કાવ્યધારા-૧


(આંગણાંમાં આજથીકાવ્યધારાશ્રેણી શરૂ થાય છે. જાન્યુઆરીથી માર્ચ મહિનાઓ દરમ્યાન બે સક્ષમ કવયિત્રી મનીષા જોશી અને પન્ના નાયકના કાવ્યોનો આસ્વાદ અન્ય સક્ષમ સાહિત્યકારો શ્રી હિતેન આનંદપરા, શ્રી મુકેશ જોશી, શ્રી અનિલ ચાવડા અને શ્રીમતિ જયશ્રી વિનુ મરચંટ કરાવશે.

મનીષા જોષી, એ ગુજરાતી સાહિત્યનું ખૂબ જાણીતું નામ છે. એમની કલમથી નિપજેલા કાવ્યો, હંમેશાં ખૂબ સશક્ત વિષય-વસ્તુ અને અંતરમનને ઝંઝોડી નાખતા ભાવ-વિશ્વનું અસીમ આકાશ લઈને આવે છે. મનીષા જોષીના ત્રણ કાવ્ય સંગ્રહો, “કંસારા બજાર”, “કંદમૂળ” અને “કંદરા” પ્રકાશિત થયા છે. ગુજરાતી સાહિત્ય એકેડમી અને રમેશ પારેખ પુરસ્કારોથી સન્માનિત મનિષા જોશીના કાવ્યસ્પર્સનો રસાસ્વાદ શ્રી મુકેશ જોષીએ કરાવ્યો છે.

મુકેશ જોષી ગુજરાતી સાહિત્યનું એવું ગૌરવવતું નામ છે કે જેને દેશ-વિદેશમાં વસતા પ્રત્યેક સાહિત્ય રસિક ગુજરાતીઓ ઓળખે છે. એક આવો રસકવિ જ્યારે એક કવયિત્રીના શબ્દોમાં ડૂબી જઈને, આસ્વાદ કરાવે ત્યારે જ આવી અદભૂત રસધારાની લ્હાણી મળે.

બીજી પ્રસ્તુતિ ભગવતીકુમાર શર્માની ગઝલ છે. . ભગવતીકુમાર શર્મા, એ નામને કોઈ પણ પરિચયની જરૂર નથી. એમનું ગુજરાતી સાહિત્યનું પ્રદાન આવનારી અનેક પેઢીઓ યાદ રાખશે. એમની ગઝલનો રસાસ્વાદ ગુજરાતી ભાષાના યુવાન અને સંવેદનશીલ કવિ કે જેના શબ્દેશબ્દમાં સ્વીકૃતિ અને સંવેદનાનું અદભૂત મિશ્રણ છે, એવા હિતેન આનંદપરાની કલમે લખાયો છે. એમની કલમ નવા અર્થોના અજવાળાં પાથરે છે.

આશા છે કે જેટલો આનંદ શ્રેણી રજૂ કરતાં અમને થાય છે એટલો આનંદ આંગણાંના મુલાકાતીઓને પણ થશે. – જયશ્રી વિનુ મરચંટ)

સ્પર્શ –  મનીષા જોષી

આ હું બેઠી છું એ લાકડાની બેન્ચ

આજે જાણે નવેસરથી અનુભવાય છે.

લાકડામાં પડેલી તિરાડો પરથી હટીને

નજર સ્થિર થાય છે,

મારા હાથ પરની કરચલીઓ પર.

કથ્થાઇ રંગના મારા હાથ

ફરી વળે છે,

લાકડાની તિરાડોમાં.

ન સામ્ય, ન વિરોધ.

ઘેટાના મુલાયમ શરીરની ગરમ રુંવાટી પરહાથ ફેરવું

કે પ્રાચીન સ્થાપત્યની ઠંડીગાર ભીંતને હાથઅડાડું,

સંવેદનમાં કોઇ ઝાઝો ફરક હોય એવું નથીલાગતું.

અને છતાં, મગજમાં હજી પણ પડી રહ્યા છે,

વિવિધ સંવેદનના ચોકઠા કે વિવિધ સ્પર્શનીસ્મૃતિઓ.

કયારેક વરસાદમાં ભીંજાઈ રહેલી આબેન્ચને,

હું દૂરથી જોઉં તો પણ,

મારા હાથ જાણે અનુભવે છે,

ભીના લાકડાના સ્પર્શને.

