વિયોગ (રાહુલ શુક્લ)


એકતાલીસમું પ્રકરણ: જટિલ સ્વપ્ન

સપ્ટેમ્બર ૯, ૨૦૧૪: સ્વપ્નાં કેવાં વિચિત્ર હોય છે. કોઈ મનોવિજ્ઞાનના નિષ્ણાતને આ સ્વપ્નો પરથી મનની અંદરની જટિલતાનો કદાચ ખ્યાલ આવે.

સ્વપ્નમાં હું કોઈ હોટેલના રૂમમાં બેઠો હતો. સુશીબેનનાં બેસણામાં જવાનું હતું. અને કેવાં કપડાં પહેરીને જવું તેની મનમાં મૂંઝવણ હતી. થયું રાજેન કેવાં કપડાં પહેરીને જવાનો હશે તે ખબર પડે તો સારું.

તો કોઈ આલ્બમ લઈને ફોટા શોધતો હતો તો તેમાં બેસણાના ફોટા હતા (બેસણામાં ગયાં પહેલાં તેના ફોટા હોય તેવું સ્વપ્નમાં જ બને) તો રાજેને ગ્રીન ટાઈ અને ગ્રીન બ્લેઝર પહેર્યાં હતાં, તો મેં પણ ગ્રીન સૂટ પહેર્યો. પણ તો ય મનમાં થતું હતું કે બેસણામાં આવાં કપડાં ખરાબ તો નહીં લાગે ને!

ત્યાં પહોચ્યો ત્યાં કોઈ મોટા ચર્ચનાં હોલમાં બેસણું હતું. મારી પાછળથી બે જણા કાસ્કેડને ધક્કો મારીને અંદર લાવતા હતા. ખુલ્લું બારણું મેં પકડી રાખ્યું હતું.

હોલ ખૂબ લાંબો હતો. જાણે હજારો લોકો અંદર હતા. આગળનો વિભાગ આખો ભરાઈ ગયો હતો. ભાઈ અને રાજેન ત્યાં ઊભા હતા એ વિભાગ ઘરનાં માટે કોર્ડન કરીને રાખ્યો હતો.

કોર્ડન હટાવીને હું અંદર ગયો. પહેલાં રાજેનને મળ્યો, અને હાથ મિલાવીને એની પાસે ‘ફોર્મલી’ દુઃખ વ્યક્ત કર્યું. રાજેને ભાઈ સાથે હાથ મિલાવીને દુઃખ વ્યક્ત કર્યું અને ભાઈને આશ્વાસન આપ્યું. ભાઈએ આછા લીલા રંગનો સૂટ પહેર્યો હતો, અને સ્વસ્થ લાગતા હતા.

 મેં ભાઈ પાસે જઈને હાથ મિલાવ્યા અને કાંઈક આશ્વાસનના શબ્દો કહેતો હતો.

અચાનક ભાઈ મારા ખભે માથું મૂકીને રડવા લાગ્યા. મને કહે, ‘સુશીલા આપણને મૂકીને ચાલી ગઈ. રાહુલ આ શું થઈ ગયું?’

હું ભાઈને રડતાં અટકાવી નહોતો શકતો.

* અને આંખો ખુલી ગઈ.

બેતાલીસમું પ્રકરણ: સ્વપ્નોમાં કલ્પાંત

ઓક્ટોબર ૩, ૨૦૧૪: મહિનાઓ વીતતા જાય છે. સુશીબેનના અવસાનને અઢી વર્ષ થઈ ગયાં. ભાઈના અવસાનને દોઢ વર્ષ થશે. સહુ કહે છે દુઃખનું ઓસડ દા’ડા. મારે દા’ડા જતા જાય છે પણ દુઃખ નથી જતું. સ્વપ્નાઓમાં હજુ કારમું કલ્પાંત ચાલે છે.

સપ્ટેમ્બર ૧૮, ૨૦૧૪નું આવેલું  સ્વપ્ન તરત ન લખી નાખ્યું. હવે મોટાભાગની વિગતો ભુલાઈ ગઈ છે, માત્ર મુખ્ય પ્લોટ યાદ છે. આ સ્વપ્નમાં હું વઢવાણ ઘરશાળા (બોર્ડિંગ સ્કૂલ, જે પ્રાણભાઈ આચાર્ય ચલાવતા હતા)ના મેદાનમાં ઊભો હતો. અને મારી સાથે ચાલતી કોઈ વ્યક્તિને મેં કહ્યું, ‘સુશીબેનને અને ભાઈને ગયાંને એક વર્ષ થઈ ગયું અને હવે મને રડવું નથી આવતું તે સારું છે.’

