ઉછળતા સાગરનું મૌન ( સપના વિજાપુરા )


પ્રકરણ – ૧૭

નેહાએ બેગ લઈને એ ચાલવા માંડ્યું હતું. એને રોકવા આકાશ નેહા તરફ ધસી ગયો, અને નેહાને પકડી, પિસ્તોલ કાઢી અને ટ્રીગર ચઢાવી દીધું. નેહા પણ પોતાને આકાશના ચુંગલમાંથી છોડાવવાની મથામણ કરતી હતી. સાગર પરિસ્થિતિ પામી ગયો અને નેહાને છોડાવવા, સાગર આકાશ તરફ ધસ્યો હતો. આકાશ અને સાગરની વચ્ચે ઝપાઝપી ચાલી રહી હતી અને નેહા આકાશના હાથમાંથી બચીને એક બાજુ જેવી ખસી કે, અચાનક, સાગરે આકાશના હાથમાં રહેલી પિસ્તોલને જોરથી એક એવો ઝટકો માર્યો કે પિસ્તોલ હવામાં ફંગોળાઈને, નેહાના હાથમાં પડી. આકાશનો ઈગો તો ઘવાયેલો જ હતો અને આમ સાગરે જોરથી મારેલા ઝટકાને લીધે, આકાશની બંદૂક પણ એના હાથમાંથી ફેંકાઈ ગઈ હતી. આકાશનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો અને એણે હતું એટલું બળ વાપરીને સાગરની ગરદન પકડી લીધી. આકાશ સાગરનું ગળું બેઉ હાથે દબાવતો જતો હતો. ક્રોધમાં, સાનભાન ભૂલેલા આકાશના માથા પર સાગરનું ખૂન સવાર થઈ ચૂક્યું હતું. સાગરને ગૂંગળાવીને મારી નાંખવાનો આ મોકો, આકાશ છોડવાનો નહોતો. સાગરનો આકાશના હાથમાંથી ગરદન છોડાવવાનો છટપટાત અને રૂંધાતો શ્વાસ, આકાશની પકડ કેટલી મજબૂત હતી એનો ક્યાસ આપી રહ્યાં હતાં. એ ઘડીએ, સાગરને છોડાવવા માટે, એક ઝનૂનમાં, નેહાથી ગુસ્સામાં ટ્રીગર દબાઈ ગયું અને સામે આકાશ ધરતી પર ઢળી ગયો. આકાશની પકડ ઢીલી પડી અને એ ઢળી પડ્યો. એકાદ બે ક્ષણ પણ જો મોડું થયું હોત તો સાગર માટે ફરી કદીયે શ્વાસ લેવાનું શક્ય ન થાત! ગરદન છૂટતાં જ, સાગર શ્વાસ લેવા, વાંકો વળીને ખાંસી ખાઈ રહ્યો હતો. નેહાના હાથમાં પિસ્તોલ હતી અને નેહા આખીને આખી ધ્રુજી રહી હતી. કઈં સમજવાનો કે કરવાનો મોકો મળે તે પહેલાં જ, બધું જ બસ, ક્ષણાર્ધમાં બની ગયું! “હે રામ આ શું થઈ ગયું?”  હતપ્રભ નેહા, એકદમ નીચે બેસી પડી!  “મારો તને મારવાનો બિલકુલ ઈરાદો ના હતો. આકાશ મને માફ કરી દે. હે ભગવાન મારે હાથે આ શું થઈ ગયું?”  આકાશના શ્વાસ હજુ ચાલી રહ્યાં હતાં. આકાશે એક હાથે, પોતાનો જખમ દબાવી રાખ્યો હતો. હાથ લોહી વાળા થઈ ગયા હતાં, એણે પીડા સાથે, મહામહેનતે, બન્ને હાથ ઊંચા કર્યા અને નેહાની સામે જોડી દીધાં અને તૂટતા અવાજમાં બોલ્યો,” ને.હા, બની શકે તો મને માફ કરી દેજે. મેં તને ખૂબ દુઃખ આપ્યા છે..!મને ખબર નથી કે હું ઈશ્વરને શું જવાબ આપીશ?”

એક હાથે, બાજુમાં પડેલા ટુવાલને, આકાશના ઘા પર દાબીને, જખમમાંથી વહેતું લોહી બંધ કરવાની કોશિશ કરતાં, નેહાએ બીજા હાથે, આકાશના જોડાયેલા બંને હાથ પકડી લીધાં. “આકાશ, આ શું થઈ ગયું? વચ્ચે, આ  પિસ્તોલ….ક્યાંથી આવી?”  પછી, સાગર તરફ વળીને, નેહા બોલી, “સાગર, જલ્દી ઍમ્બ્યુલન્સ બોલાવ, જલ્દી કર.” આકાશે ઈશારાથી સાગરને ના પાડી અને સાગરને નજીક બોલાવ્યો અને ધીમેથી કહ્યું, “સાગર, નેહાને મેં દુઃખ સિવાય કાંઈ નથી આપ્યું. તું નેહાનું ધ્યાન રાખજે અને એને એના પિયેર મૂકી આવજે.” આકાશનો અવાજ તૂટવા લાગ્યો હતો, આંખો બંધ થવા માંડી હતી અને એના બંને જોડેલાં હાથ, જમીન પર હેઠાં પડ્યા. આકાશ ધરતી પર હવે નહોતો રહ્યો…!

