ઉછળતા સાગરનું મૌન ( સપના વિજાપુરા ) – અંતીમ પ્રકરણો


( આંગણાંમાં પોતાની પ્રથમ નવલકથા મૂકવા બદલ સપનાબહેનનો ખૂબ ખૂબ આભાર. અમે ફરી તમારી કલમનો લાભ લેતા રહીશું – સંપાદક)

પ્રકરણ – ૨૦

તે દિવસે કોર્ટની તારીખ હતી. પોલિસ, સાગરને અદાલતમાં હાજર કરવાની હતી. નેહા આખી રાત સૂઈ શકી નહોતી. રાત આખી નેહા આકાશના અને સાગરના વિચારો કરતી રહી. બંને એનાં જીવન સાથે અતૂટ રીતે સંકળાયેલા હતા. છતાં બંનેમાંથી કોઈ એની પાસે ન હતું અને કોઈ એનું નહોતું! સાગરે મને પ્રેમ કરવાની ખૂબ મોટી કિમત ચૂકવી હતી અને આકાશે મને પ્રેમ ન કરવાની!  હું જ કેટલી કમનસીબ છું, કે, કોઈનેય સુખ આપી શકતી નથી. નેહા સવારના વહેલી ઊઠી અને ઝટપટ તૈયાર થઈ ગઈ. સફેદ સાડીમાં પણ એનું રૂપ ખીલી ઊઠતું હતું. એ જ રેશમી, વાંકડિયા કાળા વાળ, કાજળ આંજ્યાં વિનાની મોટી, કાળી આંખો અને ખૂલતો વાન, ગુલાબી ગાલ! નેહાને મેકઅપની કોઈ જરૂર ન હતી. એ ડ્રોઈંગ રૂમમાં આવી મમ્મી પપ્પા હજુ અહીં જ હતા. બધાંને જયશ્રી કૃષ્ણ કહીને એ નાસ્તો કરવા બેઠી. ગળે કોળિયો ઊતરતો ન હતો. એને ખબર નહોતી કે આગળ શું થશે?  “જ્યારે, આ બધાં જ સ્વજનો અને લોકોને આજે કોર્ટમાં, મારી કબૂલાત કરતાં જ જાણ થશે કે આકાશનું ખૂન મારા હાથે થયું છે, તો કેટલો આઘાત લાગશે?” નેહા પોતાની અંદર જ ડૂબેલી હતી, ત્યાં તો પ્રભાબેન અચાનક બોલ્યા,” જો નેહા, તું મારી દીકરી નહીં પણ, દીકરો છે હવે. આકાશની જગ્યા તારે લેવાની છે. બિઝનેસમાં ધ્યાન તારે આપવાનું છે. મારી ઉંમર થઈ ગઈ છે. મારામાં તાકાત નથી કે હું એટલો મોટો એમ્પાયર સંભાળી શકું. તું ઓફિસ જવાનું શરૂ કરી દે. મને ખબર છે એક દિવસમાં તને બધું સમજાઈ નહીં જાય, પણ, મેનેજર સાહેબ તને ધીરે ધીરે બધું સમજાવી દેશે, હું પણ સમય આવે મદદ કરીશ. મારે કોઈ બીજું સંતાન નથી .તું જ આ મિલકતની માલિક છે, એટલે બધું સમજી લે જે.”

