મંત્રો એટલે જીવનસૂત્રો….(પરભુભાઈ મિસ્ત્રી)


 મંત્રો એટલે જીવનસૂત્રો….

નવસારીની સાયન્સ કોલેજમાં અમે ભણતા ત્યારે પ્રો. ડી. એ. દાદી સાહેબ અમને કેલ્ક્યુલસ ભણાવતા હતા. એક દિવસ વર્ગમાં એક સમીકરણ ઉકેલતી વખતે એમણે એક સૂત્ર યાદ કર્યું અને જણાવ્યું કે આ સમીકરણ ઉકેલવામાં આપણને એ સૂત્ર ઉપયોગી થઈ પડશે. એકાએક એમના ચહેરા પર સ્મિત ઝળહળી ઊઠ્યું અને મુખમાંથી શબ્દો સરી પડ્યા, ‘ સૂત્ર ઈઝ ધ મંત્ર ઓફ મેથેમૅટિક્સ !‘ મંત્ર શબ્દની આટલી સરળ અને વહેવારિક વ્યાખ્યા અનાયાસે એમના મુખેથી સાંભળી તેવી જ હૃદયમાં કોતરાઈ ગઈ.

દેવ કે કોઈ શક્તિને સાધ્ય કરવા માટે જે ગૂઢ શબ્દ કે શબ્દો વપરાય તેને સાદી સમજ પ્રમાણે મંત્ર કહેવામાં આવે છે. મંત્ર આપવો એટલે દીક્ષા આપવી અથવા સમજાવી દેવું. ધાર્મિક સંપ્રદાયોમાં અનુયાયી તરીકે જોડાનાર વ્યક્તિ મંત્ર લેવા ધાર્મિક વડા પાસે જાય છે. વડા ધર્મગુરુ સાધકને શરૂઆતમાં લઘુ મંત્ર અને પછી ગુરુ મંત્ર આપે છે. મંત્ર ગુપ્ત રાખવાનો હોય છે. કોને કયો મંત્ર આપ્યો તે જાહેર કરવાનું હોતું નથી. મંત્ર જેટલો ગુપ્ત રાખી શકાય તેમ તેની શક્તિ વધારે. જો તે જાહેર કરી દેવામાં આવે તો તેની શક્તિ ઘટી જાય એવું ધર્મગુરુઓ ઠસાવતા હોય છે. આમેય રહસ્ય જ્યારે ખુલ્લું થઈ જાય ત્યારે તેની અસર કે પ્રભાવ ઓસરી જતો હોય છે. રહસ્ય જ્યાં સુધી ગુપ્ત રહે ત્યાં સુધી તેમાં અપાર શક્યતાઓ ભરેલી હોય છે.પરંતુ મંત્ર આપવો એનો એક અર્થ એવોય થાય છે કે કોઈને સમજાવી દેવું. આપણા વડાપ્રધાન સૌને નમો મંત્ર આપવા માટે જાણીતા છે.. મતલબ કે કોઈ કામ કેવી રીતે કરવાનું કે જેથી તે જલદી થાય, સરળતાથી થાય અને એ કામ કરવા પાછળનો હેતુ સિદ્ધ થાય તેની હિન્ટ આપવી તેને પણ વહેવારિક ભાષામાં મંત્ર આપેલો કહેવાય.

‘મંત્રપુષ્પાંજલી કરવી’ એનો નકારાત્મક અર્થ નીકળે છે. કોઈને કડક શબ્દોમાં ઠપકો આપવો, મારવો કે ગાળો આપવી અથવા શાપ આપવા માટે ‘મંત્રપુષ્પાંજલી કરી‘ એવો શબ્દપ્રયોગ થાય છે. કોઈ કોઈનાથી મોહ પામે કે અંજાઈ જાય તો તે ઘટનાને મં‘ત્રમુગ્ધ‘ થઈ ગયા કહેવાય. પણ તો પછી, મંત્રાલય કે મંત્રણાનો શો અર્થ લેવો? આ શબ્દોને મંત્ર સાથે શી લેવા દેવા હશે? મંત્રનું અપભ્રંશ મંતર થાય. મંતરવું કે મંતરાવવું એટલે કોઈને ભરમાવવું કે ઠગવું. જંતર મંતર જાદુ બનંતર… મંતર એટલે જાદુ. અશક્યને શક્ય કરી દેખાડવું. જો કે જાદુગરો નરી હાથચાલાકી અર્થાત ચપળતાનો  જ  ઉપયોગ કરતા હોય છે.

