મને હજી યાદ છે-૬૬ (બાબુ સુથાર)-ઇમિગ્રેશનની આંટીઘૂંટી


ઇમિગ્રેશનની આંટીઘૂંટી

ગ્રીન કાર્ડની અરજીના અસ્વીકારની વાત મેં દસેક દિવસ દબાવી રાખી. એ દરમિયાન હું મારા વકીલને પણ મળી આવ્યો. વકીલને પણ આશ્ચર્ય થયું. એના કહેવા પ્રમાણે મારો કેસ બોર્ડર લાઈન પર પણ ન હતો. મને ગ્રીન કાર્ડ મળવાની પૂરેપૂરી શક્યતાઓ હતી. પણ ઇમિગ્રેશન વિભાગે કહ્યું કે હું ‘સ્કોલર’ છું એવું પૂરવાર કરવામાં નિષ્ફળ ગયો છું. વકીલે મને કહ્યું કે આપણે આ ચુકાદાની સામે અપીલ કરીએ. પણ તમે ‘સ્કોલર’ હોવાના વધારાના પૂરાવા લઈ આવો.

 આ વધારાના પૂરાવા કયા પ્રકારના? મારાં કેટલાંક પ્રકાશનો હતાં. અંગ્રેજીમાં અને ગુજરાતીમાં પણ. પણ ઇમિગ્રેશન વિભાગ એ જાણવા માગતો હતો કે મારાં એ પ્રકાશનનોનો કોઈએ એકેડેમિક ઉપયોગ કર્યો છે ખરો? જો કર્યો હોય તો મારે એના પુરાવા રજુ કરવાના હતા. વકીલે મને એનાં citations લઈ આવવાનું કહ્યું. મેં થોડાંક citations તો અરજી સાથે મોકલેલાં પણ ઇમિગ્રેશન વિભાગને એ કદાચ અપૂરતાં લાગ્યાં હશે. ગુજરાતીમાં મેં જે કંઈ લખેલું એના ઉલ્લેખો ઘણા થયેલા. પણ અમેરિકામાં બેઠા બેઠા એ બધું ભેગું કરવાનું કામ મુશ્કેલ હતું.

મેં અમેરિકાની એક અગ્રગણ્ય યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ઉપાધિ પણ મેળવી હતી. પણ એ ઉપાધિએ પણ મને ખાસ મદદ ન કરી. ઇમિગ્રેશન વિભાગનો પ્રશ્ન એ હતો કે મેં જે સંશોધન કર્યું છે એનો બીજા કોઈ વિદ્વાનોએ ઉપયોગ કર્યો છે ખરો? દેખીતી રીતે જ, મેં પીએચ.ડી. મળ્યા પછીના છ મહિનામાં જ ગ્રીન કાર્ડ માટે અરજી કરેલી. એટલા ટૂંકા સમયમાં કોઈના શોધનિબંધનો કોઈ ઉપયોગ કરે એવું બહુ ઓછું બને. અને કોઈકે એવો ઉપયોગ કર્યો પણ હોય તો એ લખાણ પ્રગટ થાય અને citationsમાં મૂકાય એવું તો એટલા ટુંકા ગાળામાં ભાગ્યે જ બને. જો કે, સ્માર્ટ માણસો આ બધું સરળતાથી કરી શકતા હોય છે. એ લોકો શોધનિબંધ સ્વીકારાઈ જાય પછી તરત જ એમના શોધનિબંધને લાગતાવળતા અભ્યાસીઓને મોકલી આપતા હોય છે. જેમ કે, મારું સંશોધન agreement morphologyના ક્ષેત્રમાં છે તો મારે એ ક્ષેત્રમાં કામ કરતા બીજા વિદ્વાનોને મારો શોધનિબંધ મોકલવો જોઈએ. (પુરુષ, વચન અને લિંગની વ્યવસ્થાનો અભ્યાસ તે agreement morphology) આમેય એકેડેમિક વિશ્વ હવે ખૂબ બદલાઈ ગયું છે. તમે કંઈ પણ સંશોધન કરો, એમાં તમે કેટલા વિદ્વાનોના વિચારોનો વિનિયોગ કર્યો છે એ ખૂબ મહત્ત્વનું બની ગયું છે. પણ મેં અગાઉ એક પ્રકરણમાં કહ્યું છે એમ મેં મારો શોધનિબંધ કોઈને મોકલ્યો ન હતો. મને નાનપણથી જ એક માનસિક ‘રોગ’ થયેલો છે. મને કશુંક પ્રાપ્ત થાય પછી મને એમ લાગતું હોય છે કે મેં મારા શ્રમથી આ વસ્તુ પ્રાપ્ત કરી નથી. મને કોઈકે મારા પર ઉપકાર કરવા એ વસ્તુ આપી છે. મારી પીએચ.ડી.ની ડીગ્રીની બાબતમાં પણ મને એવી જ ગ્રંથી હતી. જો કે, મારા ત્રણેય સુપરવાઈઝર્સ એમના ક્ષેત્રના મોટા વિદ્વાનો હતા. એ કાંઈ ડીગ્રીની ખેરાત ન કરે. તો પણ આ ગ્રંથી સરળતાથી જાય એવી ન હતી.

