ઉછળતા સાગરનું મૌન ( સપના વિજાપુરા )


પ્રકરણ- ૧૧

નેહા જ્યારે સવાર ઊઠી તો આકાશ ઘરેથી નીકળી ગયો હતો. આકાશ જો ઘરમાં ના હોય તો નેહાને ખૂબ શાંતિ લાગતી. આમ તો, પોતાનાં જીવનસાથીને જોઈને મન આનંદથી તરબતર થવું જોઈએ, પણ, આ કેવા સંબંધના પરિમાણ છે કે સાથીની ગેરહાજરી, મનને, કેમ ‘વાવાઝોડા પછીની શાંતિ’ આપી જાય? નેહા વિચારતી હતી. આવા સંબંધનો તો અંત લાવવો જ જોઈએ. જીવનમાં એવા સાથીનું શું કામ કે જેની હાજરી સતત ઉદ્વેગ જ આપે? આવે વિચારોમાં ડૂબેલી નેહાએ રસોડામાં જઈ રમાબેનને કહ્યું કે ચા નાસ્તો બનાવે. નેહાને આખી રાત ઊંઘ ન આવી હતી એટલે માથું ફાટફાટ થતું હતું. એની આંખો બળતી હતી.  નેહા લિવિંગ રૂમમાં આવી અને સોફા પર બેઠી અને પેપર વાંચવા લાગી એટલામાં ડોરબેલ વાગી. એણે ઊભી થઈને દરવાજો ખોલ્યો. સામે મહેશભાઈ ઊભા હતાં. “અંદર આવી શકું ભાભીજાન?” જાન પર ભાર મૂકતાં મહેશભાઈ ઘરમાં ધસી આવ્યાં. નેહાના મોઢા પરનો અણગમો એના શબ્દોમાં છલકાયા વિના ન રહ્યો, છતાં સંયમિત શબ્દોમાં બોલી, “આવો, પણ આકાશ નથી.”

“ભાભી મારે ક્યાં આકાશનું કામ છે. હું તો આપને મળવા આવ્યો છું.” એટલામાં રમાબેન ચા નાસ્તો લઈને આવ્યાં. નેહાએ મહેશભાઈને પણ નાસ્તો આપવા કહ્યું. મહેશભાઈ તો જાણે પોતાનું જ ઘર હોય એમ વર્તતા હતા.

ચા નાસ્તો કર્યા પછી નેહાએ હિંમત ભેગી કરી અને મહેશભાઈને પૂછ્યું, “મારું શું કામ પડ્યું મહેશભાઈ?”

 “ખાસ કાઈ નહીં પણ, ગઈ કાલે પેલી હૉલી ડે ઇન પાસેથી નીકળ્યો તો આપની યાદ આવી ગઈ. મારો એક નજીકનો મિત્ર ત્યાં કામ કરે છે. જો તમે પહેલાં કહ્યું હોત તો થોડુંક ડિસ્કાઉન્ટ અપાવત ને! ચાલો, કાંઈ નહીં. ફરી જ્યારે જરૂર પડે તો મૂંઝાયા વિના, મને પોતાનો સમજીને કહેશો.”

નેહા સડાક દઈને ઊભી થઈ ગઈ. “મહેશભાઈ, તમે મને ડરાવા આવ્યા છો? એક વાત હું અત્યારે જ કહી દઉં કે હું તમારાથી જરા પણ ડરતી નથી. અને આવી બેહૂદી વાત કરવી હોય તો આ ઘરમાં ફરી આવતા પણ નહીં, સમજ્યા ને? તમે જઈ શકો છો!”

“મારું જવું તમને ખૂબ મોંઘું પડશે નેહાભાભી. હું મારા અપમાનનો બદલો બરાબર લઈશ. તમે મને જાણતાં નથી. હું પ્રેમથી વાત કરું છું અને તમે મને ધૂત્કારો છો?” મહેશભાઈ જતા જતા ઘણું બોલી ગયા. નેહાને તો જાણે કાંઈ સંભળાતું ન હતું. એ તો અપમાન અને ધમકીના આ શબ્દો સાંભળીને ક્રોધથી ધ્રૂજતી, બેડરૂમમાં ગઈ. “સારું થયું કે મમ્મી ઘરે નહોતાં અને મંદિર ગયાં હતાં. એણે ધુજતાં હાથે મોબાઈલ લીધો અને સાગરનો નંબર જોડ્યો. “સાગર! આટલું બોલતાં એનો અવાજ તરડાઈ ગયો. “સાગર, હું ખૂબ મુસીબતમાં આવી ગઈ છું. મહેશભાઈ મને હોટલની બહાર મળ્યા હતા, અને, હવે મને બ્લૅકમેઈલ કરે છે. મને સમજાતું નથી, કે શું કરું? જેવા મહેશ ગયા અહીંથી કે મેં તને ફોન કર્યો.”

