વિયોગ (રાહુલ શુકલ)- અંતીમ


(ઉદ્યોગપતિ સાહિત્યકાર શ્રી રાહુલ શુકલએ પોતાના હ્રદયના ઉંડાણમાંથી નીકળેલી વાતો આંગણાંના વાંચકો સાથે Share કરી એ બદલ એમનો ખૂબ જ આભાર.-સંપાદક)

ચુમાલીસમું પ્રકરણ: મારી ભૂલ

નવેમ્બર ૪, ૨૦૧૪: સ્વપ્નમાં હું અને મીનુ વઢવાણ ધોળીપોળનાં ઘરનાં ફળિયામાં જમવા બેઠાં હતાં અને સુશીબેન મારી થાળીમાં ગરમ રોટલી પીરસતાં હતાં.

અમે જાણે તે દિવસે જ, દસ દિવસ ક્યાંક બહારગામ રહીને પાછાં આવ્યાં હતાં.

મને જમતાં જમતાં યાદ આવ્યું કે અમે દસ દિવસ અગાઉ જયારે બહારગામ જવા નીકળ્યાં ત્યારે ભાઈની તબિયત સારી નહોતી. મને જમતાં જમતાં થયું કે ભાઈની તબિયતના સમાચાર સુશીબેનને પૂછું. પણ થયું કદાચ ચિંતા થાય એવા સમાચાર હોય તો જમવાનું પતી જાય પછી જ પૂછું. પણ મારાથી રહેવાયું નહીં, અને મેં કહ્યું ‘સુશીબેન, ભાઈ કેમ નથી દેખાતા?’

સુશીબેન કહે, ‘ભૈલા, તમે લોકો નીકળ્યાં એ પછીના  દિવસે જ તારા ભાઈ તો ગુજરી ગયાં.’ ને મને જમતાં જમતાં મારા પર ખૂબ ગુસ્સો આવી ગયો. મને થયું, અમને ખબર હતી કે ભાઈની તબિયત સારી નથી, તો ય અમારે બહારગામ ગયાં વગર ન રહેવાયું.

અને સ્વપ્ન પૂરું.

મહિના પહેલાં લંડન હતો ત્યારે પણ આજ પ્રકારનું સ્વપ્ન આવ્યું હતું જેમાં થઈ ગયેલી ભૂલ અંગે દિલનો ભાર આડકતરી રીતે વ્યક્ત થતો હતો.

ઓક્ટોબર ૧૩, ૨૦૧૪નાં એ સ્વપ્નમાં હું કોઈ અજાણ્યા મોટા ઘરમાં હતો. ભાઈને તે ઘરમાં સ્ટ્રેચરમાં લાવ્યા હતા. અમને સૌને જાણે ખબર હતી ભાઈ બચી શકે તેમ નથી. એમને હોસ્પિટલમાં લઈ જવાની વાત ચાલતી હતી. ભાઈનો અવાજ જતો રહ્યો હતો અને બોલી શકતા નહોતા. અમને સૌને જાણે ખબર હતી હોસ્પિટલમાં લઈ જશે પછી તરત જ જીવ નહીં રહે. હું કઠણ મન કરીને ઘરની બહાર નીકળી ગયો.

હું રસ્તા પર ઊભો હતો અને ત્યાં જોયું તો એક એમ્બ્યુલંસ ત્યાંથી પસાર થઈ ગઈ, અને કોઈકને હોસ્પિટલ લઈ જતા હતા.

પછી બીજા દિવસે હું ઊભો ઊભો મીનુ પાસે ખૂબ રડતો હતો. મેં કહ્યું ‘મીનુ, મેં ભાઈને ‘આવજો’ પણ ન કહ્યું. એમની એમ્બ્યુલંસ પસાર થઈ ત્યારે એમણે મને અહીં રસ્તામાં ઊભેલો જોયો હશે. અને તેમને મળવાનું ખૂબ મન હશે. પણ તેમનો તો અવાજ જતો રહ્યો હતો. આથી એમ્બ્યુલંસવાળાને કહી પણ નહિ શક્યા હોય કે એક મિનિટ ઊભી રાખો, મારે રાહુલને મળી લેવું છે!’ અને હું રડતાં રડતાં મીનુને પૂછતો હતો કે ‘મેં આવી ભૂલ કેમ કરી, અને રસ્તા પર જ ઊભો હતો તો ય કેમ એમને ‘આવજો’ ન કહ્યું!’

અને સ્વપ્ન પૂરું.

આ બંને સ્વપ્નમાં મને દુઃખ હતું કે ભાઈની તબિયત અંગે હું સમજપૂર્વક વર્ત્યો નહોતો.