આખરે મેં હિંમત કરીને મારા શોધનિબંધની એક નકલ બ્રિટનની University of Surreyના એક પ્રોફેસર ગ્રેવિલ કૉરબેટને મોકલી. મેં નક્કી કરેલું કે શોધનિબંધ મોકલવો તો કોઈક મોટા ગજાના વિદ્વાનને જ મોકલવો. કૉરબેટે વિવિધ ભાષાઓમાં આવતા પુરુષ, જાતિ, અને નંબર પર પાયાનું કામ કરેલું છે. એટલું જ નહીં, એમણે agreement morphology પર પણ પાયાનું કામ કર્યું છે. તદ્ઉપરાંત, એમણે એમની યુનિવર્સિટીમાં વિશ્વની અલગ અલગ ભાષાઓમાં agreement કઈ રીતે કામ કરે છે એનો એક વિસાળ પ્રોજેક્ટ પણ શરૂ કરેલો. એ પ્રોજેક્ટમાં ઘણા બધા માણસો કામ કરતા હતા. મેં એમને લખ્યું કે આ સાથે હું મારો શોધ નિબંધ મોકલું છું. આમાં મેં કોઈ ધાડ મારી નથી. પણ તમને વધારે નહીં તો ગુજરાતી ભાષાનો ડેટા ચોક્કસ કામ લાગશે. મેં મારા શોધનિબંધમાં પ્રો. કૉરબેટના બે કે ત્રણ સિદ્ધાન્તોને પડકારેલા પણ ખરા.

બીજા જ અઠવાડિયે એમનો મારા પણ એક ઇમેઈલ આવ્યો: બાબુ, તમારો શોધનિબંધ વાંચ્યો. જો આ શોધનિબંધ તમે મને વહેલો મોકલ્યો હોત તો આ જ વિષય પરનું મારું એક પુસ્તક કૅમ્બ્રિઝ યુનિવર્સિટી પ્રેસ પ્રગટ કરે છે એમાં હું એનો ઉપયોગ કરી શક્યો હોત. એ ઇમેઈલ વાંચીને પહેલી વાર મને લાગ્યું કે મેં ભલે બહુ મોટી ધાડ ન મારી હોય પણ કંઈક નાનકડું, નોંધપાત્ર કામ તો કર્યું જ છે. જો કે, કૉરબેટ કાંઈ તરત જ મારા શોધનિબંધનો એમના સંશોધનમાં ઉપયોગ કરવાના ન હતા. મને એની ખબર હતી. પણ મેં બીજી જ ગણતરી કરેલી. મને એમ કે જો આ વખતે ગ્રીન કાર્ડની અરજીનો સ્વીકાર ન થયો તો બીજી વાર હું અરજી કરું ત્યારે કદાચ કૉરબેટ મને કામ લાગે. કેમ કે એમના વિદ્યાર્થીઓ પણ, મેં કહ્યું છે એમ, મારી જેમ જ agreement પર સંશોધન કરી રહ્યા હતા. મને એક બીજી પણ લાલચ હતી. કૉરબેટ પાસેથી ભલામણ પત્ર મેળવવાની. ગ્રીન કાર્ડની અરજીમાં ઘણી વાર આવા મોટા ગજાના વિદ્વાનોના ભલામણ પત્રો ઉપયોગી બની જતા હોય છે.

