જીપ્સીની ડાયરી-૮ (કેપ્ટન નરેંદ્ર ફણસે)


યંગ ઓફિસર્સ કોર્સ

બરેલીમાં મારા ગ્રૂપમાં ત્રીસ ઓફિસર હતા. અહીં આવીને અમને પ્રથમ ફટકો લાગ્યો હોય તો અમારા એક મહિનાના પગારની કિંમતનો ખાસ `બર્થિયા’ નામનો સર્વિસ ડ્રેસ પહેરવાનો હુકમ હતો. તેમાંથી કળ વળે ત્યાં બીજો `મહા’ ખર્ચ નીકળ્યો ઓફિસર્સ મેસના બિલનો. બરેલીમાં અમારું ટ્રેનિંગ સેન્ટર અખિલ ભારતીય કક્ષાનું હોવાથી અહીં ઘણા મહેમાનો આવતા. વળી અહીંના કૅન્ટોનમેન્ટમાં માઉન્ટન ડિવિઝનનું હેડક્વાર્ટર્સ હોવાથી જુદી જુદી રેજિમેન્ટમાં પાર્ટીઓ થતી. તેમાં અમારા કમાન્ડન્ટને તથા અન્ય સિનિયર અફસરોને નિમંત્રણ મળતું. તેથી અમારે `જવાબી પાર્ટી’ આપવી પડે. ફેર એટલો હતો કે બહારની પાર્ટીઓમાં અમારા જેવા યંગ ઓફિસર્સ કોર્સના અફસરો બાકાત રહેતા! પરંતુ જવાબી પાર્ટીનો ખર્ચ આવે તેમાં અમારે `પ્રો રાટા’ ફાળો આપવો પડતો. અમારો અર્ધાથી વધુ પગાર મેસ બિલમાં જતો. અંગત ખર્ચ કાઢતાં જે રકમ બચતી, જેને ઘેર મોકલતા પણ સંકોચ થાય. પરિણામે ઘણા અફસરો પોતાની અંગત જરૂરિયાતોના ખર્ચમાં કરકસર કરીને પણ ઘેર પૈસા મોકલતા.

એક દિવસ અમારા સિનિયર ઇન્સ્ટ્રક્ટર સાથે અનૌપચારિક વાત કરતી વખતે દત્તાત્રેય નામના અમારા એક સાથીએ પોતાની વ્યથા વ્યક્ત કરી. `સર, અમે જ્યારે અફસર થયા ત્યારે મારાં કુટુંબીજનોને હાશ થઈ હતી કે હવે ઘરકામ કરવા માટે નોકર રાખી શકીશું. આજે એ હાલ છે કે હું અકોલાની મ્યુનિસિપાલિટીમાં ઓડિટર તરીકે જેટલો પગાર ઘરમાં આપતો હતો, તેનાથી અર્ધાે પણ હવે નથી મોકલી શકતો. આજે પણ મારાં પત્નીને કપડાં-વાસણ હાથે જ કરવાં પડે છે. આવી પાર્ટીના ખર્ચા અમને પોસતા નથી. આના માટે કંઈ થઈ શકે?’

`My dear friend, જો તમે પૈસા કમાવાના હેતુથી ફોજમાં આવ્યા હશો તો જાણી લેજો કે તમે ગલત વ્યવસાયમાં આવ્યા છો. આ ટ્રેનિંગ એસ્ટાબ્લિશમેન્ટ છે. અહીં તો આવા ખર્ચ થવાના જ. તમે તમારા યુનિટમાં જશો તો ત્યાં પણ તેમાંથી તમે બચી નહીં શકો.’

મિલિટરીના અફસરો માટેનું અજાણ્યું સત્ય જાણી હું વિસ્મય પામ્યો.

