ઉછળતા સાગરનું મૌન ( સપના વિજાપુરા )


પ્રકરણ -૧૪

નેહા સાગરને મળીને ઘેર જવા નીકળી. પગ જાણે સાંકળ થી બંધાઈ ગયાં હોય એમ લાગતું હતું. પગ પાછાં પડતાં હતાં. પણ, ઘેર પહોંચી ગઈ. આકાશની કાર બહાર પાર્ક કરેલી હતી. નેહાને જાણે ચક્કર આવી ગયાં. બસ, બધું ખલાસ થઈ ગયું. કાંઈ બચ્યું નહીં, આટલા વરસોની મહેનત પર, અંતે તો પાણી ફરી વળ્યું! એમાંયે હવે આકાશ એના મા-બાપની ઈજ્જત ધૂળમાં મેળવશે, એ જુદું! નેહા પગ ઘસડતી ઘરમાં દાખલ થઈ. આકાશ સોફા પર બેઠો હતો. નેહાએ સ્મિત કરવા પ્રયત્ન કર્યો. આકાશ ધૂંઆપૂંઆ દેખાતો હતો.

આકાશે પૂછ્યું,” ક્યાંથી આવે છે, નેહા?” અવાજમાં કડકાઈ હતી. નેહા સમજી ગઈ, “બજારમાં ગઈ હતી.” આકાશ ધડાકથી ઊભો થઈ ગયો. નેહાની નજીક આવ્યો. એના વાળ જોરથી ખેંચીને ત્રાડ પાડી,” સાચું બોલ નહીંતર ગળું દબાવી દઈશ. સાચું બોલ! સાલ્લી…. આવારાગર્દી કરે છે સાગર સાથે!”

નેહા ધ્રુસકે ધ્રુસકે રડી પડી. “છોડ. આકાશ મારા વાળ તણાય છે. તું સમજે છે એવું કાંઈ નથી. મારી વાત

તો સાંભળ.” આકાશે ફરી ત્રાડ પાડી. “મને ખબર છે તારા યાર સાથે, મારી પીઠ પાછળ, હોટલમાં જાય છે, રેસ્ટોરાંમાં જાય છે. સા…..લી! બીજું શું, શું કરે છે, મારી પીઠ પાછળ?” એમ કહીને, આકાશે નેહાને જમીન પર પટકી. નેહાએ આકાશના પગ પકડી લીધાં રડતાં, રડતાં બોલી, “આકાશ, તું માને છે એવું કશું જ નથી. હા, મળી છું સાગરને, પણ,.. પણ તું મારી પૂરી વાત તો સાંભળ. વાત તો સાંભળ.”

અચાનક જ, આકાશે નેહાના બરડામાં અને પેટમાં જોરથી લાત મારી. ”મારે તારી કોઈ વાત સાંભળવી જ નથી! સા…લી, ચરિત્રહીન. તારા અને તારા મા-બાપના સંસ્કાર જોઈ લીધાં! લગ્ન પહેલાં પણ શું શું નહીં કર્યુ હોય!” નેહા રડતી રહી. કાંઈ બોલી શકી નહીં. આકાશ એને બોલવા જ દેતો ન હતો.  અને, એ અચાનક જ મૌન બની ગઈ અને પથ્થર પરથી પાણી વહી જાય એમ, આકાશના બધા મનઘડત આરોપો સાંભળતી ગઈ.  નેહાને કહેવું હતું, “આકાશ એકવાર જો મને બોલવા દે તો હું ખુલાસો કરું. પણ, મારા શબ્દો આકાશના પાયા વિનાના આરોપોની વર્ષામાં જ વહી જવાના હોય, આકાશના મનમાં ઊતર્યા વિના, તો કશું પણ બોલવાનો અર્થ યે શું હતો?”  આકાશ બોલતો રહ્યો,” ખબરદાર, જો ઘરની બહાર પગ મૂક્યો છે તો! તારું ગળું જ દબાવી દઈશ. શું સમજે છે તારા મનમાં? પૈસા મારા અને મજા-મસ્તી મનાવે છે, જૂના યાર સાથે! વાહ, આ તો કહેવું પડે..! પતિ ગમતો નથી એટલે ખુલ્લે આમ, લાજ-શરમ નેવે મૂકી, પ્રેમી સાથે ફરે છે! તું હવે જોજે…! તારા કેવા હાલ કરું છું તે…! તું એ જ સાબિત કરવા માંગે છે ને, કે, હું નપુસંક છું, તો કાન ખોલીને સાંભળી લે, કે, એ તો હું કદી બનવા નહીં દઉં! હું તારી બચ્ચાની ઈચ્છા પૂરી નથી કરી શકતો, એટલે જ સાઈડમાં પ્રેમી રાખે છે, એ જ છે ને તારો બચાવ…? ” આકાશનો આ પ્રલાપ અને અપશબ્દોનો વરસાદ અવિરત ચાલુ હતો.

નેહા બે પગ વચ્ચે માથું છુપાવી રડતી રહી ને મનોમન એક જ પ્રાર્થના કરતી રહી કે, ‘હે ભગવાન, કઈંક એવું કર કે એક વાર આકાશ શાંતિથી મને સાંભળી લે, બસ, એક વાર, બસ, એક વાર..!’ પણ, હજુ કઈં એ સમજે કે સમજાવે તે પહેલાં જ, અત્યંત ક્રૂરતાથી આકાશે નેહાને પગથી પાટુ મારી અને પાછળ વળીને જોયા વિના જ એ બેડરૂમ માં જતો રહ્યો..! સર્વનાશ થઈ ગયો. હવે કાંઈ જ કહેવા કે કરવાનો અવકાશ જ નહોતો બાકી રહ્યો…!

