પ્રાર્થનાને પત્ર-૧૪ (શ્રી ભાગ્યેશ જહા)


પ્રિય પ્રાર્થના,

ઘણીવાર કોઇ એકાદ કવિ આપણને સરસરીતે એક જુદા જ જગતમાં જગાડે છે. રોજબરોજની ભાષામાં સર્જાતો આ ચમત્કાર જ જીવનને ધન્ય બનાવી દેતો હોય છે. તું તખ્તાના સુવિખ્યાત કલાકાર ભાઇ નિસર્ગ ત્રિવેદીને ઓળખે છે, એમના ભાઇ આર્જવ ત્રિવેદી પણ એવા જ પ્રતિભાસંપન્ન કલાકર્મી છે. તાજેતરમાં અમે ‘તાના-રીરી’ની નાટ્યપ્રસ્તુતિ જોઇ એ એમનું નિર્માણકાર્ય.. સરસ, મઝા આવી. આનંદની વાત તો એ બની કે ‘ગોલ્ડનચીયર્સ’ના અતિલોકપ્રિય જગદીપ મહેતાની બન્ને દિકરીઓ મોસમ અને મલકાએ તાના અને રીરીનો સુરીલો અભિનય કર્યો છે. પણ મારે આજે જે વાત કરવી છે, આર્જવ અને નિસર્ગ ત્રિવેદીના પિતાજી રંતિદેવ ત્રિવેદીની, એમની કવિતાપ્રીતિની અને એમની અનુવાદસજ્જતાની….

કવિતાનું ભાષાંતર ખુબ જ અઘરી કલા છે, કારણ કવિતા પોતે જ જીવનની કોઇ અદભુત ઉર્મિનું ભાષાંતર હોય છે. આપણે ત્યાં અનુવાદનો મહિમા જેવો થવો જોઇએ એવો થયો નહીં. ખરેખર તો ‘ગ્લોબલાઇઝેશન’ના વાતવરણને એક ભાવાત્મક પૂર્ણતા આપવા કલા અને કવિતાના વ્યાપક રીતે આંતરરાષ્ટ્રીય ખેડાણો થવા જોઇતા હતા. કવિતાનાં ભાષાંતર તમને બીજી ભાષા સાથે એની આખી સંસ્ક્રુતિ સાથે જોડે છે.

કવિતા એ ચમત્કૃતિનો પ્રદેશ છે, રંતિદેવ ત્રિવેદી પ્રખ્યાત એમિલી ડિકન્સન્સ ની પંચાવન કવિતાઓનું ભાષાંતર કરીને એક રસપ્રદ વિશ્વ, અંગ્રેજી કવિતાનું વિશ્વ રજુ કરે છે. એમીલીના આ શબ્દો સાંભળો, આપણે કૂપમંડૂક્ની કથા સાંભળી છે, અહીં કવિ કુવાને એક બરણી સાથે સરખાવે છે, અને એક અનોખું કુપદર્શન કરાવે છે.કવિ એક તાજપ ભરી આવી  પંક્તિઓ ઉચ્ચારે છે, ” વ્યાપી રહી છે ગોપનીયતા કૂપમાં ! / વસે છે વારિ સુદૂર એટલું, / પડોશી સમાન, અન્ય કોઇ જગતના. / વસી રહેલ એક બરણીમાં … ” કવિતાસંગ્રહનો ઉઘાડ કુવાથી થાય છે એટલે મને મઝા આવે છે. જે લોકો એક જ પ્રકારના વર્તુળોમાં ફર્યા કરે છે એમનું દેડકાદર્શન કરતાં આ કવિ અલગ રસ્તો ચાતરે છે. અને એની પ્રતીતિ આગળની કવિતાઓમાં પાને પાને ચમકે છે.