સાગર હવે સચેત થઈ ગયો. એણે જલદીથી પિસ્તોલ ઉઠાવી એના પરથી નેહાની આંગળીઓના નિશાન ભૂંસી નાંખ્યા, અને પિસ્તોલ પોતાના હાથમાં લઈ લીધી. નેહા અચેત બનીને આકાશના શરીરને, એના ખોળામાં લઈને રડી રહી હતી. જિંદગીભર, આકાશે નેહાને હડધૂત કરી હતી..! કાશ, આકાશ જીવતેજીવ નેહાના હ્રદયમાં જોઈ શક્યો કે નેહાના દિલમાં કેટલો પ્રેમ ભર્યો હતો! સાગર પણ હાથમાં પિસ્તોલ લઈને નેહા પાસે બેસી પડ્યો હતો અને નિર્જીવ જેવી નેહાના વાંસા પર હાથ ફેરવી રહ્યો હતો.

હજુ તો કળ વળે એ પહેલાં જ પોલિસ આવી પહોંચી. અડોશીપડોશીએ બુલેટનો અવાજ સંભળાતાં જ પોલીસને બોલાવી લીધી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર તિવારી જ્યારે બંગલામાં દાખલ થયો તો નેહાને આકાશને વળગીને રડતાં જોઈ અને સાગર પિસ્તોલ લઈને નેહા પાસે બેઠો હતો.  તિવારીએ હાથના મોજાં પહેરીને, પિસ્તોલ સાગરના હાથમાંથી લઈ લીધી. અને સાગરના હાથમાં હાથકડી પહેરાવી દીધી. નેહાની માનસિક હાલત કઈં પણ સમજવા માટે અસમર્થ હતી, અને મૂઢની જેમ, હાથ લાંબા કરીને, એ અસંબંધિત પ્રલાપ કરતી હતી, “આમ આ બાજુ, મને પકડી અને સાગર છોડાવા અવ્યો… તો બંદૂક આકાશના હાથમાંથી ઉછળી ને બસ, આમ જ “ધડામ” મેં મારી દીધી ગોળી..! ગરદન પર આમ કોઈ શ્વાસ બંધ થાય એવું જોર કરતું હશે…! આની જડ હું છું… મને મારી બંદૂક આપો, હું મને ગોળી મારીને બતાવું સાહેબ…! બાકીનો જનમ પણ જુલમ સહેવાના બસ… તો આવું કઈં ન થાત..! પણ, પિસ્તોલ ઘરમાં હતી, એવું એ બોલ્યો જ નહોતો… ! મને કીધું હોત તો મેં ગોળી મારીને મારો જ છૂટકો કરી નાંખ્યો હોત સાહેબ…! આપો તો મને, હવે મને આવડી ગયું, બુલેટ કેમ મારવાની..! બસ, આ બાજુ, હું તો ચાલી જતી હતી અને…!” નેહા બેસી પડી.

અચાનક, ઈન્સ્પેક્ટર તિવારીનો અવાજ સંભળાયો,” અહીં શું હકીકત બની કોઇ મને કહેશે?” નેહા જાણે ઊંઘમાંથી જાગી પડી. હવે એણે ઊંચી આંખ કરીને જોયું તો ઈન્સ્પેક્ટર સાગરને કડી પહેરાવીને કાંઈક પૂછી રહ્યો હતો. નેહા જલ્દી ઊભી થઈ ગઈ અને ઇન્સ્પેક્ટર ની સામે આવી ગઈ અને કહ્યુ,” ઇન્સ્પેક્ટર સાહેબ તમે શા માટે સાગરને પકડ્યો છે? સાગર તો બિલકુલ નિર્દોષ છે. મને બંદૂક આપો, હું બતાવું મેં કેવી રીતે ગોળી ચલાવી તે! સાગરને છોડી દો, સાહેબ.”

સાગર બોલ્યો,” નેહા, તું મને બચાવવા પ્રયત્ન ના કર. મેં ગુનો કર્યો છે તો મને સજા થવી જોઈએ. ઇન્સ્પેક્ટર સાહેબ ચાલો…!” અને, નેહા બૂમો પાડતી રહી, “સાહેબ, સાગર નિર્દોષ છે, સાવ જ નિર્દોષ છે, અરે એ તો મને બચાવવા આવ્યો હતો. બધો જ વાંક મારો હતો અને છે…!” પણ, નેહાના શબ્દો બંગલાની દીવાલો સાથે ભટકાઈને પાછાં ફર્યાં.. પોલિસ સાગરને લઈ ગઈ.

