અલગ પાકિસ્તાન મેળવવા જુલાઈ ૧૯૪૭ થી શરૂ થયેલા હિન્દુ-મુસ્લીમ દંગા, ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ પછી પણ રોકાવાને બદલે વધારે તીવ્ર થયા હતા. ભાગલા પછી જે મોટા પાયે સ્થળાંતર થયું, એમાં એક અમાનવીય પ્રકાર એ હતો કે મુસલાનો, યુવાન હિન્દુ અને શીખ છોકરીઓને પકડી, મુસલમાનોને વેંચી દેતા. બદલો લેવા શીખોએ પણ આવું શરૂ કર્યું.
સપ્ટેમ્બર ૧૯૪૭ માં ૫૫ વરસનો બુટાસિંગ પોતાના ખેતરમાં કામ કરતો હતો ત્યારે એણે કોઈ સ્ત્રીની ચીસો સાંભળી. એણે જોયું તો એક યુવાન છોકરી જીવ બચાવવા દોડતી હતી, અને એની પાછળ એક શીખ એને પકડવા દોડતો હતી. એ છોકરી બુટાસિંગને વળગી પડી અને “મને બચાવો, મને બચાવો” એમ કરગરવા લાગી. બુટાસિંગ શું થઈ રહ્યું છે એ તરત સમજી ગયો, અને પેલા શીખને પૂછ્યું, “કેટલા પૈસા?” પેલાએ પંદરસો રૂપિયા કહ્યા. બુટાસિંગ પોતાના કાચા ઘરમાં ગયો અને વાળેલી ચોળેલી નોટો લઈ આવીને પેલાને પૈસા ચૂકવી દીધા.
એ છોકરી ઝેનીબ નામની ૧૭ વરસની મુસ્લીમ હતી. બુટાસિંગ સંજોગોવશાત અપરિણીત અને એકલો હતો. શરૂઆતમાં એને એકલતા દૂર કરવા ઈશ્વરદત્ત ભેટ જેવું લાગ્યું. એ ઝેનીબથી ૩૮ વરસ મોટો હતો, એટલે એની સાથે દિકરી જેવું વર્તન રાખતો. ઝેનીબ પણ એની સાથે ખેતરમાં કામ કરતી, ભેંસ દોહતી અને ઘરના નાના મોટા કામ કરતી. બુટાસિંગની દયામાયાથી આકર્ષાઈ ઝેનીબ બુટાસિંગ સાથે પરણવા તૈયાર થઈ ગઈ, અને બન્નએ શીખ ધરમના રીત-રિવાજ પ્રમાણે લગ્ન કર્યા. થોડા સમય બાદ ઝેનીબે એક દિકરીને જ્ન્મ આપ્યો. બન્નેએ એનું નામ તનવીર રાખ્યું.
ઘણાં વરસ પછી, બુટાસિંગના ભત્રીજાઓને લાગ્યું કે તનવીર ન હોત તો આ જમીન અમને વારસામાં મળત, એટલે અદેખાઈથી, એમણે ગુમશુદા વ્યક્તિઓને શોધી એમના કુટુંબીઓને સોંપવા બન્ને દેશ તરફથી રચવામાં આવેલી સમિતીના અધિકારીઓને ઝેનીબની વિગત આપી દીધી. પ્રાથમિક તપાસ બાદ અધિકારીઓ ઝેનીબને ગુમશુદા વ્યક્તિઓ માટે રચવામાં આવેલી કેમ્પમાં લઈ ગયા. છ મહિના સુધી બુટાસિંગ દરરોજ ઝેનીબને મળવા કેમ્પમાં જતો. ત્યાં ઝેનીબની બાજુમાં બેસીને રડતો કે શા માટે ઇશ્વરે સુખ આપીને પાછું ઝુંટવી લીધું?
એક દિવસ અચાનક સમાચાર મળ્યા કે પાકિસ્તાનમાં એનું કુટુંબ મળી આવ્યું છે. બન્નેએ એકબીજાને આખરી આલીંગન આપ્યું અને ઝેનીબને પાકિસ્તાન મોકલી આપવામાં આવી. જતાં જતાં ઝેનીબે કહ્યું કે હું તમને ભુલીશ નહિં, એક દિવસ જરૂર તમારી પાસે અને મારી દિકરી પાસે આવી પહોંચીશ.