અને તે વાત સાચી જ છે. ૨૦૧૨નાં જુલાઈમાં સુશીબેનના અવસાન પછી હું સુરેન્દ્રનગર લાંબુ રોકાઈ શક્યો હોત. ભાઈની એકલતાનો સહારો બની શક્યો હોત. મારે કંપનીમાં કોઈ બોસ નહોતો. ધારું એટલી રજા લઈ શકું તેમ હતો. પણ મારામાં મૂર્ખામીની પરાકાષ્ટા આવી ગઈ. ભાઈ, તમને કાંઈ થઈ જઈ શકે તેવો મને મૂર્ખને  વિચાર જ ન આવ્યો. અને નિર્દયતાથી હું ભારત છોડી અમેરિકા, તમને એકલા મૂકીને આવતો રહ્યો.

Bhai, I am so sorry!

પિસ્તાળીસમું પ્રકરણ: છેલ્લું પ્રકરણ: સંબંધનો અંત

ડિસેમ્બર ૪, ૨૦૧૪: છેલ્લાં સાત દિવસથી ફરીથી ટેમ્પા એકલો આવ્યો છું. એક મોટું મકાન દરિયાના કિનારા પર ભાડે લીધું છે. બેઠો બેઠો લખું છું તે રૂમનાં કાચનાં બારણાંની બહાર માત્ર ચાલીશ ફૂટ દૂર દરિયો દેખાય છે. આજની તારીખે મારે  લખવાનાં હતાં એ બધાં પ્રકરણો લખાઈ ગયાં છે.

રોજ સવારે ઊઠીને  નાહી ધોઈને  હું  લખવા બેસી જતો. મારે આ પુસ્તક પૂરું કરવાની એક કઠિન સાધના હતી, અને આજના દિવસ સુધીમાં બધાં પ્રકરણો લખી નાખવાનાં હતાં.

હું સાથે કોમ્પ્યુટર, સ્કેનર, સારી મ્યુઝિક સિસ્ટમ, ભાઈ અને સુશીબેનનાં ફોટા, અગરબત્તી, બે સારી  પેન, પેનની શાહીનાં વીસ કાટ્રીજ અને એવી તો  કેટલીય તૈયારી કરીને આવ્યો છું.

રોજ રાત્રે લખેલાં પ્રકરણ કલાઉડ સ્ટોરેજમાં સ્કેન કરીને અપ-લોડ કરી દઉં છું, ભારતમાં મારી કંપનીનાં કાઝૂમી પરીખ, પઠાણ અને છાયા લખેલાં પાનાંને ચીવટથી ગુજરાતી ફોન્ટમાં ટાઈપ કરે છે. ન્યૂ જર્સીથી નીકળ્યો ત્યારે નક્કી જ હતું કે ડિસેમ્બરની ચોથી તારીખે બધાં પ્રકરણો લખાઈ જવાં જોઈએ. આજે બપોરે એક વાગ્યે  જે જે પ્રકરણ લખવા ધાર્યાં હતાં, જેટલી નોંધ લખેલી હતી, જેટલાં સ્વપ્નોની વિગત લખી લીધી હતી તે બધાં પ્રકરણો લખાઈ ગયાં.

આટલા દિવસો રોજ આખો દિવસ પ્રેમ જોશુવા અને કરુણેશના  આલ્બમનું સંગીત પાછળ વાગતું હોય અને મેં પેનમાંથી આ કરુણ પ્રકરણો કાગળ પર ઉતાર્યાં છે.

આજે આ છેલ્લું પ્રકરણ લખવા બેસતો હતો ત્યારે મનમાં ખૂબ ગ્લાનિ અને મૂંઝવણ, કે શું લખીશ છેલ્લાં પ્રકરણમાં? વાર્તા લખતો હોત તો છેલ્લા પ્રકરણમાં કાંઈક ચોટ લાવી શકાત કે સામેના દરિયાની રેતીમાં સાંજે ચાલવા જાઉં અને ભગવાનની જાદુઈ શીશી મળે. એને ઘસું ત્યાં અંદરથી કોઈ ઓલિયો ધુમાડા નીકળવાની સાથે આવે અને કહે ‘ત્રણ વરદાન આપું છું. જોઈએ તે માગ.’ અને હું કહું ‘ત્રણ વરદાનની જરૂર નથી. બે જ જોઈએ છે. બે ગયેલાં સ્વજનને પાછાં મોકલી દો.’

પણ આ પુસ્તકના છેલ્લા પ્રકરણમાં કોઈ અચરજવાળો બનાવ બની શકે તેમ નથી. પુસ્તકના વાચકે આ આટલાં પ્રકરણો સુધી મારાં દુઃખને પોતાનું દુઃખ બનાવીને આટલાં બધાં પાનાંઓનાં એકનાં એક રોદણાં વાંચ્યાં કર્યાં. હવે વાચક છેલ્લાં પ્રકરણે આવ્યો છે, અને એ મનમાં વિચારે છે કે ‘હવે શું? આ વાતનો અંત શો છે?’

અને મારી પાસે કોઈ ચમત્કૃતિ નથી કે હું આ પુસ્તકનો સંતોષકારક અંત લાવી શકું.

