ભાટિયા (સંકલિત)


મથુરાદાસ ગોકળદાસ. શેરબજારના શહેનશાન અને રેસકોર્સના રાજા, ૧૮૭૦ માં જન્મ્યા અને  ૧૯૩૮ માં સ્વર્ગવાસી થયા.

કરોડોની દોલત થઈ. એ જમાનામાં વર્ષે પાંચ લાખનો ઇન્કમટેક્સ ભરતા જ્યારે ટેક્સ સાવ મામૂલી હતો ! બેકબેનો સમુદ્ર પુરવાની યોજના એમણે વિચારી હતી. દિવાળીમાં લાખ ગાંસડીના ‘મુહૂર્ત’ના સોદા કરે ! મોઢામાં ચિરૂટ અને આસપાસ બજારોના એકસો દલાલો ડાયરો જમાવીને ઊભા હોય.

એમનો મિડલટન ઘોડો ૧૦૭ રેસો જીતેલો! એમનો પાર્થ ઘોડો ઇંગ્લેન્ડની વિશ્વવિખ્યાત ડરબીમાં આવેલો. દુનિયાભરમાંથી ઘોડા ખરીદતા. કહેવાય છે કે એક વાર ગવર્નરની બગીની આગળ એમની ઘોડાગાડી નીકળી ગયેલી. એ પછી કાયદો આવ્યો કે વાહનો ડાબી તરફ જ ચલાવવાં! એમની રોલ્સ-રોઇસ મોટરકાર ગવર્નર પણ મંગાવતા. પડછંદ રોબદાર શરીર, ચુસ્ત સનાતની વૈષ્ણવ, અમીરી દિલોદિમાગ, અચ્છા અચ્છા અંગ્રેજ અફસરો અને રાજા મહારાજા એમના નિવાસ પર આંટા મારે.

અંતે કિસ્મતનું ચક્ર ફર્યું. બધું મોરગેજ મુકાતું ગયું, વેચાતું ગયું. ઝવેરાત,. મિલો, જાનથી પ્યારા ઘોડાઓ, શેર, મિલકત! કહેવાય છે કે એક દિવસમાં એમણે એક કરોડ રૂપિયા ચૂકવેલા એ જમાનામાં !

એમની એકની એક પુત્રી જમનાબાઈ. શેઠ નરોત્તમ મોરારજીના એકના એક પુત્ર શાંતિકુમાર સાથે જમનાબાઈનો વિવાહ કરવામાં આવ્યો. એ જમનાબાઈ આજે સાસરાના નામ સુમતિબહેન મોરારજી તરીકે મશહૂર છે. હા, સુમતિબહેન મોરારજી, જેમનો વિશ્વ જહાજ ઉદ્યોગ એક મર્તબો રાખે હતો.

મુંબઈના ટાપુને પારસીઓની જેમ ભાટિયાઓનું વિરાટ યોગદાન રહ્યું છે.

 ભાટિયાઓએ મુંજબઈને શું આપ્યું છે ?

મુંબઈની ઘણીઘરી પ્રખ્યાત કાપડની માર્કેટો ભાટિયા વ્યાપારીઓનાં નામો પર છે. કાપડ ઉદ્યોગના એ પ્રાણ હતા અને હજી પણ છે. ખટાઉ, મોરારજી અને ઠાકરસી નામો ભારતભરની ગૃહિણીઓના બેડરૂમના કબાટોની અંદર સુધી પહોંચી ગયાં છે. સાત સમંદરો પર સિંધિયા સ્ટીમશીપનાં વિરાટ જહાજો ભાટિયા સાહસના પ્રમાણરૂપે વહી રહ્યાં છે. લોખંડના કારખાનાં હોય કે હાઇકોર્ટની પાસેના જૂનાં મકાનોમાં સોલિસીટરોની ફર્મો હોય, બેન્કો હોય, બિહારની ધગધગતી ધરીના પેટાળમાં કોલસાની ખાણો હોય – ભાટિયા પચાસ વર્ષ પહેલાં પહોંચી ગયા છે. રૂ બજાર હોય કે નાણાંબજાર હોય કે અન્ય કોઇ પણ બજાર હોય, વ્યાપાર, ઉદ્યોગ, વ્યવસાય, આયાત-નિકાસ, મિલો, કારખાનાં.. સાહસનું કોઈ પણ ક્ષેત્ર. જ્યાં પાણી અને પત (પ્રતિષ્ઠા) માપવાનાં હોય ત્યાં એમણે ફાટેલા ઝંડા લઈને કેસરિયાં કર્યા છે અને પાણીપત જીત્યા છે.

