ઉછળતા સાગરનું મૌન ( સપના વિજાપુરા )


પ્રકરણ – ૮                     

ધ્રુજતા હાથે નેહાએ મેડિસિન કેબિનેટમાંથી ઊંઘની ગોળીની બૉટલ કાઢી. એક સાથે હથેળી ઉપર વીસ જેટલી ગોળી લીધી. આંખોમાંથી અનરાધાર આંસુની વર્ષા થઈ રહી હતી. નેહા સ્વગત જ બોલી રહી હતી. “આ જીવન મા-બાપે આપ્યું અને ખૂબ પ્રેમ અને જતનથી મને સાચવી. જિંદગીના રસ્તામાં, જુવાનીના ઉંબરે સાગરનો પ્રેમ પણ મળી ગયો. પણ, હું આકાશનું દિલ તો ના જીતી શકી, પણ, એક પત્ની તરીકે, એનો ભરોસો યે ના જીતી શકી. હવે આમ જ જીવવું અસહ્ય થઈ ગયું છે. ના, આ રીતે જિંદગી નહીં જ નીકળી શકે! આમ જ જીવનનો અંત આવી જાય અને આકાશની મારાથી અને મારી આકાશથી, જાન છૂટે, બસ, આ એક જ ઉપાય છે, બસ! પણ, મમ્મી પપ્પા? મમ્મી તું બહુ દુઃખ ના લગાડતી તારી દીકરી, તારી લાડલી આ દુનિયા છોડીને જાય છે! સાગર, તને ભૂલવાની બધી કોશિશ નાકામિયાબ થઈ ગઈ માફ કરજે. હું કોઈને દોષ નથી આપતી. કિસ્મતનો નહીં તો આ બીજા કોનો દોષ છે? સાગર, સુખી રહેજે જ્યાં રહે ત્યાં!” ધ્રૂજતા શરીરે એણે પાણીનો ગ્લાસ ભર્યો અને બધી ગોળીઓ પાણી સાથે ગળે ઉતારી ગઈ અને આંખો લૂછતી પથારીમાં જઈને સૂઈ ગઈ.

આકાશ રૂમમાં આવ્યો તો હજુ બડબડતો હતો. “અવની અને એનો કઝીન સાગર! “હું જાણું છું શું કામ અવનીને લઈ આવી. સંદેશા આપવા કે મારો પતિ મને કેટલો હેરાન કરે છે. તો જા, જતી રહે તારા સાગર પાસે. એ કોઇ તને અપનાવવાનો નથી. એને તારી કાંઈ પડી નથી. અને જો પડી હોત તો તને છોડત શા માટે? આ તો મારી કિસ્મતમાં હતું કે મારા માથે આવીને પડી. સાંભળે છે તું? જા તારે જવું હોય તો કાલે જ જતી રહે. સૂવાનો ઢોંગ કરે છે. સા..લી..આ તો નવું નાટક.” આકાશે એના ઉપરથી ચાદર ખેંચી લીધી…નેહા જરા પણ હલી નહીં. આકાશે નેહાના વાળ પકડી લીધા. પણ, નેહા અચેત થઈને પથારીમાં પટકાઈ. હવે આકાશને લાગ્યું કે કાંઈક ખોટું થયું છે. આકાશે એને હચમચાવી નાંખી, પણ, નેહા જવાબ નહોતી આપતી. આકાશે નાક પર આંગળી રાખી ધીમા ધીમા શ્વાસ ચાલતાં હતાં.