તેમ છતાંય હું છેલ્લું પ્રકરણ લખવા બેઠો છું. બેસતાં પહેલાં બહુ વિચાર કર્યો કે ‘છેલ્લું પ્રકરણ છે, પાછળ કયું સંગીત વગાડું?’ તો પ્રેમ જોશુવાના સંગીતને બદલે ગુલામ મુસ્તફાખાનના રાગ દીપકનું શાસ્ત્રીય ગીત ‘દીપક કી જ્યોત જાગે.’ મૂક્યું. પછી થયું, ‘કેમ? આ આટલા દિવસો કરતાં કેમ આજે જૂદું સંગીત?’

પછી ખૂબ વિચાર કરી જોયો. તો યાદ આવ્યું,  મોટાબેન રેખાબેનના રિટાયરમેંટ વખતે મેં અને મીનુએ સુંદર સ્લાઈડ શો કર્યો હતો. અને જાત જાતનાં સંગીતનાં ટ્રેક મૂક્યા હતા, એમાં જયારે માતા-પિતાનો  વિભાગ આવ્યો અને મીનુએ ત્યાં ભાઈનો ફોટો મૂક્યો ત્યારે મેં પાછળ બેકગ્રાઉંડમાં ગુલામ મુસ્તફાખાનના દીપક રાગની આ ઝલક રાખી હતી. ભાઈને અને સુશીબેનને એ સ્લાઈડ શો ખૂબ જ ગમ્યો હતો. ભાઈએ મને કહ્યું, ‘તારું સંગીતનું સિલેક્શન તો અદભુત છે!’ મેં કહ્યું, ‘તમારા ફોટા વખતે પાછળ દીપક રાગની ઝલક કેમ લાગી?’ ભાઈ કહે ‘એ તો ખૂબ અદભુત.’

મને એ વાત આજે જયારે દીપક રાગનું સંગીત મૂકતો હતો ત્યારે યાદ નહોતી, પણ પછી એ સંગીત કેમ મૂક્યું તે આ લખતાં લખતાં વિચારતો હતો ત્યારે એ  વાત યાદ આવી.

કેમકે મારાં આંતર-મનને  ખબર હશે કે ભાઈ સાથે આ દિવસોમાં મનનું જે સાતત્ય સધાયું હતું તે આ આજના છેલ્લા પ્રકરણ પછી ક્યારેય ફરીથી આવી એકાગ્રતાથી નહીં બને. તો આજે  તો અમારા મિલનની છેલ્લી ઘડીઓ છે, આથી ભાઈને પ્રફુલ્લિત કરે તેવું સંગીત જ વગાડવું જોઈએ.

સુશીબેન ગુજરી ગયાં પછી મેં પુસ્તક લખવા અંગે નોંધપોથીમાં નોંધ લખવાની શરુ કરી દીધી હતી. ખૂબ દુઃખદ સંવેદનો હતાં. મારે બહુ વિગતથી એમના અવસાન અંગે લખવું હતું અને નોંધ લખતાં હું વિચારતો, ભાઈ આ પુસ્તક કેમ કરીને વાંચી શકશે?

ભાઈને મળવા સુરેન્દ્રનગર જવાનો કાર્યક્રમ કરવાનું વિચારું તો થાય, સુશીબેનનું પુસ્તક પહેલાં પૂરું થઈ જવું જોઈએ. ખબર નહીં કેમ મનમાં એક એવી સમજણ કે એકવાર સુશીબેન વગરનાં ભારતનો અનુભવ કરી લઈશ પછી એમનાં અંગે આ લેખો નહીં લખી શકું.

પણ ૨૦૧૩નાં એપ્રિલમાં અચાનક ભાઈની તબિયત કથળી અને અમારે દોડવું પડ્યું. પાછા આવ્યાં તે પછી મન આઘાતથી જડ થઈ ગયું. હજુ એક ઘા ચૂ’તો હતો અને એનાં પર આ બીજો ઘા થયો.

મહિનાઓ સુધી મારા મનની સ્થિતિ બહુ નાજૂક રહી. ક્યારેક તો સહુને મારી ખૂબ ચિંતા થઈ જતી.

પછી મેં ભાઈ અંગે નોંધ લખવાની શરુ કરી. મને થયું, મનમાં આટલો બધો સંતાપ છે તો એ સંતાપને સાહિત્યરૂપે રજૂ કરવાની મારી ફરજ છે.

તલત મહેમૂદનું ગીત હતું, ‘હૈ સબસે મધુર વો ગીત જિન્હે હમ દર્દ કે સૂર મેં ગાતે હૈ.’

તો મારે મારાં આ દર્દને એક યા બીજી રીતે મધુરપમાં ફેરવવાનું હતું.

પણ મારો આ પ્રોજેક્ટ પતતો જ નહોતો. એ દરમ્યાન હું બધાંને કહેતો કે મારાં માતા-પિતા પર હું પુસ્તક લખું છું.

