મને હજી યાદ છે-૫૮ (બાબુ સુથાર) –સાંસ્કૃતિ આઘાત અને એવું બધું


સાંસ્કૃતિ આઘાત અને એવું બધું

બાકાકાને અમે વડોદરા લઈ આવ્યાં પણ એમને અમારી સાથે ન’તું રહેવું. એમને નાના ભાઈ સાથે રહેવું હતું. નાનો ભાઈ ત્યારે એનાં બે સંતાનો સાથે રહેતો હતો. એનાં પત્ની તો મેં આગળ નોંધ્યું છે એમ ક્યાંક ચાલ્યાં ગયેલાં હતાં. એને સંતાનોમાં એક દીકરો અને એક દીકરી. જો કે, એણે રસોઈયણ રાખી હતી. એને કારણે બાકાકાને કોઈ તકલીફ પડે એમ ન હતી. બાને નાના ભાઈનાં સંતાનો માટે વિશેષ પ્રેમ હતો. એટલે સુધી કે અમે આટલાં વરસો પછી ભારત ગયેલાં તો પણ એ મારા નાના ભાઈનાં સંતાનોને જેટલું અને જેવું વહાલ બતાવતાં હતાં એટલું અને એવું વહાલ મારા સંતાનને ન’તાં બતાવતાં. મેં તો એ બાબતની નોંધ સરખી ન’તી લીધી. પણ, રેખાએ લીધેલી. બાએ નાના ભાઈનાં સંતાનોને કંઈકને કંઈક હોંશે હોંશે આપેલું. પણ હેતુને કશું ન’તું આપ્યું. હું આવા વ્યવહારોમાં બહુ સમજું નહીં. પણ એવી ઘટનાઓ પરત્વે કોઈ મારું ધ્યાન દોરે તો હું એનું તરત જ સમાજશાસ્ત્રની દૃષ્ટિએ વિશ્લેષણ કરું અને જે તે વ્યક્તિના દૃષ્ટિકોણથી સમજવાનો પ્રયાસ કરું. બાકાકાના મનમાં કદાચ એમ હશે કે એમને કશું થઈ જાય તો નજીકમાં રહેતો દીકરો જ કામ લાગવાનો છે. એટલે એને સાચવવો સારો. એ તો સારું થયું કે આ વાત રેખાએ અમે અમેરિકા આવ્યા પછી કરેલી. નહીં તો ત્યાં જ મને કદાચ બા માટે થોડોક પૂર્વગ્રહ બંધાઈ જાત ને મારો એમના માટેનો પ્રેમ લોકલાજ પૂરતો મર્યાદિત થઈ જાત.

       દાક્તરે બાને તપાસીને કહ્યું કે ડાયાબીટીસને કારણે એમના એક પગનો અંગૂઠો સડી ગયો છે. એથી કાપી નાખવો પડશે. મેં અગાઉના પ્રકરણમાં લખ્યું છે એમ નાના ભાઈએ મારો આર્થિક બોજો ઓછો કરવા બાકાકાનું નામ એને મળતા સરકારી આરોગ્ય વિમામાં ઉમેરાવી દીધેલું. એથી મારે વીમો આવરે એ સિવાયનો ખર્ચ આપવાનો રહેતો હતો. જો કે, એ રકમ પણ ઘણી મોટી હતી.

