મને હજી યાદ છે-૬૦ (બાબુ સુથાર)-સદાકાળ વિદ્યાર્થી બની રહેવાની મથામણ


સદાકાળ વિદ્યાર્થી બની રહેવાની મથામણ

અમેરિકામાં પીએચ.ડી. કર્યા પછી મોટે ભાગે વિદ્યાર્થીઓ આસિસ્ટન્ટ પ્રોફેસરની નોકરી મેળવતા હોય છે. પણ મારા માટે એ શક્ય ન બન્યું. એ માટે ઘણાં બધાં કારણો જવાબદાર છે. સૌથી પહેલું કારણ દક્ષિણ એશિયાના અભ્યાસમાં આવેલાં પરિવર્તનો. જ્યારે હું એક વિદ્યાર્થી તરીકે અમેરિકા આવ્યો ત્યારે અમેરિકાના લગભગ બધા જ દક્ષિણ એશિયા વિભાગમાં દક્ષિણ એશિયાના ભાષાશાસ્ત્રના બે કે ત્રણ નિષ્ણાતો હતા. મારા વિભાગમાં જ એવા ત્રણ નિષ્ણાતો હતા. મને એમ હતું કે હું જ્યારે પીએચ.ડી. પૂરું કરીશ ત્યારે આ બધા પ્રોફેસરોમાંથી કોઈક નિવૃત્ત થઈ જશે અને મને એની જગ્યાએ આસિસ્ટન્ટ પ્રોફેસરની નોકરી મળી જશે. પણ, એવું ન બન્યું.

મને લાગે છે કે મારી અપેક્ષાઓ અને અમેરિકન યુનિવર્સિટીની વાસ્તવિકતા વચ્ચે એક મોટી ખાઈ હતી. એ હકીકત છે કે ત્યારે દક્ષિણ એશિયા વિભાગોમાં ભાષાશાસ્ત્રના ઘણા પ્રોફેસરો હતા. કોઈ ભારતીય-આર્યમાં નિષ્ણાત તો કોઈ દ્રવિડીયન ભાષાશાસ્ત્રમાં નિષ્ણાત. પણ, એમાંના મોટા ભાગના વિદ્વાનો  ભાષાવિજ્ઞાન વિભાગોમાં તૈયાર થયેલા હતા. બીજું, એમાંના મોટા ભાગના પ્રોફેસરો અંતિમે ભાષાશિક્ષકો બની ગયેલા. ભારતીય-આર્યના નિષ્ણાતો કાં તો હિન્દી ભણાવવા લાગેલા કાં તો મરાઠી કાં તો બંગાળી. એ જ રીતે દ્રવિડીયન કૂળના પ્રોફેસરો મોટે ભાગે તામિલ ભણાવવા લાગેલા. મેં આ પરિવર્તનની નોંધ ન’તી લીધી.

વળી એ દરમિયાન, દક્ષિણ એશિયા વિભાગોમાં પણ બહુ મોટું પર પરિવર્તન આવેલું. એ સમજવા માટે આપણે અમેરિકન યુનિવર્સિટીઓમાં કઈ રીતે ક્ષેત્રિય અભ્યાસ શરૂ થયા એ સમજવું પડશે. એનો ખૂબ લાંબો ઇતિહાસ છે. આપણે એ ઇતિહાસમાં નહીં જઈએ. પણ એનો ટૂંકો આલેખ કદાચ મારી વાત સમજવામાં મદદરૂપ થશે. આ બધા ક્ષેત્રીય અભ્યાસો અમેરિકા અને ત્યારના સોવિયેટ સંઘ વચ્ચેના શીતયુદ્ધના એક ભાગ રૂપે શરૂ થયેલા. ત્યારે અમેરિકન અને ત્યારના સોવિયેટ સંઘને પણ એમ હતું કે જો આપણે પ્રાદેશિક અભ્યાસનું ક્ષેત્ર શરૂ કરીએ તો આપણા વિદ્યાર્થીઓ (અહીં વિદ્યાર્થીઓ તરીકે જાસૂસી એજન્સીના માણસો- એવો અર્થ પણ કરવાનો) બીજા દેશોમાં જઈ શકે અને ત્યાં જઈને ભણી શકે (અહીં ‘ભણવું’નો અર્થ ‘જાસૂસી કરવી’ એવો પણ કરવાનો). ભારત સરકારે પણ દિલ્હી યુનિવર્સિટીમાં અને બીજી કેટલીક યુનિવર્સિટીઓમાં પણ ક્ષેત્રીય અભ્યાસો શરૂ કરેલા.