સામે છેડે સાગર ચૂપ થઈ ગયો. એને ખબર હતી મહેશ જેવા માણસોની પ્રકૃતિની. જો આવી કોઈક “પરસીવ્ડ” બદનામી થઈ શકે એવી વાતના સગડ મળે તો મહેશ જેવી વ્યક્તિ આવું જ કરે, એની સાગરને ખાતરી હતી. પણ, હવે આગળ શું કરું? દિલ્હી જાઉં અને નેહાને આ નરકમાંથી બહાર, કાઢું? પણ પછી શું કરું? નેહાને ક્યાં રાખું? એના પિયેરમાં મૂકી આવું? પણ, એ તો નેહા પોતે પણ કરી શકે છે. શા માટે આટલું ડરે છે? મા બાપને સાચી હકીકત બતાવી દે અને પછી, છૂટાછેડા લઈ લે. હજુ તો નેહા યુવાન છે અને આખી જિંદગી એની સામે છે. આકાશનું “ટોર્ચર”- માનસિક ત્રાસ- સતત સહન કરીને મરતાં મરતાં જીવવાને બદલે, નેહા સમાજને ઠોકર મારીને, નવેસરથી જીવન શરૂ કરીને સુખી થઈ શકે. જે સંબંધ તમારા અસ્તિત્વ ને જ મારી નાખે, એ સંબંધનો બોજો વેંઢાર્યા કરવાનો શું ફાયદો?  માણસને જિંદગી એક વાર મળે છે એને ખુશી સાથે જીવવાનો દરેક મનુષ્યને હક છે. સાગર પોતે જ આવા વિચારોમાં ગરકાવ હતો, ત્યાં જ, નેહા સામે છેડેથી આજીજી ભર્યા અવાજે બોલી, “સાગર આર યુ ધેર? સાંભળે છે ને? કહે, હવે હું શું કરું? આ મહેશથી પીછો કઈ રીતે છોડાવું?”

 નેહાના અવાજથી સાગર એકદમ ચમકી ગયો અને બોલ્યો, “હું આવું ત્યાં તને જરૂર હોય તો! મહેશને સા..ને, મારી ઠેકાણે પાડી દઉં.” સાગરને મહેશ પર ગુસ્સો આવી રહ્યો હતો.”

નેહાએ કહ્યું. “ના સાગર, તું ના આવીશ. આકાશને જો ખબર પડશે તો તારું જ ખૂન કરશે.”

સાગરે કહ્યું,” હું આકાશની જેલમાંથી તને છોડાવવા માંગું છું. બસ, બહુ થયું. એ તને માનસિક ત્રાસ આપ્યા કરે, એ  જાણ્યા પછી, તું શું માને છે કે હું ચૂપચાપ જોયા કરીશ? ના, એ હવે નહીં બને, નેહા. આ આકાશ રૂપી પિંજરાને ખોલીને ઊડી જા. તારે જ તારા નસીબની કેદ તોડવાની છે, એટલું જ નહીં, પણ ઊડવાનું છે, દૂર દૂર ગગનમાં. ખુલ્લી હવામાં, પાંખો પ્રસારીને, મુક્ત શ્વાસો લેવાનો તારો હક છે, નેહા. હું આવું છું તને છોડાવવા.”

નેહાને થોડીક હિંમત આવી અને બોલી, “ના, સાગર, હું કહું તો જ આવજે. મારે તારા જીવનમાં કોઈ કંકાસ નથી જોઈતો. તું આકાશને જાણતો નથી, એ તને પણ શાંતિથી જીવવા નહીં દે. જો તું સુખી હશે, તો માનજે કે હું પણ સુખી છું. બાકી, હવે મને, તારી સાથે વાત કરીને, ધીરજ આવી ગઈ છે. આ મહેશને તો, હું કોઈ કાળે બ્લૅકમેઈલ કરવા નહીં દઉં. ચાલ, તો સાગર, ફોન મૂકું છું. કાંઈ એવું લાગશે તો ફોન કરીશ, બાકી ફિકર ન કરતો! બાય” અને નેહાએ જલ્દી ફોન મૂકી દીધો.

