તારા ગયા પછી-ગોરધનભાઈ વેગડ- (પરમ પાગલ)-અવલોકન (પી. કે. દાવડા)


તારા ગયા પછી

તારા ગયા પછી વૃંદાવનમાં વાંસળીના સૂર ખોવાયા

સઘળા અમ ચહેરા પરના નજારા નૂર ખોવાયા

સૂકી આંખોમાં એક ભીનો ભીનો સવાલ લઈ ફરીએ

તને મળવાના સઘળાં ઠેકાણાંના રસ્તા ધોવાયા

વાંસ જેવા કૂમળા અરમાનો કરમાઈ ને સૂકાયા

તારી એક ફૂંક માટે જો અમારા કાળજા છેદાયા

શ્વાસ સિવાયનો કોઈ એક રસ્તો જીવવાનો બતાવી દે

જીવંત ઉપાય મોતના પણ સઘળા પાછા ઠેલાયા

કેટલી સંધ્યામાં આશના પડછાય થયા ગરકાવ

ને ધૂંધલકમાં ખૂદની છાયાથી ખૂદ છેતરાયા

પરમઃ આરઝુની લહેરો અથડાઈ આશાના કિનારે,

પાગલતમન્નાઓનાં પગલાં જો રેતીમાં ભૂંસાયા

ગોરધનભાઈ વેગડ– (પરમ પાગલ)

તારા ગયા પછી (અવલોકનપી. કે. દાવડા)

કાવ્યના કવિ પોતાની ઓળખાણ આપતાં લખે છે, “હું અંધારી આલમનો અલગારી ફકીર છું, પત્થર પર દોરેલી પરમાત્માની લકીર છું, હું જ સુખ ને દુઃખ માં મારી તકદીર છુ, મારી જ અભિવ્યક્તિમાં હું જ તેજ-તિમિર છું, હાથમાં વીણા પકડું તો મીરાનું મંદિર છું, એક ઘા એ કરું બે કટકા તો હું જ કબીર છું. આમ જુઓ તો પંચ-મહાભૂતનું શરીર છું, ઓળખાય અ-શરીર તો ખુદાનું ખમીર છું, પછી શાંત જુનુનમાં ઝળહળતું ઝમીર છું, ને”પરમ”માં”પાગલ”તોયે, ધીર-ગંભીર છું.”

જેમનો પરિચય આટલો કાવ્યમય છે, એમની કવિતાના કાવ્ય તત્વ વિષે મારે કંઈ કહેવું નથી. હું માત્ર કવિતામાંથી ખૂબ સ્પષ્ટતાથી આવતા ધ્વનિની વાત કરીશ. કૃષ્ણ મથુરાવૃંદાવન છોડીને મથુરા ગયા પછીનું દ્વષ્ય છે. કૃષ્ણ ગયા એની સાથે એની વાંસળીના સૂર પણ ગયા. મથુરા વૃંદાવન જે સૂરની પાછળ આનંદમાં ગાંડું થઈ જતું, એમનો આનંદ જતો રહ્યો. ચહેરાઓ ઉપર આનંદની સુરખીઓની જગ્યાએ દુખના ભાવ તરી આવ્યા.

દુખની તીવ્ર વેદના પછી નયનના અશ્રુ સુકાઈ જાય છે, અને આંખો કોરીધાક દેખાવા લાગે છે, સુકી આંખોમાં પણ એક સવાલ નજરે પડે છે, અને સવાલ છે, “ક્યાં ગયો કાનો? અરે એનો કોઈક તો અતોપતો હોય કે નહીં? એના સુધી પહોંચવાનો કોઈ રસ્તો તો હોય? અહીં તો બધાજ રસ્તા ધોવાઈ ગયા છે. જવું તો ક્યાં જવું?”

હજી પણ કવિનું ધ્યાન એમની વાંસળી ઉપર છે. વાંસમાંથી બનતા વાજીંત્રના મૂળ નરમ લીલા સ્વરૂપની વાત કરતાં કહે છે, કે વાંસ પણ સૂકાઈ ગયો લાગે છે, અને એની સાથે અમારા કેટ કેટલા અરમાન પણ સૂકાઈ ગયા છે. તારી વાંસળીમાં તું એક એક ફૂંક મારતો, અને અમારું અંતર ભીનું થઈ જાતું, પણ હવે તો પણ સૂકાઈને છેદાઈ રહ્યું છે.

તેં વાંસળીમાં શ્ર્વાસ ફૂંકવાનું બંધ કર્યું, તો હવે અમે પણ શા માટે શ્ર્વાસ લઈએ? અમને શ્વાસ લીધા વગર જીવવાનો કોઈ રસ્તો તો દેખાડ.

તારા ચાલ્યા જવાથી અમારી આસપાસનું વાતાવરણ એવું ધૂંધળું થઈ ગયું છે કે અમને અમારા પડછાયા પણ દેખાતા નથી.

છેલ્લી બે પંકતિઓમાં પોતાનું તખ્ખલુસ ગોઠવી લઈને કહે છે, કે જેમ સમુદ્રની લહેરો કિનારા ઉપર રેતીમાં પડેલા પગલાંની છાપની ભૂંસી નાખે, તેમ તારી વાંસળીના સુર સાથે તારા પગલાંની છાપ પણ ધોવાઈ ગઈ લાગે છે.

સમગ્ર કાવ્યમાં ગોપીનો તલસાટ તીવ્ર રીતે વ્યકત થાય છે.

3 thoughts on “તારા ગયા પછી-ગોરધનભાઈ વેગડ- (પરમ પાગલ)-અવલોકન (પી. કે. દાવડા)

  1. અદ્દભૂત રજુઆત…ગોરધનભાઈ વેગડ …આપને અંતર ના અભિનંદન ……હૃદયના ભાવ અને પ્રેમ છલ્લો છલ્લ દેખાય છે…કવિતા દિલ ને સ્પર્શી ગયી….ઘણા વખત પછી આવી સુંદર રચના વાંચી…`દાવડા નું આંગણું` આપણા સૌના આનંદ માટે નિમિત્ત બન્યું છે….તે આપણા સૌનું સદ્ભાગ્ય છે….આ કર્મ યજ્ઞ માં જેઓ સાથ-સાથ છે તે સૌ ને અભિનંદન

    Like

  2. ખૂબ ખૂબ આભાર દાવડા સાહેબ..
    મારો ઉત્સાહ વધારવા બદલ અને પ્રોત્સાહન બદલ🙏🙏🙏

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s