એક કવિતામાં જો ઉપનિષદની અદાથી કવિતા ખુલે છે. ” છે ના સંસાર આ પૂર્ણ સમાપન, / છે તૈયાર તત્પર, અનુસંધાન તેનું પછી, / અદીઠ સંગીત સમાન, ને, / તોયે, નિશ્ચિત ધ્વનિ સમાન.” કવિ જે વિષયો પસંદ કરે છે તેનાથી વાચકને જગતને જોવાની અલગ અને કશીક નવી દ્રષ્ટિ મળે છે. એમની પોતાની અંત્યેષ્ટિ અંગેની એક કવિતા મને ભારે સ્પર્શી ગઈ છે. પોતાની અ6તિમક્રિયાની કલ્પના કરી શકવાની તાકાત જ કવિને એક અલગ કેટેગરીમાં મૂકી આપે છે, આમાં કલ્પનાશીલતા તો છે જ પણ કવિ મૃત્યુને સમજવા અને એને ઓળંગવા જાણે કે એક સરસ યાત્રા પર આપણને લઈ જાય છે. એમિલીની આ કવિતા ધ્યાનથી સાંભળવા જેવી છે, એ લખે છે, ; “થયો દેહાંત મારો જ્યારે, સુણ્યો બણબણાટ માખીનો મેં, / હતી શાંતિ પ્રગાઢ ગૃહખંડોની / અંતરાલની શાંતિ સરખી.”… અને આગળ લખે છે, ” ને આવી ઉભી ત્યાં તે – ટપકી પડી એક માખી- / આસમાની – અચોક્કસ – લથડતા નિશ્વાસ સહ -/ દિવ્યજ્યોતિ, ને મારી મ્ધ્યે, અને પછી, થઈ ગયાં વિકળ ‘વાતયન’ સર્વ, / અને પછી, જોઇ શકી ના હું કશું / જોવાનું હતું જે…! ‘ એવી જ એક કવિતામાં એ કહે છે, ” થઈ અનુભૂતિ અંત્યેષ્ટિની મારા ચિત્તમાં / અને ડાઘુઓ અહીં તહીં / આવતા રહ્યા, ડગ માંડતા, ડગ માંડતા….. જાણે હોય, સકલ બ્રહ્માંડ, ઘંટ સમાન, / ને હોય અસ્તિત્ત્વમાં જાણે , કર્ણ જ બસ.. ” પોતાના મૃત્યુની અને અંત્યેષ્ટિની આવી કલ્પના કવિના શબ્દને અને દર્શનને એક તાકાત આપે છે.

એમિલી જગતનું જે ‘વાઉ-ફેક્ટર’ છે, તેનું એક મશાલની જેમ કેવી રીતે હસ્તાંતરિત કરે છે તેની એક ચિત્રાવલી રજુ કરે છે, “જાળવી ના શકે ગગનમંડળ નિજ રહસ્યોને !/ કરે જાણ તે વિશે ડુંગરોને ! /ડુંગરો કહે, સાહજિકતાથી, તે વિશે વાડીઓને – , /અને તે, ડેફડિલ્સને… ” આ પ્રકારની ચિત્રાત્મક કવિતાઓ વાચકના મનમાં એક અભિનવ ચિત્ર સર્જે છે, જે ભાવકના ચિત્તને કાવ્યાનંદ આપે છે.

આ કવિ રહસ્યવાદી તો છે પણ જગતમાં જે સૌંદર્યો છે તેને આવી રીતે ઉલ્લેખે છે; ” કરું છું ગોપિત સ્વયંને હું મારા પુષ્પમાં / કરતાં ધરિત જે તુજ ઉરની સમીપમાં , / જે જતાં કરમાઇ તુજ પુષ્પદાની મહીં … ‘

મારી આ વર્ષની અમેરિકા યાત્રા એ રીતે ખુબ જ સુખદ એ રીતે રહી કે અમેરિકાના જુદા જુદા રાજ્યોમાં રહેતા ગુજરાતી ભાવકો સમક્ષ હું મારી વાત મુકી શક્યો. ખાસ કરીને જ્યારે મારી જુદા જુદા મિજાજની કવિતાઓ રજુ કરી ત્યારે જે રીતે ભાવકોએ એને નાણી અને માણી એ મારે માટે એક અનન્ય સંતોષનો વિષય હતો અને છે.

મને લાગે છે કે અમેરિકામાં રહેતા મિત્રોની અને સંસ્કૃતિચિંતકોની જે અનોખી તાકાત છે એને એક ‘સેતુબંધ’ પ્રોજેક્ટમાં જોતરવી જોઇએ. મને ક્ષિતિજમાં એક નવી આશાના મેઘધનુષ્ય દેખાય છે. આગામી દિવસોમાં જો આવું કશુંક થઈ શકશે તો એ એક મોટી સાંસ્કૃતિક સેવા કરી ગણાશે.

હાલ તો આટલું જ…

શુભાષિશ સાથે,

ભાગ્યેશ.

