ડો. નીલેશ રાણાની વાર્તાઓ-૨


સમજણ

હવે એ સમજણો થયો હતો. છતાંય એને જાણે સમજાતું નહોતું. ‘વરસું ન વરસુંની દ્વિધા…’ એણે બહાર નજર કરી. આકાશે વરસવાનો નિર્ણય લઈ લીધો હતો. ડ્રાઉં ડ્રાઉં કરતાં દેડકાંઓની જેમ વિચારો એના મનમાં કૂદાકૂદ કરી રહ્યા. થોડીક ક્ષણો પછી એણે એ નિર્ણયનું પતંગિયું પકડ્યું. સ્પર્શ મુલાયમ નહોતો. બીકનું લખલખું અળસિયાની ગતિએ એના શરીરમાં પસાર થવા લાગ્યું. જાણે એ પરી અને રાક્ષસની વાર્તા વાંચી રહ્યો હોય.

પોતે હવે પંદર વર્ષનો થશે. ગઈ કાલે મા સાથે ટીવીમાં જોયેલી ફિલ્મનું દૃશ્ય… બેંગ… એક અવાજ અને ધ એન્ડ!… હજુય એના ચિત્તને ખળભળાવી રહ્યું હતું. પણ… પોતે શું કરી શકે? એક તો એના હાથ પેલાની ગરદન સુધી પહોંચતા ન હતા અને બીજું એ સાલ્લો એનો બાપ હતો બાપ! ફિલ્મ અઢી ત્રણ કલાકમાં પતી… આ અનંત વેદના… હવે એ સમજણો થયો હતો.

એ ઊભો થયો. એનો બાપ ખાટલામાં પડ્યો બબડતો હતો અને એની મા… ત્રણેયના પેટની આગ બુઝાવવાનો સામાન લઈને આવતી જ હશે. એને લાગ્યું જલદી કરવું જોઈએ. બરફનાં ચોસલાં જેવો નિર્ણય સમયની આંચથી પીગળી જશે તો? એણે બારણાં તરફ પગલાં ભરવાનાં ચાલુ કર્યાં. ફર્શ પર પડેલી ખાલી બૉટલ એના જમણા અંગૂઠાને અડી. ‘બૉટલ ઉપાડીને એના માથા પર ઝીંકી દઉં’નો વિચાર ગડી વાળીને વ્યવસ્થિત પાછો ગોઠવી દીધો, કારણ કે એનાથી એણે આગળ લીધેલા નિર્ણયને ખોટું લાગી જાય. મનમાં સીસોટી મારી ફિલ્મનું દૃશ્ય… બેંગ… એક અવાજ… ધ એન્ડ! આમ તો એને આ માહોલમાંથી ભાગી જવું હતું. પણ એની મા… અહીં હતી. લીધેલા નિર્ણયે ફરી એક વાર ધક્કો મારી એને બહાર જવા મજબૂર કર્યો. બારણું ખોલતાં જ વરસાદની વાછટ એને વળગી પડી.

‘અલ્યા, વરસાદ પડે છે… છત્રી…’ ‘ચુપ. મારે ભીંજાવું હોય, એમાં તારા બાપનું શું ગયું?’ મનને ઠપકારતાં એ બહાર આવ્યો. બારણું બંધ. એ વરસાદની દીવાલમાં ગાબડું પાડતો દોડવા લાગ્યો. વરસાદે ચિડાતાં જોર પકડ્યું. એની ગતિને અવરોધવા પવન ભૂવાની જેમ આજુબાજુ ઘૂમી રહ્યો. વાદળાંઓ ડાકલાં વગાડતાં અંધકારની ભૂરકી નાખવાં લાગ્યાં. રસ્તા પર દિશાશૂન્ય દડતા પાણીના રેલાઓને કચડતાં એ દોડતો રહ્યો. એ બંગલે પહોંચવાનો રસ્તો જાણીતો હતો. ધારે તો આંખ મીંચીને પણ એ ત્યાં પહોંચી જાય. આજે એને લાગ્યું, એની વધતી જતી ઉંમરની જેમ રસ્તોય લાં…બો થઈ ગયો.

