પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તા-૧૨-“વાડકી વ્યવહાર”


(૧૨) “વાડકી વ્યવહાર”

‘મોટાભાઈ, તમારી તબીયત તો સારી છેને? કેમ કાંઈ બોલતા નથી. સવારથી તમે કશું ખાધું પણ નથી બસ માળા લઈને જ બેસી રહ્યા છો.’

મોટાભાઈ એટલે ડો. ભાવિન ભટ્ટ્ના ચોપ્પન વર્ષીય મોટાભાઈ ભાલચંદ્ર. બે દિવસથી બસ રૂમમાં જ ભરાઈને જપ કરતા હતા કે દિવાલ સામે તાકી રહેતા હતા. ભાવિન અને તેની ડોકટર પત્ની સુરભીને ચિંતા થતી હતી. મોટાભાઈ ને એકદમ શું થયું? મોટાભાઈ એટલે એટલે ભાવિનના ભગવાન.

‘ભઈલા, મને એમ લાગે છે કે મારાથી આ દેશમાં હવે ના રહેવાય. હું પાછો આપણા દેશ ભેગો થઈ જાઉં’

કેમ મોટાભાઈ અમારાથી કાંઈ ભૂલ થઈ છે? અમને છોડીને ચાલ્યા જવાનો તમને વિચાર જ કેમ આવ્યો? સુરભીએ તો જેઠ ના ખભા પર માથું નાંખી રીતસર રડવા માંડ્યું.

દીકરી રડવાનું બંધ કર. મારી વાત સાંભળ. મને તમારી આગળ વાત કહેતાં પણ શરમ સંકોચ નડે છે. જીભ નથી ઉપડતી. બસ તમારો કોઈ વાંક વાંધો નથી. આ દેશની હવાની મને આડ અસર નડે છે. ચાલો ભાણું કરો દીકરા, આપણે પહેલાં જમી લઈયે. પછી બધી વાત.

મોટાભાઈ બોલ્યા અને જમવાની વાત કરી એનાથી ડોક્ટર દંપતીને થોડી રાહત થઈ. ચાલો, જમવા તો તૈયાર થયા. ભાવિન અને સુરભીને માટે મોટાભાઈ પિતા તુલ્ય હતા. જમ્યા પછી મન હળવું કરશે એમ માની બન્ને ચૂપ રહ્યા. પણ બન્નેના મનમાં મોટાભાઈને શું થયું હશે તેનું કુતુહલ તો હતું જ.

***

શહેરથી બાર માઈલના અંતરે આવેલા નાના ગામમાં ભાવિનને જન્મ આપી માતાએ સ્વર્ગવાસ સ્વીકાર્યો. ત્યારે આ મોટાભાઈ ભાલચંદ્ર  ચાર વર્ષના હતા. પિતા રામશંકર, આછું પાતળું વૈદુ કરતાં, યજમાનને સાચવતા. ઘરમાં રસોઈ પણ જાતે કરતાં. ચાર વર્ષ મોટોભાઈ ભાલુ નાના ભઈલાની કાળજી રાખતો, સ્કુલે જતો, પોતે જે ભણતો તે બધું જ એના ભઈલાના મગજમાં ઠાલવતો. આ મોટોભાઈ સ્કુલ શિક્ષણ ઉપરાંત પિતા પાસે  ધરવૈદુ, રસોઈ અને થોડા યજમાનવૃત્તિના શ્લોક પણ શીખતો રહ્યો. મોટાભાઈ ચૌદ પંદરના થયા અને બાપે પણ વિદાય લીધી.

મોટાભાઈનું શિક્ષણ અને બાળપણ છીનવાઈ ગયું. મોટાભાઈ ભઈલા ભાવિનના બાપ અને માં બની ગયા. આપોઆપ પંદર વર્ષના મોટાભાઈમાં પચ્ચીસ વર્ષની સમજદારી અને ઠરેલતા આવી ગઈ. ગામના વાણીયા શેઠની થોડી કૃપા દૃષ્ટિ, શેઠાણીબાની મમતા સાથે આવડે તેવી યજમાનવૃત્તિ થી જીવન ચલાવવા માંડ્યું. બસ ભૈલા ને ભણાવવો છે. ડોક્ટર બનાવવો છે. એ જ ધૂન. અને એમાંને એમાં પોતે પરણવું જોઈએ એ વાત પણ સદંતર ભૂલાઈ ગઈ.