ભારતીય સેના બ્રિટિશ પરંપરા પર ઘડાયેલી છે. ખાસ કરીને અફસર વર્ગ પર તેની છાપ એટલી ઘેરી છે કે તેનો જાતઅનુભવ વગર ખ્યાલ ન આવે. આનું એક ઐતિહાસિક કારણ છે. જૂની અંગ્રેજી ગિરાસદારીની વારસાપદ્ધતિ primogeniture મુજબ આખો ગરાસ પરિવારના સૌથી મોટા પુત્રને મળતો. આથી પિતાના મૃત્યુ બાદ `સદ્ગત’ને ત્રણ પુત્રો હોય તો સૌથી મોટાને પૂરી જમીન-જાગીર મળે. બાકીની રોકડ અને અન્ય માલમિલકતના ભાગ મરનાર પોતાના મૃત્યુપત્રમાં લખે તે મુજબ મળે. તેમાંથી થતી આવક અપૂરતી હોય તો બ્રિટનની પરંપરા મુજબ બાકીના પુત્રોમાંથી એક સેનામાં અફસર થવા સેંડહર્સ્ટની રોયલ મિલિટરી એકૅડેમીમાં દાખલ થતો. મિલિટરી ટ્રેનિંગ બાદ રાજા કે રાણી તરફથી બ્રિટિશ સેનામાં અફસરની નિમણૂકનો `પાર્ચમેન્ટ’ (દસ્તાવેજ) તૈયાર કરવામાં આવતો, જેમાં તેને રાજા તથા દેશની સેવા માટેનો હુકમ `કિંગ્ઝ કમિશન’ વિધિસર આપવામાં આવતો. ત્રીજો પુત્ર બહુધા ઓક્સફર્ડ –કૅમ્બ્રિજમાં અભ્યાસ કરી, ડોક્ટર ઓફ ડિવિનિટી પદવી મેળવી દેવળ (ચર્ચ ઓફ ઇંગ્લૅન્ડ)માં જોડાઈ કોઈ મોટા હોદ્દા પર નિમાતો. આમ સેનામાં આવતા આવા ઉમરાવ ઘરાણાના અફસરોને પોતાની ખાનગી આવક હોવાથી ઓફિસર મેસમાં ભવ્ય મેળાવડા અને ભોજનસમારંભ યોજાતા. આનો અણસાર અંગ્રેજી સાહિત્યના વિદ્યાર્થીઓને જેન ઓસ્ટેનની `પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’ જેવી નવલકથામાંથી જરૂર આવ્યો હશે.

ઓફિસર્સ મેસની રચના પણ કોઈ રજવાડાના દરબાર હોલ કરતાં ઓછી ભવ્ય નથી હોતી! સમય જતાં સેનામાં મધ્યમ અને સામાન્ય વર્ગમાંથી આવનારા અફસરોમાં વધારો થતો ગયો, પરંતુ મેસમાં થતી `રેજિમેન્ટલ ડિનર નાઇટ્સ’, `બૅટલ ઓનર’ની તથા `રેજિમેન્ટલ ડે’ની પાર્ટીઓ, નવા અફસરના આગમનની `ડાઇનિંગ-ઇન’ અને બદલી થઈને જનારા અફસરો માટે `ડાઇન-આઉટ’ પાર્ટીઓ જૂની પરંપરા મુજબ ચાલુ રહી. આમાંની કેટલીક પાર્ટીઓમાં ડિવિઝન કે બ્રિગેડના અફસરો તથા તેમની પત્નીઓને નિમંત્રણ આપવામાં આવતું, જેનો ખર્ચ બટાલિયનના અફસરોને ભોગવવો પડતો. પરિણામે ઘણા અફસરોને આ પ્રથાને કારણે આર્થિક ભીંસ ભોગવવી પડતી હતી.

