મને હજી યાદ છે-૫૯ (બાબુ સુથાર)અમેરિકામાં રોકાઈ જવાની દિશામાં એક ડગલું


અમેરિકામાં રોકાઈ જવાની દિશામાં એક ડગલું

આખરે અમે પાછાં અમેરિકા આવ્યાં. હેમખેમ.

અમારા માટે હવે પ્રશ્ન એ હતો કે અમારે ભારત પાછા જવું જોઈએ કે અમેરિકામાં જ રહેવું જોઈએ. મારી ઇચ્છા હતી કે હેતુનું બારમું ધોરણ પૂરું થઈ જાય એટલે અમારે પાછા ભારત જતા રહેવું. પણ અમારા ભારતના પ્રવાસ દરમિયાન અમે જે ભારત જોયું એ ભારતને ધ્યાનમાં લીધા પછી હું એ વિશે પુનર્વિચાર કરવા લાગેલો. મને ભારતમાં કોઈએ એમ ન’તું કહ્યું કે હવે તેં પીએચ.ડી. પૂરું કર્યું છે તો તું ભારત પાછો આવતો રહે. એકબે જણે મને કહેલું કે અહીં તને અધ્યાપકની (lecturer) નોકરી તો મળી જ જશે. યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા અમેરિકાની પહેલી પાંચમાં અને વિશ્વની પહેલી પંદરમાં આવતી યુનિવર્સિટી. એમાં પીએચ.ડી. કર્યા પછી ભારત જઈને મારે પાછા અધ્યાપક જ બનવાનું હોય તો આ પીએચ.ડી. કરવાનો કોઈ અર્થ જ ન હતો. એ જમાનામાં એવી નોકરી તો પીએચ.ડી. વિના પણ મળતી હતી. મારા રોકાણ દરમિયાન હું શિક્ષણ ક્ષેત્રે વગ ધરાવતા ઘણા માણસોને મળેલો. મને એમ કે કોઈક તો મને કહેશે કે તમે પાછા આવો. અમે તમારા માટે વ્યવસ્થા કરીશું. જો કે, સામે છેડે રેખાની ઇચ્છા જુદી જ હતી. એ દીકરાના શિક્ષણને ધ્યાનમાં રાખીને અમેરિકામાં જ રહેવા માગતી હતી. એની પાસે એક બીજું કારણ પણ હતું. એ મને કહેતી કે તને કોઈએ દાદ આપી ત્યાં? કોઈએ તને કહ્યું કે તું પાછો આવી જા. તારી એ લોકોને કોઈ જરૂર નથી. મને સાચે જ કશું સમજાતું નથી. કેમ મિત્રોએ મને એમ નહીં કહ્યું હોય કે પાછો આવી જા. કેમ વડીલોએ પણકોઈ ઉત્સાહ નહીં બતાવ્યો હોય. એક મિત્રએ કહેલું કે બાબુભાઈ, હવે મોટા ભાગના વિભાગો અને યુનિવર્સિટીઓ પણ મિડિયોકર માણસોના હાથમાં પહોંચી ગઈ છે. તમે આઈ વી લીગ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. કર્યું હોય કે બીજી કોઈ પણ યુનિવર્સિટીમાંથી. એમના માટે બધું સરખું જ હોય છે. એ મિત્રની વાતમાં મને દમ લાગેલો. કેમ કે હું બેત્રણ વિભાગના વડાઓને એવી કોઈક આશા સાથે મળેલો. એક વિભાગના હેડને તો મેં સ્પષ્ટ શબ્દોમાં પૂછેલું કે તમારા ત્યાં જગ્યા પડી છે તો તમને શું લાગે છે? એમણે ચોખ્ખું કહેલું: તમે અરજી તો કરજો. ત્યારની વાત ત્યારે.

