હેલ્થ એન્ડ કેર ફાઉંડેશન – ૨ (ડો. ભરત ભગત)


અંકુર ફૂટ્યા અને વાતાવરણ બદલાયું

ઉત્તમ બી, ઉત્તમ માવજત સાથે યોગ્ય સમયે રોપાઈ ગયું હતું. નાના શીશુ જેવી ઉત્કંઠા હતી. જ્યારે કોઈ બાળક થોડા દાણા જમીનમાં નાંખી દે અને થોડા દિવસ પછી એમાંથી કંઈક ફુટશે એની આતુરતા એને અનહદ હોય છે. બસ એવી જ આતુરતા હતી. હવે સમગ્ર ધ્યાન એ દિવસ ઉપર હતું કે જ્યારે પહેલું ઓપરેશન થવાનું હતું. મિત્રો પણ ઉત્સાહ અને આતુરતાથી એ દિવસની રાહ જોઈ રહ્યા હતાં. ખાનગી હૉસ્પિટલમાં જ આ ઑપરેશન કરાવવાનો આગ્રહ કેમ છે એ પ્રશ્ન મને વારંવાર પૂછાયો હતો ત્યારે મારો ઉત્તર સરળ હતો કે સરકારી હૉસ્પિટલના મોટા તંત્રમાં હજારો દર્દીઓની ભીડમાં, ઇજાગ્રસ્ત વ્યકિતઓની પ્રાથમિકતામાં આવા દર્દીઓનું ધ્યાનપૂર્વક કાર્ય કરવું મુશ્કેલ બને છે. થાય તો પણ દર્દીને સમજાવવાનું અને સહાનુભૂતિપૂર્ણ રીતે સારવાર કરવાનું શકય નથી. આપણે તે ખાનગી હૉસ્પિટલમાં જરૂર આપી શકીશું. અને થયું પણ એમ જ! કોઈ અજાણ્યા માનવીના બાળકનું ઑપરેશન હોય અને આટલી બધી વ્યકિતઓ પોતાના જ બાળકનું ઓપરેશન હોય એ ચિંતાથી ઊભી હોય તેવું કયાંથી બને? ભારતમાં આ બને, અને ખાનગી હૉસ્પિટલમાં વધુ સરળતાથી બને.

પહેલું ઑપરેશન થયું, સારું થયું. બીજા દિવસે બીજું અને ત્રીજા દિવસે ત્રીજું.

બધા જ બાળકો હસતા-રમતાં હતાં. જવાબદાર લાયન્સ મિત્રોએ તેમને પરિવારિક હુંફ આપી. તેમને ખુશ રાખવાની હરકોઈ જવાબદારી સ્વૈચ્છિક રીતે ઉપાડી પૂર્ણ કરી. દસમાં દિવસે પ્લાસ્ટર સાથે બાળકો પહોંચી જાય અપંગ માનવ મંડળના સ્પેશિયલ કેર સેન્ટરમાં. એક પછી એક પચ્ચીસ ઓપરેશન થતા ગયા. ક્રમાનુસાર પ્લાસ્ટર નીકળતાં ગયો, કેલિપર્સ અપાતાં ગયાં. જે કયારેય પોતાના પગે ચાલ્યા ન હતાં તે હવે ઊભા થઈ જાતે ચાલવા માંડ્યા. એમની આખી દુનિયા બદલાઈ ગઈ. તેમના ચહેરાનો આનંદ શબ્દમાં વ્યક્ત જ કેમ થાય? એ તો હતો અવર્ણનિય, અવચનિય ! એમના એ ચહેરા, મારા સ્મૃતિપટ ઉપર અંકાઈ ગયા. જ્યારે જ્યારે યાદ આવે છે ત્યારે ત્યારે આંખ ભીની થાય છે. મને સમજાય છે કે અમે કંઈ નવું કર્યું- જે થઈ ગયું હતું.

