વિયોગ-૧૯ (રાહુલ શુકલ)


સાડત્રીસમું પ્રકરણ: બારમાસી રિપોર્ટર

એપ્રિલ ૫, ૨૦૧૪: કોઈ મિત્રની દીકરીના લગ્ન મેક્સિકો દેશના દરિયાકાંઠાના સુંદર શહેર કેનકુનમાં છે તો કેનકુન આવ્યાં છીએ. અમને વર્ષોથી કેનકુન ગમે છે. દરિયા કિનારે એકદમ સફેદ અને રેશમી રેતી, ઊછળતાં મોજાં, અને દરિયાનાં પાણીમાં ઊભાં રહીએ તો સ્વીમિંગ પુલમાં હોય તેટલું બિલોરી કાચ જેવું ચોખ્ખું પાણી. કેડ સુધીનાં ઘૂઘવતાં પાણીમાં ઊભાં હોઈએ તો ય પગનાં નખ દેખાય.

હું જેટલી વાર કેનકુન આવું ત્યારે સાંજે દરિયાનાં પાણીની સાવ નજીક જઈને બેસું. ક્યારેક તો ખુરશી પાણીમાં પાંચ ફૂટ અંદર મૂકીને બેસું. મોજા સામે તાકી રહું, કુદરતે કેવી તો આ સૃષ્ટિ ઊભી કરી છે તેના વિચારો આવે, અને સાથે જ એમ પણ થાય કે ભાઈ આ જોઇને કેટલા ખુશ થઈ જાય! મનમાં ઊંડે ઊંડે શ્રદ્ધા હતી કે ક્યારેક તો એકવાર એમને અહીં લઈ આવીશ.

આજે ૨૦૧૪ની એપ્રિલની પાંચ તારીખે આ દરિયા સામે નિરાશ નજરે જોઉં છું. દર વખતે કેનકુન આવીએ છીએ તે કરતાં કેનકુન આ વખતે કાંઈક જૂદું જ હોય તેવું લાગે છે.

પછી વિચાર આવ્યો કે ભાઈ તો બારમાસી છોડ જેવા પેરેનિયલ રિપોર્ટર હતા. અમારી જિંદગીમાં જે  કોઈ વાત બને તે અંગે પૂછપરછ અને ઊલટ તપાસ કરે, ‘તમે શું કીધું? એમણે શું જવાબ આપ્યો? એમના મોઢા પર કેવા હાવભાવ હતા?’

અને ભાઈ, તમે આવું બધું પૂછો ત્યારે ક્યારેક કંટાળો પણ આવી જતો, પણ પછી વર્ષો વીતતાં ગયાં તો એક જાતની ટેવ પડી ગઈ. કે જિંદગીમાં કોઈ પણ વસ્તુ, બનાવ બની રહ્યો હોય તો અમને કાયમ ખબર હોય કે મારે ભાઈની પાસે આના અંગે રિપોર્ટીંગ કરવાનું રહેશે.

અને મારી કે તમારી જિંદગીમાં કોઈ વાત બને જેમાં તમને લાગે કે બહુ રસિક વાત બની છે તો તમે કહેતાં, ‘રાહુલ, આ તો એક ઇવેન્ટ થઈ ગયો.’

આ વખતે કેનકુન આવ્યાં છીએ. પાછા ન્યૂ જર્સી જઈને તરત તમને ફોન કર્યો હોત.

‘ભાઈ કેનકુન જઈ આવ્યાં.’

‘ક્યાં ઊતર્યા હતાં?’ તમે પૂછ્યું હોત. પછી પૂછ્યું હોત, ‘કોઈ લોકલ માણસોને મળેલા ખરા?’

‘હા ભાઈ, હોટેલની એક મેનેજર છે તેં મીનુની મિત્ર થઈ ગઈ છે, અમને બંનેને ડીનરમાં લઈ ગઈ હતી.’

