કોને ખબર કેમ (અશ્વિન દેસાઈ)


(3 વાર્તા સંગ્રહ અમે ૭ નવલકથાના સર્જક, કુમાર ચંદ્રક વિજેતા, નાટ્ય કલાકાર, ઓસ્ટ્રેલિયા નિવાસી અશ્વિન દેસાઈએ એમની આ વાર્તા આંગણાંના મુલાકાતીઓ માટે મોકલી છે.)

                                  કોને ખબર કેમ

પણ ન્યૂ જર્સીના ગાંધી–બજારમાં તારા હસબંડનો ભેટો થઈ ગયો.

મારા મિત્ર દલપત પટેલે મને જોરથી એની કોણીનો ગોદો માર્યો ‘દેહાઈ, પેલો હામેથી ગબડતો ગબડતો આવે – તે કોણ છે, ખબર કે?’

મેં આંખ ઝીણી કરીને જોયું તો, એક બેઠી દડીનો, ઠીંગણો ને જાડો માણસ અમારી તરફ આવી રહ્યો હતો.

‘લાકડાવાલો છે’, દલપતની આંખો ચમકી. ‘અમેરિકામાં મોટામાં મોટો પોગરામ–ઓર્ગેનાઈઝર!’

‘અં…હં!, મેં વધારે ધ્યાનથી તારા હસબંડને જોયો.

‘એ કેવા પ્રોગ્રામ ગોઠવે છે, અમેરિકામાં?’ મને સહેજ કુતૂહલ થયું.

‘બધું કેતા બધું જ!, દલપત હરખાયો. ‘તારો નાટક હો જો તારે અમેરિકામાં ભજવવો હોય તો લાકડાવાલો આપણો ઘાટ બેહાડે એવો છે!’

‘ખરેખર?’ હું બોલું તે પહેલાં તો, તારા હસબંડે અમારી નજીક આવીને, દલપતને જોરથી ધબ્બો માર્યો.

‘પટેલસાહેબ! તમે મોટેલોની દુનિયાના બેતાજ બાદશાહ! અહીં અનાજ–કરિયાણાની બજારમાં તમે કેવી રીતે દેખાયા?’

દલપતે પણ સામે બમણા જોરથી ધબ્બો માર્યો.

‘આ દેહાઈ, મારો લંગોટ્યો દોસ્તાર! કહે કે, દલપા, એક વાર અમેરિકા તો બતાવ! મેં કેયુ કે આવી રે!’

તારા હસબંડે ભાવપૂર્વક જમણા હાથમાંની એની ચમકતી બ્રીફકેસ ડાબા હાથમાં ટ્રાન્સફર કરી અને જમણો હાથ મારી તરફ લંબાવ્યો.

‘મનીત લાકડાવાલા.’ એમણે દલપતને ખભે હાથ મૂકીને, મારી આંખોમાં ઊંડાણથી જોયું, ‘દેસાઈ, તમે જો દલપત પટેલના મહેમાન છો તો એમ માનજો કે, તમે લાંગ આઈલેન્ડના રાજાના મહેલમાં ઊતર્યા છો!’

‘અવે રેવા દે ને તારી ફેંકાફેંક, લાકડાવાલા.’ દલપતે એમનો હાથ પોતાના ખભા પરથી ઉતારીને હકપૂર્વક કહ્યું.

‘દેહાઈને લઈને શિકાગો, તારે ઘેરે–જમવા ક્યારે આવું તેની વાત કર ને.’

આ રવિવારે જ પધારો ને, પટેલસાહેબ. આપણા ઘરના જ થિયેટરમાં કાશ્મીરી સંતૂરવાદકને લૉંચ કરીએ છીએ. તમને તમારા મિત્ર સાથે પહેલી જ રોમાં ચીફ ગેસ્ટ તરીકે બેસાડીએ. તમે આવતા હો તો અમારાં ધનભાગ્ય.’ તારા હસબંડે ઝડપથી બ્રીફકેસ ખોલી અને દલપતને પૂછ્યું :

‘કેટલા પાસ આપું?’