આ એક ઉડાઉ જવાબ હતો. હું એની પાછળ રહેલો બીજો જવાબ સમજી ગયેલો. એ જવાબ સાંભળતાં જ મને એમ.એસ. યુનિવર્સિટીનાં પ્રથમ વાઈસ ચાન્સેલર હંસા મહેતા યાદ આવી ગયેલાં. એમ.એસ. યુનિવર્સિટીને આંતરરાષ્ટ્રિય સ્તરે મૂકવા માટે એમણે અંગત રસ લઈને અધ્યાપકોની નિમણૂક કરેલી. એવું જ કામ ભીખુ પારેખે પણ કરેલું. ગુજરાતી વિભાગમાં સિતાંશુ યશશ્ચંદ્ર જેવા વિદ્વાનોને લાવવામાં એમણે મહત્ત્વની ભૂમિકા ભજવેલી. એથી પણ મોટું કામ આપણા ભાષાશાસ્ત્રી પ્રબોધ પંડિતે કરેલું. દિલ્હી યુનિવર્સિટીના ભાષાવિજ્ઞાન ભવન માટે સારા અધ્યાપકો શોધવા એ અમેરિકા આવેલા અને જે ભારતીયો ભાષાશાસ્ત્રમાં પીએચ.ડી. કરતા હતા એમને મળીને એમણે કહેલું કે પીએચ.ડી. પૂરું થાય એટલે દિલ્હી આવી જાઓ. તમારા માટે નોકરી તૈયાર છે. આ બધી વાતો મેં ભારતી મોદી પાસેથી અને બીજા ભાષાશાસ્ત્રીઓ પાસેથી સાંભળેલી. એટલે મને પણ મનમાં એવું હતું કે …

ખેર જવા દો એ વાત. એવું કશું ન બન્યું.

આખરે હું પણ રેખા સાથે સંમત થયો. એ સાથે જ કદાચ મારી ભાષાશાસ્ત્રીના અધ્યાપક તરીકેની કારકિર્દીના અંતની શરૂઆત થઈ ગયેલી. જો કે, ત્યારે મેં એટલું તો નક્કી કરેલું કે હવે ગુજરાતી ભાષાના વ્યાકરણના કોઈકને કોઈક પાસા પર કામ કરીને દર વરસે એક પુસ્તક પ્રગટ કરવું.

એ દરમિયાન, મારા દક્ષિણ એશિયાના નવા અધ્યક્ષ આદિત્ત બહેલે મને કહ્યું કે બાબુભાઈ, અમે તમને ગુજરાતી ભાષાના પૂર્ણ કક્ષાના અધ્યાપક તરીકે નીમવાનો નિર્ણય લીધો છે. કેમ કે હવે તમે પીએચ.ડી. પૂરું કરી દીધું છે એટલે તમે વિદ્યાર્થી તરીકે અમેરિકામાં ન રહી શકો. મને અંદરથી દુ:ખ થતું હતું કે આટલાં વરસોથી ભાષાવિજ્ઞાનનો અભ્યાસ કરતો આવેલો એક માણસ અંતિમે તો પોતાની ભાષાનો શિક્ષક બની જશે અને પોતાની ભાષાને બીજી ભાષા (second language) તરીકે ભણાવશે. એની સાથોસાથ, મને એ બાબતનો આનંદ પણ હતો કે ચાલો, હવે અમેરિકામાં જ રહી જઈશ, દીકરાને પણ ભણાવીશ. મેં કદાચ મારી કારકિર્દી ઘડવાની ઉમર ગુમાવી દીધી હતી. હવે મારે દીકરા વિશે વધારે વિચારવાનું હતું. મને એમ પણ હતું કે હવે ‘રહ્યાં વરસો તેમાં’ વાંચવું, વિચારવું, લખવું. યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓ કદી ઓછા નહીં થાય અને હું અહીં જ નિવૃત્ત થઈ જઈશ.

એ દરમિયાન મને બહેલે એમ પણ કહ્યું કે મારા J-1 વિઝા બે સેમેસ્ટર પછી પૂરા થાય છે. યુનિવર્સિટી મારા H-1 વિઝા માટે અરજી કરવા તૈયાર છે. પણ, એ પહેલાં મારે ગુજરાત સરકાર અને ભારત સરકાર પાસેથી જો હું અહીં રહી જાઉં તો એમને કોઈ વાંધો નથી એવું કહેતા પત્રો મેળવવા પડે. અંગ્રેજીમાં એને J-1 waiver તરીકે ઓળખવામાં આવે છે.

