પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તા-૮-નજરકી પહેચાન?


(૮) નજરકી પહેચાન?

ઓલા ડોસાને લો પેલી ડોસી પાછી મળી ગઈ,
મળી તો બહુ વર્ષે પણ નજરમાં ફરી ઝબકી ગઈ
કોલેજના રસ્તે એની સાથે જે નજરો મળીતી
એ નજરોથી જિંદગીનાં ચશ્માં સાફ કરતી ગઈ

રચના ઉપાધ્યાય

‘ચાલને શાસ્ત્રી, આપણે સ્વામિનાયણ જઈ આવીએ.’

‘અરે મહેતા સાહેબ! યાર જવા દો ને. મને કાંઈ એમાં શ્રદ્ધા નહિ. જ્યાં સુંદરીયો ને આપણાથી સેપરેટ કરાય તે ફાવે જ નહીં. દૂરથી પોતાનીને જોયા કરતા હોઈએ ને એની બાજુવાલીને એમ લાગે કે આપણે એના પર દાણાં નાખીયે છીએ. પણ તમે કેમ સ્વામિનારાયણ મંદિરમાં દર વિકેન્ડમાં જવા માડ્યું?’

‘શાસ્ત્રી તને આ ઉમ્મરે શરમ નથી લાગતી? એની વે… તું બેશરમ છે એટલે જ તારું કામ પડ્યું છે. લાસ્ટ મન્થ મારા ગેસ્ટ આવેલા. તેને લઈને નવા મંદિરે  જવું પડ્યું હતું. તું માનશે નહિ પણ ત્યાં મેં રાધાને જોઈ. એ મારી સામે જ જોયા કરતી હતી. શાસ્ત્રી પ્લીઝ જરા તપાસ કરવાની છે. એ જો સિંગલ હોય તો કદાચ….એક વાર ટ્રાય કરી જોઈએ.’

‘અરે શું મહેતાજી તમે પણ; રાધાક્રિશ્નની મૂર્તિ પર આવી દૃષ્ટિ? રાધાજી પરણેલા કે કુંવારા, એ આજ સુધીમાં કોઈએ પણ હન્ડ્રેડ પર્સન્ટ કનફર્મ કર્યું નથી. અમારા રેશનાલિસ્ટ ભુપાભૈ તો વળી કહે છે કે રાધા જેવી કોઈ વ્યક્તિ હતી જ નહીં. જે હોય એ. પણ રાધાજી તો પેલો એની સાથે ફ્લ્યૂટ વાળો નંદકિશોર ઉભો છે એમનો માલ જ કહેવાય.’

‘અરે નથ્થુભાઈ, આપણાં ભગવાન વિશે આવું ના બોલાય. હું કૃષ્ણભગવાનની રાધાની વાત નથી કરતો. હું તો રાધા દલાલની વાત કરું છું. એ મારી સાથે જ કોલેજમાં ભણતી હતી.એમ.એ સૂધી અમે સાથે ભણેલા. પણ તે વખતે અમારા જમાનામાં બોલવા ચાલવાનો સંબંધ નહીં. હું પહેલેથી જ ઓછા બોલો અને જરા છોકરીઓની બાબતમાં ‘શાય’ પણ ખરો. એટલે વાત ન્હોતી થઈ. એકવાર અમુલ ડેરી રોડ પર એ સાયકલ પરથી પડી ગયેલી. શાકની થેલીમાંથી રિંગણા વેરાઈ ગયેલા. મેં એ જોયું. મેં એને બેઠી કરી. બધા વેરાયલા રીગણાં એની થેલીમાં ભરી આપેલા. બિચારી સારી છોકરી. એણે મને હસીને થેનક્યુ પણ કહેલું. એને તો મારું નામ પણ ખબર ન હતું; પણ હું તો જાણું. એને એ રાધાને મેં તે દિવસે મંદિરમાં જોઈ

 શાસ્ત્રી, મને તો  પૂછતાં શરમ આવે કે ‘રાધા મારી ઓળખાણ પડી?’ મને તારા જેવી લેડિઝ સાથે વાત કરવાની ફાવટ નથી. વાત કરવાની મારી હિંમત ચાલી નહિ. દર રવિવારે એ મંદિરે આવતી લાગે છે. ગયા રવિવારે પણ હું મંદિરે ગયો હતો. ત્યારે પણ એ મારી સામે જ જોયા કરતી હતી.’

