જીપ્સીની ડાયરી-૧૪ (કેપ્ટન નરેંદ્ર ફણસે)


ઓગસ્ટ-સપ્ટેમ્બર 1965- ઓપરેશન નેપાલ

બોર્ડર પર તંગદિલી વધતી જતી હતી. પાકિસ્તાનના ઘુસણખોરો કાશ્મીરમાં આવીને ભયાનક આતંક મચાવી રહ્યા હતા. સાચી વાત તો એ હતી કે પાકિસ્તાને તેના સૈન્યના અફસરોની આગેવાની હેઠળ ત્રાસવાદીઓને મિલિટરી ટ્રેનિંગ આપી મોટી સંખ્યામાં કાશ્મીરમાં ઘુસાવ્યા હતા. આ યોજનાને તેમણે `ઓપરેશન જીબ્રોલ્ટર’ નામ આપ્યું હતું. તેમને સોંપાયેલી કામગીરી કાશ્મીરમાં જઈ અખનૂર, બારામુલ્લા અને અન્ય ચાવીરૂપ વિસ્તારો પર કબજો કરી, અલગતાવાદી સ્થાનિક લોકોના મોરચાની મદદ વડે ભારતીય સેનાને પરાસ્ત કરી કાશ્મીર પર કબજો કરવાની હતી. સરહદ પર પાકિસ્તાનના સૈનિકો મન ફાવે ત્યારે આપણા સૈનિકો અને સીમા પર રહેતા ગ્રામવાસીઓ પર નિષ્કારણ ગોળીબાર કરતા હતા. હજારોની સંખ્યામાં આવેલા હથિયારબંધ પાકિસ્તાની ઘુસણખોરોના હુમલા અને તેમણે કરેલી આપણા જવાનોની હત્યાને કારણે પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ચૂકી હતી કે ઓગસ્ટમાં આપણા વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રીને રાષ્ટ્ર પ્રતિ સંદેશ આપવો પડ્યો. તેમાં તેમણે પાકિસ્તાનને ચેતવણી આપી કે જે રીતે પાકિસ્તાની નાગરિકો તથા સૈનિકોએ ભારતમાં પ્રવેશ કરીને આતંક ફેલાવીને ભારતની સામે યુદ્ધ જાહેર કર્યું છે, તેમ યુદ્ધનો જવાબ ભારત યુદ્ધથી આપી શકે છે. આજે, 44 વર્ષનો સમય થઈ ગયો હોવા છતાં રેડિયો પર સાંભળેલા શાસ્ત્રીજીના શબ્દો મારા કાનમાં હજી ગુંજે છે: `They have declared war on us. Let it be known that we can and will enter their country at the time and place of our own choosing to fight this war.’ ભારત સ્વતંત્ર થયા બાદ તે દિવસે પ્રથમ વાર મને મારા વડા પ્રધાન પ્રત્યે પ્રચંડ અભિમાન અને ગૌરવની ભાવના થઈ. નહેરુએ પોતાની અંગત પ્રતિષ્ઠા વધારવા અને વિશ્વના શાંતિવાદી નેતા બનવા 1948થી પાકિસ્તાનના ઘોંચપરોણા ખાધા. ત્યાર પછી 1962માં પોતાની વૈચારિક નિષ્ઠાના ભાઈ ચીનના પડખામાં સ્નેહમાં રત હતા ત્યારે જ ચીને આપણા પડખામાં છરો હુલાવી દેશને ઘાયલ કરી દેશ તથા દેશના નેતાઓને શરમની ખાઈમાં ધકેલ્યા હતા. અપમાનની આગમાં ભારતીય સેના હજી પણ તમતમતી હતી. દુશ્મનોની શરમવિહીન આડોડાઈને કારણે ભારતીય સેનાનો ક્ષોભ અને ક્રોધ ચરમસીમા પર હતો. અમે ભારતની પ્રતિષ્ઠાને પાછી લાવવા તત્પર થઈ રહ્યા હતા, પણ દેશનું નેતાવૃંદ નિષ્ક્રિય હતું… તે દિવસે વડા પ્રધાનના વક્તવ્યથી અમારાં શિર ફરી એક વાર ઉન્નત થયાં. આમાં ઓગસ્ટ વીતી ગયો.

સપ્ટેમ્બરની બીજી તારીખ હતી. રાત્રે મેસમાં જમીને સૅમીની સાથે હું મારા કૅરેવાન તરફ જતાં પહેલાં તેની ટ્રક પાસે રોકાયો. સાંજ ઘણી ખુશનુમા હતી તેથી હું તેની સાથે બેસી વાત કરતો હતો ત્યાં એક અણધારી વાત થઈ.

અમારા કૅમ્પની આસપાસ એક-બે કિલોમીટરના અંતર પર ત્રણ ગામ હતાં. અચાનક આ ત્રણે ગામમાંથી લગભગ 40-50 કૂતરાં અમારા કૅમ્પના રમતગમતના મેદાનમાં કોણ જાણે કોઈ કુદરતી સંકેત થયો હોય તેમ ચારે બાજુથી આવ્યાં અને એક કૂંડાળું કરી સામૂહિક રીતે રુદન કરવા લાગ્યાં. મારી આંખ સામે મારું બચપણ ઊભું થયું.