અમેરિકાના આ બધા વિભાગોમાં ત્યારે orientalismના એક ભાગ રૂપે સંસ્કૃત, પાલી, પ્રાકૃત અને એની સમાન્તરે હિન્દુ અને બૌદ્ધ ધર્મોના અભ્યાસો થતા હતા. જો કે, જૈન ધર્મના અભ્યાસ ખૂબ મોડે શરૂ થયેલા. ફક્ત યુનિવિર્સટી ઓફ પેન્સિલવેનિયામાં જ જૈન ધર્મ પર કામ કરવાની વ્યવસ્થા હતી. બેન્દ્રે નામના વિદ્વાને એક જૈન કૃતિનું સંપાદન કરેલું. પછી રીચાર્ડ કોહને પણ એક જૈન કૃતિનું સંપાદન કરેલું. છેલ્લે, સ્ટિવન વૉસે જૈન ધર્મ પર કામ કરેલું. અમેરિકન યુનિવર્સિટીઓમાં જૈન અભ્યાસનું સ્થાન એક સ્વતંત્ર અભ્યાસ માગી લેતો વિષય છે. અત્યારે અમેરિકાની ઘણી બધી યુનિવર્સિટીઓમાં જૈન ધર્મ ભણાવાય છે પણ એમાંની મોટા ભાગની યુનિવર્સિટીઓમાં એ માટે NRIએ રોકાણ કર્યું છે. નવાઈની વાત એ છે કે જૈન ધર્મની અસંખ્ય કૃતિઓ ગુજરાતીમાં છે, શ્રીમદ્ રાજચંદ્રની કૃતિઓ પણ ગુજરાતીમાં જ છે પણ એક પણ જૈન અભ્યાસ કેન્દ્રમાં ગુજરાતીના અભ્યાસની વ્યવસ્થા નથી.

મેં કહ્યું છે એમ અમેરિકા અને ત્યારના સોવિયેટ સંઘ વચ્ચેના શીતયુદ્ધના ભાગ રૂપે અસ્તિત્ત્વમાં આવેલી ક્ષેત્રીય અભ્યાસની આ શિસ્તમાં ૯/૧૧ પછી મોટું પરિવર્તન આવે છે. ત્યાર બાદ ત્રાસવાદ સાથે સંકળાયેલી ભાષાઓનું મહત્ત્વ વધે છે. દેખીતી રીતે જ એમાં ગુજરાતી ભાષાનો સમાવેશ ન’તો થતો. એની સમાન્તરે ધર્મના અભ્યાસનું પણ મહત્ત્વ વધે છે. અને એની પણ સમાન્તરે સાંસ્કૃતિક અભ્યાસનું મહત્ત્વ પણ વધે છે.

જ્યારે મેં યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં ગુજરાતી ભાષાના અધ્યાપકની નોકરી સ્વીકારી ત્યારે આ બધાં કારણો પણ મેં ધ્યાનમાં લીધેલાં. જો કે, ત્યારે ઊંડે ઊંડે એવી શ્રદ્ધા પણ હતી કે જ્યાં સુધી ગુજરાતી પ્રજા અમેરિકામાં છે ત્યાં સુધી ગુજરાતી ભાષાનો અભ્યાસ ચાલુ રહેશે. પણ એ શ્રદ્ધા બહુ લાંબી ટકી નહીં. એ વિશે હું ભવિષ્યમાં વાત કરીશ.

