મંથરા અને કૈકેયી (પરભુભાઈ મિસ્ત્રી)

મંથરા અને કૈકેયી

અયોધ્યાના રાજા દશરથે પ્રધાનો, અમાત્યો અને સચિવો સાથેની મંત્રણા પછી રામને  ગાદીએ બેસાડવાનો નિર્ણય લીધો. કૂળગુરુ વસિષ્ઠજીને બોલાવીને રાજ્યાભિષેકનો દિવસ પણ નક્કી કરી લીધો. નિર્ણયની જાણ થતાં જ અયોધ્યા ઘેલું બન્યું. નગર સુશોભન, રસ્તાની સફાઈ તાબડતોબ થવા માંડી અને મંગળગીતો ગવાવા લાગ્યા. લોકોના હૈયે હરખ સમાતો નથી એ સમયે મંથરાનું રાજભવનમાં આવવાનું થાય છે. કૈકેયીને આ સમાચાર આપવા તે ઉતાવળી બની છે. રામના રાજ્યાભિષેકના શુભ સમાચાર લાવવા બદલ રાણી કૈકેયી તત્ક્ષણ પોતાના ગળામાંનો હાર મંથરાને બક્ષિસ આપે છે. ઘણા વખતથી કૈકેયી દશરથને કહેતી રહી હતી કે રામ યુવાન થયા છે. રાજ્યની જવાબદારી નિભાવવા સક્ષમ બન્યા છે. લોકોના હૃદયસમ્રાટ બન્યા છે, હવે એમના રાજ્યાભિષેકમાં વાર ન લગાડવી જોઈએ. રાજાના નિર્ણયથી રાણી કૈકેયી અત્યંત ખુશ છે.

પછી વાતાવરણમાં એકાએક અકલ્પ્ય પલટો આવે છે.

કથાકાર વાર્તા આગળ ચલાવે છે. રામના રાજ્યાભિષેકના નિર્ણયથી દેવોને અકળામણ થવા લાગી. જો રામ ગાદી પર બેસી રાજકાજ સંભાળવા લાગી જશે તો અસુરોના નિકંદનનું શું થશે? અસુરોના ઉત્પાતને રોકવા ચલાવાતી જ્ઞાનશિબિરો આજ સુધી ધ્વસ્ત થતી રહી છે. યજ્ઞો એટલે ઘી-તલ- જવ- નાળિયેર સમિધ હોમીને થતો ‘સ્વાહા, સ્વાહા‘ ધ્વનિ અને ધુમાડો – એવી કલ્પના છોડી દેવી પડશે. એ યજ્ઞો એટલે સંસ્કૃતિના સંવર્ધન અને રક્ષા કાજે ચાલતા તાલીમ કેન્દ્રો. દૈવી કાર્ય કરતા એવા હજારો તાલીમાર્થીઓને મારીને આતંકવાદીઓએ એમના હાડકાંના ગંજ ખડકી દીધા છે. ઋષિ વિશ્વામિત્રે રામલક્ષ્મણને આ બધું પ્રત્યક્ષ બતાવ્યું છે. તાડકાનો વધ કર્યો અને મારિચને બાણ મારીને ઠેઠ દક્ષિણના દરિયા સુધી ધકેલી દીધો તે ઘટના હજી તાજી જ છે. આતંકવાદનું મૂળ લંકામાં છે, ત્રિભુવન વિજેતા લંકાપતિ રાવણના વિશ્વમાં ઠેર ઠેર થાણા ચાલે છે. ભૌતિકવાદે જગતને ભરડામાં લીધું છે ત્યારે તેની સામે બાથ ભીડવાને બદલે રામ રાજગાદીએ બેસી જાય તે કેમ પોષાય? દેવોને ચેન નથી પડતું તેનું કારણ આ છે. વૈશ્વિક પરિવર્તન લાવી શકે એવું એક આશાસ્પદ નેતૃત્વ નાનકડા અયોધ્યામાં સીમિત થઈ જાય તે નહિ ચાલે. સમસ્ત વિશ્વનું ભલું થતું હોય, આતંકવાદના મૂળિયાં ઉખેડી નાંખવાની શક્યતા ઊભી હોય, ભોગવાદને મારી હઠાવવાની ઘડી હોય ત્યારે અયોધ્યાના રાજકુટુંબે કે ત્યાંના પ્રજાજનોએ પોતાની ખુશીનું બલિદાન આપવું જ જોઈએ. રામને અયોધ્યાથી બહાર કાઢવા જ પડશે. સમષ્ટિના કલ્યાણ માટે રાજકુટુંબે અને નગરજનોએ સુખ જતું કરવું જ પડશે. પરંતુ, આ રાજ્યાભિષેક થતો રોકવો શી રીતે? એ અપજશ લેવા કોણ તૈયાર થાય? દેવો વિમાસણમાં છે.