બીજોકોઈ રસ્તો ન સુઝતાં બુટાસિંગ દિલ્હીની એક મસ્જીદમાં જઈ, ઈસ્લામ ધર્મ સ્વીકાર્યો. એણે એના વાળ કપાવી નાખ્યા અને જમાઈલ અહમદ નામ ધારણ કરી પાકીસ્તાન જવા માટે વિસા માટે અરજી કરી પણ તે નામંજૂર થઈ. બુટાસિંગે દિકરીનું નામ બદલી સુલતાના કરી નાખ્યું અને ગેરકાયદે સરહદ પાર કરી પાકીસ્તાન પહોંચી ગયો. દિકરીને લાહોરમાં કોઈ ઓળખીતા પાસે મૂકી, એ ઝેનીબનું કુટુંબ જે ગામમાં રહેતું હતું ત્યાં પહોંચી ગયો. ત્યાં એને સમાચાર મળ્યા કે ઝેનીબને એના મુસ્લીમ કઝીન સાથે પરણાવી દેવામાં આવી છે. બુટાસિંગે રડતાં રડતાં મને મારી પત્ની પાછી આપો કહ્યું તો ઝેનીબના ભાઈઓએ એને માર મારી, ગેરકાયદે સરહદ પાર કરવા બદલ પોલીસને હવાલે કરી દીધો.
કોર્ટમાં એણે જજને કહ્યું, હું મુસ્લીમ છું, મને મારી પત્ની પાછી અપાવો. એણે મંજૂર કર્યું કે મને ઝેનીબને મળવા દેવામાં આવે, અને એ એને પૂછી શકે કે એ મારી સાથે અને એની દિકરી સાથે આવવા તૈયાર છે? અને પછી ઝેનીબ જે કહે તે એ સ્વીકારી લેશે. જજે એની આ અરજી સ્વીકારી લીધી. ભરચક કોર્ટમાં ઝેનીબને લઈ આવવામાં આવી. જજે એને પૂછ્યું,”તું આ માણસને ઓળખે છે?” ઝેનીબે હા પાડી. એણે કહ્યું, “હા એ બૂટાસિંગ છે, એ મારા પહેલા પતિ છે.” ઝેનીબે એની દિકરીને પણ ઓળખી બતાવી.
જજે પૂછ્યું, “શું તું એ લોકો સાથે ભારત જવા તૈયાર છે?”
બુટાસિંગ દયામણી આંખે એની સામે જોઈ રહ્યો. એના કુટુંબીઓ કોર્ટમાં હાજર હતા, એમની ધાકથી ઝેનીબે ના પાકી. બુટાસિંગ હેબતાઈ ગયો, એ એની દિકરીને લઈને ઝેનીબ પાસે જઈને બોલ્યો, “હું તને તારી દિકરીથી દૂર કરી શકું નહિં. હું તને એ સોંપી દઉં છું.” એણે ખીસામાંથી નોટોનું બંડલ કાઢ્યું અને ઝેનીબ સામે ઘર્યું. એણે કહ્યું, “મારી જીંદગી હવે પુરી થઈ છે.”
જજે ઝેનીબને પૂછ્યું, “શું તને તારી દિકરી અને પૈસા લેવા છે?” ઝેનીબે ના પાડી. બુટાસિંગ થોડીવાર માટ રડતી ઝેનીબને જોતો ઊભો રહ્યો, પછી જજની રજા લઈ, દિકરીને ઉંચકી, પાછું જોયા વગર કોર્ટરૂમમાંથી બહાર ચાલ્યો ગયો.
આખી રાત એણે એક મસ્જીદમાં રોતાં રોતાં એક મુસ્લીમ સંત સાથે વિતાવી. સવાર થતાં, એ એની દિકરીને લઈ બજારમાં ગયો, એના માટે નવા કપડાં ખરીદ્યા, નવા ચપલ લીધા અને પછી નજીકના રેલ્વે સ્ટેશને ગયો. આંખોમાં પાણી સાથે ગાડીની વાટ જોતાં જોતાં એણે દિકરીને સમજાવી કે હવે એ કદી એની મા ને મળી શકશે નહિં.