નેહાના ગળામાં ડૂમો ભરાયો. એણે ખાંસી ખાધી અને પછી બોલી, “પણ બા, આજ મારે કોર્ટમાં જવાનું છે. આવતી કાલથી હું ઓફિસે જઈશ.” પ્રભાબેન થોડાં નારાજ થયાં. એ આશાબેન તરફ વળીને બોલ્યા,” આપણે વળી કોર્ટના ચક્કર ખાવાની શી જરૂર છે? એ વકીલનું કામ છે, વકીલ તો આપણે રાખી લીધો છે, એવું મેનેજર કહેતા હતા. અને, જેણે ગુનો કર્યો છે એને સજા તો થવી જ જોઈએ.” નેહા કશું ના બોલી. “હું જ્યારે ગુનો કબૂલીશ, ત્યારે આઘાત તો, મમ્મી-પપ્પાને અને આકાશના મમ્મીને લાગવાનો જ છે. અત્યારથી જ કહીને શું કામ દુઃખી કરું?” એ કશું બોલ્યા વગર ઊભી થઈ. મમ્મીને તથા પ્રભાબેનને પગે લાગી. પપ્પા પાસે આવી તો પપ્પાએ ગળે લગાવી દીધી. નેહાથી એક ડૂસકું લેવાય ગયું. નેહાના પપ્પાને, ખબર નહીં કેમ, પણ, આજ નેહાનું વર્તન થોડું જુદું લાગતું હતું. પપ્પાને ચિંતા થતી હતી અને એમણે નેહાને કહ્યું,” નેહા બેટા, હું પણ આવું છું, કોર્ટમાં. એક-બે મિનિટ ઊભી રહે.” અને શુઝ પહેરવા લાગ્યા. નેહા કહેતી રહી, “ના, ના, પપ્પા તમે ના આવો. આઈ વીલ બી ઓકે.” પણ, પપ્પાના દિલમાં જાણે શું આવી ગયું હતું કે બસ, નેહાને મારી જરૂર છે. એ પણ, નેહાની સાથે જ ઘરની બહાર નીકળ્યા અને કારમાં બેસી ગયા. નેહા પણ ચૂપચાપ કારમાં બેસી ગઈ. આજ પપ્પાને કેટલો આઘાત લાગશે જ્યારે એ કોર્ટમાં ઊભી થઈને કહેશે કે સાગર નહીં પણ એ ખૂની છે. કાશ, પપ્પાએ મારી વાત માની હોત અને સાથે ન આવ્યા હોત!”  નેહા આમ તો ચૂપચાપ બેઠી હતી પણ, એની અસ્વસ્થતા એના પપ્પાથી છાની ન રહી. પપ્પાએ એનો હાથ પકડી લીધો. “બેટા ચિંતા ના કર, બેટા. સૌ સારા વાનાં થશે. ઉપર બેઠો છે ને સો હાથવાળો.” માણસ ને જ્યારે કાંઈ દુઃખ આવી પડે એટલે ઈશ્વરને યાદ કરતો થઈ જાય નહીંતર ઈશ્વર ક્યાંક ઘરના ખૂણામાં પથ્થર થઈને બેઠો હોય છે. કબીર કહે છે ને,

“દુઃખમેં સુમીરન સબ કરે સુખમે કરે ના કોઈ,

 જો સુખમેં સુમીરન કરે તો દુખ કાહે કો હોય!”

કાર કોર્ટ પાસે આવી ઊભી રહી .નેહા અને પપ્પા કારમાંથી ઊતર્યાં. કોર્ટના પગથિયાં ચડતાં, ચડતાં, તો નેહાની છાતી ધમણની જેમ ફૂલી ગઈ. એને થયું, “આ મુઠ્ઠી જેવું હ્રદય કેટકેટલાં આઘાતો સહન કરી ગયું અને હજુ પણ ન જાણે કેટલાં આઘાતો સહન કરશે! કોર્ટમાં હજુ શું શું થશે? હું સાગરને કેવી રીતે જોઈ શકીશ, એક કેદી તરીકે?” નેહાએ પપ્પાને ખબર ના પડે એ રીતે આંખો લૂછી લીધી.

જ્યારે સાગરને કોર્ટના કઠેરામાં જોયો, તો, નેહા ભાંગી પડી. પપ્પા નેહાનો હાથ પકડીને બેઠા હતા. નેહાને જાણે કાઈ સંભળાતું ન હતું કોર્ટએ સાગરને કહ્યું કે એને કોઇ વકીલ જોઈતો હોય તો મદદ કરશે. સાગરે માથું ધુણાવી ના કહી. કેસ ચાલતો હતો. વકીલ એક પછી પુરાવા આપી રહ્યો હતો, કે, સાગર જ ખૂની  છે. દોઢ કલાક જેટલી દલીલો ચાલી છેવટે ન્યાયાધીશે સાગરને પૂછ્યું કે તમે તમારો જુલ્મ કબૂલ કરો છો? સાગરે માથું હલાવી હા પાડી.