આ અમારા મહેતા સાહેબ ઈન્ડિયાની કોલેજમાં સંસ્કૃતના પ્રોફેસર હતા. નિવૃત્ત થયા પછી સિત્તેર વર્ષની ઉમ્મરે અમેરિકા આવ્યા હતા. પંદર વર્ષના લગ્ન જીવન બાદ ભરયુવાનીમાં પત્નીએ એક દીકરી મૂકીને સ્વર્ગાગમન કર્યું હતું. કદાચ બીજી વાર પીઠી ચોળાય એ ગણત્રીએ દીકરી, દાદાદાદી સાથે ઉછરી હતી. પણ કમનશીબે યુવાનીમાં બીજીવાર ઘાટ નહોતો બેઠો. આમ તો શરીરે તંદુરસ્ત પણ નાક એકદમ ચીબું. સરસ લખે પણ બોલવાનું થાય ત્યારે ગુંગણું સંભળાય. એમની કોલેજમાં એ ગુંગણાસર તરીકે  ઓળખાતા. દીકરીએ અમેરિકા બોલાવ્યા હતા. પણ દીકરીને ત્યાં ન રહેવાય એ હિસાબે એકલા જ રહેતા હતા. એ ગણત્રી પણ ખરી કે સિંગલ તરીકે એકલા રહેતા હોય તો કોઈની સાથે ઘાટ બેસવાનો ચાન્સ ખરો. અમેરિકા તો ફોર્વર્ડ માઈડેન્ડ  કન્ટ્રી એ ગણત્રીએ આજે ઈઠ્ઠોતેરની ઉમ્મરે પણ વ્હાઈટ હોર્સ પર સવારી કરવાની એમની ઈચ્છા મરી પરવારી ન હતી. એમની આશા થોડી ઝાંખી થઈ હતી પણ હોલવાઈ ન હતી.

એમનું ઈઠ્ઠોતેરની ઊમ્મરે કન્નુ ગોઠવવામાં મને મિડલમેન બનાવવાની વાત. કહેતે ભી દિવાના સૂનતેભી દિવાના. પ્રોફેસર સાહેબ પાછા મારા રેપ્યુટેશનની વાત વચમાં એવી રીતે મૂકે કે મારા ઘરવાળા એક વીક સૂધી રિસાયલા રહે. મને કહેકે ‘તું તો લેડિઝ સાથે વાતો કરવામાં એક્ષપર્ટ જરા વચ્ચે પડીને એની સાથે ઓળખાણ તાજી કરાવને.’

લો કરો વાત. આજે ડોશી બની ગયેલી એમની કોલેજની છોકરી રાધા દલાલ સાથે ઓળખાણ કરાવવા મારે એમની સાથે મંદિરે જવાનું. પણ મહેતા ગળગળા થઈને જાણે રિક્વેસ્ટ કરતા હોય એમ લાગ્યું.

મહેતા સાહેબની જાણીતી અને મારે માટે તદ્દન અજાણી ડોસીમા ને મહેતા સાહેબ સાથે ઓળખાણ કરાવવાની વાતને ધરમનું કામ સમજીને મેં કહ્યું; ‘આઈ વીલ ટ્રાય માય બેસ્ટ બટ નો ગેરંટી. ડોસીમાને અડધો ડઝન ચિલ્ડ્રન અને બે ડઝન ગ્રાન્ડકીડ્ઝ હોય તો માર ખાવાનો વખત આવે’ 

હું એમની સાથે મંદિરે ઘસડાયો. એની વે, એ જેમને રાધાબેન દલાલ કહેતા હતા તે મંદિરમાં દર્શન કરતાં હતા. એમની નજર અમારા પર પડી. મને ચોક્કસ ખાત્રી થઈ ગઈ કે એમની નજર અમારો પીછો કરતી હતી. દર્શન તો ઠીક પણ પ્રભુજીની ટીમે  આજે કેવા વાધા પહેર્યા છે તે જોઈને અમે મંદિરની દુકાને ગયા. પ્રોફેસર સાહેબે ચ્યવનપ્રાસની બાટલી લીધી. મેં એકાદ ફરસાણનું પડિકું લીધું. દુકાનની બહાર બેન્ચ પર અમારા કનૈયા મે’તા સાહેબના બુઢ્ઢી રાધીમા બેઠા બેઠા શિક્ષાપત્રીની ચોપડી વસાવી હશે તે ઉથલાવતાં હતાં.