દુરથી ગાડી આવવાની સિટી અને અવાજ સંભળાયા, એણે એની દિકરીને કીસ કરી, એને દુર ફેંકી પોતે ગાડીની સામે કૂદી પડ્યો. એનું તત્કાલ મૃત્યુ થયું. પોસ્ટ મોર્ટમ વખતે એના ખીસામાં ઝેનીબને લખેલી ચીઠ્ઠી મળી, જેમાં લખ્યું હતું, “હું જાણું છું કે તું આટલા બધા લોકોનો વિરોધ કરવાની હાલતમાં ન હતી. મારી અંતીમ ઇચ્છા તારી નજદીક રહેવાની છે. શક્ય હોય તો મને તારા ગામમાં દફનાવજે, જેથી તું મારી કબર ઉપર ફૂલ ચઢાવવા આવી શકે.”
બુટાસિંગના આપધાતે પાકીસ્તાનમાં ખળભળાટ મચાવી દીધો. એના જનાઝામાં હજારો લોકો સામીલ થયા, પણ ઝેનીબના સગા અને ગામવાળાઓએ ત્યાં દફનાવા ન દીધો. આખરે લાહોરમાં એનો સન્માન સહિત દફનાવવામાં આવ્યો. ઘણાં દિવસ સુધી હિન્દુસ્તાનના ભાગલાના માઠા પરિણામનો દાખલો આપવા બુટાસિંગ અને ઝેનીબની વાત પાકીસ્તાનમાં પ્રચલિત રહી.
6 thoughts on “બુટાસિંગ (શોધખોળ ઉપર આધારિત)- પી. કે. દાવડા”
બુટાસિંગ નામના શીખ અને મુસ્લિમ છોકરી ઝેનીબની પ્રેમ કહાની વાંચીને થાય આમા રાજકીય સ્વાતંત્ર્યના ખપ્પરમાં ચાર ચીજો હોમાઈ ગઈ હતી: અખંડિતતા, એખલાસ, અહિંસા અને આર્ષદ્રષ્ટા ગાંધી… માનવીના હ્રદયમાં ભલે ઇશ્વર વસતો હશે.. પણ તેના માનસમાં શયતાને દર નાંખેલું છે. વરુઓનાં ટોળાંની માફક મુસ્લિમ ધાડિયાં ગામ પર ઊતરી આવ્યાં હતાં અને ગામના શીખ તેમ જ હિંદુ વિસ્તારો પર ડોલો ભરીને પેટ્રોલ છાંટી આગ લગાડી હતી
બુટાસિંગ નામના શીખ અને મુસ્લિમ છોકરી ઝેનીબની પ્રેમ કહાની વાંચીને થાય આમા રાજકીય સ્વાતંત્ર્યના ખપ્પરમાં ચાર ચીજો હોમાઈ ગઈ હતી: અખંડિતતા, એખલાસ, અહિંસા અને આર્ષદ્રષ્ટા ગાંધી… માનવીના હ્રદયમાં ભલે ઇશ્વર વસતો હશે.. પણ તેના માનસમાં શયતાને દર નાંખેલું છે. વરુઓનાં ટોળાંની માફક મુસ્લિમ ધાડિયાં ગામ પર ઊતરી આવ્યાં હતાં અને ગામના શીખ તેમ જ હિંદુ વિસ્તારો પર ડોલો ભરીને પેટ્રોલ છાંટી આગ લગાડી હતી
LikeLiked by 1 person
આ વાત ઘણા વખત પહેલાં વાંચી હતી, તે તાજી થઈ ગઈ.
LikeLiked by 2 people
અદભુત સત્યઘટનાત્મક પ્રેમ કહાની !
LikeLiked by 2 people
તું હિન્દુ બનેગા ના મુસલમાન બનેગા
ઇન્સાન કી અૌલાદ હૈ ઇન્સાન બનેગા………
………
………
નફરત જો શીખાયે વો ઘરમ તેરા નહિ હૈ,
ઇન્સાન કો જો રૌંદે વો કદમ તેરા નહિ હૈ……અને કોઇ કવિ કહી ગયા છે કે…
તૂં છોડ દે કોશિશે….
ઇન્સાન કો પહેચાનને કી!
યહાં જરુરતોં કે હિસાબ સે…
સબ બદલતે નકાબ હૈ…!
અપને ગુનાહોં પર સો પરદે ડાલકર…
હર શક્સ કહેતા હૈ…
જમાના બડા ખરાબ હૈ….
અને બુટાસિંશે શહીદી વહોરી લીઘી….
સત્ય…….
ઘર્માંઘતા…માનવતાની દુ:શ્મન છે.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
બુટ્ટાસિંઘને પ્રણામ.
LikeLiked by 1 person
great research and story of humanity and cruality too. thx for this reserch
LikeLiked by 1 person