ઉછળતા સાગરનું મૌન ( સપના વિજાપુરા )


પ્રકરણ-૫

સુહાગરાત પૂરી થઈ .સવાર પડી ગઈ. બે શરીર કે બે આત્માનું મિલન ન થઈ શકયું. નેહાની જીવનની સૌથી લાંબી રાત હતી. જેની સવાર પડતાં પડતાં જાણે વરસો નીકળી ગયાં. નેહા સર્વસ્વ ભૂલી આકાશની થવા માગતી હતી. પણ, આકાશે એનાં એ સપનાં ઉપર પૂર્ણવિરામ મૂકી દીધું. હા, સવાર તો પડવાની જ હતી. પણ આ સવાર પછી નેહાનું જીવન બદલાઈ જવાનું હતું. ન તો એ પહેલાની નેહા રહેવાની હતી કે ન તો એ અલ્લડ જીવન. એ પોતાના રૂમમાંથી બહાર આવી. મમ્મી પગફેરા માટે તેડવા આવી હતી. મમ્મીને જોતા જ નેહાની આંખોમાં દબાયેલા આંસુ ઉમટી આવ્યાં. મમ્મીને વાત કરવી જોઇએ? ના, ના, કોઈને પણ નહીં. આકાશના તો કેટલા વખાણ થઈ રહ્યા છે? કોણ માનશે મારી વાત? એ મમ્મીને ભેટી પડી. આંખોમાંથી અનરાધાર આંસુ પડી રહ્યા હતાં.

એટલામાં આકાશ કારની ચાવી હવામાં ગોળ ગોળ ફેરવતો આવ્યો. એ એકદમ મમ્મીથી અલગ થઈ ગઈ. આકાશ તો મંદ મંદ સ્મિત કરતો મમ્મી પાસે પહોંચ્યો અને મમ્મીને પગે લાગી ગયો. મમ્મીએ આશીર્વાદ આપ્યાં અને નેહાની સામે સ્મિત કરતો એ દરવાજા પાસે પહોંચી ગયો. અચાનક પાછળ ફરીને નેહાને પૂછ્યુ,” સ્વીટુ, તને કાર જોઇએ છે?” ડ્રાઈવર તને અને મમ્મીને લઈ જશે.” નેહા હા કે ના કહે એ પહેલાં જ આકાશે ડ્રાઈવરને વરદી આપી દીધી.  “દિનુકાકા, મેમસાબ અને એમના મમ્મીને એમનાં ઘરે મૂકી આવજો. સ્વીટુ સાંજે હું જ તને લઈ જઈશ.” નેહા કાંઈ બોલી નહી. નેહાની સાસુએ મમ્મીની ખૂબ આગતા-સ્વાગતા કરી, ને ખૂબ પ્રેમથી બન્નેને ઘરે મોકલી આપ્યાં.

સૂરજને ક્યાં કાંઈ બીજું કામ છે, પોતાની ગતિમાં ફરવા સિવાય? બપોર ગઈ ને સાંજ આવી ગઈ. નેહાનું દિલ ધડકવા લાગ્યું. હમણાં આકાશ આવી જશે! અરે રે! આ ઘડિયાળનાં કાંટા અટકી જાય તો સારું! પણ, આકાશ આવી જ ગયો લેવા માટે. આવીને જરા અડપલું પણ કરી લીધું. મમ્મી ખુશ થઈ ગઈ જમાઈનો નેહા ઉપર પ્રેમ જોઈને! એટલામાં નેહા બોલી, “મમ્મી, હું કાલે જાઉં તો? આજ રોકાઈ જાઉં તો??” મમ્મી હસી પડી. “ના રે બેટા, આજ તો જવું જ પડે તારે ઘરે. તને બધાં સગા વ્હાલાં મળવા આવશે. આજ ના રોકાવાય. ફરી આવજે. કેમ જમાઈરાજ બરાબર ને?” અને, નેહા કમને ઊભી થઈ. પોતાનાં ઘર તરફ એક નજર કરી. કેટલો પ્રેમ અને સુખ છોડીને એ આકાશ પાસે ગઈ હતી? બદલામાં, આકાશે એને શું આપ્યું?

નેહા કારમાં જઈ બેસી ગઈ. ખંધુ હસતો આકાશ ચાવી ફેરવતો ફેરવતો આવ્યો. ડ્રાઈવર સીટ પર બેસી ગયો.         “કહો રાણી ક્યા લઈ જાઉં? ઘરે કે ફરવા કે મુવીમાં? નેહા જાણે ગણગણતી હોય એમ બોલી. “ઘરે!” નેહા આકાશ સાથે જરા પણ સહેલાઈથી વાત કરી શકતી નહોતી. એના મનમાં ભય હતો કે એ કાંઈ બોલશે તો આકાશ તરત સાગર ને યાદ કરીને મહેણું મારશે!

એ મનોમન વિચારતી હતી. “સાગર..સાગર તે મને કેવી પરિસ્થિતિમાં મૂકી દીધી છે? તું આવીને જોઈ લે તારી નેહાની હાલત. આના કરતાં તે મને એમ કહ્યું હોત કે તું મારી રાહ જોજે. હું  જિંદગીભર તારો ઇન્તેજાર કરી લેત અથવા ઝેર જ આપી દીધું હોત તો એ પણ ખુશીથી પી લીધું હોત…! પણ, આ તેં તો મને એવી કફોડી હાલતમાં મૂકી દીધી છે કે હર પળ તને યાદ રાખવો પડે છે કે તારા વિશે કાંઇક બોલાય ના જાય. તું તો દૂર થઈને કેટલો નજદીક આવી ગયો? હવે હું શું કરું? તું જ કહે, તું જ કહે, આ હાલતમાં હું કરું તોયે શું કરું?”. નેહાએ સાડીની કિનારીથી પાંપણ લૂછી.