“હે  ભગવાન…આ બધું શું થઈ ગયું? મારે હાથે આકાશનું મૃત્યુ અને સાગર જેલમાં?” નેહા આકાશની લાશ પાસે પછડાઈ ગઈ. “અરેરે, મેં એક માનો દીકરો ઝૂંટવી લીધો!  ભગવાન, મને નરકમાં પણ જગા નહી મળે. આ મેં શું કર્યુ? સાગર, મારો ભૂતકાળનો પ્રેમી અને આકાશ મારો પતિ! સાગરને હોટલમાં મળવા બોલાવવાની મારી એક નાદાનીનું આવું ભયંકર પરિણામ…? સાગરની પત્ની, સંતાનો, એ બધાંના જીવન, મેં જ ઊજાડી નાંખ્યા! હા, એ જ બરાબર છે કે હું જ મરી જાઉં! પણ, તો સાગરને કોણ છોડાવશે? સાગરે મારો ગુનો પોતાને માથે લઈ લીધો છે. એની પત્ની, એના બાળકો, સાગરની રાહ જોતા હશે. મારે એને છોડાવવો જ રહ્યો. મુજ અભાગીનું ભલું કરવા માટે સાગરે એની સુખી જિંદગી દાવ પર મૂકી દીધી…!.એની પત્ની અને એનાં બાળકોનો શો વાંક?  એ તો મારાં માટે દિલ્હી દોડી આવ્યો ને, આવું થઈ ગયું!”

નેહા સ્વસ્થ થઈ. પછી, મમ્મી-પપ્પાને ફોન કર્યો અને મામાને ઘરે ફોન કરી સાસુને બોલાવ્યાં. પ્રભાબેન માથું કૂટતાં આવી પહોંચ્યા.
”હાય, મારા નસીબ જ વાંકાં કે આ અભાગણી સાથે આકાશના લગન કર્યાં. આખરે મારો દીકરો મને આ કાળમુખી પાસે મૂકીને, પોતે દુનિયા છોડી ગયો. અરે મારી કૂખ ઊજાડી! પોતે વાંઝણી મારા દીકરાને ખાઈ ગઈ.” નેહા શૂન્યમનસ્ક બની, સફેદ ચાદર ઓઢેલા, આકાશના નિર્જીવ શરીરને તાકી રહી. એને લાગતું હતું કે હમણાં આકાશ ઊઠી જશે અને રોજની જેમ, એનું મોઢું જોઈને એક ત્રાડ પાડશે, પણ, કઈં બનતું ન હતું! રોજ આકાશના રૂવાબ અને કલેશથી ટેવાયેલી નેહાને આ અણગમતું આકાશનું મૌન ખટકતું હતું!

પ્રકરણ – ૧૮

સાગરને પોલીસ પકડીને લઈ ગઈ. આકાશની અંતિમ ક્રિયા સમયે ઘણાં લોકો ભેગા થઈ ગયાં હતાં. અંદરોઅંદર ઘુસપુસ ચાલતી હતી. કોઈને દુઃખ નથી કે એક ‘મા’ નો લાડલો દીકરો ગયો કે એક સ્ત્રી જુવાનીમાં વિધવા થઈ ગઈ છે. બધાંને રસ હતો કે આ બધું કેવી રીતે બન્યું, શા માટે બન્યું? પણ ઘરનાં સભ્યો મૌન હતાં. પ્રભાબેનની તબિયત સારી ના હતી. ડોક્ટરે ઊંઘનું ઈન્જેક્શન આપી સુવાડી દીધાં હતાં. અંતિમ ક્રિયામાં ગયેલી નેહા, આકાશને અડતા ચિતાના ભડકાને તાકી રહી હતી. ભૂતકાળની ભૂતાવળ, ભડકામાં ભડકી રહી હતી.