આવા ના-વાંધા પત્રો મેળવવાનું કામ સાચે જ ખૂબ જ સંકુલ અને અઘરું હોય છે. મારે ભારતમાં પાસપોર્ટ ઓફિસમાંથી, રાજ્યના ગૃહ ખાતામાંથી અને ભારત સરકારના માનવસંસાધન ખાતામાંથી ના-વાંધા પત્રો મેળવવા પડે. આવું F-1 વિઝામાં નથી હોતું.

આખરે મેં એ પ્રક્રિયા પણ શરૂ કરી. એનાં કાગળિયાં તૈયાર કરવામાં જ લગભગ એક મહિનો લાગી ગયો. પછી બધાં કાગળિયાં મોકલી પણ આપ્યાં. હવે રાહ જોવા સિવાય બીજું કંઈ કરવાનું ન હતું.

મને ડર હતો કે મેં કરેલી અરજીઓનો જવાબ સમયસર નહીં આવે. એટલે મેં મારી જે કોઈ ઓળખાણો હતી એ પણ કામે લગાડી. પાસપોર્ટ ઓફિસની બાબતમાં મેં જેમને એક જમાનામાં તૈયાર કરેલા અને જેમને મેં નોકરી પર રક્ષણ આપેલું એવા એક ખૂબ જાણીતા પત્રકાર મિત્રને વાત કરી. એમણે ઠાલાં વચન આપ્યાં. કશું કર્યું નહીં. પણ મારા એક બીજા મિત્રએ મને ખૂબ સારી સલાહ આપેલી. એણે કહેલું, “બાબુ, પાસપોર્ટ ઓફિસની ચિન્તા ન કર. ત્યાં અંતાણી નામના એક અધિકારી છે એ બધું નિયમ પ્રમાણે જ કરે છે. એમની છાપ ખૂબ સારી છે. ખૂબ પ્રમાણિક અધિકારી છે.” અને એની વાત સાચી પડી. એકાદ મહિનામાં જ પહેલું ના-વાંધા પ્રમાણપત્ર પાસપોર્ટ ઓફિસમાંથી આવી ગયેલું.

ગાંધીનગરના ગૃહખાતામાંથી કામ કરાવવું જરા અઘરું હતું, કેમ કે સ્થાનિક પોલીસ સ્ટેશન જો કોઈ જવાબ ન આપે તો ગૃહ ખાતું એમને બહુ દબાણ ન કરે. અને સ્થાનિક પોલીસ ખાતું જો એક પણ પૈસો લીધા વિના કામ કરે તો આપણે એમ માનવું પડે કે ભારત સાચે જ આઝાદ થઈ ગયું છે. એટલે મેં મારા મિત્ર અને આપણા લેખક કિરીટ દૂધાતને વાત કરી. દૂધાત મારા જૂના મિત્ર. એ અધિકારી બન્યા એ પહેલાંના. પણ સર્જનમાં અમારા બન્નેના માર્ગ જુદા. તો પણ અમને બન્નેને એકબીજા માટે સદ્‌ભાવ. એમણે અંગત રસ લઈને મારું કામ પૂરું કરી આપેલું. એટલે મને ગૃહખાતામાંથી પણ ના-વાંધા પત્ર મળી ગયેલો. ગૃહખાતાએ એવું કહેવું પડે કે મેં કોઈ ગુનો કર્યો નથી અને મારા પર કોઈ ફોજદારી કેસ ચાલતો નથી.

