વલ્લા! યે ક્વાન્ટમ વાન્ટમ ક્યા બલા હૈ? (મધુ રાય)


‘આઇબીએમ’ કંપનીના રિસર્ચ ખાતાના વડા અરવિંદ કૃષ્ણ ન્યુ યોર્ક ટાઇમ્સના સાંવાદિક ટોમસ ફ્રીડમેનને કહે છે કે જે કામ આજના કમ્પ્યુટર ઉપર કરવા માટે આ પૃથ્વીના દસમા ભાગ જેવડું મોટું કમ્પ્યુટર જોઈએ, તે જ કામ ક્વાન્ટમ કમ્પ્યુટર વડે કરવાનું હોય તો હાલના કરતાં ફક્ત ચારેક ગણાં મોટાં મશીનોથી થઈ શકે. અને આ તો આજે જેની કલ્પના થઈ શકે તેવા કોયડાની વાત છે; પરંતુ હવે પછી કેવડા ગગનગામી જબ્બર ગબ્બર કોયડા ઉકેલવાનું આવશે જેની આજે આપણને કોઈ કલ્પના જ નથી. આજથી અઢી વર્ષ પહેલાં ટોમસ ફ્રીડમેન ‘આઇબીએમ‘ના બુદ્ધિસાગર–શા ‘વોટસન’ કમ્પ્યુટર વિશે એક પુસ્તક લખતા હતા. ત્યારે તેમને જાણવા મળેલું, કે ભવિષ્યકાલીન ‘ક્વોન્ટમ કમ્પ્યુટિંગ’ બજારમાં આવવાને હજી દાયકાઓ લાગશે. પરંતુ દાયકા નહીં એકાદ માસ પહેલાં જ ફ્રીડમેનને અરવિંદ કૃષ્ણ સાહેબે વિશ્વના સર્વપ્રથમ ક્વાન્ટમ કમ્પ્યુટરનાં દર્શન કરાવ્યાં. આ મશીનો ૫૦ ક્વાન્ટમ બિટ્સ યાને ક્યુબિટ્સ સાથે ખેલી શકે છે. હજી તેને નિત્ય વપરાશમાં લાવતાં દસેક વરસ વીતી જશે પરંતુ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (આરોપિત મેધા), અને ક્વાન્ટમ કમ્પ્યુટિંગ ફક્ત વાર્તાલેખકોની કે સાયન્ટિસ્ટોની કલ્પનાના ગબ્બારા નથી રહ્યાં, નક્કર કહીકત બની ગયાં છે.

હાલ, દાખલા તરીકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા સંચાલિત ‘બાઇનરી’ કમ્પ્યુટરો ‘એ–વન’ અને ‘એ–ઝીરો’ના સાદા સિદ્ધાંતથી ડ્રાઇવર વિનાની કાર ચલાવે છે, અને આપોઆપ સમાચાર–વિવરણ લખી આપે છે અને આબેહૂબ માણસ જેવા અવાજે બોલી શકે છે. પરંતુ, આ ‘જૂનાં’ કમ્પયુટરો ટ્રાન્ઝિસ્ટર્સનાં હોય છે. તેથી તેમનાવડે અરબ–ખરબની રકમોવાળા કોયડાઓનો જવાબ ન મળે. પરંતુ તેમને ‘નવાં’ યાને ક્વાન્ટમ કમ્પયુટર સાથે જોડીને તેવા કોયડાઓ ચુટકિયોં મેં હલ થઈ શકશે.

પણ અરબ–ખરબની રકમોવાળા એ વળી શું? શોધખોળ કરનારાં સતત રિસર્ચ કરતા હોય છે, બેટરી કેમ લાંબું ચાલે કે કેવી દવા કશીક જીવલેણ બીમારીનો ઇલાજ બની શકે. તે માટે કમ્પ્યુટરો પાસે વિધવિધ રસાયણોનાં કમ્પાઉન્ડોનો ‘વેશ’ ભજવાડાય છે, જેને ‘સિમ્યુલેશન’ કહે છે. કેવો પરમાણુ કયા કયા રસાયણ સાથે કેવું વર્તન કરશે તેનો અંદાજ તે રીતે કમ્પયુટરના રોલ પ્લેયિંગથી લગાવાય છે.