‘પછી એણે શું વાત કરી? ભારત અંગે એને કેવી સમજ છે?’ તમે કેટલા બધા સવાલો પૂછ્યા હોત. અને તમારી આવા અગણિત સવાલો પૂછવાની ટેવને લીધે જિંદગીની દરેક પ્રક્રિયામાં અમે  એક એવી સમજણ રાખીને જ જીવતા હતાં કે ભાઈ વિગતો પૂછશે ત્યારે શું જવાબ દેશું.

અને હવે અમારે માથે એ જવાબદારી નથી રહી. અને એ જ કારણે જિંદગીમાં જે પ્રસંગો બને છે તે પહેલાં જેવા નથી લાગતા.

તમે અમારી જિંદગીમાં માત્ર પ્રેમાળ પિતા જ નહોતા પણ એક રિપોર્ટર બનીને દરેકે દરેક ક્ષણ અને દરેક બનાવમાં જાણે હાજર રહેતા.

કેનકુનના દરિયા સામે એક એકલવાયી જગ્યાએ ઊભા ઊભા હાથમાંનાં ફોનમાં  આ લેખ અંગેની વાતની નોંધ રેકોર્ડ કરતો હતો અને બીજો એક દુ:ખી પણ વિચિત્ર વિચાર આવ્યો. એ વિચારતાં જ આંખો છલકાઈ ગઈ, મેં ડૂસકાંભર્યા અવાજે મારી નોંધ રેકોર્ડ કરી લીધી, કોઈને વાંચીને થશે કે રાહુલને આવા તો વિચિત્ર વિચારો કેમ આવે છે? પણ ભાઈ અંતે તો હું તમારા જેવા બારમાસી રિપોર્ટરનો દીકરો છું આથી વિચિત્ર અને દુખી વિચાર આવ્યો તે પણ લખી નાખું છું.

કે કેનકુનના ઘૂઘવતા દરિયા સામે ઉદાસ નજરે જોયા કરતો હતો અને અચાનક વિચાર આવ્યો કે તમારા અવસાન પછી આપણે એક વાર પણ વાતચીત થઈ શકતી હોત તો તમે મને તમારા અવસાન અંગે જ કેટલા બધા સવાલો પૂછતા હોત!

‘પછી ડૉક્ટરે કેવા શબ્દોમાં તને જણાવ્યું કે મારું અવસાન થઈ ગયું છે?’

હું તમને ટૂંકમાં જવાબ દેત તો તમે કહેત ‘એમ નહિ, વિગતવાર જવાબ દે’.

‘પછી સુરેન્દ્રનગર કેવી રીતે સમાચાર પહોંચાડયા?’ તમે બીજો સવાલ પૂછત.

‘બીજા દિવસે શબવાહિનીમાં લઈ ગયાં ત્યારે કોણ કોણ સાથે બેઠું હતું?’ તમારા સવાલો ખૂટત જ નહિ. ‘શબવાહિનીમાં કયું મ્યુઝિક વાગતું હતું?’

હું એ બધાંના જવાબ દેત અને કહેત, ‘ભાઈ, રસ્તો એ રીતે પસંદ કર્યો હતો કે ‘સમય’ની ઓફિસ પાસેથી નીકળ્યાં, અને ત્યાં શબવાહિનીને ઊભી રાખી હતી.’

‘પછી પ્રેસના લોકોએ શું કર્યું?’ તમે પૂછત.

* અને હું કહેત, ‘ભાઈ, હું તો એટલું રડતો હતો કે એ અંગે મને કાંઈ ખબર નથી.’

આડત્રીસમું પ્રકરણ: જો આંખ ખોલી હોત

જુલાઈ ૨૬,૨૦૧૪: હમણાં છેલ્લા મહિનાઓમાં મહેમાનો બહુ આવ્યા તો નોંધપોથીમાં કોઈ નોંધ ન લખાઈ. અમુક મિત્રો આવીને સાથે રહી ગયા. મારી ઉદાસી ઓછી થઈ લાગી. મને થયું, હાશ, હવે હું આ આઘાતમાંથી ઊભો થઈ ગયો લાગું છું. હવે રડવું નહીં આવે.