અમે આ કોર્સ કરતા હતા તે વખતના અમારા કમાન્ડન્ટને તુક્કો સૂઝ્યો: મિલિટરીમાં અમારી કોરના અફસરોને આરામપ્રિય અને `ફિઝિકલ ફિટનેસ’માં ઇનફ્ર્ન્ટ્રી કે તોપખાનાના અફસરો કરતાં નબળા ગણવામાં આવતા તેની છાપ દૂર કરવી. આ માટે તેમણે હુકમ આપ્યો કે યંગ ઓફિસર્સ કોર્સમાં આવનાર અફસરોએ ફરજિયાત 26 માઈલની મૅરેથોન દોડવી. અમારી ટ્રેનિંગ દરમિયાન અમે પાંચ અને દસ માઈલની દોડ તો નિયમિત રીતે નિયત સમયમાં પૂરી કરતા. હવે બાકીની `કમી’ પૂરી કરવા અમને `ફિલ્ડ સર્વિસ માર્ચિંગ ઓર્ડર’નો યુનિફોર્મ તથા ઇક્વિપમેન્ટ પહેરીને મૅરેથોન દોડાવવામાં આવ્યા! જોકે આ દોડને પરીક્ષા ગણવામાં આવી નહોતી તેથી અમે આરામથી દોડ્યા અને ચાર કલાકમાં દોડ પૂરી કરી. મારો સિવિલિયન ઓર્ડરલી રામખિલાવન દોડની અંતિમ રેખા પાસે બાટલીમાં લીંબુનું શરબત અને બરફ લઈને મારી રાહ જોઈને બેસી રહ્યો હતો. `સાબજી, ઈસમેં થોડા કાલા નમક ડાલા હૈ, જિસસે આપકે જિસમકા બૅલેન્સ ઠીક રહેગા!’ કોણ જાણે તે ક્યાંથી શરીરમાંના પ્રવાહી `ઇલેક્ટ્રોલાઇટના બૅલેન્સ’ વિશે માહિતી કાઢી આવ્યો હતો.

બરેલીમાં હું પહેલી વાર આવ્યો હતો. અહીંનો સુરમો પ્રખ્યાત હોવાથી બહેનો માટે `મોતી કા સુરમા’ લેવા ગયો. ભયંકર ગરમી પડી હતી તેથી રસ્તામાં એરકન્ડિશન્ડ રેસ્ટોરાંમાં અમે થોડો વિસામો લેવા ગયા. મિત્રોએ સાદા કોલ્ડડ્રિંક્સ મંગાવ્યાં. મને થયું અહીંની કોઈ સ્થાનિક `સ્પેશિયાલિટી’ મંગાવીએ. મેનૂ કાર્ડમાં ઠંડા પીણામાં એક આઇટમ હતી `શિકંજવી’. કિંમત અન્ય પીણાં કરતાં લગભગ ત્રણ ગણી. મને થયું ફાલુદા કે ખાસ જાતની લસ્સી જેવો કોઈ પ્રકાર હશે. વટમાં આવીને મેં તેનો ઓર્ડર આપ્યો. `શિકંજવી’ આવી અને તેનો એક ઘૂંટડો લીધો ત્યારે ખબર પડી કે આ તો લીંબુનું શરબત હતું! મેં મારા લખનવી સાથીને વાત કરી ત્યારે તેઓ હસી પડ્યા. `મેરે દોસ્ત, યહાં તો ગધેકો ભી માલૂમ હોતા હૈ નિંબુ-પાનીકો ઉર્દૂમેં `શિકંજવી’ કહતે હૈં!’ મેં કહ્યું, `તારી વાત સાચી છે, પણ અહીંના ગધેડાઓને `શિકંજવી’નું અંગ્રેજી આવડતું ન હોય તો મેનૂ કાર્ડ ઉર્દૂમાં કેમ નથી બનાવતા?’ બધા ફરી એક વાર હસી પડ્યા.