નેહા લિવિંગરૂમમાં, ઘૂંટણિયાવાળીને કણસતી બેસી રહી. એ હવે શું કરે? શરીરમાં, મનમાં અને દિલમાં અસહ્ય દર્દ થતું હતું. શું એ સાગરને ફોન કરે? ના, ના, આકાશ સાંભળી લેશે તો? એક વાર સાગરને ઈન્વોલ્વ કરવાની ભૂલ કરી, પાછી નહીં. આ કિસ્સાથી સાગરને દૂર જ રાખવો છે. આંખોમાંથી આંસું વહી રહ્યા હતાં. અસહાય બની ગઈ હતી. એને લાગતું હતું કે આખી દુનિયામાં એ જ એકલી છે, એનું જ કોઈ નથી પોતાનું! કોની પાસે જવું અને કોને શું કહવું? એક દોસ્ત હતો, સાગર, એને પણ હવે બોલાવાય એમ નથી…!.ન જાણે નસીબ શા માટે આવી કસોટી કરે છે, શા માટે? આખી રાત એ ત્યાં જ, લિવિંગરૂમમાં, જમીન પર, દુખાવામાં અર્ધબેભાન, સૂઈ રહી. કોઈ પૂછવા પણ ના આવ્યું, કે, તને પાણી જોઈએ છે કે તને ક્યાં વાગ્યું છે! જો કે, આટલું બધું થયા પછી, આવી કોઈ પણ આશા આકાશ પાસેથી રાખવી સાવ નિરર્થક જ હતી. લગ્નના આટલા લાંબા ગાળામાં, આકાશે એના માથા પર કદીયે પ્રેમથી હાથ નથી ફેરવ્યો, કે, નથી વહાલ કર્યું. હા, પોતાની વાસના પૂરી કરવા ઘણી વાર એનાં શરીરને પીંખી નાખ્યું છે, પણ પ્રેમથી કે વહાલથી હાથ પકડ્યો નથી. આકાશે એનો અને એના શરીરનો દુરુપયોગ કર્યો છે, પણ, આત્મા સુધી એ ક્યારેય પહોંચ્યો નથી. આવી વ્યકિતનું મારા જીવનમાં હોવું, ના હોવું, બન્ને સરખું છે. “હવે હું ડરવાની નથી. મારે આ નામના સંબંધનાં જાળાં તોડવા જ રહ્યાં…! મારે આ નિર્બળતાને ખંખેરીને ઊભા થવું જ પડશે.” રાત પડી ગઈ હતી. કણસતી, કણસતી, નેહા ઊભી થઈ. અર્ધખુલ્લા બેડરૂમના દરવાજામાંથી આકાશના નસકોરાનો અવાજ આવતો હતો. નેહાએ સાગરનો નંબર ડાયલ કર્યો. સાગરે ફોન ઊપાડ્યો.  “સાગર, મને છોડાવ અહીંથી. આ કેદમાંથી. નહીંતર હું મરી જઈશ. ગૂંગળાઈને.” સાગરે કહ્યું,” હું હાલ આવું છું. હું તારાં માટે જ આટલી દૂર સુધી આવ્યો છું. મારું દિલ કહેતું હતું કે નેહાને મારી જરૂર છે.” નેહા બોલી, “ના, તું સવારે જ આવજે આકાશ જાય ત્યારબાદ લગભગ નવ વાગે. હું તારી સાથે ચાલી નીકળીશ. હું આવી રીતે ગુંગળાઇને મરવા નથી માગતી. મારા મા બાપ દુઃખી થઈ જશે અને હું આકાશનાં જુલમ પણ હવે નહીં સહન કરું.” નેહાએ ફોન રાખી દીધો. એને ખૂબ શાંતિ લાગતી હતી. નેહાનું મન એક મક્કમ નિર્ણય પર આવી ગયું હતું. “બસ, આ બિચારાપણું છોડવાનો સમય આવી ગયો છે. આકાશના બધા જ જુલમ સહન કર્યા. હવે બસ, વધારે નહીં. સમાજને જે કહેવું હોય તે કહે. સમાજના માથા પર આકાશ નામનો ડાઘ છે. હું નથી. જે પુરુષ સ્ત્રીની આમન્યા નથી કરી શકતો. માન નથી આપી શકતો, પોતાની જીવનસંગિની સાથે રમત રમે છે અને મેણાં-ટૂણાં મારી એની આત્માનું હનન કરે છે, એવા પુરુષ સાથે જીવવું પાપ છે!”

એકાદ બે પળ તો, નેહાને પોતાની જાત પર જ ઘૃણા ઊપજી, એની આ સહનશક્તિ જ આજે એના માટે અભિશાપ બની ગઈ…! જ્યારે આકાશે અનેક પ્રયત્નો પછી પણ પોતાની પિતા બનવાની ક્ષમતા માટે તબીબી તપાસ માટે ઘસીને ના પાડી, ત્યારે જ એણે આકાશને એના પુરુષ હોવાના મિથ્યા અભિમાનને સમજીને, છોડી દેવાની જરૂર હતી! નેહા મનમાં વિચરતી રહી કે “આ માણસ સાથે રહીને હું શું કરું? મારું કોઈ ભવિષ્ય આ માણસમાં મને નથી દેખાતું! ઊલટાનું લાગે છે કે, જો બે ચાર વરસ વધારે અહીં કાઢીશ તો કાં તો મેન્ટલ હોસ્પિટલમાં પહોંચી જઈશ અથવા મૃત્યુને ઘાટ ચડી જઈશ.”

