બિહારી પોપટ (શ્રી જ્યોતિ ભટ્ટ)


(થોડા સમય પહેલા જ્યોતિભાઈ ચિકનગુનિયા વાયરસની ઝપેટમાં આવી ગયા હતા. હજીપણ એમાંથી સંપુર્ણપણે સ્વસ્થ થયા નથી. નવા વરસના શુભેચ્છા સંદેશ સાથે શ્રી જ્યોતિભાઈએ એક અદભૂત લેખ મોકલ્યો છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા શ્રી જ્યોતિ ભટ્ટ્નો ભરપૂર સ્નેહ ૨૦૧૮ માં આંગણાંને મળ્યો છે. ૨૦૧૯ માં લલિતકળા વિભાગમાં પ્રથમ લેખ તરીકે લેખને હું શ્રી જ્યોતિ ભટ્ટના, આંગણાંને આશીર્વાદ સમાન ગણું છુંપી. કે. દાવડા)

આજે જે ગુજરાતીઓ માત્ર ભારતજ નહિ દુનિયા ભરનાપ્રદેશોમાં રોજી રોટી કમાવા જઈ વસ્યા છે, તેઓ ઓડીઆ અને બિહારી મજૂરોની હકાલપટ્ટી કરવા તરફ વળ્યા છે. અલંગમાં કામ કરતા મજૂરો –કદાચ બધા જ- બિહારી હશે. પરંતુ તેમને લીધે એક પણ ગુજરાતીની કામની તક છીનવાઈ ગઈ નથી. કારણ કે જે કપરી હાલતમાં સખત મજૂરી કરવા બિહારીઓ મજબૂરીથી તૈયાર થાય છે, તે કામ કરવાનું કોઈ પણ ગુજરાતીનું ગજું જ નથી.

મારી લાંબી ચાલેલી બીમારી દરમ્યાન લખેલું એક લખાણ હાથ વગુ છે, તે આ સાથે- નવા વરસની હાર્દિક શુભેચ્છાઓ સહિત-મોકલ્યું છે. મારી તબિયત ધીરે ધીરે સુધરતી હોય તેમ જણાય છે. તમે બધાં, સહ કુટુંબ મજામાં હશો. – જ્યોતિ

બિહારી પોપટ

1947 માં સ્વતંત્રતા મળી તેની લગભગ 100 વર્ષ પહેલા અંગ્રેજોએ છ- એક (લગભગ) કળા-શાળાઓ તો સ્થાપેલી તે બધી ‘ સ્કૂલ ઓફ આર્ટસ એન્ડ ક્રાફ્ટ્સ’ કહેવાતી. તેમાં મુખ્યત્વે હસ્ત કૌશલ્ય ને જ પ્રાધ્યાન્ય અપાતું હતું. રવીન્દ્રનાથ તથા ગાંધીજી નો પ્રભાવ કલકત્તા તેમજ મુંબઈ ની આર્ટસ સ્કૂલમાં દેખાવા લાગેલો ખરો.

1950 માં વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીએ ભારતમાં પહેલીજ વાર લલિતકલા વિષયને યુનિવર્સિટી સ્તરે સ્થાન આપ્યું અને માત્ર હસ્તકૌશલ્યને સ્થાને બૌદ્ધિક સ્તરે પણ વિચારી શકે અને સર્જન કરી શકે તે પ્રકારનાં કલાકારો તૈયાર થાય તેવા ઉદ્દેશ ને કેન્દ્ર સ્થાન આપ્યું. આજ સુધીમાં વડોદરાની ફાઈન આર્ટ્સ કૉલેજમાં અભ્યાસ કરેલા કલાકારોની સંખ્યા તેમજ તેમનું પ્રદાન ઘણું મોટું રહયું છે. સાથે સાથે એવું પણ બન્યું છે કે, વડોદરા બહારથી અને અન્ય રાજ્યો માંથી આ કોલેજમાં અભ્યાસ કરવા આવેલા વિદ્યાર્થીઓમાંથી ઘણાં પાછા ગયા જ નથી.

આજે વડોદરામાં રહી કલાસર્જન કરતા કલાકારો ની સંખ્યા ઘણી મોટી છે.  જો કે તેનું સર્વેક્ષણ કોઈએ કર્યું નથી કે તેમાં રસ પણ લીધો નથી. તે અંગે તેમને પૂછીએ તો એક હજારથી ત્રણ હજાર વચ્ચેનો કોઈ અંક સાંભળવા મળે છે.