કથાકાર કહે છે કે દેવો સરસ્વતી પાસે ગયા અને તેમની મૂંઝવણ રજુ કરી. સરસ્વતીએ દેવોને સ્વાર્થી ગણાવ્યા છે! રાજકુટુંબનું અને અયોધ્યાના નગરજનોનું સુખ તમારાથી સહન થતું નથી. તમે ઈર્ષાળુ છો, તમારા સુખ માટે તમે નિર્દોષોનું સુખ છીનવી લેવા તત્પર થયા છો. દેવોની આજ્ઞા મુજબ સરસ્વતી આકાશમાં ફરે છે અને કોઈ એવી વ્યક્તિની તલાશ કરે છે જેની બુદ્ધિમાં જલદી વિકાર લાવી શકાય! અયોધ્યાની ધરતી પર જન્મેલી કોઈ પણ વ્યક્તિની બુદ્ધિ બદલાવાની કોઈ શક્યતા જ નથી. છેવટે કૈકય દેશથી દાસી તરીકે આવેલી મંથરાની બુદ્ધિમાં સરસ્વતી પ્રવેશ કરે છે અને તેનું વિચાર પરિવર્તન થાય છે.

દેવોની ઈચ્છા મુજબ મંથરા એક પછી એક પાસા ફેંકતી જાય છે અને કૈકેયી ટ્રેપમાં ફસાતી જાય છે. કૈકેયીનું જાણે બ્રેઈન વૉશ થઈ જાય છે. ઘડી પહેલાંની કૈકેયીએ એક જુદું જ રૂપ ધારણ કર્યું છે. રિસાવાના અધિકાર તરીકે બનાવેલા કોપભવનનો આસરો લે છે. રામના રાજ્યાભિષેકના મંગલ પ્રસંગે મંથરા અને એની પઢાવેલી કૈકેયી વિલનની ભૂમિકામાં દેખાય છે. કથાકારો, કવિઓ, લેખકો અને ભાવિક ભક્તજનો આ બે સ્ત્રી પાત્રોને ભરપેટ ગાળો આપે છે. સંત તુલસીદાસે તો એમની નિંદા કરવામાં હદ ઓળંગી દીધી છે; વાલ્મીકિએ એવું નથી કર્યું. રામાયણ માત્ર કથા કે વાર્તા નથી. એ વૈદિકોનો સાંસ્કૃતિક ઈતિહાસ પણ છે. આખું રામાયણ વાંચતા સમજાશે કે આ એકમાત્ર પ્રસંગ સિવાય મંથરા અને કૈકેયીએ એવું કોઈ અઘટિત કામ કર્યાનું નોંધાયું નથી કે જેથી તેઓ ઠપકાને પાત્ર ઠરે.

રામકથા આજે લોકરંજનનું અને ફંડ ભેગું કરવાનું માધ્યમ બની ગયું છે. અદભૂત વાક્છટાથી તથા ગીત, ગઝલ, સંગીત, ભજન, રાસ ગરબા, રમુજી ટૂચકા અને વિવિધ પ્રસંગોની ઊજવણી દ્વારા લોકહૈયાને રમાડે, નચાવે છે. લોકો ભક્તિના નશામાં ડૂબીને જાણે આજે મહાન આધ્યાત્મિક આનંદાનુભવ લીધો એમ સમજી ગૌરવ અનુભવે છે. કોઈ સાંસ્કૃતિક ઈતિહાસના દર્શન કરાવતું નથી. ભાવિકો તો વાણીથી અંજાય જાય છે, પણ બૌદ્ધિકો તો શબ્દે શબ્દને પકડીને તેનો અર્થ પામવા કોશિશ કરે છે. કંઈ જડતું નથી એટલે સંશયવાદને શરણે જાય છે, પરિણામે નાસ્તિકતા વધતી જાય છે. રામકથા અને ભાગવતકથાને શબ્દોથી શણગારવાને બદલે કે ભાવનામાં ઝબકોળવાને બદલે એની તાર્કિક રજુઆત આવશ્યક બને છે. કથાકારોએ મનઘડંત તુક્કાબાજી પર બ્રેક લગાવવી જોઈએ.