નેહાએ નક્કી કરી લીધું હતું કે આનો અંત હવે આવવો જ જોઇએ અને આવશે જ! “કાલે સવારે હું સાગર સાથે ઊપડી જઈશ.  હું સાગર પર બોજ નહીં બનું પણ આ કેદમાંથી નીકળી હું મમ્મી પપ્પા પાસે જઈશ. બસ, આ જીવતા નરકમાંથી સવારે નીકળી જઈશ! આકાશના નામ સાથે, આકાશ સાથે હવે રહ્યા-સહ્યા દુભાયેલી લાગણીના સહુ તાંતણાં, એની છેલ્લી પાટુ સાથે જ તૂટી ગયાં!” આ વિચાર સાથે જ, નેહા સ્વસ્થ થઈને ઊભી થઈ, પાણી પીધું ને સોફામાં જઈ સૂઈ ગઈ. કાલની ઉષા નવા સૂરજને લઈને આવવાની હતી.

પ્રકરણ-૧૫

નેહાને ઘણાં સમય પછી નિરાંતે ઊંઘ આવી પોતે કરેલા મક્કમ નિર્ણય પર પોતાને જ સંતોષ થયો હતો. ઘણી વાર માણસને વસમી ને વરવી પરિસ્થિતિઓ કરતાં, આ પરિસ્થિતિઓમાંથી નીકળવાની વિટંબણા અને વિમાસણ મારી નાખે છે. જ્યારે મનની આવી ડામાડોળ હાલત હોય, ત્યારે, માર્ગ પણ ધૂંધળો દેખાય, મંઝિલના આસાર દૂર, દૂર સુધી ક્યાંય ન દેખાય અને મનને આત્મવિશ્વાસનો અભાવ આ વરી લે. એમાંયે ભગવાન પ્રત્યેની અશ્રદ્ધા, કોઈ પણ નિર્ણય લેતાં દુર્બળ બનાવે દે છે. ઘણીવાર, આવી સ્થિતિમાંથી નીકળતાં વરસો લાગી જતાં હોય છે, કારણ, માણસની સહનશક્તિનો ગુણ જ દુર્ગુણ બની જાય, જેને કારણે, વખતસર નિર્ણય લઈ ન શકાય. અને, જ્યારે નિર્ણય લે, ત્યારે એવું યે બને કે ઘણું મોડું પણ થઈ ગયું હોય! હા, એક અરેબિક કહેવત યાદ આવી ગઈ, કે, “ઊંટ પર લાકડાં મૂકતાં જાઓ મૂકતાં જાઓ અને ઊંટ એ વજનને સહન કરીને ઊભું રહેશે, પણ, છેલ્લું એક તણખાના વજનનું લાકડું મૂકાતાં, વજન સારવાની ઊંટની ક્ષમતાનો અંત આવી જાય અને ઊંટ બેસી જાય છે. બસ, પછી એ ઊંટ ઊઠી નહીં શકે.” અંગેજીમાં પણ આવી જ એક કહેવત છે, “The last straw on camel’s back” – “ઊંટની પીઠ પર છેલ્લું તરણું.”- નેહા પર પણ, આકાશના જુલ્મોનો છેલ્લો વજ્રપ્રહાર થઈ ચૂક્યો હતો. એને માટે, આકાશના આ માર અને પાટુ, “The last straw on camel’s back” બની ચૂક્યા હતા અને નેહાએ નક્કી કરી લીધું હતું કે,    બસ…હવે બસ, “નો મોર નાઉ!”

નેહા ઊઠી અને જરા પણ ગુસ્સે થયા વગર કે વિચલિત થયા વગર, રોજની જેમ, ઘરની વ્યવસ્થામાં અને સવારની નિત્યક્રિયામાં પરોવાઈ ગઈ. આકાશ હજુ ગુસ્સામાં લાગતો હતો. અને, આ શું સાડા આઠ વાગ્યા હતાં, તોય આકાશ ઊભો નથી થતો તૈયાર થવા નથી જતો. થોડી વાર પછી આકાશ શોપ પર ફોન કરતો હતો. “હા, સુરેન્દ્ર, આજ હું શોપ પર નથી આવવાનો. તમે દુકાન સંભાળી લેશો. હું ઘરે જ છું. તમને જરૂર પડે તો ફોન કરજો.”