નેહાની જિંદગી ક્યાં હતી અને ક્યાં આવી ગઈ હતી? નેહાનું મન તો દસે દિશામાં દોડી રહ્યું હતું. “મારો ગુનો એટલો જ કે, આગળ-પાછળની કોઈ વાત જાણવાની કોશિશ કર્યા વિના, મેં સાગરની વાત માનીને, સાગરને છોડી દીધો. અને, મા-બાપે આકાશ સાથે મારાં લગ્ન કરાવી, નિરાંતનો શ્વાસ લીધો. પણ, આકાશનો વિચિત્ર સ્વભાવ અને કદાચ, એની લઘુતાગ્રંથિની પીડાને કારણે, ન એ ખુદ જીવનમાં સુખ-શાંતિ પામી શક્યો કે ન મને આપી શક્યો. આ જ કારણોસર, આકાશ, ન મારા ભૂતકાળને ભૂલી શક્યો કે ન મને પણ ભૂલવા દીધો!  પુરુષપ્રધાન આ દુનિયા, સ્ત્રીને ફક્ત શ્વાસ ઈશ્વરની મરજી પ્રમાણે લેવા દે છે, બાકી, શરીર પર, દિમાગ પર અને મન પર તો પુરુષોનું જ રાજ રાખવા માગે છે. ખરેખર, સત્યને સહારે, મેં નવી જિંદગી શરૂ કરવાની શું ભૂલ કરી હતી? સુહાગરાતે, આકાશના એક સવાલનો સાચો જવાબ આપીને, શું મેં મારી જિંદગીની બધી જ વિસંવાદિતાને આમંત્રણ આપ્યું હતું? હા, હું જ જલદી આવેગમય બની જાઉં છું અને મૂર્ખામીભર્યા ભોળપણમાં હું હંમેશાં જ ખરા-ખોટાને સમજવામાં કે સંજોગોનો ક્યાસ કાઢવામાં નિષ્ફળ નીવડું છું. ખરા અર્થમાં, તો આકાશે શક અને વહેમથી પોતાના અંતરમનને એ રીતે ભરી દીધું હતું કે પ્રેમ અને ભરોસાને માટે કોઈ જગા બચી જ ન હતી! કેટલીયે વાર, મેં આકાશની નજીક જવાની કોશિશ કરી, પણ, આકાશ માટે હું માત્ર વાસના સંતોષવાનું સાધન જ રહી અને કદી એના મનમાં ઊતરી ન શકી…! આ બધું જ હું કાયમ સહેતીઆવી અને એમ જ બાકીની જિંદગીમાં સહન કરી લઈને વીતાવવાની હતી. જો એવું કર્યું હોત તો, તો નક્કી આવું પરિણામ ન આવત…! આકાશના અત્યાચારો સહન કરવાની મારી શક્તિ જ્યારે જવાબ આપી ગઈ, ત્યારે પણ, મારે સાગરને, હોટલમાં એકલા મળવા જવાનું નહોતું. આ મેં શું કરી નાંખ્યું! આ કબુદ્ધિ મને સૂઝી ન હોત તો, સાગર તો એની જિંદગીમાં સુખી હોત! આકાશ જીવતો હોત…! હું જ કેટલી કમભાગી છું…!”

નેહા, આકાશનું બળીને ખાક થતું શરીર તાકી રહી હતી. માટીનો બનેલો માણસ, અંતે માટીમાં મળી જતો, નેહા જોઈ રહી. “કાશ, હું આકાશે આપેલું થોડું સુખ યાદ કરીને, એને આંસુભરી અંજલિ આપી શકત! એની સાથે વિતાવેલી થોડી પણ પ્રેમની ક્ષણો યાદ કરી શકત! ભગવાન, આવું નથી જ થવાનું! આકાશે, એના છેલ્લા શ્વાસ સુધી, કદી ન પોતે સુખનો શ્વાસ પણ લીધો કે ન લેવા દીધો! પણ, હે ઈશ્વર, એટલું કરજે કે આકાશના આત્માને શાંતિ મળે. આકાશ, તેં છેલ્લી ક્ષણોમાં માફી માંગી હતી પણ હું કઈં જવાબ આપી શકું એ પહેલાં જ તેં પ્રાણ છોડી દીધા! પણ, આ ક્ષણે તને કહું છું કે, જા, મેં તને માફ કરી દીધો. તારી આગળની યાત્રામાં હવે કોઈ રંજ ન રાખતો…!” નેહાથી અનાયસે નતમસ્તક કરીને પ્રણામ થઈ ગયાં અને એની આંખોમાંથી પુષ્પાંજલિ રૂપે અશ્રુઓ ખરી રહ્યાં!

“ચાલ નેહા,” કાકીએ તંદ્રામાંથી જગાડી. નેહા એક પૂતળીની જેમ આકાશની ચિતા તરફ ચાલવા લાગી. કાકી હાથ ખેંચી કાર તરફ લઈ ગયાં. નેહા શૂન્યમનસ્ક હતી પણ અચાનક, જ પાછી ફરીને, પળવાર માટે, આકાશની ચિતાને તાકી રહી. “આકાશ, તારા સમ, જિંદગીમાં મેં તારા પ્રેમ અને સાથ સિવાય કાંઈ નહોતું ઈચ્છ્યું કે નહોતું પ્રભુ પાસે માંગ્યું હતું. કાશ, આપણે એકબીજાને સમજી શક્યા હોત.” નેહાની સાડીના સફેદ પાલવમાં એની આંસુના ડાઘ પડ્યાં હતાં.