આકાશ તરત બોલ્યો, “નેહા, તું મારી પાસે તો નથી તો ક્યાં ખોવાયેલી છે? સાગર સાથે છે કે શું?”

નેહા ચૂપ હતી, પણ, મનમાં બોલી ઊઠી, “હા એની પાસે જ છું. તું મને ક્યાં એને ભૂલવા દેવાનો છે?” પણ, કાંઈ બોલી નહી. નેહાનું મન બે દિવસમાં જ આકાશ પરથી ઊતરવાં માંડેલું. મનમાં કડવાશ જ હતી અને જ્યાં કડવાશ હોય ત્યાં પ્રેમ કેવી રીતે રહે?  નેહા જે સપના લઈને આવી હતી કે આકાશનાં પ્રેમમાં હું સાગરને ભૂલાવી દઈશ અને એક પતિવ્રતા પત્ની બની આકાશના જીવનને પ્રેમ અને હાસ્યોથી ભરી દઈશ, પણ આકાશ તો એક પણ મોકો છોડતો ન હતો, સાગરને યાદ કરાવવાનો. હવે કરવું તોયે શું? આમ જ જીવન જશે કે મારાં હિસ્સામાં થોડી પણ ખુશી હશે? મારો દોષ કોઈ બતાવે. કોઈ કોમળ હૈયાની યુવતી પ્રેમમાં પડી જાય એમ પડી ગઈ અને નસીબમાં એ પ્રેમ ન હતો, તો ચૂપચાપ, એને છોડીને આકાશ પાસે આવી. તો, આકાશે તો જાણે માફ ના કરી શકાય એવો ગુનો કર્યો છે એમ રોજ રોજ એની સજા આપવાનું નક્કી કરીને બેઠો છે!

આકાશે જોરથી બ્રેક મારી એ એકદમ ડેશબોર્ડ સામે ધસી ગઈ, અને તંદ્રામાં થી જાગી પડી. ઘર આવી ગયું હતું. એ સંભાળીને ઊતરી, અને ઘરમાં આવી ગઈ. સાસુમા આશાબેન ખૂબ સરસ સ્વભાવના હતાં.” આવી ગઈ દીકરી? તેં તો મને એક દિવસમાં તારી આદત પાડી દીધી! તારા વગર આખો દિવસ ક્યાંય ગમતું ન હતું બેટા!” નેહા સાસુને પગે લાગી ચૂપચાપ બેડરૂમ તરફ ગઈ.

આકાશ કાર લઈને ખબર નહીં ક્યાં ઊપડી ગયો. નેહા એક તો નવી દુલ્હન અને ઘર પણ સાવ અજાણ્યું. એને ખબર પડતી ન હતી કે એ આ ઘરમાં કેવી રીતે ગોઠવાય? બેડરૂમ ખાવા ધાતો હતો. અને, બેડરૂમ બહારની દુનિયા તો એકદમ જ અજાણી હતી. એને એક ફડકો બેસી ગયો હતો કે જો રૂમની બહાર નીકળશે તો એ અજાણી ભોમકામાં અટવાઈ જશે!

ઘરની એક કામવાળી જમવા બોલાવવા આવી. એ ડાઇનિંગ રૂમમાં આવી પણ સાસુની સામે જોઈને બોલી,” બા,હું આકાશની રાહ જોઉં છું અમે સાથે જ જમીશું.”

“અરે બેટા, જમી લેને. એનું કાંઈ ઠેકાણું નહીં મોડો પણ આવે તું શું કામ ભૂખી રહે છે?”

નેહાએ કહ્યુ,” બા, આમ પણ મને હાલ બહુ ભૂખ નથી. હું એમની પ્રતીક્ષા કરું છું.”

“સારું બેટા, તારી જેવી મરજી. પણ, ભૂખ લાગે તો રમાબેનને કહેજે થાળી પીરસી દેશે.”

“સારુ.” કહી નેહા બેડરૂમમાં પાછી ફરી. બેડરૂમમાં નાનો ટીવી હતો. એ ચાલુ કરી બેસી ગઈ. ટીવી જોતાં જોતાં એની આંખ લાગી ગઈ. લગભગ બે વાગે આકાશ આવ્યો. એ ઝબકી ને જાગી ગઈ. નેહાએ આકાશને જમવા માટે પૂછ્યું એણે ના પાડી. એ પણ ભૂખી સુઈ ગઈ. લગ્નની બીજી રાત, પણ નેહાને પૂછવાની હિંમત પણ નહોતી કે, આકાશ તું ક્યાંથી આવ્યો? તને આટલી વાર ક્યાં લાગી? આકાશે ચાલાકીથી એ બધા જ હક એની પાસેથી એક જ ઝાટકે લગ્નની પહેલી રાતે ઝૂંટવી લીધાં હતાં.

ઉદાસી આંખોમાં છવાઈ ગઈ. દૂર દૂર સુધી વેરાની હતી. આંખો ના પહોંચે એવાં રણ હતાં, દૂર, દૂર, દૂર સુધી! અને પ્રેમજળનું એક ટીપું ના હતું. આ રણ એવાં કે મૃગજળ પણ ના હતું. આ કેવી ઉદાસીની સુનામી આવી?