પછી ચાલતાં ચાલતાં હું ઘરશાળાના મુખ્ય મકાન તરફ જતો હતો, તો ઓટલાની પરશાળમાં અમદાવાદ શારદામંદિરવાળા વજુભાઈ દવે ઊભા હતા.

મને થયું વજુભાઈ અહીં ક્યાંથી, અને થયું કે એમની સાથે વાત કરવા મારે જવું તો જોઈએ. ઓટલો ચડીને એમની સામે જઈ ઊભો રહ્યો, પણ મારાં મોઢામાંથી એક પણ શબ્દ નીકળતો નહોતો. મેં એમને ભેટીને એમના ખભે માથું મૂકી દીધું અને રડવા લાગ્યો. પછી મેં કહ્યું, ‘વજુભાઈ, ભાઈને કંઈ નહોતું, તો આમ અચાનક કેમ જતા રહ્યા?’

વજુભાઈ મને આશ્વાસન દઈ છાનો રાખવા પ્રયાસ કરતા હતા, પણ હું રડતાં અટકી શકતો નહોતો.

-અને ત્યાં આંખ ખુલી ગઈ.

પછીનું સ્વપ્ન સપ્ટેમ્બર ૩૦નું છે: કોઈ અજાણ્યા લાગતા રૂમમાં હું, મીનુ, ભાઈ અને સુશીબેન અને બીજા કેટલાય લોકો હતાં. રૂમમાં ખૂબ આવજા થતી  હતી. જાણે કોઈ બહારગામ જવા તૈયારી કરતાં હોય તેવું લાગતું હતું. બે ત્રણ સૂટકેસ ભરાઈને તૈયાર પડી  હતી.

પછી અચાનક એ રૂમ તે સર્વોદય સોસાયટીનો બેઠકરૂમ થઈ ગયો. ભાઈ સુશીબેનને ઉતાવળ કરવાનું કહેતા હતા. હું એમની પાસે ઊભો હતો ત્યાંથી પાટ પર  જઈને લાંબો થઈ સૂઈ જવા પ્રયાસ કરતો હતો. પાટ પર મારું માથું હતું એ બાજુ આવીને સુશીબેન બેઠાં. મેં એમનાં ખોળામાં માથું રાખ્યું અને ખૂબ રડવા લાગ્યો.

સુશીબેને મારે માથે હાથ ફેરવતાં વહાલથી કહ્યું, ‘ભૈલા, આટલું બધું નહિ રડવાનું.’

ત્યાં ભાઈ સુશીબેન પાસે આવ્યાં અને સુશીબેનને પૂછ્યું, ‘કેમ રાહુલ આટલું બધું રડે છે?’

તો સુશીબેને કહ્યું, ‘જુઓને, કહે છે કે સુશીબેન તમે જાઓ છો પછી આપણે ક્યારેય નહીં મળીએ’

-અને મારી આંખ ખુલી ગઈ.

મારે ચાર દિવસ પછી લંડન જવાનું છે. ભારતની કોઈ  સંસ્થાએ ‘મહાત્મા ગાંધી સન્માન એવોર્ડ’ માટે ત્રીસ ડાયાસ્પોરા ભારતીયોમાં મારી પસંદગી કરી છે. એ એવોર્ડના સંદર્ભમાં આવેલું આજનું સમજ ન પડે તેવી વિગતો સાથેનું સ્વપ્ન આવ્યું તે પણ નીચે લખી લઉં છું.

સ્વપ્નમાં મને સમાચાર મળ્યા કે મને કોઈ એવોર્ડ મળવાનો છે, અને તે લેવા હું ભાવનગર જે એન્જિનિયરીંગ કોલેજમાં ડિપ્લોમાનું ભણ્યો હતો  ત્યાં સર ભાવસિંહજી પોલિટેકનિકમાં મારે એ એવોર્ડ લેવા જવાનું હતું.

હું સર્વોદય સોસાયટીમાં સુશીબેનનો રૂમ હતો ત્યાં હતો. સુશીબેન બાજુમાં ઊભાં હતાં. પથારી ખાલી હતી. હું પથારીમાં સૂઈ ગયો. રજાઈ મોઢા સુધી ઓઢી લીધી, અને રજાઈની અંદર હું ખૂબ રડવા લાગ્યો.

સુશીબેને જોયું કે રજાઈની અંદર હું રડતો હતો, તો એ બાજુમાં બેઠાં, મારી રજાઈ મોઢા પરથી ખસેડી અને પૂછ્યું, ‘ભૈલા કેમ આટલું બધું રડે છે?’

મેં કહ્યું, ‘મારી જિંદગીનો પહેલો એવોર્ડ મને ભાવસિંહજી પોલિટેકનિકમાં મળ્યો હતો, અને મારી જિંદગીનો આ છેલ્લો એવાર્ડ પણ ભાવસિંહજી પોલિટેકનિકમાં મળવાનો છે એટલે આટલું બધું રડવું આવે છે.’