મિત્રો ખુશ, ફોટા પાડ્યા – છપાયા અને દરેક પોતપોતાના કામે લાગી ગયા. પણ મને ક્યાં ખબર હતી કે આ પચ્ચીસ બાળકોની શસકિયા એ કાર્યની પૂર્ણાહુતી નહીં પણ એક મહાન કાર્યની દિશામાં પગરણ માંડવાનું આ પહેલું પગલું જ હતું. ભાવિના ગર્ભમાં શું હતું તેની મને ખબર નહતી પરંતુ આ કાર્યએ મને એક નવી દષ્ટિ આપી, આયોજનશકિત કેળવવાની તક આપી. સારા વહીવટકાર બનવાની કુનેહ આપી. એક વાત સમજાઈ:

તમારે કોઈ મોટા વૃક્ષનું થડ કાપવું હોય અને એ માટે તમને આઠ કલાક લાગે એમ હોય તો, કુહાડીની ધાર કાઢવામાં છ કલાક આપવા જોઇએ. આ સમય આપશો તો બાકીનું કામ બે કલાકમાં થઈ જશે.

કોઈ પણ પ્રોજેકટ, ભલે ઇન્ડસ્ટ્રીનો હોય, વેપારનો હોય કે સેવાનો હોય. આયોજન માટે વધુમાં વધુ સમય આપીએ તો પરિણામ ઉત્તમ મળશે એ નિ:શંક છે. કાર્યની વિગતોનો અભ્યાસ અને સમયની શિસ્ત વધુ ઉપયોગી નીવડે છે.

એક વાત મને ખૂંચતી. આખા પ્રોજેકટમાં બધું જ સારું હતું પરંતુ ડૉકટર્સના ટાઇમની અનિશ્ચિતતા, સોનાની થાળીમાં લોઢાથી મેખ સમી ભાસતી. દર્દીઓ અને લાયન મિત્રોની ફરીયાદો મળતી. હું ધુંધવાતો પણ સ્વૈચ્છિક સેવા આપનાર તબીબોને કહી શકાય તેમ નહતું. લાચારી અનુભવતો. પરંતુ એક દિવસ મેં મારી જાતને સેવાભાવી ડૉકટરોની જાતમાં મૂકી જોઈ. એમના દષ્ટિકોણથી સમસ્યાને સમજવાની કોશિશ કરી ત્યારે મને સમજાયું કે સ્વૈચ્છિક સેવારત માનવી એ સામાન્ય હોય કે તજજ્ઞ, એની અંગત ભોગ આપવાની એક મર્યાદા હોય છે. કાર્ય કરનાર સમયદાન આપે, જ્ઞાન દાન આપે અગર ધનદાન કરે પણ પ્રત્યેકની એકમર્યાદા હોય. એ મર્યાદા શબ્દોમાં ના મૂકાય પણ નેતૃત્વ ધરાવતી વ્યકિતએ એ વાતો સાંભળી લેવી રહે. તબીબો વિના મૂલ્યે પોતાનો સમય આપે, દર્દીની સારવાર કરે પરંતુ એ પોતાની પ્રેકટીસ ગુમાવે તેવી અપેક્ષા કોઈથી રખાય જ નહીં. પોતાની વ્યસ્તતામાં કામ કરતાં તબીબો પોતાના આરામનો, કુટુંબનો કે આનંદપ્રમોદ માટેનો સમય સંસ્થા કે દદી માટે ફાળવે તો સંસ્થાઓએ પણ તેમના સમયદાનને સાભાર સ્વીકારી, સમયના બંધનને છોડવો પડે. આપણી અપેક્ષાઓથી એમને મુકત રાખી કાર્ય કરવાની મોકળાશ આપવી પડે.

સામાને સમજતાં આવડી જાય તો બધું જ સરળ બની જાય, બીજાની દૃષ્ટિએ આપણે જોવા માંડીએ તો સમસ્યા સર્જાય જ નહીં. ત્યારથી આજ સુધી એટલે કે ત્રીસ વર્ષની આ યાત્રામાં કોઈ સેવાભાવી તબીબને બંધન ન લાગે, કામનો ભાર ના લાગે પરંતુ આ કાર્યમાં જોડાઈ આનંદ અનુભવે એવો અમારો પ્રયાસ છે. એટલે જ અદ્દભૂત અને વિરલ ઘટના ઘટી છે કે કોઈ ડોક્ટર અમારાથી નારાજ થઈને અમને છોડી ગયો નથી.