દલપતે સહેજ વિચાર કરીને, તરત જ તક ઝડપી લીધી.

‘તણ પાસ ઢીલા કર લાકડાવાલા.’

‘કેમ, જાનકી નહીં આવે?’ એમણે ઝડપથી ત્રણ કવર બ્રીફકેસમાંથી ખેંચી કાઢ્યા.

‘ના, ભણવાનું મૂકીને જાનકી કેથ્થે જતી નથી.’ દલપતે એક કવરમાંથી પાસ કાઢીને ચકાસી લીધો.

‘દેસાઈસાહેની સાથે કોઈ બીજા મહેમાન…’

‘દેહાઈ વાંઢો છે. આગળ–પાછળ કોઈ કરતા કોઈ નીં મલે.’ દલપતે પાસ પોતાની બેગમાં મૂક્યા એટલે હું સહેજ મલકાયો.

‘હંસાભાભીને ફોન કરીને જરાક પૂછી લીધું હોત તો, દલપા.’ મેં સહેજ દલપતને ટકોર કરી એટલે તારા હસબંડે ટાપશી પૂરી,

‘અમારા હંસાભાભી કલાજગતના બહુ જ મોટા ચાહક. એ તો કોઈ દિવસ મારા આમંત્રણની ના પાડે જ નહીં.’

‘ભટકવાનું જોઈએ તારી ભાભીને ચોવીસ કલાક, ના કાંથી પાડે? ને આ લાકડાવાલો તો દર મહિને ઉંચકાય.’ દલપતે ચાલતી પકડી એટલે તારા હસબંડે પાછી ટકોર કરી,

‘પટેલસાહેબ, આપનો ઉતારો, મહેમાન સાથે આપણા ઘરે જ રાખવાનો છે, હં કે. તમારી મોટેલમાં તમારે નથી જવાનું.’

‘અમે રાતની જ ફ્લાઈટમાં પાછા ફરવાના. જાનકી ઘેરે એકલી. એની પરીક્ષા ચાલે.’

‘તમારા મેન્શનમાં પંદર જણાનો સ્ટાફ રહે, જાનકી એકલી કેવી રીતે, પટેલસાહેબ?’

‘પોરીને માણહોના ભરોહે નીં રખાય, લાકડાવાલા તને હમજ નીં પડે.’ દલપતે કહ્યું ને મને ખેંચીને ચાલવા માંડ્યું.

‘લાકડાવાલો તારી ઉપર કેમ આટલો બધો ખુશ?’ મેં દલપતને સહેજ કુતૂહલ ખાતર પૂછ્યું.

‘દર મહિને એનું પંદર જણાનું આપણી મોટી મોટેલમાં પરમેનન્ટ બુકિંગ. પણ, એ ને એની બૈરી તો આપણે ઘેરે જ ધામા નાંખે. એની બૈરીને હંસા હાથે હારુ ફાવે.’ દલપતે કહ્યું, ને મનમાં ને મનમાં જ મેં કંઈક ગણતરી કરી. હંસાભાભીએ મને બહાર હીંચકા ઉપર અમે બે એકલા જ બેઠા હતા ત્યારે, તારી વાત કરેલી. એટલે કે, પ્રયત્ન કરી જોયેલો.

‘પેલી અહીં શિકાગોમાં જ છે, હં કે!’

‘અચ્છા.’ મેં ચાહી કરીને તારા વિશે હંસાભાભીને ખાસ રસ નહીં બતાવેલો, એટલે હંસાભાભીએ થોડી વિગત વધારેલી,

‘અહીં ન્યૂયોર્કમાં એના હસબંડના શો હોય ત્યારે એ તો આખો દિવસ અહીં મારી સાથે જ હોય. આપણા સુરતી જમણમાં એને ખૂબ જ રસ. મારે જાતે જ રાંધવું પડે એને જમાડવા માટે. રસોડામાં ઊભી ઊભી અલક–મલકની હજાર વાત કરે, પણ હું જ્યારે પલસાણાની વાત કાઢી જોઉં ત્યારે ચૂપ થઈ જાય! ‘અચ્છા’, હું સહેજ પૂરાવવા ખાતર ટાપશી પૂરાવું, ‘પલસાણા ગામની વાતમાં પણ એને કોઈ રસ નથી પડતો એમ ને?’

