મને હજી યાદ છે-૬૧ (બાબુ સુથાર)-મારા સામાજિક માણસ બનવાના પ્રયોગો:


મારા સામાજિક માણસ બનવાના પ્રયોગો: (સુચી વ્યાસ ઍન્ડ ફૅમિલી વાયા મધુ રાય)

 

ભણતો હતો ત્યારે મારી પાસે સામાજિક સંબંધો રાખવાનો સમય ન હતો. રેખા પણ એટલી બધી કામમાં રહેતી હતી કે એની પાસે પણ સામાજિક સંબંધો રાખવાનો સમય ન હતો. હેતુ પહેલેથી જ એકલમૂડિયો હતો. એને શાળાના મિત્રોને બાદ કરતાં બીજા કોઈ મિત્રો ન હતા. એ પણ મારી જેમ નિશાળેથી ઘેર આવી કાં તો હોમવર્ક કરતો કાં તો વાંચવા બેસી જતો. એ ત્યારે પુષ્કળ વાંચતો હતો.

 એને કારણે મેં થોડા ‘ઓળખીતા’ બનાવેલા પણ ‘મિત્રો’ ન’તા બનાવ્યા. એ વખતે જો મિત્રોમાં કોઈકને ઘણો તો એક મધુ રાય અને બીજાં પન્ના નાયક. મધુ રાયને તો હું એક મહાન લેખક તરીકે જોતો હતો. એટલે એમની સાથેની મારી મૈત્રી જરા જુદા પ્રકારની હતી. પણ પન્નાબેન અને હું સાથે એક જ સંસ્થામાં કામ કરતાં હતાં. શરૂઆતમાં અમે ઝાઝું મળતાં ન હતાં. પણ પાછળથી અમે અવારનવાર મળતાં. દિવાળીના દિવસે અમે પન્નાબેનને અચૂક આમંત્રણ આપતાં. રેખા પુરણપોળી બનાવતી. પન્નાબેન પુરણપોરીનાં રસિયાં. આજે પણ, આટલાં વરસો પછી, હું અને પન્નાબેન બેસતા વરસ પછી એકબીજાને નૂતન વર્ષાભિનંદન કરીએ ત્યારે પન્નાબેન પુરણપોરીના એ દિવસો યાદ કરતાં હોય છે.

 સામાજિક સંબંધો ન રાખવા માટે એક બીજું કારણ પણ હતું. ત્યારે હું શહેરમાં રહેતો હતો. યુનિવર્સિટીની નજીક. શહેરમાં રહેતા માણસોના સામાજિક સંબંધો પર શહેરની સંરચનાનો પ્રભાવ પડ્યા વગર ન રહે. જેમ કે, શહેરમાં પાર્કિંગ સરળતાથી ન મળે અને એને કારણે આપણી મુલાકાત લેવા આવનારા મિત્રોમાં પણ ખાસો એવો ઘટાડો થઈ જાય. એ જ રીતે, શહેરની ડ્રાઈવિંગ પરિસ્થિતિ પણ જરા જુદા પ્રકારની હોય છે. ચાર બ્લોક દૂર જવું હોય તો ચાર રેડ લાઈટ ઓળંગવાં પડે. એને કારણે સમય વધારે જાય. ડ્રાઈવિંગ સમય કરતાં મળવાનો સમય ઓછો બની જાય એવું પણ ક્યારેક બને.

જો કે, મને તો આ એકાકીપણું ખૂબ ફાવી ગયું હતું. એનાથી મને વાંચવાનો, વિચારવાનો પૂરતો સમય મળતો હતો. હું ઘણી વાર વિચારતો કે મિત્રો બનાવવા એના કરતાં બેત્રણ પુસ્તકોની દુકાનોએ જવું વધારે સારું. એટલે હું સમય મળ્યે કે તરત જ પુસ્તકોની દુકાને જતો. અથવા તો પુસ્તકાલયમાં જતો. યુનિવર્સિટીનું પુસ્તકાલય સાચે જ અજોડ હતું. તો પણ હું ડ્રેક્સલ યુનિવર્સિટી, ટેમ્પલ યુનિવર્સિટી અને જાહેર પુસ્તકાલયોનો પણ સભ્ય બની ગયેલો. મારે જે પુસ્તક જોઈતું હોય એ એક પુસ્તકાલયમાં ન હોય તો બીજા પુસ્તકાલયમાંથી મળી રહેતું.

