કાવ્યધારા-૨ (રજુઆતઃ જયશ્રી વિનુ મરચંટ)


(આજે “કાવ્યધારા”માં, મનીષા જોષીનાસ્ત્રીકાવ્યનો આસ્વાદ શ્રી મુકેશ જોષીએ કરાવ્યો છે. “આંગણાં”નું આ સદભાગ્ય છે કે આજે આ શ્રેણીના બીજા સપ્તાહમાં ગુજરાતી સાહિત્યના બે સક્ષમ અને યુવાન કવિઓના શબ્દોની જુગલબંધીને માણવાનો મોકો મળી રહ્યો છે. )

સ્ત્રી   મનીષા જોષી                            

મારી અંદર એક વૃક્ષ

ફળોના ભારથી ઝૂકેલું ઊભું છે.

નવા મહોરતા ફૂલોના રંગથી મહેકતી,

તાજા જન્મેલા પંખીઓના બચ્ચાના

તીણા અવાજથી ચહેકતી,

તસુએ તસુ, તરબતર, હું, એક સ્ત્રી.

કીડીઓની હાર ફરી વળે છે, મારા અંગ પર,

અજગર વીંટળાય છે,

અંધારું આલિંગે છે

અને મારી શાખાઓ પરથી ઝર્યા કરે છે, મધ.

મોડી સાંજે,

ડાળીએ ડાળીએ ફરી વળતા અંધારા ભેગી

સરકતી આવતી ઉદાસીને

પાંદડાની છાલમાં છૂપાવી લેતા મને આવડે છે.

મને આવડી ગયું છે

પાનખરમાં પાંદડાઓને ખંખેરી નાખતા.

સૂકાં, પીળા પાન

તાણી જાય છે, ઉદાસીને

નદીના વહેણમાં.

હું અહીંથી પડખું યે ફરતી નથી,

પણ મને ખબર છે,

નદી પારના કોઇક સ્મશાનમાં

સૂકાં, પીળા પાંદડાઓ ભેગી

ભડકે બળતી હશે, મારી ઉદાસી.

પાંદડા બળવાની સુગંધ

ઓળખી લે છે,

દરેક લીલુંછમ વૃક્ષ.

કાવ્યનો આસ્વાદ મુકેશ જોષી

સૌંદર્ય વત્તા રહસ્ય વત્તા કાળજી એટલે સ્ત્રી એવું સમીકરણ આપણે જાણીએ છીએ. આપણે સ્ત્રીને માતા, બહેન, પત્ની, ભાભી કે સાસુ રૂપે જ જોઈ છે અથવા તો આપણે સ્ત્રીને એર હોસ્ટેસ, દાયણ કે કોલગર્લ તરીકે જ જોઈ છે. આપણે સ્ત્રીને સ્ત્રી તરીકે તો જોઈ જ નથી એવું ઘણી વાર લાગે છે. સ્ત્રીને વ્યાખ્યામાં શોધવાને બદલે એને સ્ત્રીમાં જ શોધવી જોઈએ

મનીષા જોષી, સ્ત્રી શું છે એની, આ કાવ્યમાં પાંચ-સાત પંક્તિના આછા લસરકાથી સ્ત્રીની ચોક્કસ ઈમેજ ઊભી કરી આપે છે. સ્ત્રી તો તાંબુ મિક્સ કર્યા વિનાનું ૨૪ કેરેટ સોનું છે. એક વૃક્ષ પાસે હોય તેવો જ વૈભવ સ્ત્રી પાસે છે, પણ, સહેજ વધારે કેમ કે વૃક્ષ આંખના ઇશારાથી કોઈને બોલાવી શકતું નથી, કે પછી જાદુ ભર્યા શબ્દોથી કોઈને પીગળાવી શકતું નથી. વૃક્ષ પાસે એનો છાંયડો છે. જો કે આવો છાંયડો સ્ત્રીના પાલવ પાસે પણ છે. ફૂલો જેવો રંગ છે, સુગંધ છે, રસ ટપકતા ફળ જેવી એની કાયા છે. અહીં પંખીના બચ્ચાનો ઉલ્લેખ કરીને, તીણો છતાં ગમતીલા સ્વર સાથે સાથે બચ્ચાને ધારણ કરવાની જેનામાં ક્ષમતા છે, એ સ્ત્રી છે સંપૂર્ણ સ્ત્રી. જરાય ઓછી નહીં, એક ઈંચ પણ ઓછી નહીં!  મેનકા જેવી કે મધર ટેરેસા જેવી, પણ એક સંપૂર્ણ સ્ત્રી! મનીષા જોષી એમાં ‘તરબતર’ શબ્દ પ્રયોગ કરે છે. આ એક શબ્દમાં આગળ પ્રયોજેલા બધા વિશેષણો ઓગળીને એકરસ થઇ જાય છે.