જ્યારે સંસ્થાઓ આંકડામાં અટવાયા વિના, અહમને આડે લાવ્યા વિના, સદ્દભાવથી સહયોગી બને ત્યારે અકલ્પનીય પરિણામો આપી શકે. તમામ દર્દીઓ ચાલતા થયાં ત્યારે યોજાયેલા સમારંભમાં અપંગ માનવ મંદિરના તત્કાલીન પ્રમુખ શ્રીઆત્મારામભાઈ સુતરિયાએ કહયું કે: “આટલા વર્ષોથી અપંગો માટેની આ સંસ્થા ચલાવીએ છીએ. જરૂર પડે તો કયારેક અમે આવા દર્દીઓને જનરલ હોસ્પિટલમાં મોકલીએ છીએ પરંતુ ખાનગી નસિંગ હોમમાં વિના મૂલ્ય આટલા સુંદર પરિણામવાળી શસ્ત્રક્રિયા કરાવી શકાય એનો અમને વિચાર જ નહતો આવ્યો. તમે અમને નવી દિશા આપી.”

હું વિચારતો હતો કે મેં ખરેખર એમને નવી દિશા આપી છે કે એમણે મારા માટે લોન્ચીંગ પેડનું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે? મારે અહીં કયાં અટકવાનું હતું? બીજા વર્ષે હું અપંગ માનવ મંડળની મુલાકાતે ગયો ત્યારે ઑપરેશનથી લાભાન્વિત થયેલા તમામ બાળકો સસ્મિત આવકાર સાથે દરવાજે એક લાઈનમાં ઊભા હતાં. મને જોતાં નમસ્કાર કરી, પુષ્પો આપી મારું સ્વાગત કર્યું. ચહેરા પર સ્મિત, આંખોમાં આનંદ અને આવકારમાં એમણે હૈયું ઠાલવી દીધું હતું. હું ત્યાંજ રોકાઈ ગયો. એક એકને વ્યકિતગત મળ્યો. બધાએ મને એક સાથે નમસ્કાર કર્યા. એ પછી અમારી વચ્ચે સંવાદ થયો. નિ:શબ્દ ! કહ્યા વિના એમણે મને સ્પંદનો દ્વારા સંદેશો પાઠવ્યો કે અમે તો સારા થઈ ગયા પરંતુ અંદર હજી ઘણાં બધાં અમારી જેમ સ્વબળે ઊભા થવા આતુરતાથી તમારી રાહ જુએ છે. સ્પંદનવિજ્ઞાન એક નીવડેલું વિજ્ઞાન છે જેના ખૂબ પ્રયોગો લાઓત્સ નામના ચીનના તત્વદર્શકે સફળતાથી કર્યા છે. આ બાળયોગીઓએ એમના હૃદયની વાત મારા હૃદયમાં પ્રસ્થાપિત કરી દીધી.

બે દિવસમાં જ પાછી હલચલ શરૂ થઈ. મનોમંથન આરંભાયું અને રસ્તો સૂઝયો ત્યાં સુધી મન અશાંત જ રહ્યું, પરમ મિત્ર સર્વજ્ઞ ગોડીઆવાલા લાયન્સ કલબના હોદ્દા ઉપર હતાં. મેં આ કાર્ય કરવા તેમની ઉપર હક કર્યો અને તેમણે સહર્ષ સ્વીકાર્યો. બીજા પંદર બાળકોની શસ્ત્રકિયાનો નિર્ણય થયો. જે થોડાજ સમયમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો.

અંકુરનું તો અવતરણ થઈ ચૂકયું હતું હવે છોડ થવા એને વધુ માવજતની જરૂર હતી. લાયન્સ કલબનાં હોદ્દેદારોનો હવે રસ ઓછો થયો હતો એને તો હું સંભાળી શકત પરંતુ એક વિકટ પરિસ્થિતિ ઊભી થઈ જેમાં મારી અગ્નિપરીક્ષા થઇ.