જો કે, હવે રેખાને સામાજિક સંબંધો વગર એકલું લાગતું હતું. હું એને લઈને ક્યારેક મંદિરે જતો. પણ ત્યાં જવા માટે અમારે એક ટ્રોલી, એક ટ્રેઈન અને એક બસ લેવી પડતી. હેતુને મંદિરોમાં રસ ન હતો. તો પણ એ આજ્ઞાંકિત સંતાનની જેમ અમારી સાથે આવતો ને માથું નમાવતો. ક્યારેક વાસુ અમને મંદિરે લઈ જતો. એની પાસે વૅન હતી. એટલે અમને અગવડ ન’તી પડતી. એ એક વાર અમને નાયગરા પણ લઈ ગયેલો. જો કે, હવે એ પણ અમારાથી દૂર રહેવા ચાલ્યો ગયેલો. વળી, એનાં પત્નીને ગુજરાતીઓને બદલે દક્ષિણ ભારતના લોકો સાથે સંબંધ રાખવાનું વધારે ગમતું હતું.

કેટલાક ઓળખીતા ગુજરાતીઓ મને મળતા ત્યારે એ લોકો મને સલાહ આપતા કે મારે મારા છોકરાના ભાવિ માટે પણ સામાજિક સંબંધો બાંધવા જોઈએ. એમની એ સલાહ તદ્દન અવગણવા જેવી પણ ન હતી. પણ અમારા પર ઘણાં બધાં સંરચનામૂલક નિયંત્રણો હતાં. એ નિયંત્રણોનું દબાણ ઓછું કરવાનું કામ મારા માટે મુશ્કેલ હતું. એ માટે મારે સૌ પહેલાં તો કાર ડ્રાયવિંગ શીખવું પડે. પછી કાર ખરીદવી પડે. અને ત્યાર બાદ મારે જ્યાં ગુજરાતીઓની કે ભારતીયોની વસ્તી વધારે હોય એવા વિસ્તારમાં રહેવા જવું પડે. આ ત્રણેય કામ માટે મારે વધારે કમાણી કરવી પડે. જો કે, મને બીજો પણ ભય હતો. ગુજરાતી અને ભારતીય સમુદાય પણ જ્યારે મળે ત્યારે એકબીજાના ફોન, એકબીજાની ગાડીઓ, એકબીજાનાં ઘરેણાં, એકબીજાનાં ઘર વગેરેની તુલના કર્યા વગર ન રહે. અમારા એકબે ઓળખીતા બ્રાન્ડ નામ વાપર્યા વગર વાત જ ન’તા કરી શકતા. બાપ કહે કે મારી હોન્ડા ક્યાં મૂકી છે ને દીકરો કહે કે ટોયેટાની પાસે જ અને મા કહે મારી નિશાનને ઓઈલ પુરાવવાનું છે. અમે તો આ સંવાદ જોતા જ રહી જઈએ. એક વાર એક ગુજરાતી કુટુંબ સાથે હું કારમાં બેસીને આવતો હતો ત્યારે એ કારના ગુજરાતી માલિકે રસ્તે જતી આવતી દરેક કારની બ્રાન્ડની વિશેષતાઓ મને સમજાવેલી. મારું માથું પાકી ગયેલું. મને થયેલું કે લાવ, હું પણ આ માણસ સાથે ધ્વનિઘટક, રૂપઘટક, વાક્યતંત્ર જેવા વિષયની વાતો કરું. પણ મારે અવિનયી ન’તું બનવું.

 સામાજિક સંબંધો ન બાંધવા પાછળ એક બીજું પણ કારણ હતું. કોણ જાણે કેમ મને હજી એવી આશા હતી કે કોઈક મને ભારત પાછું બોલાવશે અને હું મારી પાસે જે કંઈ બચત છે એ લઈને પાછો ભારત જતો રહીશ. ત્યાં જઈને ભણીશ. ભણાવીશ. પણ એવું ન બન્યું.