રામ રાજા બને એવી ઈચ્છા તો કૈકેયી પોતે જ અનેકવાર વ્યક્ત કરી ચૂકી છે. મંથરા તો એક દાસી છે; એને કૈકેયીની સહેલી ગણવી હોય તો ગણી શકાય. સમગ્ર ઘટનામાં એને શું લાગે વળગે? અયોધ્યાની ગાદી ગમે તે રાજકુમારને મળે તેનાથી એનું સ્ટેટસ થોડું બદલાવાનું છે? દેવોની ઈચ્છાથી એણે અણગમતો રોલ કરવા આ પ્રસંગમાં પ્રવેશવું પડે છે. ઈતિહાસ કરવટ બદલવા જઈ રહ્યો છે. દેવો એટલે કે ઊંચી વિચારસરણીથી જીવતા સાત્વિક લોકોએ સમસ્ત માનવસમાજના કલ્યાણ માટે વિચારેલી ગુપ્ત યોજનાના ભાગરૂપે એક અત્યંત કડવી અને અપજશ ભરેલી જવાબદારી આ બે મહિલાઓને શિરે નાખી છે, જેમાં કેવળ અને કેવળ તિરસ્કાર સિવાય બીજું કંઈ પ્રાપ્ત થવાનું નથી. યોજનાના ભાગરૂપે વિલનની ભૂમિકા આ સન્નારીઓને  પૂરી નિષ્ઠાથી નિભાવી.; તેમના એ સાહસને બિરદાવવાના બદલે આજ સુધી તેમને અપમાનજનક રીતે રજુ કરવામાં આવી રહી છે તે મોટો અન્યાય છે.

પ્રસ્તુત પ્રસંગે રામ કેમ કંઈ બોલતા નથી? રામને કૈકેયી અને મંથરાનો કોઈ દોષ દેખાયો હોત તો તેમણે સૌમ્ય ભાષામાં ઠપકો જરૂર આપ્યો હોત. રાજ્યાભિષેક થવાના સમાચાર જાણીને રામના પ્રસન્ન ટ થવાને બદલે  સ્થિતપ્રજ્ઞ કેમ બની જાય છે? વગર મને પરણવા તૈયાર થતા વરરાજા જેવો વહેવાર કેમ કરે છે? સાત્વિક મહાપુરુષો સાથે થયેલી સંતલસથી કંઈક વિપરીત થઈ રહ્યું હોવાનું લાગવાથી તેઓ ઉદાસીન બન્યા હશે? લક્ષ્મણ ક્રોધિત થાય છે, આકરા વચનો બોલે છે, પણ રામ રહસ્યમયી રીતે ચૂપ છે. મોસાળેથી પાછો ફરેલો ભરત પણ આ બંને મહિલા પર રોષ ઠાલવે છે. સૌથી વધારે આશ્ચર્યજનક તો છે કુલગુરુ વસિષ્ઠની ચૂપકીદી! રઘુવંશના રાજાઓ પર એમનો એટલો હોલ્ટ રહ્યો છે કે રાજાએ પણ એમને પૂછીને પાણી પીવું પડે. નાના મોટા કોઈપણ પ્રસંગે વસિષ્ઠની સલાહ લીધા વિના એક ડગલું પણ ભરાતું નહોતું. એકતરફ તેઓ રાજ્યાભિષેકનો દિવસ પણ નક્કી કરી આપે છે, પ્રસન્નતા વ્યક્ત કરે છે અને બીજી તરફ એ જ મંગળ પ્રસંગમાં વિલન બનતી કૈકેયી અને મંથરા વિરુદ્ધ સીધો કે આડકતરો જરા સરખો પણ અણગમો બતાવતા નથી. એમનું ભેદી મૌન પણ આ છૂપા આયોજનમાં તેમની ભાગીદારી હોવાનું સૂચવે છે.