બા પાસે એક જમાનામાં ત્રણચાર તોલા સોનાના દાગીના હતા. એ જમાનામાં ગામડામાં વસતી એક કારીગર સ્ત્રી પાસે એટલા દાગીના હોય એ તો બહુ મોટી વાત કહેવાતી. પણ બાએ એ બધ્ધા જ દાગીના કાં તો મારી માંદગીના ખર્ચને કાં તો મારા ભણતરના ખર્ચને પહોંચી વળવા વેચી દીધેલા. એટલું જ નહીં, એ ખર્ચને પહોંચી વળવા એમણે એક ભેંસ પણ વેચી નાખેલી. મારે એ બધ્ધું જ બાને પાછું આપવું હતું. રેખા પણ મારા એ નિર્ણય સાથે સંમત થયેલી. પણ અમારી પાસે સોનીની દુકાને જવાનો સમય પણ ન હતો. એટલા દાગીના ખરીદવા હોય તો અમારે વધારે નહીં તો અરધો દિવસ તો જોઈએ જ. આખરે અમે રેખાનાં ફોઈને વાત કરીને કહ્યું કે તમે બા માટે એક લોકેટ, એક ચેઈન, એક ચૂની અને ઝાંઝર ખરીદી લાવો. બીજા જ દિવસે ફોઈએ એમના દીકરા સંજય સાથે એક દુકાને જઈને એટલાં ઘરેણાં ખરીદેલાં અને એ જ દિવસે સાંજે અમે નાનાભાઈના ઘેર જઈને બાને એ બધ્ધાં ઘરેણાં આપેલાં. બાએ એવી કોઈ અપેક્ષા ન’તી રાખી. મેં એમને કહેલું: બા, તમે મારી પાછળ ખર્ચો કરવા માટે તમારી જણસ બધી વેચી નાખેલી. આજે હું એ જણસ તમને પાછી આપું છું. બા ખુશ થઈ ગયેલાં. કાકા પણ. મને અને રેખાને પણ સંતોષ થઈ ગયેલો. આખરે અમે માબાપનું એક દેવું આ રીતે ચૂકવેલું.

       અમે હજી વિઝાના કાગળોની રાહ જોઈ રહ્યાં હતાં. અમારા મનમાં હજી ઉચાટ હતો. મને થતું કે જો વિઝાના કાગળ ન મળ્યા તો? જો અમને વિઝા ન મળ્યા તો? કોઈને આ વાંચીને નવાઈ લાગશે પણ અમે ભારત આવવાનો નિર્ણય લીધો ત્યારે જ અમારા ઘરની એક વધારાની ચાવી બનાવીને અમારા એક મિત્ર વાસુને આપી રાખેલી. મેં એને કહેલું: વાસુ, કોઈક ગરબડ થાય ને મારાથી પાછા ન અવાય તો આ ચાવી. ઘરમાં જે કંઈ છે એનું શું કરવાનું એ હું તને ઇમેઈલથી જણાવીશ. વાસુએ કહેલું કે એવું કદી ન બને. તું ખોટો સ્ટ્રેસ રાખે છે. પણ કોણ જાણે કેમ હું કોઈ પણ કામ હાથમાં લેતો ત્યારે મને નિષ્ફળતાના વિચારો પહેલા આવતા. કદાચ મને કશું પણ સરળતાથી મળ્યું નથી એટલે એમ થતું હશે. નાનપણમાં એક સ્લેટ કે સ્લેટની પેન લેવી હોય તો પણ ચારેક દિવસ રડવું પડતું. પછી બા બધી વ્યવસ્થા કરતાં.

       આ બધો સંતાપ અમારા મગજ પર ઝળુંબ્યા કરતો હતો. એને કારણે અમે મિત્રોને મળતા હતા પણ અમારો જીવ ચોંટતો ન હતો. જો કે, એ માટે બીજાં પણ અનેક કારણો હતાં. એમાંનું એક તે બદલાયેલું ભારત. બદલાયેલું ગુજરાત. હું જ્યાં પણ જતો ત્યાં શિક્ષણની કે જ્ઞાનની વાતો ભાગ્યે જ થતી. બધ્ધે જ મુક્ત અર્થતંત્રની અને ગોધરા અને ત્યાર પછીની ઘટનાઓની વાત થતી. આ બન્ને મુદ્દા પર હું મારા તમામ મિત્રો કરતાં જુદો મત ધરાવતો હતો. એને કારણે અમારી ચર્ચાઓમાં ભાગ્યે જ હૂંફ અનુભવાતી. કદાચ સામે પક્ષે પણ એવું જ હશે. મને લાગતું હતું કે આ બન્ને મુદ્દા વરસોની મૈત્રી પર પાણી ફેરવી દેવા માટે પૂરતા હતા.

