વિયોગ-૧૪ (રાહુલ શુકલ)


અઢારમું પ્રકરણ: આંખો ખોલી ત્યાં

નવેમ્બર ૨૪, ૨૦૧૩: સાંજે ફાયર-પ્લેસમાં લાકડાં મૂકીને આગ ચાલુ કરી. પછી બાજુના સોફાને રીક્લા

ઈન કરીને શાંત બેઠો હતો અને આંખ મળી ગઈ. સાધારણ રીતે આવી ઊંઘમાં  સ્વપ્ન ન આવે, પણ મને સ્વપ્ન આવ્યું, અને કોઈ કારણસર એ સ્વપ્નમાં એટલી બધી વાસ્તવિકતા હતી કે સ્વપ્ન ચાલતું હતું ત્યારે જાણે ખરેખર જિંદગીમાં એ બનાવ બની રહ્યો હોય તેવું લાગતું હતું.

સ્વપ્નમાં રેખાબેનનો ભારતથી ફોન આવ્યો. મેં ફોન ઉપાડ્યો. રેખાબેનના અવાજમાં ખૂબ ગભરાટ. એ કહે, ‘રાહુલ, ભાઈને જરાય સારું નથી.’

મેં કહ્યું, ‘ચિંતા ન કરો, દર વખતની  જેમ સારું થઈ જશે.”

રેખાબેન કહે, ‘ના, બહુ ગંભીર છે’ મને સ્વપ્નમાં એકાએક ખ્યાલ આવ્યો કે તબિયત દર વખત કરતાં ઘણી  વધુ ગંભીર છે. અને સ્વપ્નમાં ભાઈની તબિયતની ચિંતા ખૂબ વધવા લાગી.

ત્યાં આંખ ખુલી ગઈ. સાચુકલું લાગતું હતું એ સ્વપ્ન છે તે ખ્યાલ આવ્યો અને એકદમ  મારો જીવ બેસી ગયો, કેમકે સ્વપ્નમાં ભલે ચિંતા બહુ થતી હતી, પણ ભાઈ હજુ જીવતા તો હતા.

* આંખ ખોલી અને ઘડીનાં છઠ્ઠા ભાગમાં ભાઈનું તરત જ મૃત્યુ થઈ ગયું.

 

ઓગણીસમું પ્રકરણ: ન્યૂ જર્સીનું ઘર ખાલી લાગે

નવેમ્બર ૧૬, ૨૦૧૩: થેંક્સ–ગીવીંગની ચાર દિવસની રજા આવે છે. મીનુ જોડે વાત કરી કે ‘ચાલ ચાર દિવસ ક્યાંક બહારગામ જતાં રહીએ. મૂડ બદલવાની ખૂબ જરૂર લાગે છે’.

તો અમે વિચારતા હતાં કે લાસ-વેગાસ જઈએ, અથવા ચાર દિવસ કેનકુન મેક્સિકો જઈ આવીએ.

પછીનાં દિવસે  ડ્રાઈવ કરીને કંપની પર જતો હતો ત્યારે થયું કે ‘આમ ચાર દિવસ બહાર જઈ આવીએ, પણ પછી ખાલી ઘરમાં પાછા આવવાનું.’ અને એ વિચારથી ઉદાસ થઈ ગયો. પણ પછી કાર ચલાવતાં મેં મારી જાતને પૂછ્યું, કે ‘આ આટલાં વર્ષો ગમે ત્યાં જતાં, તો પાછા તો ખાલી જ ઘરમાં આવતાં ને! તો આ વખતે કેમ ખાલી ઘરમાં આવવાની એક ખાસ પ્રકારની ઉદાસી લાગે છે?’

પછી થોડું વધુ વિચાર્યું તો ખ્યાલ આવ્યો કે અમે સ્પેઈન ગયાં હોઈએ કે ફ્રાંસ કે મેક્સિકો, પાછાં આવીએ, ખાલી ઘર ખોલીએ, ભેગી થયેલી ટપાલ કીચનનાં ટેબલ પર મૂકીને એક ઝડપી નજર નાખી દઈએ, અને પછી તરત ફોન ઉપાડીને ભાઈ અને સુશીબેનને કહી દેવાનું કે અમે પાછાં ન્યૂ જર્સી ઘેર આવી ગયાં છીએ.