સાંજના, આજ એ આકાશની રાહ જોઈને બેઠી. એનું મન તો ક્યાં નું ક્યાં વિચરી રહ્યું હતું. મહેશે આ કશને કઈં એ જ શૂન્ય, ભાવવિહીન આંખો, સંવેદના વગરનાં સંવાદો, અને રસહીન વાતચીત! .કોઈ અણધાર્યો જ્વાળામુખી ફાટ્યો નહીં, એટલે નેહાને શાંતિ થઈ. બંને બેડરૂમમાં ગયાં. આકાશે બેડ પર લંબાવ્યું અને ટીવી ચાલુ કર્યું. એવામાં જ આકાશના મોબાઈલની ઘંટડી વાગી. “હલ્લો, હં..મહેશ? હા, બોલ શું ચાલે છે? હા, હા, કાલે મળીએ…હા, નો વરીઝ, હું ફોન કરીશ.” નેહા શૂન્યમનસ્ક બની ફોન સામે તાકી રહી.

પ્રકરણ-૧૨

નેહા શૂન્યમનસ્ક થઈને ફોન સામે તાકી રહી. આકાશ સાથે આટલા વરસો સુધી નિભાવી લીધું, એનો આવી રીતે અંત આવશે, એની કલ્પના નેહાએ કદી નહોતી કરી. અફસોસ બસ, એટલો જ હતો કે સાગર, મમ્મી તથા પપ્પા માટે મેં આપેલી કુરબાની એળે જશે. તદુપરાંત, આ ઉંમરે મમ્મી-પપ્પાને જે આંચકો ને આઘાત લાગશે તે તો જુદું. નેહા એના માતા-પિતાને બરાબર ઓળખતી હતી. નેહાનું લગ્નજીવન વિફળ નીવડ્યું તો એના મમ્મી-પપ્પા સમાજની સામે આંખ ઊઠાવીને જોઇ નહીં શકે. નેહા આવું વિચારીને અંદર અને અંદર હિજરાતી હતી, એણે સપનામાં પણ આવું નહોતું ધાર્યું કે, એ એવી નાદાની કરી બેસશે ને એનું આવું પરિણામ આવશે! એણે લગ્નનાં વચન તોડ્યાં. એક પત્ની તરીકે, એ “મનસા, વાચા, કર્મણા” વફાદાર રહેવામાં નિષ્ફળ રહી પણ શું બધો જ વાંક એનો હતો? એ લગ્ન પછી, સાગરને સતત યાદ કરતી રહી, પણ, શું એના પર આકાશે પૂરી સભાનતાથી માનસિક જુલ્મો નહોતા કર્યા?  નેહાના મનમાં એક પ્રકારનો પસ્તાવો થતો હતો, “હે ઈશ્વર, મને માફ કરજે. સાગરને જો મળવું જ હતું તો ખુલ્લે આમ, છાતી ઠોકીને મળવું હતું, પણ આ એની ભૂલ હતી કે એ કોઈને પણ કહ્યા કર્યા વિના આમ, સાગરને હોટલમાં મળવા ગઈ…! આ માનસિક વ્યભિચાર હોય કે ભૂલ હોય કે પછી પાપ… પણ એની સજા, હે ઈશ્વર, મારા મમ્મી, પપ્પા કે સાગરને ના આપતો!”

“નેહા લાઈટ બંધ કરજે. મને લાઈટ સાથે ઊંઘ નથી આવતી.” નેહાએ યંત્રવત્ લાઈટ બંધ કરી.  એને ખાતરી હતી કે, જો આવતી કાલે મહેશભાઈ આકાશને મળવા જશે તો જરૂર એમણે નેહા અને સાગરને હોટલમાં જોયા હતાં, એની બધી વાતો મસાલા સાથે કરશે જ!