‘હા. એક જ વાત કરે. હું તો હાઈસ્કૂલ પૂરી કર્યા પછી ખાસ પલસાણા ગઈ જ નથી એટલે મને ખાસ પલસાણાનું વળગણ ના મળે.’ હંસાભાભી કહેતાં કહેતાં થોડાં હતાશ થાય.

‘અચ્છા!’ મારા ચહેરા ઉપર સહેજ સ્મિત ફરકતું જોઈને, હંસાભાભી મને આશ્વાસન આપવા ખાતર કહેતા હોય એમ કહે,

‘પલસાણા ગામની વાતમાં જ જો એને રસ ના પડતો હોય તો તમારી વાત હું શું કામ કાઢું? ખરું ને?’

એટલે હું પણ એમને સામેથી પુરસ્કાર આપું,

‘તમે બહુ જ સારાં–ભલાં અને સમજુ છો હંસાભાભી.’

‘પણ એ મારી બેટી કોઈ પણ દિવસ ગમે તેટલા સારા મૂડમાં હોય તો પણ જરાય મચક નથી આપતી, તેનું શું?’

હંસાભાભી ગળગળા થઈ જાય, એટલે હું સ્વસ્થતાથી કહું,

‘તમારે જરાય હતાશ નહીં થવાનું ભાભી.’

એટલે હંસાભાભી નિરાશા ખંખેરીને પાછા મૂડમાં આવી જાય,

‘મને વિશ્વાસ છે કે કોઈ દિ’ તો હું જરૂર એને તમારી સામે ઉપસ્થિત કરીશ. જોઉં છું, કેવી રીતે એ એની મોટી મોટી, ચકળવકળ આંખો તમારાથી ફેરવી લે છે તે.’

ઘરે પહોંચીને દલપતે જ હંસાભાભીને હરખના સમાચાર આપ્યા.

‘હંસી, પેલો જાડિયો પાછો શિકાગો બોલાવે છે.’

‘કોણ લાકડાવાલા?’ હંસાભાભી અતિ ઉત્સાહમાં ચિત્કાર પાડી ઉઠ્યા!

‘હા. કેય કે, કોઈ તંબૂરાવારાને કાશ્મીરથી ઉપાડી લાવેલો છે. તેને એના ઘરના તબેલામાં લોન્ચ કરવાનો. પછી આવતે મહિને આપણે તાં ધામા લાખવાનો ઓહે, માદરબખત!’ દલપતે શાવરમાં જતા જતા કટાણું મોં કર્યું, એટલે હંસાભાભી એ જ ઉત્સાહમાં બબડ્યા,

‘તમે કહ્યું ને, કે અમે તો આ વખતે અમારા મોંઘેરા મહેમાનને પણ સાથે લઈને આવીશું.’ ને હંસાભાભીએ સહેજ હોઠ મરડીને મને ચીમટી ભરી.

‘હંસાભાભી, હું તમારો ‘મોંઘેરો’ કેવી રીતે અને ‘મહેમાન’ કેવી રીતે? તે જરાક મને સમજાવશો?’ મેં ખૂબ જ નમ્રતાપૂર્વક હંસાભાભી આગળ કજિયો કર્યો.

‘સમજતા કેમ નથી મારા વહાલા દિયર!’ હંસાભાભીએ ખૂબ જ નાટકીય રીતે, ભાવથી આંખો નચાવીને મને કહ્યું કે,

‘આ લાકડાવાલો તે બીજો કોઈ નહીં, પણ પેલી તમારાવાળીનો વર!

‘ખરેખર?’ મેં બનાવટી કુતૂહલ બતાવ્યું.

‘હા! હું નહોતી કહેતી, કે એક દિવસ હું તમને એની સામે ઉપસ્થિત કરીશ! જોઈએ, હવે એ શું કહે છે!’