છેવટે બંગલાની પાછળ એ પહોંચી ગયો. એણે બંગલા પર નજર ફેરવી. જાણે ફિલ્મના વરસાદમાં નહાતી સુંદરી. વંડી ઠેકીને એ કમ્પાઉન્ડમાં દાખલ થયો અને પાછળના દરવાજા પાસે આવી ઊભો રહ્યો. આમ તો એની મા સાથે આગળના દરવાજેથી ઘણી વાર બંગલામાં દાખલ થયો હતો. આજે ચોરીછૂપીથી… પાછલા દરવાજાને ધક્કો મારતાં ખુલ જા સિમસિમ… ફટ ખૂલી ગયો. ચોરપગલે એ અંદર પ્રવેશ્યો. એનાં ભીનાં કપડાંમાંથી નીતરતા પાણીની જેમ ભીનાશ એના ચહેરા પરથી ટપકી રહી. છાતીમાં તાક્ ધિનાધિના… ક્ષણભર પાછા ફરવાની ઇચ્છા, એનો હાથ પકડી પાછળ ખેંચવા લાગી… પણ… પણ… એની માનો ચહેરો… અને જેને એ બાપ કહેતો હતો, એ… એ… નાલા…ય… બાપના મારની મા પરની વર્ષા… ક્રોધમાં એની મુઠ્ઠીઓ વળી ગઈ. જાણે કો’કની ગરદન એના હાથમાં આવી ગઈ હોય. પરંતુ પોતે જે કામ માટે ઘરમાં ઘૂસ્યો હતો… એ શેઠ-શેઠાણી જાણી ગયાં તો?… તો માની નોકરી ગઈ જ સમજો. અને પોતે ખાલી હાથે પાછો ફરી ગયો તો?

માને પડતી મારઝૂડમાં એ વચ્ચે પડતો. મળતી બાપની બે-ચાર થપ્પડો અને પછી રડતી મા-નો ખોળો. રસોડામાં કોઈ જ નહોતું. હાશ-નો શ્વાસ લેતાં, હિંમત કરી એ દીવાનખંડ તરફ આગળ વધ્યો. દીવાનખંડ પણ ખાલી. આગળનું બારણુંય બંધ!! પોતે બંગલામાં એકલો છે–ની અનુભૂતિ ગોળપાપડી જેવી ગળચટ્ટી લાગી. ધીમા પગલે દીવાનખંડની જમણી કોર આવેલી લાઇબ્રેરીમાં દાખલ થયો. આ રૂમમાં એણે શેઠને…

ટેબલ સામે જ હતું. ધીમા પગલે ટેબલ પાસે આવી ઊભો રહ્યો. ટેબલ પર શેઠાણીનો સજીધજીને પડાવેલો હસતો ફોટો… પણ એની મા જેટલો સુંદર નહોતો; સાચે જ…

હજુય વળગેલા વરસાદની ભીનાશ એને ધ્રુજાવી રહી હતી. કંપતા હાથે એણે ડાબી તરફનું ખાનું ખોલ્યું. શેઠને પણ આ જ ખાનું ખોલતાં એણે જોયા હતા. અંદર જોતાં જ એની આંખો શુક્રના તારાની જેમ ચમકી ઊઠી. એ સાચી જગ્યાએ આવ્યો હતો. સ્મિત ખિસકોલીની જેમ હોઠો પર આવી પાછું સંતાઈ ગયું. ખચકાતાં, ખાનામાં પડેલી રિવૉલ્વર એણે હાથમાં ઉઠાવી. એ જ ક્ષણે એને લાગ્યું, એ સાચે જ પંદર વર્ષનો થઈ ગયો.

રિવૉલ્વર હાથમાં લેતાં જ હિંમતની વીજળી એનામાં પ્રવેશી. ગરમાટો ત્વરાથી શરીરમાં પ્રસરી ગયો. રિવૉલ્વરને સૂંઘી, એણે હવામાં રિવૉલ્વરને આમતેમ ઘુમાવી. જાણે કે જેમ્સ બૉન્ડ. બેંગ… એક અવાજ… ધ એન્ડ!

આને ચોરી… ના… ના, કામ પતી જતાં, રિવૉલ્વરને પાછી મૂકી જવાનો ઇરાદો હતો. ચોરી નહીં… માત્ર ઉધારી. મજબૂરી હતી એટલે, આની જરૂરત હતી એટલે. લાગ્યું હતું એણે બહાર નીકળી જવું જોઈએ. અચાનક વાદળોનો ગડગડાટ, પણ રિવૉલ્વર પરની એની પકડ ઢીલી પડી ન હતી. હવે તો જગતની કોઈ પણ તાકાત એના હાથમાંથી રિવૉલ્વર છોડાવી શકે ઍમ નહોતી. લીધેલો નિર્ણય અજગરની તરાપ બની ગયો હતો. ના… ના જાણે કોઈ સુંદરીની ગાલે બચ્ચી. રિવૉલ્વરનો સ્પર્શ… ગમવા લાગ્યો હતો. બેંગ… એક અવાજ… ધ એન્ડ!

સ્ફૂર્તિથી લપકતાં એ દીવાનખંડમાં આવ્યો. ખામોશી પલાંઠી વાળી બેઠી હતી. મગરૂરીથી એણે કદમ ઉઠાવ્યા. દીવાનખંડમાંથી રસોડામાં, રસોડામાંથી પાછલા બારણા દ્વારા બહાર, વંડી ઠેકીને પછી… છુટ્ટી!