જગત ને આગળ લઇ જવામાં એટલે કે સૃષ્ટિના કાર્યને આગળ ધપાવવાની અઘરી જવાબદારી એના માથે સોંપવામાં આવી છે. મૃત્યુની સાવ નજીક જઈને એ બચ્ચાને જન્મ આપે છે. પરંતુ, એ પહેલાં એની રસ ટપકતી કાયાના કામણ પાથરે છે. એની મદહોશીના ઘૂંટ ભરવા મહેફિલો મંડાય છે અને વિખરાય છે. એની સુગંધમાં ડૂબી જવા કેટલાય ઊંડા દરિયામાં ઝંપલાવે છે. ગોળના કટ્ટાની સુગંધ માત્રથી જેમ દૂર દૂરથી કીડીઓ આવી ચડે એમ, એના સૌંદર્યનું રસપાન કરવા યોગી, ભોગી કે રોગી, બધા જ દોટ મૂકે છે. (પાંડુએ એવા સહેવાસ માટે જીવ આપી દીધો અને વિશ્વામિત્રએ વર્ષોનું તપ એવી એક ક્ષણ પામવા તોડેલું). અંધકાર વેળાએ એ સહસ્ત્રગણી સુંદર બની જાય છે. એના એક ક્ષણના આલિંગનમાં યુગોની તરસને તૃપ્તિ મળે છે અને બીજી જ ક્ષણે એ તરસ બેવડાય છે. આવા પ્રચુર આલિંગનોમાં જે રાત્રીઓ વહે છે, તે, સમય ને લીસ્સો કરી મૂકે છે. સ્ત્રી આવા રેશમિયા સ્પર્શ પછી કશુંક વિશેષ અનુભવે છે અને આ કાવ્યની મઝા પણ એ જ છે.

કીડી જેમ ઊભરાતા કેટલા બધા આતુરો એના રસના ટપકા ચાખવા બેચેન હોય છે. રસ વહાવવાના બદલામાં એને શું મળે છે? કદીક પ્રેમ તો કદી પ્રેમના નામે દગો.  ખરેખર તો, બદલામાં એ ડંખ સહે છે. એ ચટકા ક્યારેક એને પીડા આપે છે. કોઈક નાના સરખા વાયદા કરીને દૂર દૂર ચાલ્યા જાય છે. કોઈક એને જરૂરિયાતનું સાધન ગણીને અવગણીને ચાલ્યું જાય છે. સ્ત્રીના પાલવમાં ઉદાસી મૂકી જનારાને પણ એ બરાબર ઓળખે છે. પરંતુ એ મદાંધોથી હારી જાય છે એમ નથી. એને આવડે છે એની ઉદાસીના, એના દુ:ખના સમયને સંતાડતાં! એ પોતાના અસ્તિત્વમાં આ ક્ષણો છુપાવી લે છે. સમયનો લાગ જોઈને, એ પાનખરની મોસમના પાંદડા સાથે ઉદાસીને પણ વહેતી કરે છે.  સમયની નદીની પેલી પાર, ઠેઠ પેલી પાર, સ્મશાન સુધી. જયારે ઉદાસી બળે છે, ભળકે બળે છે ત્યારે, એની એક તીવ્ર વાસ ફેલાઈ જાય છે.  આ વાસ પેલા વૃક્ષ સુધી પહોંચે છે કહીને એણે મોટો કટાક્ષ કર્યો છે. સ્ત્રીના અસ્તિત્વને આંસુથી છલકાવી દેવાની કોશિશ કરનાર સ્વયં એના વિશ્વ જગતમાં એકલો અટૂલો પડી જાય છે. સ્ત્રી આવા નાના પેંતરાઓ થી જરાય ડગે એમ નથી. સ્ત્રીના શરીર સાથે કે એની લાગણી સાથે રમનારા પોતે જ બળી ને ભસ્મ થાય છે અને સ્ત્રીની વિજયી મુદ્રા અખંડિત રહે છે. કારણ કે એ સંપૂર્ણ સ્ત્રી છે.