નેહા સવારે ઊઠી. આંખો લાલચોળ હતી કદાચ આકાશ આવ્યા પછી સૂઈ નહીં શકી હોય..સવારનાં પહોરમાં શાવર લઈ એ બાથરૂમ માંથી બહાર આવી. ભીનાં વાળ ને ગોરા તનની માલકિન એ પણ સદ્ય સ્નાતા! જાણે ઓસમાં કોઈ કળી સ્નાન કરીને આવી હોય એવું લાગતું હતું. નેહા એટલી સુંદર લાગતી હતી કે આકાશની અંદર રહેલો પુરુષ બળવો કરી ગયો. આકાશે નેહાને નજદીક બોલાવી. એક ચાવી દીધેલાં પૂતળાની જેમ એ આકાશની નજદીક આવી. આકાશે એને પોતાનાં બાહુપાશ માં જકડી લીધી. નેહાનું મન લાગતું ના હતું. પતિ હતો. હક હતો, પણ નેહા અંદરથી થર થર કાંપતી હતી. એ ડરતી હતી કે ક્યાંક સાગરનું નામ આવી જશે તો? એને થતું હતું કે આ પણ પ્રેમ નહીં પણ એક ચાલ હોય તો? પણ, નેહા સાથે આકાશે પોતાની વાસના પૂરી કરી લીધી.

બેબાકળી નેહાને સમજ ના પડી કે જેને દુનિયા પ્રેમ કહે છે, શું એ આ જ છે? આવા પ્રેમ માટે અંતર મન તૈયાર ન હતું. પણ, આકાશ પતિ હતો. સર્વ હક ધરાવતો હતો. એ ગુપચૂપ ઊભી થઈ ને ફરી શાવરમાં ગઈ. તન પર પાણી પડતું રહ્યુ અને આંખોમાંથી આંસુ! શાવરમાં રડવાનો આ એક ફાયદો કોઈને ખબર ના પડે આ ખારું પાણી છે કે મીઠું!!નેહાની આંખો વહેતી રહી.

પ્રકરણ-૬

નેહાની આંખનાં ખૂણામાંથી અશ્રુધારા વહી રહી હતી .સાગર સ્તબ્ધ બની નેહાની વાતો સાંભળી રહ્યો હતો. અત્યાર સુધી એ વહેમમાં હતો કે એની નેહા સુખી ઘરમાં ગઈ છે અને ખૂબ મોજ મજાથી જીવે છે. પણ મોટા મહેલો જો સુખ અને શાંતિ આપતા હોત તો દુનિયાનાં ઇતિહાસમાં ઘણાં રાજાઓ અને બાદશાહો થઈ ગયાં, એ બધાં દુઃખી ના હોત, પણ નેહા સુખી ના હતી મારુતિની ડીલરશીપ કે દિલ્હીનો મોટો બંગલો મારી નેહાને સુખ ના આપી શક્યા.

આમાં મારો જ વાંક છે. મારે નેહાને મઝધારે છોડવાની ન હતી. મારે નેહાને કોઈ પણ સંજોગોમાં મારી સાથે જ રાખવાની હતી. નેહા। નેહા મને માફ કરજે. મેં તારા સાથે અન્યાય કર્યો છે. હું સ્વાર્થી બની ગયો ભાઈ બહેનોનાં ભવિષ્ય માટે પણ હું જવાબદાર છું. પણ, મારે મારા કાર્યમાં તને પણ સાથે રાખવાની હતી. માફ કરજે નેહા. મારા લીધે આ બધું તને સહેવાનો સમય આવ્યો. હે ભગવાન, મને માફ કરજે. મેં એક નિર્દોષને કૂવામાં નાંખી.

સાગર આરામ ખુરશીમાંથી ઊભો થયો, ફ્રીજ માંથી પાણીની બૉટલ કાઢી નેહાને આપી. નેહાની પાંપણ પરનાં અશ્રુને એણે હથેળીમાં ઝીલી લીધાં. નેહાએ ઊંડો શ્વાસ લીધો. નેહાને આટલી ઉદાસ અને મજબૂર એને ક્યારેય જોઈ ન હતી. નેહાએ ઉદાસ આંખે ગેલેરીની પાળ ઉપર બેઠેલા એક પંખીને જોયું. ફરી આંખો છલકાઈ ગઈ. કેટલું મુક્ત હતું, કેટલું આઝાદ હતું, એ પંખી! અને, એના પગમાં અદ્ગશ્ય સાંકળ બાંધેલી છે! એ ઊડી ન શકે! એના વિચારો ઉપર એના શ્વાસો ઉપર પણ એનો અધિકાર ના હતો. એ સાગર પાસે શું કામ આવી? મારે અહીં આવવાની જરૂર ન હતી. સાગર કેટલો ઉદાસ લાગી રહ્યો છે! મારાં દુઃખ એની  આંખોમાં છલકાઈ રહ્યાં છે.

સાગરે એનો નાજુક હાથ હાથમાં લઈને કહ્યું, “નેહા, આજ તું મારાથી કાંઇ ના છુપાવતી. તારા દુઃખનો જવાબદાર હું જ છું. તને સુખ તો ના આપી શક્યો પણ મને તારા દુઃખનો ભાગીદાર બનાવ. ભલે, કદાચ, તારા દુઃખ હું લઈ નહી શકું પણ, મને ભાગીદાર બનાવીશ તો ઓછાં તો જરૂર થશે.” નેહાએ સાગરનો હાથ આંખો પર લગાવી દીધો. એની ભીની આંખોથી સાગરનો હાથ ભીનો થયો. સાગરના દિલમાં થી એક આહ નીકળી ગઈ.

નેહાએ આંખો બંધ કરી સાગરનાં ખોળામાં એનું માથું મૂકી દીધું. જાણે ગભરાયેલું કોઈ સસલું લપાઈને ઝાડની બખોલમાં ભરાઈ જાય! સાગરની આંગળીઓ અનાયાસે એનાં સુંવાળા રેશમી વાળમાં ફરવા લાગી. નેહાની આંખો બંધ થવા લાગી જાણે વરસો પછી નિદ્રા આવવાની હોય. પણ, ઝબકી પડી અને સામે કાળઝાળ ભૂતકાળ તરવરવા લાગ્યો. સાગરની આંગળીઓ એના માથામાં ફરતી રહી, .અને, એ ફરી આકાશ પાસે પહોંચી ગઈ.