હવે એક પત્ર રહ્યો હતો. એ પણ દિલ્હીના માનવસંસાધન ખાતા તરફથી. એ પત્ર સાચે જ ખૂબ ‘ચતુરાઈભર્યો’ હોય છે. જો માનવસંસાધન ખાતું એમ લખે કે હું અહીં રોકાઈ જાઉં એની સામે એમને વાંધો છે તો એમણે મને મારી લાયકાત પ્રમાણે નોકરી આપવી કે શોધી આપવી પડે. અને જો એમ કહે કે હું અહીં રોકાઈ જાઉં તો એમાં મને વાંધો નથી તો એમણે મારા શિક્ષણ પાછળ જે કંઈ રોકાણ કર્યું હોય એ જતું કરવું પડે. આ ખાતું દાક્તરો અને ઇજનેરોની બાબતમાં વાંધો લેતું હોય છે. ભાષાશાસ્ત્રીઓની બાબતમાં નહીં. માનવસંસાધન ખાતાએ અમુક નોકરીઓની એક યાદી બનાવી છે. એ યાદીમાં દેશમાં જે ક્ષેત્રોમાં માણસોની જરૂર હોય એનો સમાવેશ કર્યો હોય છે. હું મનમાં ઉચાટ સાથે એ પત્રની રાહ જોઈ રહ્યો હતો. આખરે એ પત્ર પણ આવી ગયો. એમને પણ હું અમેરિકામાં રહી જાઉં એની સામે વાંધો ન હતો.

હું ઘણી વાર અમેરિકા આવેલા ભારતીયોને બે વિભાગમાં વહેંચી નાખતો હોઉં છું. એક વિભાગમાં ઇમિગ્રેશનની બહુ ઓછી આંટીઘૂંટીમાંથી પસાર થવું પડ્યું હોય એવા ભારતીયોનો સમાવેશ થાય. તો એની સામે છેડે મારા જેવા માણસો પણ હોય છે જેમણે ઇમિગ્રેશનની અનેક આંટીઘૂંટીમાંતી પસાર થવું પડ્યું હોય છે. આ બીજા વર્ગના માણસોએ ઇમિગ્રેશન ફી તથા વકીલોની ફી પાછળ અઢળક નાણાં ખર્ચવાં પડતાં હોય છે. હું, મેં કહ્યું છે એમ, J-1 પર આવેલો. મારો ખર્ચ યુનિવર્સિટીએ આપેલો. પછી રેખા અને હેતુને મેં J-2 પર બોલાવેલાં. એમનો ખર્ચ મેં આપેલો. ત્યાર પછી રેખા દર વરસે કામ કરવાની પરવાનગી મેળવવાની અરજી કરતી. દર વરસે અમારે એની અરજી ફી આપવી પડતી. ત્યાર બાદ આ બધા ના-વાંધા પત્રો મેળવવાનો ખર્ચ થયો તે જુદો. અત્યારે મારી પાસે ગ્રીન કાર્ડ છે. હજી હું અમેરિકાનો નાગરિક બન્યો નથી. પણ, અત્યાર સુધીનો મારો ઇમિગ્રેશનનો ખર્ચ હું ગણું તો કદાચ પચ્ચીસ હજાર ડૉલરથી ઓછો નહીં હોય. જેમાં વકીલોને આપેલી ફીનો પણ સમાવેશ થઈ જાય છે. એ વિશે હું વિગતે એક પ્રકરણમાં લખવાનો છું. પણ, આ બધી પ્રક્રિયાઓ કરવાને કારણે હું ઇમિગ્રેશનના કાયદા અને નિયમોનો જાણકાર બની ગયો. કોઈ નહીં માને પણ મેં ઘણા લોકોને ઇમિગ્રેશનની બાબતમાં સલાહ આપી છે અને એમાંના ઘણાએ મને એમ કહ્યું છે કે વકીલ કરતાં તમે અમને આ વાત વધારે સારી રીતે સમજાવી છે. હમણાં હું રાજ પટેલનું એક પુસ્તક The Value of Nothing વાંચતો હતો. એના પહેલા પ્રકરણના પ્રારંભમાં એ કહે છે It was is God’s way of teaching American geography, recession is His way of teaching everyone a little economics. મને આમાં એક બીજું વાક્ય ઉમેરવાનું મન થાય છે. એ છે: immigration is His way of teaching immigration laws and procedures to immigrants.