નેહા સાંભળી રહી અને એને એક ધ્રાસકો પડ્યો કે હવે શું? આકાશ તો શોપ પર નહીં જાય અને સાગર નવ વાગે આવી જશે તો? નેહાને થયું, “સાગરને ના પણ શી રીતે પાડું? આકાશ તો સામે જ બેઠો છે, મારે આકાશ સાથે વાત કરી લેવી જોઈએ, થોડો ખુલાસો…. પણ, આકાશ સાંભળવા તૈયાર થાય તો વાત કરું ને? તો, ચાલ, બાથરૂમમાં જઈને સાગરને ચૂપચાપ ફોન કરવાનો પ્રયત્ન કરું. નેહા બાથરૂમમાં મોબાઈલને ગઈ. ધીરેથી નંબર ડાયલ કર્યો. ધીમા અવાજમાં હલો કર્યુ. પણ, આકાશ એની પાછળ જ હતો, એનો નેહાને ખ્યાલ ના રહ્યો અને આકાશે ધક્કો મારી બાથરૂમનું બારણું ખોલી નાખ્યું. “કોની સાથે વાત કરે છે?” આકાશે ફોન આંચકીને, નેહાને બાવડાથી ઘસડીને બાથરૂમની બહાર લઈ આવ્યો. સામે છેડે, નેહાએ સાગરને જોડેલો ફોન હજુ ચાલુ જ હતો. આકાશ નેહાને ઘસડતો રહ્યો અને નેહા સતત રડી રહી હતી પણ આ વખતે કોઈ ડર વિના એને જે કહેવું હતું, એ કહેતી રહી, “આકાશ, મારી વાત સાંભળી લે. એકવાર બસ, એકવાર સાંભળી લે.  હું તને વિનંતી કરું છું, પછી તારે જેમ કહેવું હોય તે કહેજે અને જેમ કરવું હોય તેમ કહેજે. પ્લીઝ, મારી વાત એક વાર સાંભળી લે.” આકાશની આંખોમાંથી આગના તણખાં ઝરતા હતા. નેહા ધ્રુસકે, ધ્રુસકે રડી તો રહી હતી, પણ, નેહાએ આજે આર યા પાર કરવાનું નક્કી કરી લીધું હતું. નેહાને હવે તો ડરનો પણ ડર નહોતો રહ્યો.

નેહા બોલી, “હા, હું સાગરને મળવા ગઈ હતી. આકાશ, તેં મારી સાથે, સુહાગરાતથી માંડીને આજ સુધી, કેવો વ્યવહાર કર્યો છે? તારાથી છૂટકો પામવા મેં આત્મહત્યા કરવા પ્રયત્ન કર્યો હતો અને એ દિવસે જ મને સમજ પડી ગઈ હતી કે તું માણસ નહીં, પણ એક એવો પથ્થર છે, જેને, ઈશ્વર પણ પીગાળાવી શકવા સમર્થ નથી! મને હતું કે હું ‘મા’ બનીશ તો મારાં બધાં જ દુઃખ ભૂલી જઈશ, પણ, એ ઈચ્છા પ્રી ન થઈ શકી. હું મેડિકલ તપાસ કરાવી આવી પણ, તેં તો ડોક્ટર પાસે જવાની જ “ફ્લેટ, આઉટ રાઈટ” જ ના પાડી દીધી અને એક પણ પ્રયત્ન ના કર્યો. મને મારું જીવન અર્થહીન લાગવા માંડ્યું હતું. આટલા વરસમાં ન તું મને સુખ આપી શક્યો અને મારા દરેક પ્રયત્ન છતાં, હું તને સુખ ના આપી શકી .શારિરીક રીતે પણ પ્રેમ અને ભરોસાના અભાવને લીધે, આપણે સાચા અર્થમાં ઐક્ય અનુભવી ન શક્યાં અને પતિ-પત્ની ના બની શક્યાં. ભલે, પછી, સમાજ અને ઈશ્વરની નજરમાં આપણે સાત ફેરા ફર્યા! સુહાગ રાતે તારા પૂછેલા એક સવાલ થી અને મારા આપેલા એક જવાબથી આપણે સામસામી ક્ષિતિજો પર ફેંકાઈ ગયાં કે ફરી કદી મળી જ ના શક્યાં. આવી જિંદગીથી કદાચ તને વાંધો ન હતો, પણ, હું તો રોજ સો વાર મરતી હતી અને રહેતાં, રહેતાં, ફરીને કદી જીવતાં થવા માટે ઈચ્છા પણ ન રહી.” નેહાની આંખમાંથી આંસુ હજુયે વહી રહ્યાં હતાં, પણ એણે કાંપતા અવાજે આગળ કહ્યું, “મને લાગ્યું, કે, મારે કોઈને વાત કરવી જોઈએ. બાળક માટે ડોક્ટરને મળવા તું તૈયાર ન હતો તો સાઈકોલોજિસ્ટને ક્યાં મળવા આવવાનો હતો? જિંદગીનો બોજો વેંઢારતાં, હું થાકી ગઈ હતી. મા બાપને કાંઈ કહી શકતી ન હતી, ને, મિત્રો તેં રહેવા જ દીધાં નહીં. મારા શ્વાસ રૂંધાતા હતાં.

હું કાકીને ત્યાં ગઈ, ત્યારે સાગરને મળી.  હું જુઠ્ઠું નહી બોલું. હા, મને સાગર સાથે પ્રેમ હતો, પણ, જે ક્ષણે તારી સાથે લગ્ન કરવાની હા પાડી, તે જ ક્ષણથી સાગર મારું અતીત બની ગયો હતો. પણ, તું સાગરના નામે, આપણા વર્તમાન અને ભવિષ્ય, બેઉની પળેપળ ભરતો રહ્યો, એ રીતે, કે, મારી પાસે સાગરને ભૂલવા માટે કોઈ અવકાશ જ નહોતો બચ્યો!  કોલેજ સમયના એ પ્રેમના કુમળા છોડને, તેં જ મોટું, અડીખમ વૃક્ષ બનાવી દીધું. હા, તે દિવસે સાગર મારી જીદ સામે હારીને, લગ્ન પછી પહેલી વાર મને મળવા આવ્યો હતો. પણ, અમે માત્ર વાતો જ કરી. એક સમયે મને વિચાર પણ આવ્યો કે મા બનવાનું સુખ સાગર પાસેથી મેળવું, પણ, મા-બાપના સંસ્કારોએ જ અમને એ નબળી ક્ષણોમાંથી ઊગાર્યાં. પણ, મહેશભાઈ અમને હોટેલ ની બહાર જોઇ ગયા, બસ, આટલું જ થયું હતું.” નેહાની આંખો વરસતી હતી અને ડૂસકાં શમતાં નહોતાં.