હું નવ વર્ષનો હતો. બાપુજી હિંમતનગરના મહારાજાના `મહેકમા ખાસ’માં અફસર હતા. સાંજનો સમય હતો. બાપુજી ઘેર નહોતા આવ્યા. અચાનક એક ભટકતું કૂતરું અમારા ઘરના પગથિયાની સામે આવીને પોક મૂકીને રડવા લાગ્યું. હું ગભરાઈ ગયો હતો. બાને તે વખતે પણ ઓછું સંભળાતું હતું, તેથી તેમની નજીક જઈ મેં બહાર શું થઈ રહ્યું હતું તે કહ્યું. કૂતરાને હાંકી કાઢવાનું મને કહી તેમણે ભગવાન આગળ દીવો પ્રગટાવ્યો, અને પ્રાર્થના કરવા લાગ્યાં. થોડી વારે તે પાછું આવ્યું. ફરી પાછું એ જ…

આઠ દિવસ બાદ બાપુજીનું અવસાન થયું હતું.

સૌરાષ્ટ્રમાં એવી માન્યતા કે વહેમ છે કે કૂતરાં યમરાજના દૂત હોય છે. પોતાના આગમનની સૂચના તેઓ કૂતરાંના રુદન દ્વારા કરતા હોય છે. આજે આટલાં બધાં કૂતરાંઓને રોતાં જોઈ મેં કહ્યું, `સૅમી, It’s going to be war, and very soon too. I am afraid it doesn’t bide well…’ (અલ્પ સમયમાં યુદ્ધ શરૂ થવાનું છે. મને અણસાર સારા નાથી લાગતા.)

હું આગળ કંઈ કહું તે પહેલાં બટાલિયન હેડક્વાર્ટર્સમાંથી રનર (સંદેશવાહક) આવ્યો. આ વખતે તો તે ખરેખર દોડતો હતો.

`સર, સી. ઓ. સાહેબે અબ્બીહાલ બધા અફસરોને યાદ કર્યા છે.’

સૅમી અને હું દોડીને હેડક્વાર્ટર્સમાં પહોંચ્યા.

કર્નલ ગોને ટૂંકા પણ સાફ શબ્દોમાં હુકમ સંભળાવ્યો.

`આપણી ડિવિઝન કાલે એસેમ્બ્લી એરિયા તરફ કૂચ કરશે. નો મૂવ બિફોર ઝીરો-ફાઇવ હંડ્રેડ અવર્સ.3 વિગતવાર હુકમ તમારા કંપની કમાન્ડર આપશે.’

3 આનો અર્થ કૂચ સવારના પાંચ વાગ્યે કરવામાં આવશે. કૂતરાંઓએ આપેલી અગમ ચેતવણી મેં પ્રત્યક્ષ થતાં જોઈ. જે સાંધ્ય યોગની મેં શરૂઆતમાં વાત કરી તેમાંનો આ એક પરચો હતો.

અમે કંપની હેડક્વાર્ટર્સમાં ગયા. અમારી કંપનીમાં તે વખતે ચાર અફસર હતા. છેત્રીની બદલી થઈ ગઈ હતી. હવે કંપનીમાં મેજર લાલ, ઇન્દ્રકુમાર, સૅમી અને હું બાકી રહ્યા હતા. મેજર લાલે તેમના હુકમમાં કહ્યું, `નિયમ પ્રમાણે બ્રિગેડની ત્રણ બટાલિયનોનું વહન કરવા માટે આપણી પાસે 120 થ્રી ટન ટ્રક હોવી જોઈએ તેને બદલે અત્યારે કેવળ 75 troop carrier trucks ચાલુ હાલતમાં છે. આથી લોરીડ બ્રિગેડને બે તબક્કામાં એસેમ્બ્લી એરિયામાં લઈ જવાશે.’

`યુનિટમાં અફસરોની કમી હોવાને કારણે મારે બટાલિયન હેડક્વાર્ટર્સમાં રહેવું પડશે. ઇન્દ્રકુમારને ડેલ્ટા કંપનીમાં ડ્યૂટી આપવામાં આવી છે, તેથી સૅમી કંપની હેડક્વાર્ટરમાં રહેશે. નરેન, હું તને મોટી જવાબદારી આપું છું. તું 75 ટ્રક્સ લઈ બ્રિગેડ હેડક્વાર્ટર્સમાં રિપોર્ટ કરીશ, અને તને ત્યાં જે હુકમ મળે તે પ્રમાણે કામ કરવાનું છે. બ્રિગેડને નિયત સ્થળે પહોંચાડવાનું કામ તારે એકલાએ કરવાનું છે, બ્રિગેડને બોર્ડર પર પહોંચાડ્યા બાદ તારે કંપનીમાં પાછા આવવાનું છે. Carry on!’

શાંતિ સમયમાં થતા પ્રશિક્ષણ દરમિયાન મારી પ્લૅટૂનને પાંચમી જાટ બટાલિયન (5 Jat) સાથે જોડવામાં આવી હતી, જ્યારે સૅમીને 5/9 GR (નવમી ગોરખા રાઇફલ્સ રેજિમેન્ટની પાંચમી બટાલિયન) સાથે. લડાઈ શરૂ થાય તો 1962માં ચુશુલ ખાતે ચીનની સેનાને પરાસ્ત કરી અહીંની હવાઈપટ્ટી આપણા કબજામાં અકબંધ રાખનાર બહાદુર પાંચમી જાટ બટાલિયન સાથે જવા મળશે તે વિચારથી હું ખુશ થઈ ગયો. મારે કોઈ કામ પર જવાનું હોય, ભલે તે એક દિવસની ડ્યૂટી કેમ ન હોય, હું મારી જીપમાં પીવાના પાણીની બે-ત્રણ બોટલ્સ, નાસ્તાના – ખાસ કરીને અમારી કૅન્ટીનમાં મળતા ટીનમાં પૅક કરેલ દાલમોઠના ચાર-પાંચ ડબા, પનામા સિગારેટનું કાર્ટન (તે વખતે હું ધૂમ્રપાન કરતો!), એક ડઝન દીવાસળીની ડબ્બી અને ટેવ નહોતી તેમ છતાં રમની બે-ત્રણ બોટલ્સ રાખતો. કોણ જાણે આગલું ભોજન ક્યાં અને ક્યારે મળે! મારા અંગત સામાનની હંમેશાં તૈયાર રહેતી બૅગને જીપમાં નાખી હું 75 થ્રી-ટન ટ્રક્સ લઈને નીકળ્યો. જીપ ચલાવનાર મારો ડ્રાઇવર હતો બિહારના હાજીપુર જિલ્લાનો શિવપ્રસાદ ગુપ્તા. 43 વર્ષના વાયરા વાયા, ગુપ્તા હજી યાદ આવે છે!

