બીજી તરફ કવિતા શબ્દો વાસંતી ઉપવનના પુષ્પોની જેમ મારી સામે જોઇ રહ્યા છે. તો મારા અસ્તિત્વની શોધ અને સંઘર્ષ પ્રક્રિયામાં કૃષ્ણ અને કમલહસનની ‘વિશ્વરુપમ’ની અનુભૂતિઓનું એક આખું આકાશ આવીને ઉભું છે. અદભુત છે આ  કાળની અનંત સરિતાના સ્પર્શની અનુભૂતિ !!

ગયા અઠવાડિયે.. એટલે કે સપ્તાહાંતે (વીક-એન્ડ કહીશું કે સ્ટ્રોન્ગ-એન્ડ કહીશું તે પછી નક્કી કરીએ.) હું ઉજ્જૈન ગયો હતો. સંસ્કૃતભાષાનો એ સૌથી  મોટો  સાહિત્યોત્સવ હતો. મારે અતિથિ તરીકે સંસ્કૃતભાષાની ગતિ વિશે બોલવાનું હતું. મઝા આવી ! હું સંસ્ક્રુતમાં બોલ્યો, કદાચ હું જ એવો હતો જે સંસ્કૃત સાથે અહર્નિશ જોડાયેલો નહોતો, પણ ઘણી વાતો કરી તેની વાત નિરાંતે કરીશ .. આજે તો મારે મેં ત્યાં જ્યોતિર્લિંગ મહાકાલેશ્વરના દર્શન કર્યા તેની વાત કરવી છે.

ઉજ્જૈનમાં આ મહાકાલેશ્વરનું મંદિર અને દર્શન આપણા માટે ભારે શ્રધ્ધાનું કેંદ્ર રહ્યું છે. હું સાંજે સાહિત્યોત્સવના કાર્યક્રમમાંથી પરવારી મંદિર પહોંચ્યો. સાથે બે મિત્રો હતા. ઇંદોરમાં રહેતા અમિત સોની એક છાપું ચલાવે છે તેમના સાથી પત્રકાર રવિ સેન મારી સાથે હતા. અમે દર્શન કર્યા, મહાકાલના.. થોડી ક્ષણો માટે તો ભર્તૃહરિનો પે’લો અમર શ્લોક સંભળાયો’ प्रत्यायांति गता:पुनर्न दिवसा: कालोजगद्भक्षक:। એક ઝણઝણાટી વ્યાપી ગઈ… પુજારીએ ભસ્મનું તિલક કર્યું અને દાદાનો એ તેજસ્વી મુખરવિંદ પ્રગટ્યું… આખી ક્ષણની એ વિજળી વેગે વહેતી કાળસરિતાને શબ્દો સુધી લાવવું અઘરું છે, પણ એક અનોખી મઝા આવી.બહારા નીકળ્યા ત્યારે બે નાના મંદિરમાં દર્શન કર્યા એક છે, સિધ્ધિવિનાયક અને બીજા ભગવાન સાક્ષી ગોપાલ… બસ.. બે ક્ષણ માટે ફરીથી હું મારામાં ખોવાઇ ગયો. પે’લા અનંત ગીતની પંક્તિ લહેરાતી ધજામાં સંભળાઇ હતી તેવું જ કંઇક બન્યું,,, મારું એ હવે દર્શન, સુદર્શન કે વિશ્વરૂપદર્શન છે. આ એક પરિસરમાં ત્રણ મંદિર મારી સાથે શું વાત