મુક્ત અર્થતંત્રની બાબતમાં મારું સ્પષ્ટ માનવું હતું કે ભારતે મુક્ત અર્થતંત્રને સ્વીકારતાં પહેલાં એ પ્રકારના અર્થતંત્રના કારણે જે દેશોએ સહન કર્યું છે એમની પાસેથી પણ ધડો લેવો જોઈતો હતો. બધું જ IMF, World Bank અને WTO કહે એમ કરવાની જરૂર ન હતી. મિત્રોની દલીલ એ હતી કે એ ત્રણેય કહે એમ જો ભારત ન કરે તો ભારતને લોન ન મળે અને ભારતનો વિકાસ ન થાય. એક અર્થશાસ્ત્રનાં પ્રોફેસરે તો મને ત્યાં સુધી કહેલું કે તમારાથી ભારતનો વિકાસ સહન નથી થતો એટલે તમે આમ કહો છો. મારું કહેવું બીજું જ કંઈક હતું. હું માનતો હતો આ ત્રણ Unholy Trinityના કારણે ભારતમાં સામાજિકમૂડીનું અને માનવમૂડીનું મોટા પાયા પર ધોવાણ થશે. ભારતીય સમાજ આ બે મૂડીઓ પર ટકી રહ્યો છે. મુક્ત અર્થતંત્રના કારણે આપણી આખી મૂક્યવ્યવસ્થા બદલાઈ જશે.

હું જે કોઈ શહેરમાં ગયો ત્યાં બધે જ હવે મૉલ આવી ગયા હતા. ત્યાં બધ્ધે જ, અહીંના મૉલમાં હોય છે એમ ૭૦%, ૮૦% ડીસકાઉન્ટ સાથે વસ્તુઓ વેચાતી હતી. આ ડીસકાઉન્ટ વ્યવસ્થા વાસ્તવમાં તો ગ્રાહકોને લલચાવવા માટે ઊભી કરેલી એક વ્યવસ્થા છે. આપણે બધા જાણીએ છીએ. પણ મિત્રો જ્યારે ખરીદીની વાત કરતા ત્યારે હંમેશાં વસ્તુના કેટલા પૈસા આપ્યા છે એની વાત ન’તા કરતા. એ લોકો એ વસ્તુ કેટલા ડીસકાઉન્ટથી મળ્યું છે એની વાત કરતા. મારે ત્યાંના મૉલમાંથી કાંઈ ખરીદવું ન હતું. પણ, મારે એનો એક અનુભવ તો કરવો જ હતો. હું એ અનુભવ લેવા માટે એક મૉલમાં ગયો. બીજી ક્ષણે હું ભૂલી ગયેલો કે હું ભારતમાં છું. કેમ કે બધું જ અમેરિકન મૉલ પ્રમાણે ગોઠવેલું હતું. પણ હું જેવો કાઉન્ટર પર ગયો એવા જ મને ખ્યાલ આવી ગયો કે હું ભારતમાં છું. ત્યાં અમેરિકામાં હોય છે એવી politenessનો અભાવ દેખાતો હતો.

૧૯૯૭માં હું અમેરિકા આવ્યો. મેં ભણવા ભણાવવાનું શરૂ કર્યું એ પહેલાં યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાએ મારા જેવા બીજા દેશોમાંથી આવેલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને એક અઠવાડિયાની તાલીમ પણ આપેલી. એમાં એમણે અમને cultural shock વિશે ખાસ ભણાવેલું. એમણે અમને કહેલું કે અમેરિકન સંસ્કૃતિને તમે તમારી સંસ્કૃતિના માપદંડો પ્રમાણે ન માપતા. દરેક સંસ્કૃતિના એના પોતાના સિદ્ધાન્તો હોય છે. જો તમે તમારી સંસ્કૃતિ પ્રમાણે અમેરિકન સંસ્કૃતિ માપવા બેસશો તો તમને સાંસ્કૃતિક આઘાત લાગશે. હું જ્યારે ભારત ગયો ત્યારે હું બે સંસ્કૃતિઓ સાથે લઈને ગયેલો. ભારતની સંસ્કૃતિ. પણ એ આઠ વરસ પહેલાંની હતી. અને અમેરિકાની સંસ્કૃતિ. મને લાગેલું કે હું ભારતમાં અમેરિકન સંસ્કૃતિની ફોટોકૉપી સંસ્કૃતિ સાથે કામ પાર પાડી રહ્યો છું.

