પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તા-૧૧-‘મામાવાઈફ’


(૧૧) ‘મામાવાઈફ

 સેક્ન્ડ સીટિંગ ડિનર પુરું થઈ ગયું. ડાઈનિંગ હૉલ  ફરી વ્યવસ્થિત થઈ ગયો. પ્રવાસીઓ સાથે હસતો રમતો આસિસ્ટન્ટ વેઈટર રાજુ આજે પહેલા દિવસે જ  હેડવેઈટ્રેસ    સ્ટેલા સાથે કંઈ પણ બોલ્યા ચાલ્યા વગર સીધો પોતાની ઝીરો ડેકની કેબીનમાં ચાલ્યો ગયો. ક્રુઝ સ્ટાફને માટે તદ્દન નીચેની રૂમો ફાળવાયલી હોય છે. કેટલાકમાં બે,ત્રણ કે ચારનો સમાવેશ થાય છે. રાજુ એના મિત્ર સુધાકર સાથે કેબીનમાં રહેતો હતો. સુધાકર હજુ એની ફરજ પર હતો.

 રાજુ ત્રણ મહિનાની છૂટ્ટી ટૂંકાવીને તે ફરી પાછો ક્રુઝશીપની નોકરી પર હાજર થઈ ગયો.

 તેની કેબીન ડોર પર ચાર ટકોરા થયા.

તે જાણતો હતો કે એ સ્ટેલા જ હતી. સ્ટેલા હંમેશા આ રીતે જ ટકોરા મારતી. 

‘સ્ટેલા પ્લીઝ ગો અવૅ. હું કાલે વાત કરીશ. મારે સૂઈ જવું છે.’                                           

પણ સ્ટેલા માસ્ટર કી થી બારણું ખોલી દાખલ થઈ. રાજુ રડતો હતો. 

‘ડિયર વોટ હેપન? માલતી સાથે મજા માણવાને બદલે ઈન્ડિયાથી કેમ જલ્દી નાસી આવ્યો.?     ઘરે કંઈ પ્રોબ્લેમ છે?     હાઉઝ યોર વાઈફ માલતી?’ 

એ અટક્યા વગર ડૂસકા ભરી રડતો જ રહ્યો. 

‘ડિયર રાજુ….માય ફ્રેન્ડ કામ ડાઉન…કઈક તો બોલ…શું થયું?’ 

‘સ્ટેલા હું બરબાદ થઈ ગયો.’ 

‘કેટલા હરખ અને આશાઓ સાથે ક્રુઝલાઈનની નોકરીમાં પ્રવેશ્યો હતો. તું તો જાણે છે કે મેં મારા કુટુંબ માટે, મારી માલતીના સુખ માટે મારાથી બનતું બધું જ કર્યું. સ્ટેલા,   હવે  મારા પોતાનાઓએ, સગાઓએ મારી જ ધરતી પર મને જાકારો આપ્યો. મને સમજાતું નથી કે મારે શું કરવું. હવે પછીની મારી જીંદગી અને દેહ આ સાગર પર જીવાય ત્યાં સુધી જીવશે અને અંતે સાગરમાં જ વિલીન થશે. 

ચાળીસીમાં પ્રવેશી ચુકેલી રાજુની મિત્ર સ્ટેલાએ એને પાણી આપ્યું. 

છેલ્લા આઠ વર્ષથી સ્ટેલા અને રાજુ એકસાથે લક્ઝરી ક્રુઝલાઈનમાં નોકરી કરતા હતા. રાજુ ત્રીસીના દાયકામાં પ્રવેશવાની તૈયારી કરતો નવયુવાન હતો. થોડો શામળો, સાધારણ કદનો આ ગુજરાતી રાજુ, મીઠ્ઠા મળતાવળા સવભાવ અને સતત હસતા ચહેરાથી સૌનો અને ખાસતો સ્ટેલાનો વ્હાલો મિત્ર બની ગયો હતો. 