ભઈલુ બાર માઈલ દુર હાઈસ્કુલમાં જશે. એને સાઈકલ જોઈશે. થોડી બચાવેલી અને થોડા યજમાન પાસે મેળેલી રકમમાંથી સાઈકલ આવી ગઈ. અને પછી કોલેજ. ભઈલુ ખૂબ હોંશિયાર વાણીયાશેઠની દીકરી પણ ભાવિનની સાથે જ ભણે. નાનપણથી જ દોસ્તી. શેઠાણી બાએ જાતે જ કહ્યું ભાલુ, સુરભી સાથે ભાવિનને પણ અમારો ડ્રાઈવર કોલેજ મૂકી જશે અને લઈ જશે. એ સૂચનાત્મક આશીર્વાદ જ હતા. ભાવિન તો રોજ મોટાભાઈને પગે લાગીને જ કોલેજ જાય. સ્કોલરશીપ મળે. બન્ને સાથે જ ડોકટર થઈ ગયાં.

કોઈ પણ જાતના ફિલ્મી આડાઅવળા આટાપાટા વગર મંગળગીતો ગવાયા અને સુરભી શાહ, સુરભી ભટ્ટ બની ગઈ.

બન્ને હોસ્પિટલમાં નોકરી કરે. અને એક દિવસ ભાવિને કહ્યું ‘મોટાભાઈ, અમને અમેરિકાના વિઝા મળ્યા છે. શું કરીએ? તમારી શું સલાહ અને આજ્ઞા છે.’

‘ભઈલા, હું તો અભણ છું. તમારા ભવિષ્યને માટે જે રૂડુ હોય તે કરવાનું.’

‘પણ તમે એકલા?’

‘અરે એકલો શાનો? આખું ગામ મારી સાથે છે. શેઠજી જેવા સ્નેહી સાથે છે.’

‘ના મોટાભાઈ એ બધા છે પણ જો ઘરમાં કોઈ ભાભીમા હોય તો જ અમારાથી તમારી સોંફણ નોંધણ કરીને નીકળાય.’

જવાબમાં મોટાભાઈ માત્ર હસ્યા.માંડ સાંઠ-સિત્તેર ઘરોનું ખોબા જેવું ગામ. તેમાં માત્ર આઠ બ્રાહ્મણ કુટુંબો. તેમાંએ ચાર તો સંબંધીઓ. પરગામમાં કોઈ ઓળખે નહીં. માત્ર સાત ચોપડી જ ભણેલા પાંત્રીસ વર્ષના બ્રાહ્મણને કોણ કન્યા આપે? ઈશ્વરેચ્છા બલીયસી. પોતાની ઇચ્છાઓ તો જાગે તે પહેલાં જ મરી પરવારી હતી.

નાના ભઈલા અને સુરભીએ રડતી આંખે ચરણરજ લઈ મોટાભાઈની વિદાય લીધી. સમય વહેતો ગયો. કાગળો લખવાનો જમાનો તો ચાલ્યો ગયો હતો. એક એક દિવસના અંતરે વહેલી સવારે ભઈલાનો ફોન આવતો. વાતો થતી. ભઈલુ તરફથી મોટાભાઈ માટે જરૂર કરતાં વધારે નાણાં શહેરની બેન્કમાં જમા થતાં. મોટાભાઈ તો ભગવાનના માણસ. છોકરાંઓને ચોપડા-નોટબુક લાવી આપે. માંદાની ખબર કાઢવા જાય. શહેરમાં ડોક્ટરને ત્યાં લઈ જાય. ભઈલુની ફોન પર સલાહ માંગે. કોઈ વધારે માંદુ હોય તો, સેવા કરે, તેમની સુખાકારી માટે જાતે જપ પણ કરે. પૂજા પાઠ પણ કરે. બસ નિઃસ્વાર્થ સેવા.

એક દિવસ સવારે ફોન આવ્યો.