એટલી વાત તો નક્કી કે દેખીતી રીતે અશક્ય લાગતું કામ સાકાર કરવું હોય તો ચીલા ચાલુ પદ્ધતિ કરતાં કોઈ વિશેષ રીત અપનાવવી પડે અને એ  વિશેષતાને  જ કહેવાય મંત્ર. આરોગ્ય માટેના મંત્રો, આર્થિક બદહાલત દૂર કરી સમૃદ્ધ થવા માટેના મંત્રો, અભ્યાસક્રમમાં આવતા કૂટપ્રશ્નો ઉકેલવાના મંત્રો, જીવનમાં આવતી અનેક અડચણો પાર કરવાના મંત્રો, સફળતા પ્રાપ્ત કરવાના મંત્રો. વહીવટી ગુંચ દૂર કરવાના મંત્રો.મંત્રોએટલે સંસ્કૃત જેવી કોઈ ભાષાના ગૂઢ શબ્દો જ નહિ, પણ સમસ્યાનો ઉકેલ લાવનારા સરળ સૂત્રો. મંત્ર સરળ હોય કે ગૂઢ, પણ એને સિદ્ધ કરવા માટે તપ કરવું પડે તેમ એ સૂત્રો ભલે બોલવામાં સરળ હોય પણ તેને કાર્યસાધક બનાવવા માટે તપ કરવું પડે. માત્ર બોલવાથી કે જપ કરવાથી દહાડો નહિ પાકે. એને વ્યવહારમાં કાર્યાન્વિત કરવા પડે.

‘દરદરોજ વાંચનાર હોશિયાર બને છે‘ આવું સૂત્ર વર્ગખંડના પાટિયા પર લખવામાં આવતું. ભણવામાં હોશિયાર બનવાનો આ એક સીધો સાદો મંત્ર છે.પણ આ મંત્રનું માત્ર રટણ કરવાથી એનું પરિણામ નથી મળતું. કાર્યસાધક બનાવવા માટે મંત્રને જીવનમાં ઉતારવો પડે. પાકો અભ્યાસ કરવો પડે ‘.કરે તેવું પામે અને વાવે તેવું લણે‘ આ કહેવત પણ મંત્ર જેટલો જ પ્રભાવ ઊભો કરે છે. બાવળ વાવીને કેરીની આશા ન રાખી શકાય. ઊજળું પરિણામ જોઈતું હોય તો કર્મો પણ ઉજળાં જ કરવા પડે. માણસને સુખી થવાની ચાવીરૂપ આવા સૂત્રો મંત્ર કરતાં જરાય ઊતરતા નથી. વગર મહેનતે કામ સિદ્ધ કરી આપનારા ચમત્કારિક મંત્રો પ્રત્યે આપણને આકર્ષણ રહે છે. કોઈ એવો મહાત્મા આપણને મળી જાય કે જે આપણા માથે હાથ ફેરવીને કોઈ મંત્ર બોલે અને કહે કે,‘બેટા, તેરા કલ્યાણ હો જાયેગા‘ અને આપણી સઘળી સમસ્યાનો અંત આવે, એવી મિથ્યા ભ્રમણામાં આપણે જીવીએ છીએ.

પાંડુરંગ શાસ્ત્રીજી આઠવલેએ શ્રીમદ ભગવદ ગીતાના નિચોડરૂપે કેટલાંક સૂત્રો આપણને આપ્યાં છે જે ‘ગીતા સંદેશ‘ તરીકે ઓળખાય છે, એનું પ્રત્યેક વાક્ય મંત્રની કક્ષાનું છે. ‘કર્યા વગર કંઈ મળતું નથી. કરેલું ફોગટ જતું નથી. કામ કરવાની શક્તિ તારામાં છે. કામ કરતો જા અને ભગવાનને હાંક મારતો જા. નિરાશ થઈશ નહિ. મદદ તૈયાર છે. ભગવાન હરહંમેશ તારી જોડે જ છે.‘ આ જીવનસુત્રોને સમજીએ તો એમાં રહેલી શક્તિનો અનુભવ થશે. એનું મહત્ત્વ સમજાશે. અને જીવનમાં ચમત્કાર સર્જાશે.

‘ફરે તે ચરે અને બાંધ્યો ભૂખે મરે‘ એ કહેવતને અનુરૂપ ઉપનિષદનો એક જાણીતો મંત્ર છે, ‘ચરૈવેતિ‘.માણસ પ્રવાસ દ્વારા ઘણું શીખે છે, ઘણો ઘડાય છે. પરંતુ, જિજ્ઞાસા અને અવલોકનવૃત્તિ જરૂરી છે. જે પ્રદેશમાં ફરીએ ત્યાંના લોકોનું જીવન, ત્યાંની આબોહવા, ત્યાંની વનસ્પતિ, ત્યાંના લોકોની સંસ્કૃતિ વગેરેનો અભ્યાસ કરતાં કરતાં કરેલું ભ્રમણ ચોક્કસપણે માણસનું ઘડતર કરે જ.

