વિયોગ-૧૬ (રાહુલ શુકલ)


ત્રેવીસમું પ્રકરણ: માતા ઓ માતા

 

જાન્યુઆરી ૩૦, ૨૦૧૪: સવારે સ્વપ્ન આવ્યું. કશો અર્થ ન નીકળે એવું, તોય હૃદય વલોવી નાખે એવું. સ્વપ્નમાં પીસ્કાટવે ન્યૂ જર્સીના વેગનર એવેન્યુના ઘરમાં હું અને મીનુ ગેસ્ટરૂમમાં બેઠાં હતાં. ત્યાં ઉષાબેન પાઠક આવ્યાં હતાં અને ભાઈ અને સુશીબેને એમને આપેલી વસ્તુઓ મને પરત કરવા  લાગ્યાં. કહે, ‘હવે એ બંને નથી અને એમની યાદગીરી માટે તમારે આ વસ્તુઓ કામ લાગશે.’

પછી હું કોઈ આલ્બમ લઈને જૂના ફોટા જોતો હતો, તો સુશીબેન, વઢવાણવાળા મામી અને માસીબાનો વર્ષો જૂનો ફોટો એમાં હતો. સુશીબેન યુવાન અને ખૂબ સુંદર દેખાતાં હતાં, મેં જૂના આલ્બમમાંથી એ ફોટો કાઢી લીધો અને મીનુને કહ્યું, ‘સુશીબેનનાં બધાં સરસ ફોટાની એક સુંદર ફોટોબુક કરીશ અને એમાં આ ફોટો રાખીશ.’

મીનુ કહે, ‘હા સરસ ફોટો છે’ પછી કહે, ‘પણ તેં એવી ફોટોબુક સુશીબેન હતાં ત્યારે કેમ ન કરી?’

મેં કહ્યું, ‘હા એ તો મારી ભૂલ થઈ ગઈ’

મીનુ કહે, ‘પાછા એવા બધા વિચાર કરીને અને બાને યાદ કરીને પાછું રડવાનું શરુ ન કરતો.’

મેં કહ્યું ‘નહી રડું’

પણ પછી દોડીને હું પથારીમાં પેટભર પડ્યો, એક હાથમાં સુશીબેનનો ફોટો હતો અને બીજા હાથે આંખો દબાવી હું રડતો હતો, પણ હું કોઈ ફિલ્મનાં ગીતના રાગમાં રડતો હતો. તો મને રડતાં રડતાં થયું કે કોઈક જોશે તો મારી કેવી ટીકા કરશે કે રડવામાં પણ ફિલ્મનાં ગીત હોય તેવા રાગથી રડે છે, પણ તોય હું આક્રંદ કરીને ગીતના રાગમાં રડતો હતો.

-અને આંખ ખુલી ગઈ. ત્યારે ખ્યાલ આવ્યો કે ક્યા ગીતના રાગ પર હું રડતો હતો. ફિલ્મ ‘અબ દિલ્લી દૂર નહીં’ નું:

માતા ઓ માતા

જો તું આજ હોતી

મુઝે યું બિલખતા

અગર દેખતી,

તેરા દિલ તૂટ જાતા

માતા ઓ માતા.

*****************************

ચોવીસમું પ્રકરણ: જૂના હિંદી ગીતો

ફેબ્રુઆરી ૧૧, ૨૦૧૪: વહેલી સવારે આવેલું સ્વપ્ન:

સ્વપ્નમાં હું અને મીનુ સર્વોદય સોસાયટીનાં ઘેર ઉપરના અમારા રૂમમાં હતાં. રૂમમાં બધું અસ્ત વ્યસ્ત હતું. જાણે અમને ખબર હતી કે ઘેર કોઈ ટેરેરિસ્ટ (ત્રાસવાદી) આવ્યા હતા, ઘરમાં લૂંટફાટ કરી અને પછી ભાઈ અને સુશીબેનને મારી નાખ્યાં હોય.

હું અને મીનુ રૂમમાં થયેલી ભાંગફોડ જોતાં હતાં અને મનમાં ખૂબ ઉદાસી કે ભાઈ અને સુશીબેન આમ અચાનક દુનિયામાંથી ચાલ્યાં ગયાં.

