જીપ્સીની ડાયરી-૧ (કેપ્ટન નરેંદ્ર ફણસે)


(યુધ્ધકળા સારી રીતે યુધ્ધમાં શીખી શકાય. કૅપ્ટન નરેન્દ્ર ફણસેએ તેઓના સૈન્ય અને બોર્ડર સિક્યોરિટી ફોર્સના સમયકાળ દરમ્યાન તેમજ 1965 અને 1971ના યુદ્ધમાં, યુદ્ધકળામાં નિપુણતા પ્રાપ્ત કરી છે.

તેમણે પોતાના અનુભવો, મરાઠી માણસ હોવા છતાં, સરળ લેખનશૈલીથી સ્પષ્ટ રીતે ગુજરાતી વાચકવર્ગ માટે પ્રસ્તુત કર્યા છે. ગુજરાતીઓને સૈન્ય તેમજ સરહદ પરના પ્રહરી વિશે ઘણું ઓછું જ્ઞાન હોય છે. કૅપ્ટન નરેન્દ્રની `જિપ્સીની ડાયરી’થી સંરક્ષણદળો અને તેમાં વિશિષ્ટ સૈન્ય તેમજ બોર્ડર સિક્યોરિટી ફોર્સ વિશે ઉત્તમ જાણકારી પ્રાપ્ત થશે એની મને ચોક્ક્સ ખાત્રી છે.

1971ના યુદ્ધમાં રાષ્ટ્રપતિના હાથે શૌર્યપદક મેળવનાર કેપ્ટન નરેંદ્ર ફણસેએ પોતાનું કોપીરાઈટેડ લખાણ, મને અને આંગણાંને સ્વેછાએ, આંગણાંમાં પ્રગટ કરવા આપ્યું છે બદલ હું એમનો અગાઉથી આભાર માની લઉં છું. – સંપાદક)

પૂર્વકથા

હું પાંચ કે છ વર્ષનો હતો ત્યારની આ વાત છે. બાપુજી કામપ્રસંગે બહાર ગયા હતા. સવારના પહોરમાં પગથિયાં પર બેસી ખિસકોલીને દાણા ખવડાવવાનો હું પ્રયત્ન કરી રહ્યો હતો, તેવામાં અમારા ઘરની સામે ભાતીગળ પોશાક પહેરેલી ચારપાંચ સ્ત્રીઓ આવી. તેમણે રંગીન, પહોળા ઘાઘરા અને મોટાં મોટાં ફૂલની ડિઝાઈનવાળા લાંબા ઝભ્ભા જેવાં પહેરણ પહેર્યાં હતાં. મસ્તક પર રૂમાલ બાંધ્યા હતા અને ખભા પરથી આગળની બાજુએ લાંબા લાંબા ચોટલા લટકી રહ્યા હતા. તેમાંની આગેવાન જણાતી સ્ત્રીની પીઠ પર પૅડલવાળી સરાણ હતી. બે સ્ત્રીઓની કેડ પર નાનકડાં બાળક હતાં, અને બાકીની સ્ત્રીઓનાં માથાં પર પોટલાં. મને જોઈ તેમણે કશુંક કહ્યું, પણ હું તેમની ભાષા સમજી ન શક્યો. વારે વારે બોલાતા શબ્દોમાંનો એક ચપ્પુ સમજાયો. મેં બૂમ પાડી બાને બોલાવ્યાં. તેઓ બહાર આવ્યાં, આ સ્ત્રીઓને જોઈ હાથ વડે તેમને થોભી જવાનો ઇશારો કર્યો અને અંદર જઈ છરી-ચપ્પાં લઈ આવ્યાં. પેલી આગેવાન સ્ત્રીએ બા સામે જોઈ સ્મિત કર્યું અને પીઠ પરથી સરાણ ઉતારી છરી-ચપ્પાંને ધાર કાઢી આપી. બાએ તેમને પૈસા આપ્યા અને તેઓ બીજા બંગલા તરફ ગઈ. મેં બાને પૂછ્યું, `આ બાઈઓ કોણ હતી, બા?’

`દીકરા, આ બધા જિપ્સી કોમના લોકો છે. વણજારા. તેમનું કોઈ એક ઠેકાણું નથી હોતું. ઊંટ પર સામાન લાદી તેઓ દેશપરદેશ ભટકતા હોય છે. આજ અહીં તો કાલે બીજા કોઈ ગામમાં, બીજા દેશમાં…’

બા આગળ કંઈ કહે તે પહેલાં હું દિવાસ્વપ્નમાં ખોવાઈ ગયો.