પણ માત્ર આ માટે જ ભાટિયા જાતિ જીવી નથી. એમની યાદગાર ચીજો છે એમની ઉદારવૃત્તિ, એમની સખાવતો, એમનાં અનુદાનો.

ગોકળદાસ તેજપાલે જી. ટી. હાઈસ્કૂલ બનાવી. એમની કુલ સખાવત હતી 17 લાખ રૂપિયા! દોઢ લાખની જી. ટી. હોસ્પિટલ બની. બે લાખ જી. ટી. બોર્ડિંગ માટે આપ્યા. આ જી. ટી. બોર્ડિંગમાં કોણ કોણ ભણ્યા હતા ? પરીક્ષિતલાલ મજુમદાર, પ્રભાશંકર પટ્ટણી, મહાદેવ દેસાઇ, મોરારજી દેસાઇ અને બીજા કેટલાય!

લખમીદાસ ખીમજીના નામની માર્કેટ છે. ગોરધનદાસ સુંદરદાસ નામના વ્યાપારીએ આપેલા દાનમાંથી બની જી. એસ. મેડિકલ કોલેજ! વલ્લભદાસ કરસનદાસે બનાવેલી ભાટિયા હોસ્પિટલ મુંબઈની મુખ્ય હોસ્પિટલોમાં છે. મહાબળેશ્વર ખીલવવામાં મોરારજી ગોકુળદાસનું પ્રદાન બહું મોટું છે. ત્યાં જ પચાસ હજારની સખાવતથી મોરારજી ગોકુળદાસ હોસ્પિટલ બની છે. 1868 માં ઠાકરસી મૂળજી પરિવારે તત્કાલીન પ્રસિદ્ધ વ્યાપારી મૂળજી જેઠા સાથે મળીને એક વિરાટ માર્કેટ બાંધવાનું નક્કી કર્યું – પરિણામે એશિયાની સૌથી મોટી કાપડ માર્કેટ, મૂળજી જેઠા માર્કેટ અસ્તિત્વમાં આવી.

ઠાકરસી મૂળજીનો ઠાકરસી-પરિવાર ભારતભરમાં વિવિધ ક્ષેત્રોમાં વિખ્યાત બન્યો છે. એમના એક પુત્ર દામોદર ઠાકરસી! દામોદરના પુત્ર સર વિઠ્ઠલદાસ અને માધવજી. નાના ભાઈ માધવજીના બે પ્રખ્યાત પુત્રો – કૃષ્ણરાજ અને વિજય, જેમને દુનિયા વિજય મરચન્ટ તરીકે ઓળખે છે. દામોદર શેઠનાં પત્ની અને સર વિઠ્ઠલદાસનાં માતુશ્રી એ નાથીબાઇ જેમનાં નામ પર પંદર લાખનું દાન કરીને શ્રીમતી નાથીબાઇ દામોદાર ઠાકરસી વિશ્વવિદ્યાલય અથવા એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી. ભારતમાં સ્ત્રી-શિક્ષણનું આ વિશેષ અનુષ્ઠાન છે. એ જ પરિવારના હંસરાજ પ્રાગજીનાં ધર્મપત્ની સુંદરબાઈ નામનો સુંદરાબાઈ હોલ પ્રસિદ્ધ છે. અંધેરીની કોલેજ તથા અન્ય શિક્ષણ પ્રતિષ્ઠાનો પણ એમનાં જ દાન છે. ભારતના ભૂતપૂર્વ ટેબલ ટેનિસ ચેમ્પિયન સુધીર કૃષ્ણરાજ ઠાકરસી પણ આ જ પરિવારના છે. કેટલાકના મતે સર વિઠ્ઠલદાસ આ કુળના સૌથી પ્રતાપી પુરુષ હતા. અને વિજય મરચન્ટ ? ભારતીય ક્રિકેટમાં વિજય મરચન્ટ કોઈ વ્યક્તિનું નહીં, પણ એક સંસ્થાનું નામ છે.