“જો આવું થયું ને, તો નક્કી આકાશ મારું ખૂન કરશે અથવા સાગરનું!  મને ભલે કઈં પણ થાય પણ ભગવાન, સાગરને કાંઈ ના કરતા! હે ઈશ્વર, ભલે અમારો અધૂરો રહ્યો પણ, અમારો સ્નેહ કલંકિત ન થાય એટલું કરજે. સાગર અને એના પ્રણયને પાછળ છોડીને, ઉત્સાહથી આકાશ સાથે નવું જીવન શરૂ કરવા માટે, આત્માની પ્રામાણિકતાથી મેં લગ્ન કર્યાં હતાં પણ, આકાશે મને કદીયે સાગરને ભૂલવા ન દીધો, એટલું જ નહીં, પણ મારા પર કેટલાં માનસિક અત્યાચાર કર્યાં?” નેહા માટે સ્વગત સંવાદો જ એના સાથી બની ગયા હતાં.

“બસ, આ રાત પસાર થઈ જાય. ન જાણે આવી તો કેટલીય ભયાનક રાતો, આકાશ સાથેના લગ્ન બાદ, મેં એકલીએ ગુજારી છે!” નેહાએ આંખો બંધ કરી લીધી. ઊંઘ તો નેહાથી માઈલો દૂર હતી.

સવાર પડી. “નેહા, આજ મારે જરાક જલ્દી નીકળવું છે. મહેશને કાંઈક કામ છે. એને મળીને શોપ પર જઈશ. નેહા એક ધડકન ચૂકી ગઈ. પણ, નાસ્તો આપીને, ચા નો કપ લઈને બેઠી. એને એક મિનિટ માટે થયું, કે એણે આકાશને મહેશ કાંઈ કહે, એ પહેલાં, બધું જ સાચું કહી દેવું જોઈએ. પણ શી રીતે કહે, એની એને સમજ નહોતી પડતી. એ સાગર સાથે એક રાત હોટલમાં રહી આવી પણ, એમની વચ્ચે કઈં જ નથી થયું, એ કોણ માનશે? અને, આકાશ તો કદી જ નહી માને! નેહા મનોમન પ્રભુને સતત પ્રાર્થના કરતી રહી. “હે ભગવાન કાંઈક રસ્તો બતાવ.”

ત્યાં સુધીમાં આકાશ કારની ચાવી લઈને નીકળવા લાગ્યો. નેહાને થયું, “કદાચ એવું પણ બને કે, મહેશ કાંઈક બીજા કામથી બોલાવ્યો હોય. હા, કદાચ એમ પણ બને. તો હાલમાં કઈં જ નથી કહેવું.”  અને, આમ વિચારીને નેહા ચૂપ રહી અને આકાશ નીકળી ગયો. નેહા આકાશને નીકળતાં જોઈ રહી. તે સમયે ક્યાંક નેહાને થયું કે, “અમારી વચ્ચે ખૂબ અંતર છે, આકાશે અત્યાચારો પણ ખૂબ કર્યાં છે, પણ, રહેતાં, આકાશ માટે, આ દિલમાં એક લાગણી પેદા થઈ ગઈ છે. આકાશ સાથે રહેવાની અને આકાશનું કહેવું માનવાની જાણે કે હવે મને આદત થઈ ગઈ છે!”  નેહાને એનો અહેસાસ આ ઘડીએ થતાં જ એની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. નેહાને થયું, “ હવે જો આ સંબંધ છૂટી  જાય તો?”

આ બાજુ, સાગરને ચેન પડતું ન હતું. એને એવું જ લાગતું હતું કે, કદાચ, મહેશે અત્યાર સુધી તો બધું જ આકાશને કહી દીધું હશે! તો પછી, આકાશ તો નેહાને જીવતી નહીં જ રહેવા દે! સાગરે ત્વરિત નિર્ણય લઈ લીધો કે, આમ હાથ પર હાથ રાખી, બેસવું એ કાયરતા છે. એણે દિલ્હી જવું જ જોઈએ. બસ, સાગરે દુકાન પર કોલ કરી દીધો બે દિવસ દુકાન સંભાળી લેવાની સૂચના પોતાના સ્ટાફને આપી દીધી. એણે પત્નીને કહ્યું કે કામ માટે એને દિલ્હી જવું પડે એમ છે. પત્નીએ ખાસ કઈં સવાલ કર્યા નહીં, કારણ, બિઝનેસ માટે સાગરને ઘણીવાર બહારગામ જવાનું થતું. સાગર .દિલ્હીની ટિકિટ લઈ પ્લેનમાં બેસી ગયો.