મેં મહેતા સાહેબને કહ્યું ‘સાહેબ જાવ અને એમની સાથે વાત કરો, અને ઓળખાણ કાઢો.’

‘ના શાસ્ત્રી મારાથી એપ્રોચ ના થાય. આ સ્વામિનારાયણનું સ્થાન છે.’

‘તમે સંત થોડા છો. તમને તો કોઈ ગમી જાય તો છેડતી યે થાય.’

‘શાસ્ત્રી, તારી આવી વાત કરવાની કારણે જ ફેસબુકીયા ફ્રેન્ડ તને સેક્સી ડોસો કહે છે. ડહાપણ છોડ; કંઈક કર. ભલે ઉમ્મર થઈ પણ એ રાધા દલાલ જ છે. હું કારમાં બેઠો છું. જરા મારી યાદ આપી દે તપાસ કર ક્યાં રહે છે?’

એની વે. મારે માટે એ કાંઈ મોટી વાત નહતી. હું એમની સામે જ પિકનિક બેન્ચ પર બેઠો.

‘નમસ્તે બેન, બેસી શકું ને?’

‘સ્યોર, બેસો બેસો. તમે કાયમ મંદિરે આવો છો?’

‘ના, વર્ષમાં એકાદ બે વાર મહાપ્રસાદનો લાભ લેવા આવી જાઉં છું.  આજે તો મારા મિત્ર મહેતા સાહેબ સાથે એમને કંપની આપવા જ્ મંદિરે આવ્યો છું.’

‘ઓહ! મને ખાત્રી જ હતી કે આ ડોક્ટર મહેતા જ છે. ચહેરો મ્હોરો હજુ એવો ને એવો  જ છે. એ જ નાક. અમે બન્ને એક સાથે બેંગલોર મેડિકલ કોલેજમાં ભણતાં હતાં. એ મારા કરતાં બે વર્ષ આગળ હતા. પછી સંભળ્યું હતું કે એઓ યુરોલોજીમાં એમ.ડી કરીને ઈંગ્લેન્ડ ગયા હતા. બિચારાનું નાક ખૂબ ચીબું એટલે બધી છોકરીઓ ચિમ્પાઝી ડોકટર કહેતા હતા. પણ ખરેખર ખુબ સરસ માણસ. એકવાર કોલેજમાં સાયકલ પરથી હું પડી ગઈ હતી. મને ઊભી કરી, મારી બધી બુક્સ ભેગી કરી અને કેરિયર પર ગોઠવી આપી. હું થેન્ક્યુ કહું અને મારી ઓળખાણ આપું તે પહેલાં તો તેઓ અદૃષ્ય થઈ ગયા. આમ પણ એ શરમાળ અને સજ્જન માણસ. એ તમારી સાથે હતા તે ક્યાં ગયાં.’

આ તો જબરો લોચો. આપણા મહેતાજીએ તો વલ્લભ વિદ્યાનગરમાં શાકુન્તલ પર ડોક્ટરેટ કરેલું. ગુંગણાસર તરીકે પ્રસિધ્ધી પામેલા. આ વળી કોઈ બીજો જ હમશકલ મહેતો, મેડિકલ ડોક્ટર મહેતો નીકળી પડ્યો.

મેં એમને કહ્યું ‘એ તો મેન્સ રૂમમાં ગયા હતા અને ત્યાંથી કારમાં બેઠા હશે. એમને જરા બહાર જવાનું છે એટલે અમે નીકળી જઈશું.’

‘ડોક્ટર મહેતાને  મળતે તો આનંદ થતે. એમને તો મારો ખ્યાલ પણ ન હશે. પણ આવતા રવિવારે હું એમને મળીને યાદ કરાવીશ. આમ તો મારું નામ ડોક્ટર રાધા પારેખ, પણ અસલ તો હું રાધા દલાલ. હ્યુસ્ટનમાં હતી. ડો. પારેખ સાથે ડિવૉર્સ સેટલમેન્ટ થઈ ગયું છે. હવે ન્યુ જર્સીમાં સેટલ થવું છે.’