પોતાના ફ્રી સમયમાં રાજુ અને સ્ટેલા, ડેક પર કોઈ ખૂણામાં સાથે બેસતાં. વાતો કરતાં. રાજુ એને મન મૂકીને એની જીવન કહાણી સંભળાવતો. માની વાતો, બહેનોની વાતો, મામાની વાતો ભાવુક થઈને કરતો અને સ્ટેલાની આંખ ભીની થતી. પછી હસી પડતો. સરદારજીના જોકસ્ સંભળાવી એને ખડખડાટ હસાવતો. જો કોઈ પોર્ટ પર ફરવાની અનુકૂળતા મળતી તો સ્ટેલા એને પોતાની સાથે બહાર ફરવા લઈ જતી. એક ખાસ લાગણીના બંધનથી તેઓ બંધાયલા હતા. એમના સંબંધને માત્ર એક જ નામ હતું. ફ્રેન્ડ. 

સ્ટેલા એના વિશે લગભગ બધું જ જાણતી હતી.

 રાજુનો જન્મ થયો તેના બે માસ પહેલા જ એના પિતા ગુજરી ગયા હતા. એ ત્રણ બહેનોનો એકનો એક ભાઈ અને વિધવા માંનો દીકરો હતો. મા કોઈને ત્યાં રાંધવા જતી. ત્યાંથી થોડું વધેલું ખાવાનું ક્યારેક લાવતી. મોટી બહેન કપડાં સીવતી. વચલી અને નાની સ્કુલમાં જતી. એને પોતાને પણ ભણવું હતું. હોંશિયાર હતો; પણ મામાએ એને મુંબઈ બોલાવી લીધો. મામાની ચા ભજીયાની લારી હતી. એને મદદની જરૂર હતી. આઠમા ધોરણથી ભણવાનું છોડી એ મુંબઈ પહોંચ્યો.

 મામી સાથે ન ફાવ્યું એને લારીની સામે જ મોટી ઈરાની હોટલમાં નોકરી મળી. મુંબઈમાં રહેવાનો એને એક મોટો ફાયદો એ થયો કે એ ઘણી ભાષાઓ બોલતો થઈ ગયો. એના મળતાવડા અને નમ્ર સ્વભાવથી ઘણાં મિત્રો બનાવ્યા.

 કોઈકે એને ક્રુઝકંપનીની રંગીન અને લાભદાયી નોકરીની વાતો કરી. મન લલચાયું. અરજી કરી. અને સારા નસીબે એને ક્રુઝશીપ પર ડાઈનિંગરૂમ હેલ્પની નોકરી પણ મળી ગઈ. જાણે સ્વર્ગનું સુખ. દેશ વિદેશમાં ફરવાનું. જાત જાતના માણસોને મળવાનું. સારા આનંદી સ્વભાવથી એ પેસેન્જરોનું મન જીતી લેતો. બીજાના પ્રમાણમાં એને પર્સનલ ટીપ્સ પણ ઘણી મળતી. એ જે કમાતો તેનાથી એને સંતોષ હતો. બે બહેનોના લગ્ન કર્યા. એનાથી મોટી પણ બહેનોમાં નાની એવી બહેનને કોલેજમાં ભણાવી. અને ગામમાં આધુનિક સગવડ વાળું નાનું મકાન બાંધ્યું.

 એને શીપની નોકરી ગમતી હતી. દર છ માસ કામ કરતો. ત્રણ મહિના ગામ જતો. અને પાછો છ માસ માટે શીપ પર આવી જતો. એટલામાં એણે ત્રણ શીપ બદલ્યા. અને હવે છેલ્લા આઠ વર્ષથી તે સ્ટેલાની સાથે હતો.