હું પ્રાથમિક શાળામાં હતો ત્યારે ‘આનંદી કાગડા’ની વાત આવતી. રાજા કાગડાને દુ:ખ આપવા માટે પાણીમાં નાખે કે સાંકળથી બાંધે તો ય એ ‘કેવી મજા રે ભાઈ કેવી મજા’ કહીને દુ:ખને અવગણે. મને અંદરથી અપાર દુ:ખ હતું. કેમ કે જો મને ભાષાવિજ્ઞાન ભણાવવા મળ્યું હોત તો કદાચ મારો વિકાસ કોઈક બીજી જ દિશામાં થતો. પણ હવે મેં ગુજરાતી ભાષાના અધ્યાપક બનવાનું સ્વીકાર્યું એટલે મારે એ જ કામ પર વધારે ધ્યાન આપવાનું હતું. એટલે મેં પણ પેલા ‘આનંદી કાગડાને’ મારો ગુરુ બનાવ્યો. ગુજરાતીમાં તો ગુજરાતીમાં. કેવી મજા ભાઈ કેવી મજા!

પણ અધ્યાપક બનવાનું એક સુખ પણ હતું. અધ્યાપક તરીકે મારે કોઈ સંશોધન પેપરો પ્રગટ કરવાં જરૂરી ન હતાં. એ જ રીતે, મારે મારો શોધનિબંધ પ્રગટ કરવાનું પણ જરૂરી ન હતું. અધ્યાપકની નોકરી એટલે ભણાવવાની નોકરી. સંશોધનની નહીં. તમે આસિસ્ટન્ટ પ્રોફેસર બનો એટલે તમારે સંશોધન કરવું પડે. એટલું જ નહીં સંશોધન પ્રગટ પણ કરવું પડે. મારે મારા શોખના એક ભાગ રૂપે એ કામ કરવાનું હતું. એટલે કે એ માટે મારા પર કોઈ સંરચનામૂલક દબાણ ન હતું. બાકી અહીં અમેરિકામાં શોધનિબંધનું પુસ્તકમાં રૂપાન્તર કરવાનું કામ બીજું પીએચ.ડી. કરવા બરાબર છે. મેં ઘણા પ્રોફેસરોને એમના શોધનિબંધને પુસ્તકમાં ઢાળતી વખતે સાઈક્રિયાટ્રિસ્ટ પાસે જતા જોયા છે. ઘણાનાં ઘર પણ તૂટ્યાં છે.

મારે સંશોધન પર ખાસ ધ્યાન આપવાનું ન હતું એ પરિસ્થિતિનો મેં સદ્ઉપયોગ કરવાનું નક્કી કર્યું. મેં મારું વિદ્યાર્થી જીવન ચાલુ રાખવાનું નક્કી કર્યું. મેં નક્કી કર્યું કે દરેક સેમેસ્ટરમાં મારે એક કે બે કોર્સ ઑડીટ કરવા. એટલે કે એ કોર્સના વર્ગમાં બેસવું. પ્રોફેસર જે સામગ્રી આપે તે વાંચવી. એટલું જ નહીં, એની એસાઈનમેન્ટ પણ લખવી. કેવળ ફાઈનલ પરીક્ષા નહીં આપવાની. મારે આજીવન વિદ્યાર્થી રહેવું હતું ને મને એવા રહેવાની તક મળી ગઈ.

મને યાદ નથી કે મેં કયા સેમેસ્ટરમાં કયા વિષયના વર્ગો ઑડિટ કરેલા. પણ, મારે એ બધા વિષયો વિશે લખવું જોઈએ એમ મને લાગે છે. કેમ કે એ બધા વિષયોના અભ્યાસે મારા જીવનમાં ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

મેં એના એક ભાગ રૂપે દક્ષિણ એશિયાનો ઇતિહાસ, ભગવદ્ ગીતા, ઈશાવાસ્ય ઉપનિષદ, સંસ્કૃત છંદવ્યવસ્થા, ભારતીય તર્કશાસ્ત્ર, Metrical Phonology (ભાષામાં સ્વરભાર, છંદ તથા લયનું વિશ્લેષણ કરતું શાસ્ત્ર), પાશ્ચાત્ય સાહિત્ય સિદ્ધાન્ત, કથનશાસ્ત્ર, ચિન્તક ગાડામેર જેવા કોર્સ લીધા હતા.