એ ત્રણે ય ના-વાંધા પત્રો મેળવ્યા પછી પણ ઘણી બધી વિધિઓ કરવાની હતી. એ પણ અમે કરી અને તમામ જરૂરી પત્રો મારી યુનિવર્સિટીને આપી દીધા અને યુનિવર્સિટીએ પણ એ બધા દસ્તાવેજોના આધારે મારા H-1 વિઝા માટે અરજી કરી.

થોડા વખત પછી ઈમિગ્રેશન ઓફિસે યુનિવર્સિટીને પત્ર લખ્યો અને કહ્યું કે તમે બાબુ સુથારને એમની લાયકાત કરતાં ઓછો પગાર આપો છો. જો તમારે એમને H-1 વિઝા આપવા હોય તો એમનો પગાર વધારવો પડશે. ઈમિગ્રેશને વિભાગે મારો પગાર ઓછામાં ઓછો કેટલો હોવો જોઈએ એ પણ લખેલું. આનો અર્થ એ થયો કે યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા મારો ‘કસ’ કાઢતી હતી. પણ, મને એની ખબર પડતી ન હતી. તમે જ્યારે તમને ગમતા હોય એવા ક્ષેત્રમાં કામ કરો ત્યારે તમે તમારા આર્થિક શોષણ પર ભાગ્યે જ ધ્યાન આપશો. મારા કેસમાં પણ કંઈક એવું જ બનેલું.

પણ હવે સવાલ એ હતો કે ડીન મારા પગારમાં વધારો મંજુર કરશે કે કેમ. કેમ કે ડીન કહી શકે કે જો આપણે ગુજરાતીના કોર્સિસ ત્રણમાંથી બે કરી નાખીએ તો પાર્ટ ટાઈમ શિક્ષકથી ચાલી જાય અને એ સંજોગોમાં આપણને બાબુ સુથારની જરૂર ન પડે.

ત્યારે દક્ષિણ એશિયા વિભાગ, આપણી ભાષામાં કહીએ તો ઘણો ‘હખળડખળ’ ચાલતો હતો. સિનિયર અધ્યાપકો નિવૃત્ત થઈ ગયા હતા. નવા અધ્યાપકોની નિમણૂકો થઈ ન’તી. જેમની નિમણૂંક થઈ હતી એમાંના કેટલાક બીજી યુનિવર્સિટીઓમાં નોકરી શોધી રહ્યા હતા. બધાંને એવું હતું કે યુનિવર્સિટી કદાચ દક્ષિણ એશિયા વિભાગને બીજા કોઈક વિભાગ સાથે જોડી દેશે અને પછી એનો સ્ટાફ ઓછો કરી નાખશે. હું, આમ જુઓ તો હોંશે હોંશે, એક ડૂબતા વહાણમાં બેસી ગયો હતો. મને શ્રદ્ધા હતી કે આ વહાણ આ અવસ્થામાં પણ કાંઠે તો પહોંચશે જ.

એ દરમિયાન મને જાણવા મળ્યું કે ડીન મારો પગાર વધારવા માગતા નથી. બહેલ કોઈ પણ સંજોગોમાં મને રાખવા માગતા હતા. એમણે બેત્રણ વાટાઘાટો કરીને આખરે મારો પગાર વધારો મંજુર કરાવ્યો. મને એ પગાર વધારા સાથે નવેસરથી નિમણૂક આપવામાં આવી. ફરી એક વાર યુનિવર્સિટીએ મારા H-1નાં કાગળિયાં કર્યાં.

આખરે મને H-1 અને રેખા અને હેતુને H-4 વિઝા મળ્યા. પણ હવે એક મુશ્કેલી હતી. H-4 વિઝાધારકોને ત્યારે કામ કરવાની પરવાનગી ન’તી મળતી. એટલે કે રેખાએ કામ બંધ કરવું પડે. એક બાજુ મને પગાર વધારો મળે અને બીજી બાજુ રેખાની આવક બંધ થાય તો એનાથી મારી કુલ આવક ઘટતી હતી. સંઘર્ષ હજી ચાલુ હતો. કેવળ એનું સ્થળ બદલાયું હતું. પણ, H-1 વિઝાનો એક લાભ એ હતો કે હવે હું ગ્રીન કાર્ડ માટે અરજી કરવા લાયક બન્યો હતો.