 બે વર્ષ પહેલા ગામ ગયો ત્યારે એની મા માંદી હતી. બધાએ એને મા દેહ છોડે તે પહેલા એક ગરીબ ઘરની માલતી સાથે પરણાવી દીધો. માએ માલતીવહુનું મોં જોયા પછી શાંતીથી દેહ છોડ્યો. શોક હળવો થયો. રાજુને માલતી ગમતી હતી. માલતીને રાજુનું ઘર ગમ્યું. પૈસાની છૂટ ગમી. માલતી સુંદર હતી. નખરાળી હતી. શણગાર અને સિનેમાની શોખીન હતી. રાજુને પણ ગમી ગઈ હતી. બહેનો ઠેકાણે પડી હતી. એના સંસારમાં સુખી હતી. બહેન ભાણજાઓને વર્ષોથી બહાર રહેતા ભાઈની માયા કરતાં ભાઈના પૈસા અને ભેટ સોગાદની માયા વધારે હતી.

 લગ્ન પછી ત્રણ મહિનાનું હનીમૂન માણી તે શીપ પર પાછો ફર્યો..

 દોસ્તો મશ્કરી કરતા. બિચારો ચાખેલ વાઘ હવે છ મહિના ભૂખો રહેશે. રાજુ શીપ કલ્ચરથી જાણીતો હતો. કાયદેસર કશું જ કરી શકાતું નહીં. અંદરખાને બધું જ થઈ શક્તું. ઘણાં શીપમાં કામ કરતા યુવક યુવતિઓ એ રીતે જીવવાને ટેવાયલા હતા. એમની સાહજિક શારીરિક જરૂરીયાત કશાય છોછ વગર સંતોષી લેતા. પણ રાજુતો માલતીના નખરામાં નંદવાઈ ગયો હતો. પરીઓ જેવી યુરોપીયન છોકરીઓની એને પરવા ન હતી.

 એક વાર હસતા રમતા સ્ટેલાએ એને બે ચાર મિત્રોની હાજરીમાં જ પુછ્યું હતું,

રાજુ ઈફ યુ વીશ….

 અને રાજુએ ગંભીરતાથી જવાબ વાળ્યો હતો, હું તો અહીં ભોગવી લઉં પણ ત્યાં મારી માલતી તડપતી જ રહેને? તે શીપમાંના જ સારા નિષ્ઠાવાન આધેડ મિત્રોનો દાખલો આપતો. ઈંડિયામાં બીજા રાજ્યોમાંથી કેટલાયે પરિણીત પુરુષો એકલા મુંબઈ જેવા મોટા સહેરમાં આવે. પતિ પત્ની એકલતા ભોગવીને પણ વફાદારી અને કુટુંબ જાળવી શકે તો હું કેમ નહીં?

 એ લશ્કરી જવાનોનો દાખલો આપતો. એ જાણતો હતો કે સ્ટેલા એના કરતાં મોટી હતી અને બીજા કરતાં નોખી હતી.

 સ્ટેલા બે વર્ષની હતી ત્યારે એના માબાપ સાથે રશિયાથી અમેરિકા આવી હતી. છ વર્ષની થઈ પછી માબાપે ડિવૉર્સ લીધા. માબાપે બીજા લગ્ન કરી લીધા. બે વર્ષ સૂધી મા અને નવા બાપ પાસે રહી. મા મરી ગઈ. સાવકા બાપે એને ફોસ્ટર હૉમમાં મૂકી. સુંદર હતી. સોળ વર્ષની ઉમ્મરે બોયફ્રેન્ડ, ગર્ભવતી બનાવી ચાલતો થયો. એબૉર્શન કરાવ્યું. હૉટલમાં વેઈટ્રેસ થઈ. વીશ વર્ષની ઉમ્મરે તેણે ક્રુઝશીપ પર કામ શરૂ કર્યુ. એ વાતને આજે બાવીસ વર્ષ થઈ ગયા. આખી દુનિયામા ફરી. શાલીનતા વધી. ઠરેલતા વધી. દરિયો એનું જીવન બની ગયું.

 છેલ્લા આઠ વર્ષથી તે રાજુ સાથે કામ કરતી હતી. એના પર કોઈ વણલખ્યો અધિકાર હતો એમ માનતી હતી. રાજુ પર કોઈ અગમ્ય કારણસર  એને વ્હાલ હતું. સ્ટેલાનો પ્રભાવ જ એવો હતો કે એની સાથે સૌએ આદરથી વાત કરવી પડે.

