કંકોતરી (પી. કે. દાવડા)


કંકોતરી

ફરી એકવાર હું આપ સૌને ૬૦ વર્ષ પહેલાની દુનિયામાં લઈ જાઉં. લગ્નો આજે પણ થાય છે અને લગ્નો ત્યારે પણ થતા. પણ બે સમયની લગ્ન પ્રથામાં એટલું પરિવર્તન આવી ગયું છે કે આજની પેઢીને કાંતો માનવામા ન આવે અથવા તો હસવું આવે.

શરૂઆત કંકોતરીથી કરૂં. જેણે પોસ્ટકાર્ડથી મોંઘા અને પોસ્ટકવરથી સસ્તા એવા આંતરદેશીય ટપાલના કાગળ જોયા હોય તેને તરત સમજાસે કે ત્યારે કંકોતરીઓ કેવી હતી. ૩૦ રૂપિયાની ૧૦૦, સારા કાગળ ઉપર લાલ શાહીથી છાપેલી કંકોતરી આર્થિક રીતે ઠીકઠાક લોકો છપાવતા. વર પક્ષની કંકોતરીમા કન્યાનું નામ નહીં, અને કન્યા પક્ષની કંકોતરીમા વરનું નામ નહીં. કંકોતરીમા હસ્ત મેળાપનો સમય રહેતો, પણ જમવાનો સમય તો છોડો, જમણવારનો પણ ઉલ્લેખ પણ ન કરાતો. લગ્ન હોય એટલે જમવાનું તો હોય જ એવી સમજ મહેમાનોને હતી. અને આ આમંત્રણ પણ કેવું? સહ-કુટુંબ મિત્ર મંડળ સહિત. આજની જેમ આપશ્રી/બન્ને/સહકુટુંબ ના વર્ગીકરણ ન હતા. ગામડાઓમાં તો ધુમાડાબંધ (એટલે આખા ગામને જમવાનું) આમત્રંણ અપાતું.

ત્યારબાદ કંકોતરીઓ કાર્ડના રૂપમા છાપવામા આવતી. કાર્ડ ફેન્સી થવા લાગ્યા અને મોંઘા થવા લાગ્યા. આજથી ૪૦ વર્ષ પહેલા મુંબઈના એક શ્રીમંત કુટુંબે એક મીટર લંબાઈના બ્લાઉઝપીસમા ધોવાથી નીકળી જાય એવી શાહીથી કંકોત્રી છપાવી, જેથી ધોઈને એમાથી બ્લાઉઝ સિવડાવી શકાય. સાંભળ્યું છે કે ચાંદીના પાતળા પતરાં પર કંકોત્રી છપાવનાર શ્રીમંત પણ મુંબઈના જ હતા. આજે ૧૦-૧૦ પાનાની, ૧૫૦ રુપિયા કીમત સુધીની કંકોત્રીઓ સામાન્ય છે.

જૂના જમાનામાં લગ્નના દિવસથી એક મહિના પહેલા કંકોત્રી લખવાનુ શરૂ થઈ જતું. નજીકના સગાવહાલાઓને કંકોત્રી લખવા બોલાવવામા આવતા. કંકોત્રીઓ ઉપર લાલ શાહીથી આમંત્રિતોના નામ અને સરનામા લખવામા આવતા. પોતાની માલિકીના મકાનમા રહેતા લોકોનો સરનામામાં “પોતાનો બંગલો” અથવા “પોતાનો માળો” લખી એમને માન આપવામા આવતું. બપોરના જમી પરવારી કુટુંબની સ્ત્રીઓ સગાંવહાલાની સ્ત્રીઓ સાથે બે કે ચાર જણના ગ્રુપ બનાવી, સારા વસ્ત્રો અને દાગીના પહેરી, કંકોત્રીઓ વાંટવા નીકળતી. બે ત્રણ અઠવાડિયા આ ક્રમ ચાલતો.

આજે કંકોત્રી કુરિયરથી મોકલાય છે અને ટેલીફોન કરી એ પહોંચી ગઈ છે તે પાકું કરી લેવાય છે. આજે આમંત્રિતોને પણ કોઈ બપોરે આવીને ઊંઘમાં, કે સિરિયલ જોવામાં ખલેલ પાડે એ ગમતું નથી. આજે જન્મદિવસની અને અન્ય પાર્ટીઓના આમંત્રણ ઈ-મેલથી મોકલાય છે તેમ કંકોત્રી પણ ઈ-મેલથી મોકલવામા આવે તો મને નવાઈ નહિં લાગે.

6 thoughts on “કંકોતરી (પી. કે. દાવડા)

 1. યાદ આવી ગયું આ જાણીતું ગુજરાતી લગ્ન ગીત ..