મારાં મોટાં બહેન લલિતાદીદી અમદાવાદમાં શિક્ષિકા હતાં. ઘણી નાની ઉંમરમાં મને તેમણે વાંચતાં શીખવ્યું હતું. રજાઓમાં એક વાર ઘેર આવ્યા ત્યારે મારા માટે કેટલાંક પુસ્તકો લાવ્યાં હતાં. મને ગમેલા એક પુસ્તકમાં પરદેશનાં શહેરોનાં ચિત્રો અને વર્ણનો હતાં. બાએ જિપ્સીની પરદેશ-ભ્રમણની વાત કરી તે સાંભળી મારું બાલમન આ પુસ્તકમાંના એફિલ ટાવર, સેન્ટ પોલ્સ કૅથેડ્રલ, સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીની સફર પર નીકળી ગયું. એક વિચાર મનમાં આવી ગયો. ભગવાન! આ જિપ્સીઓની જેમ દુનિયાભરમાં ભટકવા મળે તો કેવી મજા આવે!

કહેવાય છે કે આ પરદેશી વણજારાઓ પાસે ગૂઢ વિદ્યા હોય છે. મારા વિચારોનાં વલય કોણ જાણે પેલી સ્ત્રીઓ સુધી પહોંચી ગયાં કે કેમ, અને તેમણે જિપ્સીનો જાદુ મારા પર ચલાવ્યો, તે સમયથી હું તેમના કબીલાના વિખૂટા પડેલા સભ્યની જેમ મંજિલની શોધમાં ભટકતો રહ્યો છું. દેશ તથા પરદેશમાં ચાલી રહેલી મારી યાત્રા ક્યાં અને ક્યારે પૂરી થશે તે કહેવું અશક્ય છે.

મારી વાત કરું તો હું એક સામાન્ય વ્યક્તિ છું. આપણા સમાજની સર્વસાધારણ વ્યક્તિની જેમ સંજોગોને અનુરૂપ આશા, આકાંક્ષા, અપેક્ષા, સ્નેહની ઝંખના અને સ્વપ્નો-દિવાસ્વપ્નો સેવ્યાં. મહત્ત્વાકાંક્ષી યુવાનોને જે રીતે વક્તા થઈ સભાઓ ગજાવવાની, ચિત્રકાર, લેખક કે કવિ થઈ પોતાની ભાવના તથા સંવેદના પ્રદર્શિત કરવાની વિવિધ મનીષાઓ હોય છે એટલી મહાન તો નહીં પણ દેશ કે સમાજ માટે કોઈ મહત્ત્વનું કામ કરી શકાય તો તે કરવાની ધગશ જરૂર કેળવી હતી.

શાળાજીવનના મારા કેટલાક સાથીઓને સૈન્યમાં અફસર થવું હતું અને તે માટે તેઓ એન.સી.સીમાં જોડાયા હતા. કેટલાક મિત્રોની મહેચ્છા લેખક કે કવિ થવાની હતી. શાળા અને કોલેજમાં તેમની નવલિકાઓ અને નિબંધ વખણાયા હતા. કોઈની પ્રતિભામાં કશી કમી નહોતી. આપણી સૌની સ્વપ્ન-સિદ્ધિની આડે ફક્ત એક જ વિઘ્ન હોય છે: સંજોગ.

કૌટુંબિક જવાબદારી કે આર્થિક સંકટના કારણે આપણા અનેક યુવાનોએ પોતાની આશા-આકાંક્ષાનું બલિદાન આપ્યું છે. કેવળ મહત્ત્વાકાંક્ષાથી કોઈના પરિવારનો નિર્વાહ થઈ શકે છે, ભલા?