ઘરે આવીને, નાહીને, સફેદ સાડી પહેરી, નેહા ડ્રોઇંગ રૂમમાં આવી. આખો રૂમ મહેમાનોથી ભરેલો હતો. એ ધીરેથી પ્રભાબેન પાસે આવી અને બેઠી. પછી, ધીમા સ્વરે કહ્યું, કે,”મમ્મી, મારે જેલમાં જવું છે, સાગર સાથે વાત કરવી મારા માટે બહુ જ જરૂરી છે.” પ્રભાબેને મોટે અવાજે રડવાનું ચાલું કર્યુ. “અરે મારા દીકરાના ખૂનીને મળવા, તારે શું કામ જવું પડે? અરે! જુઓ તો ખરા કોઈ લાજ શરમ છે કે નહીં? એક દિવસની વિધવા થઈને બહાર પારકા પુરુષને મળવા જવું છે?” નેહાનો ચહેરો લાલ થઈ ગયો. એ એકદમ જ ઊભી થઈ ગઈ અને બધાંની વચ્ચે મોટા અવાજે બોલી,

“મમ્મી, જો સાગરને મળવાનું મહત્વ ના હોત તો હું એને મળવાની વાત ન કરત! પણ, અત્યારે મારું સાગરને મળવું ખૂબ જરૂરી છે, મહેરબાની કરીને મને રોકતાં નહીં. બાકી વાત હું પાછી આવીને તમારી સાથે કરીશ.” આટલું કહી નેહા ઘરમાંથી નીકળી ગઈ. ડ્રાઈવર કાર લઈને ઊભો હતો. એ કારમાં બેસી ગઈ અને દિલ્હી જેલ તરફ કાર લેવા જણાવ્યું.

કાર જેલના દરવાજે આવી ઊભી રહી. સફેદ સાડીમાં સજ્જ નેહા, એના મુખ પર છવાયેલી ઘેરી ઉદાસીને કારણે આસમાનમાથી ઉતરેલી, કોઈ શાપિત અપ્સરા જેવી લાગતી હતી. પોલીસ સ્ટેશનમાં સન્નાટો થઈ ગયો. નેહાએ સાગરને મળવા માટે આગ્રહ કર્યો અને, ઇન્સ્પેક્ટર ના ન પાડી શક્યો. એક હવાલદાર નેહાને સાગર પાસે લઈ ગયો. સાગર આંખો બંધ કરી, દીવાલને ટેકો લઈને બેઠો હતો. એના ચહેરા પર, નિર્મળ શાંતિ હતી, જાણે મંદિરમાં પ્રાર્થના કરતો હોય, અથવા તો ધ્યાન કરતો હોય, એમ, આંખો બંધ કરીને એ બેઠો હતો.

 “અય સાગર, તુઝે મિલને કોઇ આયા હૈ.” હવાલદાર રુઆબથી બોલ્યો. સાગરે ધીરેથી આંખો ખોલી.

સાગરની સામે, કોલેજ કાળની, એ જ કાળા વાંકડિયા વાળવાળી નેહા, હાથમાં નાનું, સફેદ પર્સ લઈને ઊભી હતી, પણ, આજે, નેહા, સફેદ સાડી પરિધાન કરીને ઊભી હતી. એના મેક અપ વગરના, ક્લાંત, ઉદાસ ચહેરા પરનું  લાવણ્ય આજે પણ જરાયે ઓછું થયું નહોતું. સાગરની આંખો, નેહાને વિધવાના પોશાકમાં જોઈને છલાકાઈ ગઈ. સાગર જેલની સેલમાં જ ઊભો થઈને, એની પાસે આવ્યો.

 નેહાની આંખો પણ ઊભરાઈ ગઈ હતી. “સાગર, આ તે શું કર્યુ? મારો ગુનો તારા માથે લઈ લીધો.? હું આજે જ વકીલ કરીને અદાલતમાં કેસ રજિસ્ટર કરાવું છું. હું સત્ય કહીશ કે ખૂન મેં કર્યુ છે. સાગર, મારા અપરાધની સજા મને જ મળવી જોઈએ.”

સાગરે આછું સ્મિત કર્યુ.” નેહા, તું કાંઈ નહી કહે, તને મારા સમ છે. આ બધી મુસીબત તારા ઉપર પડી એનો જવાબદાર હું જ છું. અને હા, મારી એક વાત ધ્યાનથી સાંભળી લે, તું હવેથી મને મળવા પણ ન આવતી અને કેસ ચાલે તો અદાલતમાં પણ ન આવતી. ભલે, પછી, દુનિયા એમ જ માનતી, કે, મેં આકાશનું ખૂન કર્યુ છે અને તું નિર્દોષ છે.”

સાગર એક શ્વાસે બોલી ગયો.