ભગવદ્ ગીતા, ઈશાવાસ્ય ઉપનિષદ, સંસ્કૃત છંદવ્યવસ્થા, અને ભારતીય તર્કશાસ્ત્ર પરના કોર્સ ભારતથી વિઝિટીંગ પ્રોફેસર તરીકે આવતા પ્રો. રામનાથ શર્માના હાથ નીચે લીધેલા. શર્મા સાહેબ બહુ મોટા વિદ્વાન. એ યુનિવર્સિટી ઓફ હવાઈમાં સંસ્કૃતના પ્રોફેસર હતા. ૧૯૭૧માં એમને યુનિવર્સિટી ઓફ રોચેસ્ટરમાંથી સામાન્ય ભાષાવિજ્ઞાનમાં પીએચડી કરેલું. ત્યાં પણ એમણે પાંચ વરસ ભાષાવિજ્ઞાન ભણાવેલું. એમણે આર્યુર્વેદના ગ્રંથોના અંગ્રેજી અનુવાદો કર્યા છે. તદ્ઉપરાંત, પાણિનીના ‘અષ્ટાધ્યાયી’ ગ્રંથ પણ પાંચ ભાગમાં પ્રગટ કર્યો છે. હું લગભગ રોજ એમને મળતો. અમે ભાતભાતના વિષયો પર ચર્ચા કરતા. એક વાર એમણે મને કહેલું કે મારે પિંગળા પર સંસ્કૃતમાં કવિતા લખવી છે. એ કવિ પણ હતા અને સંસ્કૃતમાં પણ લખતા હતા. મેં એમને કહેલું કે તમને એવું નથી લાગતું કે પિંગળા ગોરખ સંપ્રદાયના રાજકારણનો ભોગ બની હોય? એમને મેં ભર્તૃહરિની કથાના રાજસ્થાની કથનને પણ જોવાનું કહેલું. એમાં ભર્તૃહરિ સાથે જે કંઈ થાય છે એ બધા માટે પિંગળાને નહીં પણ કર્મના સિદ્ધાન્તને જવાબદાર ગણવામાં આવ્યું છે. શર્મા સાહેબ સંસ્કૃત છંદો ભણાવતા ત્યારે સિતાંશુ યશશ્ચંદ્ર પણ અમારે ત્યાં હતા. એ પણ વર્ગમાં બેસતા. ક્યારેક કાર્ડોના પણ આવતા. એ માહોલ જોઈને મને થતું કે સાચે જ આ પૃથ્વીનો ફેરો નકામો નથી ગયો. એક વાર કેટલાક વિદ્યાર્થીઓએ શર્મા સાહેબને કહ્યું કે અમારે ઈશાવાસ્ય ઉપનિષદ પર કોર્સ લેવો છે. તમે આપો. શર્મા સાહેબે ત્યારે કહેલું: બાબુભાઈને કહો. જો એ મારા ક્લાસમાં આવતા હોય તો હું ઈશાવાસ્ય પરનો કોર્સ ભણાવું. એવું એમણે કેમ કહ્યું હશે એ મને સમજાતું નથી. પણ હું સંમત થયેલો. મને હજી યાદ છે: ઈશાવાસ્ય ઉપનિષદનો પહેલો શ્લોક સમજાવ્યા પછી એમણે મને પૂછેલું: બાબુભાઈ, હવે તમે આ શ્લોક વિશે શું કહેવા માગો છો એ કહો. મેં મારું ગણિતનું જ્ઞાન ઠાલવીને એ શ્લોક મારી રીતે સમજાયેલો. એ પ્રક્રિયા છેક અંત સુધી ચાલેલી. એક વાર એમણે મને પૂછેલું: તમારે દકાર્ત (ફ્રેંચ ફિલસૂફ) અને શંકરાચાર્ય બન્નેમાંથી કોઈ એકને પસંદ કરવા હોય તો કોને કરો? મેં કહેલું: શંકરાચાર્ય. દેશદાઝને કારણે નહીં. દકાર્ત જ્ઞાનની શક્યતાઓની વાત કરે પણ આત્મ અનાત્મ વિવેચકની વાત તો શંકરાચાર્ય જ કરે.