માનવ સ્વભાવ મુજબ મને મળેલી સફળતાની ઇર્ચા શરૂ થઈ. સવાયા થવાના સ્વપ્ના કોઈકના મનમાં રમવા માંડ્યા. જે સર્જન સાથે હું તાલમેલથી કાર્ય કરતો હતો, જેમને હું યશ અને જશ આપતો હતો તેમને હવે આ કાર્યમાં મારી જરૂર નહતી. અત્યાર સુધી મારી પાસે નસિંગહોમનો ખર્ચ જ માંગતા હતાં તે હવે વધારીને મારી શકિતમર્યાદાની ઉપર લઈ ગયા. લાયન્સના હોદ્દેદારો ને આ ખર્ચ કરવો ભારે પડતો હતો. મેં તો માત્ર રૂ. ૨૦૦૦ની ટહેલ પ્રતિ ઑપરેશન નાંખી હતી જે બારોબાર એમને જતાં. પણ પ્રતિષ્ઠાની ભૂખમાં એમણે રસ્તો અપનાવ્યો કે મારી પાસે બે હજારથી પણ વધુ લેવા અને જો કોઈ લાયન્સ મિત્રો એમની પાસે જાય તો ખૂબ ઓછા ખર્ચમાં ઓપરેશન કરી આપે. લાયન્સ કલબો સાથે એમણે સીધા જ જોડાવાનું શરૂ કર્યું.

મારી જાણ બહાર, મારી પ્રતિભા અને પ્રતિષ્ઠા ઉપર એમના આ પગલાંથી છાંટા ઉડવા માંડ્યા. મિત્રોને લાગ્યું કે હું વધારે પૈસા માંગું છું. સીધું તો ન જ કહે પરંતુ ટીકાત્મક વાતો ફેલાતી ગઈ. નિ:સ્વાર્થ રીતે, સત્યના રસ્તે માત્ર સેવાભાવનાથી કાર્ય કરતાં મારા જીવને દુ:ખ થવા માંડ્યું. કયારેક ક્ષોભજનક સ્થિતિમાં પણ મૂકાવું પડ્યું. ડોકટરને હવે પૈસા નહીં પ્રતિષ્ઠા કમાવવી હતી. ભાગીદારી ખપતી ન હતી. મેં કંડારેલી કેડી ઉપર ચાલી રાજમાર્ગ બનાવવાની ધૂન હવે તેમના ઉપર છવાયેલી હતી.

સત્યની અગ્નિપરીક્ષાઓ લેવાય, અસત્યનો જય જયકાર! પણ મને મારા સત્યમાં સંપૂર્ણ વિશ્વાસ હતો. હું તમામ રીતે શુદ્ધ અને પવિત્ર હતો એટલે આ વિકટ સમયે મેં મૌન રાખવાનું જ પસંદ કર્યું. સમય જ સમયનું કામ કરશે એટલે ચૂપચાપ જોયા કર્યું. ન હું હતાશ થયો કે ન ભાગી પડ્યો પરંતું ઊંચા કૂદકા માટે લાંબી દોડની તૈયારી કરવામાં મેં મારા સમય અને શકિતને કેન્દ્રીત કર્યા. પરિણામ એ આવ્યું કે એ સર્જન આજે વિસરાઈ ગયા અને અમે પોલીઓ ફાઉન્ડેશનનું સર્જન કરી શકયા. જરૂરી હતું ધ્યેય પ્રાપ્તિ માટે બધું જ સહન કરવાની તત્પરતા, તૈયારી અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરવાની શકિત. હું સાવ ચૂપ થઈ ગયો. વિરકત બનીગયો, બહારથી! પરંતુ અંદર તો પ્રગટેલી જ્યોતને ઝગમગાવવાની તલપ અસિમ અને અમાપ હતી. આવી અડચણોને પચાવવાની તાકાત જ વ્યકિતને ઉર્ધ્વગામી બનાવે છે. તમારી તરફ ફેંકાયેલા તમામ પથ્થરોનો ઉપયોગ તમે પગથિયા બનાવવામાં કરી શકો છો. આ સિદ્ધાંત મેં અમલમાં મૂકી દીધો અને પછી થોડાજ સમયમાં દિશા અને દશા બંને બદલાયા. જે વિરોધી હતાં તેમને સત્ય સમજાયું અને મારું આંગણ ઉભરાવા માંડ્યું! મને લક્ષ્મી ડોબરિયાની પંકિતઓ યાદ આવી ગઈ:

જો માળવે જવુંજ હો, રસ્તા મળે ઘણા,

ઝરણાં કદીય ક્યાંય નથી ઉતર્યા ઊણાં.

કોઈને સાંભળ્યા પછી એવું ય થાય કે –

ઝળહળ થઈ ગયા હશે એકાદ – બે ખૂણાં.

આ વાયરાની વાતમાં આવ્યા છે ત્યારથી,

એ આવશેએની રાહમાં ખુલ્લાં છે બારણાં,

વહેતા સમયની સાખે આ સાબિત થઈ ગયું ,

બળક્ટ છે સાદગી ને અરીસા છે વામણાં.

પોલીઓગ્રસ્ત દર્દીઓની સંખ્યા અમારી તરફ દોટ માંડી રહી હતી. સમય, ટીમ, નાંણાની મર્યાદાઓ ઉપરાંત ઓપરેશન માટેની જગ્યાનો અભાવ નડી રહ્યો હતો. કામમાં રૂકાવટ આવી, ઉત્સાહમાં સ્થગિતતા પ્રવેશી રહી હતી પરંતું ઈશ્વરેચ્છા બલિયસીના ભાવથી રોકાઈ જવું યોગ્ય લાગ્યું હતું. અંદર અદમ્ય ઈચ્છા હતી, ઈશ્વરમાં શ્રધ્ધા અસિમ હતી અને યોગ્ય સમયની આતુરતા હતી. ભાવિના ગર્ભમાં શું છુપાયું છે એ ક્યાં કોઈને ખબર હતી પરંતું પાછળ નજર કરું છું ત્યારે સમજાય છે કે સમય તો એક ઇન્વેસ્ટમેન્ટ માત્ર હતો.

3 thoughts on “હેલ્થ એન્ડ કેર ફાઉંડેશન – ૨ (ડો. ભરત ભગત)

 1. “મૂકમ કરોતિ વાચાલમ, પંગુમ લંગયતે ગિરિમ…” જે કયારેય પોતાના પગે ચાલ્યા ન હતાં તે હવે ઊભા થઈ જાતે ચાલવા માંડ્યા. એમની આખી દુનિયા બદલાઈ ગઈ. તેમના ચહેરાનો આનંદ શબ્દમાં વ્યક્ત જ કેમ થાય? એ તો હતો અવર્ણનિય, અવચનિય ! એમના એ ચહેરા, મારા સ્મૃતિપટ ઉપર અંકાઈ ગયા. વાતે અમને પણ આનંદ ધન્ય તમે ધન્ય સેવાઓ
  ‘જ્યારે સંસ્થાઓ આંકડામાં અટવાયા વિના, અહમને આડે લાવ્યા વિના, સદ્દભાવથી સહયોગી બને ત્યારે અકલ્પનીય પરિણામો આપી શકે.’પ્રેરણાદાયી વાત
  પોલીઓગ્રસ્ત દર્દીઓની સંખ્યા અમારી તરફ દોટ… પરંતું ઈશ્વરેચ્છા બલિયસી વાતે યાદ ઇશ્વરકે યહાં દેર હૈ અંધેર નહીં

  Liked by 2 people

 2. તમારે કોઈ મોટા વૃક્ષનું થડ કાપવું હોય અને એ માટે તમને આઠ કલાક લાગે એમ હોય તો, કુહાડીની ધાર કાઢવામાં છ કલાક આપવા જોઇએ. આ સમય આપશો તો બાકીનું કામ બે કલાકમાં થઈ જશે.
  ——————
  અદભૂત, આ વાત બધે લાગુ પડે છે.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s