નેહા રડી રહી હતી. “સાગર, તારી પત્ની અને તારા બાળકો – બધાંની જવાબદારી તારા પર છે. અરે, જો તેં ખરેખર ગુનો કર્યો હોત ને, તોયે હું તારો ગુનો મારા માથે લઈ લેત!  આકાશ અને મારી વચ્ચે જે પણ બન્યું અને બનતું રહ્યું, તેમાં મારી નાદાની પણ જવાબદાર છે. સાગર, સપનાંની દુનિયામાંથી નીકળીને, હકીકતનો સ્વીકાર કરીને, મને જીવતાં જ આવડ્યું નહીં, કદાચ! હું હંમેશાં જ, “ઈમ્પલસીવ” – આવેગજન્ય બની જાઉં છું, કેટલી વાર લાગી સાગર, આ વાત સમજતાં? સુહાગરાતના આપેલા સાચા જવાબ સિવાય, આપણા છૂટાં પડવાથી માંડીને, તને હોટલમાં આટલાં વર્ષો પછી મળવા બોલાવવો કે પછી, તું અહીં, આ શહેરમાં આવ્યો, ત્યારે, તને મારા ઘરે બોલાવવા જેવી બધી જ પરિસ્થિતિઓમાં, મને મારો “ઈમ્પલસીવ”- આવેગજન્ય અને “નાઈવ”- બેવકૂફાઈની હદ સુધીનો ભોળો સ્વભાવ નડતો રહ્યો! સાગર, હું તારી કોઇ વાત કે તારા કોઇ સમ સાંભળવાની નથી, પ્લીઝ, કશું જ આગળ ન બોલતો. હું હળાહળ જૂઠ સાથે જીવી નહીં શકું.”

સાગરે જેલના સળિયામાંથી હાથ બહાર કાઢીને નેહાના હાથ પકડી લીધાં. “નેહા તું નાજુક છે, હું તને જાણું છું, તું જેલના કષ્ટ નહીં ઉપાડી શકે. તું મારા સમનું માન નથી જ રાખતી, તો, તને મારા મૌન પ્રેમનો વાસ્તો છે. તું ઘરે જા. આકાશનાં બિઝનેસ પર ધ્યાન આપ, તારી સાસુનું ધ્યાન રાખ, અને, જો કોઇ સારો છોકરો મળી જાય તો લગ્ન પણ કરી લે. આકાશ સાથેનું આખું પરિણીત જીવન તો તેં અવહેલના અને પ્રેમની તરસમાં વિતાવી દીધું. પ્રેમ કરવાનો અને પામવાનો તારો પણ અધિકાર છે. બસ, તું જા અને પાછું ફરીને કદી ના જોઈશ. આગળ જોઈને જ ચાલતી રહેજે. આગળ તારા માટે પ્રકાશ છે, જ્યોતિ છે. અંધકાર હવે પાછળ રહી ગયો છે, હું એ જ અંધકારની ચાદર હસતાં, હસતાં ઓઢીને તારી યાદમાં જીવી જઈશ.”

હવાલાદરે આવીને કહ્યું, “મુલાકાતનો સમય પૂરો થયો.” નેહા સાગરના હાથ છોડી શકતી નહોતી. પણ, સાગર હાથ છોડાવીને, પાછો ફરી ગયો. નેહાએ બહાર નીકળતાં, બે-ચાર વાર પાછળ વળીને જોયું, પણ, સાગરે તો પાછળ ફરીને એકવાર પણ જોયું નહીં! નેહાએ જેલમાંથી બહાર નીકળતી વખતે જ મનમાં દ્રઢ નિશ્ચય કરી લીધો હતો કે પોતાના ગુનાની સજા સાગર નહીં જ ભોગવે.

પ્રકરણ – ૧૯

નેહા પોલીસ સ્ટેશન માંથી નીકળીને ઘેર પહોંચી. ઘરમાં હજુ મહેમાન હતાં. ખાસ કરીને, મામા-મામી અને એમનો દીકરો, દીકરાની વહુ અને એમના બાળકોથી ઘર ભરેલું હતું.  નેહાના મમ્મી પપ્પા પણ હતાં. નેહા ઘરમાં દાખલ થઈ તો પ્રભાબેન ત્રાંસી નજરે એની સામે તાકી રહ્યા. એમની આંખોમાં ઉદાસી ડોકિયાં કરતી હતી. નેહા પણ ઉદાસ હતી. પણ એક ક્ષણ પણ એમની પાસે બેસવાની હિંમત ન હતી. ગુનાહિત ભાવનાથી પીડાતી હતી. આકાશના મૃત્યુનું કારણ એ હતી, એ કઈ રીતે આકાશની જનેતા પાસે બેસે અને શું આશ્વાસન આપે? નેહાને પળવાર તો થયું, કે, એ સાચું કહી દે, એના હાથે જ, એમના દીકરાનું ખૂન થયું છે!  ના, ના, એ નહીં કહી શકે! નેહાને શ્વાસ રૂંધાતાં હતાં. જાણે આ ઘરમાં એનાં માટે ઓક્સિજન યુક્ત હવા જ નથી! આકાશના લોહીવાળા ઊંચા થયેલા હાથ, નેહાની નજરસામેથી ખસતાં જ નહોતાં. આકાશનો એ પડતો દેહ, પોતાના ધ્રૂજતાં હાથમાં પિસ્તોલ, આ દ્રશ્ય નજર સામેથી હટતું જ ન હતું.