પલળેલા લાકડાની પહોળી થયેલી તિરાડો,

અને એમાંથી છૂટી પડી રહેલી લાકડાનીનાનકડી ફાંસો.

લાકડું દૂર ભીંજાતું રહે છે, અલિપ્ત

પણ મારા હાથમાં વાગે છે

એ ઝીણી ઝીણી ફાંસો.

કયારેક વંટોળભરી સાંજે,

ધૂળની એક ડમરી

ફરી વળે છે, આ લાકડાની બેન્ચ પર.

મારા બેસવાની જગ્યા પરની એ ધૂળ

હું મારા હાથે સાફ કરું છું

અને પછી ત્યાં બેસી રહું છું,

કલાકો સુધી,

હાથ પરની ધૂળ ખંખેર્યાં વિના.

દૂર દૂરની શેરીઓમાંથી ઊડીને આવેલી ધૂળ,

મારા હાથ પર જામી છે.

આજે, ઘણા વખતે,

મારા હાથ મને ઓળખીતા લાગે છે.

 

મનીષા જોષીના સ્પર્શ કાવ્યનો આશ્વાદ મુકેશ જોષી

પંચેન્દ્રિયને ભગવાને જુદા જુદા સુખ વહેચી આપ્યા છે. ત્વચા સ્પર્શ ના સુખનું  રાજ્યાસન ભોગવે છે. કેટલાક સ્પર્શથી આખું અસ્તિત્વ મહેક મહેક થાય  છે તો કોઈ સ્પર્શ કાંટાની અનુભૂતિ કરાવે છે. ત્વચા દ્વારા થયેલા કેટલાક સ્પર્શ સ્મૃતિમંજુષામાં જીવનની અનમોલ મૂડીની માફક સચવાયેલા રહે છે. સ્પર્શ તો ત્યારે જ સુખ આપે છે જયારે તે વ્યક્તિ કે વસ્તુ અતિ પ્રિય હોય. આપણી ભાષાના એક ઉતમ કવિયિત્રી મનીષા જોષી સ્પર્શ કાવ્ય દ્વારા રેશમી દાબડી ખોલે છે એમાં છે કોઈ વેળાનો મુલાયમ અને માસૂમ સ્પર્શ. એમાં છે જીવનનો વૈભવ.
‘આ હું બેઠી છું તે બાંકડાની બેંચ આજે જાણે નવેસરથી અનુભવાય છે’ થી લોગઈન થતું કાવ્ય ‘આજે ઘણા વખતે મારા હાથ મને ઓળખીતા લાગે છે’ થી લોગ આઉટ થાય છે, એ બેની વચ્ચે સ્પર્શનો એક ખુશ્બૂ ભર્યો અહેસાસ કરાવી જાય છે

પોતાના પ્રિય વ્યક્તિ સાથેનો સહેવાસ અને એના સ્પર્શ નો સાવ આંખે જોનારો અને થોડું સ્વયં પણ અનુભવનારો બાંકડો જ એનો સાક્ષી છે. કેમેરાની જેમ કલમ ફરે છે અને બાંકડાને નજરકેદ કરે છે. નવેસરથી અનુભવાતો બાંકડો એ અર્થમાં જૂનો છે જેણે બે વ્યક્તિ વચ્ચે નું સાયુજ્ય નજરે જોયું છે. ‘નવેસરથી’ કહીને એક ચોક્કસ કુતુહલ શરૂથી જ અનુભવાય છે અને આપણી આંખો એ ઘટના શોધવા દોડે છે. પરંતુ, કિન્તુ, લેકિન કશું જડે એ પહેલા સમયનો એક મોટો ખંડ પસાર થઇ ચૂક્યો છે એનો ઈશારો થાય છે
એ બાંકડો જ્યાં હવે તિરાડો પડી ચુકી છે અને એ હાથ જ્યાં કરચલીઓ ઉગી નીકળી છે. સ્પર્શના અભાવમાં આ તૂટવું અને કરમાવું બન્યું હશે એમ ધારી શકાય. કથ્થાઈ રંગના હાથ અને એવો જ બાંકડો! જુઓને, સમયે બંને ઉપર કલર કામ કર્યું છે.  ઘેટા અને પ્રાચીન સ્થાપત્ય ના બે વિરોધી સ્પર્શોને કેવી સહજતા મૂકીને કવયિત્રીએ કહી દીધું છે કે આ અને ઉષ્મા વિહીન સમયના અસ્તિત્વમાં ગરમ કે શીત સ્પર્શો નવો રોમાંચ ઊભો કરી શકતા નથી. સ્પર્શની બાબતમાં સ્થિતપ્રજ્ઞ બની ચૂકેલું મન અત્યારે ય પોતાનામાં સ્પર્શના જૂના અવશેષો સાચવીને બેઠું છે અને સ્મૃતિમાં નજરે ચડે છે વરસાદી મોસમ. એ મોસમમાં કરેલો ભીનો ભીનો સ્પર્શ. એ વેળાએ અનુભવેલો વરસાદ જો કે આંખથી નથી ટપકતો પણ લાકડાની પહોળી થયેલી તિરાડો અને દૂરથી વાગતી એની ફાંસો કહીને આ પીડાને અનેક ગણી વધારી દીધી છે. આ કવિકર્મને સલામ કરવી પડે.