ભાઈને કેવી રીતે સ્મશાને લઈ ગયાં, સુશીબેનનાં બેસણા વખતે કયા કયા લોકો આવ્યા હતા, સુશીબેનને ક્રિષ્નામાંથી કેવી ઉદાસીથી પાછાં લાવ્યાં હતાં. આ બધાં બનાવો હું મનમાં વાગોળ્યા કરતો.

જયારે કોઈ સલાહ આપે કે ‘તમારે હવે એ બધું ભૂલી જવાની કોશિશ કરવાની  અને અત્યારની જિંદગીમાં પરોવાઈ જવાનું,’ તો મારાં મનમાં તો બહાનું તૈયાર હતું, કે ‘પણ મારે હજુ પુસ્તક નથી લખાયું તેનું શું!’

તો ભાઈ અને સુશીબેન, મને આમ મનમાં ઊંડે ઊંડે એ ખબર હતી કે આ પુસ્તક ન લખું ત્યાં સુધી તમારી બધી વાતો મનમાં સાચવી રાખવાનું મારા માટે લાયસંસ હતું.

પણ હવે મેં લખવાનાં હતાં તે બધાં પ્રકરણો લખી નાખ્યાં છે. આ પુસ્તક લખવાને કારણે તમારી યાદોનાં સાનિધ્યમાં ખૂબ રહ્યો, પણ હવે એ બધી યાદોને જકડી રાખવાનું બહાનું ચાલ્યું ગયું છે.

સુશીબેન, હું હોસ્ટેલે જવા નીકળતો ત્યારે તમે આવતા મહિનાના પૈસા આપતા. તમારી ટૂંકી આવકનો કેવડો મોટો હિસ્સો હું હોસ્ટેલનાં ખર્ચમાં વાપરી નાખતો, તો ય તમે કે ભાઈએ કોઈવાર મને કહ્યું નહોતું કે ‘અમારી ત્રણસો રૂપિયાની આવકમાંથી તને એંશી રૂપિયા દર મહિને આપી દઈએ છીએ.’

તમે આવનારા મહિના માટેના પૈસા આપો પછી પાંચ રૂપિયા વધારે આપતા. અને કહેતાં, ‘લે આ તારે ફિલ્મ જોવા માટે. તારા ભાઈને ના કહેતો.’

૨૦૧૦માં હું ભારત આવ્યો અને મને કીડની સ્ટોનનું દર્દ થતું હતું. હું પાટ પર સૂતો હતો. કેટલાય લોકો ભેગા થઈ ગયાં હતાં. તમે બેસીને મારું માથું દાબી દેતા હતા. મને તમારી ૯૦ વર્ષની ઉમ્મરનો પૂરો ખ્યાલ હતો. મેં કીધું, ‘અહીં બીજા ઘણા છે, તમે શા માટે માથું દાબી દો છો?’

તો તમે પ્રેમથી પૂછ્યું, ‘હા ઘણા છે પણ તેમાં તારી બા કોણ છે?’

મેં કહ્યું, ‘તમે’

‘તો પછી હું જ દાબી દઉંને!’

૨૦૧૧નાં નવેમ્બરમાં હું ભારત એકલો આવ્યો ત્યારે બપોર થાય ને તમારો કંપનીમાં ફોન આવે. ‘ચાલો ભૈલા, બહુ મોડું થઈ ગયું.’ હું આવું એટલે ગરમ રોટલી તમે કરી દેતા.

મારે આ કાંઈ ભૂલવું નહોતું, અને આથી આ પુસ્તક લખવામાં આળાગાળા કરતો હતો.

ભાઈ, મારે ગુજરાત કોલેજમાં જવું હોય તો તમે હિમ્મતદાદાને કહી વાય.જી.નાયકને ફોન કરી  એડમિશનનું  કરી દેતા.

ડિપ્લોમા પછી એલ.ડી. એન્જિનિયરીંગમાં ગયો તે પછી એક મહિને પ્રિન્સિપાલ કે.ટી.પરીખે કોઈ એડમિનિસ્ટ્રેટીવ કારણસર મારું અને એક કનુભાઈ આચાર્યનું એડમિશન રદ કર્યું. તે કનુભાઈ પછી તો ખાસ મિત્ર થયા, પણ તે દિવસે પ્રિન્સીપાલની  ઓફીસ બહાર મળ્યા તો કહે ‘હોસ્ટેલ ખાલી કરીને થાન પાછો જઉં છું.’ મેં કહ્યું ‘બે દિવસ રોકાઈ જાવ. મેં મારાં ફાધરને તાર કર્યો છે’ કનુભાઈ કહે, ‘તમારા ફાધર ગુજરાત યુનિવર્સિટીનાં નિયમો ઓછા જ બદલી શકવાના છે?’

