પ્રાર્થનાને પત્ર-૧૩ (શ્રી ભાગ્યેશ જહા)

8-5-2013

પ્રિય પ્રાર્થના,

પ્રિય અનીશ,

કેમ છો ? ગરમીનો હાહાકાર હજી એટલો જ છે પણ ગરમીને પણ પરસેવો વળી જાય તેવો સરસ ઉત્સવ અમદાવાદને આંગણે ઉજવાયો, બહું લોકોએ માણ્યો. આ ઉત્સવ એટલે પુસ્તકમેળો. આમ પણ તું જાણે છે પુસ્તક મળે એટલે મને મારા ભગવાન મળ્યા જેટલો આનંદ થાય. જો ડુબવાનું મળે તો એ પુસ્તક મારે માટે જાણે ગામનું તળાવ. એક વાત કહું , મને તરતાં નથી આવડતું, મેં નાનાપણમાં અનેક મિત્રોને સહજતાથી ગામના તળાવમાં કૂદકો મારીને પડતા અને આરામથી તરતા જોયા છે. મનમાં એક વસવસો હતો કે આપણે આ વાત ચૂકી ગયા, થોડું ખટકતું હતું કે ‘બાળપણની આ મસ્તીથી તો કોરા જ રહ્યા. પણ પુસ્તકોએ આ ખોટ પુરી. પુસ્તકોએ એક તરફ ઉડવા આકાશ આપ્યું તો એક સરસ નદી રચી આપી. પાતળી નદી, સતત ખળખળતી અને અહર્નિશ વહેતી નદી. મારી તાજપનું સરનામું બને એવી નદી. આ નદી એટલે મારા પુસ્તકો, મને ગમતા લેખો અને નિબંધો અને કાવ્યો અને છાપાઓ અને પુસ્તક્સમીક્ષાના લેખો. આવો પુસ્તકમેળો યોજાય અને એમાં સાહિત્યના કાર્યક્રમોની સંરચના અંગેની સમિતિની અધ્યક્ષતા મને મળે   તે મારે માટે એક મઝાની ઘટના બની રહી. વડોદરામાં જે શબ્દ પ્રગટ્યો તે શબ્દ માહિતીના મારા પ્રથમ અવતારમાં મોટો થયો, માહિતી વિભાગના ગુજરાત પાક્ષિકના તંત્રી લેખો લખતાં લખતાં અચાનક જ શબ્દએ એક પ્રકારની પુખ્તતા પ્રપ્ત કરી લીધી. આ શબ્દએ હવે ગગનને ઓળખી લીધું, આ અક્ષરે હવે આભને ચાખી લીધું, મનની શબ્દમાવજતે એક ગેબી મંદિરના ગર્ભગૃહને માપી લીધું, એક ભણક સંભળાઇ ગઈ છે. સવારનું અજવાળાનું રૂપેરી પહેરણ હોય કે બપોરની બળબળતી શબ્દચામડી હો, સાંજની લટ ખોલવા મથતો એક ઘંટારવ મને સંભળાય છે. અંધારાનું ઓઢણ લઈને ઉભેલી રાત પણ મારા અસ્તિત્વમાં ઉભરાતા કે ફરફરતા કોઇ પુસ્તકનો ફરફરાટ જ છે.