એવા જે બેચાર અનુભવો થયેલા એનો ઉલ્લેખ, અલબત્ત નામ દીધા વિના, કરવો જરૂરી લાગે છે. હું અને રેખા એક મિત્રને મળવા ગયા. એમનો દીકરો ઘરમાં જ હતો. પહેલા માળે એની રૂમમાં બેઠો બેઠો એ વાંચતો હતો. અમે પૂછ્યું: ક્યાં ગયો તારો દીકરો? તો મિત્ર કહે: એ અત્યારે વાંચવા બેઠો છે. એણે કહ્યું છે કે મને ખલેલ ન પહોંચાડતા. મેં પૂછ્યું: પરીક્ષા ચાલે છે? એ કહે: ના. પરીક્ષાની તો હજી વાર છે. આ એ જ દીકરો હતો જે નાનો હતો ત્યારે અમે પણ રમાડેલો. અમને સાચે જ આઘાત લાગેલો. મેં પેલી બે મૂડીઓના– સામાજિક મૂડી અને સાંસ્કૃતિક મૂડી- ધોવાણની વાત કરેલી એનો અમને અનુભવ થયો.

એ સાથે જ ન’તી કરવી તોય મારાથી તુલના થઈ ગઈ. મારો દીકરો ત્રીજા ધોરણમાં હતો ત્યારનો અમેરિકામાં છે. અમારા બધા કરતાં એ અમેરિકાને વધારે સારી રીતે સમજે છે. એમ છતાં મારા ઘેર કોઈ પણ મહેમાન આવે તો એ મહેમાન સાથે જમવા બેસે છે, વાતો કરે છે, અને મહેમાનો જમી રહે પછી એમની થાળીઓ ઊંચકી, વીછળી, સિંકમાં મૂકી દે છે. એ કદી મહેમાનોની ટીકા કરતો નથી. અલબત્ત, કંઈક કહેવા જેવું હોય તો એ કહે છે ખરો પણ પૂછો તો જ.

એ જ રીતે, અમે બીજા એક મિત્રના ત્યાં ગયાં. એમને એક દીકરી હતી. એ દેખાઈ નહીં. અમે પૂછ્યું કે દીકરી કેમ દેખાતી નથી? તો અમારા મિત્ર કહે: એના બૉયફ્રેંડ સાથે બહાર ગઈ છે. આવું જ એક બીજા મિત્રના ત્યાં પણ થયેલું. અમને સમજાતું ન હતું કે આ બધું શું થઈ રહ્યું છે. આપણા ઘેર પરદેશથી કોઈ આવવાનું હોય, આપણે એમને ઓળખતાં પણ હોઈએ, તો પણ દીકરો કે દીકરી એની ગર્લફ્રેંડ કે એના બોયફ્રેંડને મળવા જવાને priority આપે ત્યારે એ ઘટનાને કઈ રીતે સમજવી એ મારા માટે અને રેખા માટે પણ એક કોયડો હતો. આખરે મેં રેખાને એક જ વાક્યમાં કહેલું: ભારતીયો અમેરિકનો કરતાં વધારે અમેરિકન બની ગયા છે.

