વિયોગ-૧૫ (રાહુલ શુકલ)


જૂના હિંદી ગીતો

ડિસેમ્બર ૧૦, ૨૦૧૩: નાનપણથી મને હિંદી ફિલ્મી ગીતોનો ખૂબ શોખ છે. મોટાભાગનાં ગીતની દરેકે દરેક કડી યાદ હોય, કયાં તબલાનો ઠેકો આવશે, ક્યારે વાયોલીન વાગશે, કયાં સિતારનો ઝણઝણાટ આવશે તે બધું મારાં મનના ટેઈપ પ્લેયર પર વાગ્યા જ કરતું હોય. અને હું વાંચવા બેસું, લખવા બેસું, કોઈ પણ કામ કરતો હોઉં તો ય બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક તો જોઈએ જ.

કોલેજમાં હતો ત્યારે પરીક્ષાની તૈયારીઓ ચાલતી હોય અને મિકેનિકલ એન્જીનિયરીંગના અઘરા વિષયોનાં પુસ્તકો વાંચતો હોઉં પણ પાછળ મુકેશનાં ગીતો તો ચાલુ જ હોય.

અહીં હજુ તો કારમાં બેઠો નથી અને હિન્દી ગીતો ચાલુ કરી દેતો. વર્ષો અગાઉ ટેઈપ, પછી સીડી અને હમણાંથી ફ્લેશ ડ્રાઈવ. પણ મુકેશ, રફી અને લતાનાં ગીતોથી હું ક્યારેય કંટાળ્યો નથી.

પણ આજે કારમાં હતો અને અચાનક મને ખ્યાલ આવ્યો કે સુશીબેન અને ભાઈનાં ગયાં પછી મેં કારમાં હિંદી ગીતો સાંભળવાં બંધ કરી દીધાં છે. રવિશંકરની સિતાર સાંભળવી ગમતી નથી, બિસ્મિલ્લાહ ખાનની શરણાઈ સાંભળવી ગમતી નથી, હિંદી ફીલ્મનાં ગીતો સાંભળવાં ગમતાં નથી, અને ઇન્ડિયા અંગે વિચાર કરવા ગમતા નથી..

જૂનું ગીત સાંભળું, ‘હમ બેખુદીમેં તુમ કો પુકારે ચલે ગયે.’ તો ફિલ્મ ‘કાલા પાની’ યાદ આવી જાય. ધ્રાંગધ્રા ફૈબાને ત્યાં વેકેશનમાં ગયો હતો ત્યારે ગિરીશભાઈ અને કાકુભાઈની કીર્તિદા (કોકી) સાથે ‘કાલા પાની’ જોયું હતું. તે યાદ આવે. દેવાનંદ, નલિની જયવંતનાં નામ યાદ આવે. ફૈબાનાં દીકરી પ્રભાબેન એમનાં કેન્દ્રમાં લઈ જતાં તે યાદ આવે. ફૈબા યાદ આવે. ફૈબાનું ઘર યાદ આવે અને ભાઈ કહેતાં કે નાનપણમાં એ ઘરમાં એ મોટા થયા હતા. અને આમ ‘હમ બેખુદીમે તુમ’ ગીત સાંભળું ત્યારે ભાઈ યાદ આવે.

‘સાવન કા મહિના પવન કરે શોર’ સાંભળું તો ‘મિલન’ ફિલ્મ યાદ આવે. ભાવનગરમાં જોઈ હતી. નૂતનને સુનીલ દત્ત ગાતાં શીખવાડતો હતો. સુનીલ દત્ત વર્ષો અગાઉ ચાલ્યા ગયા તે યાદ આવે, ભાવનગર યાદ આવે, તખ્તેશ્વર મહાદેવ યાદ આવે. દિવાળી અને ઉનાળાનાં વેકેશનમાં ભાવનગરથી ઘેર જતો. પછી વેકેશન પૂરું થાય ત્યારે ભાવનગર જવા નીકળવાનું હોય. નીકળું ત્યારે સુશીબેન ભેટીને કહેતાં, ‘ભૈલા, તું જઈશ એટલે મારે આ ઘર સૂનું થઈ જશે’- અને આમ ‘સાવન કા મહિના’ એ ગીત સાંભળું અને સુશીબેન યાદ આવે.