હું ભગવાનમાં માનું છું પણ હજુ ડાકણ, ભૂત પ્રેત કે પલિતમાં નથી માનતો. ડો.મહેતા અને ડો.દલાલ. આ બન્ને ડોક્ટરે મને ચકરે ચઢાવીને ડાકણ ભૂતમાં માનતો કરી દીધો. મને મારા મહેતાજીમાં રાજેન્દ્ર કુમારનું  ભૂત ભરાયું હોય એવું લાગ્યું. મારા હોટ સૂધી આવી ગયું કે હે રાધીમાં અમારા ચીબડા ચપટા ગુંગણાં નાક વાળા ડોકટર મહેતાએ માત્ર કાલિદાસની કવિતાઓનું જ પોસ્ટમોર્ટમ કર્યું છે. બહુ સજ્જન માણસ છે છે કોઈની તો શું પોતાની યે પીપી જોય એવા નથી. પણ હું કઈ પણ બોલ્યો નહીં. જય સ્વામિનારાયણ, જય શ્રીક્રિશ્ન, નમસ્તે બહેન કહી છૂટો પડ્યો.

કારમાં મહેતા સાહેબે પૂછ્યું, ‘શું વાત કરી.’ મેં જવાબ વાળ્યો ‘તમારે માટે એ કામની છોકરી નથી. એ તમારી રાધા નથી. નેક્સ્ટ સનડે મંદીરે નથી આવવાની. ફાંફા મારવા ન જતા.’

મહેતાજી થોડા ડિપ્રેશ  થયા.

ત્યાર પછી હું ચાર મહિના આઉટ ઓફ સ્ટેટ હતો. મહેતા મગજમાંથી નીકળી ગયા હતા. મળવાનું થયું ન હતું.

ન્યુ જર્સી આવ્યા પછી હું એક ગુજરાતી કોમેડી નાટક જોવા ગયો. નાટકને બદલે મારી આગળની રૉમાં બે ડોસાડોસીને જોયાં. ભ્રમણાં કે ભૂત. મારી આગળની સીટ પર જ મહેતા અને રાધા એકબીજાને તાળી આપતા અને ખભા-માથાં ઠોકતાં કોમેડી નાટક માણતાં હતાં. ઈન્ટરવલમાં હું મોં સંતાડી નાસવાનો વિચાર કરું તે પહેલાં તો પાછળથી મારા વાંસા પર પ્રેમનો કે કોઈ સજાનો જોરદાર ધપ્પો પડ્યો.

‘અલ્યા શાસ્ત્રી, તારે અમારી બન્નેની સાથે ચોખ્ખી વાત તો ભસવી હતી કે અમે બન્ને માનતા હતા તે અમે બન્ને નથી. એતો સારું થયું કે હું પાછો બીજા રવિવારે સ્વામિનારાયણ બાપાના દર્શને ગયો અને રાધાજીને મળવાનું થયું. બધો ખૂલાસો થઈ ગયો. ભલે અમે જૂદા હતાં પણ નજરની ઓળખાણ તો હતી ને?’

હું ગુંચવાયો. ‘નજરની ઓળખાણ!’ એક મહેતાએ એક રાધાના રિંગણા ભરી આપેલા અને બીજા મહેતાએ બીજી રાધાની બુક ભરી આપેલી. એમાં નજરની ઓળખાણ ક્યાં ઘૂસી ગઈ.

મેં હાથના ઈશારતથી પૂછ્યું ‘હસ્તમેળાપ થઈ ગયો?’

‘અરે ગાંડો થયો છે? આ તે કાંઈ લગ્નની ઉમ્મર છે? રાધાજી એપાર્ટમેન્ટ  શોધતાં હતાં અને મારી બાજુનો એપાર્ટમેન્ટ ખાલી હતો બસ રાધાજીએ રાખી લીધો. રાધાજી પણ સાહિત્યનો જીવ છે. એમને કાલિદાસની શૃંગારિક કૃત્તિઓનું રસદર્શન ગમવા માડ્યું છે. હું એમની પાસે હ્યુમન એનેટોમી શીખી રહ્યો છું શરીરશાત્રના કંઈ કેટલા રહસ્યો હું જાણતો ન હતો. એમની સંગતથી ઘણું નવું જાણ્યું જે વર્ષો પહેલાં જાણતો ન હતો. હવે અમને મંદિરે જવાનો ટાઈમ જ નથી મળતો. જૂઓને આજે  આ નાટકમાં ભેરવાઈ પડ્યા.’