આકાશ થોડી વાર ચૂપ રહ્યો અને નેહાને કહે, “તારી વાત હું માની લઈશ, એમ તને લાગે છે? બધી વાત માની લઉં પણ હોટેલ માંથી તું પવિત્ર બહાર આવી કેવી રીતે માની લઉં? એ તો તું કદી સાબિત નહીં કરી શકે કે તું પવિત્ર છે. તું હાલ ને હાલ આ ઘરમાંથી નીકળી જા અને તારું કાળું મોઢું કર અહીંથી!”

નેહા સ્વસ્થ થઈ, અને આ સાંભળીને ટટ્ટાર થઈને બોલી, “આકાશ, મેં એકે એક અક્ષર સાચો કહ્યો છે અને તને સાગર પર ભરોસો ન હોય એ પણ હું સમજી શકું છું. પણ, તને તારી પત્ની પર જ વિશ્વાસ ન હોય તો મારે મારી પવિત્રતા સાબિત કરવાની કોઈ જ જરૂર નથી. ગઈ કાલે રાત્રે જ, હું તો આ તારું ઘર છોડીને, જવાનો નિર્ણય લઈ ચૂકી છું. જે પતિ, પોતાની પત્નીને સન્માન ના આપી શકે, ભરોસો ન કરી શકે, એ પતિ સાથે રહેવાનો અર્થ પણ શું છે? હું જીવીશ, માથું ઊંચું રાખીને જીવીશ. તારા અત્યાચારો આટલા વર્ષો સુધી નાહક મૂર્ખામીમાં મેં સહ્યાં. મને આશા હતી કે ક્યારેક આપણે સાથે થઈ શકીશું, સાગર નામના કાલ્પનિક પ્રોબ્લેમને બાજુ મૂકીને! બટ, ઓહ વેલ!”

આટલું કહીને નેહા બેડરૂમ માં જઈને બેગ પેક કરવા લાગી. આકાશ ગુસ્સામાં બહાર, લિવિંગ રૂમમાં આંટા મારતો હતો. આકાશને સમજ જ ન પડી કે ચૂપચાપ એના માર અને વાકબાણ સહી લેનાર નેહામાં આટલું બોલવાની અને એને છોડીને જતાં રહેવાની હિંમત, ઓચિંતી ક્યાંથી આવી? આકાશને હારવાની એની આદત ન હતી અને આજ નેહા એને માત આપી રહી હતી. આકાશ એક ઝનૂનમાં જ, એના બેડરૂમમાં ગયો અને એક કેબિનેટ ખોલી, જ્યાં એણે લાઈસન્સવાળી પિસ્તોલ રાખેલી હતી.

પ્રકરણ – ૧૬

નેહાની વાતોથી ઘવાયેલો, ધૂંધવાયેલો આકાશ ઊઠ્યો, અને ધીરે, ધીરે કેબિનેટ તરફ આગળ વધ્યો જેમાં પિસ્તોલ રાખેલી હતી. કદાચ, આકાશ લઘુતાગ્રંથિથી પીડાતો હતો. નેહા એને માત આપી જાય અને આકાશ કશું ના કરે એ તો કેવી રીતે બને? નેહા આકાશને છોડવા માગતી હતી, આકાશને? આકાશ જેવા પરફેક્ટ માણસને?  આકાશ માટે આ એના ઈગો પર થયેલો સૌથી મોટો ઘા હતો જે સહન કરવાની શક્તિ આકાશમાં હતી જ નહીં. આ ઘટના બને અને આકાશ એની સામે જીવ આપીને ન લડે, એવું તો થવાની કોઈ શક્યતા જ નહોતી. આવેશમાં આકાશે નક્કી કરી લીધું કે આ ઘરમાંથી ફક્ત નેહાની લાશ જ જશે, જીવતી નેહા એને છોડીને જાય જ કેવી રીતે? અને એ પણ, આટલો ધનવાન, આટલો દેખાવડો, લેટેસ્ટ ગાડીઓ, શાનદાર બંગલા અને સ્ટોક માર્કેટનો બેતાજ બાદશાહ, એવા આકાશને ઠુકરાવીને, નેહા જેવી મામૂલી સ્ત્રી જવાનું સાહસ કરે? આકાશ માટે હવે તો આ એની આબરૂનો સવાલ બની ગયો..!