એ દિવસે જ્યારે આકાશ સાથે શારીરિક સંબંધ બંધાયા પછી, એ સંબંધને પ્રેમનો સંબંધ ક્યારેય ના કહી શકી. શાવર લઈને એ ડાઇનિંગ રૂમમાં આવી. આકાશના ચહેરા પર શરારતી લુચ્ચું સ્મિત હતું. એણે મમ્મીને કહ્યું” મોમ, હું અને નેહા હનીમૂન માટે સ્વીત્ઝરલેન્ડ જઈએ છીએ આવતી કાલે. આ રહી અમારી ટિકિટ.” આકાશે ટિકિટ ટેબલ પર મૂકી દીધી. નેહાના દિલમાં ધ્રાસકો પડ્યો. અરે, બાપ રે! મારે આકાશ સાથે એકલા રહેવાનું! મોઢા પર ‘ના’ આવી ગઈ પણ શબ્દો ગળામાં ક્યાંક અટવાઈ ગયાં. સહેજ બડબડતી હોય એમ કહ્યું,” મારી તબિયત સારી નથી.”

 આકાશે તરત વાત કાપી નાંખી,”તું ચાલ તો ખરી સ્વીત્ઝરલેન્ડ દુનિયાનું સ્વર્ગ છે. તારી તબિયત સરસ થઈ જશે.” મમ્મી તો ખૂબ ખુશ હતી. “હા, હા ફરી આવો. જુવાન માણસની તબિયત વળી કેટલાં દિવસ ખરાબ રહે. જાઓ બેટા, તૈયારી કરો. ગરમ કપડાં પણ લેજો. તારા બાપુજી મને લઈ ગયેલાં. ખૂબ સરસ જગ્યા છે.”

નેહા ઊભી થઈ. બેડરૂમમાં ગઈ. આકાશ અને એની વચ્ચે કેવું અંતર આવી ગયું હતું કે એની સ્વીત્ઝરલેન્ડ લઈ જવાની વાત પણ આકાશને ખુશી ના આપી શકી. એક મોટી ખાઈ એમની વચ્ચે આટલા ઓછા સમયમાં પડી ગઈ હતી, કે, એ ખાઈ ઓળંગવી હવે નેહાના હાથની વાત રહી ન હતી.

આકાશ પાછળ પાછળ આવ્યો. આ અંતર ઘટાડવું જ રહ્યું. જિંદગી કાઢવાની છે આકાશ સાથે. એ મારો પતિ છે. મારે એની ઈચ્છાને માન આપવું જ જોઈએ. હે પ્રભુ, મને તાકાત આપ કે હું આકાશને અંતરમનથી ચાહી શકું અને એના દિલમાં પણ મારી ચાહત પેદા કર, હે પ્રભુ! અમારા બન્નેનાં જીવનને એક કરી દે. અમને સાચા અર્થમાં પતિ-પત્ની બનાવી દે. મને મનથી એની અર્ધાંગના બનાવી દે. પ્રભુ બસ એટલું જ માંગું છું. મન મજબૂત કરી એ તૈયારી કરવા લાગી

આકાશ એની બેગ ભરતાં નેહાની સામે ત્રાંસી આંખે જોયા કરતો હતો. પોતાની બેગ ભરી, નેહા ઝીપર મારતી હતી, ત્યાં જ, આકાશ નજીક આવ્યો અને બોલ્યો,” સાગરને પણ પેક કર્યો કે નહીં?” નેહાનાં ચહેરા ઉપર થોડી વાર માટે જે પ્રકાશ છવાયો હતો, એ અંધકારમાં ફેરવાઈ ગયો. મનમાં મક્કમતાથી કરેલો નિર્ણય કે એ આકાશને અનુકૂળ થવા પ્રયત્ન કરશે, એ એકદમ કડડભૂસ થઈ ગયો. આકાશ પાસેથી કોઈ પણ સારી અપેક્ષા રાખી નહીં શકાય એની ખાતરી થતી જતી હતી. આવા જ મહેણાંટૂંણા અને માનસિક ત્રાસ સાથે આ જીવન જશે? નેહાએ આંખોનાં ખૂણા લૂછ્યાં, અને, બેગ બંધ કરી.

બીજા દિવસની ફ્લાઈટમાં નેહા અને આકાશ સ્વીત્ઝરલેન્ડ પહોંચી ગયાં. જીનીવા રળિયામણું શહેર છે. શહેરની વચ્ચે તળાવ અને તળાવમાં ધોધ અને આસપાસ યુનોની ઓફીસો.  હરીયાળું શહેર..! ત્યાંથી મિલાન ગયાં અને ત્યાંથી ઝુરીચ. દુનિયામાં જો સ્વર્ગ છે તો અહીં જ છે, એવું અદભૂત કુદરતી સૌંદર્ય અહીં છવાયેલું છે. બરફથી છવાયેલાં પહાડો અને ગળામાં બેલ બાંધેલી ગાયોના ધણ, જાણે કે વૃંદાવન અહીં ઊભું થઈ ગયું હતું. આ શહેર બોલીવુડના કોઇ મુવી જેવું લાગતું હતું.