મેં એક કોર્સ કથનશાસ્ત્ર પર પણ લીધો હતો. એ કોર્સ જેરાલ્ડ પ્રિન્સ નામના વિદ્વાન ભણાવતા હતા. એમણે ચોમ્સકીના ૧૯૬૫ના ભાષા મૉડલના આધારે કથનશાસ્ત્રની વાત કરેલી. યુરોપમાં જે કામ જેનેત નામના વિદ્વાને સંરચનાવાદી કથનશાસ્ત્રમાં કરેલું એ કામ પ્રિન્સે અમેરિકામાં કથનશાસ્ત્રના ક્ષેત્રમાં કરેલું. ત્યારે, એટલે કે પ્રિન્સે જ્યારે એમનું કામ કર્યું ત્યારે, કથનશાસ્ત્ર આરંભની અવસ્થામાં હતું. એને સ્થાયી બનાવવામાં પ્રિન્સનો ફાળો ઘણો મોટો છે. એમણે કથનશાસ્ત્રનો સૌ પ્રથમ શબ્દકોષ પણ બનાવેલો. પ્રિન્સનો આ કોર્સ મેં બે વાર લીધેલો. એને કારણે કથનશાસ્ત્ર પર મને ખાસી એવી ફાવટ આવી ગયેલી. આજે પણ હું તક મળે ત્યારે કથનશાસ્ત્રમાં શું ચાલી રહ્યું છે એ વિશેની માહિતી મેળવવાનો પ્રયાસ કરતો હોઉં છું.

એવા બીજા બે કોર્સિસ મેં સાહિત્યની સિદ્ધાન્તચર્ચાને લગતા લીધા હતા. એ કોર્સિસ Jean-Michel Rabate (હવે પછી ‘રબાત’) ભણાવતા હતા. સાહિત્યની સિદ્ધાન્તચર્ચાના ક્ષેત્રમાં એમનું બહુ મોટું નામ. એમના એક કોર્સમાં એમણે ચાર Bના સાહિત્યસિદ્ધાન્તો ભણાવેલા જેમાં બાર્થ (Barthes), બ્લાંશો (Blanchot), બોદ્રિયાર્દ (Baudrillard) અને બખ્તિનનો (Bakhtin) સમાવેશ થતો હતો. એ જ રીતે, બીજા કોર્સમાં એ સાહિત્યસિદ્ધાન્તનો ઇતિહાસ ભણાવતા. જો કે, એ ઇતિહાસ પશ્ચિમ પૂરતાં મર્યાદિત હતો. જ્યારે પણ હું રબાતના એ કોર્સિસ યાદ કરું છું ત્યારે મને એક ઘટના યાદ આવી જતી હોય છે.