ચાર મહિનાના યંગ ઓફિસર્સ કોર્સ દરમિયાન ઘણાં સુંદર સ્થળો જોવા મળ્યાં. ફિલ્ડ એક્સર્સાઈઝ માટે અમને કુમાંયૂંની પર્વતરાજીમાં લઈ જવામાં આવ્યા. મેજર જિમ કોર્બેટે તેમના પ્રખ્યાત Maneaters of Kumaonમાં સુંદર રીતે ચિત્રિત કરેલો પ્રદેશ જોવા મળ્યો. અમારો કૅમ્પ નૈનિતાલથી થોડે દૂર આવેલ ભવાલી નામના સુંદર ગામમાં હતો. જોકે મારા મનમાં કાયમ માટે કોઈ ગામ કોતરાઈ ગયું હોય તો તે રાનીખેતના રસ્તા પર આવેલ રમણીય રામગઢ હતું. યુરોપ-અમેરિકામાં અનેક સુંદર સ્થળો જોયા પણ સૌંદર્યવતી માતા પાર્વતીની બન્ને કેડ પર બિરાજેલા કાર્તિક અને ગણેશ જેવા શોભતા, અપ્રતિમ દૃશ્ય જેવું આ ગામ તથા તેની સામેના ભાગમાં આવેલી સફરજનની વાડીઓ, વનશ્રી અને નયનરમ્ય પહાડનું ચિત્ર મારા મનમાંથી કદી ખસ્યું નથી. તે વખતે જ વિચાર આવી ગયો હતો કે જીવનની સંધ્યામાં આવનારું વાનપ્રસ્થ અહીં જ કરીશ. કોઈ કોઈ સ્વપ્ન સત્ય નથી થતાં, તેમ છતાં તેમાંના કેટલાક સ્વપ્નોનું સૌંદર્ય એવું હોય છે કે તે જીવનભર આપણી સાથે રહે છે. આંખ મીંચતાં જ અંતર્દૃષ્ટિ સામે તે હાજર થાય છે અને લઈ જાય છે આપણા સૂક્ષ્મ શરીરને પેલી પગદંડી પર, જેની બન્ને બાજુએ આવેલી વાડ પર ગૂઝબેરી, રાસ્પબેરીના છોડ, સફરજનની વાડીઓમાં મબલક ફળથી ઝળૂંબતાં વૃક્ષ અને તેમને જોઈ આનંદ અને સંતોષનું સ્મિત કરતા હોય તેવા પર્વતની સમીપે! ભીમતાલના સરોવર, રાનીખેત અને અલ્મોડાની નિસર્ગ સંપદા જોઈને એવું લાગ્યું કે પુરુષ અને પ્રકૃતિને પરમાત્માએ અહીં એક સાથે ઉતાર્યાં છે. આ અલૌકિક દંપતીનું દર્શન કરવાનું ભાગ્ય કુમાંયૂંમાં મળ્યું અને જીવન ફરી એક વાર ધન્ય થયું!

કુમાંયૂંની સ્વર્ગીય સૌંદર્યસભર યાત્રા બાદ મારી બદલી મધ્ય પ્રદેશમાં આવેલા એક સપ્લાય યુનિટમાં થઈ. આ મારું પ્રથમ પોસ્ટંગિ હતું.

ગ્વાલિયર

સિંધિયાના પાટનગરમાં બદલી થઈ ત્યારે પહેલવહેલો કોઈ વિચાર આવ્યો હોય તો ઝાંસીની રાણી વીરાંગના લક્ષ્મીબાઈની સમાધિનો. સ્ટેશનથી અમારા કૅમ્પમાં જવાના રસ્તા પર આ દેવીની સમાધિ છે. યુનિટમાં જતી વખતે તેને સલામ ભરી, અને ત્યાર પછી પહેલી વાર કૅમ્પમાંથી શહેરમાં ગયો ત્યારે અહીં રોકાઈ તેમને ભાવાંજલિ આપી. સુભદ્રાદેવી ચૌહાણની કવિતાના શબ્દો યાદ આવ્યાં: ખૂબ લડી મર્દાની થી, વહ ઝાંસી વાલી રાની થી!

નવા યુનિટમાં મારી નિમણૂક રિસિટ્સ એન્ડ ડિસ્પૅચીસ ઓફિસર તરીકે થઈ.