ફિલાડેલ્ફિયાના પરા વિસ્તારમાં રહેતા દેવેન્દ્ર પીર ત્યારે અવારનવાર સાહિત્યિક કાર્યક્રમો કરતા. હું જ્યાં કામ કરતો હતો એ દક્ષિણ એશિયા વિભાગના રીચાર્ડ કોહન સાથે એમને મૈત્રી. કોહન, મેં અગાઉ કહ્યું છે એમ, મારા નિકટના મિત્ર. એમણે જૈન ધર્મમાં પીએચ.ડી. કરેલું. દેવેન્દ્રભાઈ જૈન હતા. એ જૈન ધર્મના અભ્યાસ માટે કંઈક કરવા તૈયાર હતા. સામે છેડે કોહન ગુજરાતી અભ્યાસ મજબૂત બનાવવા માગતા હતા. એ માટે પણ એ પીર સાથે સંબંધ રાખતા હતા. કોહન માનતા હતા કે ગુજરાતી ભાષાના અભ્યાસને મજબૂત બનાવ્યા વિના જૈન ધર્મનો અભ્યાસ મજબૂત ન બને. કોહનને એમ હતું કે એક દિવસ પીર ગુજરાતી પ્રોગ્રામ માટે યુનિવર્સિટીને કોઈક દાન આપશે. પીર એમના ત્યાં કોઈક સાહિત્યિક કાર્યક્રમ હોય ત્યારે મોટે ભાગે તો મને પણ આમંત્રણ આપતા. એમનું ઘર મારે ત્યાંથી દૂર હતું. હું ટ્રેઈનમાં ત્યાં જતો. એમના ઘરની નજીકમાં આવેલા સ્ટેશને ઉતરતો. પછી મને કોઈક લેવા આવે એની રાહ જોતો. પીર મને લેવા માટે કોઈકને મોકલતા અથવા તો લેવા આવતા.

એક વાર રેખા અને હેતુ પણ એવા જ કોઈક કાર્યક્રમમાં પીરના ત્યાં આવેલાં. ત્યાં રેખા સુચી વ્યાસને (હવે પછી ‘સુચીબેન’) મળેલી. સુચીબેને રેખાને કહેલું કે તમે આટલાં વરસોથી ફિલાડેલ્ફિયામાં છો પણ અમને ખબર જ નથી. એ પન્નાબેન ઉપર પણ જરા અકળાયેલાં. એમણે કહેલું કે પનુડીએ અમને કદી તમારા વિશે વાત કરી જ નથી. સુચીબેન પન્નાબેનને લાડમાં ‘પનુડી’ કહેતાં. હજી પણ કહે છે. એમણે રેખા પાસેથી અમારું સરનામું લઈ લીધું અને કહ્યું કે હું પણ તમારા ઘરની નજીકમાં જ એક ઑફિસમાં કામ કરું છું. તમારે ગમે ત્યારે ક્યાંક જવું હોય કે કંઈક કામ હોય તો મને ફોન કરી દેવાનો. હું તમને લઈ જઈશ.

સુચીબેન જ્યારે ‘તમારા ઘરની નજીક’ એમ કહે ત્યારે હું એનો એક અર્થ કરું ને સુચીબેન એનો બીજો અર્થ કરે. મારા માટે એ અંતર બેત્રણ માઈલનું હોય ને સુચીબેન માટે એ અંતર વીસ પચ્ચીસ માઈલનું પણ હોય. રેખાએ સુચીબેનનો નંબર લઈ રાખેલો. પછી ઘેર આવીને એણે મને કહેલું: મને સુચીબેન નામનાં એક બહેન મળી ગયાં આજે. એમણે કહ્યું છે કે તમારે જ્યારે પણ ગ્રોસરી કે એવા કામ માટે બહાર જવું હોય ત્યારે મને ફોન કરજો. હું તમને લઈ જઈશ.” મેં રેખાને કહેલું, “ગુજરાતીઓના આટલા બધા ખરાબ અનુભવ થયા છે તોય તને ધરાવું આવ્યું હોય એમ લાગતું નથી. મારી વાત સમજ. ગુજરાતીઓનો ભરોસો ન કર. એ લોકો સારું લગાડવા બોલે ને પછી કંઈ કરે નહીં.” કોણ જાણે કેમ રેખાને એમ લાગતું હતું કે સુચીબેનની ઑફરમાં ક્યાંક કશાક પ્રકારની પ્રમાણિકતા હતી.