સેનામાં 20-25 વર્ષના અનુભવી કંપની કમાન્ડર, એક મેજરની ફરજ બજાવવા માટે દોઢ વર્ષ પહેલાં ફોજમાં ભરતી થનાર સેકન્ડ લેફ્ટનન્ટ બ્રિગેડ હેડક્વાર્ટર્સમાં સવારે ચાર વાગ્યે પહોંચ્યો ત્યારે બ્રિગેડ મેજર ચકિત થઈ ગયા. તેમણે કહ્યું, `મને આશા છે કે કંપની કમાન્ડરની જવાબદારી તારા કમાન્ડંગિ ઓફિસરે તને સોંપી છે તે તું હોંશિયારીપૂર્વક પાર પાડી શકીશ. ગૂડ લક, યંગ મૅન’, કહી મારી સાથે હાથ મિલાવ્યો અને કોન્વોયને `માર્ચ ઓફ’ કરવાનો હુકમ આપ્યો. બ્રિગેડ હેડક્વાર્ટર્સમાં જતાં પહેલાં મારા વાહનો મેં ઇન્ફન્ટ્રી બટાલિયનોમાં મોકલાવ્યાં હતાં. બ્રિગેડ હેડક્વાર્ટર્સમાંથી બટાલિયનોમાં ચેકિંગ કરવા ગયો અને જોયું તો મારા સેકંડ-ઇન કમાન્ડે ત્યાં `લોડિંગ’ શરૂ કરાવી દીધું હતું.

પંજાબના કપૂરથલા શહેરની આસપાસ કૅમ્પ કરીને રહેલી 3500 અફસરો-સૈનિકો ધરાવતી બ્રિગેડને જમ્મુ કાશ્મીરમાં આવેલ સાંબા જિલ્લાની વિજયપુર તહેસીલમાં આવેલી ભારત-પાકિસ્તાન સીમા પરના રામગઢ વિસ્તારમાં અમારે 48 કલાકમાં પહોંચાડવાની હતી. મારી સાથે બે પીઢ અને અનુભવી નાયબ સૂબેદાર હતા. તેમને ગોરખા તથા ગઢવાલ બટાલિયનને ફાળવેલાં વાહનોના સબ-કમાન્ડરની જવાબદારી સોંપીને રવાના કર્યા. હું પાંચમી જાટ બટાલિયન સાથે જવા નીકળ્યો.

લડાઈનો જુસ્સો એવો હોય છે કે સૈનિકો પોતાના અંગત આરામ, સુખાકારી કે ખાવા-પીવાનો વિચાર કરતા નથી. પહેલા તબક્કામાં મેં 5/9 ગોરખા રાઇફલ્સ અને પાંચમી જાટની પૂરી બટાલિયન તથા આઠમી ગઢવાલ રાઇફલ્સની બે કંપનીઓ અને બટાલિયન હેડક્વાર્ટર્સના અફસર-જવાનોને મારી 75 ગાડીઓમાં ગોઠવ્યા. બરાબર પાંચ વાગ્યે અમે પ્રસ્થાન શરૂ કર્યું અને પઠાણકોટ, માધોપુર બ્રિજ, કઠુઆ, સાંબા અને વિજયપુર થઈ બટાલિયનોને રામગઢ પહોંચાડી. ગાડીઓ ખાલી થયા બાદ એકાદ કલાકનો આરામ કરી સાંજે છ વાગ્યે અમે પાછા બ્રિગેડ હેડ વાર્ટર્સ જવા નીકળ્યા. કલાકોના સતત પ્રવાસ બાદ અમે કપૂરથલા પહોંચ્યા અને તરત ગઢવાલ રાઇફલ્સની બાકીની કંપનીઓ તથા બ્રિગેડના ઓપરેશનલ કમાન્ડ હેડક્વાર્ટર્સને લઈ નીકળ્યા. અમારા જવાનો અને સરદારો – કોઈએ નીંદરની પરવા ન કરતાં સતત 38 કલાક ગાડીઓ ચલાવી અને બ્રિગેડને પાકિસ્તાનમાં કૂચ કરવા માટે નક્કી કરેલા વિસ્તારમાં પહોંચાડી આપ્યા. ગુપ્તા અને હું વારાફરતી જીપમાં બેઠાં બેઠાં ઝોકાં ખાઈ લેતા હતા અને એકબીજાને આરામ આપી ગાડી ચલાવતા હતા. કોન્વોયનું નિયંત્રણ કરવા માટે, ખરાબ થયેલો ટ્રક ક્યાં અટકાઈ છે, તેની તપાસ કરી આર્મર્ડ વર્કશોપ ડિટેચમેન્ટને ખબર કરવા હું 3.5 લિટરની રોયલ એન્ફિલ્ડ મોટર સાઇકલ પર પૂરપાટ ઊડતો જ જતો હતો. ભગવાને મહેર કરી. તેમની કૃપાથી જે કામ અમારે 48 કલાકમાં પૂરું કરવાનું હતું તે અમે 38 કલાકમાં પૂરું કરી શક્યા.

*

ઓપરેશન નેપાલને હું કદી નહીં ભૂલી શકું.