  કંકુ છાંટી કંકોતરી મોકલો

  (લગન લખતી વખતે ગવાતું ગીત)

  કંકુ છાંટી કંકોતરી મોકલો
  એમાં લખજો અમીબેનનાં નામ રે લગન આવ્યાં ઢૂંકડાં

  બેનના દાદા આવ્યા ને દાદી આવશે
  બેનના માતાનો હરખ ન માય રે લગન આવ્યાં ઢૂંકડાંબેનના કાકા આવ્યા ને કાકી આવશે
  બેનના ફૈબાનો હરખ ન માય રે લગન આવ્યાં ઢૂંકડાં

  બેનના મામા આવ્યા ને મામી આવશે
  બેનના માસીબાનો હરખ ન માય રે લગન આવ્યાં ઢૂંકડાં

  બેનના વીરા આવ્યા ને ભાભી આવશે
  બેનની બેનીનો હરખ ન માય રે લગન આવ્યાં ઢૂંકડાં

  — લોકગીત

  Liked by 1 person

 2. કહેવત છે કે….સમય સમય બલવાન નહિ મનુષ બલવાન. સમયની સાથે ચાલનાર સુખી. રવિશંકર મહારાજે કહેલું કે, ‘ ગઘેરમાં ચાલે તે ઘરડો.‘ જૂના ગઘેરીયા રસ્તે ચાલવા કરતાં સમયની સાથે ચાલવું જોઇઅે. જૂનું અેટલું સોનું, આપણી પોતાની પેઢીને નથી ગમતું…જ્ઞાન બદલાયુ છે વિજ્ઞાન બદલાયુ છે…વિજ્ઞાનની સાથે જીવન જીવવાની રીતો બદલાઇ છે…આપણી પેઢીના નવા બાળકો જુની જીવન જીવવાની રીતો ને સ્વીકારતા નથી…હસે છે. ખાસ કરીને ભારતથી અમેરિકા આવીને વસેલી ભારતીયોની બન્ને પેઢી વચ્ચે દરેક ઘરોમાં વિચારનું જુદાપણું હાજર જ હોય છે. It is proved that, ” Culture is not static for any group of people.”….ચલના જીવન કી કહાણી…રુકના મૌત કી નીશાની…..જ્યોર્જ ચેપમેને કહેલું કે…‘ જવાનો વિચારે છે કે બુઢાઓ મૂર્ખ છે, બુઢાઓ લાણે છે કે જવાનો મૂર્ખ છે.‘
  નવી ઘારા સાથે જૂની પેઢીઅે પોતાને ઢાળવું રહ્યું
  આજ સફળતાની, પ્રેમની, શાંતિને મેળવવાની ચાવી છે.

  Liked by 1 person

 3. એક વહ ભી જમાના થા ને યે ભી જમાના હૈ

  યુગ પરિવર્તનની મજા ઝીલતી આપણી પેઢીને અવલોકવા માણવા સમજવા ખૂબ જ મળ્યું પાછા દેશ- પરદેશના વાયરાએ ઝીલ્યા. સારું ખોટુંય સમજ્યા પણ ભાગ્યશાળી કે લપડાકો ટળી.

  કંકોતરી ને ભાવ તથા વટ બધું જ માણ્યું ને વ્યવહાર ગામ પણ જમાડેલ એ યાદ તાજી કરી દીધી આપે.

  રમેશ પટેલ (આકાશદીપ)

  Liked by 1 person

 4. મા દાવડાજીએ કંકોતરીનો સ રસ ઇતિહાસ રજુ કરતા અમારા મનની વાતો ચારેય સુંદર પ્રતિભાવોમા રજુ થઇ…!
  અમારી દીકરી યામિની કંકોતરીમા કાવ્યમય આમંત્રણ લખી આપે છે તો નવા જમાનામા નવા પ્રયોગો પણ થાય ! કોઇ ચાંલાને બદલે પુસ્તક સ્વીકારશે.અમદાવાદના પત્રકાર શ્રી મણિલાલ પટેલે કંઇક નોખી રીતે જ મહેમાનોને નિમંત્રણ મોકલ્યાં છે. માંગલિક પ્રસંગોમાં મંડપમુહૂર્તની જગ્યાએ સવારે સફાઇ યજ્ઞ રાખ્યો છે. જ્યારે બપોરે પુસ્તકોનો સંસ્કાર કરિયાવર, સાંજે વૃદ્ધાશ્રમમાં ચાદરો ભેટ આપવામાં આવશે.એટલું જ નહીં પરંતુ ચાંલ્લાની રકમ પણ સેવાભાવી સંસ્થાને દાનમાં આપવાનું નક્કી કરવામાં આવ્યંુ છે . આ ઉપરાંત દીકરીઓને અવગણતા હોય તેવા લોકો માટે ખાસ લખવામાં આવ્યું છે કે દીકરી ન સાપનો ભારો, ન પારકી થાપણ. દીકરી એ તો છે તુલસીક્યારો. આમ, કંકોતરીના લખાણમાં જ મેસેજ આપ્યો છે.

  Liked by 1 person

 5. એ જમાનામાં ન્યાતમાં , ગામ કે શહેર આખામાં આવા પ્રસંગોએ ન્યાતના નાનામોટા બધા ભેગા હળતાં મળતાં, નાનેથી મોટા દરેક એકબીજાને ઓળખતાં. હવે તો લગ્ન કે પ્રસંગોના ખર્ચા અને જમણવારના ખોટા ખર્ચા એટલા બધા વધી ગયા છે, પછી ચડસાચડસીમાં જાતેજ વધારી દીધા છે કે કંકોત્રી હોય કે કાર્ડ હોય, તેમાં બન્ને અથવા તો આપશ્રીજ હોય એટલે તેમાં, સંતાનો અથવા તો માબાપ, ભાઈ બહેન વગેરેનો તો એકડોજ નીકળી ગયો છે. કાકા બાપા ફોઈમાસી વગેરેના સંતાનોને મળવાનુંજ ઓછું થઈ ગયું તેમાં એક્બીજાને વધારે ઓળખવાનું પણ ઓછુ થઈ ગયું…!!.

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s