એ જ વખતે હું મારા બીજા એક મિત્રને મળવા ગયેલો. એ એમ. એસ. યુનિવર્સિટીમાં વાઈસ ચાન્સેલર બનેલા. એક જમાનામાં હું એમના ઘેર જતો. એમનાં બાના હાથની રસોઈ પણ ખાતો. અમે અવારનવાર મળતા. ફિલસૂફીની વાતો કરતા. હું એમને મળવા ગયો ત્યારે એમના વર્તનના કારણે હું ‘તું’ અને ‘તમે’ની વચ્ચે ગોટાળો કરવા લાગેલો. મને રશિયન કવિ જોસેફ બ્રોદસ્કીની એક કવિતા યાદ આવી ગયેલી. એમાં જીસસ ક્રોસ પર છે ત્યારે માતા મૅરી એમને એક પ્રશ્ન પૂછે છે: તું મારો ભગવાન છે કે મારો પુત્ર? મને પણ એ મિત્રને મળીને પ્રશ્ન થયેલો: તું મારો મિત્ર છે કે મારો વાઈસ ચાન્સેલર? જીસસે મૅરીને જવાબ આપેલો: ઈશ્વર કે પુત્ર. જે ગણે તે. હું તારો જ છું. પણ, મારા મિત્ર તરફથી મને એવો કોઈ જ જવાબ ન’તો મળ્યો. મેં એ મિત્રની સાથે માંડ પચ્ચીસ મિનિટ કાઢી હશે. હું સાચે જ મુંઝાઈ ગયેલો. મને લાગતું હતું કે મારી અને એની વચ્ચે ભૂતકાળમાં કશું હતું જ નહીં. અમે જાણે કે જીંદગીમાં પહેલી વાર મળી રહ્યા હતા. મને હું સુરેશ જોષીની ‘એક મુલાકાત’ વાર્તામાંના પાત્ર જેવો લાગતો હતો. મારી સામે કોઈ દર્પણ ન હતું તો પણ હું ઘડીકમાં લઘુકદનો બની જતો હતો તો ઘડીકમાં ગુરુકદનો. હું ત્યાંથી રીક્ષામાં બેસીને રીતસરનો ભાગેલો.

મારે મારા મિત્ર ઇકબાલ પીરઝાદાને પણ મળવું હતું. મેં આગળ લખ્યું છે એમ ગોધરા તોફાનો વખતે હિન્દુ ટોળાએ એમનું ઘર બાળી મૂકેલું. મેં મારા અને પીરઝાદા સાહેબના મિત્ર અર્જુનસિંહને ફોન કરીને પીરઝાદા સાહેબનું સરનામું પૂછ્યું. તો એ કહે: મને પણ ખબર નથી કે એ ક્યાં રહે છે. એનો જવાબ સાંભળતાં જ હું એક ક્ષણ પૂરતાં મને પણ ન સમજાય એવી પરિસ્થિતિમાં મૂકાઈ ગયેલો. કેમ કે હું ભારતમાં હતો ત્યારે પીરઝાદા સાહેબ કેટલા વાગે ઊઠે છે ને કેટલા વાગે સૂઈ જાય છે એની માહિતી પણ અર્જુનસિંહ પાસેથી મળી રહેતી. ૨૦૦૨ પછી એવું તે શું બન્યું હશે કે અર્જુનસિંહ પાસે પીરઝાદા સાહેબ ક્યાં રહે છે એ માહિતી પણ ન હતી. આખરે અમે ટેલિફોન ખાતા પાસેથી એમનો નંબર અને એમનું સરનામું મેળવ્યું. અમે ત્રણેય એમને મળવા ગયેલાં. મેં એ મુલાકાત વિશે આ પહેલાં લખ્યું છે. અમે બધાં જ ભેગાં થઈને પોણો કલાક બેઠાં હોઈશું. એ પોણો કલાક દરમિયાન અમે બધાં જાણે કે એકબીજા સુધી પહોંચવા માટે કાદવમાં તરી રહ્યાં હતાં. અમે ક્યાંય પહોંચતાં ન હતાં. આવો જ અનુભવ ગુલામ મોહમ્મદ શેખને મળવા ગયાં ત્યારે થયેલો. જો કે, શેખ પીરઝાદા સાહેબ કરતાં વધારે સ્વસ્થ હતા. પણ, મને સતત એવું લાગતું હતું કે હું એમના સુધી પહોંચી શકતો નથી.

આ મુલાકત દરમિયાન મિત્રો સાથે ગોધરા અને ત્યાર પછીની ઘટનાઓ વિશે વાત કરવાનું તદ્દન ટાળી શકાય એમ ન હતું. પણ, જ્યારે પણ એ વિષય પર વાત નીકળતી ત્યારે અમારા સંવાદ પર એક જ તર્કનું શાસન જોવા મળતું. એ તર્ક તે ધ્રુવીકરણનું. દરેક સંવાદ વખતે બે પક્ષ પડી જતા. વિરોધમાં અને તરફેણમાં. ક્યારેક અમારી વાતો, દલીલો સુધી પહોંચી જતી. મને બધા એક જ વાત કરતા હતા: મુસ્લિમોને પાઠ ભણાવવો જરૂરી હતો. કેટલાક એમ પણ કહેતા કે એ ઘટનાઓ પછી ગુજરાતમાં કેટલી બધી શાન્તિ છે! કેટલાક એમ પણ કહેતા હતા કે તું અમેરિકામાં છે એટલે તને કશી ખબર ન પડે. તું ત્યાં શાન્તિથી રહે. ભારતની બાબતમાં તારે બહુ માથાકૂટ નહી કરવી.