ત્યાં ફોનની રીંગ વાગી. મેં ફોન લીધો. પહેલાં તો સામે છેડેથી કોઈ બોલતું નહોતું. પછી ધ્યાનથી સાંભળવા કોશિષ કરી તો સાંભળ્યું, ‘રાહુલ, કેમ છે?’ ભાઈ જેવો અવાજ લાગ્યો. ત્યાં તો એમણે કહ્યું ‘હું ભાઈ બોલું છું.’

પછી ભાઈ કહે ‘અમને ટેરેરિસ્ટે મારી નથી નાખ્યાં. પણ તારી બાને અને મને પકડીને લઈ ગયાં છે, અને અમને હોસ્ટેજ તરીકે રાખ્યાં છે.’

પછી ભાઈ કહે, ‘રાહુલ, તું અમને આવીને છોડાવી જા, અને પાછાં લઈ આવ.’

સ્વપ્ન ત્યાં પતી ગયું. હું ઝબકીને જાગી ગયો.

* ભાઈ, સ્વપ્ન ચાલુ રહ્યું હોત તો ગમે તેમ કરીને તમને છોડાવીને પાછાં લઈ આવ્યો હોત.

*******************************

પચીસમું પ્રકરણ: હું ખોટું લગાડીશ

ફેબ્રુઆરી ૧૩, ૨૦૧૪: ગઈકાલે મારો જન્મદિવસ હતો. ૨૦૦૪માં આ મહિનામાં હું અને મીનુ ભારત આવ્યાં ત્યારે પહેલાં દિલ્હી ગયેલાં. ટેક્સીમાં હોટેલથી કંપનીનાં બિલ્ડીંગ તરફ  જતાં હતાં ત્યાં સેલ ફોનની રીંગ વાગી હતી. સામે છેડે ભાઈ અને સુશીબેન હતાં. તમે જન્મદિવસના  આશીર્વાદ આપ્યા અને તમે પૂછ્યું, ‘હવે ઘેર ક્યારે આવે છે?’

૨૦૧૧માં મારાં જન્મદિવસે હું સુરેન્દ્રનગરમાં જ હતો. મીનુએ ફેકટરીમાં મારાં માટે નાની સરપ્રાઈઝ પાર્ટી રાખી હતી. પહેલી લાઈનમાં સુશીબેન કેટલાં ગૌરવથી બેઠાં હતાં.

જ્યારથી ઈંટરનેશનલ કોલીંગની સગવડ થઈ તે પછી આ આટલાં વર્ષોમાં ક્યારેય એવું નથી બન્યું કે મારાં જન્મદિવસે તમારા બંનેના  ફોન ન આવ્યા  હોય.

ગયા વર્ષે સુશીબેન નહોતાં, પણ ભાઈનો તો વહેલી સવારે ફોન આવી ગયો હતો. આપણે બંનેએ કેટલી બધી વાતો કરી હતી.

ભાઈ, આ પછીની વાત વાંચીને વાંચનારને થશે કે રાહુલના  મગજની સમતુલા ઘણી ઓછી થઈ ગઈ છે, પણ ગઈકાલે મેં ઊંડે ઊંડે તમારા ફોનની બહુ રાહ જોઈ.

પછી કામ પર ડ્રાઈવ કરીને જતો હતો. કારમાં એકલો હતો. આંખમાં આંસુ, અને મેં બોલીને તમને કહ્યું, ‘તમારા કોઈ બહાનાં હું ચલાવી નહીં લઉં. તમે મને દર જન્મદિવસે ફોન કર્યા છે. તો ગમે તેમ કરો. ભગવાન જોડે જે વાટાઘાટ કરવી હોય તે કરો’- પછી મેં સહેજ ગુસ્સાવાળા અને કડક અવાજે કહ્યું, ‘તમે ફોન નહીં કરો તો હું ખોટું લગાડીશ.’

એ ક્ષણોમાં બુદ્ધિએ બિલકુલ રજા લીધી હતી. છેલ્લે તમે કહેતા હતા તેવી રીતે મેં કહ્યું, ‘તમે ફોન નહીં કરો તે હું નહીં ચલાવી લઉં.’