શિકાગોની ફ્લાઈટમાં બારીની સીટ લેતા–લેતા દલપતે હંસાભાભીને ચેતવણી આપી,

‘હંસી, પેલો જાડિયો કંઈ રાતના આપણને એના ઘેરે રાખી પાડવાની વાત કરતો ઊતો. મેં જાનકીનું બહાનું કાઢેલું છે, એટલે તું ફસકી નો જતી.’

હંસાભાભી દલપતની બાજુમાં બેસતાં બેસતાં સહેજ ચમક્યાં,

‘તમે શું કામ ના પાડી રોકાવાની? સંગીતનો કાર્યક્રમ છે. રાતના બે તો વાગી જ જશે ને લાકડાવાલાનું ઘર તો થિયેટરની પાછળ જ છે. તો પછી રાત્રે રોકાઈ જઈએ તો જ સારું પડે ને? મધરાતે આપણે બહાર જમવા પણ ક્યાં જવાના?’ કહીને હંસાભાભીએ મારી સામે આંખ મિચકારી અને મને હાથ પકડીને, એમની બાજુની કોર્નર સીટ પર બેસાડી દીધો.

‘એની બૈરી મધરાતે તને જમાડવાની છે કે? બઉ બઉ તો કોફી ને ટોસ પકડાવી દેહે.’ દલપતે મોં બગાડ્યું.

‘એનો તાલ તો જુઓ. દર મહિને મારી દાળઢોકળી ખાવા દોડી આવે છે તો એક દિવસ આપણને નહીં જમાડે?’ હંસાભાભીએ દલપતને માનસિક રીતે, રાત્રે તારે ત્યાં રોકાવા તૈયાર કરી દીધો અને મારી સામે ફરીથી આંખ મિચકારી.

અમને એરપોર્ટ પર લેવા દલપતની મોટી મોટેલથી એની મર્સિડીઝ અને ડ્રાઈવર ઊભેલા જ હતા, તેમાં અમે ગોઠવાયા એટલે હંસાભાભીએ ડ્રાઈવરને સૂચના આપી,

‘ભાઈ, પહેલા માળીને ત્યાંથી બૂકે લેવાનો છે, પછી સીધા ‘લાકડાવાલા થિયેટર’ જવાનું છે. જરા જલદી કરજો. સાત વાગી ગ્યા છે.’

તારા ભવ્ય થિયેટરના પાર્કિંગ–લોટમાં અમે પહોંચ્યા, ત્યારે તારું ‘લાકડાવાલા થિયેટર’ ભવ્ય રોશનીથી ઝગમગી રહ્યું હતું. તારી જાહોજલાલીથી હું અંજાઈ ગયો, એટલે હંસાભાભીએ કહ્યું,

‘આ લાકડાવાલાનું પોતાનું થિયેટર છે. એની પસંદગીના ખાસ કાર્યક્રમ કરવાના હોય ત્યારે એ લોકો અહીં આવી ભવ્ય રીતે જલસો કરે છે.’

‘એમનું ઘર પણ પાછળ જ છે, એમ ને?’ મેં પૂછવા ખાતર પૂછ્યું.

‘ઘર એટલે મોટું મેન્શન! આપણા કરતાં પણ મોટું! દસ હેક્ટરના પ્લોટમાં લાકડાવાલાએ આ પેલેસ બનાવેલો છે!’ હંસાભાભી હરખપૂર્વક બોલ્યાં, અને અમે તારા થિયેટર તરફ પગ ઉપાડ્યા.

અમે હજી પગથિયાં ચઢીએ એટલામાં તો લાકડાવાલા પોતે અમારી સામે ધસી આવ્યો અને દલપતની સામે હાથ જોડીને ઊભો રહ્યો,

‘આવો. આવો. પટેલસાહેબ, હંસાભાભી, દેસાઈસાહેબ. બસ તમારી જ રાહ જોવાઈ રહી છે!’

હંસાભાભીએ બૂકે લાકડાવાલાના હાથમાં પકડાવ્યો અને હસીને સહેજ મજાકમાં કહ્યું,

‘લાકડાવાલા, પટેલસાહેબ પાસે કંઈ ભાષણ–બાષણ નથી કરાવવાનો ને?’