‘મોટાભાઈ મેં તમારે માટે એપ્લાઈ કર્યું’તું. તમારા પર બધા કાગળો આવશે. મેં મારા મિત્ર સુરેશને કહ્યું છે. તે તમને વિઝા લેવા મુંબઈ લઈ જશે. એ પણ અમેરિકા આવવાનો છે તેની સાથે જ તમારે પણ આવવાનું ગોઠવ્યું છે.’

બસ પ્લાન પ્રમાણે મોટાભાઈ અમેરિકા આવી ગયા.

એક વીકમાં તો બરાબર ગોઠવાઈ ગયા.

સુરભી એના બે બાળકો સાથે દોડાદોડ કરે, ક્લિનિક સંભાળે, ખાવાનું બનાવે. હવે હાઉસકિપર તો હતી તો પણ મોટાભાઈની કાળજીમાં અટવાઈ જતી. મોટાભાઈ તો સમજુ. બધી જવાબદારી લેવા માંડી. ઘરની સાફસૂફી અને સરસ ખાવાનું બનાવવા માંડ્યું. ખરેખર તો મોટાભાઈ બોજ નહિ પણ મદદગાર બની ગયા. છ વર્ષની બેબી અને નવ વર્ષના ભત્રીજાના વ્હાલા દાદા બની ગયા. બસ સંસારમાં સૂખ જ સૂખ છલ્કાતું હતું.

એમના મકાનના બેકયાર્ડની પાછળ જ જેમનો બેકયાર્ડ પડતો તે મકાનમાં લક્ષ્મી રહેતી હતી. નહીં કાળી, નહીં ધોળી. પણ થોડી ઉજળી ખરી એવી એની પાછલા બારણાની સાંઠ વર્ષીય પાડોસણ લક્ષ્મી, ડોક્ટર દંપતિના બાળકો નાના હતા ત્યારે બેબીસીટીંગ કરતી હતી. જરૂર પ્રમાણે ડોક્ટરની ઓફિસનું થોડું પેપર વર્ક પણ કરી આપતી. સુરભીની પેશન્ટ અને ફ્રેન્ડ. લક્ષ્મીના બાપ-દાદા બ્રીટીશ ગિયાનાના મૂળ ઈન્ડિયન, મા ગોરી અમેરિકન, દાદી કાળી. લક્ષ્મીનો પહેલો પતિ લગ્ન પછી ત્રણ વર્ષમાં ગુજરી ગયેલો. બીજો પતિને છ મહિનામાં જ ડિવોર્સ આપેલા. સીંગલ લાઈફની મજા માણતી લક્ષ્મીના ઘરમાં ગણપતી, શંકર-પાર્વતી, રાધાકૃષ્ણ અંબામાતાના અને સેન્ટ મેરીના ફોટા હતા. ગળામાં ક્રોસ પણ ખરો. ભગવાનને પગે લાગે, હાર્ટ ક્રોસ કરે, અને દિવાને બદલે મિણબત્તીઓ અને ધૂપસળી સળગાવે. દિવાળી નવરાત્રીના ગરબા અને ઉત્સવ ભટ્ટ ફેમિલી સાથે જ ઉજવાય. મોટાભાઈ જ્યારે સરસ સરસ વાનગી બનાવે ત્યારે પાછળ લક્ષ્મીબેનને ત્યાં પહોંચે. ક્યાંક જવું હોય તો લક્ષ્મીબેન જ મોટાભાઈને રાઈડ આપે. આપણા મોટાભાઈ તો ભગવાનના માણસ. લક્ષ્મી એમનાથી એ ચાર પાંચ વર્ષ મોટા એટલે મોટાભાઈ લક્ષ્મીને લક્ષ્મીબેન જ કહે.

હવે એક દિવસ મોટાઈએ રસમલાઈ બનાવેલી. સુરભીએ યાદ કરાવ્યું; લક્ષ્મીને ખૂબ ભાવે છે. એને આપી આવજો. ખુશ થશે. મોટાઈએ ફોન કર્યો. લક્ષ્મીબેન હું રસમલાઈ લઈને આવું છું. લક્ષ્મીબેનને ત્યાં તેઓ રસ મલાઈ આપવા ગયા.