રાધીમા એ હળવેથી કહ્યું શાસ્ત્રીભાઈ ‘મહેતા મજાના માણસ છે. એ હિમેશ રેશમીયા ના રોમેન્ટિક ગીતો ખુબ સરસ રીતે ગાય છે.  તમારી શું પ્રવૃત્તિ છે? મહેતા કહેતા હતા તમે ગુજરાતી ઓથર છો. શું લખો છો?’

મનમાં તો હતું કે કહું કે ભૂત ડાકણીના પ્રેમની વાર્તા લખું છું, પણ વિનય પૂર્વક કહ્યું કે  ‘હું વાર્તા લખું છું, કોઈ વાર્તાનો વિષય શોધતો હતો. સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી આજે આ નાટકના ઈન્ટરવલમાં જ તે મળી ગયો છે.’

7 thoughts on “પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તા-૮-નજરકી પહેચાન?

  1. સ રસ વાર્તા…શરુઆત
    ઓલા ડોસાને લો પેલી ડોસી પાછી મળી ગઈ,
    મળી તો બહુ વર્ષે પણ નજરમાં ફરી ઝબકી ગઈ
    યાદ આવે-
    ‘આસિમ’ ! હવે એ વાત ગઈ, રંગ પણ ગયો,
    તાપી તટે થતો જે હતો સંગ પણ ગયો,
    આંખોની છેડછાડ ગઈ વ્યંગ પણ ગયો,
    મેળાપની એ રીત ગઈ ઢંગ પણ ગયો.
    . હું દિલની લાગણીથી હજી પણ સતેજ છું,
    . એ પારકી બની જશે, હું એનો એ જ છું !

    બાદ હળવી રમુજી શૈલીમા રાધીમા, મહેતા અને શાસ્ત્રી ત્રિપુટી ની વાર્તા માણી-મઝા આવી

    Liked by 1 person

  2. પ્રવિણભાઇ,
    અહિં તમારી વાર્તા રાઇટીંગની પરવિણતાના ચોખ્ખા દર્શન થયા.

    જે કાંઇ કહેવું છે તે ટૂંકમાં કહો. વાંચનારને જ વિચારતા કરો. સમજાવવાની કોશીષ ના કરો. ( નો બીકોઝ…પ્લીઝ..), અેક નવલકથાનો મસાલો છે પરંતું તમે હિલેરીયસ શોર્ટ સ્ટોરીમાં નવલકથાને સમાવી લીઘી. વાંચનારનો અને તમારો સોનાનો સમય બચાવ્યો…

    .હસતે મોઢે બીજી વાર વાંચવા માટે પ્રતિજ્ઞાબઘ્ઘ કર્યો….અથવા તો બીજા મિત્રોને વાંચવા રેકેમેંડ કીઘા.

    પાત્રાલેખન, પાત્રોને મોઢે કરાવ્યુ. સિનિયરોના હૃદયની સીતારના તારો ઝણઝણાવ્યા.

    હાર્દિક અભિનંદન. ગુજરાતી સાહિત્ય સભા જેવી જુજરાતમાં વસતી સંસ્થા આ વાર્તાની નોંઘ લેશે ? કે મારું…તારું…કરશે ?

    Liked by 1 person

  3. દાવડાજી, મારી હળવી વાર્તાઓને પણ એમના બ્લોગમાં સ્થાન આપવા બદલ આપનો હાર્દિક આભાર. મિત્રોએ ફરી રસપૂર્વક વાંચી અને માણી, મારે માટે એના જેવો બીજો આનંદ કયો હોય! પ્રતિભાવ બદલ આભાર મિત્રો. અને દાવડા સાહેબ આપના આભાર સહિત ફરીવાર મારા વાચક મિત્રો માટે આ રિબ્લોગ કરું છું.
    સાદર વંદન. પ્રવીણ.

    Like

પ્રતિભાવ