   આ પુસ્તકમેળાએ અમદાવાદને નવી ઓળખ આપી છે, એની સામાજિક ચેતનાની નવી સાબરમતી જડી  ગઈ છે. અચાનક જ ગરમીના દિવસોમાં સાજે કંટાળ્યા હોઇએ અને ઓટલા પર ઉભા હોઇએ અને ઠંડી હવાની એક લહેર આવે અને જે અનુભૂતિ થાય તેવી અનુભૂતિ થાય છે આ પુસ્તકમેળામાં ગળેલી સાંજો થકી. હું લગભગ રો જ જતો,મઝા આવી. 2500થી વધું લોકો મોટા સભાગૃહમાં આવતા. છેલ્લી સાંજ તો અનોખી રહી. મેં ‘જીવન અને હું ‘ એ વિષયના ગણેશ સ્થાપ્યા. કહ્યું , આવિષયમાં (જીવન અને હું’ માં ) ‘અને’ ને અતિક્રમવાનો છે. આપણા જીવનાનંદ અને જીવન વચ્ચે હું ઓગાળી ઓગાળી જીવનના સચ્ચિદાનંદ સ્વરૂપને પામવાનું છે, ‘જીવને શિવ’ તરીકે ઓળખી શકાય તેવું અદ્વૈત સાધવાની સાધના કરવાની છે. માર્ગને આનંદમય બનાવવો છે તે માટે ‘જીવન એક ઉત્સવ છે’ તેવા મંત્રને રોમે રોમે જગવવાનો છે. અને હું ગાઇ ઉઠેલો પે’લા કૃષ્ણના શબ્દો,; ” આરપાર આસપાસ અઢળક ઉભો છું, મને પાછા વળીને મને કળજો, મને મીરાંની જેમ તમે મળજો..”

   આ સમાપનસભામાં મનોજ જોશી, મિહિરભુતા, ઉપેંદ્ર ત્રિવેદી, રઘુવીર ચૌધરી અને ઇસ્માઇલ દરબારે પણ પોતાની કેફિયત કહી, પણ ખરી મઝા તો વિનોદ ભટ્ટે કરાવી. હસાવી દીધા બધાને.. અનેક રમૂજોમાંથી પોતાનો અમદાવાદ પ્રેમ પ્રગટ કર્યો. સૌના રાજીપાએ આ પુસ્તકમેળાની અને મસ્તકમેળાની આ જુગલબંધી વધાવી લીધી.

ચાલો, તમે પણ થોડું વાંચી લો.

ભાગ્યેશ.

 

પ્રિય પ્રાર્થના,

પ્રિય અનીશ…..

અહીં ગરમીનો પ્રકોપ ચાલી રહ્યો છે. આખી પૃથ્વી પરસેવે રેબઝેબ લાગે છે. એક વિશાળકાય ઝાડની જરૂર છે જેની છાયામાં આપણું આખું નગર સમાઇ જાય. જે રીતે સૂરજ આપણા શરીરમાં પેસી ગયો છે તેને બદલે તેને પાડોશી તરીકે જોવાના કુવિચારો પણ આવે છે. માની લો કે આપણને આવતા બે-એક લાખ વર્ષા પછી સૂરજને બદલે આપણે કોઇ બીજા શીતળ સૂરજના પ્રકાશમાં આપણે ગાયત્રી મંત્ર બોલતા હોઇએ. આપણો આજનો સૂરજ ઠંડો પડીને મહાચંદ્ર બનીને દુર દેખાતો હોય. આવી પરિસ્થિતિમાં ગાંધીનગરના આપણા ઘર આગળ બે યુરોપીયન પુરાતત્વવિજ્ઞાનીઓ ‘આ કવિનું ઘર છે ! ‘ એ કાવ્ય વાંચતા હોય, એના અર્થઘટનોના પડોશમાં ધોળાવીરાના નગર રચનામાં વપરાયેલા તડકાના ચિત્રોની સ્પર્ધાની વાતો થતી હશે.

આપણે આજે જે ચંદ્રની ચાંદની માટે પાગલ થવાના અભરખા રાખી રાખીને કવિતાઓ લખીએ છીએ તે ચંદ્ર કોઇ બીજી આકાશગંગામાં એલટીસી જેવી કોઇ અવકાશીસમાજની રજા-પ્રવાસ યોજનાના ફળ ચાખી રહ્યો હશે.