જીવનની ઉતરતી અવસ્થાએ પ્રાપ્ત થયેલા સંતાનો પ્રત્યે રાજા દશરથને ભારે આસક્તિ હોય એ સ્વાભાવિક છે. રામલક્ષ્મણને ઘડી માટે પણ નજર આગળથી દૂર કરતા રાજાનો જીવ ચાલતો નથી. પ્રતિસ્પર્ધી એવા વિશ્વામિત્ર સાથે રામ લક્ષ્મણને યજ્ઞની રક્ષા કરવા મોકલવાની આજ્ઞા આપીને વસિષ્ઠે પોતાના બદલાયેલા તેવરના સંકેત આપી દીધા હતા. રાજકુટુંબને અને અયોધ્યાની પ્રજાને ન રૂચે તેવો ઐતિહાસિક નિર્ણય લેવાઈ ગયો છે અને તેઓ એનાથી સાવ બેખબર છે. ગણતરીપૂર્વકનું બહુ મોટું જોખમ ઊઠાવવામાં આવ્યું છે. રામને અયોધ્યા છોડવા પડવાનું છે, એનો વિયોગ દશરથ સહન કરી શકવાના નથી, કદાચ મૃત્યુ થવાની પણ સંભાવના ઊભી છે. કૈકેયી પણ એ વાત સમજે છે કે દશરથને રામ કેટલા પ્રિય છે. પોતાના સૌભાગ્ય સામે ખતરો છે, પોતે વૈધવ્ય પ્રાપ્ત કરવા જઈ રહી છે; એ કેટલું મોટું બલિદાન આપી રહી છે તેનો રામ સિવાય કોઈને ખ્યાલ નથી. રામ અમસ્તા જ કંઈ કૈકેયીને બહુમાન નથી આપી રહ્યા. કૈકેયીનો અનાદર કરવા બદલ તેઓ ભરતને પણ ઠપકો આપે છે. કૈકેયી જેવો ત્યાગ ભાગ્યે જ કોઈ સ્ત્રી કરી શકે.

વાલ્મીકિના રામ એ ક્ષત્રિય રાજકુમાર છે, સંસ્કૃતિપુરુષ છે, મહામાનવ છે. ભગવાન નથી! રામ એટલું ઊંચું જીવન જીવ્યા કે સામાન્ય માણસ જેની કલ્પના પણ ન કરી શકે. ખુદ ભગવાન અવતાર લે તો માત્ર તે જ એવું જીવન જીવી શકે. મહામાનવનું ચરિત્ર અહીં ભગવાનના અલૌકિક ગુણો સાથે એકરૂપ થતું દેખાય છે અને સદીઓ પછીનો સમાજ એમને ભગવાનના પદે સ્થાપે છે. વાલ્મીકિના રામની આ વાત છે. સંત તુલસીદાસના મત પ્રમાણે ભગવાને પોતે રામ તરીકે અવતાર લીધો છે અને પૌરાણિક વાર્તાઓનો આધાર લઈને અવતાર લેવાના વિવિધ કારણો પણ દર્શાવ્યા છે. તુલસીના રામમાં દેવત્વનું આરોપણ પહેલેથી જ કરી દીધું હોવાથી એ પૂજ્ય તો બની શકે છે, પણ પ્રેરણાપુરુષ બની શકતા નથી. માનવ તરીકે રામે કરેલો જીવન સંઘર્ષ એક લીલા અથવા નાટક બની જાય છે. ભગવાન હોય તે જ આમ જીવી શકે, આપણા જેવા પામર મનુષ્યોથી એવું ઉદાત્ત જીવન જીવી ન શકાય. એવી દલીલો થાય છે.

રામનું વનગમન એ સમયનો તકાજો છે, પૂર્વયોજિત પ્લાન છે. રામને પણ ખબર છે કે એણે હમણાં રાજગાદીએ બેસવાનું નથી. વચનોની યાદ આપીને તથા વચનબદ્ધતા એ રઘુકૂળનો ધર્મ છે એ પરંપરાનું સ્મરણ કરાવીને દશરથને વિવશ કરી દેવામાં આવે છે. પિતૃઆજ્ઞાને કારણે રામસીતા અને લક્ષ્મણ વનમાં જાય છે એ વાત મિથ્યા છે. દશરથે રામને વનમાં જવાની આજ્ઞા આપી જ નથી. વિશ્વના કલ્યાણ માટે પિતા દશરથનો ભોગ લેવાઈ રહ્યો છે. રાણીઓ વિધવા થઈ જઈ રહી છે. રામરાજ્ય પાછળ ઠેલાઈ રહ્યું છે. ‘ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે‘- એ બહુચર્ચિત પંક્તિ કવિ કલ્પના સિવાય બીજું કંઈ નથી. વિશ્વના કલ્યાણ માટે અયોધ્યા છોડીને પોતાને ફાળે આવેલી મુખ્ય ભૂમિકા ભજવવા રામ કૃતસંકલ્પ છે. વનમાં ગયા પછી રામ પગ વાળીને બેઠા નથી. અનેક ઋષિઓને મળે છે, તેમના અભિપ્રાય, સમર્થન, યુક્તિ, માર્ગદર્શન અને આશીર્વાદ મેળવતા જાય છે. સબકા સાથ સબકો સમ્માન! વાનર અને રીંછકૂળના આદિવાસીઓનો પણ સાથ લે છે શક્તિ એકત્ર થાય છે. સૌનો મંત્ર છે, ‘રામ કાજુ કિયે બિના મોહેં કહાં બિશ્રામ‘  યોજનાને આખરી રૂપ અપાય છે અને છેવટે રાવણનો સંહાર થાય છે. આ કામ આસાન નથી. મહાભીષણ યુદ્ધ થાય છે. રામરાવણના યુદ્ધને કશાની ઉપમા આપી શકાય તેમ નથી. રામરાવણનું યુદ્ધ એટલે રામરાવણનું યુદ્ધ! રામરાવણયોર્યુદ્ધં રામરાવણયોરિવ