*********************

પ્રિય પ્રાર્થ ના,

વરસાદ જોઇએ એવો જામ્યો નથી. આભ અંધારેલું હોય છે પણ કાચી અફવા જેવું, કાચી એટલા માટે કે ક્યારેક વરસે પણ ખરા.વરસાદ તો આપણને છેતરીને રાત્રે પડી જાય એની મઝા કશીક ઓંર જ હોય છે, સવારે ઉઠીને જોઇએ એટલે ખબર પડે કે હમણાં  સુધી પડ્યો છે. ઓટલા પર એનાં ભીનાં પગલાં હોય, મેદાનમાં ખુણામાં શાંતિથી બેઠેલું સ્ટ્રીટલાઈટનું અજવાળું પાણી પર બેસી ચમકતું હોય અને પવનમાં એની માદક ગંધ હોય. આંખોમાં જોઇએ ત્યારે ખબર પડે કે હમણાં જ ઉડી ગઈ એ ઉંઘ પર એનો જાદુ હતો. હવે છેક અંદરથી ખબર પડે કે ઉડેલી ઉંઘ ઉંડી હતી કારણ આ આકાશદુત એને છેક અંદર સુધી એને મુકવા આવ્યો હતો. હવે મઝા આવશે, આખો દિવસ આ સારી ઉંઘનો નશો રહેશે.

આજકાલ ધૈર્યને સમજવાની મઝા આવી રહી છે. નવ વર્ષનો એક છોકરો, આંખોમાં નવું આકાશ ઉગી રહ્યું છે એવો અહેસાસ. બહેન વૈદેહી, બાર વર્ષની એક કુંવારી કન્યા, જાણે એક નાજુક વેલ. બન્ને મારા કહેવાથી ગુજરાતી માધ્યમમાં ભણે છે. તેનો ભારે એડવાન્ટેજ. શીખવાની ઝડપ માતૃભાષામાં અનેકગણી હોય.  એના મા-બાપ એટલે રીના અને જિજ્ઞેશ. હવે ધૈર્ય ફુટબૉલ રમે છે અને વૈદેહી [કા’નો] ભરતનાટ્યમ શીખે છે. બન્નેની મથામણ, એક ઓળખ પ્રાપ્ત કરવાની. કા’નાની સમજશક્તિમાં પક્વતાની પાંખ ફુટતી હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. ધૈર્ય હવે જીદ નહીં પણ જીત માટે મથી રહ્યો છે.

અહીં  તરુણના ઉછેરનું વ્યાકરણ શરુ થાય છે. સૌથી મોતો ફાયદો ભાષાની અભિન્નતા છે. મા-બાપ અને બાળક બે એક જ ભાષા બોલે છે. અહીં ત્રણ પ્રક્રિયાઓ એકસાથે ચાલું થાય છે, એક છે, માન્યતાની ભુખ, બીજું છે, અહંનું બીજાંકુરણ અને ત્રીજું છે, વિસ્મય. આ ત્રણેય દફ્તરમાં મૂકી એ શાળાએ જાય છે, ત્યાં ભણતર છે પણ કેળવણી નથી. ઉપરથી નીચેનો રૂટ છે, શિક્ષક બોલે છે, એ બોલે છે તે સત્ય છે, આખરી સત્ય છે આવી આવી દિવાલો બંધાતી ચાલે છે. એટલે એનો વિકસતો અહં ઘવાય છે, પરીક્ષાનો ડર ઉભો કરાય છે, પણ ત્યાં એની માન્યતાની ભુખ સંતોષાશે તેવી એક આશા બંધાય છે. પણ શાળામાં ગયો ત્યારે જે વિસ્મય લઈને ગયેલો તેનું ક્યાંય સ્થાન નથી. એ બધું જોયા કરે છે, છેવટે શિક્ષક, મા-બાપ કરતાં પણ એક ઉત્તેજક બારી મળે છે તે વિડીયો ગેમ્સની. એને મઝા આવે છે, એ બહેન કરતાં સારો સ્કોર કરે છે એટલે માન્યતા મળે છે.એ ફુટબોલ રમે છે, એને માન્યતા મળે છે એનો અહં સંતોષાય છે.

