મધ્યકાલીન સમયના ભક્ત કવિઓ-૪-મીરાંબાઈ (૧૪૯૮-૧૫૪૭) (પી. કે. દાવડા)


મીરાંબાઈ (૧૪૯૮-૧૫૪૭)

 

 

ગુજરાતી ભક્તિ સાહિત્યમાં નરસિંહ અને મીરાંનું યોગદાન અજોડ છે. બન્ને પ્રેમલક્ષણા ભક્તિના ઉત્તમ ઉદાહરણ છે.

મીરાંની ભક્તિ અને કૃષ્ણપ્રેમની કોમળતા એના પ્રત્યેક પદમાં પ્રતીત થાય છે. મીરાંએ વ્રજ ભાષામાં, હિન્દી ભાષામાં અને ગુજરાતી ભાષામાં કાવ્યોની રચના કરી છે, કારણ કે એમણે મેવાડ છોડી થોડો સમય વૃંદાવનમાં અને ત્યાર પછી અંત સુધીનો સમય ગુજરાતમાં દ્વારકામાં વિતાવેલો.

કેટલાક પદોમાં મીરાંએ રામની ભક્તિ કરી છે, અહીં એની રામ અને કૃષ્ણ બન્ને વિષ્ણુના અવતાર છે એની સમજ દર્શાવી છે. શ્યામ શબ્દ એને વૃંદાવનમાં મળ્યો હોવાની શક્યતા છે.

મીરાંના પદો કંઠોપકંઠ સચવાયલા હોવાથી કેટલાક શબ્દોમાં ફેરફાર જરૂર થયો હશે, પણ મહદ અંશે એમાંનો ભાવ જળવાઈ રહ્યો છે. આપણે મીરાંના કેટલાક ખૂબ જ જાણીતા પદો જોઈએ.

(૧)

ઝેર તો પીધા છે જાણી જાણી

મેવાડના રાણા, ઝેર તો પીધા છે જાણી જાણી,

નથી  રે  પીધાં  અણજાણી રે

મેવાડના રાણા, ઝેર તો પીધા છે જાણી જાણી

કોયલ ને કાગ રાણા, એક જ વરણાં રે

કડવી લાગે છે કાગવાણી રે,

મેવાડના રાણા, ઝેર તો પીધાં છે જાણી જાણી

ઝેરના કટોરા જ્યારે રાણાજી મોકલે રે

તેનાં બનાવ્યાં દૂધ પાણી રે,

મેવાડના રાણા, ઝેર તો પીધાં છે જાણી જાણી

સંતો છે માતા રાણા, સંતો છે પિતા રે

સંતોની સંગે હું લોભાણી રે,

મેવાડના રાણા, ઝેર તો પીધાં છે જાણી જાણી

સાધુડાના સંગ મીરાં છોડી દો

તમને બનાવું રાજરાણી રે,

મેવાડના રાણા, ઝેર તો પીધાં છે જાણી જાણી

સાધુડાનો સંગ રાણા નહિ છૂટે અમથી રે

જનમોજનમની બંધાણી રે,

મેવાડના રાણા, ઝેર તો પીધાં છે જાણી જાણી

મીરાં કહે પ્રભુ ગિરધર નાગર

તમને ભજીને હું વેચાણી રે,

મેવાડના રાણા, ઝેર તો પીધાં છે જાણી જાણી

– મીરાંબાઈ

આ ભજનમાં મીરાંબાઈ ‘ઝેર’ શબ્દનો પણ કેવો સરસ વિનિયોગ કરે છે ! આ ઝેર સંસારનું ઝેર હોઈ શકે, અપમાન, નિંદા કે તિરસ્કારનું પણ હોઈ શકે. એ વાસ્તવિક અર્થમાં પણ ઝેર હોઈ શકે અને જેને મીરાંબાઈ અમૃત ગણીને પીવે છે, અને કહે છે કે મને ખબર છે કે આ ઝેર છે અને છતાં પણ હું પીઉં છું, કારણ કે મારી રક્ષા કરનારમાં મને વિશ્વાસ છે.

(૨)

મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા;

મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું

મન મારું રહ્યું ન્યારું રે

મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે

સંસારીનું સુખ એવું, ઝાંઝવાનાં નીર જેવું

તેને તુચ્છ કરી ફરીએ રે

મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે

સંસારીનું સુખ કાચું, પરણી રંડાવું પાછું

તેવા ઘેર શીદ જઈએ રે

મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે

પરણું તો પ્રીતમ પ્યારો, રંડાપાનો ભો’ ટાળ્યો

તેનાં તે ચરણે રહિયે રે

મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે

મીરાંબાઈ બલિહારિ, આશા મને એક તારી

હવે હું તો બડભાગી રે

મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે

– મીરાંબાઈ

આ પદમાં મીરાંબાઈ કહે છે કે મને તો શ્યામ સાથે એટલો પ્રેમ થઈ ગયો છે, કે એકવાર એનું મુખ જોયા પછી સંસારમાં બીજું કંઈપણ ગમતું નથી. હું શ્યામને વરી ચુકી છું, હવે મને વિધવા બનવાનો ડર નથી, કારણ કે શ્યામ તો અમર છે. અંતીમ પંક્તિઓમાં કહે છે કે મને માત્ર તારી જ આશા છે, તારા ઉપર જ ભરોસો છે.

