આરતી દેસાઈના હાઈકુ “આંગણું” નો રસાસ્વાદ – જયશ્રી વિનુ મરચંટ


હાઇકુથી વિશેષ લોભામણું, છેતરામણું અને લપસણું સ્વરૂપ કદાચ કાવ્ય વિશ્વમાં બીજું કઈં હોઈ ન શકે. હું હાઈકુને લોભામણું એટલે કહું છું કે એક સક્ષમ કવિને હાઈકુમાં બહુ ઓછા શબ્દોમાં ઘણું કહી જવાની તક મળે છે, અને, છેતરામણું રૂપ એટલે છે કે, માત્ર સત્તર અક્ષરોમાં કાવ્યત્વને પ્રગટાવવાનું જ નથી, પણ, અર્થોનો ખજાનો વાચકો પોતાની મેળે પામી શકે એટલે, “ખુલ જા સીમસીમ“ કહેતા જ તરત ખુલી જાય એવા દરવાજાનો સંકેત આપવાનો છે. આ સાથે જ, હાઈકુનું લપસણું સ્વરૂપ એટલે છે કે અર્થોનો ઉઘાડ કરવા જતાં, કાવ્યત્વની નજાકત કવિના હાથમાંથી સરકી જવાનો ભય રહે છે.  સત્તર અક્ષરોમાં કવિતાનું લાવણ્ય તો લાવી શકાય પણ અર્થોના અંબારને અભિપ્રેત કરાવવો એ અઘરૂં છે. હાઈકુની આ નખરાળી અદાઓને સાચવીને ખીલવવી, એ દેખાય છે એવું સરળ નથી. હું જેટલી વાર હાઈકુ વાંચું ત્યારે આ શેર મને અચૂક જ યાદ આવે,

“સંભાળું જો હોઠને તો નયન મરકી જાય છે,

બધી નાજુક અદાઓનું જતન ક્યાંથી બને?”

હાઈકુની આવી સોહામણી અને નાજુક અદાઓને સંભાળવાનું કપરૂં હોવાના કારણોસર જ ગુજરાતી ભાષામાં, સાચા અર્થમાં ઉત્તમ હાઈકુ બહુ ઓછા મળે છે. “આંગણું”ના શીર્ષક હેઠળ લખાયેલા બહેનશ્રી આરતી દેસાઈના આ નવ હાઈકુ વાંચતાં જ આફરીન થઈ ગઈ!

અહીં અમેરિકામાં, ઘરની સાથે આંગણું જોવા મળે છે, પણ, ભારતના શહેરોમાં મલ્ટીસ્ટોરીઝ બાંધકામે તો આંગણુંની પરિભાષા જ બદલી નાંખી છે. ફ્લેટોના “કોરીડોર” હવે બંધિયાર આંગણું બની ગયા છે.

આંગણું એટલે મુક્તિની શક્યતાઓ લઈને ઘરમાં આવતો ઉઘાડ, અને ઘર એટલે આંગણાંમાંથી ચળાઈને આવતી ક્ષણોનો આવાસ. ઘરનું આંગણું તો ઘરના સ્વભાવ, સંવેદના અને સમભાવનું પ્રતીક છે. આરતીબહેન ઘરના સમત્વ અને “આંગણું”ને ઈશાવાસ્યની ભાવના સાથે આત્મસાત કરી ગયા છે, નહીં તો, “આંગણું” ઉપર લખાયેલા આટલા સુંદર હાઈકુના મોતીની માળા મળે જ નહીં.

આરતીબહેનના પહેલા ત્રણ હાઈકુ, સૂરજ અને એની ગરમીની વાત આપણા કાનમાં ગુફતેગુ કરીને કહી જાય છે. આ આંગણાંમાં નર્તન કરતાં સૂર્ય કિરણોનો ઉલ્લાસ ઘરમાં લાવે છે, તપતું આંગણું ઘરમાં રહેલી હૂંફની સાહેદી પૂરે છે, બિલકુલ એમ, જેમ, પ્રિયતમને હ્રદયમાં વસાવી, એના કમાડ વાસીને, શરીરના રોમરોમમાં પ્રિયતમના સથાવારાની હુંફ એક અભિસારિકા માણતી હોય, તેમ! ભર બપોરે, બહારની ગરમી અંદર ન આવે એથી બારી બારણાં વસાઈ જાય ત્યારે આંગણું એકલું જ તાપ જીરવે છે, જે વાચકના મનમાં રોમાન્સ અને રોમાંચ જગાવે છે. દેખીતી રીતે સ્થૂળ દેખાતી, સૂર્યના આ તાપ અને આંગણાંની વાત હવે આંખ બંધ કરીને માણો તો થશે કે એક આંગણું કેટકેટલા અર્થોને પરિપેક્ષમાં મૂકે છે!