ફાઈન આર્ટસ કોલેજ માં એક બિહારી છોકરો આવેલો. તે થોડું સુથારી કામ જાણતો હતો. બધા જ વિદ્યાર્થીઓ પોતાના કેનવાસ માટે જરૂરી સ્ટ્રેચર(ચોખઠાં) તથા ફ્રેમ તેની પાસે બનાવરાવતા. ગુણવત્તાનું ધોરણ ઘણું નબળું હોવા છતાં વિદ્યાર્થીઓને પોસાય તેવી કિંમતે તે કામ મળતું. ભાગ્યે જ કોઈને તે બિહારી નું નામ ખબર હશે આથી મેં તેને બિહારી પોપટ કહ્યો છે.

ઘણા વરસો સુધી આ કામ કરતા કરતા તે બિહારી થોડા પૈસા બચાવી શક્યો અને કોઈ બિલ્ડરની નાનકડા ફ્લેટ ની યોજનામાં પોતાનું નામ નોંધાવ્યું.  શરૂઆતના થોડા હપ્તા તો તે ભરી શક્યો પરંતુ છેલ્લે આપવાના મોટા હપ્તાની વ્યવસ્થા તે કરી શક્યો નહિ. આથી વડોદરામાં રહેતા કલાકારો પાસે તેને ‘ધાં‘ નાખી.

પરદેશ કમાવા ગયેલા પોપટની વાર્તા બહુ જાણીતી છે. ” પોપટ ભૂખ્યો નથી , પોપટ તરસ્યો નથી , પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાળ, પોપટ ટહુકા કરે.” આ સંદેશ પોતાની માને પહોંચાડવા તે પોપટ આંબા નીચેથી પસાર થતા લોકોને વિનંતી કરતો.  એક વખત ગાયોનું ધણ લઇ નીકળેલ એક ગોવાળને પણ પોપટે વિનંતી કરી ઉત્તરમાં ગોવાળે કહયું કે , “જોઈતી હોય તો એક ગાય મૂકી જાઉં, પણ તારી માં ને સંદેશો પહોંચાડવા હું નવરો નથી.” – આ પ્રમાણે પોપટ, ભેંસ, ઘોડો, ઊંટ, હાથી, ઇત્યાદિ પ્રાણીઓ મળ્યા જે વેચીને તે ખૂબ ધન કમાયો. લગભગ આ વાર્તા પ્રમાણે પેલા બિહારી પોપટ ને પણ વડોદરાના કલાકારો નો આવો જ અનુભવ થયો. કલાકારોઍ પણ બિહારી પોપટને કહયું કે જોઈએ તો અમારા ચિત્ર, રેખાંકન કે છાપ લઇ જા.

આમ , તેને 35 થી 40 કલાકૃતિઓ મળી. ત્યારપછી કોઈનો ભરમાવ્યો તે બિહારી મારી પાસે આવ્યો કે આ કલાકૃતિઓ વેચી આપો.  તેમ કરવું મારા માટે શક્ય ન હતું. વડોદરામાં કલા સર્જન માટે ની સંભાવના હોવા છતાં, કલાનું કોઈ બજાર નથી.  આથી મેં તેને સલાહ આપી કે વડોદરામાં ચાલતી એક માત્ર સફળ ધંધાધારી આર્ટ ગૅલરી ના સંચાલક પાસે જા, તેને આ બધી જ કલાકૃતિઓ આપી દે અને જણાવ કે , તારો પેલા નોધાવેલાં ફ્લેટ માટેનો છેલ્લો હપ્તો ભરી દે. સદભાગ્યે આ બની શકયું કેમ કે, ગેલેરીને તો એક રીતે જોતા મોટો દલ્લો પાક્યો હતો.

વડોદરાની કોલેજ ના વાર્ષિક કલા પ્રદર્શનમાં પ્રદર્શિત થતી કોઈ કૃતિઓ અશ્લીલ હોય છે, એ પ્રકારના અખબારી અહેવાલોને કારણે ફાઈન આર્ટસ કોલેજ વિષે વડોદરાના લોકોમાં ઘણી ગેરસમજ પ્રવર્તે છે. પરંતુ આ બિહારી પોપટ ના ઉપરોક્ત દૃષ્ટાંત જેવા તો અનેક પ્રસંગો બન્યા છે।  જેની નોંધ સુદ્ધા લેવાઈ નથી.

3 thoughts on “બિહારી પોપટ (શ્રી જ્યોતિ ભટ્ટ)

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s