 એક પંક્તિ હાલ યાદ આવે છે: “રોજ સોચતી હું, મૈં ભૂલ જાઉં તુમ્હેં, ઓર રોજ મૈં યે બાત ભૂલ જાતી હું.”                                    સ્મૃતિના બીજા બારણામાંથી વંટોળ ભરી સાંજ ડોકિયું કરે છે. વરસાદ અને વંટોળ એક પછી એક મૂકીને સ્પર્શઘેલા મનની પીડાને આપણે પણ અનુભવી શકીએ છીએ, એટલી હદે તાદ્રશ્ય કરી આપી છે. વંટોળભરી સાંજે પ્રિયના સ્પર્શને વાગોળતાં કલાકો બેસી રહેવું બીજી કશું નથી પણ સ્મૃતિના અવશેષોને જાણે પંપાળવાની ચેષ્ટામાત્ર છે. એ અને સમયને જીવંત કરવાની કોશિશ કેટલીક વાર કામિયાબ પણ થાય છે. કાવ્યની શરૂઆતમાં જે નાનકડું રહસ્ય ઉભું થયું છે એનો જવાબ અંતે મળી રહે છે. શું પુન: એ સ્પર્શ મળ્યો છે? શું પ્રિયજન પાછુ આવી મળ્યું છે? શું બાંકડા પર પાછી વસંત આવી બેઠી છે? એવું તો કશું જ નથી પણ હા, વંટોળને કારણે પ્રિયજનની શેરીમાંથી ઉડીને આવેલી ધૂળ હાથ પર ચોટેલી ધૂળ ઉપર પડે છે અને ચમત્કાર સર્જાય છે. આ બાંકડો ફરીથી નવેસર થી અનુભવાય છે.  ધૂળ અને બાંકડાના પ્રતીકો વડે મુરઝાયેલા સ્પર્શને કવિયિત્રી કાવ્યમાં જીવંત કરી આપે છે. એક ગાઢો, પ્રબળ, આવેગયુક્ત અને તિલીસ્મી સ્પર્શ કેવું કામ કરી જાય છે એની અસરમાંથી મુક્ત થવાતું નથી. પણ એની કવિતા જયારે એક સ્ત્રી કવિ લખે ત્યારે એક સાદા સફેદ રંગના કપડા ઉપર થોડા શબ્દો વડે મેઘધનુષ ચીતરી બતાવે છે.

**********************

તમે ક્યાં રહો છો?

દુનિયાથી અલગ છું, છતાં દુનિયામાં રહ્યો છું;

એ રીતે ઘણાં લોકોની ચર્ચામાં રહ્યો છું.

ઇચ્છો છો તમે તો ય વટાવી ન શકાશે;

ફાટયા છતાં પોતાના હું ખિસ્સામાં રહ્યો છું

ભીડેલી છે ભોગળ અને તેવી જ રહેશે;

સદીઓથી પડે છે એ ટકોરામાં રહ્યો છું.

ઝીલ્યા છે ઘણા પથ્થરો મેં ભીડને હાથે;

ફેંકે છે જે પથ્થર હું એ ટોળામાં રહ્યો છું.

જોતો જ નથી રાહ હું મળવાની કદીયે;

કારણ કે હું જાણું છું કે સપનામાં રહ્યો છું.

અફવાઓ બની ઊડી જવાનું છે અસંભવ;

હું દંતકથા, કિસ્સા ને ટહુકામાં રહ્યો છું.

આધાર બધો ઠેસના હોવાનો ટક્યો છે;

અટકી શકે હું એવા હિંડોળામાં રહ્યો છું.