મહેશ પાસે આકાશ ગયો તો મહેશ એની શોપ પર હતો નહીં. આકાશ ત્યાંથી નીકળી પોતાની શોપ પર ગયો. આકાશને હતું કે મહેશને જે પૈસા આપ્યાં છે એ કદાચ પાછા આપવા હશે. સાંજ પડી. આકાશ ઘરે આવ્યો. નેહા અધ્ધર જીવે આકાશની રાહ જોતી હતી. આકાશે ચાવી મૂકી હાથ- મોં ધોયા. “ચાલ જમી લઈએ, ખૂબ ભૂખ લાગી છે” એણે નેહાને કહ્યું .નેહાએ રમાબહેનને જમવાનું પીરસી દેવા કહ્યું અને ત્રાંસી આંખે, નેહા આકાશનો ચહેરો વાંચવા કોશિશ કરતી હતી. નેહાએ ધીરેથી આકાશને પૂછ્યુ,” મહેશભાઈને મળી આવ્યા? શું કામ હતું??”

“હા, ગયો હતો મળવા, પણ મને મળ્યો નહીં. બહાર ગયો હતો. કાલે મળીશ.” નેહા ચૂપ થઈ ગઈ. જમીને બંને ટી.વી જોતાં હતાં, ત્યાં નેહાના મોબાઈલની રિંગ વાગી.

આકાશે પૂછ્યું, “આટલી મોડી રાતે કોનો ફોન છે?” નેહાએ જલ્દી ફોન ઉપાડી લીધો અને પછી ફોન તરફ જોઈને બોલી, “મમ્મીનો છે.” કહીને, નેહા બેડરૂમમાં જતી રહી. ફોન સાગરનો હતો. નેહા ધીરેથી બોલી, “સાગર, તેં શા માટે ફોન કર્યો? આકાશ ઘરે છે.”  નેહાનો અવાજ કંપી ગયો. સાગરે કહ્યું, “હું દિલ્હી આવ્યો છું. હોટલમાં ઊતર્યો છું. બની શકે તો કાલ તું મને મળજે આપણે આ કોયડાનો ઉકેલ લાવીએ સમજી?”

નેહા ના ના કરતી રહી પણ સાગર મક્કમ હતો, “ના તારે કાલે મને મળવાનું જ છે, શી રીતે, એ તું નક્કી કરજે. હું આ કીચડમાંથી તને ઊગારવા આવ્યો છું. મેં ફક્ત પ્રેમની વાતો જ નથી કરી તને પ્રેમ કરું છું અને તને આમ રહેંસાતી જોઈને કે જાણીને હું મારી જાત સાથે કોઈ રીતે રહી ન શકું.” આકાશના આવવાનો અવાજ આવ્યો. નેહાએ ફોન મૂકી તો દીધો, પણ, નેહાની ગભરાયેલી આંખો ઘણાં રહસ્ય ખોલી રહી હતી.

પ્રકરણ-૧૩

આજની સવારમાં સન્નાટો હતો. કાંઇક અજુગતું બનવાનો ભણકારો હતો. એક ઉદાસી હતી. આજની સવાર ઘણાં જીવનને બદલી નાખવાની હતી. નેહા અનેક વમળોમાં ગોથાં ખાતી, હજુ શય્યામાં જ પડી પડી વિચારી રહી હતી કે, “આ જીવન પણ કેવું હોય છે! બાળક જન્મ લે ત્યારથી, તે મરે ત્યાં સુધી, અનિશ્ચિતતાના અવરણોમાં લપેટાયેલું જીવન જીવે છે. અહીં માત્ર મોત જ શાશ્વત છે, બાકી જીવન આખું, એક પછી એક આવરણોને હઠાવવાની એક નશ્વર પ્રક્રિયા સિવાય બીજું કશું જ નથી. આવનારી કાલમાં જિંદગીનો ક્યો અનાવૃત ચહેરો દેખાશે એની કોઈને ખબર જ ક્યાં છે? રઘુનંદન રામને પણ ક્યાં ખબર હતી કે એક ધોબીની લોકાપવાદની વાતને લીધે, સીતાને અગ્નિપરીક્ષા આપવી પડશે! સાચે જ, “ન જાણ્યું જાનકીનાથે કાલે શું થવાનું છે”, તો, સામાન્ય માણસની તો શું વિસાત? રાવણના મહેલમાં રહી આવેલી સીતાને તો ધરતીએ પોતાની ગોદમાં સમાવી લીધી, પણ મારા માટે એવો કોઈ ખોળો નથી જે મને સમાવી લે!” આ વાતની નેહાને પૂરી ખાતરી હતી. નેહા સ્વગત બોલી, “હા, એ સાચું છે કે આકાશ કોઈ રામ નથી અને હું સીતા નથી. પણ, જ્યારે રામ જેવા રામ, સીતા પર પૂરો ભરોસો હોવા છતાં, સીતાની ઢાલ બનીને ઊભા ન રહ્યા, તો પછી, આકાશ જેવા માણસ પાસેથી અપેક્ષા પણ શું કરવી?”

