વિયોગ-૧૭ (રાહુલ શુકલ)


સતાવીસમું પ્રકરણ: આહીર-ભૈરવ

ફેબ્રુઆરી ૭, ૨૦૧૪: થોડા વખત અગાઉ કોઈ મ્‍યુઝિક વેબસાઇટ, પાન્‍ડોરા પર કોઇ પ્રેમ જોશુઆના કંપોઝ કરેલ ટ્યૂન્સ સાંભળ્‍યા. વેસ્‍ટર્ન સ્‍ટાઇલથી ભારતીય સંગીત. આવું અદભુત સંગીત મેં કયારેય સાંભળ્‍યું નહોતું. આની અગાઉ ‘બુઘ્‍ઘા-બાર’ની સીડીમાં આ જાતનું સંગીત સાંભળેલું કે સાંભળતાં જ જાણે તમારા મનને બ્રહ્માંડની સફરે લઇ જાય.

મેં પ્રેમ જોશુઆનાં બધાં આલ્‍બમ ખરીદીને હમણાં જ ડાઉનલોડ  કર્યાં. ઘેર, કોમ્‍પ્‍યુટર પર કંપનીનું કામ કરવા બેસું ત્‍યારે પાછળ પ્રેમ જોશુઆનું સંગીત વગાડું. અને દરેક ગીત વખતે થાય, ભાઈને આ સંગીત કેટલું ગમત!

હું આટલાં વર્ષોમાં કોઇપણ સુંદર સંગીત અમેરિકામાં સાંભળું ત્‍યારે એક મેંટલ નોટ કરી લેતો કે આ તો ભાઈને ગમે તેવું મ્‍યુઝિક છે. પછી જયારે ઇન્ડિયા જવાનું હોય ત્‍યારે ગમે તેમ યાદ કરીને સીડીમાં કે હાર્ડ ડીસ્‍કમાં કે યુ.એસ.બી. ડ્રાઇવમાં એ સંગીત ભાઈ માટે ઇન્ડિયા  લઇ જતો.

ભાઈ, સવારે તમે દાઢી કરવા બેઠા હો ત્‍યારે કે સાંજે જમવા બેસતા હો ત્‍યારે, તમારા કોમ્‍પ્‍યુટરમાં મારી હાર્ડ ડીસ્‍ક લગાડી, મારો નોઇઝ-કેંસલીંગ હેડ-ફોન કોમ્‍પ્‍યુટર સાથે જોડીને તમારા માથા પર પહેરાવી દેતો. પંડિત જશરાજનો આલાપ હોય, બુઘ્‍ઘા-બાર નું ફ્યુઝન મ્‍યુઝિક કે રવિશંકરનો  સિતાર, તમે તે સંગીત સાંભળીને ખુશ થઈ જતા.

‘બહુ અદભુત છે.’ તમે કહેતા, પછી કહેતા, ‘તને આવું ક્લાસિકલ સંગીત ગમે છે તે મને ગમે છે.’

હું કહેતો, ‘ભાઈ તમારે લીધે તો આવું સંગીત સાંભળવાનું હું શીખ્‍યો છું.’

અત્‍યારે પણ જયારે સુંદર શાસ્ત્રીય સંગીત સાંભળું તો થાય, ભાઈને આ ટ્રેક ગમશે. પહેલાંની  જેમ એ મેંટલ નોટ કરવાની ટેવ ગઈ નથી, પણ હવે સંગીતના આ ટ્રેક્સ કોઇ રીતે તમારા સુઘી પહોંચતા કરી શકાય તેમ નથી.

ગઈ કાલે કોમ્‍પ્‍યુટર સાથે જોડાયેલા પાંચ સ્‍પીકર્સમાં પ્રેમ જોશુઆનાં આલ્‍બમમાંથી ‘આહીર’ નામનો ટ્રેક વાગતો હતો, પહેલાં તો સુંદર ફયુઝન, મનને પાંખ લગાવે તેવું. મેં ન જાણે કેમ વોલ્‍યુમ સહેજ વધાર્યું . પછી કોઇ સ્‍ત્રીનાં અવાજમાં આલાપ શરુ થયો. ‘આહિર ભૈરવ’ રાગ હતો. મેં ફરી વોલ્‍યુમ વધાર્યું. ગાનાર સ્‍ત્રીએ આલાપને સુંદર રીતે ખેંચ્‍યો. મેં વોલ્‍યુમ ‘ફુલ’ કરી દીઘું.

* પછી અચાનક ખ્‍યાલ આવ્‍યો કે Subconsciously/આંતર-મનમાં  હું કદાચ એમ સમજીને વોલ્‍યુમ વધાર્યે રાખતો હતો મોટા વોલ્‍યુમથી વગાડીશ તો કદાચ ભાઈ સાંભળી શકશે.