‘હંસી, તું એને ખોટે રવાડે નો ચડાવ નીં!’ દલપત બબડ્યો એટલે, લાકડાવાલો હરખાયો,

‘ના. ના. પટેલસાહેબ, તમે તમારું સ્થાન ગ્રહણ કરો. એટલે પડદો ખોલીએ છીએ.’

અને અમે જરાક ઝડપથી લાકડાવાલા થિયેટરમાં દાખલ થયાં. લાકડાવાલાએ ઉત્સાહપૂર્વક અમને પહેલી રોમાં બેસાડ્યા. ગેંગવેમાં પહેલી સીટ ઉપર દલપત, બીજી ઉપર હંસાભાભી અને એમની બાજુમાં ત્રીજી સીટ ઉપર હું બેઠો, અને તરત જ ક્લાસિકલ મધુર સંગીતના સથવારે ભવ્ય પડદો ધીમે ધીમે ખૂલ્યો. હું ખૂબ જ કુતૂહલથી મુગ્ધ થઈને જોઈ જ રહ્યો.

મંચ ઉપર ભારતીય બેઠકો વચ્ચે મુખ્ય કલાકાર બેઠા હતા. એમની બાજુમાં એમના સાજિંદાઓએ આસન જમાવ્યા હતા, અને મંચના એક ખૂણે સંચાલક માટે પોડિયમ ગોઠવેલું હતું. જેવી મંચ ઉપર ફુલ લાઈટ્સ થઈ, અને મુખ્ય સંતૂરવાદક કલાકારે ઊભા થઈને નમસ્તેની મુદ્રામાં હાથ જોડ્યા, કે તરત જ આખા ફુલહાઉસે તાળીઓના ગડગડાટ કર્યા, અને મંચના પાછળના કોઈ ભાગમાંથી ભવ્ય રીતે ભવ્ય પોષાકમાં તારી એન્ટ્રી થઈ! હું ક્ષણભર માટે આંખનો પલકારો પણ ના પાડી શક્યો! કદાચ, આખું ફુલહાઉસ પણ મારી સાથે સ્તબ્ધ થઈ ગયું! લટક–મટકતી તું, તારા એ જ મધુરા સ્મિત સાથે પોડિયમ તરફ આગળ વધી. મને અંદાજ આવી ગયો કે સંચાલન તું કરવાની છે. અને હું ધારી ધારીને તને જોઈ જ રહ્યો, એટલે હંસાભાભીએ મને ગોદો માર્યો. તારી સુંદરતામાં જરૂર વધારો થયો હતો. તારો ગેટ–અપ ભવ્ય હતો. પણ તારી ચાલ અને તારું સ્મિત હજી એને એ જ હતા તેની મને નવાઈ લાગી. હંસાભાભીએ દલપતના કાનમાં કંઈક કહ્યું. તેં પોડિયમ પાસે ઊભા રહીને, એ જ મધુરા સ્મિત સાથે હાથ ઊંચો કરીને મારી બાજુમાં હંસાભાભી તરફ જોયું, એટલે મંચ ઉપરની એક ફોકસ–લાઈટ તારી ઉપર આવી. હવે તું ઝબકી ઊઠી. હંસાભાભીએ પણ સહેજ હાથ ઊંચો કરીને તારું અભિવાદન કર્યું, અને મારા કાનમાં ધીરેથી ગણગણ્યાં,

‘છે ને હજી એવી ને એવી જ!’