ન્યાયાધીશે કહ્યું,” જુઓ મિસ્ટર સાગર, તમારે તમારું મૌન તોડી જવાબ આપવો પડશે કે તમે આ ખૂની છો અને તમે આ હીણું કામ કર્યુ છે.” સાગર ચૂપ હતો મૌન. ફરીવાર ન્યાયાધીશે એજ વાત કરી કે તમારે મોઢે ગુનો કબુલ કરો. અને સાગરે એકદમ મોટે અવાજે કહ્યુ,” મે આકાશનું ખૂન કર્યુ છે મેં. મને સજા આપો. મને સજા આપો. મેં નેહાનો સુહાગ ઉજાડ્યો છે.” અને એ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. નેહા પપ્પાનો હાથ છોડાવી ન્યાયાધીશ પાસે દોડી ગઈ. “જજ સાહેબ, સાગરે ખૂન નથી કર્યુ. જજસાહેબ, ખૂન મેં કર્યુ છે, મેં કર્યુ છે, સજા મને મળવી જોઈએ. સાગરે મારો ગુનો એના પોતાના માથે લીધો છે. મને સજા આપો, સાહેબ!”  તરત જ, સાગર મોટા અવાજે બોલ્યો, “જજ સાહેબ, એની માનસિક સ્થિતિ સારી નથી. પ્લીઝ, એના પ્રલાપ પર ધ્યાન ના આપશો. ખૂન મેં કર્યુ છે.”

“ના, ના,” નેહાથી ચીસ પાડી ઊઠી. “મારા પતિનું ખૂન મારા જ આ હાથે થયું છે, આ હાથે!” અને એ બેહોશ થઈને જમીન પર ફસડાઈ પડી. કોર્ટમાં હો હા થઈ ગઈ. તરત જ એમ્બ્યુલન્સ આવી અને નેહાને હોસ્પિટલ લઈ જવામાં આવી. કોર્ટ મુલતવી રાખવામાં આવી. નેહા હોસ્પિટલમાં બેહોશ પડી હતી. પપ્પા ભીની આંખે, એની પાસે બેસીને, એમની વહાલસોઈ દીકરીને તાકી રહ્યા હતા. “શું નેહા સાચું બોલતી હતી કે એના મગજ પર આકાશના ખૂનને પોતાની નજરે નિહાળતાં અસર થઈ ગઈ છે?”

પ્રકરણ – ૨૧ (અંતીમ)

નેહા હવે ભાનમાં આવી ગઈ હતી, પણ, હજી આઘાતમાં હોવાથી, સાવ જ ચૂપ થઈ ગઈ હતી. ડો. શાહ આવ્યા,” હાય ડિયર નેહા, કેમ છે બેટા?” નેહાના પપ્પા, શાંતિલાલ થોડીવાર માટે બહાર ગયાં. ડો. શાહે નેહાની નસ તપાસી, બ્લડપ્રેશર માપ્યું. નેહાએ એકદમ જ ડોકટર શાહના હાથ પકડી લીધા, “ડોકટર, મેં આકાશનું ખૂન કર્યુ છે. મને કોર્ટમાં જવા દો. મારે જજને કહેવું છે.” ડો શાહે કહ્યું, “નેહા, શાંત રહે. તું ઠીક થઈ જા, પછી, તને હોસ્પિટલમાંથી રજા આપીશ.” નેહા એકદમ ગુસ્સે થઈ ગઈ અને ટેબલ પર પડેલો બધો સામાન નીચે ફેંકી દીધો. ફૂલદાની જોરથી ફેંકી, જે ડો. શાહને વાગતાં રહી ગઈ. એમણે નર્સ ને નેહાને ઊંઘનું ઈન્જેકશન આપવાનું કહ્યું. નેહા થોડીવારમાં ઘસઘસાટ ઊંઘી ગઈ. શાંતિલાલ જ્યારે પાછા ફર્યા, તો ડો.શાહે એમને ઓફિસમાં બોલાવ્યા,” મિસ્ટર શાંતિલાલ, નેહા પોતાનું સંતુલન ગુમાવી બેઠી છે. હું તમને મુંબઈના એક ડોકટર નું સરનામું અને નંબર આપું છું. નેહા સ્ટેબલ થઈ જાય પછી, તમે ત્યાં નેહાને ઈલાજ માટે લઈ જજો. અને, હા, હું એક કોર્ટના નામે પણ લેટર લખું છું કે નેહાને આખા બનાવની ઊંડી માનસિક અસર થઈ છે. અને કોર્ટમાં મને બોલાવશે તો પણ હું આવીશ. આ સમય દરમિયાન, ઘરમાં તમે સહુ નેહાનું ધ્યાન રાખજો કે એને ગુસ્સો ન આવે કે આવેશમાં ન આવી જાય. હું દવા પણ લખી આપું છું.”