એ ચૂપચાપ પોતાના રૂમમાં જતી રહી. આકાશની કડવી યાદો ત્યાં પણ એની પ્રતીક્ષા કરી રહી હતી, કે, પછી, પરીક્ષા કરી રહી હતી?

નેહાને થયું, જિંદગીના દાવમાં મારી તો હંમેશાં જ હાર થઈ…શું મને જિંદગી જીવતાં ના આવડ્યું કે, પછી, મારા ભાગ્યમાં આ બધું લખેલું હતું?

 નેહા તો એક ચંચળ હરણી જેવી હતી. નિર્દોષ, ભોળી, ઊડતાં પતંગિયા જેવી. એમાં આ શું થઈ ગયું? એ પોતાના હાથ ખૂનથી રંગી બેઠી. એને થયું, કે, એ કોને દોષ આપે? સાગરને, આકાશને, ઈશ્વરને કે ભાગ્યને? કે, પછી પોતાની જ જાતને? એ સ્વગત બોલી, “નેહા તને જીવતાં આવડ્યું નહીં. કોઈને સુખી ના કરી શકી, ન તો સાગરને, ન તો આકાશને, ન તો મમ્મી-પપ્પા ને, કે, પછી, ન તો પ્રભાબેને, કે, પછી, પોતાને!  કેવી અભાગણી છે તું?” નેહાને રડવું હતું પણ ના રડી શકી. આંસુ જાણે સૂકાઈ ગયાં હતાં. હૈયાના રણ સળગતાં હતાં. એ સુંવાળી પથારીમાં આંખો બંધ કરી ને પડી રહી. આ પથારી, હંમેશની જેમ, એને આજે પણ કાંટાની જેમ ખૂંચતી હતી, માત્ર કારણો આજે અલગ હતાં.

આ પથારીમાં આકાશ એના દેહ સાથે કેટલી વાર રમ્યો છે, માત્ર શારીરિક સુખ માટે. એમાં ક્યાંય પ્રેમ ન હતો. એ આંખો બંધ કરી, પ્રેમની એક પળ શોધવા પ્રયત્ન કરતી રહી.  રાતના એ કાળા ડિબાંગ અંધકારમાં, એ આકાશ સાથે વિતાવેલી ભવાટવિની મુસાફરીમાં આંટા મારતી રહી, પણ એને પ્રેમની એક ક્ષણ કહેવા પૂરતીયે ન મળી. એને આકાશની ગેરહાજરી જરા પણ સાલતી ન હતી, કે પછી, એના મોતનું પણ એટલું દુઃખ ના હતું, જેટલું દુખ, પોતાના હાથે, આ પાપ થયું એનું હતું. નેહા આંખો બંધ કરી પડી રહી. આકાશના મોતથી આ રૂમમાં, વાવાઝોડા પછીની ભેંકાર શાંતિ હતી. ન કોઈ મહેણાં ટૂણાં મારવાવાળું હતું, કે, ના કોઈ એની સામે શકથી જોવાવાળું હતું. ન કોઈ માનસિક ત્રાસ હતો કે ન તો બળબળતાં શબ્દોના ડામ હતાં. નેહાને એક અપરાધભાવ સાથે આટલા ભેંકાર અવકાશમાં શું સારું લાગતું હતું? નેહા એક એવી શૂન્યાવકાશમાં હતી, કે, ત્યાં ન તો પગ તળે ભૂમિ હતી કે ન માથે ગગન….! આવી હાલતમાં પણ એના વિચારો તો એને ક્યાં જંપવા દેતાં હતાં? “બે દિવસ પછી, સાગરને ન્યાયાલયમાં હાજર કરાશે. ત્યારે હું કોર્ટમાં મારો ગુનો કબૂલ કરી લઈશ. મેં ગુનો કર્યો છે સજા મને મળવી જોઈએ. સાગર શું કામ સજા ભોગવે. અને સાગરની પત્ની બાળકો બધાંના જ જીવન, હું બરબાદ નહીં થવા દઉં. ક્યારેય નહીં!” એ ઊભી થઈ અને રસોડામાં ગઈ. રમાબેન બધું જ જાણતાં હતાં કે આ ઘરમાં નેહાની હાલત કેવી હતી. આકાશના સ્વભાવને પણ જાણતાં હતાં. રમાબેન માત્ર કામ કરવાવાળાં જ નહીં, પણ, આટલાં વર્ષોમાં આ ઘરના સભ્ય બની ગયાં હતાં. રમાબેને જ્યુસ આપ્યો અને કહ્યું,” નેહાભાભી, જમી લો. અહીં કોઈ તમને ખાવા પણ નહીં પૂછે.” જ્યારે પહેલીવાર રમાબેને એને ‘મેમસાબ’ કહી બોલાવી ત્યારે નેહાએ એને કહ્યું હતું કે તમારે મને મેમસાબ નહીં કહેવાની. નેહાબેન કે નેહાભાભી કહેજો. ત્યારથી રમાબેન નેહાને, “નેહાભાભી” કહીને બોલાવતાં.