મેં ઘણી વાર કહ્યું છે કે અમેરિકામાં મને પ્રગટ જાતિવાદનો (racism) ખૂબ ઓછો અનુભવ થયો છે. ક્યારેક અમે એકલાં બહાર નીકળ્યાં હોઈએ અને કોઈક એકલદોકલ અમને કહી દે કે તમે તમારા દેશમાં પાછા જાઓ. એવા થોડાક પ્રસંગો બન્યા છે. એ જ રીતે, અમે ચાલતા જતા હોઈએ ને કોઈએ સોડાની બોટલ અમારા પર ફેંકી હોય એવા બનાવો પણ બન્યા છે. પણ, અહીં મેં એક બીજા પ્રકારના જાતિવાદનો પણ અનુભવ કર્યો છે. અને મને લાગે છે કે મારા જેવા બીજા અનેકે આવો અનુભવ કર્યો હશે. અને એ અનુભવ થયો છે આપણા ભારતીયો કે દક્ષિણ એશિયાના માણસોના હાથે જ. આ જાતિવાદ ખૂબ જ સુક્ષ્મ સ્તર પર કામ કરતો હોય છે. કોઈ ભારતીય તમને જુએ પછી, પેલા એક કેનેડિયન કોમેડિયને કહ્યું છે એમ, એને એવું થાય કે અમેરિકા તો મારા માટે બનાવેલો દેશ હતો અને આ અહીં ક્યાંથી આવી ચડ્યો? એને કારણે આપણને જેટલો સહકાર, જેટલી હૂંફ અમેરિકનો આપે એટલો સહકાર, એટલી હૂંફ અહીં સ્થાયી થયેલા ભારતીયોમાંના બહુ ઓછા આપતા હોય છે. કદાચ પહેલી પેઢીના ભારતીય અમેરિકનોમાં આવું નહીં હોય. ત્યારે યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના અંગ્રેજી વિભાગમાં એક ભારતીય પ્રોફેસર સાહિત્ય સિદ્ધાન્તો ભણાવતા હતા. મેં એમને એક ઇમેઈલ કરીને પૂછેલું કે મને સાહિત્ય સિદ્ધાન્તોમાં રસ છે. મેં એમાં ઠીક ઠીક પ્રમાણમાં વાંચ્યું પણ છે. પણ મને લાગે છે કે મારે તમારા જેવા અનુભવીના હાથ નીચે એ કોર્સ ભણવો જોઈએ. જો તમે મને તમારા વર્ગમાં બેસવા દેવાની પરવાનગી આપશો તો હું આપનો આભારી થઈશ. એ વખતે આવો જ એક ઇમેઈલ મેં રબાતને પણ લખેલો. પેલા ભારતીય પ્રોફેસરે ના પાડી દીધેલી. એમણે વિવેક ખાતર મને એમનો અભ્યાસક્રમ મોકલી આપેલો જે આમેય ઇન્ટરનેટ પર ઉપલબ્ધ હતો. એની સામે છેડે રબાતે લખેલું: It will be my pleasure in having you in my class. હું સ્વીકારું છું કે દરેક પ્રોફેસરને ક્લાસમાં કોને બેસવા દેવા અને કોને ન બેસવા દેવા એ નક્કી કરવાની સ્વતંત્રતા હોય છે તો પણ મને ભારતીય પ્રોફેસરનું વર્તન જરા વિચિત્ર લાગેલું. જો કે, પાછળથી તો મારે રબાત સાથે એકેડેમિક મૈત્રી થઈ ગયેલી. એમણે મને બેએક વાર લંચમાં પણ બોલાવેલો.

મેં અગાઉ કહ્યું છે એમ મેં નક્કી કરેલું કે મારે આજીવન વિદ્યાર્થી રહેવું. બને ત્યાં સુધી નવું નવું જાણવાની જિજ્ઞાસાને કરમાવા ન દેવી. આજે આટલાં વરસો પછી પણ મેં એ જિજ્ઞાસા કરમાવા દીધી નથી. પણ, હવે મારા માટે યુનિવર્સિટી પહેલાંની જેમ હાથવગી રહી નથી. મને ક્યારેક એનું અપાર દુ:ખ થતું હોય છે. સામાજિક રીતે એકલા પડી જવું એ એક વાત છે અને બૌદ્ધિક પ્રવૃત્તિમાં એકલા પડી જવું એ જુદી વાત છે. બૌદ્ધિક પ્રવૃત્તિ સંવાદ વગર જોઈએ એટલી ખીલે નહીં. હું પહેલાં ખરીદતો હતો એમ જ આજે પણ મુક્ત મને પુસ્તકો ખરીદું છું. એટલું જ નહીં, એ પુસ્તકો વાંચતો પણ હોઉં છું પણ પુસ્તકો વાંચ્યા પછી ઘણી વાર હું ‘જ્ઞાની’ ઓછો બનતો હોઉં છું ને ‘એકાકી’ વધારે બની જતો હોઉં છું. આ પીડા હવે ધીમે ધીમે સ્થાયી ભાવ બનતો જાય છે. એની સામે લડવાનાં સાધનો પણ હવે બુઠ્ઠાં બનતાં જાય છે.

4 thoughts on “મને હજી યાદ છે-૬૦ (બાબુ સુથાર)-સદાકાળ વિદ્યાર્થી બની રહેવાની મથામણ

 1. we learnt a lot about your “Being Student through out life” and you learnt many many subjects from those subject experts. i also understand your eternal need for knowledge – in very narrow way inmy teaching life..as being being head of computer center– i also kept learning till retirement from different seminars-workshop etc..there after still i learn now using internet new things but as you said much limited..”આ પીડા હવે ધીમે ધીમે સ્થાયી ભાવ બનતો જાય છે. એની સામે લડવાનાં સાધનો પણ હવે બુઠ્ઠાં બનતાં જાય છે.”
  but believe me we all appreciate your zeal – burning desire to learn and learn and share- how ever this limitation is due to age–and more maturity.