પણ મારામાં ઈમેજિનેશન- કલ્પનાશક્તિ  બહુ વધુ પડતી છે, અને તે કલ્પનાશક્તિ  વાર્તા લખું ત્યારે કામ લાગે છે, પણ દુઃખની ઘટનામાં એ કલ્પનાશક્તિ એવા સંવાદ ઊભા કરે છે કે હૃદય કળીએ કળીએ કપાઈ જાય છે.

આજે નીચે જીમમાં ગયો ત્યારે ગણેશની મૂર્તિ પાસે એકલો ઊભો રહ્યો, અને ગણેશ દ્વારા ભાઈને કહ્યું, ‘હું ગયા વર્ષની એપ્રિલની વીસમીએ ઇન્ડિયા આવ્યો અને તમારી સામે ઊભાં રહીને ખૂબ કહ્યું કે ‘આંખો ખોલો’, પણ તમે ન જ ખોલી.’

પણ પછી એક્સરસાઈઝ રૂમ તરફ જતાં મનમાં કહ્યું, ‘ભાઈ જો તમે આંખો ખોલીને મારી સામે જોયું હોત, તો તમે જઈ ન શક્યા હોત. તમારું આત્મબળ તમને જવા ન જ દેત. તમે આંખો ખોલીને મારી સામે જોયું હોત તો’ ‘ઓહો, તું આવી ગયો’, એમ  તમે કહ્યું હોત. તે પછી તમારા બધાં ઇન્ફેકશન મટી જવાનાં હતાં. માત્ર તમારે આંખ ખોલીને સામે જોવાનું હતું.

પછી એક્સરસાઈઝ મશીન પર બેસીને વજન ખેંચતો હતો ત્યારે થયું, એટલે જ ભાઈએ આંખો ખોલી નહોતી. એમને થયું હશે કે ‘હવે જવાનો સમય આવી ગયો છે, અને આંખો ખોલીશ તો પછી નીકળાશે નહીં.’

પછી, હું એક્સરસાઈઝ મશીનની બીજી બેઠક પર બેઠો હતો, બંને હાથથી બાવડાંને નજીક અને દૂર કરતો હતો. અને અચાનક વિચાર આવ્યો કે અગર ભાઈએ આંખ ખોલી હોત તો એમના આત્મબળને કારણે બચી જ ગયા હોત. તો પછી આજે સાંજે એમની સાથે ફોનમાં વાત કરતો હોત ત્યારે શું કહેત?

અને મારું મન એ કાલ્પનિક સંવાદ ગોઠવતું હતું. હું મૂંઝાયેલા મને જાણે સાચે જ એ વાત કરતો હોઉં એવું લાગતું હતું. કહેત કે ‘ભાઈ, ગયા એપ્રિલમાં અમે આવ્યાં, અને સ્ટર્લિંગમાં તમારી તબિયત કેવી બગડી ગઈ હતી. બધાંએ આશા છોડી દીધી હતી. બધાં કહે હવે ઊભા નહીં થાય. પણ સારું થયું તમે આંખો ખોલી.’

અને એમને આજે કહેત, ‘ભાઈ તમને કાંઈક થઈ ગયું હોત તો અત્યારે તમને યાદ કરીને અમે કેટલું રડતાં હોત!’

* અને એ વિચાર આવ્યો ત્યારે રડતો હતો તેથી પણ વધુ, હૈયા-ફાટ રડવું આવ્યું.

ઓગણચાલીસમું પ્રકરણ: ભાઈને ફરિયાદ

મે ૬ ૨૦૧૪; આજ સવારના  સ્વપ્નમાં મને જાણે ખબર હોય કે ભાઈની જિંદગીના છેલ્લા દિવસો ચાલતા હતા. પછી એ બેઠા હતા ત્યાંથી એમને ઊભાં કરી કોઈ બે માણસો ગામની બહાર અને જંગલમાં લઇ જતા હતા.