સાગર યાદ આવી ગયો. મારો સાગર હોત તો હાથમાં હાથ નાંખીને કલાકો સુધી આ બર્ફીલા પહાડો પર ચાલ્યાં કરત ચૂપચાપ! પ્રેમને વળી ક્યાં ભાષાની જરૂર પડે છે! શબ્દોથી પ્રેમ દર્શાવી એનું મૂલ્ય ઓછું શું કરવું? હાથમાં હાથ લો અને એ સ્પર્શની નરમીથી ખબર પડી જાય કે કેટલો પ્રેમ છે! હા, સાચે જ, પ્રેમને ભાષાની જરૂર જ નથી. આકાશ હોટલમાં બેઠો રહેતો અને શરાબ પીધા કરતો અને નેહા સાગર સાથે કલ્પનામાં દૂર દૂર સ્વીત્ઝરલેન્ડના હરિયાળા ખેતરોમાં અને ફૂલો વચ્ચે મહોબતના ગીતો ગાયા કરતી. સપનાંમાં જીવવાની અને કલ્પનામાં પ્રેમ કરવાની આદત નેહાને પડવા લાગી હતી. જે સાગરને દૂર છોડીને આવવું હતું, એ સાગરને આકાશે બેગમાં પેક કરાવી સાથે લઈ લીધો હતો! હવે સાગર નહીં છૂટે, નહીં ભૂલાય!

આઠ દિવસ નીકળી ગયાં. દિલ્હી પાછા ફર્યાં પણ, આકાશનાં તીર જેવાં શબ્દો અને મહેણાંની યાદો લઈ નેહા આવી ગઈ પાછી. ક્યારેક મન વગરનાં શારિરીક સંબંધની તો ક્યારેક અણગમતા સ્પર્શની યાદો!

અશોક જાની ‘આનંદ’ની ગઝલનો એક શેર નેહાને યાદ આવી ગયો.

“સ્પર્શ ચાહત, સ્પર્શ નફરત, સ્પર્શ સુખ કે વેદના,

સ્પર્શ તો ‘આનંદ’ કે અવસાદ સમજાવે ભલા.”

સ્પર્શ કેટલા પ્રકારના હોય છે? પણ, આ સ્પર્શની ભાષા પણ અદભૂત હોય છે. સ્પર્શ બતાવી દે છે કે કેટલી ઉષ્મા છે તમારાં પ્રેમમાં, જાણે સ્પર્શ એક પારાશીશી હોય, માપદંડ હોય! નેહાના ચહેરા પરથી સ્મિત ઊડી ગયું હતું. પહેલાં દરેક વાત પર આવતું હતું, પણ, હવે કોઈ વાત પર હસવું આવતું નથી.


પહેલે હર બાત પર હંસી આતી થી


અબ કીસી બાત પર નહી આતી.

નેહા વિચારમાં પડી જતી..

  “હોઠોને મૂકી આ સ્મિત ઊડીને ક્યાં જતું હશે?

   માનો યા ના માનો

   એ આંખોનાં દરિયામાં

   ઊતરીને ખારું પાણી બની

   આંખોમાં આંસુ થઈને

   વહેતું હશે!!”

પ્રકરણ-૭

નેહા અને આકાશ દિલ્હી આવી ગયાં. દિવસો વીતી જાય અને અંતર ઘટવાને બદલે વધતું જતું હતું. ઘણીવાર કિસ્મત પણ કેવા ખેલ ખેલે છે. બે તદ્દન જુદા વિચાર ધરાવતી વ્યક્તિઓને એક સાથે મૂકી દે છે અને પછી તમાશો જુએ છે. .નેહા અને આકાશ બેઉ તદ્દન જુદા સ્વભાવના હતા અને એ બંને એક ગાંઠથી બંધાઈ ગયાં હતાં, છતાં, નેહાના દિલમાં તો આકાશના રવૈયાને લીધે, સાગરની યાદ સલામત રહી હતી.

આકાશનો મકસદ સાફ હતો. એ નેહાના મગજમાંથી કે દિલમાંથી સાગરની યાદને હટવા દેવા નહોતો માગતો. હવે, પાણી માથાથી ઉપર જઈ ચૂક્યું હતું અને એનો ઈલાજ પણ કઈં ન હતો. દિવસો આવતા ને જતા અને સાગર પ્રત્યે પ્રેમ વધતો જતો, એટલું જ નહીં, એની ઊણપ અને કમી દિલમાં ઘર કરતી જતી.  આ બાજુ, નેહાના બા-બાપુજી વૃદ્ધ થતાં જતાં હતાં અને દીકરીનો ખોળો ક્યારે ભરાય એની રાહમાં આંખોના દીવા ઝાંખા કરતાં જતાં. સાસુમા પણ આકાશનો વંશવેલો જોવા તલપાપડ થઈ રહ્યાં હતાં

“બેટા નેહા, આજ ચાલ તને સારી ડોકટર પાસે લઈ જાઉં. મારી ઓળખીતી છે અને વરસોથી બાળકો ના થતા હોય એવા દંપતીને પણ એના ઇલાજથી બાળકો થયાં છે.”

“બા, મારા નસીબમાં હશે તો બાળક થશે. મારે કોઈ ડોકટર પાસે નથી જવું. વળી, અમારા લગ્નને હજુ છ વરસ જ થયાં છે. અને, આકાશ પણ બાળક માં રસ નથી લેતો.” નેહાએ ઉદાસ સ્વરમાં જણાવ્યું. પણ, બા ક્યાં માને એમ હતાં?

ડો. શાહની ક્લિનિકમાં લઈ ગયા. નેહાની તપાસ થઈ. બધું નોર્મલ હતું. કોઈ દેખીતું કારણ ના હતું કે નેહાને બાળક ના થાય. ડો. શાહે જણાવ્યું કે આકાશને કોઈ સારા ડોકટરને બતાવો.