સુચીબેન અને એમના પતિ ગિરીશભાઈ ફિલાડેલ્ફિયાના પરા વિસ્તારમાં, ઉત્તર-પૂર્વ ફિલાડેલ્ફિયામાં રહેતા હતા. અત્યારે પણ એ ત્યાં જ રહે છે. એ પહેલાં એ ડેટ્રોઈટ રહેતાં હતાં. આતિથ્યસત્કાર માટે સુચીબેનનું કુટુમ્બ ખૂબ જાણીતું છે. એ ન હોય તો પણ એમના ઘેર મહેમાનો રહી શકતા. એમને ન મળ્યા હોય એવા પણ. કોઈ ફોન કરે ને કહે કે મારે રહેવાની સગવડ જોઈએ છે. તો સુચીબેન એને કહી દે કે ફલાણા ઠેકાણે ઘરની ચાવી છે. જાઓ. લઈ આવો અને રહો. એ અત્યારે એમના મહેમાનો પર જ એક પુસ્તક લખી રહ્યાં છે.

એ દરમિયાન એક દિવસે મારે ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકાના કોઈક કાર્યક્રમમાં ન્યૂ જર્સી જવાનું થયું. આ અકાદમીના પ્રમુખ રામભાઈ ગઢવીને મારા માટે આદર. એ મને ક્યારેક અકાદમીના કાર્યક્રમમાં બોલાવતા. હું પણ ટ્રેઈન લઈને કાર્યક્રમના નજીક સ્ટેશને પહોંચી જતો ને ત્યાંથી કોઈક મને કાર્યક્રમના સ્થળે લઈ જતું. ઘણી વાર રામભાઈ કોઈ ફિલાડેલ્ફિયા આવતું હોય તો એને મારા વતી વિનંતી કરતા ને કહેતા કે બાબુભાઈને એમના ઘેર મૂકી આવો તો સારું. જે કોઈ એમની વિનંતી સાથે સંમત થતું એને હું કહેતો કે તમે મને મારા ઘરની નજીકના જ કોઈક ટ્રેઈન સ્ટેશન પર ઉતારી દેશો તો ચાલશે. હું કોઈને તકલીફ આપવા માગતો ન હતો.

જ્યારે અકાદમીનો કાર્યક્રમ પૂરો થયો ત્યારે રામભાઈએ મધુ રાયને કહ્યું: “તમે ફિલાડેલ્ફીયા જાઓ છો તો બાબુભાઈને સાથે લેતા જાઓ. એ કહે ત્યાં એમને ઉતારી દેજો.” મને સંકોચ થતો હતો. હું મધુ રાયને ત્યારે વડીલ મિત્ર કરતાં સાહિત્ય કાર તરીકે વધારે જોતો હતો. મને મધુ રાય મૂકવા આવે એમાં મધુ રાયનું અપમાન લાગતું હતું. તો પણ મધુ રાય રામભાઈ સાથે સંમત થયા. રાતના લગભગ સાડા આઠ વાગે અકાદમીનો કાર્યક્રમ પૂરો થયો ને હું મધુ રાય સાથે ફિલાડેલ્ફિયા આવવા એમની કારમાં બેસી ગયો. એ વખતે વરસાદ પણ બરાબર વરસૌ રહ્યો હતો. અમેરિકાના પૂર્વકાંઠે વરસતો વરસાદ સાચે જ અનુભવવા જેવો હોય છે. એ વરસાદ સદાકાળ યુવાન જ હોય છે. માતેલા સાંઢ જેવો. ક્યારેક ટાઢો પડે. એ પણ એની મરજી હોય તો. એ કદી વૃદ્ધ થતો નથી. એ ભાગ્યે જ ઝરમર ઝરમર વરસે. એના પ્રભાવ હેઠળ છત્રીઓ કાગડો થાય એ પહેલાં જ એમનાં પીંછાં ખરી પડે. હું ૧૯૯૭માં ફિલાડેલ્ફિયા આવ્યો ત્યારે છત્રી રાખતો હતો. પછી બે ચાર અઠાવડિયાંમાં જ ચાર પાંચ છત્રીઓનાં પીંછાં ખરી પડ્યાં ત્યાર બાદ મેં વરસાદના માનમાં છત્રીઓ ખરીદવાનું બંધ કરી દીધેલું. હજી પણ હું છત્રી નથી વાપરતો.

