વિયોગ-૧૩ (રાહુલ શુકલ)-વીતેલા વર્ષનું સરવૈયું-


વીતેલા વર્ષનું સરવૈયું

નવેમ્‍બર ૩, ૨૦૧૩: ભાઈ, આજે દિવાળી છે. અમે દિવાળી પાર્ટી બે દિવસ અગાઉ રાખી હતી. હું નાનો હતો ત્‍યારે દિવાળી તે આપણા કુટુંબ માટે બહુ વિશિષ્ટ સમય બની જતો.

એક બાજુથી ફટાકડા ફૂટતા હોય, મીઠાઇઓ થતી હોય. અને કેટલાય દાયકાઓથી આપણા ઘરની પ્રણાલિકા એ હતી કે છેલ્લા ચાર દિવસ, ભાઈ, તમે ‘‘સમય’નાં એ વીતેલાં વર્ષનાં અંક લઇને બેઠકમાં જાજમ પર, પાછળ તકિયો રાખીને ‘સમય’ માટે લેખ લખતા. અને તમારા લેખનું નામ દર વર્ષે એક જ રહેતું, ‘વીતેલા વર્ષનું સરવૈયું.’

અને તમે જૂના અંકનાં પાનાં ઉથલાવતા,  સામે બે ત્રણ જણા બેઠાં હોય એને સૂચનાઓ આપતા. અને હાથમાં પેન સાથે તમે એ લેખ લખતા. પછી લેખમાં કોઇ ગામડાની ગરીબ માતા એના દીકરાને ખવડાવવાની રોજી મેળવવા માટે બળબળતા બપોરે દાડીએ જતી હોય તે વાત લખતી વખતે  તમારે હાલરડું લખવું હોય.

‘તારી બાને બોલાવ.’ તમે કહેતા. સુશીબેન રસોડામાંથી લોટવાળા હાથે બેઠકમાં આવતાં.

‘પેલું શું કાંઇક ગીત છે, ‘તમે મારાં દેવનાં દીધેલ  છો’, એમાં પછીની લીટી શું છે?’ તમે પૂછતા.

સુશીબેન કહેતાં, ‘તમે મારાં દેવનાં દીઘેલ છો, તમે મારાં માગી લીઘેલ છો,’ અને છેલ્‍લી કડી, સુશીબેન કહેતાં, ‘આવ્યાં ત્‍યારે અમર થઈને રહો.’

ભાઈ, તમે સુશીબેન બોલતા હોય એટલીજ ઝડપથી લખી લેતા અને પછી કહેતાં ‘બસ એટલું જ પૂછવું હતું.’

તમારા લખાયેલાં પાનાં વીરમ કે બેલીમ કે રતિલાલ તાબડતોડ પ્રેસમાં  પહોંચાડતા. જૂના વખતમાં લાલભાઇ અગ્નિહોત્રી એને કંપોઝ કરતા. પછી તો દશરથ અને  બીજા ઘણા આવ્યા. વશરામભાઇ  છપાઈ વખતે  પ્રિન્ટીંગ પ્રેસનાં મશીનમાં ટાંકણીઓની પોઝિશન બરોબર કરતા જેથી છપાઇ ત્રાંસી ન થાય. કલર બરોબર આવે છે કે નહીં તેનું ધ્યાન રાખતા.

છેલ્લાં વીશ વર્ષમાં તો વજુ અને મુકેશ ટાઇપ કરતા. તમે ફોનમાં સતત સૂચના આપતા, ‘વીતેલા વર્ષનું મેટર સેપીયા કલરમાં લેવાનું છે, ગરીબ માતા ગોમતીનો બ્‍લોક શોઘી કાઢો, લેખ લાંબો થાય તો અનુસંધાન ત્રેવીશમા પાને લેવાનું છે.’

અને આવાં ઘમસાણવાળી દિવાળી હતી આપણા એ ત્રીશ સર્વોદય સોસાયટીના  મકાનમાં.

આજે દિવાળી છે. હું મારાં ન્યૂ જર્સીના વોરન શહેરમાં, એક રૂમમાં એકલો બેસીને આ લખું છું.

આપણું સર્વોદય સોસાયટીનું મકાન આ દિવાળીમાં ખાલી અને સૂમસામ છે.