એમ્બ્યુલન્સ આવી, અને નેહાને હોસ્પિટલમાં, લઈ ગયા.  બધી દવા ઊલટી કરાવી ડોક્ટરે કાઢી નાંખી. મોઢામાં ટ્યુબ ભરાવી આંતરડા સાફ કર્યા, મોં આખું ફૂલી ગયું હતું. ડોક્ટરે પોલીસને ના બોલાવ્યો આકાશે પૈસા આપી બધાંને ચૂપ કરી દીધાં. કારમાં હજુ અચેત-સી નેહાને બેસાડી, આકાશ ઘર તરફ રવાના થયો. રસ્તામાં નેહાને આશ્વાસન આપવાને બદલે આખે રસ્તે કંઈ ને કંઈ સંભળાવતો રહ્યો કે “અમારી ઈજજતનું પણ ના જોયું. કેટલી સ્વાર્થી છે. મા-બાપનું નામ બોળ્યું. એવું તો મેં શું કહી દીધું કે આમ આત્મહત્યા કરવા માટે ગોળીઓ ખાવી પડે? મૂળ વાત તો એ હશે કે સાગરની યાદ આવી હશે, બેનબા ને! પછી ભલેને, આકાશ બદનામ થાય! મરી જ ગઈ હોત તો સારું હતું.” નેહા ખૂબ થાકેલી હતી જાણે કાંઈ એને સંભળાતું ન હતું. એ આંખો બંધ કરીને વિચારી રહી હતી.”મોતની કેટલી નજીક જઈને આવી, પણ યમરાજાએ પણ એને પાછી જિંદગી તરફ ધકેલી દીધી.”

ઘરે પહોંચ્યા ત્યાં મમ્મી અને પપ્પા આવી ગયાં હતાં. મમ્મી તો નેહાને ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. “મારી દીકરી! મારી દીકરી! આવું કામ કેમ કરવું પડ્યું? આવું કરતાં પહેલાં એ પણ ન વિચાર્યું કે મને કેટલું દુઃખ થશે? નેહા ખૂબ થાકી ગઈ હતી. એનો હાથ પકડીને મમ્મીએ એને પથારીમાં સુવાડી દીધી અને ડ્રોઇંગરૂમમાં આવી. નેહાનાં પપ્પાએ આકાશની સામે જોઇને સીધો સવાલ કર્યો. “આકાશ બેટા, તમારી વચ્ચે કાંઈ ઝઘડો થયો હતો? આવું પગલું નેહાએ કેમ ભર્યું?” આકાશ એકદમ જ ગુસ્સે થયો, અને શાંતિલાલને એલફેલ બોલવા લાગ્યો. “તમારી દીકરીને કોઈ સંસ્કાર આપ્યાં નથી. કુંવારી હતી ત્યારે બીજા પુરુષને પ્રેમ કરતી હતી અને આજ હવે એની બહેન સાથે સંદેશા મોકલે છે! તમારી દીકરીને પાછી લઈ જાઓ મને આ બલા જોઈતી જ નથી.” શાંતિલાલ શાંત હતા. “મારી દીકરીને હું સારી રીતે જાણું છું. એને કોઇ સાથે પ્રેમ હશે તો પણ, એ બધું ભૂલાવીને તમારે ઘરે આવી હશે. અને કદી પાછું ફરીને એ દિશામાં જોતી પણ નહી હોય. કોઈ બીજું જ કારણ હશે.”

“તો તમને શું લાગે છે મારો વાંક છે? મેં એને મારી-કૂટી?  મેં કર્યું છે જ શું? એક મહેલ જેવાં ઘરમાં રાખી અને બધાં જ સુખ આપ્યાં છે. આવી નગુણી કોઈ જોઈ નથી.” પ્રભાબેન શાંતિલાલને શાંત પાડવાની કોશિશ કરતાં હતાં. ગમે તેમ તોયે જમાઈ છે! શાંતિલાલ ચૂપચાપ જમાઈની વાત સાંભળી રહ્યા. પ્રભાબેને આકાશની મમ્મી, આશાબેનને પૂછ્યું, “તમને વાંધો ના હોય તો નેહાને થોડા દિવસ માટે સાથે લઈ જઈએ?” એ સાંભળીને આકાશ ઉખડી જ પડ્યો. “તમને એમ છે અમે તમારી દીકરીને મારી નાખીશું?” પ્રભાબેન બોલ્યાં,” ના, જમાઈ એવું નથી .થોડું વાતાવરણ બદલાય જરા સારું લાગે એટલે કહ્યું હતું.” આકાશે કહ્યું,” જો આજ નેહાને લઈ જાવ તો ને ફરી અહીં મૂકવા આવતાં જ નહીં” આકાશ કારની ચાવી લઈને રૂમમાંથી બહાર ચાલ્યો ગયો. શાંતિલાલ અને પ્રભાબેન અવાક બનીને આકાશને બહાર જતાં જોઈને, મનોમન વિચારતાં રહ્યાં, “અરેરે, આપણી લાડલી દીકરીને ક્યાં વરાવી દીધી? જીવતેજીવ એને નરકમાં ધકેલી દીધી. લોકોને કેવા ધારતાં હોઈએ અને કેવા નીકળે છે.”