નેહા બેડમાંથી ઊભી થઈ. “સાગર શા માટે અહીં આવ્યો હશે? મેં એને ના કહેલી. હવે મારી જિંદગી વધારે મુશ્કેલીમાં મૂકાઈ જશે. જો આકાશ અને સાગર સામસામે આવી ગયાં તો?  શું થશે રામ જાણે!” આવા ખ્યાલોમાં ખોવાયેલી નેહા આકાશ માટે નાસ્તાની તૈયારી કરવા ગઈ. રમાબેનને જરૂરી સલાહ સૂચન આપીને એ પાછી રૂમમાં આવી. આકાશ ત્યારે ફોન પર મહેશભાઈ સાથે વાત કરી રહ્યો હતો. “હા, હા, આજ તો ચોક્કસ મળીશ, મહેશ. ચાલ તો, પછી મળ્યાં.” આ સાંભળીને, નેહાનું હ્રદય એક પળ માટે ધડકન ચૂકી ગયું. નેહાને અપરાધીપણું અંદરથી કોરી ખાતું હતું. એક મિનિટ તો એને થયું, કે, હજુ કઈં મોડું નથી થયું અને એ હજુ આકાશને સાચું કહી દે! પણ, હ્રદય, મન, આત્મા અને જીભ વચ્ચે સંવાદિતાનું અનુસંધાન સાવ છૂટી ગયું હતું. નેહાને થયું, “મારે મારી વેદના હ્રદયમાં ધરબી દેવાની હતી. મારે સાગરને મળીને આ ચર્ચા કરવાની જ ન હતી. પણ, હુંય શું કરું? આકાશ સાથે હોવા છતાં વેઠવી પડતી ભીષણ એકલતા, મારામાંથી મારાપણું જ ભરખી ગઈ હતી! દસ વર્ષોથી, ચૂપચાપ, હું એકલી આકાશના જુલમો સહેતી રહી હતી અને મને થતું હતું કે મારું પણ કોઇ તો હોય, કે, જેને હ્રદય ખોલીને વાત કરી શકાય! મા-બાપ કે સગાં-વ્હાલાંઓને કઈં કહેવાય નહી. સહેલીઓમાં મોટી મોટી વાતો થઈ ગઈ છે કે હું ખૂબ સુખી ઘરમાં પરણી છું! એક સાગર જ હતો કે જેને દિલની વાત હું નિઃસંકોચ કહી શકું, કોઈ પણ છોછ વિના. હા, એ સાચું છે કે આકાશના સિતમોથી હું ત્રાસેલી હતી અને મારું વિદ્રોહી મન, વિચલિત પણ થયું હતું, મા બનવા માટે, સાગરના મેણાં-ટોણાંનો જડબાતોડ જવાબ આપવા માટે, દસ વર્ષોના માનસિક અત્યાચારોનો બદલો લેવા માટે! પણ, સમયસર ચેતીને અમે બંને પાપ કરતાં બચી ગયાં. છતાં પણ, માનસિક વ્યભિચાર? એ ગુનો તો મારાથી થયો જ છે. પણ, એ અપરાધ માટે શું હું એકલી જ જવાબદાર છું? કાશ, આકાશ મને એક બાળક આપી શક્યો હોત! જો એવું થાત તો, આકાશનાં બધા જ જુલમ હસતાં મોઢે સ્વીકારી લેત. એ બાળકને ઉછેરવામાં મારા દિવસ રાત એક કરી દેત. પણ ….! હે પ્રભુ, બધી કસોટી શા માટે હું એકલી જ આપું છું?” નેહા એની જાત સાથેના સંવાદમાં એક “સમ-વાદ” શોધી રહી હતી.