રસોડા પાસે આવતાં જ, હી… હી… હી… ઈ…, સ્ત્રીનો ધીમો હસવાનો અવાજ સંભળાયો. એ હબકી ગયો… થઈ ગઈ છુટ્ટી… ગભરાયો… આંખો ચકરવકર ફરી વળી. કોઈ દેખાયું નહીં… શું આભાસ…? એણે પાછું પગલું ભર્યું અને ફરી હી… હી… હી… ઈ… સ્ત્રીના હસવાનો અવાજ સંભળાતાં, અવાજ ઉપરથી આવે છે ઍમ એના મને નક્કી કરતાં એણે થોડી રાહત અનુભવી. ફરી પાછો હસવાનો અવાજ. છ મહિના અધૂરી કુતૂહલતા ફૂંફાડો મારતી મનમાં ઊભી થઈ.

એની મા-એ વસ્તુઓ ખરીદીને, એને બંગલામાં આપવા માટે મોકલ્યો હતો. બહાર જતાં નોકરે, આગળનો દરવાજો ખોલી, એને રસોડામાં સામાન મૂકી દરવાજો બંધ કરીને જવાની સૂચના આપી હતી. ત્યારે સામાન મૂકી પાછા ફરતાં, એણે આમ જ સ્ત્રીનો હસવાનો અવાજ ઉપરથી આવતો સાંભળ્યો હતો. ત્યારે જાગેલી જિજ્ઞાસાને આધીન થઈ દબાતા પગલે દાદરો ચઢી એ ઉપર ગયો હતો. હસવાના અવાજે મંત્રમુગ્ધ થતાં બેડરૂમના અરધા ખુલ્લા દરવાજામાંથી એણે અંદર જોવાની હિંમત તો કરી. પલંગ… શેઠ અને શેઠાણી… શરમાઈ જતાં પોતે ત્યાંથી તરત જ ભાગી છૂટ્યો હતો.

આજે… એ પંદર વર્ષનો હતો. હાથમાં રિવૉલ્વર હતી. જિજ્ઞાસાની બીન ફરી વાગી. જોવાની ઇચ્છા ડોલી ઊઠી. હૃદયની ધક્ધક્ સાથે તાલ મેળવતાં ચોરપગલે એ દાદરા ચઢવા લાગ્યો. રિવૉલ્વરને પીઠ પાછળ સંતાડતાં એ બૅડરૂમ પાસે આવ્યો. દરવાજા થોડા ખુલ્લા હતા. ફરી પાછો અંદર હસવાનો અવાજ સંભળાતાં એને પરસેવો વળી ગયો. વેરવિખેર થતી હિંમતને માંડમાંડ એકઠી કરી, સાવધાનીપૂર્વક દરવાજા પાસે આવતાં અંદર નજર કરી, એક દરવાજા પાછળ સંતાતાં…

એની નજરના ફોકસમાં શેઠનો ચહેરો અને સ્ત્રીની પીઠ. અચાનક એને શેઠાણીનો ફોટો યાદ આવ્યો. એ ફોટામાં શેઠાણીના વાળ તો… આ સ્ત્રીના લાંબા ખુલ્લા વાળમાં ફરતો શેઠનો હાથ. એણે જરા ધ્યાનથી જોયું… વધારે… આંખો ઝીણી કરતાં સ્ત્રીનો ચહેરો જરા એની તરફ ફર્યો. જાણે સૂર્યનું એક કિરણ એની આંખમાં ભોંકાયું. અરે… અરે… એ પોતાની…

નજર ઝુકાવી, અંગૂઠાના બળે એ દાદરા ઊતરી ગયો. ધ્રૂજતા પગે લાઇબ્રેરીમાં પાછો દાખલ થયો. ટેબલ પાસે ઊભા રહી, ડાબી તરફનું ખાનું ખોલ્યું. થોડી ક્ષણો રિવૉલ્વરને જોઈ રહ્યો. ખાનું ફરી બંધ કર્યું. રિવૉલ્વરને શેઠાણીના ફોટા પાસે મૂકી એ લાઇબ્રેરીની બહાર આવી ગયો. ઝડપથી દીવાનખંડ અને રસોડાને પસાર કરી પાછળનો દરવાજો ખોલ્યો. પછી દરવાજો ખુલ્લો રહેવા દઈ, વંડી ઠેકીને એ દોડવા લાગ્યો. વરસાદ એનામાં ગાબડું પાડી રહ્યો. હવે એ સાચે જ સમજણો થઈ ગયો હતો… સાચે જ…

 

1 thought on “ડો. નીલેશ રાણાની વાર્તાઓ-૨

  1. ખૂબ સ રસ વાર્તા
    સત્ય હટના પર લખાયેલી હોય તેવી વાર્તાનો અણકલ્પ્યો અંત…’ પછી દરવાજો ખુલ્લો રહેવા દઈ, વંડી ઠેકીને એ દોડવા લાગ્યો. વરસાદ એનામાં ગાબડું પાડી રહ્યો. હવે એ સાચે જ સમજણો થઈ ગયો હતો… સાચે જ…’
    ગમ્યો

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s