 આકાશ માનસિક રોગથી પીડાતો હતો તેથી નેહાને એક પણ સુખનો શ્વાસ લેવા દેતો ન હતો. અને જ્યારથી ખબર પડી હતી કે નેહા મા બની શકે એમ છે પણ ખોટ એનામાં છે, ત્યારથી, નેહાનું જીવવાનું એણે હરામ કરી નાખ્યું હતું. શાંતિલાલ અને પ્રભાબેન આ બધી વાતોથી અજાણ હતાં અને એમ ધારતાં હતાં કે ‘નેહાની જ ક્યાંક ભૂલ થઈ હશે, પણ, શું ભૂલ થઈ હશે?’ એ બેઉ વિચારમાં પડી ગયા હતાં.

******

નેહાએ અચાનક સાગરનાં ખોળામાંથી માથું ઊંચું કર્યુ અને સાગરની આંખોમાં આંખો નાંખીને કહ્યું,” સાગર, તેં મને શા માટે છોડી? સાગર તેં કેવો અનર્થ કર્યો છે, એની તને ખબર જ નથી. તારા લીધે હું એક એવા માણસ સાથે ફસાઈ ગઈ છું જે પાષાણ હ્રદયી છે. એના પર તો કોઈ શબ્દની, લાગણીની કે પ્રેમની કઈં જ અસર નથી થતી. મારે આવા માણસ સાથે આજીવન રહેવાનું છે! સાગર, એને કઈં ફરક ના પડ્યો કે મેં આત્મહત્યા કરવા પ્રયત્ન કર્યો. માણસના જીવની એને મન કોઈ કિમત નથી, સાગર!” નેહાના ડૂસકાં શમતાં ન હતાં. સાગરે ફરી નેહાને છાતી સરસી ચાંપી દીધી. બંને મૌન બની ક્યાંય સુધી બેસી રહ્યા. .હોટલના રૂમની ઘડિયાળનો ટક ટક અવાજ આવી રહ્યો હતો. બહારની ચાંદની ગેલેરીમાંથી અંદર આવવાની કોશિશ કરી રહી હતી. રાત ઢળતી હતી અને નેહાની વાત હજુ અધૂરી હતી.

પ્રકરણ-૯

રાત ઢળતી હતી. ચાંદની ખામોશ હતી. શીતળ ચાંદની હ્રદયના દાવાનળને શાંત કરી શકતી ન હતી. નેહા ચૂપ હતી. પણ હજુ અંતરમાં દાવાનળ પ્રજવળી રહ્યો હતો. સાગર ઊભો થયો અને નેહાને આરામ કરવા કહ્યું. નેહા પણ થાકી હતી. “સાગર, તને ખબર છે મેં તને અહીં શા માટે બોલાવ્યો?” સાગરે નકારમાં માથું ધુણાવ્યું. શું બોલવું એ પણ સમજાતું ન હતું.