નાસ્તો કરી આકાશ નીકળી ગયો. નેહા પણ તૈયાર થવા લાગી. સાસુમા પણ આજ કાલ મામાજી ને ત્યાં ગયા હતાં, એટલે કોઇ રોકટોક ના હતી. એણે સાગરને ફોન કર્યો..સાગરને રેસ્ટોરાંનું નામ આપ્યું. દૂર હતી આ રૅસ્ટૉરાં, જેથી કોઈ ઓળખીતું જોઈ ના જાય. કૉલેજમાં હતી, ત્યારે, સાગર ને મળવા કેટલી ઉત્સુક રહેતી. મન નાચી ઊઠતું. પણ, આજ મન ઉદાસીથી ઘેરાઈ ગયું હતું. “સાગર શું કહેશે. એ મને આકાશને છોડવા કહેશે તો?  તો, મારાથી એ તો બનવાનું નથી. જો એવું કરવું હોત તો સુહાગરાત પછી, બીજા દિવસે જ નીકળી ગઈ હોત. હવે તો પડ્યું પાનું નિભાવવાનું જ છે. શું મને સાચે જ, “એબ્યુઝ” –અત્યાચાર સહેવાની આદત થઈ ગઈ છે? હજુ પણ સાગરને મળવા માટે ના પાડી દઉં?” પણ, મન, હ્રદય, આત્મા અને વાણીની વિસંવાદિતાના વમળમાં ફસાયેલી નેહા કઈં જ સાફ ન જોઈ શકતી હતી, ન વિચારી શકતી હતી કે ન તો કશું નક્કી કરી શકતી હતી. “સાગરે આમ આવવું જ ન જોઈતું હતું. આ સમયે એ ખોટો આવ્યો છે. અને, હું પણ સાગરની વાત નકારી શકતી નથી. એ ખાસ, મારા માટે, આટલી દૂરથી આવ્યો. હૉટલમાં ઊતર્યો અને હું મળવા પણ ના જાઉં? છતાં પણ આ મારી બીજી ભૂલ થઈ રહી છે એવું કેમ લાગે છે? મને કાંઈ સમજણ પડતી નથી. શું કરું?” નેહાને થયું કે એના માથાંની નસ ફાટી જશે…..!

નેહા રેસ્ટોરાંમાં પહોંચી ગઈ. સાગર બેચેનીથી એની રાહ જોતો હતો. બન્ને એક બુથમાં જઈને બેઠાં. સાગરે પૂછ્યું,” નેહા, કેમ છે?” એનાં અવાજમાં કંપ હતો. નેહાનાં ગળામાં ભરાયેલો ડૂમો ડૂસકાં બની ગયો. નેહા માંડ માંડ બોલી,” સાગર, આકાશ આજે મહેશને મળવાનો છે. મહેશ મને સારો માણસ લાગતો નથી. નક્કી, મહેશ આજે આકાશને હોટલની વાત કરી દેશે તો..! અને પછી…પછી… બસ.” નેહા આગળ વાક્ય જ પૂરૂં ના કરી શકી.”

સાગરે એને ધીરજ આપતાં કહ્યુ,” જે હજુ બન્યું નથી, એની કલ્પના કરીને પોતાને કેમ દૂણે છે નેહા? અને હું તને આકાશની કેદમાંથી છોડાવવા આવ્યો છું. એ માણસ ઇન્સાન કહેવડાવવા લાયક જ નથી. મને નવાઈ લાગે છે, કે, તેં આટલા વરસ કાઢ્યાં કેવી રીતે?”