1965ની લડાઈ વિશે અનેક પુસ્તકો લખાયાં છે. ભાર્ગવ, માણકેકરનાં આધારભૂત પુસ્તકો તમે વાંચ્યાં હશે, તેથી તેમણે સંશોધન કરીને કહેલી વાતોનું અહીં પુનરાવર્તન ન કરતાં જાતે અનુભવેલા પ્રસંગો કહીશ.

અમારી ડિવિઝનને રણ મોરચા પર જવાનો હુકમ મળ્યો ત્યારે ટેંક્સને ટ્રેનમાં રાતના અંધકારમાં ખાસ ડબાઓમાં ચઢાવી, તેના પર તાડપત્રી ઢાંકવામાં આવી. ફક્ત ટેંક્સની તોપનું નાળચું બહાર દેખાતું હતું. ટ્રેનોને મુકેરીયાં અને ગુરદાસપુરના રસ્તે સીધી પઠાણકોટ લઈ જવાને બદલે અમૃતસર લઈ જવાઈ. અમારા આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ હરબક્ષસિંહ જાણતા હતા કે પાકિસ્તાનના જાસૂસો અમારી સમગ્ર હિલચાલ પર ધ્યાન રાખી રહ્યા હતા. જ્યારે ટ્રેન અમૃતસર પહોંચી ત્યારે સમગ્ર પ્રજાને લાગ્યું કે રાજાસાંસી એરબેઝનું રક્ષણ કરવા એન્ટિ-એરક્રાફ્ટ તોપ આવી પહોંચી છે. દુશ્મનના જાસૂસોએ તે મતલબના સંદેશ પાકિસ્તાન પહોંચાડ્યા. પાકિસ્તાનને લાગ્યું આપણી આર્મર્ડ ડિવિઝનનો ઇરાદો અમૃતસરથી લાહોર પર હુમલો કરવાનો હતો અને તે મુજબ તેમણે પોતાના સૈન્યને આ વિસ્તારમાં લાવવાની શરૂઆત કરી. ભારતીય સેનાના કોર ઓફ સિગ્નલ્સના ચતુર ઓપરેટર્સ પાકિસ્તાની સેનાના વાયરલેસ સંદેશાઓનું `મોનિટરિંગ’ કરતા હતા. ગુપ્ત સંકેતમાં પસાર થતાં આ સંદેશની સંજ્ઞાઓ આપણા સાયફર ખાતાના નિષ્ણાતો ઉકેલવાનો સતત પ્રયત્ન કરી તેની જાણ આપણા સેનાપતિને કરતા હતા. આમ દુશ્મનની કેટલીક ગતિવિધિઓ જાણીને તે પ્રમાણે આપણા વ્યૂહ ગોઠવી શકતા હતા. અમૃતસરના માર્શલિંગ યાર્ડમાં રહેલી સ્પેશિયલ ટ્રેન મધરાતે પઠાણકોટ રવાના થઈ. ત્યાં પહોંચ્યા બાદ મોટા ભાગની સૅન્ચુરિયન ટેંક્સ 32 પૈડાં વાળી ટેંક-વાહક ગાડી Mighty Antarમાં ચઢાવવાને બદલે પોતાના પાટા પર ચાલીને પઠાણકોટથી ઠેઠ વિજયપુર અને રામગઢ સુધી પહોંચી ગઈ. અમારા સેનાપતિનો ઉદ્દેશ હતો કે દુશ્મનને જરા જેટલો અંદેશો ન આવે કે આર્મર્ડ ડિવિઝન સાંબા જિલ્લામાંથી પાકિસ્તાનમાં પ્રવેશ કરવાની છે. અહીં આર્મર્ડ ડિવિઝનની કૂચનો નકશો આપ્યો છે જેથી વાચકોને ખ્યાલ આવશે કે કૂચ કેવી રીતે કરવામાં આવી હતી. આગળના વર્ણનમાં જે જે સ્થળોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે પણ આ નકશામાં દર્શાવવામાં આવ્યાં છે.

કપુરથલા નજીકના અમારા `કોન્સેન્ટ્રેશન એરિયા’માંથી અમે અમારી ટ્રક્સમાં લોરીડ બ્રિગેડને લઈ જતા હતા ત્યારે રસ્તામાં પડતા પંજાબના એકેએક ગામડાનાં અને રૈયા, બટાલા જેવાં શહેરોનાં નાકાં પર તોરણો અને ફૂલમાળાઓની કમાન રચવામાં આવી હતી. તેના પર અને આજુબાજુનાં મકાનો પર મોટાં હોર્ડિંગ્ઝ પર `ભારતીય સેના ઝિંદાબાદ’, `જય જવાન જય કિસાન’ ના સંદેશ લખાયા હતા. સડકની બન્ને બાજુએ અસંખ્ય લોકોની ભીડ બધા સૈનિકોને પૂરી, પરાઠા અને તૈયાર શાક અને રાંધેલી સૂકી દાળનાં પૅકેટ્સ આપતા હતા. સૌના મુખમાંથી અવાજ નીકળતો હતો, `જય હિંદ’, `ભારતીય સેના ઝિંદાબાદ’, `જય જવાન, જય કિસાન’. સ્ત્રીઓ મોટેથી ઉચ્ચારતી હતી, `વીરજી, જંગ જીતકે ઔણાં..’ (મારા વીર, લડાઈ જીતીને આવજો). હજારો દેશવાસીઓને આમ અમને પોરસ ચઢાવવા આવેલા જોઈ અમારો જુસ્સો અનેક ગણો વધી ગયો. અમારી પાછળ આખો દેશ ખડો છે તે દર્શાવવા લોકોને આમ રસ્તા પર આવેલા જોઈ અમારી છાતી ગજ ગજ ફૂલી હતી. સૈનિકોને તો હવે એક જ લગની લાગી હતી: યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવો. દેશવાસીઓ અમારી સાથે હોય તો તેમની રક્ષા માટે સો વાર પણ બલિદાન આપવું પડે તો પણ અમે તૈયાર હતા. આ દૃશ્ય મારા મનમાં કાયમ માટે કોતરાઈ ગયું છે. આજે યાદ કરું છું ત્યારે આંખ ભીની થાય છે.