નેહા જાણે અર્ધ સ્વપ્ન માં હોય તેમ બોલી,” કદાચ તને એમ લાગશે કે નેહા કેટલી સ્વાર્થી અને બેશરમ બની ગઈ છે. પણ, આજ મારે જે તને કહેવું છે તે કહીશ. કારણ મને ખબર નથી, આવતી કાલે આ જિંદગી મને ક્યાં લઈ જશે અને આપણે ફરી મળીશું કે નહીં! પણ, મેં તને હોટલના રૂમમાં શા માટે બોલાવ્યો? મારા દિલમાં સખત ભાવના હતી કે હું આકાશ સાથે બદલો લઉં. મારા એક એક આંસુનો હિસાબ ચૂકતે કરું. હું સાગરનાં બાળકની મા બનું. .ભલે, આકાશ એ બાળકને પોતાનું સમજતો રહે અને પોતાનો પુરુષ હોવાનો અહમ પોષતો રહે. પણ, જ્યારે હું અહીં આવી, હોટલના આ એકાંત કમરામાં તો, મારી નૈતિકતા જાગી ઊઠી. સાગર, જિંદગીએ મારી સાથે જે કર્યુ તે કર્યુ. પણ, હું મારા સંસ્કારને કેવી રીતે ભૂલી શકું? હું મારા માબાપની આબરૂ છું, એ કેમ ભૂલું? આકાશે જે કરવાનું હતું એ એણે કર્યું, પણ એના અવગુણો અપનાવી હું શા માટે મારી નજરમાં જ નીચી પડું? હા, ઘડીભર માટે, સાગર કિનારે તને જોઈ મારું મન વિચલિત થયું હતું અને બાળકની લાલસા પણ જાગી હતી. પણ, હવે હું એકદમ મક્કમ અને શાંત છું. તું ઈચ્છે તો બીજો રૂમ લઈ શકે છે. તું અહીં પણ સૂઈ જઈશ તો મને વાંધો નથી. આપણા મન પવિત્ર છે, તો પછી મને દુનિયાની પરવા નથી.” નેહા એક શ્વાસે બધું બોલી ગઈ. અને આંખો બંધ કરી પથારીમાં લંબાઈ ગઈ.

સાગર એકીટશે નેહાને તાકી રહ્યો હતો. સુંદર ચહેરો, કાળા વાંકડિયા વાળ, ગુલાબી ગાલ, અને હોઠ તો જાણે બે ગુલાબની પાંખડીઓ બીડાઈને પડી હોય એવા લાગતાં હતાં. એની મોટી આંખો બંધ હતી તો એવી લાગતી હતી કે જાણે બે કળીઓ લજવાઈને બીડાઈ ન ગઈ હોય! સાગર વિચારતો હતો. એક સમયે આ રૂપને એણે દિલથી ચાહ્યું હતું. પણ, આજ એ પારકી બની ગઈ છે. અને એ પણ એક ક્રૂર ઇન્સાનની પત્ની. મારી નાદાનીને કારણે, મારો નાજુક પ્રેમ, પથ્થરને હવાલે થઈ ગયો! .મારા લીધે જ મારી નેહા કેટલી રીબાઈ! તો, ભગવાન, મને માફ કરજે. પણ, આજ હું નિર્ણય લઉં હું કે નેહાને બનતી મદદ કરીશ સુખી કરવા માટે, મારા જીવને ભોગે પણ! આકાશે એક ઓશીકું નેહાની પથારીમાંથી લીધું. અને આરામ ચેર પર જઈને આડો પડ્યો.

બંનેની   આંખો બંધ હતી, પણ બન્નેનાં હ્રદયમાં ચેન ન હતું. સુહાગરાત પછીની આ બીજી લાંબા માં લાંબી રાત હતી. જે કીડીની ચાલે પસાર થઈ રહી હતી. નેહાએ મંદિરનો ઘંટારવ સાંભળ્યો. એ ઊઠીને વૉશરૂમમાં ગઈ ને ગરમ પાણીથી શાવર લીધો. બહાર આવીને બે હાથ જોડી પ્રાર્થના કરી અને પ્રભુનો આભાર માન્યો.  આ તો અગ્નિપરીક્ષા હતી, જેમાંથી એ હેમખેમ પાર ઉતારી હતી. “ભગવાન તારો ઉપકાર. તેં મને મોટા પાપથી બચાવી લીધી.”