આપણો શાંતિમંત્ર જે સર્વ પ્રસંગે બોલાતો રહ્યો છે, તેનો જો મર્મ સમજાય તો સર્વત્ર સદાકાળ શાંતિ જ સર્જાય જો તે સમજીને જીવાય તો. આપણે તો ત્રણ વાર શાંતિ બોલીને મંત્રના પરિણામની રાહ જોયા કરીએ પણ એમ કાંઈ ચમત્કાર સર્જાતો નથી. ‘ૐ સહનાવવતુ, સહ નૌ ભુનક્તુ, સહવિર્યં કરવાવહૈ, તેજસ્વીનાનધિતમસ્તુ મા વિદ્વિષાવહૈ‘- ની પાછળ ઊચ્ચ અને કલ્યાણકારી ભાવના રહેલી છે, એની પછવાડે ક્રાંતિકારી વિચારધારા રહેલી છે, એમાં સ્વસ્થ સમાજરચનાના બીજ રહેલા છે. તેનો જો વહેવારમાં અમલ થાય તો પૃથ્વી પર સ્વર્ગ સર્જાય,પણ આપણે તો વિચાર્યા વગર પોપટપાઠ જ કરતા રહ્યા છીએ એટલે એનું પરિણામ દેખાતું નથી.

જિંદગી છે તો એમાં સુખ અને દુ:ખ તો આવતા જ રહેવાના. દુ:ખને યાદ કરી કરીને રડ્યા કરવાથી કોઈનું ભલું નથી થતું. મુસીબતો નવાઈની કંઈ આપણા જ જીવનમાં ઓછી આવે છે? પણ આપણે હંમેશાં એકના એક રોદણાં રડ્યા કરીએ તો કોઈ આપણી પાસે ઊભું પણ ન રહે. દુ:ખોને હસી કાઢવાની ટેવ પાડવી જોઈએ. ‘હસે તેનું ઘર વસે‘. મુસીબતોથી જેમ ગભરાતા જઈએ તો તેમ મુસીબતો આપણને વધારે ગભરાવે. સાચો રસ્તો તો એ છે કે હિંમતથી એનો સામનો કરવો. ‘હિમતે મર્દા તો મદદે ખુદા‘ આપણે હિમતથી પુરુષાર્થ કરવાને બદલે સીધા ભગવાનને જ હાક મારવા લાગી જઈએ તો એમ કંઈ ભગવાન નવરા નથી કે કોઈના નોકર પણ નથી કે આળસુનો સાદ સાંભળીને દોડ્યા આવે ! ભગવાન શ્રીકૃષ્ણના જીવનમાં ડગલે ને પગલે ઉપાધિઓ આવી પણ તેમણે હસતાં હસતાં એનો ઉકેલ આણ્યો. જેના હોઠો પર સદાય સ્મિત રમતું હોય તેની સામે મુસીબત પણ લાચાર.

મંત્રો કે સૂત્રો પોતે કોઈ જ ચમત્કાર કરતા નથી એનો વ્યવહારમાં ઉપયોગ કરવાથી ચમત્કારિક પરિણામો પ્રાપ્ત થાય છે.

 

 

3 thoughts on “ મંત્રો એટલે જીવનસૂત્રો….(પરભુભાઈ મિસ્ત્રી)

  1. :મંત્રો અને તેની અસરો તેની રીતો,અને તેની અસર ની કામ કરવાની રીતો,વિગેરે તમમાં રહસ્યમય જ છે.મંત્રો જે જે ચેતના/ઊર્જા ના આવેગો છે તે પોતેજ એક રહસ્ય છે.સામાન્ય રીતે પશ્ચિમ મા રહસ્યો/ગુપ્તતા એ એક શરમજનક/અને અપ્રમાણિકતા છે.પરંતુ પૂર્વીય દેશો મા તેને સન્માનિત અને પવિત્ર ગણવા મા આવે છે.સર્જન ની ગૂઢતા ફક્ત ગૂઢ થતી જાય છે. રહસ્યો તરબોળ થવું એ ભક્તિ છે,અને રહસ્યો ને અતિ ગુઢ કરવા તે વિજ્ઞાન છે.સ્વ/આત્મા ના રહસ્યો નું ઊંડાણ એ આધ્યાત્મિકતા છે.તેઓ એક જ સિક્કાની બે બાજુઓ જ છે. જો વિજ્ઞાન કે આધ્યાત્મિકતા તમારા મા આશ્ચર્ય કે ભક્તિ ઉત્પન ના કરી શકે તો તમે ચોક્કસ પણે ગાઢ નિદ્રામાં જ છે.

    Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s