ત્રીજું, ઇમિગ્રેશન વિભાગ એ પણ જાણવા માગતો હતો કે હું ‘સ્કોલર’ બન્યો પછી સમાજે મારી સ્કોલરશીપનો કોઈ ઉપયોગ કર્યો છે ખરો? આ મુદ્દો ખૂબ પેચીદો હતો. ૨૦૦૬માં લોર્ડ ભીખુ પારેખના ભાઈના ફાઉન્ડેશને મને ભારત વ્યાખ્યાનો આપવા માટે મોકલેલો. એના ઉપક્રમે મેં વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાં, ભાવનગરની ભાવનગર યુનિવર્સિટીમાં અને મુંબઈની એસ.એન.ડી.ટી. તથા મુંબઈ યુનિવર્સિટીમાં મેં એક એક અઠવાડિયાના કૅપસ્યુઅલ કોર્સિસ આપેલા. આ બધાં વ્યાખ્યાનો ગોઠવવામાં એમ. એસ. યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના ત્યારના અધ્યક્ષ જયેશ ભોગાયતાએ ખૂબ મહેનત કરેલી. જો એ ન હોત તો કદાચ એ વ્યાખ્યાનો શક્ય ન બનત. વકીલે ઇમિગ્રેશનને મારી અરજી મોકલી ત્યારે આ વાત ખાસ નોંધેલી પણ એમાં framing બરાબર ન હતું. એણે લખેલું કે મેં આ ત્રણ યુનિવર્સિટિઓમાં વ્યાખ્યાનો આપ્યાં છે. પણ એમ લખવાને બદલે જે ફાઉન્ડેશને મને ભારત મોકલેલો એ ફાઉન્ડેશનનું નામ લખીને એ ફાઉન્ડેશને મારી ‘સ્કોલરશીપ’નો ઉપયોગ કર્યો છે એમ કહેવું જોઈતું હતું. મેં વકીલને એ વિચાર આપ્યો. એને ગમી ગયેલો.

પણ, એટલું ય પૂરતું તો ન હતું જ. વકીલે મને કહ્યું કે તમે પીએચ.ડી. છો તો તમે કોઈ વિદ્યાર્થીઓના પીએચ.ડી. થીસીસ તપાસ્યા છે ખરા? જો તપાસ્યા હોય તો આ કોયડો ઉકલી જાય.

મને થયું કે આ કામ બહુ અઘરું નથી. લાવ, ભારતમાં ગુજરાતી વિભાગોના અધ્યક્ષો મારા મિત્રો છે. એમને પૂછવા દે જો એ લોકો મદદ કરી શકે તો. જો કે, એમાં પણ વાર તો લાગી જ જાય. એમણે પણ બોર્ડ ઓફ સ્ટડીઝમાં નામ મૂકાવું પડે, પછી એ નામ મંજુર કરાવવું પડે. વગેરે. પણ હું રાહ જોવા તૈયાર હતો. મને એમ હતું કે જો આ વખતની અપીલ પણ નિષ્ફળ જાય તો બીજી વખતે અરજી કરું ત્યારે આ ‘સેવા’ કામ લાગી જશે. પણ, કમનસીબે, એક પણ મિત્રએ મને મદદ ન કરી. મારા મિત્ર વાસુને આવો કોઈ પ્રશ્ન નડ્યો ન હતો. દક્ષિણ ભારતની ઘણી યુનિવર્સિટીઓમાં પીએચ.ડી.ના સંશોધનને તપાસનારાઓમાં એક પરદેશી હોવો જ જોઈએ એવો નિયમ છે. વાસુએ નહીં નહીં તો વીસેક પીએચડી શોધનિબંધો મૂલવેલા. એટલે એને ઇમિગ્રેશનમાં કોઈ મુશ્કેલી ન હતી પડી. એ ભાષાવિજ્ઞાન, તમિળ સાહિત્ય અને અંગ્રેજી સાહિત્ય એમ ત્રણેય વિષયના શોધનિબંધો તપાસતો. ગુજરાતમાં એવો કોઈ નિયમ નથી. જો કે, એની સામે છેડે વિદેશમાં વસતા કોઈ વિદ્વાનને આ કામ ન સોંપી શકાય એવો પણ કોઈ નિયમ ન હતો.

જ્યારે મને લાગ્યું કે કોઈ મિત્ર મને આમાં મદદ કરશે નહીં ત્યારે મેં એ માટે આગ્રહ કરવાનું છોડી દીધું. હું ચોક્કસ હતાશ થયેલો. મને થયેલું કે મારે સામેથી એમ કહેવું પડે કે હું તમને મારી જે કંઈ સમજશક્તિ છે એનો લાભ આપવા માગું છું એ જ મારા માટે એક શરમજનક ઘટના હતી. પણ, મારી પાસે કોઈ વિકલ્પો ન હતા. હું એક બાજુ સતત ભાષા, ફિલસૂફી અને સાહિત્ય એમ ત્રણેય ક્ષેત્રોમાં મારું જ્ઞાન વધારતો જતો હતો પણ એની બીજી બાજુ હું સતત વધારે ને વધારે લાચારી પણ અનુભવતો જતો હતો. એ લાચારીનાં મૂળ આપણી સમાજવ્યવસ્થામાં હતાં. આપણી શિક્ષણવ્યવસ્થામાં પણ હતાં. એ વ્યવસ્થાઓ બદલી શકાય એમ ન હતી.