નેહાએ સાગર સામે નજર કરી. વાંકડિયા વાળ એનાં કપાળ પર શોભતા હતા. આછી દાઢી અને મૂછમાં ખૂબ મેચ્યોર લાગતો હતો. નેહાએ નજર હટાવી લીધી.  એને થયું કે “સાગર મારો નથી. મારે આવા વિચાર પણ ન કરવા જોઈએ!” સાગરે આંખો ખોલી. સામે એની એક સમયની મહોબ્બત બેઠી હતી. જિંદગીમાં ક્યારેય એવી સવાર આવશે જ્યારે નેહા એની સામે હશે! ને, એવું કદી બનશે એ તો સપનામાં પણ વિચાર્યું ન હતું. આજે, નેહા એની સામે હતી. આ અજબ સવાર હતી.” સુપ્રભાત!!” સાગરે નેહાને કહ્યું .નેહા થોડું મલકી.
સાગર ઊઠીને શાવર માં ગયો. બન્ને ફ્રેશ થઈ ગયાં. નેહા એકદમ હળવી ફૂલ બની ગઈ હતી, જ્યારે સાગરના દિલનો બોજ વધી ગયો હતો. ”એની નેહા કેટલી ઉદાસ હતી! એ નેહાની જિંદગીમાં કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ ભોગે ખુશી લાવવા બધાં જ પ્રયત્નો કરશે. નેહા, હવે તારા દુઃખના દિવસો પૂરા થયાં નેહા. બસ, હું આવી ગયો છું, તારો સાગર!” સાગરે આંખમાં આવેલાં ઝળઝળિયાંને રૂમાલ થી લૂછ્યાં.

બંને હોટલનો રૂમ ખાલી કરી બહાર વેઇટિંગ એરિયામાં આવ્યાં. સાગરે રૂમની ચાવી કાઉન્ટર પર આપી. સાગરે નેહાને પૂછ્યું, “ચા પીવી છે ને?” નેહાએ કહ્યું, “ના, હું હવે નીકળીશ. કાકી રાહ જોતાં હશે. સાગર, મારી વાતો દિલ પર ના લેતો અને જીવ ના બાળતો! સાગરે નેહાનો હાથ પકડીને કહ્યું, “તું વચન આપ કે ક્યારેય આત્મહત્યા જેવું પગલું નહીં ભરે અને સંજોગ ખરાબ થાય તો મારી પાસે આવીશ। કોઈ અજુગતું પગલું નહીં ભરે. તને મારા સમ છે.” નેહાએ આંખોથી વચન આપ્યું. સાગરને નેહાનો હાથ છોડવાનું મન ન હતું, .કોણ જાણે, પણ એને મનમાં એવું થતું હતું કે હવે નેહા ફરી કદી નહીં મળે!

બંને ભારે હૈયે હોટલમાંથી નીકળ્યાં. સામેથી આકાશનાં દૂરના એક સગા મહેશભાઈ આવતાં હતાં.” નેહાભાભી!” નેહા એકદમ ચોંકી પડી અને થોડી ગભરાઈ પણ ગઈ. સાગર સામે જોયું. સાગર પણ સમજી ના શક્યો કે શું કહેવું? નેહા ગભરાતી ગભરાતી બોલી,” કેમ છો મહેશભાઈ?” અને સાગર તરફ ઈશારો કરીને બોલી, “મારા સગા છે.” મહેશભાઈ લુચ્ચું સ્મિત કરી સાગર સાથે હાથ મેળવ્યો. સાગરે કહ્યુ, “મારું નામ સાગર છે.” “સારું સારું, સાગરભાઈ, આપને મળીને આનંદ થયો.”