આવો હતો મારો દેશ!

મને પૂછશો મા કે હું અહીં ભૂતકાળ કેમ વાપરું છું. જવાબ આપતાં ઘણું દુ:ખ ઊપજશે.

38 કલાકના સતત રસ્તા પરના પ્રવાસમાં એક ક્ષણભર પણ બિસ્તરા પર અંગ ટેકવ્યા વગર મને અપાયેલ ફરજ પૂરી કરીને જ્યારે મોરચા પાસે આવેલા અમારા કંપની હેડકવાર્ટર્સમાં પહોંચ્યો ત્યારે રાતના બે વાગ્યા હતા. મેજર લાલ આરામ કરતા હતા. સૅમી હવે કંપનીનો સેકન્ડ-ઇન-કમાન્ડ હતો, તેથી મેં તેને રિપોર્ટ આપ્યો. મારી ચાર ગાડીઓ ઓવરહીટિંગ તથા સામાન્ય ઇલેક્ટ્રિકલ ક્ષતિને કારણે રસ્તામાં રોકાઈ ગઈ હતી. અમારા મિકૅનિક તેમના પર રિપૅર કામ કરી રહ્યા હતા. સવારના ચારેક વાગ્યા સુધી કંપનીમાં આવી જશે એવું તેમણે કહ્યું હતું, તે પણ સૅમીને જણાવ્યું.

`નરેન, if I were you, હું તો અત્યારે જ જઈ મારી ગાડીઓ લઈ આવું. Tow કરીને લાવવી પડે તો પણ ગાડીઓ હું લઈ આવું.’ અંગ્રેજો જેવી હિંદી-અંગ્રેજીમાં સૅમી બોલ્યો.

`સૅમી, તું મને ઓર્ડર આપે છે કે સલાહ આપે છે? તારે જે કહેવું હોય તે સ્પષ્ટ કહે. મેં મારી ગાડીઓ પાસે આપણા URO (યુનિટ રિપૅર ઓર્ગેનાઇઝેશન)ના મિકૅનિક મૂક્યા છે. તને કહ્યું ને, કે ચાર વાગ્યા સુધીમાં ગાડીઓ આવી જશે!’

`ઠીક ત્યારે, આને કંપની કમાન્ડરનો હુકમ સમજ. ગાડીઓ લેવા હમણાં જ નીકળી જા!’

ગુપ્તા હજી જીપમાં જ હતો. હું જીપમાં બેઠો અને તેણે જીપ મારી મૂકી.

અમારી હિલચાલ ગુપ્ત રાખવાની હોઈ રાતે વાહનોની બત્તી બંધ રાખીને જ ગાડી ચલાવવાની હતી. હું સાંબા-પઠાણકોટ રોડ પર જવા લાગ્યો. રસ્તામાં કઠુઆ પાસે લાંબો પુલ છે. પુલ પાર કરી પાંચેક કિલોમીટર ગયો અને જોયું તો રસ્તાના કિનારે લગભગ ત્રણસો વાહનો કતારબંધ ખડાં હતાં. હું મારી ગાડીઓને શોધી રહ્યો હતો, ત્યાં જણાયું કે દારૂગોળાનું વહન કરનારી અમારી બટાલિયનની ચાર્લી કંપનીના ટેંક માટેના દારૂગોળા ભરેલી અને બ્રાવો કંપનીની ટેંક્સ માટેની ખાસ પેટ્રોલ ભરેલી લગભગ 100થી વધુ ટ્રક અન્ય યુનિટોના વાહનો સાથે ત્યાં ઊભી હતી. મેં ચાર્લી કંપનીના કોન્વોય કમાન્ડર સૂબેદારસાહેબને પૂછ્યું કે તેઓ ત્યાં શા માટે રોકાયા છે, તો તેમણે કહ્યું, `સાબ, કઠુઆ બ્રિજ પર દુશ્મન કા કબઝા હે. હમ ગાડી આગે નહીં લે જા સકતે.’ મને નવાઈ લાગી, કારણ કે અર્ધા-પોણા કલાક પહેલાં જ અમે આ પુલ પરથી જીપ ચલાવીને આવ્યા હતા.

પરિસ્થિતિ ગંભીર હતી. વહેલી સવારના છ વાગ્યે અમારી ડિવિઝનને સીમા પાર કરવાનો હુકમ મળ્યો હતો. હાઈ-ઓક્ટેન પેટ્રોલથી ભરેલી ટાંકી પર ટેંક્સ વીસ-પચીસ માઈલ જઈ શકે અને ટાંકી ફરીથી ભરવી પડે. રોકાયેલા પેટ્રોલ અને દારૂગોળાની ટ્રક સમયસર ન પહોંચે તો આર્મર્ડ બ્રિગેડની આગેકૂચ પૂર્વનિયોજન મુજબ થઈ ન શકે. રાતના ત્રણ વાગી ગયા હતા. અહીં રોકાયેલી ટ્રક તરત પ્રયાણ ન કરે તો આર્મર્ડ ડિવિઝન પેટ્રોલ અને દારૂગોળા વગર પાકિસ્તાનના રસ્તામાં જ અટકાઈ પડે. તે પાંખ અને પગ વગરના બતકની જેમ દુશ્મનનો કોળિયો બની જાય તેમ હતું. મેં નિર્ણય લીધો.