પણ ભાઈ તમે બીજા જ દિવસે અમદાવાદ આવી ગયા, મને લઈને ઉમાશંકર જોશી પાસે ગયા, અને તમે ખરેખર ગુજરાત યુનિવર્સિટીના નિયમો બદલાવ્યે છૂટકો કર્યો.

આવી તો બીજી હજારો વાતો મારે મનમાં જીવતી રાખવી હતી.

પણ હવે પુસ્તકનાં બધાં જ પ્રકરણો લખાઈ ગયાં છે,

અને આજે ૨૦૧૪નાં ડિસેમ્બરની ચોથી તારીખે ભાઈ, હું તમને અને સુશીબેનને મૃત્યુ પામવાની પરવાનગી આપું છું.

મારું મન તમારા શોકનાં આઘાતથી એવું તો આળું થઈ ગયું છે કે મને ખબર જ નહોતી કે આટલું બધું દુઃખ કોઈ અનુભવી શકે.

મને ક્યારેક ખૂબ મૂર્ખ વિચારો આવે અને ખૂબ guilty feeling થાય કે મેં આખી જિંદગી તમારી સગવડ અને સવલતની ચિંતા કરી, કેટલાં ઓશીકાં તમારા પગ નીચે મૂકીએ તો તમને દર્દ ઓછું થાય, કેવી વ્હીલચેર લઈ આવીએ કે તમને બાથરૂમમાં લઈ જતાં ફાવે, પણ જયારે તમારું અવસાન થયું ત્યારે મેં કોઈ ફાઈટ ન કરી. નાનામાં નાની વાતમાં આખી દુનિયા જોડે લડાઈ કરવામાં હું પાછો નથી પડતો. પણ સ્ટર્લિંગ હોસ્પિટલમાં ડૉકટરે કહ્યું કે ‘તમારું અવસાન થયું છે’, તો ત્યારે મેં કોઈ ફાઈટ ન કરી તેનો મને બહુ વસવસો છે. ભાઈ તમે મૃત્યુ પામી રહ્યા હતા અને તમારો હોંશિયાર ગણાતો દીકરો માત્ર જોતો જ રહ્યો. એમ ન કહ્યું ‘કોઈ વધુ હોંશિયાર ડૉક્ટરને અત્યારે ને અત્યારે બોલાવો, કે ઇલેક્ટ્રિક શોક આપીને ફરી હૃદય ચાલુ કરો’ મેં તો સ્વીકારી જ લીધું કે હવે તમે ચાલ્યા ગયા છો.

અને બીજા દિવસે સ્મશાને લઈ જઈ તમારા શરીરની રાખ કરી દીધી.

ભગવાનના કાયદાઓ પાસે મેં આટલી બધી લાચારી દેખાડી! કે નાની નાની વાતમાં તો ધાર્યું કરવા આખી દુનિયા સામે લડી લઈએ અને આ આવડી મોટી વાતમાં મોઢામાં તરણું લઈને શરણાગતિ સ્વીકારી લીધી.

જે શરીર દુઃખતું હોય તેના હાથપગ દાબી દેતા હોઈએ તે હાથની ઉપર અને નીચે એક સળગતું લાકડું રાખવામાં મેં સહકાર આપ્યો. મેં એમ ન કહ્યું કે હજુ કંઈ પ્રયાસ કરી જોઈએ. મેં તો સ્વીકારી લીધું કે મૃત્યુ પાસે આપણે સૌ લાચાર છીએ. મને મારી એ કાયરતા માટે મને ખૂબ વસવસો છે, અને ખૂબ guilty feelings છે.

આ સૃષ્ટિ(યુનિવર્સ)ના  નિયમો કોણે બનાવ્યા છે તેની કોઈને ય ખબર નથી. સૃષ્ટિના બનતા પહેલાં સૃષ્ટિના નિયમ બનાવનાર પણ કેવી રીતે હોઈ શકે તે સવાલ છે.

પણ આ પૃથ્વી અને આ વિશાળ બ્રહ્માંડની દરેકે દરેક ચીજ વચ્ચે અગર કોઈ પણ સબંધ હોય તો તે કોસ્મિક, બ્રહ્માંડનો બનાવેલો સબંધ છે.

સૂર્યમાંથી પૃથ્વી થઈ, પૃથ્વીમાંથી ચાંદો. પૃથ્વી સૂર્ય ફરતી ફરે છે, ચાંદો પૃથ્વી ફરતો. ગુરુત્વાકર્ષણના નિયમો મુજબ આ બધા સૃષ્ટિના સંબંધો સચવાઈ રહે છે. પણ સૂર્ય જ જતો રહે તો સૂર્ય અને પૃથ્વીના સૃષ્ટિએ બાંધેલા સબંધનો અંત આવી જાય છે.

ભાઈ અને સુશીબેન, તમારા વગર હવે આ સમગ્ર સૃષ્ટિ બદલાઈ ગયેલી લાગે છે, અને મારાં પરિભ્રમણની કક્ષા સાવ બદલાઈ ગઈ છે.