મધુ રાયની કારો અને મધુ રાયનાં કૉમ્પ્પુટરો અને મધુ રાયના ટીવી વગેરે પર મારે એક નાનકડી પુસ્તિકા લખવી પડશે. કેમ કે મધુ રાય ટેકનોલોજીકલ વસ્તુઓ સાથે પણ માણસ સાથે વર્તતા હોય એવો વ્યવહાર કરતા હોય છે. મારા મિત્ર વાસુ પણ આવું કરતા. એ કૉમ્પ્યુટર પર બેઠા હોય અને કોઈક પ્રોગ્રામ પર ક્લિક કરે અને જો એ પ્રોગ્રામ મહાશયને હાજર થતાં વાર લાગી જાય તો વાસુભાઈ માથે હાથ મૂકીને બોલતા: go go go go go. જાણે કે કોઈ ભૂવો ભૂતને બોલાવતો ન હોય! મેં મધુ રાયને ઘણી વાર એમના લેપટોપ સાથે ‘વાત કરતા’ જોયા છે. મને નામ યાદ નથી આવતું પણ એક ફિલસૂફે એક સરસ વાત કરી છે. એ કહે છે કે લોકો હવે ટેકનોલોજી સાથે માણસ સાથે કરતા હોય એવો વ્યવહાર કરતા હોય છે. લેપટોપ બરાબર ન ચાલે, અથવા તો ધીમું ચાલે ત્યારે એના પર ગુસ્સે થનારા ઠેર ઠેર છે. જાણે કે એ કોઈ જીવતી વ્યક્તિ ન હોય!

મધુ રાયની કાર જોઈને મને પન્નાબેનની કાર યાદ આવી ગયેલી. પન્નાબેનની કાર નવોઢા જેવી. એ જોતાં જ આપણને ગાવાનું મન થઈ જાય: કોણે રે વહોરેલું આ લહેરિયું રે. મધુ રાયની કાર? એમાં એમનું અરધું ઘર ભરેલું હોય. મધુ રાય ઓડિયો પુસ્તકો સાંભળતા. કારમાં એવાં પુસ્તકોની અનેક કેસેટો. કોઈ અહીં કોઈ ત્યાં. કોઈ ગાદી પર, કોઈ ગાદી નીચે. કારમાં એમનાં વસ્ત્રો પણ હોય. મોટા ભાગનાં ઈસ્ત્રી ટાઈટ. એ જોઈને મને ઇસપનો કાચબો યાદ આવી ગયેલો. એમાં ઈસપે કાચબાને કાયમ એનું ઘર સાથે લઈને ફરતો ચીતર્યો છે. મધુ રાય જ્યાં જાય ત્યાં એમની કાર એમનું અર્ધું ઘર બની જાય. મોટા ભાગના અમેરિકનોના જીવનમાં આવું બનતું હોય છે. જો કે, એ ઘરમાં ખાલી વસ્તુઓ જ રહે. મધુ રાય પોતે નહીં.

કોઈક સાહિત્યકારનાં લખાણો વાંચીએ ત્યારે આપણને એક પ્રકારનો અનુભવ થાય અને એ જ સાહિત્યકારની સાથે એક જ કારમાં પ્રવાસ કરીએ ત્યારે પણ આપણને બીજા જ પ્રકારનો અનુભવ થાય. એ વખતે આપણે પેલા સાહિત્યકાર સાથે વાતો કરવાનો પ્રયાસ કરીએ ને સાહિત્યકાર સરેરાશ માણસની જેમ આપણી સાથે વાત કરવા લાગે ત્યારે આપણને કશું સમજાય નહીં. આપણે અભિભૂત થઈને એમને સાંભળ્યા કરીએ. જ્યારે પણ આવું થાય ત્યારે બન્નેની વચ્ચે એક પ્રકારનો અવકાશ પણ ઊભો થાય. મને પણ એવો અનુભવ થયેલો. પણ મધુ રાયે એ અવકાશને થોડી વારમાં જ ભૂંસી નાખેલો. એ પણ એમની રમૂજવૃત્તિ વડે. હું આજે આટલાં વરસો પછી એમ કહી શકું કે મધુ રાય અને મારી વચ્ચેની મૈત્રીના પાયા અમે એકસાથે એમની કારમાં પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે નંખાયેલા.