હેમંતકુમારનું ‘જાને વો કૈસે લોગ થે જીનકો’ એ ગુરુદત્તની અમર ફિલ્મ ‘પ્યાસા’નું ગીત છે. હું અગિયાર વર્ષનો હતો ત્યારે પ્યાસાનું બીજું એક ગીત બહુ ગમતું, ‘સર જો તેરા ચકરાયે, યા દિલ ડૂબા જાય’ અને એમાં ‘તેલ માલીશ…ચંપી’ એવો લહેકો આવતો તે મારાં બાળક મનને બહુ રમૂજી લાગતો. મહાલક્ષ્મી ટોકીઝમાં ‘પ્યાસા’ ફીલ્મ આવી હતી. ભાઈને ખૂબ આગ્રહ કરીને જોવા લઈ ગયા. ભાઈ ફિલ્મ જોવા સાથે ભાગ્યે જ આવતા. આ ફિલ્મમાં ‘હા’ પાડી હતી. મારે તો ‘તેલ-માલીશ’ ગીત માટે પ્યાસા જોવી હતી. ગુરુદત્તનાં દિલનાં દર્દની કોઈ વાત મારાં કિશોર મનને સમજાઈ નહોતી.

ફિલ્મ પૂરી થઈ ત્યારે મને થયું કે હું ભાઈને બહુ કંટાળાજનક ફિલ્મ જોવા ખેંચી લાવ્યો. અગિયાર વર્ષનાં કિશોરને આવડે એવી ભાષામાં મેં ભાઈ પાસે દિલસોજી વ્યક્ત કરી, કે ‘સોરી, તમને આવી નક્કામી ફિલ્મ જોવા લાવ્યો.’ ભાઈ, તમે ત્યારે મને કહ્યું હતું ‘આના જેવી અદભુત ફિલ્મ મેં જોઈ નથી.’ મારા શબ્દભંડોળમાં ‘અદભુત’ શબ્દ ત્યારે ઉમેરાયો હતો. અને આમ જયારે ‘પ્યાસા’નું મહમદ રફીનું ગીત, ‘યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હૈ’ સાંભળું તો મને ભાઈ યાદ આવે છે.

અને આમ કોઈપણ હિંદી ફિલ્મી ગીતો સાંભળું તો એની સાથે સંકળાયેલી સો સો યાદોને લીધે આખુંય ભારત મારા માટે જીવતું થઈ જાય છે. અને જયારે ભારત જીવતું થઈ જાય છે ત્યારે જે બે વ્યક્તિ હવે જીવતી નથી એ યાદ આવે છે.

* અને એટલે હવે હું કારમાં જૂનાં હિંદી ગીતો નથી વગાડતો.

મૃત્યુ નેચરલ નથી

૨૭ ડિસેમ્બર ૮, ૨૦૧૩: વીક-એન્ડમાં કંપનીનું કામ સવારથી સાંજ કર્યા કર્યુઁ, મન પરોવાયેલું રહે તે કારણે. પણ પાછળ સંગીત તો ચાલુ જ હોય, અને અમુક સંગીત આવે તો મનમાં અચાનક જિંદગીનાં રહસ્‍યો અંગે મૂંઝવણ થઈ જાય.

મનમાં જૂના બનાવો ટેઈપની જેમ ચાલ્યા કરે. ભાઈ, મને યાદ આવે કે હું જયારે ભારત હોઉં ત્‍યારે રોજ સવાર સાંજ તમારી સાથે જિંદગી, મૃત્‍યુ અને ભગવાન અંગે ચર્ચાઓ ચાલતી.

તમે મારાં વિધાનનો વિરોઘ કરતા, પણ પછી કહેતા, ‘મારો દીકરો તો મોટો ફિલોસોફર થઈ ગયો છે.’

એક વાર મૃત્‍યુ અંગે વાત કરતાં તમે કહ્યું, ‘મૃત્‍યુ પછી માણસ કયાં જાય છે?’

મેં કહ્યું ‘ભાઈ આપણે કારનું એન્જિન બંઘ કરી દઇએ પછી કાર કયાં કોઇ જગ્‍યાએ જતી રહી હોય છે? માત્ર ચેતનાનું મશીન બંઘ થઈ ગયું.’

તમે કહ્યું ‘તારી વાત વિચારવા જેવી છે’ આપણી થયેલી એ વાતો તમે ‘મૃત્યુ’ વિશેનાં એક લેખમાં લખીને ‘સમય’માં છાપી હતી.