હું દૂર ઊભો ઊભો જોતો હતો કે ભાઈને હાથ દોરીને કોઈ લઇ જાય છે. ભાઈએ પાછા વળીને મારી સામે જોયું અને મને હાથથી ઈશારો કરી એમની પાસે આવવા કહ્યું, હું એમની પાસે ગયો એટલે મને કહે, ‘રાહુલ, હવે આપણે નહીં મળીએ. હું તને બહુ miss કરીશ.’

મેં તરત ભાઈનો હાથ પકડી લીધો, પછી કહ્યું, આ કહું છું તે માત્ર સાહિત્યના શબ્દો નથી. આ શબ્દો તો મારાં માટે ખરેખરની હકીકત છે.’ પછી કહ્યું ‘તમે જાઓ છો, પણ તમે જશો પછી ય હું તમારી સાથે હોઈશ, આથી તમે મને ક્યારેય ‘મીસ’ નહીં કરો-‘

-ને આંખ ખુલી ગઈ.

પછી વિચારતો હતો કે ગઈકાલે કોઈએ યુ-ટ્યુબમાં ચિત્રગુપ્તના સંગીતની લીંક મોકલી હતી. મને હિંદી ગીત કારમાં નથી ગમતાં, પણ લીંક ક્લીક કરી જોઈ. તો સાવ ભુલાઈ ગયેલાં ગીતોની વીડિયો જોઈ-

‘દિવાને હમ, દિવાને તુમ

કિસે હૈ ગમ

ક્યા કહે યે જમાના‘

પિસ્તાળીસ વર્ષથી એ ગીત સાંભળ્યું નહોતું. પછી બીજાં ગીતો સાંભળ્યાં. ‘લાગી તૂટે ના અબ તો સનમ’ કે ‘દગાબાજ હો,  બાંકે પિયા, કહો ના’

અને મનમાં ઊંડું ઊંડું દર્દ. તે પછી બ્રેકફાસ્ટ પછી ભાઈ અને સુશીબેનનાં ફોટા છે તે રૂમમાં ગયો. સર્વોદય સોસાયટીમાં લોબીમાં ભાઈ અને સુશીબેનને બેસાડીને લીધેલા સરસ ફોટાના એન્લાર્જમેન્ટ સામે હું તાકી રહ્યો હતો. બાજુમાં ખુરશી હતી તે ખેંચીને ફોટા સામે બેઠો.

સુશીબેન પ્રેમાળ આંખોથી જાણે મારી સામે જોતાં હતાં. અને મેં એમને મનમાં કહ્યું, ‘તમારી, મારી અને ભાઈની એક દુનિયા હતી. આ ચિત્રગુપ્તનું સંગીત તે આપણી એ દુનિયાનો ભાગ હતો. હવે એ દુનિયા વીંખાઈ ગઈ.’

પછી હીબકાં દાબીને મેં ભાઈ સામે જોયું, અને કહ્યું, ‘તમે આવી રીતે કેમ જતાં રહ્યા?’ મેં કહ્યું, ‘ભલે છેલ્લાં વર્ષમાં ક્યારેક હું મૂર્ખામીથી વર્તતો હતો. પણ તમે તો મારા પિતા છો. તમે આમ મનમાં ઓછું લાવીને આમ મારી સાથે વાત કર્યા વગર ચાલ્યા ગયા એ તમે બરાબર નથી કર્યું,’

*  જાણે ભાઈ એ ફરિયાદ સાંભળી એકવાર પાછા આવી, મને મળીને ‘આવજો’ કહીને પછી જાય.

ચાલીસમું પ્રકરણ: ફરીથી અવસાન

ઓગષ્ટ ૧૩, ૨૦૧૪: આ પુસ્તકનાં લખાણ માટે એકાંતની બહુ જરૂર હતી. ઓગષ્ટમાં અને ડિસેમ્બરમાં એમ બે વાર ફ્લોરિડા સ્ટેટનાં દરિયાકિનારાનાં શહેર ટેમ્પામાં ખાસ આ લખવા આવ્યો હતો. પહેલી વાર  દરિયા કિનારે હોટેલમાં બે કમરાવાળો એવો રૂમ લીધો હતો કે ૧૧માં માળની બાલ્કનીમાં બેસીને લખું ત્યારે પચાસ ફૂટ દૂર દરિયામાં ઘૂઘવતાં મોજાં દેખાતાં હતાં.