ત્યાં સ્વપ્ન પૂરું. સ્વપ્નમાં મેં કહેલી છેલ્લી લીટીનો કાંઈ અર્થ કાઢી શકાય તેમ નથી. પણ ત્રણેય સ્વપ્નમાં એક ‘કોમન થીમ’ છે.

* જાણે થાય કે છાનો રાખવા માટે તમે પાછાં આવશો.

તેંતાલીસમું પ્રકરણ: સફળતાનો માપદંડ

નવેમ્બર ૩, ૨૦૧૪: બે મહિના અગાઉ, સપ્ટેમ્બરની નવમી તારીખે  એન.આર.આઈ વેલફેર સોસાયટીએ મને ઈ-મેઈલથી જણાવ્યું કે ‘દર વર્ષે દુનિયાભરનાં ત્રીસ ઉત્તમ એન.આર.આઈને ભારતનાં ધ્વજની ઈજ્જત વધારવા માટે મહાત્મા ગાંધી પ્રવાસી સન્માન એવોર્ડ આપે છે, અને આ વર્ષે મારી પસંદગી થઈ છે.’

એવોર્ડ આપનારી સંસ્થા કાંઈ મોટી સંસ્થા નથી, અને આ એવોર્ડ એ કાંઈ મોટી વાત નથી. પણ મારી કંપનીને આવી પ્રસિદ્ધિ મળે તે કામ લાગે. પણ એ સિવાય ફૂલાવાનું કોઈ કારણ નથી. પણ તો ય ભાઈ પાસે તો  હું ખૂબ ફૂલાયો જ હોત.

ભાઈને એવોર્ડનું નામ કેવું ગમ્યું હોત, ‘મહાત્મા ગાંધી પ્રવાસી સન્માન એવોર્ડ’ અને તે આપવાનો સમારંભ લંડન હાઉસ ઓફ લોર્ડસ (ઉપરની પાર્લામેંટ) ના એક રિસેપ્શન હોલમાં છે.

ભાઈ પહેલીવાર લંડન ૧૯૬૦માં ગયા હતા. ટફાલઘર સ્ક્વેર અને હાઉસ ઓફ લોર્ડસ અને એવી કેટલીય લંડનની વાતો મને કેટલીય વાર કરી હતી.

તો આજે સપ્ટેમ્બરની નવમીની સાંજે, ઈ-મેઇલમાં આવેલ સમાચારની કોપી પ્રિંટ કરીને ઘેર લઈ ગયો. મીનુના હાથમાં મૂકી,  અને મારી આંખમાં આંસુ. એ તરત સમજી ગઈ. મને કહે, ‘ભાઈ કેટલા ખુશ થયા હોત!’ અને સુશીબેન તો સોસાયટીમાં પેંડા વહેંચવા જાત.

મારી જિંદગીમાં કોઈ સારી વાત બને તો સુશીબેને આખી દુનિયાને કહેવું હોય. હું ડિપ્લોમાનું ભણતો હતો અને શ્રેષ્ઠ વિદ્યાર્થીનો એવોર્ડ મળ્યો તો સોસાયટીમાં એ બધાંને ઘેર પેંડા આપવા ગયાં હતાં.

પછી ડિગ્રી કોર્સમાં હું અમદાવાદ એલ.ડી.એન્જિનિયરીંગમાં હતો. ૧૯૬૯-૭૦નુ એ વર્ષ તે બી.ઈ.ના  જૂના કોર્સ માટેનું છેલ્લું વર્ષ હતું. આમ આખી યુનિવર્સીટીમાં ઓલ્ડ B.E.Mechanicalમાં માત્ર એલ. ડી. એન્જિનિયરીંગનો ક્લાસ જ  હતો.

મને વિચાર આવી ગયો કે આ તો સોનેરી તક છે. અગર હું ક્લાસમાં ફર્સ્ટ આવું તો યુનિવર્સિટી ફર્સ્ટ ગણાઈશ, અને તેવા સર્ટિફિકેટથી તો આખી જિંદગી ગર્વ લઇ શકાશે.

પણ ક્લાસમાં ફર્સ્ટ આવવાનું પણ કાંઈ સહેલું નહોતું. મહિનાઓ સુધી સવારે પાંચ વાગ્યે ઊઠીને રાતનાં અગિયાર સુધી વાંચવાનું, જૂનાં પેપર્સ સોલ્વ કરવાનાં. તો આટલી બધી સખત મહેનત કરવામાં ક્યારેક મન આળાગાળા કરતું. એવા વખતે હું માનસિક ચિત્ર ઊભું કરતો કે સુશીબેન કેવાં પેંડાનાં પડીકાં લઇ સોસાયટીમાં બધાંને દેવા જશે, અને મોઢા પર સો ટ્યૂબ લાઈટોનો પ્રકાશ હોય તેવા ગર્વથી કહેશે, ‘લો આ પેંડા, અમારો રાહુલ ગુજરાત યુનિવર્સીટીમાં પહેલા નંબરે આવ્યો તેના!’