ભારતની આ મુલાકાત વખતે બીજા પણ અનુભવો થયેલા.

અમે અમારા એક પ્રોફેસરને મળવા ગયેલાં. સાથે હેતુ પણ હતો. એ પ્રોફેસરે ઇસ્લામની એટલી બધી ટીકા કરી કે બીજા દિવસે હેતુએ એમના ત્યાં જમવા આવવાની ના પાડી દીધી. એણે અમને કહ્યું: I can’t share table with your professor. રેખા મુંઝાઈ ગયેલી. હું ન’તો મુંઝાયો. મેં એને કહેલું: I am proud of you. પણ, મારે જવું પડશે. અમેરિકાથી ભારત આવવા નીકળ્યો ત્યારે મેં આવી ઘટનાઓનો પણ સામનો કરવો પડશે એવી કદી કલ્પના ન’તી કરી.

       આવી જ એક બીજી ઘટના પણ બનેલી. જો કે, એ ઘટનાને મુક્તઅર્થતંત્ર સાથે કે હિન્દુ-મુસ્લિમ ધ્રુવીકરણ સાથે સંબંધ નથી. અમે મુંબઈમાં એક ઠેકાણે જમવા ગયેલાં. ત્યાં એમનો નોકર નીચે બેસીને જમતો હતો. એને જોઈને હેતુએ મને પૂછેલું: પેલા ભાઈ નીચે બેસીને કેમ જમે છે? મેં એને કહેલું કે અહીં નોકરો નીચે બેસીને જમતા હોય છે. તો એણે કહેલું: હું નોકરની સાથે બેસીને જમીશ. આ તો ભેદભાવ કહેવાય. એને અમારી સાથે બેસીને જમવાનું સમજાવતાં મને ખૂબ મુશ્કેલી પડેલી. મેં કહેલું કે આ આપણું ઘર નથી. આપણા ઘરના નિયમો આપણે બીજા ઘર પર લાદી ન શકીએ. તો એણે મને જવાબ આપેલો: તો આ ઘર છોડી દો.

       એ દરમિયાન અમારા વિઝાના કાગળ મુંબઈ આવી ગયા હતા. એ સમાચાર મળ્યા એ સાંજે અમારે મુંબઈ જવાનું હતું. બાને દવાખાનામાં દાખલ કરી દીધાં હતાં. બીજા દિવસે એમના પગનો અંગૂંઠો કાપવાનો હતો. અમે એમને દવાખાનામાં મૂકીને મુંબઈ ગયાં. બધું કામ નાના ભાઈએ સંભાળી લીધું હતું.

       અમે મુંબઈ પહોંચ્યાં. ત્યાંથી કાગળો લઈને પાછા વિઝા કચેરીએ ગયા. બધા કાગળ બરાબર હતા. ફરી મને જે-૧ અને રેખા તથા હેતુને જે-૨ વિઝા મળ્યા. ત્રીજા જ દિવસે પાછાં અમે વડોદરા આવ્યાં. બા હજી દવાખાનામાં હતાં. અમે એમને મળવા ગયાં તો એ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યાં. એ ઓપરેશન થિયેટરમાં કાનની બુટ્ટીઓ પહેરીને ગયેલાં અને કોઈકે એમની એ બુટ્ટીઓ કાઢી લીધેલી.

       રેખાએ તાબડતોબ નવી બુટ્ટીઓ ખરીદીને બાને આપી.

       અમે બાને ભાઈના ત્યાં મૂકીને એકાદબે દિવસ પૂરતા રેખાના પિયરમાં ગયાં અને ત્યાંથી અમેરિકા આવવા મુંબઈ ગયાં.