 જો કે, મેં એ લાચારીનો કોઈ નકારાત્મક પ્રભાવ મારી મૈત્રી પર પડવા દીધો નથી. મેં કોઈને મૈત્રીના નામે બ્લેક મેઈલ પણ કર્યા નથી.

મારા વકીલે મને આ પ્રકારના વધારાના પુરાવા ભેગા કરવા માટે બે મહિના આપેલા. એ દરમિયાન મેં મારા દીકરાને કહ્યું કે આપણી ગ્રીન કાર્ડની અરજી સ્વીકારાઈ નથી. તો એ એક જ વાક્ય બોલેલો: હવે શું? આપણે પાછા જવાનું થશે? મેં ના પાડેલી. મેં કહેલું કે હજી આપણી પાસે ઘણા રસ્તા છે. ત્યાર પછીના બેચાર દિવસે મેં રેખાને આ વાત કરી. દેખીતી રીતે જ એ પણ આ સમાચાર સાંભળીને અસ્વસ્થ થઈ ગયેલી. મેં એને કહ્યું કે હું વકીલને મળી આવ્યો છું અને એણે વધારાના પુરાવા ભેગા કરવાનું કહ્યું છે. મેં એને બધ્ધી વાત કરી.

આખરે મેં મારાથી થાય એટલા પૂરાવા ભેગા કર્યા. એ દરમિયાન, મેં અને પ્રો. જ્યોર્જ કાર્ડોનાએ લખેલા ગુજરાતી ભાષા પરના એક પ્રકરણની ઘણી સમીક્ષાઓ આવી ગયેલી. એ મને કામ લાગી ગઈ. મારા એક બીજા મિત્ર અને યુનિવર્સિટી ઓફ મિનોસોટામાં ઇતિહાસના પ્રોફેસર તરીકે સેવાઓ આપી રહેલા અજય સ્કારિયાએ એમના ગાંધીજી પરનાં ઘણાં બધાં લખાણોમાં મારો અનેક વાર ઉલ્લેખ કર્યો હતો. એ ઉલ્લેખ પણ ઘણા કામ લાગી ગયા.  મેં અજય સાથેની એક ચર્ચામાં પશ્ચિમના ગાંધી સ્ટડીઝની એક પાયાની નબળાઈ બતાવેલી. એણે મારો નામોલ્લેખ કરીને એની ચર્ચા કરી છે. મેં કહેલું કે ગાંધીજીએ ‘મન’ શબ્દ ક્યારેક mind માટે વાપર્યો છે તો ક્યારેક desire પેદા કરતા એક અવયવ તરીકે. એમ હોવાથી ગાંધીજીની વાત કરતી વખતે એ બેની વચ્ચે ભેદ પાડવો જોઈએ. પશ્ચિમના વિદ્વાનો દરેક વખતે એનો mind અર્થ કરે છે જે બરાબર નથી.

એ વધારાના પુરાવા સાથે આખરે વકીલે ઇમિગ્રેશન વિભાગના નિર્ણયની સામે અપીલ કરી. આ બધું કામ ઘણું યાતનામય હતું. ખાસ કરીને આગનો ભોગ બનીને displaced થયા પછી. તો પણ કર્યું. હવે જ્યાં સુધી ઇમિગ્રેશનને લાગતુંવળગતું હતું ત્યાં સુધી મારે રાહ જોયા વિના કશું કરવાનું ન હતું. જો કે, વકીલે મને કહેલું કે Keep yourself ready for the worst. એણે મને ખાસ આશા આપી ન હતી.

હેતુ નિયમિત કૉલેજ જતો હતો. રેખા નિયમિત કામે જતી હતી. હું નિયમિત ભણાવવા જતો હતો. પણ, ઘર અને ઇમિગ્રેશનની ઘટનાઓને હેતુ એના અભ્યાસ પર બરાબર ધ્યાન આપી શકતો ન હતો. હું જોઈ શકતો હતો કે એનો અભ્યાસ કથળવા માંડ્યો છે. એ મારી કે રેખાની જેમ લડવૈયો ન હતો.

