આપણે અખાના છપ્પા જોયા, ધીરાની કાફીઓ જોઈ અને હવે ભોજાભગતના ચાબખા જોઈએ. ભોજાની ભાષા ધીરા જેવી નરમ નથી, એની ભાષા અખા જેવી આકરી છે અને એટલેજ એ ચાબખા કહેવાય છે. ઢોંગી અને ધૂતારાઓ, ધર્મને નામે ભોળી પ્રજાને કેવી રીતે ભરમાવે છે એનું ભોજાએ સ્પષ્ટ શબ્દોમાં વર્ણન કર્યું છે. અઢારમી સદીમાં આવી વાતો કહેવા હિમ્મતની જરૂર પડી હશે. મેં અગાઉ કહ્યું તેમ આ સંત કવિઓ સમાજમાં મોટો બદલાવ ન લાવી શક્યા એના બે કારણો હતા. એક તો રૂઢીવાદીઓનું વર્ચશ્વ હતું અને બીજું એમની વાતો ફેલાવવા Communications ના સાધનો ન હતા. અહીં હું એમના માત્ર બે ચાબખા જ આપું છું જેના ઉપરથી ભોજાભગતની ભાષાનો ખ્યાલ આવી જશે.
ચાબખો-૧
જોઇ લો જગતમાં બાવારે, ધર્યા ભેખ ધુતિને ખાવા. – ટેક.
જ્યાં પ્રેમદા ઘણી પાણી ભરે, જ્યાં જાય નિત નિત નાવા;
રાંડી છાંડી નારનો નર ઘર ન હોય ત્યારે, બાવોજી બેસે ગાવા રે. જોઇ લો.
લોકનાં છોકરાંને તેડી રમાડે, વળી પરાણે પ્રીત થાવા;
ગૃહસ્થની સ્ત્રી રીસાવી જાય ત્યારે, બાવોજી જાય મનાવારે. જોઇ લો.
રૂપ કરે ને બાવો ધ્યાન ધરે, ભોળા લોકને ભરમાવા;
ભોજો ભગત કહે ભાવેસું સેવે એને, જમપુરીએ જાવારે. જોઇ લો.
ચાબખો-૨
ભરમાવી દુનિયાં ભોળીરે, બાવો ચાલ્યો ભભુતી ચોળી. – ટેક.
દોરા ધાગા ને વળી ચીઠ્ઠી કરીને, આપે ગણકારુ ગોળી;
જીવને હણતાં દયા ન આણે, જેમ ભીલ કાફર કોળીરે. .. ભરમાવી.
નિત નિત દર્શન નીમ ધરાવે, ઘેર આવે ત્રિયા ટોળી;
માઇ માઇ કરીને બાવો બોલાવે, હૈયે કામનાની હોળીરે… ભરમાવી.
સઘળા શિષ્યને ભેળાં કરી ખાય, ખીર ખાંડ ને પોળી;
ભોજો ભગત કહે ભવસાગરમાં, બાવે માર્યા બોળીરે… ભરમાવી.
બન્ને ચાબખામાં બધું સહેલાઈથી સમજાય એવું છે, એટલે હું એની સમજુતી નથી આપતો.
ભોજાએ ચાબખા ઉપરાંત બહુ સારા ભજન લખ્યા છે, જે આજે પણ ગામડાઓમાં અને ક્યારેક શહેરોના સંગીતના કાર્યક્રમોમાં ગવાય છે.
ભોજાનું આ ભજન સદીઓથી ગવાતું આવ્યું છે અને આજે પણ લોકપ્રિય છે.
પ્રાણિયા, ભજી લેને કિરતાર, આ તો સ્વપનું છે સંસાર…..
અનંત નામ ઉચ્ચારવું, તરવું ને તારવું, રાખવી ભક્તિ તે રાંક દાવે,
ભક્ત ભોજો કહે ગુરુપરતાપથી ત્રિવિધના તાપ ત્યાં નિકટ ના’વે.
છેલ્લી બે રચનાઓની ભાષા ચાબખા કરતાં અલગ છે. એ અખા કરતાં નરસિંહ અને ધીરા જેવી છે.
આજે ચાર-પાંચ સદીઓ પછી પણ સમાજમાં આ ત્રણે સંતોએ વર્ણવેલી બદ્દીઓ પ્રવર્તમાન છે. અંધ શ્રધ્ધા નિર્મૂલવાળાઓની હત્યા થઈ જાય છે. દેશની સરકારમાં ઉચ્ચ સ્થાને બેઠેલા લોકો જ દેશને આમાંથી મુક્તિ અપાવવાને બદલે અખા અને ધીરાના સમયમાં ધકેલી દેવાનો પ્રયત્ન કરે છે. આજે સાહિત્યકારોમાં કોઈ અખો કે કોઈ ભોજો દેખાતો નથી. બધા પોતાનું ભાષા ઉપરનું પ્રભુત્વ, કલ્પના શક્તિ, વ્યાકરણ અને જોડણીની વાતોમાં રચ્યા પચ્યા છે.
2 thoughts on “મધ્યકાલીન સમયના ભક્ત કવિઓ-૧૦ (અંતીમ)-ભોજો (૧૭૮૫-૧૮૫૦)”
સ્નાન કરીને ચાલી નીકળ્યાં, નર અને વળી નાર,
ભોજો ભગત કહે દશ દી રોઈને, પછે મેલ્યો વિચાર
વાહ્
‘આજે સાહિત્યકારોમાં કોઈ અખો કે કોઈ ભોજો દેખાતો નથી. બધા પોતાનું ભાષા ઉપરનું પ્રભુત્વ, કલ્પના શક્તિ, વ્યાકરણ અને જોડણીની વાતોમાં રચ્યા પચ્યા છે.’સાચી વાત
we agree fully with your observations: “રૂઢીવાદીઓનું વર્ચશ્વ હતું અને બીજું એમની વાતો ફેલાવવા Communications ના સાધનો ન હતા.” liked all rachanas ofbhoja bhagat-ji
સ્નાન કરીને ચાલી નીકળ્યાં, નર અને વળી નાર,
ભોજો ભગત કહે દશ દી રોઈને, પછે મેલ્યો વિચાર
વાહ્
‘આજે સાહિત્યકારોમાં કોઈ અખો કે કોઈ ભોજો દેખાતો નથી. બધા પોતાનું ભાષા ઉપરનું પ્રભુત્વ, કલ્પના શક્તિ, વ્યાકરણ અને જોડણીની વાતોમાં રચ્યા પચ્યા છે.’સાચી વાત
LikeLike
we agree fully with your observations: “રૂઢીવાદીઓનું વર્ચશ્વ હતું અને બીજું એમની વાતો ફેલાવવા Communications ના સાધનો ન હતા.” liked all rachanas ofbhoja bhagat-ji
LikeLike