વડોદરાની ‘ફાઇન આટર્સ’ ફેકલ્ટી (સંધ્યા બોર્ડેવેકર ગજ્જર)


ફાઈન આર્ટસ ફેકલ્ટીની હવામાં જ કંઈક એવું છે જે કલાના વિદ્યાર્થીઓમાં સુષુપ્ત પ્રતિભાને ધક્કો મારીને જગાડે છે, અને તેઓને કંઈક જુદું, થોડું ઘણું બગાવતખોરીવાળું અને નવા પ્રવાહો સાથે ભળતું કંઈક કરવા માટે પ્રવૃત કરે છે. આ ફેકલ્ટીમાં શિક્ષણ લીધા પછી એ વિદ્યાર્થી વડોદરામાં જ રહીને કામ કરવાનું પસંદ કરે છે. ભારતના સમકાલીન પ્રખ્યાત કલાકારોમાંના લગભગ 70 ટકા જેટલા લોકોનો ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટસ સાથે એક યા બીજી રીતે કંઈક સંબંધ રહે છે.

લલિત કલા અકાદમીનું વાર્ષિક પ્રદર્શન, કે ટીના અંબાણીનો “હાર્મની શો” હોય, કે પછી નવી દિલ્હીમાં ત્રિવાર્ષિક કે ભોપાલના દ્વિવાર્ષિક કલાપ્રદર્શનો હોય, વડોદરાની ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં ભણેલા કલાકારોને ત્યાં એવોર્ડસ મળતાં જ હોય છે.

ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટસની સ્થાપના એમ. એસ. યુનિવર્સીટીમાં ૧૯૫૦ માં થઈ હતી. યુનિવર્સીટીના દ્રષ્ટા અને પ્રથમ કુલપતિ હંસા મહેતાનું માનસ સંતા છે. તેમણે આર્ટ સ્કૂલનો મજબૂત પાયો નાખવાના હેતુથી વીણી વીણીને પ્રતિભાશાળી શિક્ષકોની નિમણૂંક હતી. આવા શિક્ષકોમાં એન. એસ. બેન્દ્રે, સાંખો ચૌધરી, કે. જી. સુબ્રમણ્યમ અને માર્કન્ડ ભટ્ટ સામેલ હતા. આ એવા શિક્ષકો હતા, જેઓ એમના વિદ્યાર્થીઓને જે શિખામણ આપતા તેને તેઓ પોતે પણ અનુસરતા હતા. તેમના દ્વારા જ એ સમયના વિદ્યાર્થીઓમાંથી અનેક કલાકાર-શિક્ષકોની પ્રથમ પેઢી તૈયાર થઈ હતી. જેમાં જ્યોતિ ભટ્ટ, ગુલામમોહમ્મદ શેખ, રતન પરીમૂ, મહેન્દ્ર પંડયા, રજનીકાંત પંચાલ, ફિરોઝ કટપીટીયા, વી એસ પટેલ, વિનોદ શાહ, વિનય ત્રિવેદી, રમેશ પંડયા, રાઘવ કનેરિયા વગેરે સામેલ હતાં. જેઓની પાસે તાલિમ લેનારા વિદ્યાર્થીઓમાંથી પણ અનેક લોકો શિક્ષક બન્યા.

આજે પણ ફાઈન આર્ટસ ફેકલ્ટીને એવા શિક્ષકો મળતા રહ્યા છે કે જેઓ અગાઉ અહીં વિદ્યાર્થી રહી ચૂક્યા હોય. આવા શિક્ષકોમાં સામેલ છે વાસુદેવન અક્કીથમ, બી વી સુરેશ, શશીધરન નાયર, વિજય બાગોડી, ઈન્દ્રપ્રમિત રોય, અકીલ અહમદ, માલતી ગાયકવાડ વગેરે. સુસજ્જ વિભાગો જેવા કે “પેઈન્ટીંગ્સ એન્ડ મ્યુરલ”, “સ્કલ્પચર એન્ડ સીરેમીક્સ”, “ગ્રાફિક્સ”, “એપ્લાઈડ આર્ટસ”, “મ્યુઝિયોલોજી” અને “આર્ટ હિસ્ટરી એન્ડ એસ્થેટીક્સ” તેમજ લાયબ્રેરી, આર્કાઈવ્ઝ, ઓડિટોરિયમ અને એક્ઝિબિશન ગેલેરી જેવી સહાયક માળખાકિય સુવિધાઓ ધરાવતી આ દેશની કદાચ પ્રથમ કલા સંસ્થા હશે જ્યાં ડોક્ટરેટ ડિગ્રી સુધીના અભ્યાસક્રમો ઓફર કરવામાં આવે છે.