અંદર, બેડરૂમમાં નેહા બૅગમાં કપડાં અને જરૂરી સામાન ભરી રહી હતી. ગુસ્સામાં કબાટમાંથી વસ્તુઓ લઈ બૅગ પર ફેંકી રહી હતી, અને, અચાનક એના હાથમાં એક પરબીડિયું આવ્યું, જેના પર આકાશનું નામ લખેલું હતું. નેહાએ એ કવર આગળપાછળ ફેરવીને જોયું તો ડૉક્ટરનો કોઈ રિપોર્ટ હોય એવું લાગતું હતું. ગુસ્સામાં, એણે પરબીડિયું ખોલ્યું તો ખરેખર ડૉક્ટરનો રિપોર્ટ હતો. રિપોર્ટમાં લખેલું હતું કે આકાશનાં વીર્યમાં પિતા બનવા માટે, જેટલા પ્રમાણમાં શુક્રાણુ હોવા જોઈએ, એ જ નહોતાં. એટલે કે આકાશ કદી બાપ બની શકે એમ ન હતો. નેહાએ તારીખ જોઈ, તો બે વરસ પહેલાનો રિપોર્ટ હતો. નેહાનાં હ્રદયમાં રહેલો દાવાનળ ફૂટી ગયો. એનું શરીર ધ્રુજતું હતું. આંખમાંથી આંસુ અને અંગારા એક સાથે વરસી રહ્યા હતાં. ”અહીં હું આકાશને કરગરતી રહી અને એક બાળક માટે તરસતી રહી જ્યારે આકાશે આટલી મોટી વાત, મારાથી, એની પત્નીથી છુપાવી? આકાશ ખરેખર માનવ છે કે દાનવ? જો મને સત્ય કહ્યું હોત તો મેં સહન કરી લીધું હોત! એની પત્ની તરીકે, આ વાત જાણવાનો સૌથી પહેલો મારો હક હતો!”

આકાશ કેબિનેટમાંથી પિસ્તોલ કાઢીને, પેન્ટના ખિસ્સામાં મૂકતો હતો. નેહાના હાથમાં રિપોર્ટ લઈને આકાશની સામે ધસી ગઈ. “આકાશ, આ રિપોર્ટ તારો છે? તેં આ રિપોર્ટ મારાથી બે વરસ છુપાવ્યો? હું તારી પત્ની છું કે કોણ છું?” નેહાનું શરીર થરથર શરીર કંપી રહ્યું હતું. આકાશ નેહાનો ઉપહાસ કરતો, દુષ્ટતાથી, જાણી જોઈને બોલ્યો, “તને જણાવવાની શું જરૂર હતી? તું ખાલી જીવ બાળત!” આકાશની આ અવહેલનાએ નેહાના સમસ્ત અસ્તિત્વને, એના પગ નીચે ક્ષણવારમાં જ કચડી નાંખ્યું હતું. નેહાના અવાજમાં ચીસ અને રૂદન ભળ્યાં, “જીવ બાળત? અરે, તેં મારો જીવ બાળવામાં શું બાકી રાખ્યું છે? મારા દિવસ-રાત, મારી આખી જિંદગી, કઈં પણ આગળ-પાછળ વિચાર્યા વિના, મેં તારા હવાલે કરી દીધી. પણ તેં મને શું આપ્યું? તું માણસ છે કે જાનવર છે? બાળક તો આપણે દત્તક પણ લઈ શક્યાં હોત. પણ આવી રીતે વાતને છુપાવીને, તેં મારો વિશ્વાસઘાત કર્યો છે. હવે, આ ઘરમાં, હું એક ક્ષણ પણ નહીં રહી શકું! તને તારું આ ઘર, તારી ઈજ્જત, તારા પૈસા, તારા બંગલા, બધું જ મુબારક. બસ, આજે હું મારી સ્વતંત્રતા લઈને જાઉં છું.  હું જ તને છૂટાછેડાનાં કાગળ મોકલી આપીશ. તારો અને મારો સાથ, એક ભયંકર સપનું હતો એમ માનીને ભૂલી જઈશ.” આટલું બોલીને નેહા ફરી રૂમમાં ચાલી આવી.

આકાશ પાસે શબ્દો ન હતાં. નેહા માત પર માત આપતી જતી હતી. વાંક આકાશનો હતો, પણ, કબૂલ કેવી રીતે કરે? નાની નાની વાતોમાં, બધાંને હાથે-પગે માફી મંગાવવાવાળો, માફી કેવી રીતે માંગે? નેહાની મમ્મી પાસે, પપ્પા પાસે, નેહા પાસે તો હજારો વાર કોઈ પણ વાંક કે ગુના વગર માફી મંગાવી ચૂકેલો આકાશ, નેહાની સામે ઝૂકે અને કહે કે, મારી ભૂલ થઈ, મને માફ કરી દે! કદી નહીં. આકાશે ગુસ્સામાં, બન્ને હાથની મૂઠ્ઠી વાળી દીધી.

નેહા રડતી જતી હતી અને બેગ ભરી રહી હતી. આકાશ રૂમમાં આવ્યો. “નેહા, આ બધા સતી સાવિત્રીના નાટક રહેવા દે અને છાની માની રસોઈ કરવા જા. હું જમીને નીકળીશ. એક તો પારકા પુરુષ સાથે રાતવાસો કરીને આવી છે અને ઉપરથી સતી થવાના નાટક કરે છે? તારા જેવી સ્ત્રીની ભવાઈ હું જાણું છું અને તને સીધી કેમ કરવી એ પણ જાણું છું. જ્યાં સુધી બોલતો નથી ત્યાં સુધી જ સારું છે. મારી મર્દાનગીને લલકારવાની ધ્રુષ્ટતા કરવાનો ખ્યાલ પણ ન લાવતી! તને ખબર નથી કે હું તારી કેવી હાલત કરીશ! તારી લાશ તારા મા-બાપ પણ ઓળખી નહીં શકે એ રીતે તને મારીશ! તું છે શું? તારું કે તારા મા-બાપનું સ્ટેન્ડિંગ સમાજમાં છે જ શું? બે ટકાની પણ કિંમત નથી અને રૂવાબ તો જુઓ મેમસાબનો? તને શું લાગે છે કે આ રિપોર્ટ તારા હાથમાં આવી ગયો એટલે તું મને બદનામ કરી શકીશ? જીવતાં રહેવું હોય તો, આ ઘરમાંથી બહાર પગ પણ મૂકવાનો વિચાર કરતી નહીં! ચાલ, જા રસોડામાં!”