મેં આ બે વર્ષથી  પુસ્તક લખવાનાં બહાને, કે એક યા બીજા બહાને જાણે તમારા અવસાનને સ્વીકાર્યું નહોતું.

આજે ૨૦૧૪ની ચોથી ડિસેમ્બરે, ટેમ્પાનાં આ એકલવાયા ઘરમાં દરિયા સામે બેસીને આ લેખનો અંત લખતાં હું સ્વીકારું છું કે આપણો સંબંધ, જે સૃષ્ટિએ બાંધ્યો હતો, એ સંબંધનો  આજે અંત આવ્યો છે.

તમે હવે અનંતમાં લીન થઈ ગયાં છો, અને આજથી હું સ્વીકારું છું કે તમે હવે નથી.

ભાઈને શ્રધ્ધાંજલિ

મે ૪, ૨૦૧૩, સુરેન્દ્રનગર: મારાં પિતા ભાનુભાઈ, જેમને માત્ર હું જ નહિ પણ સહુ કોઈ ‘ભાઈ’ કહીને બોલાવતા હતા એમના અંગે બોલવાનો કરુણ દિવસ આવ્યો છે, એ મને જરાય ગમતું નથી.

ભાઈ એક અજોડ અને વિભિન્ન વ્યક્તિ હતા -‘એ યુનિક મેન’. અંગ્રેજીમાં કહેવત છે ‘He marches to a different drummer.’ કે જયારે મિલીટરી માર્ચ કરતી હોય ત્યારે પાછળ વાગતા ડ્રમના  અવાજ સાથે તાલબદ્ધ દરેક સૈનિકનાં પગલાં પડતાં હોય. પણ ક્યારેક ક્યારેક દુનિયામાં એવી વિરલ વ્યક્તિ નીકળી આવે છે જેને પાછળ વાગતા ડ્રમનો તાલ બીજા સૌ કરતાં જુદો જ સંભળાય. આવી વ્યક્તિ બીજા બધાં સાથે કદમ મિલાવવાને બદલે પોતાની આગવી ભાતથી ચાલે છે.

ભાઈ એક એવી વ્યક્તિ હતા  અને આખી જિંદગી એમને જે સંભળાતું હતું એ સંગીત મુજબની તેમણે કદમ કૂચ કરી.

ભાઈ ક્યારેક કહેતા  કે ‘મને દુનિયામાં કોઈ સમજી નથી શકતું. એક રાહુલ મને સહુથી વધુ સમજી શકે છે.’

મને એ વાક્ય સાંભળ્યાનો ગર્વ મારા  છેલ્લા શ્વાસ સુધી રહેશે.

આજે આ હું બોલું છું, પણ મનમાં જેને ખુશ કરવાની કાયમ હોંશ હતી, જે કહે કે ‘રાહુલ તું સરસ બોલ્યો’ તો સાંભળી મારી છાતી ફૂલતી એ વ્યક્તિ તો મારા  આ શબ્દો સંભાળવાની નથી. અને આથી આ બોલું છું તે બોલવાનો મારામાં કોઈ ઉત્સાહ નથી.

પણ આ દુઃખમાં પણ મારે એ યાદ રાખવાનું છે કે હું કેટલો નસીબદાર છું. અમેરિકાનાં અમે બે ભાઈ અને બહેન અવારનવાર ભારત આવીને એમની સાથે રહ્યાં. છેલ્લાં પાંચ વર્ષમાં તો હું અને મીનુ વર્ષે બે વાર આવી જતાં, વર્ષે ત્રણ મહિના ભાઈ સાથે અને સુશીબેન સાથે રહેવા મળ્યું.

રોજ રાત્રે હું ભાઈ સાથે જાત જાતની ચર્ચા કરતો. બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થઈ, મૃત્યુ પછી આત્માનું શું થતું હશે, પ્રેમ એટલે શું, કે ધર્મમાં માનવાની શી જરૂર.

હું જયારે એમનાં વિધાનોનો વિરોધ કરું તો એમની આંખોમાં ચમક આવી જતી. સૂતા હોય તો બેઠા થઈ જાય. કેટલી બધી દલીલો કરી મારા મંતવ્યને ખોટું સાબિત કરી દે. અમારી આ રોજિન્દી દલીલબાજીમાં અમે એકબીજાની મજાક પણ ખૂબ ઉડાડતા અને ખૂબ હસતા.

 હમણાંથી મારાં બાના જવા પછી ભાઈ બહુ ડિપ્રેશનમાં રહેતા. મને  દર બીજા દિવસે ફોન કરતા. ક્યારેક બહુ ઢીલા થઈ જાય અને અવાજમાં બહુ નિર્બળતા લાગે ત્યારે હું જાણીજોઈને વિવાદ થાય તેવું વિધાન કરતો, અને ‘તારી વાત ખોટી છે’ એમ કહે ત્યાં એમનાં અવાજમાં તાકાત આવી જતી.