મેં મારા હોઠ ખોલ્યા વિના જ તારી સામે નજર રાખીને ‘હં’ કર્યું. અને તારું મધુર સંચાલન શરૂ થયું. હજી એ જ રૂપાની ઘંટડી જેવો અવાજ! પણ આંખ નચાવીને, મધુર સ્મિત સાથે સંચાલન કરવાની સ્ટાઈલ, કદાચ અમેરિકામાં કોઈ પ્રોફેશનલ માફક કેળવાઈ હશે તેથી ઘડાયેલી લાગી. હું મુગ્ધ થઈને જોઈ જ રહ્યો. મારી આંખોના પલકારા થોડા ઓછા થયા. હંસાભાભી થોડી થોડી વારે, સહેજ વાંકા વળીને, મારી સામે જોવાનો પ્રયત્ન કરતા હતા ત્યારે હું સહેજ હળવું સ્મિત કરવાનો પ્રયત્ન કરતો હતો, પણ હું, કોને ખબર કેમ? નર્વસ થઈ ગયો હતો એ પાકું! અને તારું સંચાલન, કોઈ શીતળ ઝરણાની જેમ વહી રહ્યું હતું. આખું ફુલહાઉસ મારી માફક મંત્રમુગ્ધ થઈને, સંતૂરવાદનની સાથે સાથે, તારું સંચાલન માણી રહ્યું હતું, ત્યારે કોને ખબર કેમ, હું તારી નજર મારી તરફ પડે છે કે કેમ તે ચકાસવામાં મશગૂલ હતો!

ક્યાં ઈન્ટરવલનો સમય થઈ ગયો તેની ખખબર ના પડી.

ફક્ત રૂપાની ઘંટડી ફરી પાછી રણકી,

‘હવે ફક્ત દસ મિનિટનો વિરામ. એન ઈન્ટરવલ ફોર ટેન મિનિટ્સ’ અને લાકડાવાલો ધીમે ધીમે બંધ થતા પડદા પાછળથી પાછો અમારી તરફ ધસી આવ્યો,

‘પટેલસાહેબ, અંદર પધારો. આપણા ઘરની લીલા મસાલાવાળી ચા તમારી રાહ જુએ છે!’

દલપતે મારી સામે જોયું : ‘દેહાઈ, ચા પીવાનો કે?’ અને હંસાભાભીએ હાથ પકડીને મને ઊભો કરી દીધો,

‘હા હા વળી. શું કામ નહીં પીવાના?’

અને અમે પાછળ બેક–સ્ટેજમાં આવ્યા ત્યારે મારી નજર તને શોધતી હતી. તું મુખ્ય કલાકાર સંતૂરવાદક સાથે લળી લળીને વાતો કરી રહી હતી, તે તરફ લાકડાવાળો ધસી ગયો, ને તને અમારી તરફ ખેંચી લાવ્યો. તું લગભગ દોડવાની ઝડપથી અમારી તરફ ધસી આવીને હંસાભાભીને , તીણી ચીસ પાડીને ભેટી પડી : ‘હંસાભા…ભીઈઈઈઈ!’

‘બસ હવે. છોડ તો ખરી! આજે તને મારે એક ખાસ પરિચય કરાવવાનો છે!’ હંસાભાભીએ મહામુસીબતે તને પોતાનાથી અળગી કરી, એટલે તું એમની આંખોમાં કુતૂહલથી જોઈ રહી.

‘તારા ગામ પલસાણાથી મારા દિયર આવ્યા છે!’ કહીને હંસાભાભીએ મારા ખભા ઉપર સ્નેહથી હાથ મૂક્યો, એટલે તેં તરત જ દલપતની સામે જોયુ, અને આંખો પટપટાવીને દલપતને કહ્યું,

‘પટેલસાહેબ, તમે તો છૂપા રૂસ્તમ છો! મારા જ ગામના છો અને આજ સુધી મને કહેતા પણ નથી?’ – તારો સૂર કજિયાનો હતો.

‘ના બેન. ઉં પલહાણાનો નથી. મારું ગામ તો કણાવ. તમારા દેહાઈ લોકોના મોટા મ્હાદેવ મારા કણાવમાં. તેથી, કીકુ–પાધરાના ભંડારમાં આ દેહાઈ કણાવ આવતો ત્યારે અમે આખ્ખો દા’ડો લખોટી રમતા!’ દલપતે તને કહ્યું, એટલે હંસાભાભીએ જરાક લંબાવ્યું,

‘આજકાલ મારા દિયર મુંબઈમાં નાટકો કરે છે, પણ આમ તેઓશ્રી લેખક છે! તારા પલસાણાના બેકગ્રાઉન્ડ ઉપર એમણે કેટલીક સુંદર વાર્તાઓ લખી છે! કદાચ તારા વાંચવામાં આવી હોય!’