 “ સ્ટેલા  રડતા રાજુને પ્રેમથી પૂછતી હતી… “વૉટ હેપન્ડ?

રાજુ આજે સવારે ઈન્ડિયાથી આવીને સીધો શીપ પર  ઓફિસર અને મૈટ્રી ડીને રિપોર્ટ કરી હાજર થઈ ગયો.  આખો દિવસ યંત્રની જેમ કામ કર્યું. બાર કલાકની શિફ્ટ પુરી કરી રૂમમાં આવી રડતો હતો.

 ત્રણ મહિનાની છુટ્ટી પર જવાનો હતો તે પહેલા માલતીનો મેસેજ હતો. તે પ્રેગનન્ટ હતી. રાજુ ઘેલો થઈ ગયો. જ્યાં જ્યાં શીપ થોભતું ત્યાથી રમકડા અને માલતીને માટે ખરીદીના ઢગલા કરતો. ત્રણ મહિના માલતી સાથેના સંવનન માટે ગયો ત્યારે મિત્રોએ રમુજી પાર્ટી આપી હતી.

 આવ્યો ત્યારે બરબાદ થઈને રડતો આવ્યો હતો.

 ‘સ્ટેલા, હવે મારા જીવનમાં બાકી શું રહ્યું? શા માટે જીવવું. મારે ફ્લોર પર કામ નથી કરવું. હું કિચનમાં જ ગોંધાયલો રહીશ. હું હવે હસીને બીજાને હસતા ન રાખી શકું. મારું જીવન બરબાદ થઈ ગયું.’

 ‘એય, બેબી, સીધી વાત કર. તારા બેબીને કંઇ થયું. એ ઓલરાઈટ છે ને?’

મારું બેબી?’

‘ના સ્ટેલા ના.’

‘એ તો માલતીનું બેબી…. અહમદનું બેબી.’

‘વ્હોટ?’

‘હું હું ઈન્ડિયા ગયો ત્યારે મને એમ હતું કે માલતી અને મારી બહેનો મને મુંબઈ લેવા આવશે. કોઈ જ ન હતું. હું ગામ પહોંચ્યો. ઘરમાં પ્રવેશ્યો. દિવાનખંડમાં એક ઊંચો કદાવર માણસ સોફા પર લંબાવીને સીગરેટ પીતા પીતા ટીવી પર ક્રિકેટ મેચ જોતો હતો. એણે મને કહ્યું માલતી બહાર ગઈ છે. અત્યારે બહાર ઓટલા પર બેસ. માલતી આવે પછી વાત કરશે. મારે માલતીની રાહ જોવી પડી.’

 ‘માલતી આવી. મારી બેગ ઘરમાં મૂકી. ઓટલા પરથી જ કહ્યું હવે આ મારો હસબંડ છે. આ બેબી પણ એનું જ છે. અને આ ઘર પણ હવે મારું જ છે. શું તું એમ માને છે કે આ જુવાની મારે મર્દ વગર જીરવવાની?’

 તને ખબર છે ભૈયાઓને ત્યાં પણ ધોતીપુત્રો થતા. સલામતી ચાહતો હોય તો અત્યારે જ ચાલતો થા. હવે તારે અને મારે કોઈ સંબંધ નથી. ગેટ આઉટ. આ બધુંજ હવે મારું છે. મારું ખરું નામ માલતી નથી. મુમતાઝ છે. ચલે જાવ યહાંસે.’