અમે ફિલાડેલ્ફિયાથી થોડેક દૂર હોઈશું ત્યાં જ મધુ રાયે મને કહ્યું, “પંડિતજી, તમને વાંધો ન હોય તો આપણે અમારા એક મિત્રના ઘેર જઈશું?” મધુ રાય મને ‘પંડિતજી’ કહે ત્યારે એનો અર્થ જોડણીકોશ પ્રમાણે ન કરવો એમ હું માનું છું. પછી એમણે સુચીબેન અને ગીરીશભાઈનું નામ આપ્યું. મેં કહ્યું કે મેં એમનું નામ રેખા પાસેથી સાંભળ્યું છે. પણ, તમને લાગે છે કે આપણે અત્યારે રાતના દસ વાગે કોઈના ઘેર જઈ શકીએ? વળી મેં તો એમને એકબે વાર કાર્યક્રમોમાં જોયાં છે. મારે એમની સાથે કોઈ સંબંધ નથી. તો મધુ રાય કહે: સુચીબેનના ત્યાં ગમે ત્યારે જઈ શકાય. એ બહુ દિલદાર છે. એમણે ગિરીશભાઈના પણ એટલા જ વખાણ કર્યા. આખરે હું એમની સાથે સંમત થયો.

રાતે લગભગ સવા દસ વાગે, ચશ્મા પહેરેલા હોય તો સામેનો માણસ હોય એના કરતાં ચાર ગણો વધારે કદાવર લાગે એવા વરસતા વરસાદમાં, અમે સુચીબેનના ત્યાં પહોંચ્યા. હું સંકોચ સાથે મધુ રાયની પાછળ પાછળ સુચીબેનના ઘરમાં પ્રવેશ્યો. મને થયેલું: હું ક્યાં આ મધુ રાય સાથે ઘેર પાછો આવવા સંમત થયો. જો ન થયો હોત તો મારે કોઈ ગુજરાતીના ઘેર જવું ન પડત. હવે આ લોકો મારો પગાર પૂછશે. મારા ઇમિગ્રેશન સ્ટેટસ વિષે પૂછશે. એ વિશે જાણીને એ લોકો મારા પર દયા ખાશે. હું મારી નજર સમક્ષ એમની દયાનો પદાર્થ બની જઈશ. હું જ્યારે પણ કોઈ અજાણ્યા ગુજરાતીના ઘેર જાઉં ત્યારે મને સુરેશ જોષીની ‘એક મુલાકાત’ વાર્તાનો નાયક યાદ આવી જતો હોય છે. સામે દર્પણ ન હોય તો પણ હું સંકોચાઈ જતો હોઉં છું. મને લાગતું હોય છે કે મારા ઢીંચણ વાંકા વળીને હમણાં જ મારા પેટમાં પાછા જતા રહેશે.

પણ સદ્‌નસીબે, એવું ન બન્યું. સુચીબેન અને ગિરીશભાઈએ એટલા વહાલથી (અ)મને આવકાર્યા કે એ દિવસે મારી અમેરિકામાં વસતા ગુજરાતીઓ વિશેની સમજમાં એક નાનકડું ગાબડું પડી ગયું. મને થયું: બધા ગુજરાતીઓ એક સરખા નથી હોતા. પછી મને ખબર પડી કે સુચીબેન ગાંધીજીના હરિજન સેલનું નેતૃત્ત્વ લેનાર છગનલાલ જોશીનાં દીકરી છે. ગાંધીજી સાથે સંબંધ ધરાવતા કોઈ પણ માણસ માટે મને પ્રેમ ઉભરાઈ આવે. સુચીબેન અને ગિરીશભાઈના ત્યાં પણ એવું જ બન્યું. ગિરીશભાઈએ બિઅરની ઑફર કરી. હું સંકોચ સાથે સંમત થયો ને જોત જોતામાં જ ચાર મનેખે ડોલે જતો ડાયરો… બધા જવના જોરે રાતામાતા…