શાંતિલાલે આશાબેનને ફોન કરી જણાવી દીધું કે, રાતની ફ્લાઈટથી મુંબઈ જવાની તૈયારી કરે અને નેહાનો સામાન પણ ભરવા કહ્યું. આશાબેન સમજી ના શક્યાં આટલી ઉતાવળ શું છે. પણ શાંતિલાલને, નેહાએ જે કોર્ટમાં કહ્યું અને જે ડો. શાહે કહ્યું, તે સાંભળ્યા બાદ હવે એક મિનીટ પણ વધુ દિલ્હી રોકાવું ન હતું. નેહા મનથી એટલી ભાંગી ચૂકી હતી કે એની સઘળી શક્તિ હણાઈ ગઈ હતી. શાંતિલાલ નેહાને વ્હિલચેરમાં લઈને ઘેર આવ્યા. પ્રભાબેન નેહાને વ્હિલચેરમાં જોઈ એકદમ ગભરાઈ ગયા. શાંતિલાલે કહ્યું, “નેહાની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ હતી. કોર્ટમાં નેહા બેહોશ થઈ ગઈ હતી અને હું એને હોસ્પિટલ લઈ ગયો હતો. ત્યાંના ડોકટરે મુંબઈના ડોકટરને બતાવીને, તાત્કાલિક ઈલાજ શરૂ કરવાનું કહ્યું છે. અમે નેહાને લઈને, આજની જ ફ્લાઈટમાં મુંબઈ જઈએ છીએ. તબિયત સારી થતાં જ, અમે અહીં મૂકી જશું.”  પ્રભાબેન ઉદાસ થઈ ગયાં. આકાશ તો ગયો હવે નેહા પણ મુંબઈ જશે, અને પોતે, અહીં સાવ એકલાં થઈ જશે, એ વિચાર માત્રથી પ્રભાબેન અત્યારથી જ પાંગળા થઈ ગયાં. નેહા અર્ધા ઘેનમાં હતી. નેહાની મમ્મીએ એનો સામાન પેક કરી લીધો. નેહા બેહોશની જેમ બેડમાં પડેલી હતી. સાંજ પડતાં કારમાં ત્રણેય એરપોર્ટ પહોંચી ગયાં. શાંતિલાલને હવે દિલ્હી વહેલી તકે છોડવું હતું. એમને મનમાં રહી, રહીને એક જ વિચાર આવતો હતો કે, ”દિલ્હી મારી દીકરીને રાસ ના આવ્યું. કેટલું એણે ગુમાવ્યું, સૌથી વિશેષ તો મારી નેહાએ, એની જુવાનીના શ્રેષ્ઠ વર્ષો ગુમાવી દીધાં! બધું લૂંટાવીને હવે ફરી મુંબઈ જઈ રહ્યા છીએ. દસ વરસમાં જિંદગી એ કેવો પલટો લીધો હતો?”

નેહા હજુ પણ અર્ધ જાગૃત અવસ્થામાં હતી. શાંતિલાલે ખૂબ મમતાથી દિકરીને માથે હાથ ફેરવ્યો.

ત્રણેય મુંબઈ પહોંચી ગયાં. શાંતિલાલ બીજા દિવસે જ, ડો.શાહે સૂચવેલા ડોકટર પાસે નેહાને એના ઈલાજ માટે લઈ ગયા. નેહા અર્ધા ઘેનમાં જ રહેતી હતી. કારણ કે, જાગે ત્યારે ચીસાચીસ કરતી હતી. “ખૂન સાગરે નથી કર્યું, ખૂન મેં કર્યું છે, મને સજા આપો. મને સજા આપો. મારા જ આ હાથે ખૂન થયું છે.” દિલ્હીના ડોકટર શાહે દવા આપી હતી તેથી નેહા શાંત પડીને સૂઈ રહેતી. મુંબઈના સાઇક્રાઈટ્રીસ્ટ ડોકટરે શાંતિલાલને બધી હકીકત પૂછી કે નેહાને શાનો આઘાત લાગ્યો છે? શાંતિલાલે આકાશનાં ખૂન વિશે કહ્યું અને એ પણ કહ્યું કે આ ખૂન નેહાના પ્રેમીને હાથે થયું છે. પણ, નેહાએ એને છોડાવવા માટે આ રટ લીધી છે. એના પ્રેમી, સાગરે તો એનો ગુનો કબૂલ પણ કર્યો છે. ડોકટર કશું બોલ્યા નહીં. એમના મનમાં પણ શંકાનો કીડો હતો, એમને આ વાર્તા પૂરી લાગતી ન હતી.  નેહાને એમણે હોસ્પિટલમાં પોતાની દેખરેખ નીચે એડમીટ કરી.