 ‘મને તમ્મર આવી ગયા. મહોલ્લામાંથી વર્ષો જૂના ઓળખતા પાડોસીઓ મને જોતા હતા પણ અહમદના ધાકથી મદદે ન આવ્યા. બહેન બનેવીઓએ કહી દીધું ભાઈ તારાથી આ ધરતીની ગુંડાગીરીમાં ન જીવાય. અમારાથી તને કાંઈ મદદ થઈ શકે એમ નથી તું પાછો દરિયાઈ વણજારો બની જા. શક્ય હોય તો અમને થોડા થોડા પૈસા મોકલતો રહેજે. હવે તને પૈસાની શું જરૂર છે. સ્ટિમરમાં રહેવા ખાવાનુંતો મફત હો છેને?

 ‘સ્ટેલા કોને માટે જીવવાનું? ક્યાં જીવવાનું? મરવું તો દરિયે ડૂબી મરવું. આઈ કેન નોટ સ્માઈલ, આઈ કેન નોટ લાફ, વ્હાઈ શુડ આઈ લીવ?’એ આંખો વીચીંને આંસુ વહાવતો રહ્યો.

 ‘માઈ ફ્રેન્ડ આઈ એમ સોરી ફોર યુ ડિયર. કામ ડાઉન. જીંદગી જીવવા માટે છે. મરવાનું તો બધાને જ છે. પણ મળેલી જીંદગી જીવી લેવાની. હું તમારા હિન્દુઓની જેમ પુનર્જન્મમાં માનતી નથી. જે સુખ દુખ ભોગવવાના હોય તે અહીં જ ભોગવવાના છે. માય ડિયર હજુ તો તું ખૂબ જુવાન છે. જીવનમાં ઘણા સારા ખરાબ સાથીદારો આવતા અને જતા રહેશે. દર અઠવાડિયે ક્રુઝના આવતાં અને જતાં પેસેન્જરની જેમ જ.  બી બ્રેવ માય ફ્રેન્ડ. આપણે સાથે રહીશું. સાથે કામ કરીશું. સાથે જીવીશું. થશે ત્યાં સૂધી શીપ પર રહીશું. સાથે મજા કરીશું. હું પણ એકલી જ છું ને? મને પણ સાથ જોઈએ છે. હું અમેરિકન છું. આપણે લગ્ન કરીશું. હું તારી મામાવાઈફબનીશ. અમેરિકામાં એક નાનું ઘર વસાવીશું એક નાની રેસ્ટોરાંટ ખોલીશું. વીલ યુ મેરી મામાવાઈફ‘?   પ્લીઝ ડોન્ટ ક્રાય. બી હેપી. આઈ લવ યુ.

 સ્ટેલા બોલતી હતી. એની આંખો બંધ હતી. એના આંગળા રાજુના ગુંચળાવાળા વાળમાં ફરતા હતા. રાજુ સ્ટેલાની ઉન્નત છાતી પર મસ્તક રાખી નિદ્રાધિન થઈ ગયો હતો. એણે કશું સાભળ્યું ન હતું.

 સાંભળ્યું હતું, માત્ર રાજુના રૂમ પાર્ટનર સુધાકરે. એ હળવેથી રૂમમાં દાખલ થયો હતો. એણે એક વિશિષ્ટ સંબંધની મમતાના દર્શન કર્યા હતા. એ ચૂપકીથી ભીની આંખે પાછો ડેક પર ચાલ્યો ગયો.

 

8 thoughts on “પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તા-૧૧-‘મામાવાઈફ’

 1. pravinbhai,
  mamawife is very touching story you have depicted with deep emotion and problem of marine life or similar life when people come to mumbai without wife–and what all extreme can happen- even otherwise also ladies has to listen and are seen with doubt–that they have unwanted relation with some man. charactr of Stela is really great.