‘એમ? તો તો આપણે એમના વાર્તા–વાંચનનો કાર્યક્રમ અહીં જ ગોઠવીએ!’ પાછળથી લાકડાવાલાએ ઉત્સાહથી કહ્યું, એટલે મારે સહેજ ગલ્લાંતલ્લાં કરતો હોઉં તેમ કહેવું પડ્યું,

‘પ…ણ… હું… મારી સાથે વાર્તા લઈને…નથી આવ્યો.’ અને મેં તારા સિવાયના બધા સામે, ગળગળું સ્મિત કર્યું.

‘આપણે ઈંચકે બેહીને એકાદ ખેંચી કાઢજે ને દેહાઈ! આ લાકડાવારો પાછો આપણા આથમાં આવે એવો નથી, ભાઈ!’ દલપતે મને ધબ્બો મારીને પ્રોત્સાહિત કર્યો, એટલે બધા જ હસી પડ્યા. હું પોતે ફક્ત બાઘાની માફક ઊભો રહ્યો.

‘કંઈ વાંધો નહીં,’ તેં મારી દયા ખાતી હોય તે રીતે કહ્યું, અને પહેલી જ વાર મારી સામે જોયું, અને સૌજન્યપૂર્વક કહ્યું,

‘અમેરિકામાં રોકાવાના હો તો એકાદ દિવસ અમારે ત્યાં જમવાનું રાખજો.’

‘મારા મનમાં તરત જ સવાલ જાગ્યો, ‘ક્યાં? ક્યારે? કેવી રીતે?’ પણ મોઢેથી હું માત્ર એટલું જ બોલી શક્યો,

‘ભલે.’

અને તું, ‘એકસક્યુઝ મી’ કહીને નમ્રતાપૂર્વક પાછી ફરી. લાકડાવાલા પણ મારી સાથે પાછો ફર્યો, એટલે તું એના કાનમાં સહેજ મોટેથી બડબડી,

‘મને તો એમ, કે તમે શોભિત દેસાઈને ઉપાડી લાવ્યા હશો!’

અમે પણ પાછા વળ્યા. કોને ખબર કેમ, મારા મનમાં જ હું ગણગણ્યો,

‘આ સતત અવગણના એની મહેરબાની છે મરીઝ

ધીમે ધીમે એ કરી દેવાના બેપરવા મને.’

**************************************************************************

 

2 thoughts on “  કોને ખબર કેમ (અશ્વિન દેસાઈ)

 1. અશ્વિનભાઈની વાર્તામાં આ તરફ એક દિલ નાનપણના સ્નેહને સાંચવીને દ્રવિ રહ્યું છે જ્યારે બીજી તરફ પોતાના ભૌતિક સુખના દંભમાં એ યાદોને નિર્મમ કરી બેઠું છે. સરસ રજુઆત. સરયૂ પરીખ

  Liked by 1 person

 2. મા અશ્વિનભાઇની સુંદર વાર્તા…
  તેમા અમારી અસલ હુરટી બોલી-‘ઉં પલહાણાનો નથી. મારું ગામ તો કણાવ. તમારા દેહાઈ લોકોના મોટા મ્હાદેવ મારા કણાવમાં. તેથી, કીકુ–પાધરાના ભંડારમાં આ દેહાઈ કણાવ આવતો ત્યારે અમે આખ્ખો દા’ડો લખોટી રમતા!’ ને ઘણાખરાના બાળપણની પ્રીતે યાદ આવે-
  વિજાણંદ આડો વીંઝણો , ને શેણી આડી ભીંત,
  પડદેથી વાતું કરે , બાળાપણની પ્રીત. અને કરુણ અંજામ પણ આ સતત અવગણના જ થતી રહે તો ધીરે ધીરે વેદનાની ધાર બૂઠી થઇ જાય છે, ઉપેક્ષાથી દુ:ખ થવાને બદલે એ માટેની લારવાહી વિકસે અને ‘આ સતત અવગણના એની મહેરબાની છે મરીઝ
  ધીમે ધીમે એ કરી દેવાના બેપરવા મને.’

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s