ફેકલ્ટીમાં સૌથી વધુ જે કાર્યક્રમ માટે સૌ કોઈ તત્પર હોય છે એ છે ચાર દાયકાથી પરંપરાગત રીતે યોજાતો “ફાઈન આર્ટસ ફેર”. આ કલા મેળો અગાઉ દર વર્ષે યોજાતો હતો પરંતુ હવે દર ત્રણ વર્ષે તેનું આયોજન થાય છે. જેથી ચાર વર્ષનો કોર્સ કરનાર દરેક અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થી એક વખત આ મેળામાં સામેલ થઈ શકે. આ ફાઈન આર્ટસ ફેર ખરેખર તો પ્રો. કે જી સુબ્રહ્મણ્યન અને સાંખો ચૌધરીનું માનસ સંતાન છે.

આ મેળો યોજાય ત્યારે ફેકલ્ટી અનેક કલાત્મક વસ્તુઓ દ્વારા જાણે જીવંત બની જતી હોય છે. જેમાં સુંદર ડિઝાઈનવાળા લેમ્પ્સ ઉપરાંત ઉપયોગમાં લઈ શકાય એટલી ક્રાફ્ટ અને આર્ટની ચીજો અહીં વેચાણમાં મુકાય છે. જેમાં પેઈન્ટેડ ટેરોકોટાની તાવડીઓ અને ઈનેમલ ટાઈલ્સ, બાંબૂ વર્ક્સ, ગ્લાસ વર્ક, પ્રસિદ્ધ કલાકાર પિકાસોના ચિત્રોની ઝલક બતાવતા પ્રીન્ટેડ વૂડન કી હેંગર્સ/ચાઈમ્સ/કોસ્ટર્સ, વેજીટેબલ ડાય દ્વારા ચિત્રિત વસ્ત્રો અને કાપડ, હળવાં ટીનના પ્રાણીઓની પ્રતિકૃતિઓ, લાકડા અને ટેરોકોટાના બનેલા રમકડાં, ફંકી એરિંગ્સ, નેકલેસ, બ્રેસલેટ અને પેડન્ટસની સાથે મ્યુઝિયમમાં પ્રદર્શિત ચીજોનું પુનઃસર્જન, કાગળના લેમ્પ, સુતળી અને કાપડ અને ફેંકી દેવાયેલી સીડી, કેલેન્ડર્સ અને ગ્રીટીંગ્સ કાર્ડમાંથી બનાવાયેલા લેમ્પ્સ સામેલ હોય છે. આ સિવાય વિવિધ ચિત્રો, શિલ્પો, સીરેમિક અને ટેરાકોટાના વાસણો હોય છે. જેના કારણે સ્થાનિક સંગ્રહકારો અને શહેરની બહારના ગેલેરી માલિકોને પણ એક વખત ફેકલ્ટીના આ મેળામાં એક ચક્કર લગાવવાનું એક બહાનું મળી જાય છે.

આ આર્ટ સ્કૂલમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ભાગ્યે જ કોઈ વિદ્યાર્થી વડોદરા છોડીને જાય છે. અહીં ભણેલા વિદ્યાર્થીઓ તેમની માતૃસંસ્થાના સાંનિધ્યમાં રહી શકાય એટલા માટે શહેરના ફતેહગંજ, નિઝામપુરા જેવા વિસ્તારોમાં ઘર અને સ્ટુડિયો શોધતા રહે છે અને વિવિધ આર્ટ શો માટે મુંબઈ અને દિલ્હીની મુલાકાત લેતા હોય છે. “ઈન્ડિયા ટુડે”એ કરેલી એક ગણતરી મુજબ લગભગ 1600 જેટલા કલાકારો વડોદરા શહેરમાં રહીને કાર્યરત છે અને શહેરની ધબકતી કોસ્મોપોલિટન સંસ્કૃતિમાં પોતાનું યોગદાન આપે છે.