હું જેટલીવાર એ કલ્પના ચિત્ર મનમાં ઊભું કરતો ત્યારે ફરી વહેલા ઊઠવાની કે આખો  દિવસ વાંચ્યા કરવાની તમન્ના સજીવન રહેતી હતી.

અમેરિકા આવવાનું હતું તો ભાઈએ મારા માટે કેટલા જુદા જુદા વિદાય સમારંભ રાખ્યા હતા! એક વિદ્યાલયમાં, એક પ્રેસમાં, એક વઢવાણ ટાઉન હોલમાં. અને ભાઈ તમારા મોઢા ઉપર કેટલું બધું ગૌરવ!

 હું જેટલીવાર ભારત આવતો તો હારતોરા લઈને સો માણસો સ્ટેશને આવે એવી વ્યવસ્થા તમે કરી દેતા.

જેટલી વાર અમેરિકા પાછો આવતો હોઉં ત્યારે પ્રેસના સ્ટાફને ઘેર બોલાવતા. મારા માટે હારતોરા તૈયાર જ હોય.

સુશીબેનનાં અવસાન પછી જે દિવસે તમને છોડીને આવતો હતો ત્યારે પણ તમે પ્રેસમાંથી બધાને બોલાવ્યા હતા. મને થયું, આપણા દુઃખની અંગત ક્ષણોમાં આટલા બધા માણસો ક્યાં આવી ગયાં? તો મારા મોઢા પર અણગમો હતો. ભાઈ, તે તો આપણું છેલ્લું મિલન હતું, હું તમારા ભાવ અને લાગણી ન સમજી શક્યો, તે માટે મનમાં જ ફરી એકવાર તમારી માફી માગું છું.

૧૯૭૧માં હું અમેરિકા આવી ગયો. તે પછી મારી જિંદગીમાં નાનામાં નાની વાત બને તેનું રિપોર્ટીંગ, ભાઈ, તમને કરી દેતો.

તમારો ખાસ આગ્રહ હતો કે મારે ‘સમય’ માટે કોલમ લખવી, ‘અમેરિકાનો પત્ર’ કોલમ મેં લખવાની શરુ કરી અને અહીંની  જિંદગીમાં જે બને તે લેખમાં લખીને મોકલતો. ભાઈ તમારા આગ્રહને કારણે ૧૯૭૧ થી ૧૯૭૮ સુધી મેં નિયમિત ‘સમય’ માટે લખ્યા કર્યું. પણ એ લખી શક્યો એનું એક માત્ર કારણ હતું કે તમને મારી જિંદગીમાં શું થાય છે તેમાં  કેટલો બધો ઊંડો રસ હતો.

એસ.એસ.વ્હાઈટ નામની કંપનીમાં જુનિયર ઇન્સ્પેક્ટરમાંથી રેગ્યુલર ઇન્સ્પેકટરનું પ્રમોશન મળે કે તમને લંબાણથી પત્ર લખું. ત્યારે ભારત ફોન તો થતા નહીં. તમે તમારા અભિનંદનનો લાંબો કાગળ લખતા. આપણે ૧૯૭૧થી ૧૯૮૦ સુધી એક બીજાને પાંચસો જેટલા પત્રો લખ્યા હશે.

૧૯૭૪માં મને મેનેજર તરીકે પ્રમોશન મળ્યું તો તમારી પાસે શાબાશી લેવા હું વીસ પાનાંનો લાંબો પત્ર લખું. તમે પૂછો ‘તારા બોસનું નામ શું છે? એના બોસનું નામ શું છે?’

મારાં અને મીનુના લગ્ન ૧૯૭૬ના  જૂનમાં અહીં અમેરિકા થયાં, પણ તમે નિમંત્રણ કાર્ડ સુરેન્દ્રનગરમાં છપાવીને બધાં મિત્રો અને સબંધીઓને મોકલેલાં. તમે કહ્યું, ‘તેથી બધાંને જાણ થાય કે સુશીલા અને હું તમારી સાથે છીએ.’