માનો કે તમારે ત્યાં દસ જણ જમવા  આવનાર છે. એમને એક ગોળ ડાયનિંગ ટેબલની આસપાસ બેસાડવાના છે. તો કેટલી રીતે બેસાડી શકાય? સાહેબ! જવાબ છે ૩,૬૨૮,૮૦૦ રીતે યાને ૩.૬ લાખ રીતે. એમાં એક મહેમાનનો વધારો કરો તો? તો ૩૯,૯૧૬,૮૦૦ રીતે, યાને લગભગ ૩.૯ કરોડ રીતે! પરમાણુઓમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યનુસાર તે બીજા કેવા પરમાણુ સાથે કેવી રીતે વર્તશે તેના લાખો કે અબજો કે સહસ્ર પદ્મની સંખ્યામાં જવાબ લાવવાનું આ નવાં ક્વાન્ટમ કમ્પ્યુટર માટે રમત વાત કહેવાશે. એ જ કારણસર અઅજે ચીન, અમેરિકાની ‘એનએસએ’ સંસ્થા તથા આઇબીએમ, ઇન્ટેલ, અને ગૂગલ વગેરે કંપનીઓ નિત્ય વપરાશમાં લેવાય તેવી ક્વોન્ટમ સિસ્ટમ વિકસાવવા કબડ્ડી કબડ્ડી કરી રહેલ છે.  કેમકે જૂના કમ્પયુટરો ‘તેવા વેશ ધારણ તો કરી શકે છે, પણ થોડી જ વારમાં ઊભરાઈ ઊઠે છે. જ્યારે નવાં ક્વાન્ટમ કમ્પયુટર ‘ક્યુબિટ્સ’થકી ગરબો ગાતાં ગાતાં અતિસંકુલ પદ્ધતિઓથી ઝાઝા વેશ ભજવીને માતાજીની જય બોલાવી શકશે. મતલબ કે એક દિવસ તે આજ કરતાં એક લાખગણી વધુ ઝડપથી કામ કરી શકશે! અને તે રીતે, લિસ્સન! તે રીતે સમયની, કામની, જીવનની, મૃત્યુની, દેવની ને માનવની અને કદાચ સુખની વ્યાખ્યામાં ફેરફાર કરી બેસશે! કદાચ મૃત્યુને બી લલકારી શકશે!

પશ્ચિમની કથાઓમાં ભગવાને સાત દિવસમાં સૃષ્ટિનું સર્જન કર્યું છે; ભારતીય કથાઓમાં સૃષ્ટિ ધારણ કરી છે દેવ બ્રહ્માએ; અને આપણા વિશ્વને ઓજારોથી, ટેક્નોલોજીથી સંસ્કૃતિના શણગાર આપ્યા છે દેવ વિશ્વકર્માએ. આજે અશક્ય લાગે છે પણ કદાચ, રે રે મન! આ ક્વાન્ટમ કે તેના પિતામહ જેવાં ગણકયંત્રો કદિક એવો સમો બતાવશે કે આપણે ભૂત–વર્તમાન–ભવિષ્યના ભેદ ઉલ્લંઘીને આપણી આંખોના ડોળે ભાળી શકીશું દુનિયાનો હુલિયો કોતરતા વિશ્વકર્માની છીણી–હથોડીને, યાતો ગોડ ઓલમાઇટીના સાપ્તાહિક હુન્નર ને! જય વિશ્વકર્મા!

                      ****************

(દર મંગળવારે પ્રસિધ્ધ થતા “ઉજાણી” વિભાગ માટે આંગણાંના વાંચકોને પોતાની કૃતિઓ મોકલવા ભાવભર્યું આમંત્રણ છે. તમારા લખાણ ઈ-મેઈલ દ્વારા pkdavda@gamil.com માં મોકલો.)

(૧ લી જાન્યાઆરીથી આંગણાંમાં યુધ્ધ…..