  • મુકેશ જોષી

    ***************************************************************************

( કવિશ્રી મુકેશ જોષીની કવિતા “કાગળ લખવાના એ દિવસો ગયા, “નો આસ્વાદ કવિ શ્રી હિતેન આનંદપરાએ કરાવ્યો છે.)

કાગળ લખવાના દિવસો

આજે તારો કાગળ મળ્યો

ગોળ ખાઈને દિવસ ઊગે, એવો દિવસ ગળ્યો

એક ટપાલી મૂકે હાથમાં.. વ્હાલ ભરેલો અવસર

થાય કે બોણી આપું, પહેલાં છાંટું એને અત્તર

વૃક્ષોને ફળ આવે એવો મને ટપાલી ફળ્યો

તરસ ભરેલા પરબીડિયાની વચ્ચે મારી જાત

‘લે મને પી જા હે કાગળ!’ પછી માંડજે વાત

મારો જીવ જ મને મૂકીને અક્ષરમાં જઈ ભળ્યો

એકે એક શબદની આંખો, અજવાળાથી છલકે

તારા અક્ષર તારા જેવું, મીઠું મીઠું મલકે

મારો સૂરજ પશ્ચિમ બદલે તારી બાજુ ઢળ્યો

  • મુકેશ જોષી

 કાગળ લખવાના એ દિવસોનો આસ્વાદ હિતેન આનંદપરા

એક જમાનો હતો જ્યારે એસએમએસ, ઈમેલ કે વૉટ્સેપની સગવડો નહોતી. આ કંઈ બહુ જૂની વાત નથી. 1995માં મોબાઈલ અને ઈન્ટરનેટની સેવા ભારતમાં શરૂ થઈ. હજી તો આ વાતને બે દાયકા પણ નથી થયા, છતાં ટેકનોલોજીનો વિકાસ એવો ત્વરિત ને તોખાર છે કે બે-ચાર મહિનામાં નવી શોધ જૂની લાગવા માંડે. આવા ફાસ્ટ જમાનામાં કાગળ લખવાની રીતરસમને યાદ કરીએ તો લોકો જૂનવાણી ગણે.

ટપાલી આમ જુએ તો જાણે ભગવાને મોકલેલો ફરિસ્તો જ ગણાતો. વિશેષ કરીને પ્રેમપત્રોની આપલે થતી હોય ત્યારે જાણે ગોરમહારાજ ટપાલીના સ્વરૂપે પત્ર આપતા હોય એવી મનગમતી કલ્પનાઓમાં મનને વિહરવું ગમતું.

કાગળ લખવાની એક પદ્ધતિ રહેતી. કાગળ લખવા બેસીએ એટલે જાણે પરીક્ષા આપવા બેઠા હોઈએ એવી કસોટી થાય. સ્કૂલમાં પત્રલેખન માટે કરેલી ગોખણપટ્ટી પ્રેમપત્રમાં કામ ન લાગે. માનનીય મહોદયશ્રી, સંદર્ભ ક્રમાંક, જત જણાવવાનું કે ઈત્યાદિ ઈત્યાદિ ભાષા પ્રેમપત્ર માટે નગુણી અને નીરસ ગણાય. અધિકારીઓને લખવામાં વપરાતી ભાષા જેના પર અધિકાર મળવાનો છે એ પ્રિયજન માટે ન વપરાય. ખરી કસોટી અહીં જ શરૂ થાય.

સંબોધન શોધવામાં ઘણીવાર ખાસ્સી મથામણ કરવી પડે. ત્રણ-ચાર મસ્સાલા ચા ઓવારી જઈએ તોય ચાહ કાગળ પર ન ઉતરે. ઘણા બધા વિકલ્પો વિચારાય, પણ અંતે તો સૌનું ફેવરીટ એવું વ્હાલી-વ્હાલા-પ્રિય સંબોધન વિજેતા નીવડે. વ્હાલી શબ્દ લખવામાં તો પેન પાણી પાણી થઈ જાય ને એના પછી પ્રિયજનનું નામ લખી પેન પતાસું બની જાય. કોઈ પણ કંપનીની હોય, વિવિધ સંવેદનો સાથે પેન રોમાંચ ધારણ કરતી રહે. કાગળ પૂરો લખાય અને અંતે ‘તારો’ કે ‘તારી’ જેવું લિખિતંગ લખાય ત્યારે એક તરફ કાગળ લખવાનો હર્ષ હોય અને બીજી તરફ કાગળ પૂરો થયાનો વસવસો.