મારાંમાં તો ય અભિમાનનો તૂટો નહોતો. તમારી પાસે સતત પ્રયાસ કરું કે મને સાચો ઠરાવું અને તમને ખોટા ઠરાવું. તો  એ તમારી પ્રતિભાના તેજની ઇર્ષા હતી.

પણ છતાં આપણી બેની મૈત્રી તે અજોડ મૈત્રી હતી. એકવાર મૃત્‍યુ અંગે વાત કરતાં તમે કહ્યું, ‘મૃત્‍યુ એ બહુ કરુણ બનાવ છે.’

મેં કહ્યું ‘હું એમ નથી માનતો’

તમે કહ્યું, ‘તું ખોટો છે.’

મેં કહ્યું ‘હું લોજિકલી સાબિત કરી શકું તેમ છું કે મૃત્‍યુ એ કરુણ બનાવ નથી.’

પછી મેં કહ્યું, ‘ધારોકે આવતી કાલે સુરેન્‍દ્રનગરની કોઈ ‍વ્‍યકિતને એક કરોડ રૂપિયાની લોટરી લાગે તો તમે ‘સમય’માં એ સમાચાર લો કે નહીં?’

ભાઈ, તમે કહ્યું, ‘હા, જરૂર લઇએ.’

‘પણ’, મેં કહ્યું, ‘ધારો કે સુરેન્‍દ્રનગરમાં દરેક નાગરિકને રોજ કરોડ રૂપિયાની લોટરી લાગે તો તમે એ સમાચાર કવર કરો ખરા?’

ભાઈ તમને ખ્‍યાલ આવતો જતો હતો કે દલીલ કયા માર્ગે જઇ રહી છે. તમે ટીખળી અવાજે કહ્યું, ‘તો એ સમાચાર ન લઇએ.’

મેં કહ્યું ‘કારણ કે જે વસ્‍તુ દરેક વ્‍યકિત માટે બને તેને આનંદની વાત ન કહી શકાય.’

પછી મેં એમને યાદ કરાવ્‍યું કે હું નાનો હતો ત્‍યારે કોઇને ઘેર ખોળો ભરવાનો પ્રસંગ  હોય ત્‍યારે ભાઈએ મને એકવાર કહેલું કે ‘આ વાત આનંદની છે, પણ આટલો બઘો ઉત્‍સવ શા માટે? આ વાત તો દરેક દંપતીને બને છે.’

ભાઈ કહે, ‘હા, મેં એવું કહેલું છે, અને તે સાચી જ વાત છે.’

મેં કહ્યું ‘તો જે વાત બધાં સાથે બને તે તો કુદરતી-નેચરલ ગણાય અને કુદરતી વાતને આનંદની વાત ન કહેવાય આ વાતમાં તમારી સહમતિ છે?’

‘હા, મારી સહમતિ છે.’ ભાઈનાં અવાજમાં ટીખળ, અને  દલીલ  કયા  રસ્‍તે જઇ રહી છે તેની સમજ હતી.

‘તો ભાઈ, મૃત્‍યુ તો દરેક વ્‍યકિતની જિંદગીમાં આવવાનું જ છે, કરોડો વર્ષોથી દરેક જન્‍મેલી વ્‍યકિતનું મૃત્‍યુ થયું છે. તો મૃત્‍યુ એ તો કુદરતી- નેચરલ વસ્‍તુ છે. અને જો નેચરલ વસ્‍તુનો હર્ષ ન કરવાનો હોય તો એનો શોક પણ ન કરવાનો હોય’.

અમસ્તું ભાઈને દલીલોમાં કોઇ પહોંચી ન શકતું. આથી એમના મોઢા પર એમના દીકરા પાસે દલીલમાં હારી ગયાંનું ગૌરવ હતું. પણ મને કહે, ‘તારી દલીલ સરસ છે, પણ દલીલ પાછળની ફિલોસોફી તદ્દન ખોટી છે. રજનીશજી પણ તારી જેમ દલીલથી ખોટી વાતને સાચી ઠરાવી દેતા હતા. તું ગમે તેમ કહે, પણ તું ખોટો છે, મારી વાત સાચી છે કે મૃત્‍યુ એ કરૂણ છે અને નેચરલ નથી.’