હું એકલો જ આવ્યો હતો. મારા માટે આ તો જાણે એક યજ્ઞ હતો. ભારતમાં હોઈએ તો જેમ ઋષિકેશ કે હરિદ્વાર જઈ ગંગા નદીના કિનારે બેસીએ તો કહેવાય છે કે ભગવાનની નજીક બેઠાં સમાન છે.

મારા માટે દરિયા કાંઠો નજીક હોય તો મનમાં એવી લાગણી થાય કે ભાઈ અને સુશીબેનની નજીક છું.

હું લખવા બેસું તે પહેલાં નાહીને, સારું પરફ્યુમ લગાવી, પછી સાથે લાવેલ સારી મ્યુઝિક સિસ્ટમમાં કોઈ દર્દ ઘૂંટાતું હોય એવું ક્લાસિકલ સંગીત શરુ કરું. ફ્લોરીડા આવતાં અગાઉ આકાશની મદદથી ભાઈ અને સુશીબેનનાં ચાર સુંદર ફોટોગ્રાફનાં કેનવાસ પર એન્લાર્જમેંટનો ઓર્ડર વોલમાર્ટ નામનાં સ્ટોરમાં એવી રીતે આપી દીધો હતો કે એ સ્ટોરની ટેમ્પાની શાખામાં હું ફ્લોરીડા પહોંચું તે પછી તે એન્લાર્જમેંટની કોપી લઇ આવી શકું.

તો આવીને તે સાંજે જ એ ફોટા લઇ આવ્યો હતો, તે મારાં લખવાના રૂમમાં એક મોટા ડેસ્ક પર ગોઠવી દીધા હતા.

અગરબત્તી સાથે લઇ આવ્યો હતો. તો સંગીત ચાલુ કરી,  પછી  ભાઈ અને સુશીબેનનાં ફોટા પાસે સળગાવેલી અગરબત્તી મૂકીને લખવા બેસતો.

જ્યારે લખતો હોઉં ત્યારે જે વાત અંગે લખતો હોઉં તે વાતાવરણમાં મારે ઉતરી જવું હોય છે.

ચાર વર્ષ અગાઉ એક વાર્તાનો પ્લોટ સૂઝ્યો હતો કે વઢવાણમાં રહેતો કોઈ યુવાન મુંબઈથી આવેલી યુવતીને રાણકદેવીનાં મંદિરે ફરવા લઇ જાય છે, અને વાર્તા ત્યાંથી કેટલી ય આગળ વધે છે. વાર્તાનું નામ હતું ‘રાણકદેવીનાં ગાલ પરનું લાખું.’

મીનુ તે વખતે સુરેન્દ્રનગર ગઈ હતી. મેં એને ફોન કરીને કહ્યું, રાણકદેવીના મંદિરની લોંગ શોટમાં મુવી લેતી આવજે.

પછી વાર્તા લખવી હતી તે પહેલાં, એક રવિવારે નીચે એકલો હોમ થિયેટરમાં ગયો. અંધારું કરીને, મીનુ લાવી હતી તે ચાર મિનિટની ફિલ્મ અર્ધા કલાક સુધી જોયા કરી. અને ધીમે ધીમે હું માનસિક રીતે વઢવાણમાં ‘ટ્રાન્સફોર્મ’ થઈ ગયો હતો. અજવાળું કરી, પેન હાથમાં લઈને લખવા લાગ્યો. પણ મને એવું જ લાગ્યું કે જાણે રાણકદેવીનાં મંદિર સામેનાં વડ નીચે બેસીને જે થઈ રહ્યું છે, તે જોતાં જોતાં એનું આલેખન કરું છું.