બે અઠવાડિયામાં બીજી કોર્ટની તારીખ આવી. તે દિવસે નેહા હોસ્પિટલના રૂમમાં બેસી ટીવી જોઈ રહી હતી. નેહાના મોઢા પર એ નૂર જ નહોતું રહ્યું. એના રેશમી, વાંકડિયા વાળ હવે સૂકા બરછટ થઈ ગયા હતા. આંખો નીચે કૂંડાળા પડી ગયાં હતાં. નેહા જાણે વરસોથી બિમાર હોય એવું લાગતું હતું.  એનામાં ઊઠવાની પણ તાકાત ન હતી. પોતાના આત્માની સામે લડીને થાકી ગઈ હતી. આંખો કોરીકટ, લાગણી વિહીન થઈ ગઈ હતી. શૂન્યમનસ્ક બની એ ટી.વી સામે જોઈ રહી હતી. ઝી ન્યુઝ ચાલી રહ્યા હતા. ન્યુઝમાં સાગરનું નામ સાંભળીને એ ચમકી. હજુ એ એક નામ એને વિચલિત કરવા સમર્થ હતું. સમાચારમાં સાંભળ્યું કે દિલ્હી નિવાસી મારુતિ કારનાં ડીલર, આકાશ શાહની નિર્દયપણે હત્યા કરી સાગર કુમારે પોતાની જાતને પોલીસને હવાલે કરી દીધી હતી. હત્યા નું કારણ કોઈ નિજી દુશ્મની ગણવામાં આવ્યું હતું. અદાલતના ફેંસલામાં સાગરકુમારને ફાંસીની સજા કરવામાં આવી હતી. સાગર કુમારે મૌન રહી  આ નિર્મમ હત્યા માટે, ફાંસીની સજા સ્વીકારી લીધી. ફાંસી, મે મહિનાની ત્રીજી તારીખે, સવારે પાંચ વાગે આપવામાં આવશે.

નેહાએ આ વખતે ચીસ ના પાડી. નર્સ જ્યારે બ્લડપ્રેશર માપવા અને દવા આપવા આવી, તો નેહાએ ખૂબ શાંતિથી પૂછ્યું, “બહેન, આજ ક્યો વાર છે?” નર્સે કહ્યું, “બુધવાર છે.” નેહા આંખો બંધ કરી ગઈ અને અંતરમાં પોતા સાથે સંવાદ કરતી રહી. “બે દિવસ પછી આ દુનિયામાં સાગર નહીં હોય, આ દુનિયા સાગર વગરની થઈ જશે, અને એ પણ મારા કારણે!  મારાથી શ્વાસ લઈ શકાશે? હું જીવીશ કેવી રીતે સાગર? તેં મારા ઉપર ખૂબ જુલમ કર્યા છે, અને, હું તને માફ નહીં કરું, કદી માફ નહી કરું. તું મને જીવવાની સજા દેવા માગે છે. અને તારે છૂટી જવું છે અને તારા બાળકો, તારી પત્ની? એમને નહીં તો, મારી જાતને પણ હું શું મોઢું બતાવીશ? સાગર, તારે મને મરવા દેવી હતી…આકાશની સાથે! હે ભગવાન! હું શું કરું, હું શું કરું? ભગવાન મને રસ્તો બતાવ…મારી મગજની નસો ફાટે છે…પ્રભુ રસ્તો બતાવ.” એ શુક્રવારની રાહ જોવા લાગી. ગુરુવારે રાત્રે જ્યારે નર્સ ઊંઘની દવા આપવા આવી તો, નેહાએ નર્સને કહ્યું કે ટીવી જોઈને એ પછી દવા લઈ લેશે.