હવે હું જયારે વિચારું છું કે એમની દલીલો, એમનું wisdom, એમની વિદ્વતા અને એમનો અવાજ કાયમ માટે આ પૃથ્વી પરથી ભૂંસાઈ ગયો છે, તો મનમાં જીવન અંગે એક કડવી ને ઘેરી મૂંઝવણ થઈ જાય છે.

ભાઈના જીવનના  બે ત્રણ પ્રસંગો કહીને મારી વાત પૂરી કરી દઈશ.

હું જયારે સાત વર્ષનો હતો, અમે વઢવાણ ધોળીપોળ રહેતાં હતાં ત્યારે દિવાળી આવે ત્યારે ભાઈ વિકાસ-વિદ્યાલયની ચાર અછૂત દીકરીઓને અમારે ત્યાં દિવાળી કરવા લઈ આવતા. શેરીમાં તો હાહાકાર થઈ જતો મારા મિત્રો મને અડતા નહિ. કહે તારે ત્યાં અછૂત  લોકો રહે છે, તને અડીએ તો અમારે નાહવું પડે. એ વર્ષે તો મને ભાઈ પર ગુસ્સો ચડ્યો હતો, પણ મારી ઉંમરનાં બાળકો સાથે એટલી મજા પડતી કે પછીના વર્ષથી હું દિવાળીની રાહ જોતો થઈ ગયો હતો. અને એ નાજુક ઉંમરે ભાઈએ મને શીખવ્યું કે નાત, જાત કે ધર્મનું કાંઈ મહત્વ નથી પણ કોનામાં કેટલી માણસાઈ છે તેની સાચી કિંમત છે.

હું નવ વર્ષનો હતો ત્યારે અમે દક્ષિણ-ભારતના પ્રવાસે ગયાં હતાં. રામેશ્વરમના વિખ્યાત મંદિરે અમારું ગ્રુપ પહોંચ્યું. પૂજારીએ કહ્યું કે ભગવાનનાં દર્શને જતાં પહેલાં પુરુષોએ શર્ટ કાઢીને જવાનું. અમારા ગ્રુપના સહુ પુરુષો શર્ટ ઉતારવા લાગ્યા. ભાઈ પૂજારીને કહે ‘શર્ટ પહેરીને જવા દો, નહિતર નથી જવું’ અને ભાઈ અંદર ન આવ્યા અને બહાર ઓટલે બેસી રહ્યા. મારા મનમાંથી એ ચિત્ર ક્યારેય ખસશે નહિ. જયારે સિદ્ધાંતની વાત આવે ત્યારે ભાઈ ભગવાન જોડે પણ બાંધછોડ કરવા તૈયાર નહોતા.

એમનામાં નિર્બળ માટે અખૂટ અનુકંપા હતી. તેનો એક જુદા જ પ્રકારનો દાખલો એક અંગત વાત કરીને કહું..

૧૯૬૨માં હાઈસ્કૂલ પાસ કરીને  હું અમદાવાદ ભણવા ગયો; અને હોસ્ટેલમાં રહેતો  હતો. પહેલું વર્ષ ઘર બહાર હતું. મારાં ચંચળ મનથી એ આઝાદીનો દુરુપયોગ પણ થઈ જતો. તો એકવાર થયું સિગરેટ પીવાની કેવી મજા આવતી હશે? ચાર આનાની એશ ટ્રે અને આઠ આનાનું એક પેકેટ લઈ આવ્યો. બે સિગરેટ પી જોઈ. પણ કાંઈ મજા ન આવી.

બે દિવસ પછી ભાઈ અમદાવાદ આવેલા અને મને હોસ્ટેલે મળવા આવ્યા. એ સામે ખુરશી પર બેઠા  હતા, હું મારા ખાટલા પર. ભણવા અંગે વાત ચાલતી હતી અને અચાનક ભાઈએ મને પૂછ્યું, ‘સિગરેટ પીવાની ચાલુ કરી દીધી?’ હું ચમકી ગયો. મેં તો બે દિવસ પહેલાં પીધી હતી. મોઢામાંથી વાસ આવવાની શક્યતા નહોતી. મેં દૃઢ અવાજે કહ્યું ‘બિલકુલ નહિ, તમને આવો વિચાર પણ કેમ આવી શકે?’ એ કહે, ‘તો ભલે’ અને એમણે વાત પડતી મૂકી.

ભાઈ રૂમમાંથી ગયા પછી હું વિચારમાં પડી ગયો કે એમણે અચાનક આ સવાલ કેમ પૂછ્યો? તો હું ભાઈ બેઠા  હતા તે ખુરશી પર જઈને બેઠો, ત્યાંથી નજર કરી તો મારા ખાટલા નીચે એશ ટ્રે, સિગરેટનાં બે ઠૂંઠાં અને સિગરેટનું પેકેટ દેખાતાં હતાં.