અહીં મને એક અજાણ્યા લેખકે કહેલી વાત યાદ આવે છે. તેમણે કહ્યું, આપણા જીવનમાં અનેક વ્યક્તિઓ આવે છે. તેમાંના કેટલાક લોકો આપણી વ્યક્ત કે અવ્યક્ત પણ તીવ્રતાથી ભાસતી આવશ્યકતા પૂરી પાડવા આવે છે. જાણે મુશ્કેલીની ઘડીમાં આપણે પરમાત્મા પાસે કરેલી પ્રાર્થનાના જવાબમાં ન આવ્યા હોય! કેટલાક આપણા જીવનના કાળચક્રની એકાદ ઋતુ પૂરતો સંગાથ આપી, આપણી સાથેનાં પાંચ-સાત વર્ષના સહવાસમાં આપણને અનુપમ શાંતિ, અપૂર્વ આનંદ અને ખુશીની અનેક પળો આપવા આવતા હોય છે. અણજાણ રીતે તેઓ આપણને એક નવી વિદ્યા, કળા શીખવી, જીવનમાં એક નવો દૃષ્ટિકોણ કેળવી આપતા હોય છે. આપણા જીવનમાં ફક્ત થોડી જ વ્યક્તિઓ જીવનભરનો સાથ આપવા માટે આવે છે. તેમની સંવેદનશીલતા અને તેમના ભાવનાત્મક અનુબંધ પર આપણા જીવનના પાયા મજબૂત થઈ તેના પર આપણા જીવનનું ચણતર થતું હોય છે.

જીવનના લાંબા પ્રવાસમાં મને આ વાતનો વારંવાર અનુભવ થતો રહ્યો. એક ક્ષણભરનો, એક ઋતુ પૂરતો અથવા જીવનભરનો સાથ આપવા આવેલા મહાનુભાવોની કૃપાપ્રસાદીને કારણે મારાં ઘણાં સ્વપ્નો સિદ્ધ થયાં. કેટલાંક મારી પોતાની ક્ષતિને કારણે અધૂરાં રહ્યાં. સ્વપ્નસિદ્ધિની રાહમાં મને પથદર્શન કરી મારું ચારિત્ર્ય ઘડનાર, મારી દૃષ્ટિને નવદિશા આપનાર પરમાત્મા, મારાં માતાપિતા અને આપ્તજન, શિક્ષકો અને મિત્રોની આભારવંદના નહીં કરું તો મારું જીવન અધૂરું રહેશે. તેમના ઉપકારની સ્વીકૃતિમાં જન્મ પામી એક સૈનિકની અનુભવકથા. તેમના પ્રત્યેનાં ઋણ તથા શ્રદ્ધાની અભિવ્યક્તિ કરવા 2008ના અંતમાં મેં `જિપ્સીની ડાયરી’ લખવા લીધી. http://www.captnarendra.blogspot.com નામના બ્લોગમાં શરૂ થયેલી મારી ભ્રમણગાથામાં પાનાં ઉમેરાતાં ગયાં, સ્નેહીઓનું વર્તુળ વધતું ગયું. 1965 તથા 1971નાં યુદ્ધોનો આંખો દેખ્યો અહેવાલ મિત્રોને ગમ્યો અને આગ્રહ કર્યો, આને પુસ્તકાકારે પગટ કરો. `युद्धस्य कथा: रम्या:’માં મારી દૃષ્ટિએ યુદ્ધની વાતોમાં જે રોમાંચ તથા વીરરસ છે, તેમાં મહત્ત્વ યોદ્ધાઓના શૌર્યને છે, કથનકર્તાને નહીં. અહીં કહેવાયેલી વાતોમાં રણમેદાનમાં મારી સાથે રહેલા મારા સાથી સૈનિકોના તથા જાતે અનુભવેલા પ્રસંગો વર્ણવવાનો પ્રયત્ન કર્યાે છે.

સમીસાંજે આકાશમાં સુંદર રંગોની હેલી જોવા મળે, તેમ જીવનની સંધ્યાએ પણ અંતર્દૃષ્ટિના પટલ પર જીવનમાં બની ગયેલા પ્રસંગો સ-રંગ તાદૃશ થઈ ફરી નજર સામે આવે છે. સંધ્યાનું રહસ્ય સમાયું છે મધ્યાહ્નના સવાર-બપોરના યોગમાં, જ્યારે સૂર્ય દશ-દિશાના મધ્યમાં હોય છે; સાંજના સંધિકાળમાં, જ્યાં નથી દિવસ, નથી રાત્રિ. ઉષ:કાળની વાત કરીએ તો તે રાત્રિ અને દિવસની થતી સંધિ, સંગમ છે. આ ત્રણેય કાળમાં થતી સંધ્યામાં સમય, સ્થળ, પ્રકાશ, અંધકાર અને અવકાશના અગમ્ય અને રહસ્યપૂર્ણ યોગમાં એવા પ્રસંગો સમાયા છે જેમાં સત્ય અને સ્વપ્ન વચ્ચે કોઈ અંતર નથી રહેતું. કહેવાય છે કે સંધ્યાની આવી અદ્ભુત ઘડીઓમાં મત્સ્યેન્દ્રનાથ અને ગોરખનાથ જેવા જ્ઞાતાઓ ભૌતિકતાના બંધન તોડી સૃષ્ટિના ભ્રમણ પર નીકળી પડે છે. સંધ્યાના અગમતત્ત્વને જાણનારા યોગીઓ આને twilight zone કહે છે: સાંધ્ય-યોગક્ષેત્ર.