  Liked by 1 person

 2. Reblogged this on પ્રવીણ શાસ્ત્રી અને મિત્રોની વિવિધ વાતો and commented:
  શ્રી દાવડાના આંગણામાં પ્રખર ભાષાવિજ્ઞાની વિદ્વાન શ્રી બાબુ સુથારની જાણવા સમજવા જેવી આત્મ્કથા આલેખાય છે.
  જૂદા જૂદા શૈક્ષણિક ક્ષેત્રમાં અભ્યાસ માટે ૬૦-૭૦ વર્ષથી અનેક દેશના વિદ્યાર્થીઓ આવે છે. સંઘર્ષ કરે છે. ભણે છે. અમેરિકામાં સ્થાયી થાય છે. મોટાભાગના સફળ થાય છે. કોઈકને નિરાશા સાંપડે છે. ૧૯૬૦ – ૭૦ – ૮૦ – ૯૦ -૨૦૦૦ – ૨૦૧૦ કે ૨૦૨૦નો સમય હોય; વિદ્યા અભ્યાસ માટે આવવું, ઉપાધી મેળવવી, સફળ થવું એ જેવી તેવી વાત નથી જ. સેંકડો નહિ પણ હજારોની સંખ્યામાં ભારતથી ભણવા માટે અમેરિકા આવેલા ડોક્ટર્સ, ઇજીનિયર્સ, સાયન્ટિસ્ટ્સ, અને બીજા અનેક વ્યાવસાયિકોની જીવનકથા વાંચવા જાણવા જેવી હોય છે.
  આવી જ કથા બાબુ સુથારની છે.
  અમેરિકામાં પહેલી પેઢીના માબાપ ઈચ્છતાં હોય છે કે બાળકો ગુજરાતી ભાષા શીખે અને તેમના બાળકોને કદાચ કોઈ મંદિરમાં શનિ-રવિમાં ક-ખ-ગ શીખવા મોકલે પણ ખરા. પણ બીજી પેઢીમાં ગુજરાતી ભાષા જ્ઞાન ઉપેક્ષીત થઈ જાય. પરદેશીઓ ગુજતાતી ભાષા પર શિખવા વાળા કેટલા?
  બાબુભાઈની જીવન કહાણીનું આ પ્રકરણ અમેરિકન યુનિવર્સિટિ અને ભાષા વિજ્ઞાનીની યાતના વિશે ઘણું ઘણું કહી જાય છે. ભારતના ઘણાં અભ્યાસુઓને જાણવા મળે એવી વાતો છે. આશા છે કે મારા વાચક મિત્રોને એમની વાત વાંચવા ગમશે.
  શ્રી દાવડાજીના આભાર સહિત એમની આ વાત આપ મિત્રો સાથે શેર કરું છું.