1962ના યુદ્ધ બાદ મિલિટરીમાં વાહનોની કમી હતી. વિશ્વસનીય અને ખાતરી લાયક ગણાય તેવાં ખાસ વાહનોની ફાળવણીમાં અગ્રતા સરહદ પરના મોરચા સાચવી રહેલા યુનિટ્સને અપાતી. અમારું યુનિટ શાંતિના સ્થળે હતું તેથી ભારવહન માટે અમને ખાનગી પબ્લિક કૅરિયર કોન્ટ્રૅકટ પર લેવાની સૂચના આપવામાં આવી હતી. આવાં વાહનો માટે તેમની `રોડ-વર્ધીનેસ’ના સ્પેસિફિકેશન હોય છે, પરંતુ `ઓછામાં ઓછા’ ભાવનું ટેન્ડર સ્વીકારવાનો આદેશ હોવાથી કે કોઈ `અન્ય’ કારણસર સ્પેસિફિકેશનનું ધ્યાન રખાતું નહોતું. અમને મળેલા આવા `ઓછા ભાવના’ જે ખટારામાં બેસી રેલવે સ્ટેશન પર આવેલા પેટ્રોલના ટેંકર તથા અન્ય માલ-સામાનનું ચેકિંગ કરી તેની ડિલિવરી લેવા જતો તે વિશ્વની આઠમી અજાયબી સમાન હતો.

અમારા આ `સિવિલ’ ટ્રકની હાઈડ્રોલિક બ્રેક કામ નહોતી કરતી. તેથી બ્રેકને બદલે તેના હોર્નનો ઉપયોગ કરવામાં આવે. વસ્તીવાળા વિસ્તારમાં પ્રવેશ કરતી વેળાએ અર્ધા માઈલ દૂરથી હોર્નને સતત દાબીને સાઇરન જેવું વગાડવું પડે, જેથી માણસ રસ્તા પરથી હઠી જતાં અને જાનવર ચોમેર દોડવા લાગતાં. અંધાધૂંધ દોડતા જાનવરો અને ગેંડાની જેમ ધસી આવતી અમારી ટ્રકથી બચવા લોકો અમારી ટ્રકનું હોર્ન ઓળખવા લાગી ગયા હતા અને તે દૂરથી સાંભળી આખો રસ્તો ખાલી થઈ જતો. ટ્રકનું સેલ્ફ સ્ટાર્ટર કામ નહોતું કરતું. તેથી ટ્રકને ઢાળ પર ઊભી રાખવામાં આવતી. અહીં એક નાનકડો વાંધો પડતો: ટ્રકની હૅન્ડબ્રેક કામ નહોતો કરતી, તેથી ઢાળ પરથી તેને નીચાણવાળા ભાગમાં ધસી જતી રોકવા માટે તેના પૈડાંની આગળ મોટા પથ્થર મૂકવામાં આવતા. હવે પછી અમારા મજૂરોના કૌશલ્યની કસોટી થાય. વૅગનમાંથી અનાજની ગૂણો અમારી ટ્રકમાં ચડાવ્યા બાદ બે મજૂર પાછળના વ્હિલ પાસે જઈ પથ્થર ખસેડે અને ચારેક જણા પથ્થર ખસેડાયા બાદ ટ્રકને ધક્કો મારે. ટ્રક ગતિમાં આવે કે ડ્રાઇવર ઈગ્નિશન ઓન કરી ટ્રકને બીજા ગિયરમાં નાખે અને ક્લચ અને એક્સિલરેટર પર પમ્પંગિ કરવા લાગે. એન્જિન શરૂ થાય ત્યાં સુધી આ ચાલુ રહે અને જેવું ટ્રકનું એન્જિન ચાલુ થાય, મજૂરો પ્રાણ મુઠ્ઠીમાં મૂકી, વાનર જેવી ચપળતાથી કૂદીને ટ્રકમાં ચઢવા લાગે. આ જાણે ઓછું હોય, અમારા ડ્રાઇવરની એક આંખ બચપણમાં શીતળાને કારણે જ્યોતિવિહીન થઈ હતી! આવામાં ભૂલેચૂકે જો ગાડી રસ્તામાં રોકાઈ જાય તો અમારા દહાડિયા મજૂરોની આવી બને! ધક્કા મારી મારીને તેઓ થાકી જાય અને ટ્રક ચાલુ થઈ જાય તો નસીબ નહીં તો કોઈ ભલા ટ્રક ડ્રાઇવરની મદદથી `ટો’ કરીને યુનિટ સુધી લઈ જવાની જહેમત કરવી પડે!