બીજા ચાર હાઈકુમાં, વૈશાખી વાયરામાં ઢોલિયામાં આળોટતી ઊંઘ, શરદઋતુની કડકડતી ઠંડક, પૂર્ણિમાની ચાંદની અને અમાસના અંધારા સાથે, રાત્રિનો વ્યાપ આંગણામાં થતો અનુભવાય છે. કવિની કલ્પના તાપણું, જાગરણ, વૈશાખી વાયરામાં ઝૂલતી નિદ્રા, પૂનમની ચાંદનીમાં સદ્યસ્નાતા યુવતી સમ ન્હાઈને ઉઘડતા શ્વેત રંગ, અને કાળા કંબલમાં ઓઢેલા અંધકારની સાથે, આપણા મનના આંગણામાં છવાઈ જાય છે.

આ નવ હાઈકુના સંપૂટના છેલ્લા બે હાઈકુમાં કન્યાવિદાય સાથે, આંગણુંને અદભૂત રીતે કવિએ સાંકળી લીધું છે. કન્યાવિદાયના પહેલા હાઈકુમાં, ઢબૂકતા ઢોલ સાથે, સુનકારના ડૂસકાંમાં ડુબેલા આંગણાંની વાત હ્રદય હચમચાવી જાય છે. કન્યા વિદાયના બીજા હાઈકુમાં સૂનું પડેલું આંગણું કુમકુમના પગલાંથી ઓપી ઊઠે છે, એ વાત કરીને આંગણાને એક પવિત્રતાના શિખર પર કવિ લઈ ગયા છે.

ક્લોઝઅપ

શ્રી જયાબહેન મહેતાએ, અમૃતા પ્રીતમની એક કવિતાનું “સફરનામું” શીર્ષક હેઠળ કરેલા ભાષાંતરની પંક્તિઓ યાદ આવે છેઃ

“ગંગાજળથી વોડકા સુધી,

એક સફરનામું છે મારી પ્યાસનું…!”

એક સરસ હાઈકુનું સફરનામું શું હોઈ શકે?

આંગણું

વંડી ઠેકીને

આવે સૂર્ય કિરણો

નાચે આંગણું

*****

અંતરે પિયુ

ઠાલા બારણાં વાસી

તપે આંગણું

*****

ભરબપોર

બંધ બારી બારણાં

તપે આંગણું

*****

શરદ રાત

તાપણે વાર્તાલાપ

જાગે આંગણું

*****

ઢોલિયો ઢાળી

વૈશાખી વાયરાઓ

માણે આંગણું

*****

પૂનમ રાત

ચાંદનીમાં ન્હાઈને

શ્વેત આંગણું

*****

અમાસી રાત

કાળી કાંબળી ઓઢી

પોઢે આંગણું

*****

ઢોલ ઢબૂકે

કન્યા વિદાય વેળા

સૂનું આંગણું

*****

ઢોલ ઢબૂકે

કુમકુમ પગલાં

શોભે આંગણું

-આરતી પરીખ  (૧૯.૩.૨૦૧૮)

 

 

 

 

4 thoughts on “આરતી દેસાઈના હાઈકુ “આંગણું” નો રસાસ્વાદ – જયશ્રી વિનુ મરચંટ

 1. સુંદર રસાસ્વાદ.

  આંગણામાં આરતીબહેનના “આંગણું” હાઈકુ માણવાની મઝા આવી.

  હાઈકુનું સ્વરૂપ બધાંથી અલગ પ્રકારનું છે.

  કવિ શ્રી યોસેફ મેકવાનના શબ્દોમાં “કેલિડોસ્કોપમાં રંગીન કાચના ટૂકડાઓ હોય છે. તેના વડે આકાર આકૃતિ રચાતાં હોઈ તે જોઈ મન-વિસ્મય સાથે આહ્લાદ અનુભવે છે,હરખાય છે.ને જે સંવેદન જગાડે તેવું અહીં ૫-૭-૫ની શ્રુતિ વડે રચાતું લઘુકાવ્ય તે હાઈકુ ! ”

  પન્નાબેન નાયકના હાઈકુ પણ ખૂબ અદભૂત. અત્રે ટાંકવા ગમશે.

  ઊડ્યું એક જ
  પંખી ને કંપી ઊઠ્યું,
  આખુંયે વૃક્ષ..

  ગાઢા વનમાં
  સળવળી,સ્મૃતિની
  લીલી સાપણ.

  કેટકેટલાં સ્પંદનો છે,ચિત્રો છે, બેહદ ભાવો છે.

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s