લક્ષ્મીના કમ્મરમાં સખત દુઃખાવો થતો હતો.

મોટાઈએ પૂછ્યું “એસ્પીરીન આપું?”

‘ના સવારથી પેઈન કિલર લઉં છું, ફેર પડતો નથી. કેન યુ ડુ સમ મસાજ? આઇ’લ એપ્રીશીએટ.’

મોટાઈને સંકોચ તો થયો. પણ પછી થયું, એણે તો સેવા ભાવે ઘણા વડીલ વૃધ્ધોની સેવા કરી છે. અરે! બગડેલા વસ્ત્રોની સાફસૂફી પણ કરી છે. બિચારા લક્ષ્મીબેનનું શરીર તોડાય છે, તો જરા ચંપી થાય તો એમને બિચારાને રાહત થાય. એમણે ધર્મ ભાવે એમની ફરજ બજાવવા માંડી…….

પણ લક્ષ્મીબેને તો…. ખરેખર એમને પાપમાં પાડ્યા…..

બસ મોટાભાઈએ આડું જોઈને કહ્યું. આઈ એમ સોરી લક્ષ્મીબેન, આઈ એમ વેરી સોરી લક્ષ્મીબેન. મારે તમને અટકાવવા જોઈતા હતા. આવું કેમ થયું તે સમજાયું નહીં. આઈ એમ સોરી.

લક્ષ્મીબેને કહ્યું યુ આર પર્ફેક્ટ મેન, આઈ મીન જેન્ટલમેન. થેન્ક્યુ. થેન્ક્યુ. નાવ માય પેઈન ઇઝ ગોન.

મોટાઈ ઘરમાં આવી પોતાના  રૂમમાં ખાધા પીધા વગર પૂરાઈ રહ્યા. કોઈને મોં બતાવવા ન્હોતા માંગતા. જમવા બોલાવવા આવે એટલે માળા કરવા માંડે. જપ શરૂ કરી દે. બે દિવસ સૂધી જમવા પણ ન આવે.

ભઈલાએ ખૂબ ચિંતા વ્યક્ત કરી સુરભી તો રીત સર રડી. ત્યારે જમ્યા. કહ્યું બેટા  મોટું પાપ થઈ ગયું ….લક્ષ્મીબેનને ત્યાં.

બસ પાછા એમના એમના રુમમાં ભરાઈ ગયા. આ સમયે નાનો ભઈલો અને સુરભી પચાસના હતાં. ડોક્ટર હતાં. આમ તો મોટાભાઈ ચોપ્પનના જ હતા તો પણ પિતા તુલ્ય હતા. વધુ પૂછીને એમને ક્ષોભમાં નાંખવાનો કોઈ અર્થ ન હતો. સુરભીને કંઈક શંકા ગઈ. કદાચ મોટાભાઈએ…..લક્ષ્મી અને મોટાભાઈ….કદાચ રેપ….ના, ના. મોટાભાઈને માટે વિચારાય જ નહીં…. તો?

બીજા દિવસે સુરભી અને લક્ષ્મી વચ્ચે ઘણી મહિલા-મૈત્રી વાતો થઈ. ખુલાસાઓ થયા. બન્ને પરિપક્વ-મેચ્ચ્યોર લેડિઝ પેટ પકડીને મોટાઈની ગભરામણની વાતો કરતાં હસ્યા પણ ખરા. લક્ષ્મીએ કહ્યું જો મને રિસ્પોન્સ ના મળતે તો …તો હું એને વુમનહૂડનું ઈન્સલ્ટ ગણતે.’

હાશ. મોટાભાઈ તો મનના ચોખ્ખા જ હતા. આતો સાહજિક માનવીય પ્રકૃતિ.