આકાશને કોણ કહે ડોકટર પાસે જવા માટે? દિલમાં હજારો તીર ખૂંચી જાય છે. જિંદગીમાં બસ આ બાકી હતું? હવે આ એક નવી મુસીબત આવી ચડી. બા રોજ સમજાવે કે આકાશ સાથે વાત કર પણ, નેહા કેવી રીતે બાને જણાવે કે આકાશ સાથે ક્યાં નજીકના સંબંધ હતાં? નેહા મનોમન કહેતી, “આ અંતર ઓછું થાય તો હું કાંઇક કહું ને!” પણ, હવે વાત કર્યા વગર છૂટકો જ નહોતો. આકાશ સવારે ઊઠ્યો. નેહા ચા લઈને રૂમ મા આવી. આજનું પેપર પણ આપ્યું. ચા પી રહેલા આકાશ તરફ નેહા તાકી રહી હતી. આકાશને પણ આ વાતની ખબર હતી. ત્રાંસી આંખે જોઈ એણે પૂછ્યું,” કાંઈ કામ છે?”

નેહા ચોંકી ગઈ,” ના, ના, .હા આ તો બાએ કહેવા કહ્યું એટલે…”

“શું કહેવા કહ્યું?”

“એ તો હું અને બા ડોકટર પાસે ગયાં હતા, ગાયનેક પાસે. મારી તપાસ કરાવી. મારું બધું નોર્મલ છે. ડોક્ટર કહે છે કે આકાશને ડોક્ટર પાસે મોકલો!” અચકાતાં નેહા બોલી. આકાશ એકદમ ઊભો થઈ ગયો.

“મારામાં ખોટ છે તું એમ કહેવા માગે છે કે મારામાં દોષ છે? કદી નહીં, મારે કોઇ પ્રોબ્લેમ નથી અને મારે કોઈ ડોક્ટર પાસે જવું નથી ને તારા જેવી સ્ત્રી સાથે મારે બાળકો જોઈતા પણ નથી સમજી?”

નેહાની આંખોમાંથી ટપટપ આંસું પડી રહ્યા હતાં. કેટકેટલાં અપમાન..અપમાન…અપમાન…અપમાન અને ક્યાં સુધી સહન કરું?

થોડા સમય સુધી તો નેહાને કોઈ સવાલ કરે તો એ કહેતી કે અમારે હાલ બાળકો નથી જોઈતાં. પણ ધીરે ધીરે કહેવા લાગી કે પોતાને પ્રોબ્લેમ છે. પિરિયડ બરાબર નથી. વગેરે, વગેરે! પણ કદી આકાશનું નામ ના લીધું કે પ્રોબ્લેમ આકાશમાં છે. શ્વાસોમાં ઘૂંટાતી પીડા, ગળામાં બાઝેલાં ડૂમા અને થીજેલાં અશ્રુ આંખોમાં..! સ્થિર બની ગયેલી નેહા જાણે માટીની મૂરત બની ગઈ હતી. હવે કોઈ લાગણી સ્પર્શતી નથી. હવે કોઈ અપમાન લાગતું નથી. હવે કદાચ અંદર કૈંક મરી ગયું છે. કોઈ આશા કોઈ કારણ જીવવા માટે લાગતું નથી. હતાશાનાં અરણ્યો છે અને પ્રેમનાં વૃક્ષો વગરનાં જંગલો છે. ખારા પાણીનો વરસાદ અને સિતારા, સૂરજ અને ચંદ્ર વગરનું આકાશ…કાળા ડિબાંગ દિવસો અને પ્રાણવાયુ વગરની રાત્રી.

“મોતકા ઝહેર હૈ હવાઓમે અબ કહાં જાકે સાંસ લી જાયે?”


બા રોજ પૂછે,” આકાશને વાત કરી?” માથું ધૂણાવી જુઠ્ઠું બોલતાં બચી જાય. હવે સાસુમા પણ ‘બેટા બેટા’ કહેવાનું છોડી વાત વાતમાં મહેણાં મારતાં હતાં. મા મટીને સાસુ બની ગયાં હતાં. બાને કાંઈ પણ કહેવાય નહીં. એમની તબિયત પણ સારી નથી રહેતી અને પપ્પાને કહું તો પપ્પા હાથ પકડીને ઘરે જ લઈ આવે. બસ, દિલમાં જ્વાળામુખી લઈને ફરતી હતી. આકાશ ડોકટર પાસે નહીં જાય. એક બાળક હોય તો કદાચ જીવનમાં જીવ આવે. થોડો આનંદ છવાઈ જાય. કૈંક બદલાવ આવે, ઘર હર્યું ભર્યું થઈ જાય. એની પા,પા પગલીથી ઘરમાં અને હ્રદયમાં ઝણકાર થઈ જાય. એના ખડખડાટ હાસ્યથી ‘આકાશ-નિવાસ’ ગુંજી ઊઠે, પણ, આકાશનો ઈગો એને ડોક્ટર પાસે જતા રોકતો હતો. અને કૈંક એવું નીકળ્યું તો નેહા પાસે એને નીચા જોવા જેવું થાય તો એની ઈજ્જત શું રહી જાય? ના, એ કદી ડોક્ટર પાસે નહી જાય. ડોક્ટર વળી શું કરી લેવાનો જ્યારે નસીબ જ વાંકા હોય તો! આ નેહા ઘરમાં આવી ત્યારથી જીવનનું સુખ લૂંટાઈ ગયું. ન જાણે કેવા મુહૂર્તે આવી છે!