અને ભાઈ, અગર તમારી જેમ મારે વીતેલા વર્ષનું સરવૈયું લખવાનું હોય તો મારા માટે તો બધી વાત બે ત્રણ લીટીમાં જ આવી જાય કે :

* વિક્રમ સંવત ૨૦૬૯નું વર્ષ બહુ કરુણ હતું કેમકે ‘વીતેલા વર્ષનું સરવૈયું લખનાર ‘સમય’નાં સુકાની અને અમારા સૌના ‘ભાઈ’ એકવીશમી એપ્રિલ ૨૦૧૩ની સાંજે આ દુનિયા છોડી ચાલ્‍યા ગયા.

વીતેલા વર્ષનું સરવૈયું

નવેમ્‍બર ૧૦, ૨૦૧૩: વહેલી સવારે આવેલું સ્વપ્ન: સ્વપ્નમાં હું સર્વોદય સોસાયટીના મકાનમાં હતો. ભાઈ એક ખાટલામાં હતા અને સુશીબેન બીજા ખાટલામાં. મને સ્‍વપ્‍નમાં પણ જાણે ખબર હતી કે આ હું તેમને મળું છું તે એમના મૃત્‍યુ પછી મળું છું.

હું પહેલાં સુશીબેનના ખાટલા પાસે ગયો અને એમની સાથે વાતો કરી.

પછી અચાનક સુશીબેન અને તેમનો ખાટલો રૂમમાં નહોતો. હું ભાઈના ખાટલા પાસે ગયો. ખુરશી ખસેડીને ભાઈના પગ પાસે બેઠો અને એમના પગ દાબવા લાગ્‍યો. પછી મેં કહયું, ‘ભાઈ, હું સુશીબેનને હમણાં જ મળીને આવ્‍યો. એમને મેં માંડીને વાત કરી કે એમનાં અવસાન પછી તમે એમને બહુ મીસ કરતા હતા અને બહુ જ રડતા હતા.’

ભાઈએ મારી સામે જોયું, પછી કહ્યું ‘તેં તારી બાને એ કહ્યું તે બહુ સારું કર્યુઁ. મને ગમ્‍યું.’

અને મારી આંખ ખુલી ગઈ. શું સ્વપ્ન આવ્‍યું હતું તેની સમજ પડી અને છાતીમાંથી કેટલાંય ડૂસકાં નીકળી ગયાં.

પછી વહેલી સવારે સ્વપ્નની નોંધ લખતો હતો ત્‍યારે થયું કે ભાઈ, તમારે પ્રશંસા કરવી હોય, કે Compliment આપવા હોય તો તમે આવી જ રીતે આપતા. જયારે તમારે કહેવું હોય કે ‘Son, I am proud of you’, તો તમે એના બદલે કહેતા, ‘તેં આ કર્યું તે મને ગમ્‍યું.’

સુશીબેન ગુજરી ગયાં પછી તમે બહુ રડતા. અમને અવારનવાર ફોન કરતા, અને ફોનમાં અમારી સામે રડતા. હું પોતે સુશીબેન અંગેનું મારું પોતાનું દુ:ખ સંભાળી શકતો નહોતો, આથી તમારા દુ:ખમાં તમને સહાનુભૂતિ આપવાને બદલે મનમાં ને મનમાં તમારા પર ગુસ્‍સે થતો. એ બદલ હું ફરી એકવાર તમારી માફી માગું છું.

સુશીબેન ગયાં પછીના બે ત્રણ મહિના સુધી તમે સુશીબેન અંગે વાત કરતા ત્‍યારે હું સહેજ મૂંગો થઈ જતો. મને એ અંગે વાત કરવી મુશ્કેલ લાગતી. પણ પછી હું ધીમેધીમે સમજતો ગયો કે મારાં દુ:ખને કારણે તમારા દુ:ખની અવગણના કરું તે તો સ્‍વાર્થ અને અભિમાન કહેવાય.

તો પછી જાન્‍યુઆરી ૨૦૧૩થી મેં જ તમારી સાથે સુશીબેન અંગે ઊંડાણથી વાત કરવી શરુ કરી.