આ બનાવ અંગે મેં પછીનાં વર્ષોમાં ઘણીવાર વિચાર કરી જોયો છે, કે હું એટલા આત્મવિશ્વાસથી ખોટું બોલતો હતો ત્યારે એમણે એટલું જ કહેવાનું હતું કે ‘તો પછી તારા ખાટલા નીચે આ શું છે?’ હું કેટલો શરમિંદો થઈ ગયો હોત!

પણ ભાઈએ વિચાર્યું હશે કે નિર્બળ પર પ્રહાર કર્યે શો  ફાયદો?

ભાઈ  તાકાતવર સાથે લડાઈ કરવામાં ક્યારેય પાછા નહોતા પડ્યા.

 પણ નિર્બળ પર જોર દેખાડવામાં એમને કોઈ રસ નહોતો. એમનાં દીકરાને અપમાનિત કરવાની એમની ઇચ્છા નહોતી.

છેલ્લાં વર્ષોમાં અમે સુરેન્દ્રનગર મારી ફેક્ટરીમાં કામે જઈએ, અને પાછા આવીને રોજ ઝીણવટથી ભાઈને રિપોર્ટ આપવાનો. એમનામાં ૯૪ વર્ષે ૨૪ વર્ષનાને શરમાવે તેવી જિજ્ઞાસા હતી. એંશી વર્ષે કોમ્પ્યુટર શીખ્યા હતા, ઈ મેલ, ફેઈસ-બુક અને આઈ પેડ વાપરતા હતા.

મારી સાથે વિજ્ઞાનની કે અમેરિકન રાજકારણની કે સીગમંડ ફ્રોઈડની સાયકોલોજી અંગે કે ફ્રાંસના ઇતિહાસ અંગે કે મારી વાર્તાઓ અંગે, એમનાં લેખ, કવિતા અને ચિત્રો અંગે વાતો કરવી એમને અને મને ખૂબ ગમતી.

હવે અમારા માટે મારી જિંદગીનો એક ખૂણો કાયમ માટે અંધારિયો થઈ ગયો. આપણા સૌ માટે એક ધ્રુવનો તારો હતો, જે માર્ગદર્શન આપતો હતો, તે તારો ખરી ગયો.

અમારું ત્રીસ સર્વોદય સોસાયટીનું ઘર બદલાઈ ગયું, સુરેન્દ્રનગર અમારા માટે બદલાઈ ગયું, ઝાલાવાડ બદલાઈ ગયું, અને અમારા માટે આ પૂરેપૂરી દુનિયા બદલાઈ ગઈ.

અમારા કુટુંબ માટે એક યુગનો અંત આવી ગયો.

મારે એક છેલ્લી વાત કહેવાની છે, હું એવું માનું છું કે ભાઈ અંતરીક્ષનાં ઊંડાણમાંથી પણ આ આજનો આપણો કાર્યક્રમ જોઈ રહ્યા હશે, તો જે વાત કહેવાની છે તે સીધી એમને કહી દઉં.

ભાઈ, તમે છેલ્લા મહિનાઓથી મને કહેતા હતા કે ‘તુ આવી જા’. હું અને મીનુ ફેબ્રુઆરીમાં ખાસ તમને મળવા જ આવવાનાં હતાં, પણ પછી કામ નીકળતાં ગયાં એમ બબ્બે અઠવાડિયાં મોડું કરતાં ગયાં. અને અમે  તમારી તબિયત સારી હતી ત્યારે ન આવી ગયાં.

અત્યારે અમારો જીવ કપાઈ જાય છે કે અમારાં કામ તો આખી જિંદગી ચાલશે, પણ તમે હવે આ પૃથ્વી પર ક્યારેય નહિ હો.

જેવી રીતે પેલું સિગરેટનું પેકેટ જોયું તોય ગુસ્સે નહોતા  થયા, તેમ તમારા દીકરાની આ આવડી મોટી ભૂલને માફ કરી દેજો.

                                                   ******

3 thoughts on “વિયોગ (રાહુલ શુકલ)- અંતીમ

  1. ‘…અત્યારે અમારો જીવ કપાઈ જાય છે કે અમારાં કામ તો આખી જિંદગી ચાલશે, પણ તમે હવે આ પૃથ્વી પર ક્યારેય નહિ હો. તમારા દીકરાની આ આવડી મોટી ભૂલને માફ કરી દેજો.’ અમે પણ અમારા ઘણા વ્હાલા વડિલોના અંતિમ સમયે હાજર રહી શક્યા ન હતા તે અબુભવેલી વેદના

    Like

  2. રાહુલભાઈ રડતાં રડતાં તમારા એકેએક ભાવને દિલથી સમજી ને તમારા માતપિતા જેવાજ મારા માતપિતાને યાદ કરીને બધા પ્રકરણ વાંચ્યા.સુશીબેન અને ભાઈના આત્મસ્વરુપને વંદન….

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s