મારી લખવાની આદત વર્ષોથી એવી છે કે વાર્તાનાં પ્રસંગો મારી સામે સાચુકલા બનીને દેખાતા હોય, અને હું હાથમાં પેન લઇ ધસમસતી ઝડપે એ બનતી ઘટનાઓનો આંખે દેખ્યો અહેવાલ લખી લઉં. એ કારણે જ હું કોઈવાર બોલ પોંઈટ પેનથી વાર્તા લખી નથી શકતો. આ જમાનામાં જ્યારે કોઈ ભાગ્યે જ ફાઉંટન પેન વાપરતા હોય છે ત્યારે હું પહોળી નીબ વાળી ઇટાલિયન ફાઉંટન પેનથી જ ગુજરાતી વાર્તાઓ કે લેખ લખું છું કેમ કે ફાઉંટન પેન કાગળ પર ઝડપથી સરકે અને આથી સામે બનતા બનાવો મનમાં જે ગતિથી બનતા હોય તે જ ગતિથી પેન અક્ષરો કંડારી શકે.

અને હું જે લખતો હોઉં એની દુનિયામાં એવો તો ડૂબી જાઉં કે આનંદી બનાવ અંગે લખતો હોઉં તો મોઢા પર હાસ્ય હોય, દુઃખની વાત લખતાં આંખોમાંથી ચોધાર આંસુ, પણ છતાં લખવાનું બંધ ન કરું.

જેમ ફિલ્મ અને નાટકનાં અદાકાર જે પાત્ર ભજવતા હોય તો નાટક શરુ થાય તે અગાઉ બે કલાકથી પાત્રની અંદર આવી જાય અને તે પાત્ર જ બની જાય, તેમ મારે માટે પણ લખતો હોઉં એ ઘટનાઓ તે ક્ષણે સાવ સાચુકલી બની જતી હોય છે.

તો ઓગષ્ટનાં એ ચાર દિવસો ટેમ્પાની હોટેલમાં એકલા બેઠાં મેં ભાઈ અંગે લેખો લખ્યા. ભાઈના અવસાન અંગેની બધી વાતો મનમાં સાવ જીવતી થઈ જાય.

પછી પાંચમા દિવસે સુશીબેનના છેલ્લા દિવસો અંગે લેખ લખવા બેઠો. લેખ શરુ કર્યો એ વાતથી કે ૨૦૧૨ના એપ્રિલમાં સુરેન્દ્રનગરના ઘેરથી નીકળતો હતો ત્યારે સુશીબેનની તબિયત કેવી  સરસ હતી, મને ભેટીને દર વખત જેમ રડતાં હતાં અને મેં એમને રડતાં અટકાવીને કેવી ધરપત આપી હતી કે હું તો ચાર મહિના પછી પાછો આવવાનો છું, અને ત્યારે તો આપણે ત્રણ મહિના સાથે રહેવાનું છું. અને એમણે આંસુ લૂછીને કહ્યું હતું, ‘તો તો સારું’.

  પણ પછી ૨૦૧૨નાં જૂનમાં એમની તબિયતનાં કારણે અમારે કેવું અચાનક અમેરિકાથી દોડતાં ભારત જવું પડ્યું. ૨૦૧૨નાં જૂનની ૧૯મીથી જુલાઈ આઠ સુધીની અમારી મહેનત, તરફડાટ અને ધમપછાડાની વાત લેખમાં લખતો હતો.

એ અઢાર દિવસ સુશીબેનને ભગવાન પાસે ન જવા દેવાની અમે ઝુંબેશ ઉપાડી હતી. ભાઈને એમનાં રૂમમાં જઈ સુશીબેન અંગે તબિયતની સંપૂર્ણ માહિતી આપવાની ફરજ મેં સંભાળી હતી.