       આઠ વરસ પછી ભારતની આ મુલાકાતે મને થકવી નાખ્યો હતો. હું ઘણા મિત્રોને ન’તો મલી શક્યો. એ બધા જ મિત્રોએ એકબીજાને કહેલું: બાબુ અમેરિકા ગયા પછી બગડી ગયો. આપણને મળવા પણ ન આવ્યો.

 

4 thoughts on “મને હજી યાદ છે-૫૮ (બાબુ સુથાર) –સાંસ્કૃતિ આઘાત અને એવું બધું

 1. really very touchy meetings and finding great difference in all friends and many have become more american then you – and also observed views of Hetu very practical. Sad about Ba- and her operation and theft of her ear rings.
  over all ass you said it was very tiring and trying time in India.

  Liked by 1 person

 2. માણસ જન્મે છે ત્યારે જીન્સના રુપમાં પોતાના અનેકો અનેક પૂર્વજોને લઈને જન્મે છે. શારીરિક ઉપરાંત બૌધ્ધિક વારસો લઈને જન્મેલ માણસની અભિગમ પર એનાં ઉછેરની પણ ઘણી મોટી અસર સ્વાભાવિક રીતે થાય જ. હેતુનું વર્તન અને અભિગમ એક ઉમદા માણસ જેવા છે એ આનંદનો વિષય તો છે જ પણ અભ્યાસનો વિષય પણ છે. તમારી બંને જણાની જાગૃતિ અને પ્રતિબધ્ધતા પરિણામગામી થઈ. અભિનંદન. ઘણાં કિસ્સામાં આવું નથી થતું કંઈક જુદુ જ રીએક્શનરી પરિણામ આવી પડે છે. આમ થવાનાં કારણો વિશે ક્યારેક લખશો તો નવું જાણવા સમજવા મળશે. આભાર.

  Liked by 1 person

 3. મા બાબુભાઇનો ‘સાંસ્કૃતિ આઘાત અને એવું બધું’ની લગભગ બધી વાત અનુભવી છે.તે અંગે ચર્ચા
  વિચારણા કરી કુટુંબ-સમાજની સેવામા કડવા અનુભવો થયા છે પણ અમારા વિદ્વાન મિત્રોની વાત
  -સંસ્કૃતિ જ્યારે બાહ્ય પરિબળોથી અસર પામે છે, ત્યારે તેઓ કોઈક વસ્તુની અવગણના કરે છે અને અન્યને સ્વીકારે છે, અને તરત જ તેના રૂપાંતરની શરૂઆત કરે છે. મનુષ્યએ ચૂકવવી પડતી કિંમત માટે વૈશ્વિકરણ જવાબદાર છે એટલે કે ગરીબી, અસામનતા, વિભિન્ન દેશ અને મૂળના લોકોના મિશ્રણથી ઉભી થતી વિસંવાદિતા, અન્યાય જેવી વસ્તુઓ ભોગવીને માનવીએ ચૂકવવી પડતી કિંમત માટે તથા તથા પરંપરાગત સંસ્કૃતિના થઈ રહેલા હ્રાસ માટે વૈશ્વિકરણ સાથે સંકળાયેલુ આર્થિક પરિવર્તન જવાબદાર છે.હવે આવામા આપણે સમાજને ન બદલી શકીએ પણ આપણે બદલાવું પડે.આમા તબીબી સારવારમા ઘણીવાર ખોટા ખર્ચા થતા હોય .જો ગરીબાઇ છે તો પોષણક્ષમ સારવાર માટે સરકારી કે રાહતદરના કેન્દ્રોમા સારવાર લેવી જોઇએ.સંપતિ અંગે પણ નવા પરીબળોને સ્વીકારી કાયદાકીય રીતે યોગ્ય વ્યવસ્થા કરવી જોઇએ.પરદેશમા સંઘર્ષ કરી આવેલા ઓછા નસીબદાર , તેમના પ્રમાણમા દાન કરતા હોય તો પણ ‘બાબુ અમેરિકા ગયા પછી બગડી ગયો. ..’જેવું સાંભળવાનુ સામાન્ય …

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s