રણભૂમિમાં ગોળીઓની રમઝટ દરમિયાન કે શાંતિના સમયે નિર્જન અને વેરાન વનવગડામાં સૈનિકોને અગમ્ય, કાર્ય-કારણની સીમાની પેલીપારના સાંધ્યયોગના પ્રસંગોનો ઘણી વાર અનુભવ થાય છે. તેનું રહસ્ય જાણવા જેટલું અમ સૈનિકો પાસે જ્ઞાન નથી અને તે મેળવવા જેટલી પાત્રતા પણ નથી. આ કારણસર મારા જીવનમાં કેટલીક અગમ્ય ઘટનાઓ બની ગઈ તેના પર કલ્પનાનો રંગ ચઢાવ્યા વગર તેમને આ સ્મૃતિયાત્રામાં કહેવાનો પ્રયત્ન કર્યાે છે. મને થયેલી રહસ્યમય અનુભૂતિનું રહસ્ય મને કદી સમજાયું નથી, તેથી અહીં જણાવેલા કેટલાક અનુભવોને આપની રુચિ અનુસાર સત્ય, કલ્પના કે અમને થયેલ સંભ્રમ માની લેશો. મારા માટે આ ઘટનાઓ ત્યારે દૃશ્ય-સત્ય હતી અને સંધ્યા સમયે હજી જીવંત છે!

3 thoughts on “જીપ્સીની ડાયરી-૧ (કેપ્ટન નરેંદ્ર ફણસે)

  1. દરેકના જીવનનો અનુભવ-‘જિપ્સી કોમ-વણજારા. તેમનું કોઈ એક ઠેકાણું નથી હોતું. ઊંટ પર સામાન લાદી તેઓ દેશપરદેશ ભટકતા હોય છે. આજ અહીં તો કાલે બીજા કોઈ…’પણ તેમાથી વણજારા જેમ ભટકવાની પ્રબળ ઇચ્છા જાગવી અને તેમાંથી સૈન્યના દિવાસ્વપ્નથી તેમા જોડાયા અને નવદિશા આપનાર પરમાત્મા, માતાપિતા અને આપ્તજન, શિક્ષકો અને મિત્રોની આભારવંદના અને ઉપકારની સ્વીકૃતિમાંથી પ્રગટેલી જિપ્સીની ડાયરીથી તો આપણે પ્રેરણાદાયી વાતોથી નવી વાતો જાણી.
    युद्धस्य कथा रम्या :વાતે દેખાય કઇ રીતે જવાનોએ ૩૮ આતંકવાદીઓને કર્યા ઠાર ! સમગ્ર ઓપરેશન દરમિયાન રાત્રે સંરક્ષણ પ્રધાન મનોહર પર્રિકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને સેના પ્રમુખ જનરલ દલબીર સિંહ સુહાગ ઓપરેશન પર નજર રાખી રહ્યા હતા. આ દરમિયાન ઓપરેશનની જાણકારી સતત વડાપ્રધાન મોદીને પણ આપવામાં આવી રહી હતી. અજિત ડોભાલે રાત્રે જ પોતાની અમેરિકન સમકક્ષ સુસન રાઇસ સાથે ચર્ચા કરીને તેમને વિશ્વાસમાં લીધા હતા
    અને ‘રણભૂમિમાં ગોળીઓની રમઝટ દરમિયાન કે શાંતિના સમયે નિર્જન અને વેરાન વનવગડામાં સૈનિકોને અગમ્ય, કાર્ય-કારણની સીમાની પેલીપારના સાંધ્યયોગના પ્રસંગોનો ઘણી વાર અનુભવ’માણવા રાહ

    Liked by 1 person

પ્રતિભાવ