૨૦૧૨ની એ લડત અને જહેમતની ઘણી વાતો ૨૦૧૩નાં ભાઈના અવસાનના દુઃખની રાખે ઢાંકી દીધી હતી, પણ જેમ જેમ સુશીબેન પરનો લેખ લખતો ગયો તેમ વિગતો યાદ આવતી ગઈ, અને ધીમે ધીમે જેમ નાટકનો અદાકાર પાત્રમાં એકરૂપ થઈ જાય તેમ હું ટેમ્પાની હોટેલની બાલ્કનીમાંથી અને ૨૦૧૪ની સાલમાંથી નીકળી જઈ ૨૦૧૨નાં જૂન મહિનાનાં છેલ્લાં અઠવાડિયામાં અને સર્વોદય સોસાયટીનાં મકાનમાં પહોંચી જતો હતો.

સુશીબેન અંગેનો એ લેખ હૃદયદ્રાવક બન્યો હતો. અને આથી મનમાં ખૂબ દુઃખનો અનુભવ થાય તે તો સમજી શકાય તેમ હતું પણ સાથે જ મનમાં ન સમજી શકાય તેવું એક બીજું ખાલીપણું એ લેખ લખતાં થતું હતું. ન સમજાય તેવાં સંવેદનો હૃદયમાં થતાં હોય તેવું લાગ્યું.

તો મને વિચાર આવતા હતા કે સુશીબેનનો  લેખ લખતા એક  જુદા પ્રકારની મૂંઝવણ થાય છે તેનું શું કારણ?

રોજ મીનુને ફોન કરીને લેખન અંગેના પ્રોગ્રેસની વાત કરતો હતો. તે સાંજે મેં એને કહ્યું, ‘સુશીબેન અંગેનો લેખ લખતા એક ન સમજાય તેવી  અકળામણ થાય છે તેના કારણની મને સમજણ પડી ગઈ.’

પછી મેં કહ્યું ‘મારાં લેખક-મનને વર્ષોનો મહાવરો છે કે બનતી ઘટનાની અંદર પરોવાઈ જવું. તો હું સુશીબેનની કથળતી તબિયત અંગે લખતી વખતે કાળનાં એ ૨૦૧૨નાં ભાગમાં સફરે પહોંચી જાઉં છું. અને એકબાજુ સુશીબેનની તબિયત વણસતી જાય છે. પણ એ બધાંનું વર્ણન લખું ત્યારે બાજુની રૂમમાં, ‘સમય’નાં પાનાં ઉથલાવતાં, ભાઈ જીવતા થઈ જાય છે. એમની તબિયતમાં કોઈ ખોટકો નથી. અને હું આ લેખ લખતાં લખતાં ભાઈનું અસ્તિત્વ એવી રીતે અનુભવું છું કે એ ક્યાંય ગયા જ નથી.’

‘મીનુ, સુશીબેનના અવસાન અંગે લેખ લખતો જેવો અટકું, પેન હાથમાંથી મૂકું, અને થોડી જ વારમાં ૨૦૧૨માંથી ૨૦૧૪ના ટેમ્પા શહેરની આ હોટેલમાં આવી જાઉં છું’

* ‘અને ભાઈનું ફરીથી અવસાન થઈ જાય છે.

2 thoughts on “વિયોગ-૧૯ (રાહુલ શુકલ)

  1. પાત્રોના નામ જુદા પણ આવો જ અનુભવ અમારો-‘‘મારાં લેખક-મનને વર્ષોનો મહાવરો છે કે બનતી ઘટનાની અંદર પરોવાઈ જવું. તો હું સુશીબેનની કથળતી તબિયત અંગે લખતી વખતે કાળનાં એ ૨૦૧૨નાં ભાગમાં સફરે પહોંચી જાઉં છું. અને એકબાજુ સુશીબેનની તબિયત વણસતી જાય છે. પણ એ બધાંનું વર્ણન લખું ત્યારે બાજુની રૂમમાં, ‘સમય’નાં પાનાં ઉથલાવતાં, ભાઈ જીવતા થઈ જાય છે. એમની તબિયતમાં કોઈ ખોટકો નથી. અને હું આ લેખ લખતાં લખતાં ભાઈનું અસ્તિત્વ એવી રીતે અનુભવું છું કે એ ક્યાંય ગયા જ નથી.’

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s