નેહા હવે પોતાના જ કાબુમાં ન હતી. એની સહનશીલતા પણ બધી જ હદ વટાવી ચૂકી હતી. આકાશના કોઈ શબ્દોની એના પર અસર જ નહોતી. એ જરા પણ ચલિત થયા વિના, આંસુ સારતી રહી અને બેગ ભરતી રહી. એટલામાં ડોરબેલ વાગી. રમાબેન શાકભાજી લેવા ગયા હતાં. બા તો મામાને ઘરે હતાં. ઘરમાં બીજું કોઈ નહોતું કે જે દરવાજો ખોલે. નેહાને એકદમ વિચાર આવ્યો કે સાગર હશે નવ વાગે આવવાનું કહ્યું હતું. એણે ઘડિયાળ તરફ નજર પડી. નવ વાગ્યા હતાં. એ એકદમ દરવાજા તરફ ધસી ગઈ.

નેહાએ દરવાજો ખોલ્યો. સામે સાગર ઊભો હતો. આકાશ નેહાની પાછળ, પાછળ, આવી ગયો હતો. નેહાએ સાગરને કહ્યું, “સાગર, તું હમણાં જા. હું તને થોડીવારમાં એરપોર્ટ પર મળું છું.” પણ, ત્યાં સુધીમાં આકાશ એકદમ ધસી આવ્યો. “તું જ નેહાનો યાર, સાગર છે ને? સા..લા, અંદર આવ. જો હવે તારી કેવી ખબર લઉં છું.” આ બાજુ, નેહા સાગરને બહાર ધકેલતી હતી પણ, આકાશ, સાગરને ખેંચીને અંદર લઈ આવ્યો. સાગર હજુ અસંમજસમાં હતો અને કોશિશ કરી રહ્યો હતો સમજવાની કે શું ચાલી રહ્યું હતું. કોઈ ભણેલા, સંસ્કારી માણસો, ૨૧મી સદીમાં, આવી ભાષા બોલે અને આવું વર્તન પોતાની પત્ની સાથે સાચે જ કરી શકે, એ વાત જ સાગરની કલ્પના બહાર હતી.

છતાં પણ સાગરે સભ્યતાથી, આકાશનો હાથ છોડાવી કહ્યું કે, “આપણે શાંતિથી વાત કરીએ” અને પછી, નેહા તરફ ફરીને પૂછ્યું, “આ બધું શું ચાલી રહ્યુ છે નેહા?” નેહાના ગળામાં ડૂમો ભરાઈ આવ્યો અને એ કાંઇ બોલી ના શકી. આંખો ચોમાસું બનીને વરસી રહી હતી. હવે સાગર બોલ્યો,” આકાશ, મને અંદાજ છે કે તું નેહાને કેટલો ત્રાસ આપે છે, નેહાના મિત્ર અને એક સહ્રદયી માણસ તરીકે, મારો આશય નેહાને તારા અમાનુષી અત્યાચારોમાંથી મુક્તિ અપાવવાનો છે. નેહાને તારી આ સોનાની કેદમાંથી છોડાવી, સહીસલામત એના મમ્મી-પપ્પાને ત્યાં પહોંચાડવી એ મારી ફરજ છે. હું, નેહાને લઈ જવા આવ્યો છું. ઈનફ ઈઝ ઈનફ! હા, બીજી એક વાત, હા, હું નેહાને કોલેજકાળમાં બેહદ પ્રેમ કરતો હતો પણ, સંજોગોવશાત અમારો સાથ છૂટી ગયો. કોઈ છોછ વિના, છાતી ઠોકીને હું કહું છું કે આજે પણ હું નેહાને પ્રેમ કરું છું, પણ તારી મલિન બુદ્ધિમાં, તેં ધારી લીધો છે, એવો શારિરીક પ્રેમ નહીં. હું નેહાને સુખી જોવા ઈચ્છું છું. પણ, તું ધારે છે એવું કશું જ કોલેજકાળમાંયે નહોતું બન્યું અને અમે વર્ષો પછી, હાલમાં હોટલમાં મળ્યાં, ત્યારે પણ નહીં. આ બધી વાતો માટે, ખેર, હવે તો ખૂબ જ મોડું થઈ ગયું છે! આકાશ, નેહાના રૂપમાં હીરો તને મળ્યો હતો. પણ, કહે છે ને, હીરાની કિંમત ઝવેરી જ જાણે, તું એની કદર જ ન કરી શક્યો આકાશ.” પછી, સાગર નેહા સામે જોઈને બોલ્યો, ”ચાલ, નેહા. આપણે નીકળીએ? જરા પણ ગભરાતી નહીં. હું છું, તારી સાથે! તારી પણ એટલી જ ભૂલ છે, ૨૧મી સદીની સ્ત્રી થઈને આવા જુલમ કેમ સહેતી રહી અને તે પણ આટલા લાંબા સમય સુધી? નો મોર નાઉ. લેટ અસ ગો! “