પ્રકરણ-૧૦

નેહા સાગરથી છૂટી પડી. કાકીને ઘરે ગઈ. કાકી સાથે વાત કરી. અને કાકીને કહ્યું કે એને આજે જ દિલ્હી જવું પડશે! કાકીને થયું આકાશે કદાચ જલ્દી બોલાવી હશે. અને, ઉતાવળે કાકીને ત્યાંથી દિલ્હી જવા નીકળી ગઈ. જોકે સાગર સાથે કશું અજુગતું બન્યું ન હતું .પણ દિલ ગભરાઈ રહ્યુ હતું. મહેશભાઈ જોઈ ગયા હતા. નેહાને હવે જાતજાતના વિચારો સતાવી રહ્યાં હતાં. “મહેશભાઈ મુંબઈ શા માટે આવ્યા હશે? મારા નસીબ જ ખરાબ છે. હવે ખબર નહીં શું થશે? ચોક્કસ કોઈ ઝંઝાવાત આવવાનો છે. દિલ કહે છે કે કાંઈક અજુગતું બનવાનું છે. હે ભગવાન, મનેય ક્યાં સૂઝ્યું સાગરને મળવાનું? મને માફ કરજે ભગવાન. મેં મારી જાતને પવિત્ર રાખી છે પણ આ દુનિયા માનશે? આકાશ માનશે? બાપ રે, આકાશને ખબર પડ્શે તો? આકાશ તો મારું ખૂન કરશે. હે ભગવાન, મારી લાજ રાખજે. સાગરને એકાંતમાં મળવાનું \ જે પાપ કર્યુ છે એને માફ કરજે. સાગરને હું મારાથી જુદો ક્યારેય કરી શકી નથી. પણ, હે ભગવાન, એ પારકો પુરુષ છે. ભલે મારો મિત્ર ને પ્રેમી હતો પણ, છે તો પારકો. અને, આકાશને તો સાગરનાં નામથી ચીડ છે.”

એ એરપોર્ટથી ઘરે પહોંચી ગઈ. મહેશભાઈ એના કરતા પહેલા દિલ્હી આવી ગયેલા। ઘરનાં આંગણમાં અજાણી કાર જોઇ ને ગભરાઈ ગઈ. હોલમાં દાખલ થતાં જ મહેશભાઈને જોયા. .બસ, હવે તો નક્કી જ મારું આવી બનવાનું છે. મહેશભાઈએ એને જોઈને સ્મિત કર્યુ. આકાશે કહ્યુ,” આ મહેશભાઈ છે મારાં દૂરનાં સગા થાય છે. તું કદાચ નહીં ઓળખતી હોય!”

નેહા ધીરેથી બોલી, “આવો મહેશભાઈ. રમાબેન જરા ચા-પાણી, નાસ્તો લાવજો.”

મહેશભાઈ બોલ્યા,” નેહાભાભી!! નાસ્તો થઈ ગયો હું તો ક્યારનો આવ્યો છું. તમારે આવતાં વાર થઈ!”

મહેશ ભાઈ બોલ્યા એટલે આકાશ અને મહેશભાઈ બંને ખડખડાટ હસી પડ્યાં.

આકાશ ઊભો થયો. “બેસ મહેશ, હું આવું છું.”

આકાશ ઓરડામાં ગયો એટલે મહેશભાઈ બોલ્યા, “ભાભી આપણું રહસ્ય આપણી સાથે જ રહેશે. ચિંતા કરશો નહીં. હું તમારો પણ ભાઈ છું. પણ આ તો જરા પૈસાની તંગી રહે છે એટલે આકાશ પાસે આવેલો, મદદ માગવા. આમ તો હાથ લંબાવવો મને પણ નથી ગમતો.” મહેશભાઈનું સ્મિત નેહાને ઝેર જેવું લાગતું હતું.

નેહાને ખબર પડી ગઈ કે આ મહેશભાઈ હવે ચૂપ નહી રહે. એના હાથપગ ધ્રૂજવા લાગ્યાં. એટલામાં આકાશ પૈસાની બૅગ લઈને આવ્યો. મહેશને આપ્યા ને.મહેશ હસતો હસતો ગયો. જતાં જતાં કહેતો ગયો,” આકાશ તારા પૈસા દૂધે ધોઈને પાછાં આપીશ.”

નેહા ચૂપચાપ, મહેશને જતો જોઈ રહી. આકાશે પૂછ્યું, “કાકીને ત્યાં બહુ રોકાઈ ગઈ, બે દિવસ. એવું તો શું કામ પડી ગયું હતું?”

નેહાએ પોતાના ઉપર કંટ્રોલ કર્યો અને કહ્યું, “બસ એમને મળવું હતું. કાકાના ગયા પછી એમની તબિયત સારી પણ રહેતી નથી અને હું ઘણા સમયથી એમને મળી પણ ન હતી. બાની રજા લઈને ગઈ હતી.”

