પ્રાર્થનાને પત્ર-૧૧ (શ્રી ભાગ્યેશ જહા)

 પ્રિય પ્રાર્થના,

પ્રિય અનીશ..

મઝામાં હશો. અહીં ઉનાળાની શરુઆત થઈ ગઈ છે, સવારના પંખીઓના ગીત અને સવારના પવનને મનની પેટીમાં સાચવી રાખીએ તો જ ગરમીનો સામનો સહેલાઈથી થાય છે, અને હા! ગરમી પણ ક્યાં એક જ પ્રકારની હોય છે !.. છેલ્લ બે દિવસથી હું દક્ષિણ ગુજરાતના પ્રવાસે હતો. નવસારીમાં પહેલી મે- ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી કરવાની છે તો અંતરિયાળ આદિવાસી યુવાનોને વ્યાવસાયિક તાલીમ આપતી વાઘલધારા ગામની એક અદભુત સંસ્થાની પણ મુલાકાત લીધી. પરંતુ સૌથી સંતર્પક ઘટના તો શ્રી ભગવતીકુમાર શર્માને નર્મદ-ચંદ્રક આપવાના એક અત્યંત ગૌરવશીલ કાર્યક્રમની રહી, આ કાર્યક્રમમાં હું અતિથિવિશેષ હતો. ભગવતીકુમારને આ ચંદ્રક એમની આત્મકથા ‘સુરત મુજ ઘાયલ ભૂમિ’ માટે આપવામાં આવ્યો. મને લાગે છે કે અમરેલી જેમ રમેશ પારેખને પ્રેમ કરતું હતું તેવી જ રીતે સુરત ભગવતીભાઇને પ્રેમ કરી રહ્યું છે. આપણી ભાષાની આવી ઘટનાઓ મેટ્રો બની રહેલા શહેરોમાં વચ્ચે લહેરાતા બગીચાઓ જેવી લાગે છે.મારી સાથે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઉપ-કુલપતિ શ્રી દક્ષેશ ઠાકર પણ બોલ્યા. મેં ભગવતીભાઈની સુચનાનુસાર અડધું પ્રવચન સંસ્કૃતમાં કર્યું..

શ્રી ભગવતીકુમાર શર્માએ પોતાની વિશેષ શૈલીમાં પોતાની સાથે સાથે સુરતની કથા પણ આલેખી છે. એક કવિની સાથે સાથે એક મહાનગરના તાણાવાણા વણવાની આ સુરતસંહિતા છે. મને મઝા એટલા માટે આવી કે આખી કથાનું ભાષાકર્મ એટલું વિશેષ છે. ઇટાલિયન સાહિત્યકાર એમર્તો ઇકો એ  ‘ફન્કસન્સ ઑફ લિટરેચર’ના એના નિબંધમાં કહ્યું છે તેમ અહીં ભાષા સ્પર્શક્ષમ બને છે. ટેલીવીઝન અને યુટ્યુબના આ જમાનામાં આવી રીતે ભાષા પાસે ચિત્રો દોરી કામ લેવું તે મારી દ્રષ્ટિએ એક મહત્વની અને મોટી ઘટના છે. અહીં શબ્દોમાં ઇંટોનું કૌવત ભરેલું છે કારણ ભગવતીભાઈ એ વ્યક્તિ નહીં પણ ‘સુરતનું સત’ અને ‘તાપીનું તપ’ છે. ચાર્લ્સ ડીકંસ જ્યારે ન્યૂ-યોર્ક વિશે લખે છે કે સાર્ત્ર મેનહન્ટનને ‘ગ્રેટ અમેરિકન ડેઝર્ટ ‘ કહે છે ત્યારે એમની મનોભૂમિ એક કિનારાના કદરદાનની કે શબ્દસ્વામીના પ્રતિભાવંત પ્રતિભાવની ઉર્મિકથા છે જ્યારે ભગવતીભાઇની આ આત્મકથા એ એમના અને સુરતના ડીએનએનો દસ્તાવેજ છે. ઉત્ક્રાન્ત થતા નગરમાં રહેતા કવિની મનોચેતનાનો ચિત્કાર, અહોભાવ, સ્મૃતિજનિત રોમાંચ અને પ્રગતિના સીમેન્ટડંખ પણ પડઘાયા કરે છે. પાને પાને સોનીફળિયાની ટાંકણાની નાદસૃષ્ટિ કવિને કેવી રીતે ઘડે છે તેની એક નાજુક પ્રક્રિયા સમાંતરે ચાલ્યા કરે છે…