આકાશના હાથમાંથી બાજી સરી રહી હતી. એ ગરજ્યો, “નેહા, જો એક ડગલું પણ આગળ ભર્યું છે ને, તો ગોળી મારી દઈશ, અને હું ઠાલી ધમકી નથી આપતો..! મને અજમાવવાની કોશિશ પણ ન કરતી!” સાગરના આવવાથી નેહામાં જોમ આવ્યું હતું. નેહાએ આંસુ લૂછ્યાં, પછી, જરા પણ ગભરાયા વગર, તીર જેવી તીક્ષ્ણ નજરે આકાશ સામે જોયું અને બેગ લઈને એ ચાલવા માંડ્યું. ત્યાં સુધીમાં, આકાશ નેહા તરફ ધસી ગયો, અને નેહાને પકડી, પિસ્તોલ કાઢી અને ટ્રીગર ચઢાવી દીધું. નેહા પણ પોતાને આકાશના ચુંગલમાંથી છોડાવવાની મથામણ કરતી હતી. સાગર પરિસ્થિતિ પામી ગયો અને નેહાને છોડાવવા, સાગર આકાશ તરફ ધસ્યો. નેહા, સાગર અને આકાશ વચ્ચેની આ ઝપાઝપીમાં હજુ કોઈ કઈં સમજે ત્યાં તો “ધડામ” અવાજ સંભળાયો. ટ્રીગર દબાઈ ચૂક્યું હતું અને બંદૂકમાંથી બુલેટ નીકળી ચૂકી હતી.

2 thoughts on “ઉછળતા સાગરનું મૌન ( સપના વિજાપુરા )

  1. ‘નેહા, સાગર અને આકાશ વચ્ચેની આ ઝપાઝપીમાં હજુ કોઈ કઈં સમજે ત્યાં તો “ધડામ” અવાજ સંભળાયો. ટ્રીગર દબાઈ ચૂક્યું હતું અને બંદૂકમાંથી બુલેટ નીકળી ચૂકી હતી.’ પ્રેમ ત્રિકોણ … અમુક લોકો શા માટે એક અત્યાચારી સંબંધમાંથી બીજા અત્યાચારી સંબંધ તરફ આગળ વધે છે. તેઓ એક જ પ્રકારનાં લોકોને પોતાનાં જીવનમાં આકર્ષે છે. દરેક વખતે, તેમને લાગે છે આ સંબંધ જરા જુદો સાબિત થશે, પણ તે હતો તેવો ને તેવો જ સાબિત થતો હોય છે. થોડો વધારે કે થોડો ઓછો.આવું ન હોવું જોઈએ. આમાં સુધારાની શરૂઆત થાય છે એક જવાબદારીપૂર્વક જીવન જીવવાથી. એક એવું જીવન કે જેમાં તમે એ સમજતાં હોવ છો કે કોઈ બીજાને પ્રેમ કરવાં માટે તમારે પ્રથમ તો તમારી જાતને પ્રેમથી ભરી દેવી પડશે. કોઈ બીજાની કાળજી કરવાં માટે જરૂર છે તમે તમારી જાતની પ્રથમ કાળજી કરતાં થાવ. એક એવી સમજણ કે બીજી વ્યક્તિની કાળજી કરવામાં તમારી પણ એક મર્યાદા છે. એક દિવસે તેમને પોતાનાં વર્તનની જવાબદારી પોતે જ લેવી પડશે.જયારે તમે પોતે જ થાકી ગયા હોવ ત્યારે પણ તમે મજબુત હોવાનું વર્તન દાખવતા રહો, તો પછી એક દિવસે તમે એટલાં તૂટી જશો કે તમને સરખા પણ નહિ કરી શકાય. ખુશી એક અંગત મુસાફરી છે પરંતુ તે એક પરસ્પર લાગણી છે. જો તમે સતત ઉદ્ધારક બની રહેવાનું ચાલુ રાખશો તો તમારું પાત્ર મોટાભાગે એક પીડિત વ્યક્તિ બની રહેશે. અને, જો તમે તમારી જાતને એક પીડિત તરીકે જોતા થઇ જશો તો, તમે એક અત્યાચારીને તમારા જીવનમાં આકર્ષશો. કોઈપણ રીતે, એ તમારા આત્મ-સન્માન અને સારા માટે પ્રાણઘાતક સાબિત થશે. પ્રેમ પણ કરવો જોઈએ, પણ તેની શરૂઆત તમારાથી થવી જોઈએ. જો તમે પોતાની કાળજી બરાબર કરતાં થશો અને તમારી પોતાની જાત સાથે પ્રેમપૂર્વક વર્તતા હશો તો તમારા જીવનનાં મોટાભાગનાં પ્રશ્નો અદ્રશ્ય થઇ જશે. જે નમ્રતા તમે તમારી પ્રિય વ્યક્તિઓ પ્રત્યે દાખવતા હોવ છો એ જ નમ્રતા જો તમે તમારી જાત પ્રત્યે પણ બતાવશો તો તમારા જીવનમાં એક અનોખું પરિમાણ ઉમેરાશે. નહિ ઉદ્ધારક, નહિ અત્યાચારી કે નહિ પીડિત પરંતુ એ વ્યક્તિ, કે જે સ્વ-કાળજી અને સ્વ-પ્રેમની કલાને હસ્તગત કરે છે, તે જ બુદ્ધ બની શકે છે, દિવ્ય બની શકે છે. જે કોઈ પણ પરિપૂર્ણ જીવન જીવે છે તેનામાં પરોપકાર તો કુદરતી રીતે જ ઉગી ઉઠે છે. અને તમારી પરિપૂર્ણતાને તમારા પોતાનાં ધ્યેય અને પ્રાથમિકતાઓથી અલગ નથી કરી શકાતી. આવો અંત અણકલ્પ્યો અંત કે…?

    Liked by 3 people

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s