આવી અનેક બાબતો છે જેના કારણે કદાચ વડોદરાની ફેકલ્ટી ઓફ આર્ટ્સ ભારતમાં કલાના અભ્યાસ માટેની સૌથી મનપસંદ કોલેજ તરીકે સ્થાન પામી છે એટલું જ નહીં પણ જેના સ્થાપક ખુદ કલાગુરૂ રવીન્દ્રનાથ ટેગોર છે એવી શાતિનિકેતન સંસ્થા કે મુંબઈની 150 વર્ષ જુની જે જે કોલેજ ઓફ આર્ટ કરતાં પણ આ ફેકલ્ટી અગ્રેસર રહી છે.

ફાઈન આર્ટ્સ ફેકલ્ટી સંબંધિત વિશેષ ઘટનાઓ

ગાયકવાડ શાસકો દ્વારા સ્થાપિત “કલાવંત કારખાના” દ્વારા  ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટ્સ બનાવવામાં આવી હતી. જેમાં શરૂઆતમાં અનેક જાણીતી હસ્તીઓ જેવી કે દાદા સાહેબ ફાળકે, રવિશંકર રાવલ, સોમાલાલ શાહ અને એમ. કે. કોલ્હાપુર વગેરે અભ્યાસ કરી ચુક્યા છે.

1950માં ફેકલ્ટી સ્થપાયા પછી યુએસએના ફિલાડેલ્ફિયામાં આવેલા બાર્નેસ ફાઉન્ડેશનમાંથી માર્કન્ડ ભટ્ટને આમંત્રિત કરીને તેમને ફેકલ્ટીના પ્રથમ ડીન તરીકે નીમવામાં આવ્યા હતા.

1953માં મુંબઈની જહાંગીર આર્ટ ગેલેરીમાં ફેકલ્ટીના સ્ટાફ અને વિદ્યાર્થીઓના સર્જનોનું પ્રથમ પ્રદર્શન યોજાયું હતું.

1950ના દાયકામાં ફેકલ્ટીમાં જ ભણીને શિક્ષક બનેલા પ્રસિદ્ધ પ્રીન્ટર, પ્રીન્ટ મેકર અને ફોટોગ્રાફર જ્યોતિ ભટ્ટે સંસ્થાને એક અનોખું યોગદાન આપ્યું હતું. પારંપરિક ગુજરાતી ગરબામાં સંશોધન કરી તેઓએ ગરબાની એક આગવી પદ્ધતિ વિકસાવી અની સાથે જોશપૂર્ણ ગીત-સંગીત સાથે પેશ કરી હતી. આ પદ્ધતિ ગુજરાતમાં ફિલ્મી અસરથી પ્રભાવિત થયેલી ગરબા પદ્ધતિ કરતા સાચા અર્થમાં પરંપરાગત અણીશુદ્ધ સાબિત થઈ હતી. આ આગવી પદ્ધતિ જોવા દેશવિદેશથી લોકો આજે પણ નવરાત્રિના દિવસોમાં ફેકલ્ટીની મુલાકાત લે છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ ગરબાઓમાં આપણઆ કાન બધિર કરી દે એવી શક્યતા જ નથી હોતી કારણ એમાં માઈક અને એમ્પ્લીફાયરનો ઉપયોગ જ નથી થતો.

ફેકલ્ટીને ગૌરવ થાય એવા શિક્ષકો અને પ્રસિદ્ધ કલાકારોને ભારત સરકાર તરફથી રાષ્ટ્રીય બહુમાનથી આજ સુધી સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં 1969માં પ્રો. એન એસ બેન્દ્રે (પદ્મ શ્રી-1969 અને પદ્મ ભૂષણ-1992), 1970માં પ્રો. સાંખો ચૌધરી (પદ્મ શ્રી-1970), પ્રો. કે જી સુબ્રહ્મણ્યમ (પદ્મ શ્રી-1975 અને પદ્મ ભૂષણ-2010), પ્રો. જી એમ શેખ (પદ્મ શ્રી-1984), ભૂપેન ખખ્ખર (પદ્મ શ્રી -1984) અને એલ પી સિહારે (પદ્મ ભૂષણ-1987) સામેલ છે.

(સંધ્યાબહેનના સૌજન્યથી, ગ્લોબલ ગુજરાત ન્યુઝમાંથી સાભાર)

2 thoughts on “વડોદરાની ‘ફાઇન આટર્સ’ ફેકલ્ટી (સંધ્યા બોર્ડેવેકર ગજ્જર)

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s