અને મારાં આંતરમનને ખબર હતી કે હવે વેકેશનમાંથી પાછાં આવીએ ત્યારે ફોન ઉપાડી કોઈ પાસે હાજરી પૂરાવવાની જરૂર નહોતી રહી, અને એ કારણે જાણે ન્યૂ જર્સીનું ઘર મનને ખાલી લાગતું હોવાનું શક્ય છે.

કારમાં એ વિચાર આવતાં આંખ ભીની થઈ ગઈ કે ભાઈ તમે અને સુશીબેન અમારા વોરન ન્યૂ જર્સીનાં ઘરમાં નહોતાં રહેતાં તો ય તમારી અહીં કાયમ હાજરી હતી.

* હવે તમે નથી તો અમને અમારું અમેરિકાનું ઘર ખાલી લાગે છે.

 

વીસમું પ્રકરણ: જે વાતો નથી બની તેનું પોટલું

 

ડિસેમ્બર ૫, ૨૦૧૩ : હું નાનો હતો ત્‍યારે મારા મનમાં જિંદગી અંગેના  કેવા કેવા તરંગો હતા. મને એમ હતું કે હું તો દુનિયા બદલી નાખીશ, જગતને જીતી લઇશ.

દસ વર્ષનો હતો ત્‍યારે ડાયરી લખવાનો વિચાર આવ્‍યો. તો પહેલા પાને જ શરૂઆત કરી કે હું મોટો થઈ જવાહરલાલ નહેરુ જેમ ભારતનો વડાપ્રઘાન થઈશ, ત્‍યારે મારી આ ડાયરીનાં પાનાંઓ છાપામાં છપાશે.

ચૌદ વર્ષનો હતો ત્‍યારે વિચાર આવ્‍યો કે દેવાનંદ અને શમ્‍મીકપુરની જેમ એકટર શા માટે ન થવું? તો કયાંકથી એક ચોપડી શોઘી કાઢી કે બોમ્‍બે ફિલ્મ ઉદ્યોગમાં કેવી રીતે જવાય. મનમાં મને ખાત્રી હતી કે આ બઘું જિંદગીમાં થવાનું જ છે.

૧૯પ૮માં મારા મિત્ર અને ભાણેજ મહેશ (કોકો)ના પિતા જીવણલાલને કેંસર થયું હતું અને સારવાર માટે વઢવાણ અમારે ઘેર લાવ્‍યા હતા.

સુશીબેન કહે, ‘ભૈલા, કેંસરમાંથી કોઇ ન બચે. આનો કોઈ ઇલાજ જ નથી શોઘાયો.’

મેં કહ્યું ‘કેન્‍સર એટલે જાણે ભગવાન તમને કહે છે કે તમે કેન્‍સલ.’

સુશીબેન કહે, ‘ભૈલા, એવું ન કહેવાય, પણ જીવણલાલ આમાંથી ઊભા નહીં થાય.’ બે મહિના પછી જીવણલાલનું અવસાન થયું. મને ત્‍યારે થયું હતુ કે મોટા થઈને ડોકટર શા માટે ન થવું? અને હું તો હોંશિયાર છું, કદાચ કેંસરના ઇલાજની દવા પણ શોઘી કાઢું!

૧૯૭૧માં અમેરિકા આવ્‍યો તો મનમાં એક નવી મહત્વાકાંક્ષા ઊભી કરી હતી. ક્યારેક પણ હોલિવુડ જઇ ફિલ્મો બનાવવી છે. વુડી એલનની જેમ ડાયરેકટર થવું છે.

પછી વર્ષો વીતી ગયાં, હું કયારેક પોલિટિક્સ અંગે ટૂંકાં ભાષણો આપી દેતો. અમુક મિત્રો કહેતા, ‘કોંગ્રેસ માટે ચૂંટણી કેમ નથી લડતો?’ હું મોંઢેથી ‘ના, ના’ કરતો પણ મનમાં થતું, જિંદગી હજુ લાંબી છે. કોને ખબર કેપિટલ હિલ સુઘી પહોંચી પણ જાઉં. વર્જીનિયામાં એપાર્ટમેંટ લેવું પડશે. અમેરિકાના ઇતિહાસમાં રાહુલ શુકલનું નામ સંકળાઇ જશે.