મંથરા અને કૈકેયીએ ઉઠાવેલું જોખમ વ્યર્થ નથી જતું. રામ કેવળ અયોધ્યાના જ નહિ, પણ સમસ્ત વિશ્વના સન્માનનીય નેતા તરીકે ઉભરી આવે છે. આસુરી સત્તાનો પરાભવ થાય છે. માણસોને મગતરાંની તોલે સરખાવતા અને વન્ય વસ્તીને વાંદરા કહીને ઉપહાસ કરતા રાવણના આખા વંશનું નિકંદન નીકળી જાય છે તેના મૂળમાં છે અપજશ વહોરીને મંથરા અને કૈકેયી જેવી સન્નારીઓએ ભજવેલી ભૂમિકા!

Advertisements

3 thoughts on “મંથરા અને કૈકેયી (પરભુભાઈ મિસ્ત્રી)

  1. અસુર, દૈત્ય, રાક્ષસ, દાનવ પોતાની ઉન્નતિ માટે બ્રહ્માજી, શિવજી આદિ કોઈનું તપ કરે અને તેમને પ્રસન્ન કરે. તેમની પાસેથી મનોવાંચ્છિત વરદાન મેળવે. પછી દેવોને ડરાવે, દેવોની હકાલ પટ્ટી કરે પરેશાન કરે. આવું બધું થાય, પછી વિષ્ણુ કે શિવ, કે ગણેશ કે કાર્તિકેય કે માતાજી ઓ આ રાક્ષસી શક્તિઓ સામે મહાયુદ્ધ કરે અને દેવોની રક્ષા કરે. જનતાને પણ આ રીત ગોઠી ગઈ હતી.
    આ કૈકેયી તો બહુ જ સારી હતી પણ દૈવી શક્તિઓ સામે કૈકેયી બીચારી શું કરે દશરથ રાજા માટે ધર્મ સંકટ ઉભું થયું. ત્રણ પ્રણાલીઓ સામસામે આવી. સંભવ છે કે દશરથ રાજા અને તેમના મંત્રીમંડળે એવો રસ્તો કાઢ્યો કે ત્રણે પ્રણાલીઓ ને સન્માન મળે. આ પ્રમાણે રામ ૧૪ વર્ષ વનમાં જાય. ભરત ૧૪ વર્ષ નિશ્ચિંત થઈને રાજ કરે. જો ભરત સુચારુ રુપે રાજ કરશે તો જનતા તેને જ રાજા તરીકે ચાલુ રાખશે.
    આપણા હાલના સમાચાર માધ્યમોના ખેરખાંઓની અને મૂર્ધન્યોની આવી અવદશા હોય તો જેમને એક મહાપુરુષની કથાને રસમાય કરવાની હોય તેઓ તો કંકને કંઈક જોડે જ ને. વિષ્ણુ અવતાર લે એટલે બીજા દેવો પણ અવતાર લે જેમકે કોઈ પ્રધાન બહારગામ જાય એટલે તેમની સાથે સુરક્ષાદળો, સચિવ, સ્ટેનો અને બીજો સ્ટાફ પણ મદદમાં જાય અને શોપીંગ પણ કરી લે
    . યજમાન પ્રદેશના સુયોગ્ય લેવલના મહાનુભાવ પ્રોટોકોલ નિભાવે. આ બધી

    Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s