નેહાએ માથું ધુણાવીને “ના” કહી અને જ્યુસ પીને, નેહા, એના મમ્મી-પપ્પા જે રૂમમાં હતાં, ત્યાં ગઈ. આશાબેન આરામખુરશીમાં બેઠેલાં. એ મમ્મી પાસે, નીચે જમીન પર બેસી ગઈ. મમ્મી ચૂપચાપ એના સુંવાળા વાળમાં હાથ ફેરવતી રહી. પપ્પા પથારીમાં બેઠા હતા. નેહા બોલી” મમ્મી તમે લોકો જમ્યા? આશાબેન બોલ્યાં, “હા, રમાબેન થાળી આપી ગયાં હતાં. ખબર નહીં, તારાં સાસુ જમ્યાં કે નહીં? નેહા, તારે તારી સાસુ પાસે બેસીને જમાડવા જોઈએ. બેટા, થોડા કડવા વેણ સહન કરી લે. તારી માની વાત માની લે અને સાસુનો પ્રેમ જીતી લે. આકાશ કુમારે તો સુખ ના આપ્યું પણ સાસુની સેવા કરી લે. પ્રભાબેન ખરેખર દિલના ખૂબ સારાં છે.”

નેહા મમ્મી-પપ્પાની સાથે ક્યાં દિલની વાત કરી શકતી હતી? પ્રભાબેન સારાં છે, પણ, જ્યારે એમને હકીકતની ખબર પડશે, ત્યારે, શું થશે? જો એ પોતાના મમ્મી-પપ્પાને પણ કહી નથી શકતી તો એના સાસુને કઈ રીતે કહે? અને, ધારો કે કહી પણ દે તો કઈ મા પોતાના દીકરાની ખૂનીને માફ કરી શકે? નેહા કશું બોલી શકી નહીં. એનું માથું હજુ મમ્મીના ખોળામાં જ હતું, અને સાવ સૂનકાર ભરેલી આંખોથી બારીની બહાર તાકી રહી.

બહાર એક પંખી આકાશમાં ઊડાઊડ કરી રહ્યું હતું. આજે, નેહા ઊડવા માટે સ્વતંત્ર હતી, છતાં ખુલ્લા દિલે પોતાના મા-બાપને કઈ રીતે કહે કે આકાશની હત્યાનું પાપ એના હાથે થયું છે. એમની લાડલી દીકરીએ જ એના પતિની હત્યા કરી હતી, આ કઠોર સત્ય કહેવા માટે નેહાની જીભ ઊપડતી નહોતી.

નેહાએ પપ્પા સામે જોયું. અને, અચાનક, એને શું થયું કે, એ ત્યાંથી ઊઠીને પ્રભાબેન પાસે ગઈ. “બા તમે જમ્યાં?

આ વો. ચાલો જમી લો બા.” પ્રભાબેનની આંખોમાંથી ગંગાજમના વહી રહી હતી. પ્રભાબેન પણ, મનોમન તો જાણતાં જ હતાં, જે દુઃખ નેહાએ ઉઠાવ્યાં હતાં. એ પ્રભાબેન પાસે બેસી પડી અને બન્ને હાથ એમને વીંટાળીને રડી પડી. પ્રભાબેન એના માથા પર હાથ ફેરવતાં રહ્યાં. રૂમમાં ફક્ત બે સ્ત્રીઓનાં ડૂસકાં સંભળાતાં હતાં, પણ, બંનેના રડવાનાં કારણો સાવ અલગ હતાં.

2 thoughts on “ઉછળતા સાગરનું મૌન ( સપના વિજાપુરા )

  1. સુ શ્રી સપનાબેનનું સનસનાટી ભર્યું લખાણ વાંચતા ધ્રુજારી આવી.’ ને.હા, બની શકે તો મને માફ કરી દેજે.’ પ્રયોગ ગમ્યો.’મારો ભૂતકાળનો પ્રેમી અને આકાશ મારો પતિ! વિધવા થઈને બહાર પારકા પુરુષ…सा नेहा विधवा जाता कारावासे रोदन्ती तस्य पति… નો ભાસ થાય!અંત ‘બંનેના રડવાનાં કારણો સાવ અલગ હતાં’ રડતી રાંડનો ભરોસો નહી ‘ આ કહેવત એક સાચી પાડતી હતી અને ….ઉતર માટે રાહ

    Like

પ્રતિભાવ