અમારી કંપનીના જનરલ મેનજર તે વખતે બિલ બોગન હતા. ૧૯૭૬ના ઓગષ્ટમાં મારી કંપનીની પિકનિકમાં મીનુ પહેલીવાર આવી હતી. અમે મિત્રો સાથે ઊભાં હતાં ત્યારે જનરલ મેનેજર બોગન મારી પાસે આવીને કહે, ‘તમારા બંનેનાં લગ્ન થયા એ નિમિત્તે મારે મારાં આશીર્વાદ આપવા એવી સૂચના ઇન્ડિયાથી તારા પિતાએ મને મોકલી છે. આથી હું મારા આશીર્વાદ આપું છું.’

હું અને મીનુ નવાઈમાં પડી ગયાં, પછી સમજાયું કે ભાઈએ બીલ બોગનને કંપનીનાં સરનામે નિમંત્રણ કાર્ડ મોકલ્યું હતું.

પછી કાળનાં ચક્રો કેવા અણધાર્યાં ફર્યાં કે જે કંપનીમાં કામ કરતો હતો તે ખરીદવાની શક્યતા ઊભી થઈ.

ભાઈ, તમે ૧૯૮૭નાં ઉનાળામાં અમેરિકા આવેલા. મારી કંપનીમાં રોજ કાંઈક અવનવું બને. ઘેર આવું ત્યારે તમે અને સુશીબેન રાહ જોઈને બેઠાં હો. ‘શું થયું આજે?’ તમે પૂછતા, અને હું વિગતવાર રિપોર્ટીંગ કરતો.

કંપની ખરીદી ત્યારે દસ્તાવેજોમાં સહી કરીને  ઘેર આવ્યાં અને પહેલો ફોન તમને કર્યો. તમે તે સમાચાર માત્ર ‘સમય‘માં જ નહીં પણ ગુજરાતનાં બધાં છાપાંમાં છપાવ્યા.

મારે ત્યાં રઘુવીર ચૌધરીનો કાર્યક્રમ હોય તો ચાલુ કાર્યક્રમે જ તમને ફોન કરતો. એકવાર ભારતના રાષ્ટ્રપતિ ન્યુયોર્કમાં હતાં તે રિસેપ્શનમાં જવાનું આમંત્રણ આવ્યું તો તરત મેં તમને ફોન કર્યો ‘ભાઈ, ભારતના રાષ્ટ્રપતિ સાથે ડીનરનું આમંત્રણ છે.’

ભાઈ કહે, ‘કેટલા માણસો હશે?’ મેં કહ્યું ‘ચારસો-પાંચસો. આપણો તો કોઈ ભાવ પણ નહિ પૂછે.’

ભાઈ કહે,’પણ રાષ્ટ્રપતિ સાથે ડીનર કરવું તે કાંઈ નાનીસુની વાત ન કહેવાય. પાછા આવીને તરત ‘સમય’ માટે લેખ લખીને મોકલજે.’

મારાં વિશે અહીં કોઈ નાના છાપામાં લેખ આવ્યો હોય તો તરત તમને મોકલી દઉં. તમે ધ્યાન દઈને વાંચો તો ખરા પણ તે પછી ભારત આવું ત્યારે સામે બેસાડીને તમે કહો ‘મોટેથી વાંચ. બધાં સાંભળી શકે.’

મેં અહીં એકવાર ‘કવિતા અને રૂપાળી સ્ત્રીઓ’ એવા વિષય પર સાહિત્યનાં કોઈ પ્રોગ્રામમાં મધુ રાય, હરનીશભાઈ, રઘુવીર ચૌધરી વગેરેની હાજરીમાં વ્યાખ્યાન આપ્યું હતું. અકબર રેસ્ટોરન્ટમાંથી વ્યાખ્યાન   પતાવીને રાત્રે સાડા બારે ઘેર આવ્યો ત્યારે જ ફુલાઈને મેં ભાઈને ફોન કરી દીધો હતો.

“ભાઈ, રઘુવીર ચૌધરી અને મધુ રાય જેવા ધૂરંધરો સાથે મારે બોલવાનું હતું.”

‘તારું ભાષણ કેવું રહ્યું?’

‘બહુ સરસ. ભાઈ, લોકોને સાહિત્ય સાથે રમૂજ પૂરા પાડયાં હતાં.’

‘અને રઘુવીરભાઈએ તારા ભાષણ અંગે શું કહ્યું?’ ભાઈએ પૂછ્યું.

‘ભાઈ, રઘુવીરભાઈ કહે કે ‘રાહુલભાઈ સરસ બોલે છે, પણ અમુક વાતોમાં બહુ છૂટ લે છે, પણ મારી દીકરી દૃષ્ટિએ એવી સૂચના આપી છે કે મારે રાહુલભાઈની ટીકા નહિ કરવાની.’

અને ભાઈ ખૂબ હસતા. પછી એ ભાષણની વીડિયો ઘેર લઇ આવ્યો હતો. તમને ખૂબ ગમી હતી. પ્રેસમાં તમે મારાં માટે નાનું સન્માન રાખ્યું અને પ્રેસના કોમ્યુટર પર તમે બધાંને એ ભાષણ દેખાડેલું.