મેં કોન્વોય કમાન્ડરોને હુકમ આપ્યો, કઠુઆ બ્રિજ પાર કરવા માટે આ કોન્વોયની જવાબદારી હું લઉં છું. મારી જીપ સૌથી આગળ રહેશે. મારી પાછળ ત્રણસો મીટરનું અંતર રાખી તમારો કોન્વોય ચલાવો. પુલની નજીક હું પહેલાં પહોંચીશ, અને જો ત્યાં દુશ્મન હશે તો તમને ગોળીબારનો અવાજ સંભળાશે. આવું થાય તો તમે તમારી ગાડીઓના સંરક્ષણ માટેની બૅટલ ડ્રિલ મુજબ તમારી સાથેના સૈનિકોને `ડિપ્લોય’ કરશો. તે જ ઘડીએ એક ગાડીને માધોપુર બ્રિજ મોકલી ત્યાંની વાયરલેસ ડિટેચમેન્ટ દ્વારા બ્રિગેડને અહીંની હાલતના સમાચાર આપજો. જો ફાયરિંગનો અવાજ ન આવે તો મારી રાહ જોશો. હું પુલ સિક્યોર છે કે નહીં તેની તપાસ કરીને પાછો આવીશ. અર્ધા કલાકમાં હું પાછો ન આવું તો પણ પહેલાં આપેલા હુકમ પ્રમાણે કારવાઈ કરશો. હું પાછો આવીને કોન્વોયને એસેમ્બ્લી એરિયા સુધી લઈ જઈશ. ત્યાર પછી તમે તમારા યુનિટના RV (મિલિટરીની ભાષામાં RV – rendezvous એટલે મિલનસ્થાન)પર નીકળી જજો. હુકમ સમજવામાં કોઈ શક છે?

કોન્વોય કમાન્ડર હુકમ સાંભળી, મને સૅલ્યૂટ કરી પોતાના કોન્વોય તરફ ગયા. હવે જીપ હું ચલાવવા લાગ્યો. ગુપ્તાને પાછળ બેસાડ્યો. કઠુઆ બ્રિજની નજીક પહોંચ્યો કે તરત મશીનગન કોક થવાનો અવાજ સાંભળ્યો. સાથે સાથે `થોભો, કોણ આવે છે?’નો ધીમેથી પણ કડક અવાજનો હુકમ આવ્યો.

મેં જીપ રોકી અને જવાબ આપ્યો, `મિત્ર.’

`જીપસે નીચે ઊતરો, હાથ ઉપર કરો ઔર આગે બઢો,’ સામેથી બીજો હુકમ આવ્યો.

જીપમાંથી ઊતરીને જેવો હું સેન્ટ્રીની નજીક ગયો કે સડકની બન્ને બાજુએ પોઝિશન લઈને બેઠેલા સૈનિકોમાંના બે જવાન બૅયોનેટ લગાવેલ રાઇફલ તાણીને મારી નજીક આવ્યા. તેમના નાયકે મારું નામ, યુનિટની માહિતી અને આયડેન્ટિટી કાર્ડ માગ્યાં. મેં મારી માહિતી અને ઓળખપત્ર આપ્યાં. મેં ગાર્ડ કમાન્ડરને કહ્યું, `હું અર્ધા કલાક પહેલાં આ પુલ ક્રોસ કરીને આવ્યો ત્યારે અહીં કોઈ નહોતું. તમે ક્યારે પુલ `સિક્યોર’ કર્યાે? કોઈ ખાસ કારણ છે?’ `સાબ, આ પુલ પર પાકિસ્તાનના કમાન્ડો ઘૂસી આવ્યા હતા. તેમણે મોટર-સાયકલ પર સંદેશ લઈને જતા પૂના હોર્સના એક ડિસ્પેચ રાઇડરને મારી, તેની પાસેની ટપાલ લઈને પાકિસ્તાન નાસી ગયા છે. અમે અબ્બીહાલ દસ મિનિટ પહેલાં આવીને પુલને “સિક્યોર” કર્યાે છે. અહીંથી પસાર થનાર દરેક વાહન તપાસવાનો અમને હુકમ છે.’

મેં તેને આખી વાત સમજાવી અને કહ્યું કે પુલની પાછળ રોકાયેલા દારૂગોળા, પેટ્રોલ અને અન્ય રસદની ત્રણસો ટ્રક્સના કોન્વોયને ફોર્વર્ડ એરિયામાં પહોંચાડવાનો છે. સંત્રીએ મને `ઓલ ક્લિયર’ આપ્યો. હું પાછો કોન્વોય પાસે ગયો અને કોન્વોય કમાન્ડરને સૌ પ્રથમ પેટ્રોલ-દારૂગોળાની ટ્રક રવાના કરવાનો હુકમ કર્યાે. ત્યાર બાદ મારી અટકાયેલી ટ્રક્સને સાથે લીધી. આમ આખો કોન્વોય સુરક્ષિત રીતે ડિવિઝનના માર્ચિંગ એરિયામાં સમયસર પહોંચી ગયો.4

4 તે વખતે રોકાયેલી ટ્રક્સ વિશે મેં ઊંડો વિચાર નહોતો કર્યાે. પરંતુ લડાઈ જીત્યા બાદ અમારી બટાલિયનની મુલાકાતે આવેલા અમારા ડિવિઝનના જનરલ-ઓફિસર-કમાન્ડંગિ (GOC) જનરલ રાજિંદરસિંઘ સ્પૅરોએ બે વાતો કહી ત્યારે મને મારા સરદાર અને જવાનોએ યુદ્ધકાર્યમાં આપેલા ફાળા વિશે ખરે જ ખુશી અને કૃતાર્થતાનો અહેસાસ થયો: તમારા ટ્રૂપ કૅરિયર અફસરે રેકર્ડ ટાઇમમાં દિવસરાતની પરવા કર્યા વગર 38 કલાકમાં આખી લોરીડ બ્રિગેડને એસેમ્બ્લી એરિયામાં પહોંચાડી આપવાથી મારી surprise strikeની રણનીતિ સફળ થઈ. તમે કર્તવ્યપરાયણતા દર્શાવી અને અસાધારણ ગતિથી આ કામ પૂરું કર્યું તેથી આપણે નિર્ધારિત સમયે આક્રમણ શરૂ કરી શક્યા.