નેહા સ્વસ્થ થતાં બોલી, “સાગર, રહેતાં રહેતાં, આ સમય દરમિયાન, ઉદાસી મારી પાકી સહેલી બની ગઈ છે, મને એના વગર, એને મારા વગર હવે તો જરાયે ન સોરવે! રહી હિંમતની વાત, તો દરેક સ્ત્રી કે હું, મનથી ખૂબ કમજોર છીએ કે નહીં, એની મને નથી ખબર પણ, હા, હું સમાજથી ખૂબ ડરું છું. મારી આ જ નબળાઈનો લાભ મેં વર્ષો સુધી આકાશને લેવા દીધો છે! મારો આ ડર, સમાજે બનાવેલા લગ્નરૂપી બંધનમાંથી નીકળવા નથી દેવાનો….ને, જેવો પતિ અને સાસરિયું મળ્યું એને કિસ્મત માની સ્વીકારી લઈને ચાલનારી, હું એક એવી કમજોર સ્ત્રી છું…જે પોતાને અસહાય માનીને, આકાશ વગરના માર અસ્તિત્વને કલ્પી જ નથી શકતી! મારે સાચે જ, તને પહેલીવાર જ મળવા આવવાની જરૂર નહોતી. એક અસહાય, નબળી સ્ત્રી, એની વર્ષોથી થઈ રહેલી અવહેલના સામે બદલો લેવાની ભાવના અને મા થવાની પ્રબળ ઝંખના પાસે વધુ કમજોર પડી ગઈ સાગર…!”

સાગરે મક્કમતા થી કહ્યું, “નેહા, અન્યાય કરનાર કરતાંયે, અન્યાય સહેનારનો અપરાધ વધુ મોટો છે.  જે લગ્ન જીવનમાં તમારું અસ્તિત્વ દબાવી દેવામાં આવે, સતત જુલમ કરવામાં આવતો હોય, માનસિક પીડા અને વેદના આપવામાં આવતી હોય એ બંધન તોડવામાં જ ભલાઈ છે. જો સાંભળ, આજ આકાશ તને મહેશભાઈની વાત લઈને કાંઈ પણ કહે તો તું સીધી મારી પાસે આવી જજે અથવા મને ફોન કરજે.  હું તારા ઘરથી બહુ દૂર નથી. ટેક્સીમાં માત્ર પાંચ મિનિટમાં તારે ત્યાં આવી શકીશ. કોઈ પ્રોબ્લેમ થાય તો, મૂંઝવણ વિના, ગમે તે સમયે, મને તરત ફોન કરજે અને હિંમતથી જે સત્ય છે, એ કહેજે। ગભરાતી નહીં. I am here for you and  will always be there for you..”

નેહાએ આંખો લૂછી. કોફી પી બન્ને નીકળ્યાં. નેહાનાં પગમાં જાણે મણ મણના તોક મૂકાઈ ગયા હતાં. એના પગ ઊપડતાં ન હતાં ઘરે જવાં માટે. ગુનાહ અને અપરાધની ભાવનાની જંજીર, પગને જકડીને રોકી રહી હતી.ન અપરાધની ભાવનામાં પીસાતી એ ઘર તરફ જવા નીકળી.

3 thoughts on “ઉછળતા સાગરનું મૌન ( સપના વિજાપુરા )

 1. ‘નેહાનું લગ્નજીવન વિફળ … પગમાં જાણે મણ મણના તોક મૂકાઈ ગયા હતાં. એના પગ ઊપડતાં ન હતાં ઘરે જવાં માટે. ગુનાહ અને અપરાધની ભાવનાની જંજીર, પગને જકડીને રોકી રહી હતી.ન અપરાધની ભાવનામાં પીસાતી ‘…
  પર યાદ આવે…ડૉ. વિવેક ટેલરની રચના
  ભૂખ, પીડા, થાક, ઈચ્છા, માનના અશ્વો વિના ય,
  રથ સતત હંકારતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.
  તુજ થકી દીધાપણાંના આભમાં પાછો તને
  રોગ થઈને શાપતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.
  રાહ તાંડવની
  કલ્યાણ કારી મંગલા, કળા સર્વ ભ્રમર સમા, દક્ષ યજ્ઞ ભંગ કર, ગજાસુર મારી
  અંધકાસુર મારનાર, યમના પણ યમરાજ, કામદેવ ભસ્મ કર્તા, ભજું ત્રિપુરારિ..
  વેગ પૂર્ણ સર્પના, ત્વરિત ફૂંકાર ફેણના, ધ્વનિ મધુર મૃદંગના, ડમરુ નાદ ગાજે
  અતિ અગન ભાલમાં, તાંડવ પ્રચંડ તાલમાં, શોભે શિવ તાનમાં, સદા શિવ રાજે

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s