 * પણ ભાઈ, ગઈ કાલનો આખો દિવસ મારા  ફોનની રીંગ ન વાગી.

************************************

છવીસમું પ્રકરણ: તમે ક્યાંથી બોલો છો?

ફેબ્રુઆરી ૧પ, ૨૦૧૪: રાત્રે અઢી વાગ્‍યાથી ઊંઘ ઊડી ગઈ હતી. કેટલાંય પડખાં ફેરવ્યાં. એસ.એસ.વ્‍હાઇટના સુરેન્‍દ્રનગરનાં બિલ્‍ડીંગ માટે મીનુ સરસ એપાર્ટમેંટની ડિઝાઇન કરે છે, પણ મને મનમાં થાય, હવે એ એપાર્ટમેંટનો શો ખપ છે? મારે હવે ક્યાં કયારેય લાંબા વખત માટે જવાનું છે? તો હું એ વિચાર કરતાં અટકી જ ન શકું. પછી બે કલાક સુઘી ટી.વી.માં કોઇ ડોકયુમેંટરી જોઇ. સવારે સાડા છએ ફરી સૂઈ જવા પ્રયાસ કર્યો. આંખ કયારે મળી ગઈ તે જ ખબર નથી. પણ સવારે સાડા સાતે સ્વપ્નું આવ્‍યું.

ટાઇમની એટલે ખબર છે કે સ્વપ્નું પૂરું થયું ત્‍યારે રડતાં રડતાં જાગી ગયો હતો.

સ્વપ્નમાં અમદાવાદમાં અનિલ માંકડનો ૧૯૭૮માં હતો એ ‘મંગલાયતન’ના  ફલેટમાં હું અને મીનુ હતાં. હું એક રૂમમાં ઊભો હતો, મીનુ બીજા રૂમમાં બેગ પેક કરતી હતી. અમારે થોડીવારમાં બહારગામ જવા નીકળી જવાનું હતું. પછી હું કોઇ ત્રીજા રૂમમાં ગયો અને છાપાં શોઘતો હતો. હું પથારી પર છાપાં મૂકીને ગયેલો, પણ અત્યારે ફ્લોર પર પડેલાં. જોયું તો ‘ગુજરાત સમાચાર’ અને ‘સંદેશ’ હતાં. વાંચવા પ્રયાસ કર્યો પણ રૂમમાં અંઘારું હતું. લાઇટ ચાલુ કરી તો પ્રકાશ બહુ ઝાંખો હતો. મને વિચાર આવ્‍યો કે કદાચ રૂમમાં બે લાઇટ હશે, તો બીજી સ્‍વીચ શોઘી. એનાથી ઉપરની  ટયુબ લાઇટનો તેજસ્વી પ્રકાશ થયો. મેં મારાં હાથમાંનો ગેલેક્ષી ફોન ખૂણામાં ડ્રેસર કેબિનેટ પર મૂકયો. મારાં ફોનનું બ્રાઈટ લીલું કવર બરાબર દેખાતું હતું.

હું છાપાં લઇને બાજુની રૂમમાં ગયો અને ત્‍યાં મને ધીમું  ટયુન સંભળાયું ‘રંગીલા રે, તેરે રંગમે, યૂં રંગા હૈ મેરા મન.’ મને થયું, આ તો મારાં ફોનનો રીંગ-ટોન હતો. હું દોડતો બીજા રૂમમાં ગયો. ત્‍યાં સુઘીમાં ફોનની ચાર રીંગ થઈ ગઈ હતી. મને થયું, હવે તો ફોન કરનાર ત્‍યાં સુઘીમાં ફોન મૂકી દેશે.

મેં જાળવીને ફોન ઉપાડયો કેમ કે હમણાંથી ફોન લેવા જતાં કપાઈ જતો હતો તે મને ખબર હતી. કોલર-આઇ-ડીમાં નંબર જોયો તો લાંબો લાંબો પચીશ ત્રીસ આંકડાનો નંબર હતો. મેં ફોન કાને ઘર્યો અને પૂછ્યું, ‘કોણ બોલે છે?’