હું નવો કેમેરો લઉં, નવું આઈ-પેડ લઉં કે પહેલો વિચાર મને આવે કે ભાઈને આ ગમશે.

ગ્રેટ એડવેંચરની ક્રેઝી રાઈડ ૧૯૭૫માં પહેલી વાર લીધી તો થયું ભાઈ અમેરિકા આવે ત્યારે અહીં લાવવા જ પડશે.

નાયગ્રા ફોલ્સ પહેલી વાર ગયો અને ફોટા પાડતો હતો તો થાય, ભાઈને અહીં ફોટા લેવાની કેટલી મજા પડે!

ફ્લોરીડા ડીઝનીલેંડ જેટલીવાર જાઉં એટલી વાર મીનુને કહું ભાઈ અને બાને લઈને અહીં આવવાનું છે.

૧૯૯૬માં કેનકુન દરિયા સામેની હોટેલમાં મોટી બાલ્ક્નીવાળો રૂમ લીધો હતો. રૂમથી પચાસ ફૂટ દૂર મોજાં ઘૂઘવે. અને ડૂબતા સૂરજનો લાલ રંગ દરિયાની ક્ષિતિજમાં દેખાતો હતો, મેં ત્યારે જ ભાઈને ફોન કર્યો હતો. ‘ભાઈ, અહીં તો આવવા જેવું છે!’

૨૦૧૨માં અહીંના ગુર્જરી મેગેઝીનની ૨૫મી જયંતીનું સંચાલન પત્યું ને તરત ભાઈને ફોન કર્યો.

મીનુનો અને મારો એક ક્રમ થઈ ગયો હતો કે જીવનમાં કાંઈ સારું બને કે સૌ પહેલાં ભાઈને જણાવવાનું.

એકવાર ભારતથી એર-ઇન્ડિયામાં પાછો આવતો હતો. બિઝનેસ ક્લાસની સ્ટુઅર્ડેસને કહ્યું ‘મારી કંપની આ બધાં એરોપ્લેનનાં પાર્ટ્સ બનાવે છે.’ અને મારો ફોટો કવર પર હતો તે મેગેઝીન આપ્યું અને કહ્યું ‘તમારા કેપ્ટનને કહો કે રાહુલ શુક્લ ૭૪૭ ની કોક્પીટમાં કોઈવાર નથી ગયા, તો એ હા પાડે તો હું જઈ શકું.’

સ્ટુઅર્ડેસ કહે, મિસ્ટર શુક્લ, ૯-૧૧ની  ઘટના પછી કોઈ સિવિલિયનને કોકપીટમાં જવાની મનાઈ છે.

મેં કહ્યું ‘આ મેગેઝીન કેપ્ટનને આપો તો ખરા.’

મારી બાજુમાં બેઠેલા ભાઈએ કહ્યું ‘શુક્લાજી, આપ કોશિશ તો અચ્છી કર રહે હૈ, લેકિન મુમકીન નહી લગતા.’

દસ મિનિટ પછી સ્ટુઅર્ડેસ આવી. કહે ‘કેપ્ટન રાહુલ જૈને કહ્યું છે કે ‘૩૦ હજાર ફૂટની ઊંચાઈએ પહોંચીએ તે પછી તમને હું લઈ જઈશ.’

અને ટેઈક-ઓફ પછી અર્ધા કલાકે એ મને લેવા આવી.

કોકપીટમાં ગયો. મેં કેપ્ટન ‘રાહુલ જૈન’ ને કહ્યું તમારું first name મને  બહુ ગમ્યું.

એણે કો-પાયલોટને ખસવાનું કહી એની ચેરમાં મને બેસવા કહ્યું. અમે વાતો કરી. પાંચ મિનિટ પછી મેં કહ્યું ‘થેંક યુ, પણ હવે તમને વધુ ડીસ્ટર્બ નથી કરવા’. એ કહે “બૈઠીયે, રાહુલજી, ક્યા જલ્દી હૈ? વો દૂર લુફ્થાન્ઝા કા પ્લેઈન દિખ રહા હૈ, દેખિયે હમ નજદિક જાયેંગે તો ઓટો-પાઈલોટ હી હમારે પ્લેઈન કો લેફ્ટમેં ટર્ન કર દેગા. તો આપ બેઠીયે ઔર  fly this plane with me!’

મેં ત્રીસ મિનિટ સુધી કો-પાયલોટની ખુરશીમાં બેસીને ૭૪૭ ઉડાડવાની વિધિ જોઈ.