એ રાતે અમેરિકામાં મેં કદાચ પહેલી વાર બિઅર પીધેલો. હું મોટે ભાગે મારા પૈસે બિઅરફિયર પીતો નથી. અમેરિકામાં અત્યાર સુધીમાં મેં મદ્ય પાછળ બધા મળીને દોઢસો ડૉલર ખર્ચ્યા હશે. અમારો ડાયરો બારેક વાગ્યા સુધી ચાલ્યો હશે. પછી ત્રણેય જણ મને મારા ઘેર મૂકવા આવેલાં. સુચીબેનના ઘેરથી હું લગભગ પંદરેક માઈલ દૂર રહેતો હતો. ઘર આવતાં જ સુચીબેને કહેલું: બાબુભાઈ, કોઈ પણ જરૂર હોય મને કહેજો. સહેજ પણ સંકોચ ન રાખતા. મેં રેખાબેનને નંબર આપેલો જ છે.

ત્યાર પછી સુચીબેન, એમનાં કુટુંબીજનો, એમના મિત્રો, સુચીબહેનનનાં સગાંવહાલાં વગેરે સાથે અમારી ઓળખાણ વધતી ગઈ ને જોતજોતામાં ફિલાડેલ્ફિયામાં રહેતાં કેટલાંક ગુજરાતી કુટુમ્બો સાથે મૈત્રી થઈ ગઈ. એમાં એક દોશી કુટુંબનો પણ સમાવેશ થતો હતો. આ દોશી કુટુંબ વિશે હું ક્યારેક વિગતે લખીશ. કેમ કે મારા ફિલાડેલ્ફિયાના દિવસો દરમિયાન એ કુટુમ્બે પણ અમને ઘણો સધિયારો આપ્યો છે.

મેં ઘરમાં પહોંચતાની સાથે જ રેખાને કહ્યું: સુચીબેન આમ તો સારાં માણસ લાગે છે. તને કોઈ જરૂર હોય તો તું એમને ફોન કરજે.

આજે હું સુચીબેનના કુટુમ્બનો એક સભ્ય બની ગયો છું. સુચીબેન અને ગીરીશભાઈ જાહેરમાં એમ કહી શકે છે કે બાબુભાઈ અમારા દીકરા જેવા છે. એટલું જ નહીં, સુચીબેને એમની ભત્રીજીઓને અમારી એટલી બધી વાતો કરેલી કે જ્યારે અમે એમને પહેલી વાર મળ્યાં ત્યારે એમણે સુચીબેનને એમની પાસેથી ખૂંચવી લેવાની ફરીયાદ કરેલી. એ પણ કાન ફાટી જાય એટલા જોરથી. પછી તો મધુ રાય પણ ક્યારેક, અલબત્ત મજાકમાં, સુચીબેનને કહેતા કે તમને બાબુડિયો વહાલો. અમે નહીં. મારે સુચીબેનના ત્યાં જમવાનું હોય તો સુચીબેન મને પૂછે: તમે શું ખાશો? હું સુચીબેનને ચોખ્ખું કહી દઉં કે ફ્રોઝન કશું ન જોઈએ. એના બદલે બાફેલા મગ ચાલશે. મધુ રાયને એ ક્યારેક જ પૂછે. એટલે મધુ રાય ખોટેખોટા ઇર્ષ્યા કર્યા કરે.

સુચીબેન અને એમના કુટુંબ સાથેના સંબંધો પર એક અલગ પુસ્તક લખી શકાય. ક્યારેક એવો પ્રયાસ પણ કરીશ. એવું જ મધુ રાય સાથેના સંબંધોનું પણ.

પણ હું હવે ધીમે ધીમે માણસ સામાજિક પ્રાણી હોવાની વાતને સમર્થન આપતો હોઉં એમ સામાજિક બનવા માંડેલો. જો કે, એમાં પણ હું સાવચેતી તો રાખતો જ હતો. મારો વાંચવા લખવાનો સમય ખોરંભે ન પડે એની પણ હું કાળજી રાખતો હતો.

પણ આ સામાજિક પ્રાણી બનવાના એક ભાગ રૂપે મારે હવે ડ્રાઈવિંગ શીખવાનું હતું. કાર લેવાની હતી. અને હા, શહેરમાંથી નીકળીને બીજે, અર્થાત્ પરા વિસ્તારમાં રહેવા જવાનું હતું. રેખા એ બધું કામ કરવા માટે મારા પર દબાણ લાવી રહી હતી. એ કહેતી: હવે એચ-૧ વિઝા આવી ગયા છે. હવે શું ચિન્તા છે તને?