 

અઠાવીસમું પ્રકરણ: સેવા ઉપલબ્ધ નહીં

ફેબ્રુઆરી ૨૦, ૨૦૧૪: સ્વપ્નમાં હું કોઈ નવા દેશમાં હતો. ત્યાંથી ફોન જોડવા પ્રયાસ કરતો હતો. અમેરિકામાં કોઈને ફોન જોડવો હતો, પણ ઇન્ટરનેશનલ લાઈન માટેનો કોડ યાદ નહોતો આવતો.

તો કોઈ એક ભાઈ મારી પાસે આવ્યા અને મારો ફોન લઈને મને સમજાવવાનું શરુ કર્યું કે કયો કોડ કરવાથી ઇન્ટરનેશનલ લાઈન મળે.  પછી એણે કહ્યું, ‘આમ તો ભાઈને પણ આવું જ થયું છે.’

અચાનક કોઈ સાવ અજાણ્યા પ્રદેશમાં મને ભાઈ દેખાયા. એ ફોન કરવા પ્રયાસ કરતા હતા. પણ એમને મેસેજ આવે, હિંદીમાં, કે ‘યે સેવા ઉપલબ્ધ નહીં હૈ.’

ભાઈ ફોન નંબર અવારનવાર જોડ્યા જ કરતા  હતા . મોઢા પર ખૂબ હતાશા. પછી સુશીબેનને કહે છે, ‘અહીંથી ત્યાં ફોન નથી લાગતા.’

પાછા પેલા ભાઈ મારી પાસે ઊભાં રહીને મને ફોનનું સમજાવતા હતા. એ કહે ‘તમારા ભાઈ બિચારા રોજ ત્યાંથી તમને ફોન કરવા પ્રયાસ કરે છે પણ ફોનમાં તો એ જ મેસેજ આવે કે ‘યહ સેવા ઉપલબ્ધ નહીં હૈ.’

પછી એ ભાઈ મને કહે ‘તમારા ભાઈ તો અમને ફરિયાદ કરતા  હતા કે ‘આપણાથી નથી જોડાતો તો રાહુલ કેમ સામેથી આપણને ફોન નથી જોડતો!.’

* સવારે આ સ્વપ્નના વિચારથી આંખ ભીની થઈ ગઈ. અને મેં મનમાં કહ્યું ‘પણ ભાઈ, હું તમને કયા નંબરે ફોન જોડું?’

ત્રીસમું પ્રકરણ: ફાઈટ કરવાનાં છીએ

ફેબ્રુઆરી ૨૩, ૨૦૧૪: ગઈ કાલ રાતનું સાવ ટૂંકું સ્વપ્ન: સ્વપ્નમાં હું મારી ન્યૂ જર્સીની ઓફિસમાં બેઠો હતો. ફોનમાં વાત કરતાં કરતાં ખૂબ મક્કમ અવાજે સૂચના આપતો  હતો.

હું જાણે કંપનીના  વકીલ આર્થર લેસ્લર જોડે વાત કરતો હતો. અને મેં વકીલને કહ્યું ‘તમે પેપર્સ ફાઈલ કરી દો. સુશીબેનની તબિયત તો બે વર્ષથી નબળી હતી. અને એમાં જે થયું તે આપણે સ્વીકારી લેવા તૈયાર છીએ. પણ ભાઈ અંગે આપણે સ્વીકારતા નથી. એ અંગે આપણે ફાઈટ કરવાના છીએ. અને એમને પાછા લાવવાના  છીએ. કેમકે આપણે સાબિત કરી શકીએ તેમ છીએ કે એમની તબિયત એટલી ખરાબ હતી જ નહીં.’

* અને ત્યાં હું ઝબકીને જાગી ગયો.

 

એકત્રીસમું પ્રકરણ: ક્યાં સુધી પહોંચ્યાં?

માર્ચ ૧, ૨૦૧૪: ભાઈ, મીનુ ગઈકાલે સાંજે ઇન્ડિયા  આવવા નીકળી ગઈ. મારાથી તો એને એરપોર્ટથી મૂકીને આવ્યો ત્યારથી રડતાં અટકી જ નથી શકાતું. થયા કરે કે મીનુ સુરેન્દ્રનગર આવતી હોય અને તમને જણાવ્યા વગર કેવી રીતે ત્યાં અવાય? પણ ભાઈ, તમને કયા ફોન નંબર પર ફોન કરીને જણાવીએ?