ભાગ્યેશ

 

પ્રિય પ્રાર્થના,

આ વર્ષે અમેરિકામાં જે સ્નેહ અને આદર મળ્યો તે અદભુત હતો. ઘણીવાર ભાવકો વક્તાને ઓળખ અને પ્રેમ આપીને ઘડતા હોય છે…. ડૉ. સુધીરભાઈ પરીખના ખુબ જ પ્રેમાળ વ્યક્તિત્વનો વધારેને વધારે પરિચય થયાં કરે છે. એમનો ખાસ આગ્રહ હતો કે આપણી આ પત્રયાત્રા ગુજરાતી અને ભારતની વિચારયાત્રા /સાહિત્ય યાત્રા બની રહો….આજે જે સોશીયલ મીડિયાને લીધે નવો જે સામાજિક પિંડ બંધાઈ રહ્યો છે એની વાત કરવી છે.

કવિ અનિલ જોશીની કવિતા ‘કવિ વિનાનું ગામ’ ગુંજ્યા કરે છે. કાળઝાળ ઉનાળાની બપોરે આવી કવિતા હાથ લાગે એટલે એક પ્રકારની શીતળતા પ્રસરી જાય છે. પ્રશ્ન થાય છે કે આપણે ક્યાં આવી પહોંચ્યા છીએ. કેટલાયે વર્ષોથી પ્રવાસમાં છીએ. ડટ્ટાવાળા કેલેન્ડર છોડીને હવે સ્માર્ટફોનના કેલેંડરમાં સંતાડ્યો છે આપણા સમયને… એક તરફ સોશીયલ મીડિયામાં વરસતી કવિતાઓની ધોધમાર હેલી અને બીજી બાજુ રોબોટથી પણ આગળ જતો આઇ-પાલ [i-pal] આવી પહોંચ્યો છે. પણ ગામ ઉનાળાની ભાગોળ જેવું લાગે છે. વ્હૉટસ-અપમાં ટોળેટોળા છે, ફેસબુક   ચિક્કાર ભરાયેલી છે, પણ આંગણું કવિ કહે છે તેવા ‘કવિ વિનાના’ ગામ જેવું લાગે છે. શું થઈ રહ્યું છે ? એક પરોક્ષ વિશ્વ આપણા અસ્તિત્ત્વને નવી રીતે વ્યાખ્યાયિત કરી રહ્યું છે. માણસ તરીકે આપણે પરોક્ષ શબ્દોના અને પરિણામે પરોક્ષ સંબંધના માણસ થતા જઈએ છીએ. કાલે ટહૂકાને પણ ચિત્રમાં અનુભવવો પડશે.

હમણાં મિત્ર વિનોદભટ્ટના મરણોત્તર શ્રધ્ધાંજલીઓ અને લાગણીઓના ભારે ધસારાને અનુભવવા મળી. સોશીયલ મીડિયા પર જે લોકો આટલું બધું લખે એ રૂબરૂ આવે પણ નહીં ! આ એક નવી સામાજિકતા છે. એક જ શહેરમાં છીએ, પંદર-વીસ મિનિટ કે અડધો કલાકનું અંતર છે, પણ માણસને એની લાગણીઓ વિજાણું પડદે વ્યક્ત કરવી છે, પ્રત્યક્ષ નથી થવું. આ ખોટું છે કે ખરું છે તે ખબર નથી પણ મનુષ્યની અભિવ્યક્તિની આ સબ-સીસ્ટમ કે વૈકલ્પિક વ્યાકરણ ઉભું થઈ રહ્યું છે. ચિંતા નથી, વિસ્મય છે.