મેં કહેલું: પણ ગ્રીન કાર્ડ આવે પછી વિચારીએ…

4 thoughts on “મને હજી યાદ છે-૬૧ (બાબુ સુથાર)-મારા સામાજિક માણસ બનવાના પ્રયોગો:

 1. માહિતી સભર મઝાની વાત
  વેઢમી કહો કે ગળી રોટલી કે પુરણપોરી હવે ઉપવાસમા પણ માણી શકો તેવી આ રીતે બનાવશોજી ૧ ચમચી ઘી કડાઈ માં લઇ ગરમ લેવું, તેમાં ૪ થી ૫ નંગ બાફેલા બટાકા નો માવો નાખવો, બુરું ખાંડ ૧૨૫ ગ્રામ નાખવી , ૨ ચમચી એલચી પાવડર, અડધી ચમચી જાયફળ પાવડર, ૨ ચમચી ખસ ખસ નાખવી, ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવવું , ઠંડુ પાડવું દોઢ કપ રાજગરા નો લોટ, તેમાં ૨ ચમચી શિંગોડા નો લોટ નાખી પાણી થી બાંધવો, નાના લુવા કરવા . આરા લોટ અથવા રાજગરા ના લોટ નું અટામણ લઇ એક લુવો વણવો . અને તેના પર ઉપર નું પુરણ ૧ ચમચી મૂકી કચોરી જેવું બંધુ કરી ફરીથી સહેજ વણવું અને નોન સ્ટીક પર ઘી થી શેકી ગરમ ગરમ આરોગો..
  માફ કરજો એકાકીપણુંના કારણો ન ગમ્યા .મંદિરોના શાંતીદાયક વાતાવરણ ઉપરાંત પ્રસાદમા યાદ કરતા પ્રસાદે સર્વ દુ:ખાનાં હાનિરસ્યોપજાયતે પ્રસન્નચેતસો હ્યાશુ બુધ્ધિ:પર્યવતિષ્ટતે.. પામ્યે પ્રસન્નતા તેનાં દુ:ખો સૌ નાશ પામતા; પામ્યો પ્રસન્નતાતેની બુધ્ધિ શીઘ્ર બને સ્થિર.. ચિત્તની પ્રસન્નતાથી એનાં બધાં દુ:ખો ટળે છે અમારા સ્નેહીજનોમા પ્રપોઝ પણ ઘણા થયા ! કારની બ્રાન્ડની વાતે અમારા સ્નેહીને ત્યા ટેસ્લા આવી તો ઘણા કહે હવે તો આવી ઘણી ટેસ્લા જોવા મળે .તમારી સાહિત્ય કાર ઉત્તમ.લેપટોપ સાથે ‘વાત કરતા’ હવે તો નાની વાત પણ હાય ગુગ્ગલ અને તેને માને …the truth mthe whole truth and nothing but the truth!
  બિઅરની સંકોચ સાથે યાદ આવતા પુજાવિધી કરાવવા આવતા મહારાજ તે સ્ટીલના ગ્લાસમા પીતા !
  આ ગ્રીન કાર્ડ વાતે અમારા સ્નેહીની દીકરી ડીલીવરી કરાવવા અહીં આવી !

  Like

 2. ” ધ્વનિઘટક, રૂપઘટક, વાક્યતંત્ર ” જેવા વિષય ઉપર ક્યારેક થોડી વાતો કરી અર્થ સમજાવશો તો આનન્દ થશે. ” ભાષાવિજ્ઞાન ” એટલે પણ સમજવું અઘરું છે. આપની અનુકૂળતાએ કોઈ વાર આવા વિષયો ઉપર પ્રકાશ પાથરશો તો નવું જાણવા મળે. આભાર .

  Liked by 1 person

 3. દિલથી લખાયેલી આ વાતો વાંચતા ઘણાં નવાં ઈમિગ્રન્ટ્સની પરિસ્થિતિનો ખ્યાલ આવે છે .. ગાડી વિના આટલાં બધાં વર્ષો ચલાવ્યું ?? Waiting for the next episode ..

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s