અહીં સાહિત્યનું અને વાર્તાકથનનું અને ઘરના ગીતોનું માહત્મ્ય વધી જાય છે. હું આ બધા બાળકોને લઈને બેસું છું, વારતા કહું છું. એમને મઝા આવે છે, એમનું ધ્યાન બેજે જતું લાગે તો પછી રમત ચાલું કરીએ છીએ. અહીં નરસિંહ મહેતાની હુંડીનો પ્રસંગ કહીએ તો એને જે ચમત્કાર જોવો હોય છે એ મળે છે. ધર્યના પિતા શિક્ષક છે એ મિલખાસિંઘ નામની ફિલ્મ બતાવે છે. ચમત્કાર થાય છે. એની આંખોમાં જીત્યાનો નહીં રમ્યાનો આનંદ ઉમેરાય છે.  એક એક બાળકનો ગ્રાફ અલગ અલગ હોવાનો. વૈદેહીને મારી પાસે બેસાડું છું, હું કોઇ લેખ લખી રહ્યો છું, એ ભુલ કાઢે છે, એને મઝા આવી રહી છે, એ કનેક્ટ થઈ રહી છે. આ વખતે હું એને કોઇ કવિતા શીખવાડું કે વૈષ્ણવજન સમજાવું તો આખું નાગરિકશાસ્ત્ર ટપોટપ ઉતરી જાય.

તરુણ એ તરુ છે, એક છોડથી સહેજ મોટું,  એક ઝાડ થવાની શક્યતાના સળવળાટ વાળું. એની સાથે વાત કરવાની છે પણ શાંતિથી. એ સાંભળે એ માટે નહીં પણ તમે એને સમજી શકો એ માટે. તરુણના મા-બાપની સમજ અને ધીરજની બહુ જરૂર છે. આ કોમળ કૉમ્યુનિકેશનની અવસ્થા છે, આ કળીને કાનમાં આકાશનું સરનામું આપવાની ઘડી છે. આ ફુટબોલની ફાયનલમાં જતા ખેલાડીઓને એમનો કોચ મળીને જે વાત કરતો હોય છે તે સમય છે.

બીજી એક વાત મારે મા-બાપને કહેવી છે તે જોડો અથવા જોડાઇ જાવ. એને જોડો. મંદિરમાં જાવ તો સમજાવો કે કેમ જાઓ છો. એ તમારું કહ્યું કરે તો એને સામે સન્માન આપો. એની સાથે રમવા જેટલી અસરકારક બીજી કોઇ રીત નથી. રમો, એને જીતવા દો. એ અંદરથી એક ‘હીરો કે હીરોઇન’ની શોધમાં છે, એક આદર્શ જોઇએ છે. પણ આવો આદર્શ રામ કે અર્જુન જેટલો દુર નથી જોઇતો. એ વાર્તામાંથી બે પાઠ શીખવા છે, પણ જેની નકલ કરી શકાય એવા હીરોની જરૂર છે, સાથે દોંડવાથી, ચેસ રમવાથી, ગાવાથી એને મઝા આવશે.

અને છેલ્લે, એ મા-બાપનો સૌથી મોટો વિડીયોગ્રાફર છે, એ તમારા વાણીવર્તનને ભણે છે, શાળાના એકા’દ શિક્ષકનું વ્યક્તિત્ત્વ આકર્ષક હોય તો ત્યાં પણ એનું મન ચોંટે છે. અને સિનેમાના અભિનેતા એના મન મસ્તિષ્કને સહેલાઈથી આકર્ષે છે. અભિનેતા સાહસ બતાવે છે, હિંસા આચરે છે, મોંઘી ગાડી ફેરવે છે. આ બધા એના વિસ્મયના ઉદ્દીપકો છે, પણ જો એ સંતોષી ના શકાય તેવી અપેક્ષાઓના મહેલ ઉભા કરે તો એ જીવનમાં એક અસંતોષ અથવા ક્યારેક ઝીણી નિરાશાને ઉછેરવા માંડે છે. કેટલાક કિસ્સાઓમાં આવો અસંતોષ એને માટે ચિનગારી બની શકે છે. તમે તમારા મિત્રો સાથે હસી-ખુશી અને ઉત્સવોથી એનું મન હર્યું-ભર્યું રાખો તો એક પ્રકારની પોઝીટીવ એનર્જી ઉત્પન્ન થાય છે. આ તરુણાઈને સમજવી અને ઉછેરવી એ પોતેજ એક એક આનંદદાયક યજ્ઞ છે.