બીજું, ભગવતીકુમાર એક કવિ છે, સમર્થ ગઝલકાર છે પણ સાથેસાથે એક વર્તમાનપત્રના તંત્રી છે, તો સામવેદી બ્રાહ્મણકુળના સંસ્કારોથી એમનું ચિદાકાશ ઘટાટોપ ઢંકાયેલું છે. આ વ્યક્તિ ત્રિમૂર્તિ છે, અને અનામાં સુરત અને સુરતમાં એ એવી બેવડી સંસ્કાર-સંવાદની જુગલબંધી ચાલ્યા કરે છે, જે આ નવલકથાને ગુજરાતી ભાષાની અન્ય આત્મકથાઓથી એને જુદી પાડે છે. વ્યક્તિત્વમાં છલકતી આધ્યાત્મિકતા ‘સત્ય’ની, પત્રકારના ચિંતા-ચિંતનમાં પડઘાતી ‘શિવ’ની અને કાવ્ય-સાહિત્યની ઉર્મિસભરયાત્રામાં પમાતી ‘સુંદર’ની એક સુચારુ-પ્રવાહિતા તાપીનો આપણને સ્પર્શ થાય છે… મેં નર્મદે અને હવે આધુનિક યુગમાં સુરતને ક્યા કારણસર ‘ઘાયલ-ભૂમિ’ કહી છે તેનું મારું પોતાનું  અર્થઘટન પણ આપ્યું. નર્મદની લડાઇ જુદી હતી, ભગવતીકુમારની વેદના અલગ છે. ઘાયલભૂમિ એટલે જ્યાં કવિતાના અંકુર ફુટવાની ઘટનાથી ભૂમિ ઘાયલ થઈ છે. અને ઉત્ક્રાંતિની કે પ્રગતિની વેગવંતી દોંડમાં ઉભી થતી ઓળખ કટોકટીની ઘાવ-ભૂમિકા પણ ધ્વનિત થયા વિના રહેતી નથી. આવા વિરલ સાંસ્કૃતિક અને સંક્રાતિદર્શક સાહિત્યિક કૃતિ આપણી સામાજિક અને સાંસ્કૃતિક ચેતનાને ઢંઢોળવા અને એક અનોખા શબ્દોત્સવના પ્રદેશમાં આપણને જગાડે છે.. કો’ક દિવસ વાંચજો, કોઇ જુદા ટાપુ પરના વેકેશનની શબ્દહવાનો સ્પર્શ થશે…

શુભાશિષ..

ભાગ્યેશ.

*************************

પ્રિય પ્રાર્થના,

અને પ્રિય અનીશ….

મઝામાં હશે. ગ્લોરીયસ ગુજરાત માણીને આવ્યા પછી અમેરિકા ભુંસાતું જ નથી. જો કે મુ.પિયુષભાઇ, આપણા જ મુકુન્દભાઇ અને યુવાન એચઆર શાહ સાથે ગાળેલી ક્ષણો ભુલી શકાય તેવી નથી. ગુજરાત ટાઈમ્સના પ્રિય સ્વજન જેવા સુધીરભાઇ અને સુધાબેન સાથે શાંતિથી બેસાયું તેનો આનન્દ પણ અનોખો છે જ. સુધીરભાઇ એકદમ ડાઉન-ટુ-અર્થ વ્યક્તિત્વ ધરાવે છે. એમની સાથે અમેરિકાના અને ઇન્ડિયન-અમેરિકન્સના પ્રશ્નોની સમજ છે, એક ઇન-સાઈટ છે. આવી વ્યક્તિઓ સાથે થતી વાતચીત જ ગુજરાતની આવતીકાલ ઘડવામાં અગત્યનો ફાળો ભજવી શકે એમ છે. અમે વાઈબ્રન્ટ ગુજરાતની સફળતામાં અથવા પાયામાં આપણા ગુજરાતી ભાઈ-બહેનોના કમીટમેન્ટને રોપ્યા છે. તેજસ્વી લોકો, અગાધ અનુભવ, ધસમસતો દેશપ્રેમ અને ઉડીને આંખે વળગે તેવી સાદગી. આપણા નારદીપુરના મારા મિત્ર વીપી કે ડીપી કે પોપટલાલ પટેલની કેસ સ્ટડીઝ કરવી જોઇએ. આશા રાખું તું તારા આ અનુભવોને એક એકેડેમિક એન્ગલથી જોવાનું શીખજે. અઢળક ડહાપણ ભર્યું છે આપણા આ દેશી વીરલાઓમાં, તેમની કહાની એક હરતી ફરતી યુનિવર્સીટી જેવી હોય છે. જે લોકો થોડું કમાયા છે અને પોતાના કે પોતાના કુટુમ્બ માટે કશું કર્યું છે તે તો એક કેટેગરી છે પણ ગરીબી અને સંઘર્ષ વેઠી પરિવાર ઉપરાંત પોતાના વતનથી આવેલા સમાજ માટે જેમણે જેમણે મહેનત કરી છે તેમની ભાવનાના અને ‘શિક્ષણના ડીએનએ’ને સમજવો જોઇશે.

મેં જ્યારે ‘ગુજરાતીપણું … શીખવે ઘણું’  એવા વિષય પર વિચાર શરુ કર્યો ત્યારે આ બધા મિત્રો/વડીલોએ પુરા  પાડેલા નેતૃત્વનું મુલ્યાંકન નવેસરથી કરવું જોઇએ એવું મને લાગ્યું છે.