પંજાબી ટ્રક માલિકોને તેમના `ખટારા’ પાછળ કંઈક ને કંઈક લખવાની ટેવ હોય છે. અમારી ટ્રકની પાછળ લખાયેલા વાક્યમાં અમારા વાહનની હાલત સ્પષ્ટ રીતે જણાવી હતી: સદ્ગુરૂ તેરી ઓટ. અર્થ: પરમાત્મા, તારો આધાર!

આવી હતી અમારી વાહનયાત્રા!

યુનિટમાંના મારા સમય દરમિયાન અમારું વાર્ષિક ઇન્સ્પેક્શન થયું. અન્ય વાતોની સાથે શારીરિક ક્ષમતાની પણ કસોટી થાય. તેમાં અમારા દરેક અફસર અને જવાને પૂરી ઇક્વિપમેન્ટ સાથે એક કલાકમાં પાંચ માઈલની દોડ કરવાની હતી. દોડ દરમિયાન મારા ખાતાના 48 વર્ષના નાયક (કોર્પાેરલ) અને એક બુઢ્ઢા હવાલદાર હાંફી ગયા. તેઓ રાઇફલ સાથે દોડતા હતા અને તેમની હાલત એવી થઈ હતી કે બન્નેમાંથી કોઈ એક ડગલું પણ દોડી શકે તેમ નહોતાં. મારા સાથી લેફ્ટનન્ટ સુરેશનંદ ધસ્માના અને મેં તેમની રાઇફલો ઊંચકી લીધી, અને આખી દોડ પૂરી થાય ત્યાં સુધી તેમની સાથે રહી તેમને દોડ પૂરી કરવા ઉત્તેજન આપતા રહ્યા. વજન હળવું થવાથી અમારા સાથીઓ પણ દોડ પૂરી કરી શક્યા.

આખું યુનિટ એન્ડ્યોરન્સમાં સફળ થયું તેની ઇન્સ્પેક્શનમાં ખાસ નોંધ લેવામાં આવી.

3 thoughts on “જીપ્સીની ડાયરી-૮ (કેપ્ટન નરેંદ્ર ફણસે)

  1. ‘ઓર્ડરલી રામખિલાવન દોડની અંતિમ રેખા પાસે બાટલીમાં લીંબુનું શરબત અને બરફ લઈને મારી રાહ જોઈને બેસી રહ્યો હતો. `સાબજી, ઈસમેં થોડા કાલા નમક ડાલા હૈ, જિસસે આપકે જિસમકા બૅલેન્સ ઠીક રહેગા!’ કોણ જાણે તે ક્યાંથી શરીરમાંના પ્રવાહી `ઇલેક્ટ્રોલાઇટના બૅલેન્સ’ વિશે માહિતી કાઢી આવ્યો હતો.’ આ વાત દરેકે અજમાવવા જેવિ છે તબિબની જરુર નહીં પડે,વાહ `શિકંજવી !
    ‘રાનીખેતના રસ્તા પર આવેલ રમણીય રામગઢ અલપઝલપ જોયું હતુ હવે રોકાવવું પડશે.
    વાહનયાત્રા! એ યાદ આવ્યું ચલતીકા નામ ગાડી રુકે વો ખટારા!
    ‘આખું યુનિટ એન્ડ્યોરન્સમાં સફળ’તેને જ સફળ કહેવાય એક પણ અસફળતા આખી યુનીટને નાપાસ કરે !

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s