આજે આ બધા વિચારો મેં તારી આગળ મુક્યા કારણ સુરતના ડૉ.લોતિકા એક પુસ્તક તૈયાર કરી રહ્યા છે. એમની ઇચ્છા છે કે હું મારું ચિંતન એમને મોકલું. મેં તારા અને લજ્જાના ઉછેરમાં અને હવે, ધૈર્ય અને કા’નાના વિકાસમાં જે મનોવૈજ્ઞાનિક જાગૃતિ સાથે મથામણ કરી છે અને કરું છું, એનો આ અંશ છે.

મને એક બાબતની અનુભૂતિ પાક્કી છે કે ‘બાળક એ ઇશ્વરની ટપાલ છે, એને વાંચતાં શીખવું એ પણ એક સાધના છે.”

શુભાષિશ,

ભાગ્યેશ…

**********************

પ્રિય પ્રાર્થના,

અહીં હવે વરસાદ આવ્યો છે. શાળામાં મોંડા પડેલા છોકરાની જેમ ઉંધું ઘાલીને આવ્યો. આપણી સામે ઉભેલા વૃક્ષોએ આખા આંગણૂં એમનું બાથરૂમ હોય એ રીતે ગીતોથી ભરાઇ દીધું. જો કે હજી ઠંડક થઈ નથી. વાદળો ઉમટ્યા છે એટલે સારું લાગે છે. દુરનું આકાશ એટલું ભર્યુંભાદર્યું લાગે છે કે કોઇ ચિત્રકાર બેઠો બેઠો હજી જાણે કે આ ચિત્ર પુરું કરી રહ્યો છે, બે વાદળ આવે છે અને જાય છે. વિજળીઓ એ પીંછીના લસરકા હશે કે એ ચિત્રકાર પીંછી ખંખેરે છે કેશું ? એવો વિચાર આવે છે.

આજે એક બીજા બનાવ વિશે કહેવું છે. વડોદરામાં 22મીએ એક અભિનવ કાર્યક્રમ યોજાયો છે. આમ તો વડોદરા વિનોદ ભટ્ટને યાદ કરવા છે. આપણા હાસ્યસમ્રાટની વિદાયને બે મહિના થયા છે. વડોદરા અને વિનોદ ભટ્ટને વિશેષ સંબંધ રહેલો. તુષારભાઇ વ્યાસ અને મિત્રોએ આગ્રહ કરેલો તો મેં વિનોદભાઇને સંમંત કરેલા કે વિનોદભાઇ આવે. એમની એવી ઇચ્છા હતી કે હવે તબિયત સારી નથી એટ્લે વિનોદભાઇ મારા પ્રશ્નોના જવાબ આપશે. પણ કમનસીબે આ કાર્યક્રમ ના થઈ શક્યો. પણ આ રવિવારે આ કાર્યક્રમ અલગ ભાત પાડનારો બની રહેશે. આમંત્રણ કાર્ડમાં કોઇનું નામ નહીં, માત્ર વિનોદભાઇ જ, એમનો જ ફોટો. આયોજન પણ એવુ છે કે કોઇ સ્ટેજ પર નહીં, માત્ર એક ખાલી ખુરશી અને એની ઉપર વિનોદભાઇનો એક ફોટો….

એમ થાય કે દિવંગત સર્જકને કેવી કેવી રીતે યાદ કરવા. તને યાદ હશે, એમના મરણ પછી આપણા ઘરે અમે એક ‘વિનોદ સપ્તાહ’ ઉજવેલું. બેસાડેલું નહીં પણ ઉજવેલું. સામાન્ય રીતે કોઇના મરણની પાછળ લોકો ભાગવત સપ્તાહ કે ગરુડ પુરાણ બેસાડે. પણ આપણે વિનોદ સપ્તાહની ઉજવણી કરેલી. એક હ્રદયંગમ અનુભવ રહ્યો, એમ કરીને અમે વિનોદભાઇનું મૃત્યુ એક અઠવાડિયું પાછું ઠેલેલું. પણ મૃત્યુ તો મૃત્યું તો મૃત્યુ છે. અનિવાર્ય અને એક કઠોર વાસ્તવિકતા.