  Liked by 1 person

 3. ‘સદાકાળ વિદ્યાર્થી’ વાતે યાદ શાળાના દીવસો –
  विद्या नाम नरस्य कीर्तिरतुला भाग्यक्षये चाश्रयो धेनुः कामदुधा रतिश्च विरहे नेत्रं तृतीयं च सा ।
  सत्कारायतनं कुलस्य महिमा रत्नैर्विना भूषणम् तस्मादन्यमुपेक्ष्य सर्वविषयं विद्याधिकारं कुरु ॥
  क्षणशः कणशश्चैव विद्यामर्थं च साधयेत् । क्षणे नष्टे कुतो विद्या कणे नष्टे कुतो धनम् ॥
  सुखार्थिनः कुतोविद्या नास्ति विद्यार्थिनः सुखम् । सुखार्थी वा त्यजेद् विद्यां विद्यार्थी वा त्यजेत् सुखम् ॥
  न चोरहार्यं न च राजहार्यंन भ्रातृभाज्यं न च भारकारी । व्यये कृते वर्धते एव नित्यं विद्याधनं सर्वधन प्रधानम् ॥વાતે જીવનભર સદા વિદ્યાર્થી રહેવાની પ્રેરણા મળી હતી.
  ‘અહીં ‘ભણવું’નો અર્થ ‘જાસૂસી કરવી’ એવો અમે પણ માનતા… હવે હેક એક ગુણ ગણાય !
  જૈન ધર્મ અંગે નકારાત્મક વાતો પણ ચર્ચાતી અને वरं ऐरावत मृत्यु न तु जैन अपासरे થી અંત પણ શ્રીમદ્ રાજચંદ્રજીના અભ્યાસથી ચિંતન થતું.
  અમારી આનંદી કાગડાની વાત બધાને યાદ હજુ પણ તેઓ ગાય લપસણું કરતાં શીખીએ છીએ ભાઈ લપસણું કરતાં શીખીએ છીએ ! કૂવામાં તરતાં શીખીએ છીએ ભાઈ કુવામાં તરતાં શીખીએ છીએ !કૂંણા કાન વીંધાવીએ છીએ ભાઈ કૂંણા કાન વીંધાવીએ છીએ કોયલના ટહુકા સાંભળીએ છીએ ભાઈ કોયલના ટહુકા સાંભળીએ છીએ મીઠી ખીર ખાઈએ છીએ ભાઈ મીઠી ખીર ખાઈએ છીએ હવે અમે આઝાદ છીએ ભાઈ હવે અમે આઝાદ છીએ.
  શર્મા સાહેબ ,સિતાંશુ યશશ્ચંદ્ર જેવા પાસે ભણવાનું ધન્ય..
  રોજ પ્રાર્થનામા બોલાતો-‘‘ઈશનું રાજ્ય છે આખું, જે જે આ અવનિ વિશે ત્યાગીને ભોગવી જાણો, વાંછો મા ધન અન્યનું’ ને તમે ‘મેં મારું ગણિતનું જ્ઞાન ઠાલવીને એ શ્લોક મારી રીતે સમજાયેલો.’ આ અંગે એક લેખ પ્રગટ કરવા વિનંતિ અને ‘‘જ્ઞાની’ ઓછો બનતો હોઉં છું ને ‘એકાકી’ વધારે બની જતો હોઉં છું. આ પીડા હવે ધીમે ધીમે સ્થાયી ભાવ બનતો જાય છે. એની સામે લડવાનાં સાધનો પણ હવે બુઠ્ઠાં બનતાં જાય છે.’નથી સમજાતી…પ્રભુ પ્રાર્થના કે તમને જ્ઞાની બનાવે

  Like

 4. ભાઈશ્રી પ્રવીણભાઈના કથન સાથે હું સંપુર્ણપણે સંમત છું.  પહેલી પેઢીના લોકો, જે હવે સીનીયર કહેવાય છે તેઓ અને ભારતથી નવાનવા આવેલા લોકોજ મોટે ભાગે અહીંના મંદિરોમાં જોવા મળે છે. મંડળોના ફ્રી-ટિકીટ વગરના કાર્યક્રમમાં કે ફ્રી કે પછી ભલેને ટિકીટવાળા નવરાત્રીના ગરબા વખતે મોટા ભાગના નાના મોટા ભારતીયો વધારે ભેગા થતાં હોય છે, બાકી તો વાર તહેવારે ભેગા થાય. હજી સ્વામિનારાયણ મંદિર તથા જૈન દેરાસરોમાં બાળકો અને યુવાનો આવતાં હોય છે, પણ બીજા મંદિરોમાં તો સફેદ વાળવાળાઓજ મોટે ભાગે દેખાય છે. હવે બીજી પેઢી તો ઠીક, પણ,ત્રીજી પેઢીના સંતાનો ભાગ્યેજ મંદિરે જવાના, અને તેનું ખાસ અને મુખ્ય કારણ ઘરમાં  ફક્ત ગુજરાતીજ નહીં,બીજી માતૃભાષામાં પણ  તો શરૂઆતથીજ અંગ્રેરેજીમા બોલવાનો વહેવાર શરૂ કરી દયે છે, એટલે એ બાળકો માતૃભાષા શીખતાજ નથી અને પછી હીંદુ ધર્મમાં અને માતૃભાષામાં  એઓનું મન લાગતું જ નથી. 
   
  શ્રી બાબુભાઈએ બહુ સુંદર જાણકારી આપી છે.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s