આર્થિક-સામાજિક ઇતિહાસની ‘હુઝ-હુ’ જેવી લાગે છેઃ જીવરાજ બાલુ, તેજપાલ પરિવારના ગોકુળદાસ તેજપાલ, મૂળજી જેઠા પરિવારના ધરમસી સુંદરદાસ અને ગોરધનદાસ સુંદરદાસ, લખમીદાસ, ખીમજી, મોરારજી, નરોત્તમ મોરારજી, ખટાઉ પરિવારના ખટાઉ મકનજી, ગોરધનદાસ ખટાઉ અને ધરમસી ખટાઉ, ઠાકરસી પરિવારના લગભગ બધા જ, વસનજી પરિવારના મથુરદાસ વસનજી, ‘રેસકોર્સ’ના પરિવારના મથુરદાસ ગોકળદાસ અને એમની સુપુત્રી સુમતિબહેન મોરારજી, કરસનદાસ નાથા

. સાહિત્ય અને નાટ્યજગતમાં પ્રાગજી ડોસા એક અત્યંત સન્માનીય નામ છે. એમના ભાઇ આણંદજી ડોસા ક્રિકેટના આંકડાશાસ્ત્રી હતા. મનુ સૂબેદાર અર્થશાસ્ત્રી હતા અને સસ્તું સાહિત્યની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. રતનસી ચાંપસી ભારત પ્રસિદ્ધ સામાજિક કાર્યકર હતા. રાજનીતિના ક્ષેત્રે મુંબઇ રતનસિંહ રાજડાને ઓળખે છે. એ લોકસભાના જનતા પક્ષા પ્રતિનિધિ હતા. કથાકાર સરોજ પાઠક પણ ગુજરાતની પ્રમુખ સ્ત્રી લેખિકા છે. સુગમ સંગીત અને ગરબા-જગતને માટે મધુર તર્જો આપનાર કિરણ સંપત વર્ષોથી પરિચિત છે અને ગયે વર્ષે સ્વરૂપ સંપતે ‘મિસ ઇન્ડિયા’નો ગઢ સર કરીને એક નવા ક્ષેત્રમાં પદાર્પણ કર્યું છે.

(સંકલિત)

5 thoughts on “ભાટિયા (સંકલિત)

  1. ભાટિયા પરીવાર અને તેમની સિધ્ધીની જાણીતી અનુભવેલી વાતો વારંવાર માણવાનું મન થાય.. મારા દાદા ભાટિયા પરીવારમા ટ્યુશન આપવા જતા અને એમને જે માન મળતું તે વાત તેમને જીવનભર યાદ રહેલી

    Liked by 1 person

  2. ખૂબ જ સુંદર સંકલન.
    આ સંકલનને વઘુ વાચકો મળે તેવું થવું જોઇઅે.
    હાર્દિક અભિનંદન. ભાટીયા…કચ્છી…કચ્છના દાનવીરોઅે સમાજસેવાના ઉત્તમ દાખલાઓ બેસાડયા છે. મુંબઇના વિકાસમાં તેમનો ફાળો અદ્ ભૂત રહ્યો છે. દેશને પણ આર્થિક રીતે મજબુત બનાવવામાં પણ તેમનો ફાળો અણમોલ છે.

    Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s