આજે બે ત્રણ વાતોથી વિનોદભાઇને યાદ કરવા છે. તું જાણે છે મારો નિત્યનિયમ એવો કે મારે રોજ સવારે ‘મોર્નિંગ વૉક’ કરતાં કરતાં મારે એમની સાથે વાત કરવાની. પહેલાં મઝા આવતી, પછી એ ટેવ બની, અને છેલ્લે છેલ્લે તો વ્યસન. જયશ્રીબેંન મર્ચન્ટના પુસ્તક વિમોચન માટે હું બે-એરિયામાં ગયેલો. ત્યારે પ્રતાપભાઇ પંડ્યાને ત્યાં રોકાયેલો. ત્યાંથી જ્યારે મેં મે [2018] ની ત્રીજી, ચોંથી અને પાંચમી એમ ત્રણ દિવસ વાત કરેલી ત્યારે વિનોદભાઇ એક વાક્ય બોલેલા, ” મારા વ્હાલા, વહેલા વહેલા આવી જાઓ… ” મઝા નથી આવતી. અને પછી હું નવમીએ પહોંચ્યો ત્યારે તો સ્વાસ્થ્ય ઘણું કથળ્યું.

મૃત્યુ પહેલાં ત્રણ દિવસ પહેલાં એટલે કે અઢારમી મે ની સાંજે હું, રતિલાલ બોરીસાગર અને ગુર્જરગ્રંથ વાળા શ્રી મનુભાઇ શાહ એમને મળવા ગયેલા. ખુબ જ નાજુક તબિયત પણ હાસ્ય અકબંધ. મેં પુછ્યું, ” શું થાય છે, કાકા ? ” એમનો લાક્ષણિક જવાબ, ત્રુટક ત્રુટક વાક્યો, ” વ્હાલા, બધા અંગો શિથિલ થઈ ગયા છે.” મેં કહ્યું, ” મગજ તો બરાબર હોય એમ લાગે છે… ” તરત જ વિનોદ ભટ્ટ પ્રગટ્યા, ” એ તો ક્યારનુંયે નથી ચાલતું”. મેં લુઝ બૉલ નાંખ્યો, ” ક્યારનું, એટલે ક્યારનું ? ‘” બસ, જુઓને,… તમને મળ્યા ત્યારથી.. ” પાછા ચુપ થઈ ગયા. મરણના આગલા દિવસે આપણા શિક્ષણમંત્રીશ્રી  ભુપેંદ્રસિંહજી સાથે  હું ગયેલો, બિલકુલ નિશ્ચેષ્ટ શરીર. તમે માની ના શકો કે ગુજરાતી હાસ્ય આટલું ઠંડું કેમ.. ! ભુપેંદ્રસિંહને ગુજરાતી ભાષા ફરજિયાત કરવા માટે હાથ મિલાવવા એમને હાથ લંબાવ્યો. મેં કાનમાં બુમ પાડી, “કાકા… !” તો એ એક વિલક્ષણ ‘સ્માઈલ’ આપી ગયા. પ્રાર્થના, એમનું આ અંતિમ સ્મિત એ મારા જીવનની બહુ મોટી મૂડી છે. આવડો મોટો સર્જક.. એમની ચપળતા. તમે કશું બોલો એની સાથે જ છગ્ગો ફટકારવાની ક્રિકેટાયેલી વિનોદવૃત્તિ.

આવા વિનોદભાઇનું બેસણું નહોતું રાખ્યું. એમના પુત્ર સ્નેહલભાઇ જે પોતે એક સોફ્ટવેર/હાર્ડવેંરના વ્યાપારમાં ઘણા સફળ થયેલા છે, અને એક સારા જ્યોતિષશાસ્ત્રી છે. એમને આયોજન કરેલો વિનોદાંજલિનો કાર્યક્રમ કદાચ ગુજરાતી સાહિત્યમાં અભુતપૂર્વ ઘટના હતી. ઓફિસો કાર્યરત હોય તેવો દિવસ, કોઇ છાપામાં આ સભાની જાહેરાત નહીં. માત્ર સોશિયલ મીડિયા પર એક સંદેશ ફરે. અને અદભુત દ્રશ્ય… આખો હૉલ ચિક્કાર ભરાઇ ગયો. બહુ ઓછા સર્જકોની આટલી બધી લોકસ્વીકૃતિ મેં જોઇ છે. આવા ઓલિયા માણસને કોઇ ઇનામ કે પારિતોષિકની નહોતી પડી. જો કે એમને ગુજરાતી સાહિત્યના તમામ ખ્યાતનામ ઇનામો મળેલા છે. પણ એ કહેતા; “મને આ જગતમાં કોઇની પાસેથી કંઇ જોઇતું નથી.’ એમની આ ખુમારી જ એમના હાસ્યનું રહસ્ય હતું.