વિચાર કરો, ઓગણીસો પાંસઠમાં જે લોકો આવ્યા અને ત્યારબાદ પ્રોફેશનલ અને વ્યાપાર કે રોજગારી માટે આવેલા ગુજરાતીઓએ કેવા પ્રકારના સંઘર્ષ વેઠ્યા છે અને કેવી કેવી સફળતા પ્રાપ્ત કરી છે. તો બીજી બાજું સામાજિક ક્ષેત્રે કેવા પરિવર્તનો આવ્યા છે. જુમ્પા લહેરીએ ઇન્ડીયન અમેરિકન્સની માનસિકતા ઉપર ઘણું લખ્યું છે, હમણાં સલમાન રશ્દીએ લખેલી નવલકથા એક તદ્દન નવો જ આયામ રજું કરે છે. એક મોટા કેન્વાસનો આપણે અભ્યાસ કરવો જોઇએ. એક વિશાળ ફલક પર ફેલાતા જતા ભારતની ધડકનને પમાવી જોઇએ. વિદેશની ધરતી પર સુગન્ધીદાર ગુલાબવાટિકા જેવા ગુજરાતી સમાજના હર્ષ-અને-આંસુને શબ્દાવવા પડશે. હું જય જય ગરવી ગુજરાત ગાનારો કવિ છું, મારી છાતીમાં ડૂમો કે હરખ એ સમુદ્રોની ખારાશ ઓળંગીને આવેલી લાગણીનો દસ્તાવેજ છે. એટલે મારે એનો તરજુમો કરવો છે. મારે એના મુળને  અને એના કૂળને ઓળખીને આપણી બદલાતી સંસ્કૃતિને વ્યાખ્યાયિત કરવી છે.મારા પગમાં સાબરમતીની ધૂળ છે, છાતીમાં રેવાના પડઘમ છે, મહીસાગરનો મહિમા ગાવા ગળામાં એક ઉત્કંઠા છે. હું ગિરનારની કો’ક કંદરામાં ફરકંતો નરસિંહનો શાશ્વત અવાજ છું, મારી ભાષાના મોજા પહેરીને હું જગતના ઓપરેશન થિયેટરમાં પ્રવેશ્યો છું, ભારતની ધરતી ઓળંગતી દરેક ફ્લાઈટમાં બેઠેલા કોઇ નવયુવાનના સ્વપ્નની ભાષાનો ભભકો, ભણક, ભય અને ભાગ્યોદય ભાખનારી આંખો લઈને ઉભો છું, અરબીસમુદ્રના એક ખુણે…

બેટા, હું નહીં લખાયેલી કવિતાની પંક્તિ છું, સુક્કા ગયેલા ચોમાસાનું ચાતક છું, બેહજારપંદરની મારી અમેરિકાની મુલાકાતે મને નવી દ્રષ્ટિ આપી છે. જોઇએ, આવતા દિવસોમાં એ કેવી કેડી કંડારે છે…

ખુબ ખુબ શુભાશિષ,

ભાગ્યેશ.

1 thought on “પ્રાર્થનાને પત્ર-૧૧ (શ્રી ભાગ્યેશ જહા)

  1. અમારા આ ભગવતીકુમાર શર્માની યાદ આપતા યાદ… પ્રણામ શત મૃત્યુ હે! ઋણસ્વીકાર તારો કરું;મને પ્રબળ પ્રેમની પ્રતીતિ પ્રાપ્ત તારા થકી! ઘણામા અનુભવેલી વાત-સાથે રહેતાં હોઈએ ત્યારે હૈયામાં બીજા પાત્ર માટે કેટલો પ્રેમ છે એનો ખ્યાલ જ આવતો નથી. રેલવેના પાટાની જેમ સફર ચાલ્યા કરતી હોય એવામાં મૃત્યુનો ઘાતકી હાથ ત્રાટકે અને પેલી ગુપ્ત રહેલી ગંગા પૂરજોશથી પ્રગટ થાય છે એ વાતનો અહેસાસ થાય છે. અને અમારા મનની વાત-‘મેં જ્યારે ‘ગુજરાતીપણું … શીખવે ઘણું’ એવા વિષય પર વિચાર શરુ કર્યો ત્યારે આ બધા મિત્રો/વડીલોએ પુરા પાડેલા નેતૃત્વનું મુલ્યાંકન નવેસરથી કરવું જોઇએ એવું મને લાગ્યું છે.’

    આ ભાગ્યેશજી- ‘ દરેક ફ્લાઈટમાં બેઠેલા કોઇ નવયુવાનના સ્વપ્નની ભાષાનો ભભકો, ભણક, ભય અને ભાગ્યોદય ભાખનારી આંખો લઈને ઉભો છું, અરબીસમુદ્રના એક ખુણે…’ વાતનું વધુ રસદર્શન કરાવતા રહેશોજી

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s