બીજી ખાસ વાત: ટેંક્સને સાતત્યતાપૂર્વક આક્રમણ ચાલુ રાખવા જરૂરી હતા તેવા પેટ્રોલ અને દારૂગોળો લાવનારાં વાહનો રોકાઈ પડ્યાં હતાં, તે અણીને વખતે આવી પહોંચ્યા તેથી H-Hour પર મારી આર્મ્ડ બ્રિગેડ કૂચ કરી શકી. તમારી બટાલિયનનું આપણી વિજયયાત્રામાં આ બીજું મોટામાં મોટું યોગદાન હતું. હું તમારી સેવાપરાયણતાને બિરદાવું છું.

મારું કામ પતાવીને પરોઢિયે સાડા ચાર વાગ્યે હું કંપની હેડકવાર્ટર્સ પહોંચ્યો. ગયા ચાલીસેક કલાકમાં મને થોડીઘણી જે ઊંઘ મળી હતી તે જીપમાં ગુપ્તા સાથે વારાફરતી લીધેલાં ઝોકાં પૂરતી જ હતી. એક કલાક આરામ કરીને તૈયાર થતો હતો ત્યાં સૅમી આવ્યો. મને કહ્યું, `તને કંપની કમાન્ડર બોલાવે છે.’ તેમની પાસે પહોંચતાં જ મેજર લાલ તાડૂક્યા, `રાત્રે મને કહ્યા વગર ક્યાં જતો રહ્યો હતો? કોન્વોય ડ્યૂટી પરથી પાછા આવીને તરત મને રિપોર્ટ કેમ ન આપ્યો?’

પ્રથમ તો હું આભો થઈને સૅમી તથા તેમની સામે વારાફરતી જોતો જ રહ્યો.

`સર, આવતાંવેંત મેં 2IC (સેકન્ડ-ઇન-કમાન્ડ) સૅમીને રિપોર્ટ આપ્યો હતો, તેણે મને રિપૅર થઈ રહેલી ગાડીઓ લાવવા જવાનું કહ્યું તેથી…’ મારું વાક્ય પૂરું થાય તે પહેલાં સૅમી `એક્સક્યુઝ મી,’ કહી ત્યાંથી છટકી ગયો.

મેજર લાલે મને દસ મિનિટ સુધી તતડાવ્યો. આનું કારણ શું હતું તે પણ તેમણે મને કહ્યું. કઠુઆ બ્રિજ પાસે અટકાયેલા અમારી `બ્રાવો’ અને `ચાર્લી’ કંપનીની પેટ્રોલ તથા દારૂગોળાની ટ્રક્સ હેડકવાર્ટર્સમાં પહોંચી નહોતી તેથી ત્યાં ચિંતા અને ગભરાટનું વાતાવરણ હતું. બ્રિગેડના રિઝર્વ પેટ્રોલ અને દારૂગોળાની રસદ લેવા પહોંચેલા તેમની ટ્રક્સ તેમની રાહ જોઈને ખડા હતા. જ્યાં સુધી આ સામાન તેમને ન મળે, બ્રિગેડ્ઝને અધૂરી સામગ્રી સાથે કૂચ કરવાની ફરજ પડે. આથી ચિંતાગ્રસ્ત થયેલા અમારા CO કર્નલ ગોને મેજર લાલને પરોઢિયે ત્રણ વાગ્યે આ કોન્વોયની તપાસ કરવા બોલાવ્યા હતા. બન્ને કંપનીઓના કમાન્ડર્સનો કર્નલ સાહેબ સંપર્ક સાધી શક્યા નહોતા. મેજર લાલની ઊંઘ ખરાબ થઈ હતી અને યુનિફોર્મ પહેરી CO પાસે જવું પડ્યું હતું. તેઓ તપાસ કરવા જતા હતા ત્યાં રસ્તામાં કઠુઆ બ્રિજની પેલે પારથી મેં રવાના કરેલા કોન્વોય મળ્યા. તેમણે આ ટ્રક્સ રોકીને તપાસ કરી ત્યારે તેમને જણાયું કે આ ટ્રક્સ દારૂગોળા અને પેટ્રોલ લઈ જતી કંપનીઓની છે. તેમને આગળ જવું ન પડ્યું, પણ નીંદર ખરાબ થઈ હતી તેનો ગુસ્સો કોના પર કાઢે? તેમણે એ પણ તપાસ ન કરી કે કઠુઆ બ્રિજ પર અટકી પડેલા કોન્વોયને સમયસર લાવવા માટે કોણ જવાબદાર હતું!