  Liked by 1 person

 2. સ રસ વાર્તા
  લેખકના શબ્દોમા-‘વર્ષોથી દર દોઢ બે વર્ષે ક્રુઝમાં જવાનુ રખું છે. આ વાર્તાનું કથાબીજ એક લક્ષદીપ આઈલેન્ડ ના એક છોકરા સાથે થયેલી વાત પર રચાયલું છે. ‘ અને તેથી વાર્તાના સ્થળ અને કથા વધુ અસરકર્તા લાગે છે.
  અમેરિકામાં રહેતા ઘણા ભાઈઓના કેસમાં પણ આવું જ હોય છે.મનથી એક બીજાને પ્રેમની લાગણીથી વરેલા રાજુ અને સ્ટેલા લગ્ન કરી જીવન સાથી બનીને રહે તો કશું ખોટું શું ? . સાચું સગપણ પ્રેમનું હોય છે .ગ્લેમરસ લાઈફ પાછળ પણ ઘણી વેદનાઓ છૂપાયલી હોય છે. એડલટરીની વાતનો ઇશારો આવ્યો…પણ અમને –
  ‘કુછ તો લોગ કહેંગે, લોગોં કા કામ હૈ કહના,
  છોડો બેકાર કી બાતોં મેં ક્યું ભીગ ગયે તેરે નૈના…!’
  ગીતની યાદ અપાવી અને ધાર્યું મધુરો અંત આવશે.પણ સામાન્ય જીવ માટે પ્રેમતત્ત્વને સમજવું કઠિન ! કરુણા અનુભવાશે પણ કરુણામાં એક માત્રા ઓછી કરી નાખી …જો કે કરુણરસ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ભવભૂતિ તો એવું કહે છે કે દુનિયામાં એક જ રસ પ્રધાન છે. અને એ કરુણ રસ છે. જાણીતી વાત -હૈ સબસે મઘુર ગીત વો, જો દર્દ કે સૂરમેં ગાયે જાતે હૈ!
  કરૂણ ઘટના પણ ઇચ્છાપૂર્તિ થી વિગલીત થઇ સંતોષનો આનંદ આપશે

  Liked by 1 person

 3. ક્રુઝમાં લાંબો સમય પરિવારથી દૂર રહીને પણ પરિવાર માટે પરવા કરતા આવા જ એક યુવકની મનોવ્યથા જોઈ છે. રાજુ નસીબદાર છે જેને સ્ટેલા જેવી સમજદાર- વ્હાલસોયી શુભચિંતક મળી છે.
  સુંદર કથન.

  Liked by 1 person

 4. માણસનું શરીરશાસ્ત્ર અને માનસશાસ્ત્ર….સાયકોલોજી….બઘુ જ શરીરમાં શ્રાવ થતાં જુદા જુદા કેમીકલોને લીઘે ચાલે છે. ઇમોશન્સ અને શારિરિક ભૂખ…..બઘુ જ. પ્રવિણભાઇઅે જે વિષયને મઘ્યમાં રાખીને આ વાર્તા રચી છે તે સત્યની સાબિતિ છે. આ હકીકત છે. રાજુને જે પ્રેમાળ મિત્ર મળી…સ્ટેલા, તે પણ શારિરિક માર ખાઇને ઘડાયેલી યુવતી છે. તે મેચ્યોર થયેલી યુવતી છે. તે રાજુનું દુ:ખ સમજી શકતી હોય છે. અને તે રાજુને શોકમાંથી બહાર લાવીને સમજણપૂર્વકની જીંદગી સાથે સાથે જીવવાની ઓફર કરે છે. બસ રાજુનું જીવન આજથી સુખના સાગરમાં ડૂબી ગયું….તે સ્ટેલાની છાતી પર માથું મુકીને સુખેથી નિન્દ્રાઘિન થયો….સુખાન્ત. પ્રવિણભાઇ સાચે જ મનના સચોટ વાચક બની ગયા છે. હાર્દિક અભિનંદન.

  Liked by 1 person

 5. શાસ્ત્રીજી, આપની વાર્તા ગમી. એક વાર મેક્સીકોની ક્રૂઝમાં કાનપુરથી આવેલો ભારતીય વેઇટર મળ્યો હતો. છ – છ મહિના પરિવારથી દૂર રહેનારા એકાકિ ભારતીયોની વ્યથા આપે સુંદર રીતે વર્ણવી છે. આપના અનુભવો સરસ રીતે વાર્તામાં ઉતારી અને અમને પીરસી તે માટે આભર.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s