કવિતાનું આવું થવા માંડ્યું છે. શબ્દો અણિયાળા હોય, એને આંજીને એક ભાવક તરીકે કવિને મળીએ ત્યારે એક અલગ જ માણસ દેખાય. સ્નેહરશ્મિ કે ઉમાશંકર કે સુરેશ દલાલ પાસે જે ધબકાર અને થડકાર અનુભવતા હતા તે ના દેખાય. કવિનો શબ્દ જે ‘યુગ યુગથી વહેતો વહેતો આવતો હોય.. ત્યારે તમને કાળની નદીની ખળખળ પ્રવાહિતા સંભળાય, તમને કોઇ શીતળ વાયુનો સ્પર્શ થયો હોય તેવી આહલાદક-ક્ષણોનું લખલખું પસાર થઈ જાય. એવું નથી થતું. કશુંક ખુટે છે. મેં મારા દીર્ઘ સનંદી સેવામાં પણ જોયું કે ‘પ્રેઝન્ટેશન’ કરીને પોતે ખુબ મોટું કામ કરી નાંખ્યું છે એવો કશોક છીછરો-ભાવ પહેરીને ફરનારા અધિકારીઓ જોવા મળે. મીડિયાના આ હાથવગા માળિયાઓથી માણસને શોર્ટકટ ફાવવા લાગ્યો છે. એટલે સંબંધો પણ છીછરા થવા લાગ્યા છે. મનોરંજનમાં પણ કશું દીર્ઘકાલીન હોવાની જરૂર નથી. ફિલ્મીગીતોનું આયુષ્ય ટુંકું થતુ જાય છે, જોકે ભાવ અને કવિતાના તળિયા ઘણા ઉપર આવી ગયા છે. આ એક ચિંતાભરી સ્થિતિ છે, પણ એક મોટો વર્ગ આને નવો યુગવળાંક છે એવું માની રહ્યો છે. આપણે ઉતાવળ નથી. પણ પ્રશ્ન તો ઉભો કરવો જ જોઇએ.

 કવિ સોશીયલ મીડિયાના સરળતાથી ઉપલબ્ધ માધ્યમથી લપસી તો નથી પડ્યો ને ! કવિતા તમને એક ઝાડ  નીચે બેસીને કામુ કે કાફકા કે સુરેશ જોશી કે આનંદઘન કે બુધ્ધ કે મહાવીરના વિચાર કરતા કેમ કરી ના મુકે… ક્યાંક આપણેે કવિ વિનાના ગામમાં તો નથી આવી ગયા ને !

ડૉ. સુધીરભાઈ ના પ્રેમાગ્રહથી આપણે નવી યાત્રાએ નીકળવું છે…નવી દુનિયાને શોધવી છે, એવી કોલંબસી કામના સાથે…

ભાગ્યેશ.

જય જય ગરવી ગુજરાત.

1 thought on “પ્રાર્થનાને પત્ર-૧૩ (શ્રી ભાગ્યેશ જહા)

 1. પ્રેરણાદાયી પત્રો’સૌના રાજીપાએ આ પુસ્તકમેળાની અને મસ્તકમેળાની આ જુગલબંધી વધાવી લીધી….’
  પુસ્તકો આપણા મિત્ર ગણાય છે, પરંતુ વર્તમાન સમયમાં પુસ્તકો અમુક રીતે દવાનું પણ કામ કરે છે. શારીરિક અને માનસિક સ્વસ્થતા માટે પુસ્તકોનું વાંચન લાભદાયી નીવડે છે
  ‘ગરમીનો પ્રકોપ ચાલી રહ્યો છે.’પ્રકૃતિને કવિતામાં થોડી સમાવી શકાય?
  હા, વાતાવરણનો આધાર ચોક્કસ લઇ શકાય અને ગાતા-
  ચૈત્રી તડકામાં તારી યાદને,
  માની
  લીધી ડાળ મેં ગુલમહોરની,
  આ જુઓ અહીંયા સૂરજના શહેરમાં
  સોનવર્ણી થઇ પરી બપોરની.’
  અમારા દાદાજી સૂર્યના તાપથી ત્રાહીમામ ત્રાહીમામ કહે તો પ્રેમથી કહે
  ॐ भूर्भुवः स्वः ।
  तत् सवितुर्वरेण्यं ।
  भर्गो देवस्य धीमहि ।
  धियो यो नः प्रचोदयात् ॥

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s