નુઅર્ક એરપોર્ટ પર કાર લેવા આવી હતી તો ઘરે પહોંચતા કલાક થયો. સૂટકેસ કારમાંથી ઉતારી. ઘરમાં આવ્યો. મીનુને હગ કરી. એણે ચા તૈયાર રાખી હતી. પણ હું ચા પીવા બેઠો તે પહેલાં ફોન લઇને ઘેર જોડ્યો ૦૧૧- ૯૧- ૨૭૫૨-૨૨૨૨૯૯. અને ભાઈએ લીધો તો કહ્યું, ‘ભાઈ તમે નહિ માનો, આજે તો તમારા દીકરાએ થોડીવાર ૭૪૭ પ્લેઈન ઉડાડ્યું હતું.’

અને પછી અહીં આ લેખમાં લખી છે એ બધી વિગતો ભાઈને કહી. અને ભાઈએ એમની સ્ટાઈલથી કહ્યું ‘ઓહો, આ તો કમાલ કરી નાખી. આ તો એક ઇવેન્ટ થઈ ગયો.’

ભાઈ, તમને એ બધી વાતો કહેવાનો કેટલો બધો આનંદ હતો!

કોઈ સફળતાની સાચી ખુશી એ તો તમારી પાસે એની વાત કરવામાં અને તમારી શાબાશી લેવામાં હતી.

અહીંના એક પચાસ વર્ષનાં બીલીયોનર બીઝનેસમેને એના પિતાનાં મૃત્યુ પછી એમ કહ્યું હતું કે ‘I do not know how to measure success anymore.’ એણે જેટલી કીર્તિ અને પૈસા કમાવાય તેટલા કમાઈ  લીધાં હતાં. આથી કીર્તિ કે ધનથી એને સફળતા નહોતી લાગતી. માત્ર એના પિતા એને કહે ‘Good job, Son’ ત્યારે એને થતું કે એણે કાંઈક સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

હું કંઈ એવી સફળ વ્યકિત નથી, પણ તોય મારા માટે સફળતાનો માપદંડ એ ભાઈ હતા. અને ભાઈના ગયા પછી કોઈ સારી વાત બને તો એ બન્યાનો એટલો આનંદ નથી થતો, અને એ સફળતાને કેમ કરીને માપવી તે સમજાતું નથી.

હમણાં ગાંધી એવોર્ડ મળ્યો. લંડન લેવા ગયો. હાઉસ ઓફ લોર્ડસનાં જાજરમાન અને ઐતિહાસિક મકાનમાં ગયો. એવોર્ડ સમારંભ પૂરો થયો ત્યારે મીનુનાં બહેનો અને બનેવી જોડે પાછા ઘેર આવ્યાં. બધાં ખુશ હતાં. પણ મારા મનમાં ખાલીપણું હતું. હાઉસ ઓફ લોર્ડસના મકાનમાંથી બહાર નીકળ્યાં કે તરત મારે ૨૨૨૨૯૯ પર કોઈ ફોન કરવાનો નહોતો.

આજે ભાઈને ગયાને આ આટલા મહિનાઓ થઈ ગયા તોય આંખમાંથી આંસુ સુકાતાં નથી. મિત્રો અને સગાં-વ્હાલાં સહુ મને સહાનુભૂતિ ખૂબ આપે છે, પણ સાથે જ એમને એવું પણ લાગે છે કે રાહુલ આ શોકમાંથી કેમ બહાર નથી આવી શકતો.

અને એનું એક કારણ તે એ છે કે મારા માટે માત્ર મારા માતા-પિતા જ નથી ચાલ્યાં ગયાં, પણ મારો સફળતાનો માપદંડ જતો રહ્યો છે.

અને આ લેખ પૂરો કરું છું તે સ્વપ્નની એ વિગતથી જે સ્વપ્ન લંડનથી એવોર્ડ લઈને પાછો આવ્યો ત્યારે નવેમ્બર ૩, ૨૦૧૪નાં આવેલું.

સ્વપ્નમાં હું અને મીનુ ભાઈને ઘેર સર્વોદય સોસાયટીમાં હતાં. પાણી પીવા માટે બંને રસોડામાં ગયાં તો ત્યાં રેફ્રીજરેટર નહોતું. વીરમભાઈએ કહ્યું ‘રેફ્રીજરેટર હોલ-વેમાં બાથરૂમ પાસે મૂક્યું છે.’ મેં ત્યાં જઈ રેફ્રીજરેટર ખોલ્યું તો ઘરનાં પાણીથી  ભરેલી બાટલીઓ હતી.

મીનુએ જીવુબેન (ઘેર વર્ષો પહેલાં કામ કરતાં હતાં તે)ને કહ્યું ‘જીવુબેન કોઈને મોકલીને  સીલ કરેલી પાણીની બોટલ બજારમાંથી મંગાવી લો.’