એક દિવસ, નેહા મોલમાંથી નીકળી રહી હતી. હાથમાં શોપીંગની બેગો હતી, અને સામેથી એણે પોતાની કોલેજની સહેલી અવનીને જોઈ. અવની સાગરની કઝીન હતી. અવનીની આંગળી પકડીને, એનો ચારેક વરસનો દીકરો ઊભો હતો. નેહાએ અવનીને બૂમ મારી,”અવની!” અવનીએ પાછળ ફરીને જોયું. “અરે, નેહા!” અને બન્ને સહેલીનાં ચહેરા ઉપર ઉલ્લાસ ઊછળી આવ્યો. નેહા તો હાથમાંથી બેગો ફેંકીને, અવનીને ભેટી પડી. જૂના સ્કૂલ- કોલેજના મિત્રો જેવી દોસ્તી ક્યારેય મળતી નથી. જીવનમાં ઘણાં મિત્રો બને છે પણ જે પ્રેમ અને નિસ્વાર્થપણું આ મિત્રતામાં હોય છે, એ કદીયે બીજી કોઈ મિત્રતામાં ક્યાંય જોવા મળતું નથી. પણ, અફસોસની વાત છે કે સ્કૂલ-કોલેજના દિવસોની આ મિત્રતા, લગ્ન પછી, ખાસ કરીને સ્ત્રીઓ માટે સાવ વિસરાઈ જાય છે. પણ, અનાયસે જ્યારે એ જૂના મિત્રો ફરી મળે ત્યારે ફરીને એ જ નિર્દોષતા અને એ જ પ્રેમ અનાયસે ઊભરાઈ આવે છે.

નેહા એકી શ્વાસે “અવની, અવની” એમ બોલી રહી હતી. છેલ્લે થોડી શાંત થઈ એટલે કહ્યુ,”અવની, મારું ઘર બાજુમાં જ છે. ચાલ, તું ચા પીને જજે અને મારા સાસુ-સસરા સાથે મુલાકાત કરજે. મજા આવશે. ચાલ, મારો પેલેસ તો જોઈ લે. અરે, આ ભૂલકું તારું છે? વાહ આ તો મર્ફી-બાબા કરતા પણ હેન્ડસમ છે. વાહ ભઈ વાહ…બેટા, તારું નામ શું છે? હું તારી માસી છું.” બાળક માની સાડીમાં લપેટાઈ ગયું. અવની કહે, “ચાલ, થોડીવાર માટે આવું છું, પણ મારે જલ્દી નીકળવું પડશે નહીંતર, મારા ‘એ’ છે ને મારા વગર જમતાં પણ નથી. પણ, વચન આપું છું કે એક દિવસ એમની સાથે જરૂર સમય કાઢીને આવીશ તારા ‘એ’ ઘરે હશે ત્યારે. આપણે એ લોકોને મિત્રો બનાવી આપવાના, બસ. પછી તો રોજ મુલાકાત થઈ શકે.”

અવની અને નેહા બંને, નેહાની કારમાં બેસીને “આકાશ-નિવાસે” પહોંચ્યાં. સાસુમા ઘરે હતાં. નેહાએ ઓળખાણ કરાવી કે અવની મારી બચપણની મિત્ર છે અને અમે કોલેજમાં પણ સાથે ગયેલાં. હવે અહીંથી બહુ દૂર નથી રહેતી. ચાંદની ચોકની બાજુમાં રહે છે. નેહાની આંખોમાં ચમક આવી ગઈ હતી જાણે કોઈ ખોવાયેલો ખજાનો મળી આવ્યો હોય. બંને સહેલીઓ વાતો કરતી બેસી રહી. અને, નાનો બાબો પવન અહીં-તહીં દોડાદોડી કરી રમી રહ્યો હતો.

એટલામાં આકાશની કાર આવી. નેહા એકદમ ખુશ હતી. આકાશ આવ્યો. નેહા એકદમ દરવાજા પાસે ધસી ગઈ. આકાશના હાથમાંથી બ્રીફકેસ લઈ લીધી અને કહ્યું,” આકાશ, જુઓ કોણ આવ્યું છે? મારી બચપણની સહેલી અવની અને આ એનો મર્ફી-બાબો પવન.” અવની સ્મિત કરતી ઊભી થઈ ગઈ અને આકાશની સામે આવી ગઈ. “નમસ્તે” કરી, .હાથ પણ લંબાવ્યો. પણ, આકાશે હાથ લાંબો ના કર્યો. અવની થોડી ક્ષોભિત થઈ ગઈ. આકાશે અછડતું સ્મિત કર્યુ. અને બૂટ કાઢવા સોફા પર બેસી ગયો, અને કહ્યું,” તો આ તારી કોલેજની મિત્ર છે?” નેહાએ હકારમાં માથું હલાવ્યું. આકાશે લુચ્ચું સ્મિત કરતા કહ્યું,” હમ્મ..! તો, તો તારાં કોલેજના બધાં જ મિત્રોને જાણતી હશે, ખરુંને?” નેહાનાં ચહેરા પર ભય છવાઈ ગયો. એ જાણતી હતી આના પછીનો આકાશનો સવાલ, પણ છતાં હકારમાં માથું હલાવ્યું.

“તો, શ્રીમતી અવની, સાગરના શું ખબર છે? સાગરને તો ઓળખો છો ને આપ?”

અવનીએ અચકાતાં અચકાતાં નેહાની સામે જોઈને કહ્યું,

“હા, સાગર મજામાં છે. એક બાળકનો પિતા બની ગયો છે. એ મારો કઝીન થાય છે.” આટલું કહીને અવનીએ જાણે એક લાચારીથી નેહા સામે જોયું. નેહા ચૂપ હતી. અવની પણ કઈંક સમજી ગઈ હોય તેમ, તરત જ ઊભી થઈ ગઈ, અને નેહાને કહ્યું “ચાલ નેહા, હું નીકળું હવે. સમીર મારી રાહ જોતા હશે. ફરી ક્યારેક આવીશ સમીરને લઈને.”

અવની પવનને ઊંચકીને દરવાજા તરફ ચાલવા લાગી, “આવજો આકાશજી, ક્યારેક નેહાને લઈને અમારે ઘરે પણ આવજો. સમીરને પણ ગમશે.”