હિંદીમાં કહે છે તેમ તેમની `ભડાસ’ નીકળી ગયા બાદ તેમણે કહ્યું, `જો નરેન. આક્રમણ શરૂ થવાની તૈયારીમાં છે. આપણી કંપનીમાં હવે ત્રણ જ ઓફિસર્સ છે. હું, સૅમી અને તું. મારી નિમણૂક બટાલિયનના 2IC (સેકન્ડ-ઇન-કમાન્ડ) તરીકે થઈ છે, તેથી મારે હેડકવાર્ટર્સમાં રહેવાનું છે. આલ્ફા કંપનીના હેડકવાર્ટર્સમાં સૅમી ઓફિશિએટિંગ કંપની કમાન્ડરનું કામ કરશે તે માટે તે અહીં રહેશે. આવી પરિસ્થિતિમાં ગોરખાઓ સાથે સૅમીને બદલે તારે જવાનું છે. જાટ અને ગઢવાલીઓ સાથે જવા બહારથી બે અફસર એટેચમેન્ટ પર આવ્યા છે. તું નસીબદાર છે કે તને ભારતની શિરમોર આર્મર્ડ ડિવિઝનના આક્રમક યુદ્ધમાં મોખરે રહેનારી બટાલિયન સાથે જવાનો મોકો મળ્યો છે. એટલું યાદ રાખજે કે આપણી કંપનીની જ નહીં, પણ આપણી બટાલિયનની આબરૂ તારા હાથમાં છે. લડાઈમાં એવું કોઈ કામ તારા કે તારા જવાનોના હાથે ન થાય જેથી બટાલિયનને શરમિંદા થવું પડે. ગૂડ લક એન્ડ કૅરી ઓન.’ તેમનો કહેવાનો ભાવાર્થ સરળ હતો: યુદ્ધમેદાનમાં પીઠ ન દાખવીશ.

માણસના આદર્શાે તથા નૈતિક મૂલ્યો જેટલાં વ્યક્તિગત હોય છે એટલાં જ ગોપનીય અને પવિત્ર હોય છે. મારે મેજર લાલને કહેવાની જરૂર નહોતી કે હું સેનામાં કયા ઉદ્દેશથી અને કેવા આદર્શ લઈને જોડાયો હતો. તેમને સૅલ્યૂટ કરી હું મારી જીપ તરફ ગયો. ત્યાં મારા પ્લૅટૂન હવાલદાર ઉમામહેશ્વરન્ મારી રાહ જોઈ રહ્યા હતા.

`સર, આપ બાકી કોન્વોય લેનેકુ ગિયા ઉસ દૌરાન પ્લાટૂનકા ટૈમ 5/9 GR (ગોરખા રાઇફલ્સ)મેં જાનેકા હો ગિયા થા. અમ ગાડીયાંકુ એસેમ્બ્લી એરિયામાં છોડકે આપકુ લેનેકુ આયા. ગોરખા પલટન ગાડીમેં `માઉન્ટ’ હોનેકી તૈયારીમેં હૈ ઔર આપકા ઈન્તિજાર હૈ. ગોરખા પલટનકા `યચ્ચ યવર’ (ઉમામહેશ્વરન્ના તામિળ ઉચ્ચાર મુજબ H-Hour) સિક્સ હન્ડ્રેડ યવર્સ હૈ.’ સિક્સ હન્ડ્રેડ અવર્સ એટલે સવારના છ.

અર્ધા કલાકમાં મેં દાઢી કરી, હાથ-મોં ધોયાં, મારા હૅવરસૅક તથા મોટા પિઠ્ઠુમાં બ્લેંકેટ્સ, ચાદર, બે યુનિફોર્મની જોડી, બદલવાનાં કપડાં તથા તૈયાર ભોજનના ટિનમાં પૅક કરેલા ડબા, રમની બાટલીઓ, સિગરેટ, પાણી અને દાલમોઠના પૅક ડબાઓ મુકાવ્યા. જીપ ચલાવવા માટે સદૈવ તૈયાર શિવપ્રસાદ ગુપ્તા અને મારો ઓર્ડરલી કોલ્હાપુર નજીકના કણકવલી ગામનો સિપાહી ગામા કુરણે તૈયાર જ હતા. ઉમામહેશ્વરનની સાથે અમે ગોરખા પલટનમાં પહોંચ્યા.

4 thoughts on “જીપ્સીની ડાયરી-૧૪ (કેપ્ટન નરેંદ્ર ફણસે)

 1. `They have declared war on us. Let it be known that we can and will enter their country at the time and place of our own choosing to fight this war.’
  ધન્ય શાસ્ત્રીજી
  પાકિસ્તાનમાં કૂચ અંગે આપના અનુભવની દાસ્તાને ઘણુ નવુ જાણવા મળ્યુ.
  દૂરથી અવાજ સંભળાય…
  સખિ! મારા ઓઢણામાં ભાતડી કાંઈ યમની ગૂંથી રે,
  સખિ! મારી છાંયડીમાં ઝેર લીલું ઊગે છે જો;
  સખિ! મારી કાન્તિમાં જો જોગણીનાં ખપ્પર ઝીલે રે,
  સખિ! મારાં કંકણોમાં પ્રલયગીત ગાજે છે જો.
  જવાંમર્દી ને સમર્પણની ભાવના આજેય આપણામાં છે. પણ જમાને જમાને એના આવિષ્કારના પ્રકારો બદલાતા રહે છે. છેક અભિમન્યુ-ઉત્તરાને યાદ કરીને આપણા કવિએ નવોઢા ઉત્તરા પાસે ગવડાવ્યું હતું જ ને કે,મને જુદ્ધે ચઢવાના કોડ રે બાળારાજા રે!


  કૂતરાં યમરાજના દૂત હોય છે વાતે …’
  ખૂદ શાસ્ત્રીજી…
  છાતીમા શૂળ જેવી વેદના થઇ

  Liked by 1 person

 2. બહુ સરસ વર્ણન. શાત્રીજીની યાદ અને નરેન્દ્રભાઈના કાર્ય વિષે વાંચી મન સંવેદના સભર બન્યું.
  સરયૂ પરીખ

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s