બેઠા હતા ? એ ક્ષણના કિલ્લાના મોટા તોતિંગ દરવાજામાંથી ધસમસતો આ પ્રકાશપ્રવાહ શું છે? આ સૂરજના બુઝાતા અજવાળામાં ઉભરતી આ ક્યી મૂર્તિઓ છે ? વાર્તા કહેનારના શબ્દોને કાંઠે મૂકીને હું સાક્ષી ગોપાલને બારણે ઉભો રહ્યો, ઉભો રહ્યો એટલે ઉભરતો રહ્યો, કાળનો ઉભરો અને મનનો ભમરો, જીવનનો મમરો… બધું ક્ષણભંગુર…. કેવી મહાન દ્રશ્યરચના કરી હતી આ દેવાધિદેવે… પહેલા મહાકાળના દર્શન કરો, સિધ્ધિવિનાયકને ઓટલે તમારી આરત અને આશાઓ અને અરમાનો ને ઉમળકાને મનમાં ગુંજાવો અને પછી ઉભા રહો સાક્ષી  ગોપાલની સામે..! કાળ, સિધ્ધિ અને સાક્ષી ,,, જાણે ભારતીય દર્શનશાસ્ત્રોનો સાર આ પરિસરમાં મારી સાથે વાતે ચઢ્યો હતો. સ્વયંભૂ રીતે આવી રીતે મહાકાળનું લિંગ રૂપે પ્રગટવું તે પોતે એક ઘટના તરીકે ‘ Time and Space’ ની અભિવ્યક્તિ છે, સિધ્ધિવિનાયક એ મથામણોનો નકશો છે, ‘ A race and logic of becoming’ કશું થવાના અરમાનો એ મનુષ્યની ઇચ્છાશક્તિ અને કર્મશક્તિનું સંમ્મિલિત સ્વરૂપ મહાકાળને આંગણે ઉભું છે, પણ આ બધામાં ‘સાક્ષીભાવ’ની જાગૃતિ એ જ તો ઇતિકર્તવ્યતા છે. મહાકાળના મંદિરના આકાશમાં તે દિવસે જે સંધ્યા ખીલી હતી તેના લલાટે લખ્યું હતું ‘ TO Be’ [ T= time, O=observe, Be= becoming ] અસ્તિત્વનું તાળું ખુલી ગયું અને તાળો મળી ગયો. આપણા મંદિરો આ રીતે આપણા શાસ્ત્રોના બોલતા શિલાલેખ છે.

આ મઝા શોધજો, બેટા.. જીવનના મંદિરમાં.

ભાગ્યેશ.

2 thoughts on “પ્રાર્થનાને પત્ર-૯ (શ્રી ભાગ્યેશ જહા)

 1. વાર્તાઓમાં વહેતી આવી ભાગીરથીમાં એક ઝરણાની અદાથી ભળી જવાની મઝા પામવા ……વાક્ય અને લેખ ગમ્યાં. સ્રરયૂ પરીખ

  Liked by 1 person

 2. અમારા ડાંગની નૉસ્ટેલજીક વાત માણી આનંદ
  હોળેડડગ બાડડ ભોળે તૂં, સદા શિમગા ખેલે તૂ,
  એ હોળીલા મનાવસુ,પહિલાચ તોરણ ચઢાવસુ,
  હોળેગ ભાઇ ભોળે તૂં, સદા શિમગા ખેળે તૂં……………….અને
  ડાંગ દરબાર ડાંગના માજી રાજવીઓના વારસદારો તથા જિલ્લાના આદિવાસી લોકો તેમાં ઉત્સાહથી ભાગ લે છે. ઉજવણી માટે જિલ્લાના દૂર-દૂરના આદિવાસીઓ આવે છે અને નૃત્ય – સંગીત સાથે ઉજવણીનો માહોલ રચાય છે.શબરીધામ પંપા સરોવર અને શબરીનાં ગુરુ માતંગ રૂષિનો આશ્રમ , આવા પવિત્ર સ્થાને શબરી માતાના જન્મ દિવસ શરદ પૂર્ણિમાંએ મેળો ભરાય છે. દૂર દૂર થી વનવાસી બંધુઓ આ મેળામાં પધારી શબરી માતાને યાદ કરે છે.
  …….
  દર્શન કર્યા, મહાકાલના
  आयुर्नश्यति पश्यतां प्रतिदिनं याति क्षणं यौवनं
  प्रत्यायांति गता: पुनर्न दिवसाः कालो जगद्भक्षकः ।
  लक्ष्मीस्तोयतरंगभंगचपला विद्युचलं जीवितं
  तस्यान्मां शरणागतं शरणद त्वं रक्ष रक्षाधुना ॥
  અત્યારે, આજે ને આજે.
  આ તો આત્મારામને પામવાની વાત..અને ગૂઢ જ્ઞાન’ મનુષ્યની ઇચ્છાશક્તિ અને કર્મશક્તિનું સંમ્મિલિત સ્વરૂપ મહાકાળને આંગણે ઉભું છે, પણ આ બધામાં ‘સાક્ષીભાવ’ની જાગૃતિ એ જ તો ઇતિકર્તવ્યતા છે’ ધન્ય ધન્ય

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s