આકાશે કહ્યુ, “અને સાથે એ પણ કહે ને કે સાગરની ક્યાંક ઝલક જોવા મળી જાય તો તારી આંખે અને કલેજે ઠંડક પડી જાય.”

નેહાની છાતી પર અંગારો ચંપાયો. એ ક્શું બોલ્યાં વગર જ ત્યાંથી રૂમમાં જતી રહી. આકાશ કારની ચાવી લઈ ઘરની બહાર નીકળી ગયો.

નેહાએ પથારીમાં પડતું મૂક્યું. આકાશની વાત કેટલી સાચી હતી? એ સાચે જ સાગરને જોવા માટે તરસી ગઈ હતી. એટલે જ કાકીને ત્યાં પહોંચી ગઈ હતી. અને સાગર મળ્યો પણ ખરો. સાગરની વાતોમાં કેટલું સુખ હતું, શાંતિ હતી? સાગરની હાજરીમાં કોઈ પણ પ્રકારનો ઉદ્વેગ કે ખિન્નતા ન હતી. મનમાં ગભરાટ કે ઉચાટ ન હતો.

આ બાજુ તો, આકાશની હાજરી જ એને બેચેન બનાવી દેતી. નેહાને થયું કે “આકાશ જો સાથે હોય તો દિલમાં એક પ્રકારનો વસવસો, બેચેની રહે છે. આવું કદાચ પ્રેમની ઊણપને લીધે થતું હશે. મારું ચાલે તો આકાશને છોડી, સાગરની પાસે ઊડી જાઉં! પણ, મારી પાસે પાંખો ક્યાં છે? મારી પાંખો તો આ સમાજે લગ્નની કાતરથી કાપી લીધી છે. આ માનવીના ઘડેલા સમાજમાં કેટલી નેહાઓ લગ્નના હવનમાં જીવનની ખુશી હોમી દેતી હશે? સાગરને પણ એની પત્ની અને બાળકો છે! એ મને ગમે તેટલો ચાહતો હોય તો પણ એના જીવનને તબાહ ન કરી શકું. હું દુ:ખ સહી જઈશ, પણ સાગરનાં જીવનને આંચ પણ નહી આવવા દઉં. એ સુખથી રહે એમાં જ મારી ખુશી છે.” .અને નેહાએ આંખો બંધ કરી. બન્ને પાંપણની નીચેથી એક આંસુની ધાર વહી રહી.

લેખિકા નીલમ દોશીનાં પોતાની દીકરીને લખાયેલા એક પત્રનાં શબ્દો યાદ આવી ગયા.

“લગ્ન પછી તું સારી પત્ની, સારી વહુ, સારી માતા, સારી ભાભી વગેરે જરૂર બનજે. પણ સારી સ્ત્રી બનવાનું ચૂકીશ નહીં. તું વસ્તુ નહીં, પણ વ્યક્તિ છો. તારું ગૌરવ જરૂર જાળવી રાખજે. પરંતુ આત્મ-સન્માન અને અભિમાન વચ્ચે બહુ બારીક અને અદ્ગશ્ય ભેદરેખા હોય છે. એ ભેદરેખાને પારખતાં શીખજે”

એ સારી પત્ની ના બની શકી, સારી વહુ બની પણ માતા તો બની જ ના શકી. અને, આત્મ-સન્માન તો ક્યારનું ગુમાવી દીધું હતું, એટલું જ નહીં, પણ એણે એના આત્મ-સન્માનને આકાશની પગની પાની નીચે કચડાવા દીધું. સુહાગ રાતે. એનું સ્ત્રી હોવાનું અભિમાન પણ ના રહ્યું.