હું અમેરિકામાં રોકાઈ જવાની દિશામાં એક ડગલું આગળ વધ્યો હતો. તો પણ હું ભારત પાછો જવા અંદરથી હિજરાયા કરતો હતો. એટલે સુધી કે બધા મિત્રોને હું ફોન કરીને કહેતો હતો કે કોઈ યુનિવર્સિટીમાં જગ્યા પડે તો મને કહેજો. હું અરજી કરીશ અને જો મને સારી નોકરી મળશે તો હું પાછો આવીશ. રેખા મને કહેતી: હજી તને ભરોસો છે કે તને કોઈક પાછો બોલાવશે? મને ભરોસો નથી.

 

 

 

 

2 thoughts on “મને હજી યાદ છે-૫૯ (બાબુ સુથાર)અમેરિકામાં રોકાઈ જવાની દિશામાં એક ડગલું

 1. really very tedious procedure and more so–mental tension at every stage..only you ca survive through all these legality and salary increase–against that H-4 visa where rekha bhabhi cant work now.. and at last getting green card…and still hoping against hope to get migrated back to Mother land.

  Liked by 1 person

 2. નવા વર્ષે સંકલ્પ કરીએ હકારાત્મક અભિગમ કેળવવાનો. મથરાવટીને માંજવાનો. કેટલીક વ્યાખ્યા બદલવાનો. કેટલીક સમજણ આત્મસાત્ કરવાનો. કેટલીક માન્યતા તોડવાનો. કેટલાંક મંતવ્યો ઘડવાનો. દરેક જીવ આમ જુઓ તો ચમત્કાર જ છે, પણ એ ચમત્કાર છે એ સમજવાની શક્તિ કેળવાય એ પ્રાર્થના કરવાનો. નાની નાની ખુશીઓમાં સચવાયેલી મોટી મોટી શક્યતાઓને ઓળખવાનો.

  એક ડગલું… સમસ્યા હંમેશાં આપણા કરતાં એક ડગલું આગળ હોય. ઉકેલ આપણી એક ડગલું પાછળ ચાલતાે હોય. આ બંને વચ્ચેનો મેળ બેસાડવાનું નામ જ છે જિંદગી. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે જો માર્ગ પર સમસ્યા ન આવે, તો સમજજો એ માર્ગ જ ખોટો !સિંહ છલાંગ મારવા માટે એક ડગલું પાછળ લેતો હોય છે… એટલે જ્યારે જિંદગી તમને પાછળ ધકેલે તો કમર કસી લેજો, જિંદગી તમને એક ઊંચી છલાંગ આપવા માટે તૈયાર છે.

  ‘તમે અરજી તો કરજો. ત્યારની વાત ‘ ત્યારે યાદ આવે
  આંસુના નીરના કો આશાના અક્ષરો,
  આછા આછા તો યે લૂછશો મા !
  મારા હૈયાની વાતડી પૂછશો મા.
  ન્હાનાલાલ
  ………..
  J-1 waiver …
  આકાશથી વર્ષાવતા છો ,ખંજરો દુશ્મન બધા !
  યાદો બનીને ઢાલ ખેંચાય રહી છે આપની. કલાપી
  વાંધો છે અને વાંધો નથીની રમુજભરી કશ્મકશ ! આવા લોકો વિચારી શકતા નથી કે કોઈપણ વ્યક્તિ જો બીજાને નડતરરૂપ બન્યા વિના કે નુકસાન કર્યા વિના પોતાની રીતે વર્તતી હોય તો એમાં બીજાઓને કોઈ વાંધો ન હોઈ શકે, અને મોટેભાગે હોતો પણ નથી. =
  ‘રેખા મને કહેતી: હજી તને ભરોસો છે કે તને કોઈક પાછો બોલાવશે? મને ભરોસો નથી’ ભાગ્યરેખા લખનાર સુ શ્રી રેખાજી જ આવું કહે ત્યારે ઇંતેજાર રહે આગે આગે હોતા હૈ ક્યા?

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s