એમ કરતાં છ મહિના પૂરા થવા આવ્યા. અમારે હવે અમારા ‘નવા ઘરમાં’ પ્રવેશ કરવાનો હતો. હવે અમારું ઘર પહેલાંના કરતાં વધારે સારું થઈ ગયું હતું. મેં એક સાંજે જમતાં જમતાં રેખાને કહેલું. જો અહીં પણ ભારત જેવી પ્રથા હોત તો મેં આપણા ઘરનું નામ ‘અગ્નિકૃપા’ રાખ્યું હોત. રેખાની આંખમાં ઝળહળિયાં આવી ગયેલાં. એ કહેવા માગતી હતી કે છ મહિના ત્રાસ ભોગવ્યો એને તમે કઈ રીતે કૃપા કહી શકો?

3 thoughts on “મને હજી યાદ છે-૬૬ (બાબુ સુથાર)-ઇમિગ્રેશનની આંટીઘૂંટી

 1. ઇમિગ્રેશનની આંટીઘૂંટી કેટલીક અમે અનુભવેલી કેટલીક સ્નેહીઓએ અનુભવેલી તેમા થોડી વધુ જાણી/માણી . અમારા ‘નવા ઘરમાં’ પ્રવેશ કરવાનો હતો. યાદ આવ્યું गृह प्रवेश पर / मनोज श्रीवास्तव
  उम्र की बीहड़ सड़कों पर
  चलते-चलते
  थकने पर धीरज की लाठी
  थामे-थामे
  प्रतीक्षा की अनमोल पूंजी से
  कमाया अपने
  सपनों का घर उसने

  घर में अतिथि-प्रवेश का
  बरामदा नहीं
  कहीं सूर्य-नमस्कार का
  आँगन नहीं
  कपड़े सुखाने का
  बारजा नहीं
  शौचालय और गुशलखाना नहीं,
  यानी, शयनकक्ष में नहाना
  बैठक के उदार कोने में शौचना
  उससे सटे पथरीले गच पर
  खाना पकाना
  और वहीं पइयां बैठ
  मजे से जीमना

  उसने कोने-कोने
  मुआयना किया
  नाक-भौंह सिकोड़ी
  माथे पर बल दिया,
  सीलती दुछत्ती देखी
  जुबान पर च्च च्च चटकाया
  फिर, खुशामदी लहजे में
  पति को देखा, मुस्कराई,
  अंधी खिड़की टटोल
  फिसकारी मारी
  और नीची छत देख
  सिर बचाया, मुंह बिचकाया
  फिर, लमकुट बेटे को बुला,
  छत से उसके सिर की दूरी नापी,
  खैर, खुद को आश्वस्त पाया,
  न कोई अफसोस जताया
  न घर के, घर होने पर
  आंसू बहाया,
  उस पल अपने ‘उनको’
  खूब फुसलाया
  अपने बाजू में
  साधिकार बुलाया
  प्यार जताया

  पति पालतू कुत्ता बन
  दुम हिलाते आया उस दम
  उसका उत्साह नहीं हुआ कम,
  पीछे-पीछे पंडिज्जी आए
  आम्र पत्तियों के झालर भी लाए
  आसन लगाई, पूजा के सामान बिछाए
  हल्दी-चावल से अल्पना सजाई
  ताम्र कमंडल पर विधिवत दीपक जलाया
  धूप-दसांग सुलगाए, अगरबत्ती महकाई
  अग्निवेदी स्थापित की
  फिर, मन्त्र उच्चारे, श्लोक गाए
  शंख बजाए, जयघोष किए
  अर्थात धन-धान्य पूर्णता के
  सारे कर्मकांड किए…

  दम्पती पालथी मार बैठे रहे,
  श्रद्धावत हाथ बांधे,
  विनय की प्रतिमूर्ति बने,
  पंडिज्जी के रोबट-सरीखे
  कठपुतली बने रहे

  आरती घुमाए जाने के बाद
  प्रसाद-वितरण वितरण हुआ,
  मेहमानों ने भर-पेट खाना खाया
  दम्पती भी उनके आशीर्वचनों से अघाए

  पत्नी गृह-स्वामिनी बनी
  पड़ोस में उसकी धौंस जमी,
  प्रजाओं के नए चेहरों ने
  उसके मातहतों ने स्वीकार की,
  वह बुढ़ापे में फूलमती बनी
  मन में बरसों से अंकुरित
  घर का पौध
  आज सचमुच सिंचित हुआ
  पुष्पित और फलित हुआ.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s