નેહા અને આકાશ વચ્ચેનું અંતર એટલું બધું વધી ગયું હતું કે બન્ને વચ્ચે વાતચીત જ ન હતી. એક બીજાને સાંભળી શકતાં જ ન હતાં. બંનેના કાન બધિર થઈ ગયાં હતાં અથવા એક કાને વાત સાંભળી બીજા કાને કાઢી નાખતાં. સાગર સાથે હોટલમાં રાત ગુજારી, એ વાત તો કેવી રીતે કહેવાય અને મહેશભાઈ ચૂપ નહીં રહે. નેહાનું મગજ જાણે બહેર મારી ગયું હતું. જો આકાશને કહી દેવાની ધમકી મહેશભાઈ આપે તો હું શું કરીશ? મારે સાગરની સલાહ લેવી જોઇએ, મને કાંઈ સમજણ પડતી નથી. નેહાને થયું, સાગરને એકાંતમાં મળવાની મારી જીદનું આ કેવું પરિણામ આવ્યું! એક પરણિત સ્ત્રી તરીકેની મારી ફરજ ચૂકી ગઈ. આકાશ મારા પર ગમે તેટલાં જુલમ કરે, પણ મારે તો મારી આમન્યા રાખવાની હતી! હા, મેં પાપ નથી કર્યુ, પણ, મારી વાત કેટલા લોકો માનશે? કાલ સાગર સાથે વાત કરીશ. આ મહેશ પ્રકરણનો કાંઇક તો નિકાલ લાવવો પડશે.

નેહા ઊભી થઈને મેડિસિન કેબિનેટમાંથી ઊંઘની ગોળી લઈ પથારીમાં પડી. આટલી નાની જિંદગીમાં એટલાં તો દુઃખ પડ્યાં કે ઊંઘની ગોળી વગર એને ઊંઘ જ ન આવે.” જિંદગી, તું ક્યાંથી ક્યાં લઈ આવી? સાગરે અડધા રસ્તે જિંદગીમાં સાથ છોડી દીધો. અને આકાશ સાથે લગ્ન કરવાની ભૂલ થઈ ગઈ. હવે જિંદગી એવા મોડ પર આવી ગઈ છે કે આકાશને છોડી પણ નથી શકતી અને સાથે જીવી પણ નથી શકતી.” રાતનો ડરામણો અંધકાર, આ ઓરડાની ચાર દીવાલો, મોટા બેડમાં રેશમની મરુન રંગની ચાદર અને ચાદરને મેચ થતી રજાઈ! નેહા મોટી પથારીનાં એક ખૂણામાં કોકડું વળીને પડી હતી. અહીં એનું એવું કોઈ ન હતું જે એને ગળે લગાડે કે એના રેશમી વાળમાં હાથ ફેરવી આશ્વાસન આપે. એણે ઓશીકા માં માથું છુપાવી લીધું, બીજી એક સવારની રાહમાં.

3 thoughts on “ઉછળતા સાગરનું મૌન ( સપના વિજાપુરા )

 1. ઉછળતા સાગરનું મૌનના પ્રકરણ ૭, ૮, ૯ અને ૧૦મા નેહાની વેદના અમે અનુભવી અને અંતમા પણ ઉંઘની ગોળી ! આટલી નાની જિંદગીમાં એટલાં તો દુઃખ પડ્યાં કે ઊંઘની ગોળી વગર એને ઊંઘ જ ન આવે.” … બીજી એક સવારની રાહમાં.
  અમેરીકાના ત્રીજા મરણના કારણમા ‘મેડિકલ મીસ્ટેક’ આવે તેમા મહાન વ્યક્તિઓ ની ભુલમા વધુ આવે ઊંઘની ગોળી..
  .याद आये कुमार मुकुल…
  एक सभा में मुलाकात के बाद
  चैट पर बताती है एक लड़की
  कि आत्महत्या करनेवाले
  बहुत खीचते हैं उसे
  यह क्या बात हुई …
  यूँ मेरे प्रिय लोगों की लिस्ट में भी
  आत्महंता हैं कई
  वान गॉग, मरीना, मायकोवस्की
  और मायकोवस्की की आत्महत्या के पहले
  आधीरात को लिखी कविता तो खीचती है
  तारों भरी रात की मानिंद

  पर आत्‍महनन मेरे वश का नहीं
  सोचकर ही घबराता हूँ कि
  रेल की पटरी पर मेरा कटा सर पड़ा होगा
  और पास ही होगा नुचा चुंथा धड़

  पर मेरे एक मित्र ने भी
  हाल ही कर ली आत्महत्या

  नीं द की गो लि यां खाकर

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s