પછી હું બહાર લોબીમાં ગયો. ત્યાં કેટલાય માણસો બેઠા હતા. જાણે કદાચ ભાઈની ખબર કાઢવા આવ્યા હતા. હું ખાટ સામે બેઠકરૂમનો ખૂણો પડે છે ત્યાં ખુરશીમાં બેઠો.

ત્યાં સુશીબેનની રૂમમાંથી અરુણાબેન દેસાઈ (વિદ્યાલયવાળા) બહાર લોબીમાં આવીને ઊભાં રહ્યાં. મેં એમની સામે જોયું અને તરત મારી ખુરશી પરથી ઊભા થઈને કહ્યું, ‘અરુણાબેન, અહીં બેસો.’

ત્યાં અચાનક ખાટ પર ભાઈ બેઠા હતા તે દેખાયું. મેં જઈ ભાઈનો હાથ પકડીને કહ્યું ‘ચાલો બહાર ચાલવા લઈ જાઉં.’

ભાઈ ઊભા થયા, મેં એમને એક હાથે ટેકો આપ્યો હતો પણ એ તો  બરોબર રીતે ચાલી શકતા હતા.

પગથિયાં ઊતરતાં હું એમને કહેતો હતો, ‘ભાઈ તમને એક વાત કરવાની છે.’ અને એમના કાન નજીક જઈને કોઈક વાત મેં કરી.

પગથિયાં ઊતરીને અમે દરવાજા તરફ બે ડગલાં ચાલ્યા ત્યાં તો અચાનક ભાઈ ભાન ગુમાવતા હોય તેમ મારા ખભે ઝૂકી પડ્યા. મને તરત ખ્યાલ આવી ગયો કે હું એકલો ભાઈને ટેકો આપી નહીં શકું અને હમણાં પડી જશે. મેં ચીસ પાડીને લોબીમાં બેઠા હતા એ સૌને કહ્યું ‘જલ્દી દોડો, ભાઈને પકડવા આવો.’

બે ત્રણ જણા દોડીને આવ્યા. ભાઈના બંને હાથ ખભા પાસેથી પકડી લીધા. ભાઈનાં ડોળા ચઢી ગયા હતા. અને મોઢા પરથી જાણે ચેતના  જતી રહી હોય એવું મોઢું લાગતું હતું.

ત્યાં એકદમ રેખાબેન મારી બાજુમાં આવી ગયાં. રેખાબેન કહે ‘રાહુલ, ભાઈના ખોળિયામાંથી જીવ ચાલ્યો ગયો લાગે છે.’

હું ભાઈને ભેટીને રડવા લાગ્યો. પછી એમની છાતી પર માથું રાખી દીધું. ભાઈની આંખો બંધ હતી, જીવ ન હોય તેવું લાગતું હતું. મેં એમને રડતાં રડતાં પૂછ્યું, ‘ભાઈ પગથિયાં ઊતરતા હતાં ત્યારે મેં તમને લંડનમાં મને એવોર્ડ મળ્યો તે વાત કરી હતી તે તમે સાંભળી હતી?’

ભાઈએ માંડ માંડ આંખ ખોલી અને મને કહ્યું, ‘હા, મેં એ વાત સાંભળી’

* અને પછી એમણે આંખ બંધ કરી દીધી.

 

 

 

 

 

 

 

 

 

 

2 thoughts on “વિયોગ (રાહુલ શુક્લ)

  1. all very touchy and meaningful– summary is :”અને એનું એક કારણ તે એ છે કે મારા માટે માત્ર મારા માતા-પિતા જ નથી ચાલ્યાં ગયાં, પણ મારો સફળતાનો માપદંડ જતો રહ્યો છે.” Sushibahen and Bhai’s physical absence has created – ever lasting vacuum – which is due to your unfathomable love for them. All achievements are Empty without reporting to Bhai and listen word of appreciation this is “EVENT” we can feel your inner structure.

    Liked by 1 person

  2. મા રાહુલજીને સ્વપ્ના યાદ રહે છે તેથી સ રસ રીતે વર્ણન કરી શકે અને કેટલીકવાર વિચારવમળ કરે
    છેલ્લે-‘ભાઈએ માંડ માંડ આંખ ખોલી અને મને કહ્યું, ‘હા, મેં એ વાત સાંભળી’
    * અને પછી એમણે આંખ બંધ કરી દીધી.’ માનવામા ન આવે પણ અમે અનુભવેલી વાત છે…આપણા શાસ્ત્રમા કહ્યું છે કે મરણબાદ પણ કાનમા ફીકર ન કરવાનો સંદેશ કે રામનું નામ લો તો તેની સારી અસર અમે અનુભવેલી છે !

    Liked by 2 people

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s