જિંદગીનાં વર્ષો વીતતાં ગયાં જિંદગીની કેટલીય ફેંટસીને એક પોટલામાં બાંઘીને જાણે માળીયે ચડાવી દીઘી હતી. તે બઘું જિંદગીમાં હજુ થશે કે નહીં એનો વિચાર જ નહોતો કર્યો. જાણે ફુરસદે ખોલવાનું હોય તેવું એ પોટલું હતું. અને એક સંભાવના, ઝાંખી તો ઝાંખી, ચાલુ હતી કે આજે નહીં તો કાલે આ પોટલું કામ લાગશે.

પછી ૨૦૧૨ના જુલાઇમાં સુશીબેન ચાલ્યાં ગયાં. આઠ મહિના પછી એપ્રિલ-૨૦૧૩માં ભાઈ ચાલ્‍યા ગયા. મને ૬૬ વર્ષ થયાં છે તેની અચાનક મને ખબર પડી.

ભાઈના મૃત્‍યુની સાંજે હું હોસ્પિટલ બહાર સૂનમૂન ઊભો હતો. સાથે મિત્ર અનિલ માંકડ ઊભો હતો. અનિલે મને કહ્યું, ‘રાહુલ, આજ સુઘી તું યુવાન હતો. આજે તું ઘરડો થઈ ગયો.’

હું હમણાં કાર ચલાવતાં વિચારતો હતો કે ભાઈના મૃત્‍યુને આઠ મહિના થઈ ગયા છે છતાં મનમાંથી ડીપ્રેશન કેમ જતું નથી? પછી અચાનક સમજાયું કે ભાઈ અને સુશીબેનનાં આમ અચાનક જવાથી જિંદગી અંગેની અમુક વાતો હવે મને સ્‍પષ્‍ટતાથી સમજાઇ ગઈ હતી.

ભાઈ હતા ત્‍યાં સુઘી, ખબર નહીં કેમ એક જુઠ્ઠી આશાનો તાંતણો હતો કે આજે નહીં તો કાલે હોલીવુડ કે બોલીવુડમાં ફિલ્મ બનાવીશ, કોંગ્રેસમાં હાઉસની સીટ જીત્‍યા પછી વોશિંગ્ટન ડીસી જઈને રહેવું પણ પડે, અને આ વસ્‍તુઓ થશે એવું નહોતું વિચાર્યુ, પણ નહીં થાય એવો સંકલ્‍પ પણ મનમાં આવ્‍યો નહોતો.

પણ ભાઈ અને સુશીબેનનાં ગયાં પછી જિંદગીની જે વાસ્તવિકતાઓને કયારેય સ્‍વીકારી નહોતી તે વાસ્‍તવિકતાઓ સમજાઇ ગઈ.

અને આ ઘેરી કરુણતા મોટાભાગની તો મા-બાપની છત્રછાયા ખોયાની છે, પણ અમુક અંશે આ કરુણતા એ કારણે પણ છે કે હવે સમજાયું કે પેલું માળીયે ચડાવેલું પોટલું હવે કયારેય ખોલવાનું નથી. દસ વર્ષનો, ડાયરીનું પહેલું પાનું લખનાર બાળક હવે ૬૭ વર્ષનો વૃદ્ધ થઈ ગયો છે.

* અને જે વાતો જિંદગીમાં હજુ સુઘી બની નથી તે હવે કયારેય બનવાની નથી.

 

 

 

 

2 thoughts on “વિયોગ-૧૪ (રાહુલ શુકલ)

  1. આંખો ખોલતા જ સત્ય ‘ ઘડીનાં છઠ્ઠા ભાગમાં ભાઈનું તરત જ મૃત્યુ થઈ ગયું.અમારી અનુભવેલી વાત !
    ‘હવે તમે નથી….’એ કદાચ કદિ ભૂલાતું નથી ! ‘જિંદગીની જે વાસ્તવિકતાઓને કયારેય સ્‍વીકારી નહોતી તે વાસ્‍તવિકતાઓ સમજાઇ ગઈ’ ઘણીવાર આ વાસ્તવિકતાઓ ન સમજતા માનસિક રોગના ભોગ બનાય

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s