નેહા એને વળાવવા બહાર નીકળી અને ડ્રાઈવરને અવનીને મૂકી આવવા કહ્યું, પણ અવનીએ મનાઈ કરી દીધી અને રિક્ષા લઈ નીકળી ગઈ.

નેહા અવનીને ‘આવજો’ કહી જેવી ઘરમાં આવી એટલે તરત જ, આકાશ વરસી પડ્યો.

“ખૂબ વાતો કરી લીધી સાગરની તારી સખી સાથે? અને એના ભેગાં, હું તને હેરાન કરું છું એની વાતો પણ તેં કરી જ હશે. એમાંયે, સાથે સાસુની વાતો પણ ખરી જ! તને તો ખૂબ મજા પડી હશે આજે! પણ, એક વાત કાન ખોલીને સાંભળી લે, મારા ઘરમાં રહીને મારી અને મારી માની વાતો કરવાની બીજીવાર હિંમત પણ નહીં કરતી! આ બધું મારા ઘરમાં નહીં ચાલે, સમજી? મારી જાણ વિના, હવે, આ ઘરમાં બીજી વાર જો કોઈને લઈ આવી છે તો તારી ખેર નથી, એટલું યાદ રાખજે. અને, આ છોકરાએ કેટલો કચરો કર્યો છે? માએ કોઈ મેનર્સ જ શીખવ્યાં નથી! મેનર્સલેસ મા અને એવો જ એનો છોકરો! કલ્ચરલેસ પીપલ!” નેહા અવાક બની આકાશને સાંભળી રહી હતી. આકાશ કેટલો ક્રૂર હતો, એના પ્રત્યે! પોતાની પત્ની સાથે આવો વ્યવહાર કોણ કરે? નેહાને એના આરોપોનો જવાબ આપવો હતો, પણ, નેહાને એના ચહેરા પરથી દડતાં આંસુ આકાશને બતાવવા ન હતાં. નેહા રૂમમાં દોડી ગઈ અને ઓશીકાની અંદર માથું દબાવી ક્યાંય સુધી મૂંગી મૂંગી રડતી રહી. ”મારા જ ઘરમાં, મને કોઈ એટલું પણ પૂછવાવાળું ન હતું કે તું જમી કે નહીં? આ તે કેવું જીવતર?” નેહા મનમાં વિચારતી રહી, “મારા અસ્તિત્વની કોઈને પડી નથી. મારા હોવા ન હોવાનો કોઈને જ ફરક પડતો ન હોય તો આ જિંદગીનો અર્થ જ શો? લાવ, આ જીવનનો અંત લાવી દઉં.” નેહા ધીરેથી ઊઠીને મેડિસિન્ કેબીનેટ પાસે પહોંચી ગઈ. ધ્રૂજતા હાથે ઊંઘની ગોળીઓ હથેળીમાં લીધી.

2 thoughts on “ઉછળતા સાગરનું મૌન ( સપના વિજાપુરા )

  1. આકાશ શબ્દે અમારા સર્વોદય શિબિરમા ગવાતું પ્રેરણાદાયી ગીત ગુંજે
    આકાશગંગા, સૂર્ય, ચંદ્ર, તારા । સંધ્યા, ઇષા કોઈ ના નથી ।।
    કોની ભૂમિ, કોની નદી, કોની સાગરધારા । ભેદ કેવલ શબ્દ, અમારા ને તમારા ।।
    એજ હાસ્ય એજ રુદન આશા એ નિરાશા । એજ માનવ ઊર્મિ પણ ભિન્ન ભાષા ।।
    મેઘ ધનુ અંદર ના હોય કધી જંગો । સુંદરતા કાજ બન્યા વિવિધ રંગો ।। ત્યારે આકાશ સાથે નેહની વાતે બે શરીરનું મિલન ન થવાનો અનુભવ અનેકોનો હોય પણ બે આત્માનું મિલન ન થઈ શકયું તે કરુણતા…અને દાંભિક પગફેરો શબ્દે સામી છાતીએ ખંજર ભોંકતી એષાની પંક્તિઓ યાદ આવે ઈશ્વર, દીકરી સોંપતા પહેલાં તારા વિશે તપાસ કરાવવાની જરુર હતી,
    કન્યાપક્ષના રિવાજોને તારે માન આપવું જોઈએ,દસ દિવસ થઈ ગયાં…
    અને અમારે ત્યાં પગફેરાનો રિવાજ છે…ત્યાં પ્રણય ત્રિકોણનો ત્રીજો ખુણો સાગર…ચલ દરિયામેં ડુબ જાયે…ન કોઇ જનાજા ઉઠતા…! શાવરમાં રડવા સંભળાય ચાર્લી ચેપ્લિન -” મને વરસાદમા ચાલવુ ગમે છે કારણકે કોઈ પણ મારા આંસુ જોઈ ન શકે.’-અને નેહા અને આકાશ પ્રણયનું દાંભિક જીવનની સામાન્ય વાત અણગમતા સ્પર્શની યાદોના કાવ્યોની સરસ વર્ણન અને આગળ વધતી વાતમા સંતતિ અંગે આકાશની ખામી-નેહા- અવનીની વાતે વહેમ અને અંતે નેહા ઊંઘની ગોળીઓ હથેળીમાં લીધી.એક અઠવાડીયા સુધી રાહ જોવાની કે ૬૦ ગોળી ગળી ગયેલી કાજલ ઓઝા વૈદ્ય જેમ બચી ગઇ કે દબાકે કબ્રમેં ચલ દીયે ન દુઆ ન સલામ…

    Liked by 1 person

  2. slowly and nicely you have created REKHA CHITRA of Akash as a representative of cruel person and very ideally shown Neha as cultured woman who bears all blows from evil akash..and what now she will do next we are eagerrly awaiting–as sure will not take pills to end life so soon..

    Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s