ગુજરાતી હાસ્યનું સરનામું હાલ તો જાણે ભુંસાઇ ગયું હોય એવું લાગે છે.

ફરી ફરી, વાત કરતા રહીશું…

ભાગ્યેશ.

2 thoughts on “પ્રાર્થનાને પત્ર-૧૪ (શ્રી ભાગ્યેશ જહા)

  1. આ શ્રી ભાગ્યેશ જહાના દરેક પત્રો મનનિય હોય છે પણ આજે અમારી મુંઝવણનો ઉકેલ વારંવાર વાંચી વધુ આશા બંધાઇ-‘તરુણના મા-બાપની સમજ અને ધીરજની બહુ જરૂર છે. આ કોમળ કૉમ્યુનિકેશનની અવસ્થા છે, આ કળીને કાનમાં આકાશનું સરનામું આપવાની ઘડી છે. બીજી એક વાત મારે મા-બાપને કહેવી છે તે જોડો અથવા જોડાઇ જાવ. એને જોડો. મંદિરમાં જાવ તો સમજાવો કે કેમ જાઓ છો. એ તમારું કહ્યું કરે તો એને સામે સન્માન આપો. એની સાથે રમવા જેટલી અસરકારક બીજી કોઇ રીત નથી. રમો, એને જીતવા દો. એ અંદરથી એક ‘હીરો કે હીરોઇન’ની શોધમાં છે, એક આદર્શ જોઇએ છે. પણ આવો આદર્શ રામ કે અર્જુન જેટલો દુર નથી જોઇતો. એ વાર્તામાંથી બે પાઠ શીખવા છે, પણ જેની નકલ કરી શકાય એવા હીરોની જરૂર છે, સાથે દોંડવાથી, ચેસ રમવાથી, ગાવાથી એને મઝા આવશે.અને છેલ્લે, એ મા-બાપનો સૌથી મોટો વિડીયોગ્રાફર છે, એ તમારા વાણીવર્તનને ભણે છે, શાળાના એકા’દ શિક્ષકનું વ્યક્તિત્ત્વ આકર્ષક હોય તો ત્યાં પણ એનું મન ચોંટે છે. અને સિનેમાના અભિનેતા એના મન મસ્તિષ્કને સહેલાઈથી આકર્ષે છે. અભિનેતા સાહસ બતાવે છે, હિંસા આચરે છે, મોંઘી ગાડી ફેરવે છે. આ બધા એના વિસ્મયના ઉદ્દીપકો છે, પણ જો એ સંતોષી ના શકાય તેવી અપેક્ષાઓના મહેલ ઉભા કરે તો એ જીવનમાં એક અસંતોષ અથવા ક્યારેક ઝીણી નિરાશાને ઉછેરવા માંડે છે. કેટલાક કિસ્સાઓમાં આવો અસંતોષ એને માટે ચિનગારી બની શકે છે. તમે તમારા મિત્રો સાથે હસી-ખુશી અને ઉત્સવોથી એનું મન હર્યું-ભર્યું રાખો તો એક પ્રકારની પોઝીટીવ એનર્જી ઉત્પન્ન થાય છે. આ તરુણાઈને સમજવી અને ઉછેરવી એ પોતેજ એક એક આનંદદાયક યજ્ઞ છે.’ચિતમા મઢી ઘણાને સમજાવશુ ધન્યવાદ

    Like

  2. this time alsoall your letters are very touching and inspirational as usual…” રંતિદેવ ત્રિવેદી પ્રખ્યાત એમિલી ડિકન્સન્સ ની પંચાવન કવિતાઓનું ભાષાંતર કરીને એક રસપ્રદ વિશ્વ, અંગ્રેજી કવિતાનું વિશ્વ રજુ કરે છે.”
    “……..અને છેલ્લે, એ મા-બાપનો સૌથી મોટો વિડીયોગ્રાફર છે, એ તમારા વાણીવર્તનને ભણે છે, શાળાના એકા’દ શિક્ષકનું વ્યક્તિત્ત્વ આકર્ષક હોય તો ત્યાં પણ એનું મન ચોંટે છે.”
    and last all about “……..આજે બે ત્રણ વાતોથી વિનોદભાઇને યાદ કરવા છે ….” very touchy about vinod bhai–till last breath..we all shall remember this for ever…many thx

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s