હું વર્ષે બે વાર મહિનાઓ માટે ભારત જતો. રોજ સવારે ને સાંજે ભાઈ સાથે આવી વાતો કરતો. સવારે નાસ્‍તો કરીને કંપની પર જવા નવ વાગ્‍યે નીકળવાનું હોય. નવથી સાડા દસ સુઘી ભાઈ જોડે વાતો ચાલે.

‘ભાઈ, મારે હવે જલ્‍દી પહોંચવાનું છે’.

‘પણ આ એક વાત પતાવીને જા!’ અને હું ભાઈનું કહ્યું કયારેય ટાળી ન શકતો.

તો આજે ૨૦૧૩નાં ડિસેમ્‍બરની આઠ તારીખે મારા ફેમિલી રૂમના સોફામાં બેઠો બેઠો વિચારતો હતો કે ભાઈ, તમારી સાથે જિંદગીનાં અસ્‍તિત્‍વનાં રહસ્‍યોની ચર્ચાઓ આપણે કેટલી બધી થતી.

જિંદગીનાં વિવિધ બનાવો અંગે અને એ બનાવોનાં આપણી જિંદગી સાથેનાં  જોડાણ અંગે આપણે લાંબી લાંબી વાતો કરતા.

જો કોઇ મહત્વનો બનાવ હોય, છાપામાં, સાહિત્‍યમાં કે આપણા કુટુંબમાં, તો એ બનાવ અંગે હું અને તમે ઊંડાણથી વાત કરતા.

તો આ લખતાં અત્‍યારે મને વિચાર આવ્‍યો કે મારી અને તમારી જિંદગીમાં અત્યાર સુધીમાં અગર કોઇ સહુથી મહત્‍વનો બનાવ બન્‍યો હોય તો તે તમારા અવસાનનો!

તો આ વખતે ઇન્ડિયા  આવું ત્‍યારે જો તમારી સાથે વાત કરી શકતો હોત કે તમારા અવસાનનું દુ:ખ કેવી રીતે જીરવવું, તો કેવું સારું થાત? તમે અને હું કેટલી ચીવટથી એ વિષય પર વાત કરતા હોત!

હું તમને કહેત ‘ભાઈ, હું તો આઠ મહિનાના દરેકે દરેક દિવસ તમને યાદ કરીને રડ્યો છું.’

* અને તમે કહેત, ‘હું તો તને કહેતો જ હતો કે મૃત્‍યુ એ નેચરલ નથી. પણ તું મારું માથું ખાતો હતો કે મૃત્‍યુ નેચરલ છે અને કરુણ નથી.’

2 thoughts on “વિયોગ-૧૫ (રાહુલ શુકલ)

 1. આજની વાત જ એવી છે કે જેનો અનુભવ લગભગ સૌએ કર્યો જ હશે અને મૃત્યુની કરુણતા બાબત સાથે સંમત પણ થશે જ…
  આ ઘટના એવી છે જેની ઘણા લાંબા સમય સુધી મન પર અસર રહેતી જ હોય છે.
  ક્યારેક કોઈના મૃત્યુનું દુઃખ જીવનભર પણ રહેતું હોય છે જ.

  Liked by 1 person

 2. rahul bhai,
  liked very much your association with every song with 100’s of things around so minutely explained- which happens again to all of us–but we have not analysed so minutely– and very much like your arguments on death “death is natural” and bhai sharing your views and comparing you and rajnish both are wrong “રજનીશજી પણ તારી જેમ દલીલથી ખોટી વાતને સાચી ઠરાવી દેતા હતા. તું ગમે તેમ કહે, પણ તું ખોટો છે, મારી વાત સાચી છે કે મૃત્‍યુ એ કરૂણ છે અને નેચરલ નથી.’”
  and as rajul bahen said rightly that although death is inevitable- its impact remains for long long time -depending on many factors around you…”હું તમને કહેત ‘ભાઈ, હું તો આઠ મહિનાના દરેકે દરેક દિવસ તમને યાદ કરીને રડ્યો છું.’
  * અને તમે કહેત, ‘હું તો તને કહેતો જ હતો કે મૃત્‍યુ એ નેચરલ નથી. પણ તું મારું માથું ખાતો હતો કે મૃત્‍યુ નેચરલ છે અને કરુણ નથી.’

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s