ગુરુવારની એ રાત કાઢવી અઘરી હતી. નેહા પડખાં બદલતી રહી. આખી રાત ટીવી ચાલુ હતું. ખાસ સમાચાર આવી રહ્યા હતા, જેમાં સાગરને જેલમાંથી કાઢી ફાંસીની જગાએ લઈ જવામાં આવી રહ્યો હતો. બે કલાકમાં સાગર હતો ન હતો થઈ જશે, મારો સાગર, મૌન, ખામોશ સાગર! પણ નેહાના હ્રદયમાં ઘૂઘવતા સાગર હતાં, જે કોઈ કાળે મૌન થતાં ન હતાં અને હવે કદીયે થવાના પણ નહોતાં.

એણે બાજુમાં પડેલી શાલ, માથે ઓઢી, અને ચૂપચાપ, હોસ્પિટલની બહાર નીકળી, રિક્ષા ઊભી રખાવી. “બાન્દ્રા બીચ” કહી, રિક્ષામાં બેસી ગઈ. મુઠ્ઠીમાં ૧૦૦ રૂપિયા લાવી હતી, તે રિક્ષાવાળાને આપી, બાન્દ્રા બીચ પાસે ઊતરી ગઈ..

વિશાળ સાગર એની સામે હાથ ફેલાવીને આમંત્રી રહ્યો હતો. ધીરે, ધીરે, એ પાણી તરફ આગળ વધી રહી હતી. નેહાને સાગરનો ઘૂઘવાટ ખૂબ મીઠો લાગી રહ્યો હતો. દૂરથી આવતા પંખીના કલબલાટના સૂર હવામાં ગુંજી રહ્યા હતા. સૂરજ નીકળું નીકળું થઈ રહ્યો હતો. મંદિરની ઝાલર સંભળાતી હતી. દૂર મસ્જિદમાં અઝાન થઈ રહી હતી. સાગર પરથી આવતી ભેજવાળી ખારી હવા, આજે માદક થઈને, સુગંધ ફેલાવી રહી હતી. નેહા ધીરે, ધીરે, પાણીમાં આગળ વધી રહી હતી. વિશાળ સાગરનાં મોજાં એને ભેટવા આતુર હતા. નેહાના ફિક્કા મુખ પર એક નૂર જાણે આવી ગયું હતું! દૂર દિલ્હીમાં પાંચના ટકોરા થયાં…., !

(સમાપ્ત)

લી જાન્યાઆરીથી આંગણાંમાં યુધ્ધ…..

ભારતીય સેનામાં અફસર તરીકે કામ કરવું એટલે શું? ૧૯૬૫ અને ૧૯૭૧ ના પાકીસ્તાન સાથેના યુધ્ધની દિલધડક વિગત, ભારતના રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત, ભારતીય સેનાના એક અફસરના શબ્દોમાંદાવડાનું આંગણુંમાં ૧લી જાન્યુઆરીથી દરરોજ રજૂ કરવામાં આવશે. કોપીરાઈટથી સુરક્ષિત કથા રજૂ કરવા મને અને આંગણાંને ખાસ મંજૂરી મળી છે. એક પણ એપીસોડ વાંચવાનું ચૂકશો નહીંપી. કે. દાવડા  (સંપાદક)

2 thoughts on “ઉછળતા સાગરનું મૌન ( સપના વિજાપુરા ) – અંતીમ પ્રકરણો

  1. સુ શ્રી સપના વિજાપુરા ની ઘરડા માવતરની દીકરાને પરણાવવાની આશા અધૂરી રહી ગઈ કરુણરસ વાળી સુંદર વાર્તા આપઘાત ની યાદ આપતી પ્રસ્તુત નવલકથા કરુણરસ અને મનોભારની વિવિધ દષ્ટિકોણથી તુલના ઉપરોક્ત બાબતને. સુપેરે ચરિતાર્થ કરે છે કથા પુરી થતા કરુણરસ વિગલીત થઇ આપણા જ કુટુંબની સંઘર્ષ કરતી નારી અને દરેક પાત્રોની મધુર યાદ ચિતમા છોડે છે…

    Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s