એક વાર ફોનમાં બીજી બઘી વાત પતી ગઈ પછી મેં કહ્યું, ‘ભાઈ, આપણે સુશીબેનના છેલ્લા દિવસોમાં જે કહેવાનું હતું તે બધું એમને કહી દીઘું હતું, પણ એક વાત કહેવાની રહી ગઈ, અને તેનું ઘ્‍યાન હમણાં જ મીનુએ દોર્યું.’

ભાઈનો અવાજ ભાંગતો જતો હતો, ‘કઇ વાત કહેવાની રહી ગઈ?’ એમણે પૂછયું.

મેં કહ્યું, ‘આપણે એમને બધું કહ્યું પણ એ કહેવાનું રહી ગયું કે. તમે નહીં હો તે પછી અમને જરાય નહીં ગમે, અને અમે તમને ખૂબ મીસ કરીશું’ મારી આંખમાંથી એ કહેતાં આંસુ વહેતાં હતાં. ભાઈ તો ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગ્‍યા. પછી ધ્રૂસકાવાળા અવાજમાં કહે, ‘હા, આપણે એને કહ્યું નહીં કે તારા વગર અમને જરાય ગમશે નહીં.’

ભાઈ, તે ક્ષણે આપણે બન્‍ને કેવા દુ:ખનાં તાંતણેથી જોડાયેલા હતા! અને જે સોફામાં બેસીને અત્‍યારે આ લખું છું તે જ સોફામાં બેસી, ફોન કાને ઘરી તમારી સાથે આ વાત કરી હતી.

અને આ લખતાં સમજાય છે કે જે વાત આપણાથી સુશીબેનને કહેવાની રહી ગઈ એ વાત મારાથી તમને કહેવાની રહી ગઈ.

* હવે એનો કાંઇ ઇલાજ નથી.

 

 

 

 

 

 

 

 

 

3 thoughts on “વિયોગ-૧૩ (રાહુલ શુકલ)-વીતેલા વર્ષનું સરવૈયું-

 1. નાનું કુટુંબ વિખરાય….

  વેરવિખેર

  વેગે વિખરાતી નાની શી દુનિયા;
  પાંખો ફૂટી ને ઊડતાં પતંગિયા!

  ગૂંથેલા માળાના કુંજન ને ગુંજન,
  ઓસરતા ભીને અવસાદે.
  ખુલ્લા ખાલીપાનાં ખોખાંને આજ
  સૌ ધીરે ધીરે કરતાં નોખાં.

  એક એક ડગલાંએ અંતરપટ ખેંચ્યાં
  ને કેટલાં દૂર જઈ પંહોચ્યાં!
  ઓળંગી અવધી તણાયે પ્રવાહમાં,
  પાંદડીઓ વિભિન્ન વહેણમાં.

  સંધ્યાના ઓળાઓ પોકારે વાળવાં
  પણ, મારગ ભાસે છે મૃગજળ સમા.
  ગાણાં સમાઈ ગયા સૂના સન્નાટામાં
  વિહ્વળ રે વ્હાલપ લિસોટા.
  ——–
  સરયૂ પરીખ
  saryuparikh@yahoo.com

  Liked by 1 person

 2. ‘વીતેલા વર્ષનું સરવૈયું ….હવે એનો કાંઇ ઇલાજ નથી.’-સરવૈયું કાઢી લીધા પછી જે સ્પષ્ટતા પ્રગટ થઈ, જે ગૂંચવણો દૂર થઈ એને કારણે હવે આવતી કાલે નવા સંકલ્પો કરવાની સૂઝ પડશે. એવા સંકલ્પો જે પૂરા કરવા માટે ૩૬૦ દિવસ છે અને જે પૂરા થયા પછી આવતી દિવાળીએ સરવૈયું કાઢીશું તો એમાં અફસોસ કરવા જેવી કોઈ વાત નહીં હોય.
  બેસતા વરસનો આરંભ થઈ રહ્યો છે. આપ સૌને શુભેચ્છા કે આ નવું વર્ષ અને એ પછીનાં તમામ વર્ષો સદા ઝળહળતા પ્રકાશથી ઉજ્જ્વલ રહે. આપ સૌને સાલ મુબારક. નવું વર્ષ છે. નવી શરૂઆત અને સંજોગો બદલાવાના છે.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s