(૩)

જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું

મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું

આરે કાયા રે હંસા, ડોલવાને લાગી રે

પડી ગયાં દાંત, માંયલી રેખું તો રહ્યું

મારો હંસલો ને દેવળ જૂનું તો થયું

તારે ને મારે હંસા પ્રીત્યું બંધાણી રે

ઊડી ગયો હંસ પીંજર પડી તો રહ્યું

મારો હંસલો ને દેવળ જૂનું તો થયું

બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરનાં ગુણ

પ્રેમનો પ્યાલો તમને પાઉં ને પીઉં

મારો હંસલો ને દેવળ જૂનું તો થયું

– મીરાંબાઈ

આ પદમાં મીરાંબાઈએ ગીતામાં ચર્ચેલા શરીર, જીવ અને આત્માની વાતને વણી લીધી છે. શરીરને પીંજરા સાથે સરખાવી, જીવને અને આત્માને હંસની ઉપમા આપી છે. શરૂઆતની પંક્તિઓમાં શરીરને દેવળ સાથે સરખાવીને શરીરની પવિત્રતા પ્રત્યે પણ ઈશારો કર્યો છે.

(૪)

રામ રમકડું જડિયું રે, રાણાજી, મને રામ રમકડું જડિયું

રૂમઝૂમ કરતું મારે મંદિરે પધાર્યું

નહિ કોઈના હાથે ઘડિયું રે, મને રામ રમકડું જડિયું

મોટા મોટા મુનિવર મથી મથી થાક્યા

કોઈ એક વિરલાને હાથે ચડિયું રે, મને રામ રમકડું જડિયું

સૂના શિખરના ઘાટથી ઉપર

અગમ અગોચર નામ પડિયું રે, મને રામ રમકડું જડિયું

બાઈ મીરાં કહે પ્રભુ ગિરધર નાગર

મન મારું શામળિયા સંગ જડિયું રે, મને રામ રમકડું જડિયું

– મીરાંબાઈ

આ પદમાં મીરાં મેવાડના રાણાંને કહે છે કે મને એવું અલૌકિક રમકડું મળ્યું છે કે જેને આ લોકમાંથી કોઈએ બનાવ્યું નથી. આ રમકડું મેળવવા અનેક મુનીયો તપ કર્યા, પણ એ તો માત્ર વિરલાઓને જ મળે એવું રમકડું છે. આ પદમાં મીરાંએ રામ અને કૃષ્ણ, વિષ્ણુના બન્ને અવતારોને યાદ કર્યા છે.

(૫)

પ્રેમની, પ્રેમની, પ્રેમની રે,

મુને લાગી કટારી પ્રેમની.

જળ જમુનાનાં ભરવા ગયા’તાં,

હતી ગાગર માથે હેમની રે,

મુને લાગી કટારી પ્રેમની.

કાચે તે તાંતણે હરિજીએ બાંધી,

જેમ ખેંચે તેમ તેમની રે,

મુને લાગી કટારી પ્રેમની.

બાઈ મીરાં કહે પ્રભુ ગિરધર નાગર,

શામળી સૂરત શુભ એમની રે,

 મુને લાગી કટારી પ્રેમની.

– મીરાંબાઈ

મીરાંના અનેક પદોમાં ગોપીભાવ, પ્રેમલક્ષણા ભક્તિ સ્પષ્ટ દેખાય છે, આ પદ એનું એક ઉદાહરણ છે. છે તો કટારી, પણ પ્રેમની છે, એનાથી પીડા ન થાય. મીરાં કહે છે, શ્યામે તો મને કાચા તાંતણેથી બાંધી છે, અને છતાંયે જેમ એ ખેંચે એમ હું ખેંચાતી જાઉં છું, અને તેમની થતી જાઉં છું. આનાથી વધારે ઉત્કટ પ્રેમનું શું વર્ણન હોઈ શકે.

નરસિંહ અને મીરાંએ ગુજરાતને કૃષ્ણભક્તિનો કયારે ય ન ખૂટે એવો ખજાનો આપ્યો છે.

4 thoughts on “મધ્યકાલીન સમયના ભક્ત કવિઓ-૪-મીરાંબાઈ (૧૪૯૮-૧૫૪૭) (પી. કે. દાવડા)

 1. પૂજ્ય દાવડા સાહેબ,
  ઓછા શબ્દોમા તમે જે રીતે વિષયને પૂર્ણતા બક્ષો છો તે તમારી વિશેષતા છે.
  મઘ્યકાલીન સમયના ભક્તકવિઓને તમે જે શબ્દોમાં પ્રેઝન્ટ કર્યા છે તે ખૂબ ગમે છે.
  તમારા આ લેખો ગુજરાત દર્પણ જેવા અમેરિકા સ્થિત મેગેઝીનઓઅે છાપવા જોઇઅે તેવા મારા વિચાર છે.
  દિવાળીની શુભેચ્છાૌ…અને…હિન્દુ…વિક્રમ સંવત ૨૦૭૫ ની શુભકામનાઓ પાઠવું છું.
  અમૃત હઝારી.

  Like

 2. મઘ્યકાલીન સમયના ભક્તકવિઓના કૃષ્ણભક્તિનો કયારે ય ન ખૂટે એવા ખજાનોમાથી ઉતમ રચનાઓનું સ રસ રસદર્શન કરાવ્યુ

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s