ભારતીય સેનામાં અફસર તરીકે કામ કરવું એટલે શું? ૧૯૬૫ અને ૧૯૭૧ ના પાકીસ્તાન સાથેના યુધ્ધની દિલધડક વિગત  ભારતના રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત, ભારતીય સેનાના એક અફસરના શબ્દોમાં “દાવડાનું આંગણું” માં ૧લી જાન્યુઆરીથી દરરોજ રજૂ કરવામાં આવશે. આ કોપીરાઈટથી સુરક્ષિત કથા રજૂ કરવા મને અને આંગણાંને ખાસ મંજૂરી મળી છે. એક પણ એપીસોડ વાંચવાનું ચૂકશો નહીં-પી. કે. દાવડા  (સંપાદક) )

 

5 thoughts on “વલ્લા! યે ક્વાન્ટમ વાન્ટમ ક્યા બલા હૈ? (મધુ રાય)

 1. આવું બધું વાંચીએ, જાણીએ અને અનુભવીએ ત્યારે વરસો પહેલાંની જુલે વર્નની અદભુત વાર્તાઓ યાદ આવી જાય છે. કેટલાયે વરસો પહેલાં એણે માત્ર કલ્પના કરીને વાર્તાઓ લખી ને આજે એ બધી કથાઓ સંજીવની વિદ્યાની જેમ સજીવ થઈ ઉઠી છે..

  સરસ લેખ છે.

  Like

 2. વિજ્ઞાન….વિશેષ જ્ઞાન.
  આર્ટીફીસીયલ ઇન્ટેલીજન્સ. તેનો દાખલો આ લેખમાં વાંચવા મળ્યો. આજે અભણ પણ સેલફોન વાપરે છે. સેલફોન બનાવવા માટેનું વિજ્ઞાન તેને ખબર નહિ હોય. કોમ્પયુટર કેવા સિઘ્ઘાંત ઉપર કામ કરે છે તે સિઘ્ઘાંત વાપરનારાઓમાં ૫૦ ટકા લોકોને ખબર નહિ હોય.વિજ્ઞાને આપેલી શોઘોઅે આપણા જીવનને સરળ બનાવી દીઘું છે. આપણે તે શોઘોને જીવનમાં વાપરીઅે છીઅે. જૂના જમાનામાં પણ આવું હતું જ…..નવા વિજ્ઞાને શું ઘાડ મારી..!! કહેવાવાળા પણ મોર્ડન વિજ્ઞાનની શોઘોને…સાબિતિ સાથે વાપરે છે.
  આવતા ૨૫..૩૦ વરસોમાં તો અેટલી નવી રીસર્ચ જીવનમાં વણાતી થઇ જશે કે ગઇકાલે મળેલું નોલેજ આજે જુનું લાગશે. સાઘુ બાવાઓ, કથાકારોની પાછળ ફરનારાઓઅે હવે જાગવાની જરુરત છે. વિજ્ઞાનની સાથે લગલે પગલું મેળવીને ચાલવાનો સમય પાકી ગયો છે. આજના આર્ટીકલમાં જે રીતે વિજ્ઞાનની સિઘ્ઘિઓ વર્ણવવામાં આવી છે તેને સમજીને ભારતના લોકોઅે….જૂની ગઢેરવાળી જીંદગી છોડવી જોઇઅે.
  ભણતરને આગવું સ્થાન આપવું જોઇઅે. ભારતમાં ઉચ્ચકક્ષાની કોલેજો અંગળીને વેઢે ગણી શકાય અેટલી છે. દરેક ગામમાની કોલેજોમાં લોકલ પોલીટીશીયનો અને પૈસાવાળાઓનું વેપારી રાજ ચાલતું હોય છે. લાગવગથી પ્રફેસર બનાય…લાગવગથી ફર્સટ ક્લાસ મેળવાય….દુનિયાની સાથે ખભે ખભું મેળવીને ચર્ચા કરી શકે અેટલાં જ્ઞાની વિદ્યાર્થી કેટલાં ?
  આજનો લેખ જેટલી જગ્યાઅે ફરી છપાય અને ગામડે ગામડે પહોંચે…નાના…મોટા…બઘા વાંચે અને સમજે તેવું થવું જોઇઅે.
  અમૃત હઝારી.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s