તો સામેથી સંભળાયું, ‘હું સુશીલા’ અને અવાજ તદૃન સુશીબેનનો જ હતો. હું સુશીબનનો અવાજ સાંભળી મુંઝાઈ ગયો હતો. ફોનનું કનેકશન જાણે નબળું પડતું જતું હોય એવું લાગતું હતું. મેં કહ્યું ‘હેલ્લો, હેલ્‍લો’ અને ફરીથી ખાત્રી કરવા પૂછ્યું, ‘તમે કોણ બોલો છો?’

તો એમણે કહ્યું ‘હું સુશીબેન બોલું છું.’ હું સુશીબેનનું એ વાકય સાંભળી, ફોન કાને હતો ને રડવા લાગ્‍યો. મને રડતો જોઇ ઘરનાં કેટલાય લોકો મારી આજુબાજુ ભેગા થવા લાગ્‍યા.

મેં ફોનમાં કહ્યું ‘સુશીબેન, તમે કયાંથી બોલો છો?’

એમણે કહ્યું ‘હું સ્‍વર્ગમાંથી બોલું છું’

તો મેં એકદમ ચીસ પાડીને મીનુને બોલાવી ‘જલ્‍દી આવ સુશીબેન છે! મારાં એક હાથમાં ફોન હતો, અને હું જોર જોરથી રડતો હતો.’

પણ રડતાં રડતાં મને થયું કે મેં એક લેખમાં લખ્‍યું હતું કે ભાઈનો મારા  જન્‍મદિવસે ફોન ન આવ્‍યો, તો મીનુએ મને આશ્વાસન મળે એ ખાતર તો કોઇને નહીં કહ્યું હોય ને કે ‘સુશીબેનનાં નામે ફોન કરો’. પણ મીનુ તો મારાં દુ:ખને બરોબર સમજે છે, એ તો એવું ન કરે. તો પછી કોઇ બીજા સગાં-વહાલાં મારી મજાક કરવા આવો ફોન કરતાં હશે ?

પણ અવાજ તો સુશીબેનનો જ હતો તેમાં મને કોઇ શક નહોતો મારી બાજુમાં સહુ સગાંનું મોટું ટોળું ભેગું થઈ ગયું હતું. હું રડતાં અવાજે ‘હેલ્‍લો, હેલ્‍લો’, કહેતો હતો, પણ ત્‍યારે જ ફોન કપાઈ ગયો.

ફોન બંઘ કરતાં હું ખૂબ જીવ બાળતો હતો કે એમનો અવાજ સાંભળ્યો તો ય વાત ન થઈ. અને પછી મને થયું કે અગર સુશીબેન જ હતાં તો મારે એમને એટલું તો કહેવું જ જોઇતું હતું કે ‘તમારાથી ફોન થઈ જ શકતો હતો તો અત્‍યાર સુઘી કેમ ન કર્યો?’

અને ત્‍યારે મારી આંખ ખુલી ગઈ. ઓશીકા પર આંસુનાં ટીપાં હતાં, અને હું ડૂસકાં ભરતા ભરતા જાગી ગયો હતો.

સ્વપ્ન ભુલાઇ ન જાય માટે બઘી વિગતો કેટલીયે વાર મનમાં ફરી ફરીને યાદ કરી લીધી અને પછી નીચે આવીને તરત નોંઘપોથીમાં વિગતો લખી લીઘી.

* પછી વિચાર આવ્‍યો કે હજુ બે દિવસ અગાઉ જ હું વસવસો કરતો હતો કે મારા જન્‍મદિવસે ભાઈ કે સુશીબેનનો ફોન નહોતો આવ્યો, તો આ તો ભગવાને ખરેખર સુશીબેન પાસે ફોન કરાવ્‍યો, અને ભલે વઘુ વાત ન થઈ, પણ એમનો અવાજ તો સાંભળવા મળ્‍યો ને !

 

 

 

 

 

 

 

1 thought on “વિયોગ-૧૬ (રાહુલ શુકલ)

 1. માતા ઓ માતા
  જો તું આજ હોતી
  મુઝે યું બિલખતા
  અગર દેખતી,
  તેરા દિલ તૂટ જાતા
  માતા ઓ માતા.
  સુંદર હપ્તા સાથે આ વાત ગમી

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s