  • ભગવતીકુમાર શર્મા   

કવિશ્રી ભગવતીકુમાર શર્માની ગઝલ તમે ક્યાં રહો છો?” નો આસ્વાદ હિતેન આનંદપરા

પત્રકારત્વ અને ગઝલસાહિત્યનું એક સમ્માનીય નામ એટલે ભગવતીકુમાર શર્મા. આ શાયરને આપણે થોડા અરસા પહેલા જ ગુમાવ્યા.

આ વરિષ્ઠ શાયરે ગઝલની ત્રણ પેઢીઓ જોઈ. ઈમેજ પ્રકાશિત ‘એ ક્ષણો ગઝલની છે’ સંગ્રહમાંથી આ ગઝલનું આચમન કરીએ.

‘રહેવું’ એક અવસ્થા પણ છે અને કળા પણ. ઘણી વાર એવું બને કે દુનિયા સાથે આપણા સ્વભાવનો મેળ ન જામે. આપણે અંતર્મુખી હોઈએ અને પાર્ટીઓ, મેળાવડાઓમાં જવું પડે ત્યારે હૈયે ઘા વાગે. એકાંતની ઈજ્જત કરતી આપણી હયાતીને ખાખાખીખીના ખોંખારાઓ સાંભળવા પડે ત્યારે કાન પર અત્યાચાર થાય.

 ખિસ્સા ફાટવા છતાં અસ્તિત્વ ટકાવી રાખવાની વાત ખુમારી પ્રગટ કરે છે. સદીઓથી આપણી હયાતી અવનવા રૂપ બદલતી રહી છે. ટકોરામાં મુખરિત થતું આપણું હોવું પ્રતીક્ષાદેવીના પડછાયામાં વિલીન થઈ જતું હોય છે.

ઘણી વાર લાગે કે આપણી પાસે બે ચહેરા છે. એક ચહેરો ખુદ પર પથ્થર ઝીલી રહ્યો છે ને એક ચહેરો ભીડમાં ભળી પથ્થર ફેંકી રહ્યો છે. ક્યારેક આપણા ઉપર ઝનૂન સવાર થઈ જાય તો ક્યારેક આપણે સ્વીકારભાવથી સમર્પિત થઈ જઈએ.

રાહ જોતી આંખો ખુલ્લી હોય છે. એમાં આગમનની શક્યતા વર્તાય છે. આ જ રાહ જો સપનામાં જોવાય તો એવું લાગે કે એક આભાસમાં બીજો આભાસ ઉમેરાઈ રહ્યો છે.

ભલભલા માણસો ક્યારે ભૂલાઈ જાય છે એની ખબર નથી પડતી. જિંદગી એટલી બધી સ્પીડમાં વીતે છે કે એવું લાગે કે હજી તો હમણાં જ એસએસસીનું પેપર આપ્યું હતું ને આ જુઓ મારે ઘેર તો બે છોકરા ય રમતા થઈ ગયા! આપણી સળંગ હયાતી ભલે ન સચવાય, પણ ક્યાંક કોઈક ઘટનામાં, કોઈક કિસ્સામાં આપણને યાદ કરાય તોય ભયોભયો.

 છેલ્લા શેરમાં શાયર હિંડોળાનો ઉલ્લેખ કરે છે. હીંચકા પર બેસીને ઝૂલવાની એક મજા હોય છે. એક એક ઠેસમાં એક એક વર્ષ વીતતું હોય એવું લાગે. ક્યારેક સમયને અટકાવી આ હિંડોળાને બે ઘડી વિરામ આપીને જાતને તપાસી લેવાનો ઉપક્રમ ભીતરને રળિયાત કરી શકે.

આ ગઝલમાં વિખરાયેલા અસ્તિત્વનો ઉલ્લેખ અને સચવાયેલા અસ્તિત્વનો મહિમા થયો છે. નાની નાની વસ્તુઓમાં આપણી છાપ સચવાઈ શકે. ટંટાફિસાદની બદલે ટહુકામાં, ચર્ચાની બદલે અંતરંગ સ્મૃતિમાં જો આપણે જળવાઈ જઈએ તો આ હોવું સાર્થક થાય.

આપણા શ્વાસો ચાલે ત્યાં સુધી આપણે રહેવાનું છે. પછી તો કાળ અને કર્મો જ આપણી હયાતીને સ્મૃતિવંત બનાવી શકે.

 

 

 

 

 

4 thoughts on “કાવ્યધારા-૧

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s