અને છેલ્લે લક્ષ્મીબેને કહ્યું પણ કરું કે ‘આઈ લાઈક હીમ વેરી મચ. આઈ એમ રેડી ટુ મેરી થર્ડ ટાઈમ’

પણ એવું કાંઈ, બન્યું નથી. લગ્ન થયા નથી. નાનોભાઈ મનુસ્ય જીવનની કેટલીક જરૂરો સમજે છે. કોઈ વાત ચર્ચાતી નથી. મર્યાદા ભંગ થતો નથી. નાનાભાઈ અને સુરભીની સમજદારી પૂર્વકની ઉપેક્ષાએ મોટાભાઈનો અપરાધભાવ કાઢી નાંખ્યો. તે ઈન્ડિયા પાછા ગયા નથી. પાડોસીઓનો સ્વૈચ્છિક વાડકી વ્યવહાર મર્યાદિત રીતે ચાલુ છે. મોટાભાઈના ચહેરા પર પ્રસન્નતા પથરાય છે.

મોટાભાઈ ભઈલા ભાવિન સાથે પારિવારિક સુખ, અને પાડોસણ લક્ષ્મીબેન સાથે મૈત્રી સુખ માણે છે. મોટાભાઈ ખરેખર અમેરિકામાં સુખી છે.

6 thoughts on “પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તા-૧૨-“વાડકી વ્યવહાર”

 1. બહુ સરસ– વાર્તા
  વાર્તામાં જેં કાઈ તેઓ પીરસતા હોય તેમાંનું કલાનું તત્ત્વ બહુ પ્રગટ થાય છે. વાર્તાઓ સહજતાથી વહે છે.જો દરેક દંપતી ભૈલુ અને સુરભી જેવા હોય તો લક્ષમી અને ભાલચંદ્ર -‘મોટાભાઇ’- જેવાના અનેકોના જીવનમાં રંગત આવી જાય, વાડકી વ્યવહાર પણ દીપી ઉઠે.. એકલતામાં જીવન જીવવા જેવું લાગે…..યાદ આવે
  પાસે પારિજાત
  રહેવા આવ્યું છે એક બુલબુલ-જોડું
  ઓળખાણ રોજ વધે થોડું થોડું
  આંગણે આવીને આપી જાય
  સવારે સવારે
  . ટહુકા બે-ચાર
  હું ય સામે સંભળાવું એકાદ-બે ગીત-કડી
  -પાડોશીની સાથે મારે વાડકી-વ્હેવાર! – જયન્ત પાઠક

  Liked by 1 person

 2. પ્રવિણભાઇ,
  વાર્તાના છેલ્લા વાક્યોમાં તમે જે વળાંક આપ્યો છે તે લાજવાબ વળાંક છે. હ્યુમન સાયકોલોજી સરસ કામ કરી ગઇ. ભાવિન અને સુરભી સાચા અર્થમાં ડોક્ટર બની રહ્યા.
  કવિ હેમલ ત્રિવેદી કહે છે કે…..

  સાચો અેક સંબંઘ બાંઘી,
  મેં હવે જીંદગી માલદાર કરી.

  I saw a FACT in your story. Nobel Prize winner Maya Angelo said, ” There is a world of difference between TRUTH and FACTS. Facts can obscure the truth.” The relation between Laxmi & Bhalchandra was a FACT….it has obscured the truth…..હકીકતે સત્યને ઢાંકી દીઘું….ભાલુભાઇના જીવનના સત્યને અમેરિકામા લક્ષ્મીબેન સાથેના જીવનની હકીકતે તેમના પાછલાં જીવનના સત્યને ઢાંકી દીઘું.
  સલામ પ્રવિણભાઇ….
  અમૃત હઝારી.

  Liked by 1 person

 3. આભાર પ્રજ્ઞાબેન, આભાર અમૃતભાઈ અને આભાર દાવડા સાહેબ. મારા નવા વાચક મિત્રો માટે આંગણાંમાની મારી વાત ફરી રિબ્લોગ કરું છું.

  Like

 4. લક્ષમીબેનની વાત જવા દયો, બે વાર પરણ્યા, બે વાર સુહાગરાત માણી… જ્યારે આ મોટાભાઈએ તો First Time સુહાગરાતમાણી(કે પછી સુહાગદિન.. જે કહો તે)..! અને ડૉ. સુરભી હોંશિયાર તો ખરી, તેના કરતાં વધારે તો સમજુ પણ ખરી..

  સરસ વાર્તા..બહુ ગમી..

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s