પ્રિયજનનો પત્ર આમ તો કબાટમાં મૂકેલી ચલણી નોટોથી, પચ્ચીસ-પચાસ લાખ રૂપિયાની લોટરી ટિકિટથી જરાય ઉતરતો નથી. આમ તો એ કાગળનો ટુકડો છે, પણ હકીકતમાં એ વાદળનો ટુકડો છે જેમાં વરસાદ છૂપાયો છે. એમાં વિરહની વીજળીના કડાકા પણ સંભળાય અને મિલનના ઝબકારા પણ દેખાય. દૂર દૂર રહેતા હોવા છતાં આ કાગળને કારણે બે જણ વચ્ચે એક સાંનિધ્ય સર્જાતું.

આજે જમાનો બદલાઈ ગયો છે. મોબાઈલ પર મેસેજે સેવાઓને કારણે પ્રતીક્ષા બિચારી વિહવળ થવાનું જ ભૂલી ગઈ છે. પ્રિયજન મોડું પડે તો અનુભવાતો થડકારો, મૂંઝારો કલ્પનાનો વિષય બની ગયો છે. બસ સ્ટોપ પર જોવાતી રાહ હવે રાહ તાકવાની બદલે મોબાઈલ પર ગૅમ રમી ટાઈમપાસ કરી લે છે. લાંબું ચેટિંગ ડેટિંગના દરિયાને બૂરી દે.

કમ્યુનિકેશન લખલૂટ ઉપલબ્ધ થયું છે. તેના કારણે રોજબરોજના કામ પતાવવામાં ઘણી સરળતા રહે. વાત પ્રેમની આવે એટલે એને અલગ કાયદાઓ લાગુ પડે. પારંપરિક પદ્ધતિઓમાં જે લગન અને લાગણી છલકાતા હતા એ ગેઝેટ્સમાં નથી દેખાતા. અક્ષરની ઓળખ ભૂલાતી જાય છે. ગુજરાતી અક્ષરના આરોહ-અવરોહમાં છલકાતો સ્નેહ મોબાઈલ સ્ક્રીન પર વંચાતા સ્ટિરીયો ટાઈપ અક્ષરોમાં મહેસૂસ નથી થતો. ચબરખીઓ આપલે કરવાનો રોમાંચ હથેળીઓ ભૂલતી જાય છે. અલગ અલગ રંગની પેન સાથે રંગબેરંગી કાગળ પર આકારાતી ઘેલી લાગણીઓનું સ્થાન લેવાનું ટાઈપ કરેલા રૂપાળા ઈમેઈલ કે મેસેજનું ગજું નથી. પર્સનલ કૉમ્પ્યુટરમાં પર્સનલ ફિલિંગને ઉજાગર કરવાની ક્ષમતા નથી.

ટેકનોલોજી પાસે ઉપયોગિતા છે, પરંપરા પાસે મીઠાશ છે. બંનેમાં સંતુલન જળવાય તો આલા ગ્રાન્ડ પાર્ટી આપવાનું મન થાય. હા, પણ બધાને નહીં, માત્ર પ્રિયજનને. વાતાનુકૂલિત રેસ્ટોરાંમાંથી બહાર નીકળતી વખતે પ્રિયજનના હાથમાં એક પ્રેમપત્ર સરકાવી જોજો. શું રિઝલ્ટ આવે છે અમને જણાવજો. અમે મોગરાનું અત્તર છાંટી રાહ જોઈશુંટાઈપ કરેલા રૂપાળા ઈમેઈલ કે મેસેજનું ગજું નથી. પર્સનલ કૉમ્પ્યુટરમાં પર્સનલ ફિલિંગને ઉજાગર કરવાની ક્ષમતા નથી.

ટેકનોલોજી પાસે ઉપયોગિતા છે, પરંપરા પાસે મીઠાશ છે. બંનેમાં સંતુલન જળવાય તો આલા ગ્રાન્ડ પાર્ટી આપવાનું મન થાય. હા, પણ બધાને નહીં, માત્ર પ્રિયજનને. વાતાનુકૂલિત રેસ્ટોરાંમાંથી બહાર નીકળતી વખતે પ્રિયજનના હાથમાં એક પ્રેમપત્ર સરકાવી જોજો. શું રિઝલ્ટ આવે છે અમને જણાવજો. અમે મોગરાનું અત્તર છાંટી રાહ જોઈશું.

3 thoughts on “કાવ્યધારા-૨ (રજુઆતઃ જયશ્રી વિનુ મરચંટ)

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s