અમારી પ્રણાલિકા હતી કે હજુ તો મુંબઈ કે દિલ્હી એરપોર્ટ પર પ્લેઇન પૈડા અડાડે ત્યાં સેલ-ફોન ચાલુ કરી દઈએ. જેવો સિગ્નલ પકડાય કે તરત ભાઈને ફોન કરવાનો. ‘હેલ્લો ભાઈ, બોમ્બે સુધી પહોંચી ગયાં છીએ.’

અમદાવાદ ઊતરીએ. અમને લેવા આવનાર ડ્રાઈવરને તમે બધી કડક સૂચનાઓ આપી જ દીધી હોય. હજુ એરપોર્ટથી બહાર નીકળીને  કાર તરફ ચાલતાં હોઈએ ત્યાં ડ્રાઈવર નીલેશભાઈ ખિસ્સામાંથી ફોન કાઢીને કોઈને જોડે. પછી સહેજ વાત કરીને ફોન મને આપે, ‘લો, ભાઈ જોડે વાત કરો.’

‘પહોંચી ગયાં ને!’ ભાઈ, તમારા અવાજમાં કેટલો આનંદ સંભળાતો! ‘તારી બા રાહ જુએ છે,’ અમે રાત્રે બાર વાગ્યે પહોંચીએ તોય સુશીબેન અમને પોંખવા તૈયાર ઊભાં રહેતાં.

ભાઈ, તમે કહેતાં, ‘સરખેજ પહોંચો એટલે સાબર રેસ્ટોરન્ટ પાસે ચા પાણી માટે ઊભાં રહો ત્યારે ફોન કરજો.’

અમારે ચા ન પીવી હોય તો ય સાબર પાસે પહોંચીને ફોન કરી દેવાનો, નહીંતર પાંચ દસ મિનિટમાં ભાઈનો ફોન આવે, ‘ક્યાં સુધી પહોંચ્યા.’

‘ભાઈ, સાબર હમણાં જ ગયું.’

‘વીરમગામ પહોંચો એટલે ફોન કરજો.’

હું કહું, ‘પણ ભાઈ, અત્યારે વાત તો કરી લીધી, હવે બે કલાકમાં તો ઘેર પહોંચીશું.’

તો ભાઈ કહેતાં, ‘નીલેશભાઈને આપ.’

અને પછી નીલેશભાઈને કહેતાં, ‘રાહુલ ના પાડે તોય વીરમગામ પહોંચો એટલે ફોન કરજો.’

વીરમગામથી ફોન કરીએ તો હું કહેતો, ‘હવે ગેબનશાપીર પહોંચીને ફોન કરીશું.’

તો ય લખતર આવેને, ભાઈ, તમારો ફોન આવે, ‘ક્યાં સુધી પહોંચ્યાં,’

ગઈ કાલે નુઅર્ક એરપોર્ટ પર મીનુ સિક્યોરિટી ક્લીઅરંસ માટે જતી હતી. અમે એક બીજાને ભેટ્યાં. પછી એકબીજાને ખભે માથું રાખીને ધ્રૂસકે ને ધ્રૂસકે રડ્યાં.

* કેમ કે અમને ખબર હતી કે આ વખતે અમદાવાદથી સુરેન્દ્રનગર કાર જતી હશે ત્યારે કોઈ ફોન કરીને પૂછશે નહીં કે ‘ક્યાં સુધી પહોંચ્યાં?’

 

 

 

3 thoughts on “વિયોગ-૧૭ (રાહુલ શુકલ)

 1. કદાચ વિશ્વભરના મા-બાપ આવા જ હશે.

  હું અમદાવાદ જતી ત્યારે મારા પપ્પા પણ સતત આટલી અધિરાઈથી મારી વાટ જોતા અને ઘર સુધી પહોંચવા આવું ત્યારે બંને જણને બાલ્કનીમાં નજર પહોંચે ત્યાં સુધી આંખો બિછાવી ઉભેલા હું જોતી . વળી પાછા અમેરિકા આવવાનું થાય ત્યારે એ જ બાલ્કનીમાં હું દેખાઉ ત્યાં સુધી ઉભેલા મેં એમને જોયા છે.

  મારા માટે તો વતન-ઝૂરાપો કરતાંય મમ્મી-પપ્પા ઝૂરાપો તીવ્ર હતો
  આજે જ્યારે બંને નથી ત્યારપછી મેં અમદાવાદ જવાનું જ બંધ કરી દીધું છે. કોના માટે જાઉં?
  આજે જ્યારે રાહુલભાઈની વ્યથા વાંચું છું ત્યારે મારું મન પણ એ જ ભાવથી વલોવાઈ જાય છે.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s